ચાર ગઝલ – યાકૂબ પરમાર 4


ગઝલ – ૧

ભૂલા પડી જશે તો? શંકા મને પડે છે,
લાંબી ટૂંકી કશે તો શંકા મને પડે છે.

હું નીકળી પડું મળવા એમને પરંતુ,
તેઓ જ આવશે તો? શંકા મને પડે છે.

સારી રીતે લખું છું આ પત્રમાં છતાં તે,
બીજું જ વાંચશે તો? શંકા મને પડે છે.

હું હાથતાળી દઇને છટકી જવા ફરું છું,
એ હાથ ઝાલશે તો? શંકા મને પડે છે.

આ જિન્દગીથી થાકી મૃત્યુ ભણી વળું છું,
એ જિન્દગી હશે તો? શંકા મને પડે છે.

ગઝલ – ર

મૌનની ભાષા વિશે શંકા નથી,
એકપણ પાસા વિશે શંકા નથી.

ઠોકરો વાગી છતાં ઉભા થયા,
કેમ કે આશા વિશે શંકા નથી.

છે ચહેરાની સજાવટ તે છતાં,
એમના વાંસા વિશે શંકા નથી.

જેમને રસ્તા સરળ દેખાય છે,
એમના ફાંસા વિશે શંકા નથી.

જિન્દગીના હર પહેલુ જોઇ લો,
મોતના જાસા વિશે શંકા નથી.

ગઝલ – ૩

જિન્દગીનું ફૂલ આજે ધૂળમાં છે,
સ્વપ્ન ફૂલોનાં જ એના મૂળમાં છે.

ફૂલ રંગોની છટાઓ પાથરે પણ,
ધ્યાન સૌનું કેમ પેલી શૂળમાં છે !

છોડ આત્માની બધીયે વાત તારી,
છેવટે તો વાસ એનો સ્થૂળમાં છે.

કોઇ એના ગુણની વાતો કરે છે,
ને નજર તો રેશમી પટકૂળમાં છે.

કોઇ ચિંતા કોઇની કરતું નથી કે,
પોતપોતાના બધા વર્તુળમાં છે.

ગઝલ -૪

સંબંધો જલની સાથે રાખવાના, પાલવે તો,
ભરોસા બુદબુદા પર રાખવાના, પાલવે તો.

મળેલો જે મીરાંને તે મળે તો ધન્ય થાશો,
ધરે પ્યાલા ભરી, તે ચાખવાના, પાલવે તો.

તમે જો હાથ આપો તે કદી પાછો પડે પણ,
બધું જાણી પછી લંબાવવાના, પાલવે તો.

મણી પણ હાથ લાગે કે મળે ઝેરી સપાટા,
કસીને હાથ સીધા નાખવાના પાલવે તો.

લડી લેવા ચહો તો કેટલા સાથે લડાશે ?
કલેશો દિલની અંદર દાટવાના, પાલવે તો.

– યાકૂબ પરમાર

યાકૂબભાઈ પરમારની કૃતિઓ સતત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકોના પ્રેમને પામે છે. આજે પ્રસ્તુત છે તેમની કલમે વધુ ચાર ગઝલરચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ચાર ગઝલ – યાકૂબ પરમાર