પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬) 13


પૂર્ણિમાબેનનો ૯ વર્ષનો દીકરો પથિક કોઈપણ કામ લાંબા સમય સુધી કરી નથી શકતો. કોઈ રમત રમતો હોય તો થોડા જ સમયમાં એ રમત મૂકીને કંઈક બીજું કરવા માંડે. વળી તરત જ કંઈક ત્રીજું જ કરે…..! જે પણ કંઈ કરતો હોય તે પૂરું પણ ન કરે. પૂર્ણિમાબેન એની સાથે બેસીને ઘણી વખત હાથમાં લીધેલી એક રમત અથવા કામ પૂરું કરાવવાની કોશિશ કરે પણ એમાં ભાગ્યે જ સફળતા મળે. જ્યારે સફળતા મળે ત્યારે પણ કાર્ય પૂરું કરવાની જવાબદારી અને ગરજ પૂર્ણિમાબેનની જ રહેતી, પથિકની નહિ. જમવામાં પણ પથિક વ્યવસ્થિત થાળી પીરસી બધી રીતે સંતુલિત હોય તેવું જમવાનું જમવા ક્યારેય બેસતો નહીં. પથિકને પેકેટમાં મળતું ખાવાનું ખૂબ ગમતું. બીસ્કીટ, વેફર, કૂરકૂરે, જેલી, મેગી, કેન્ડી, કેક વિગેરે વધુ ભાવતું અને તે પણ પેકેટમાંથી સીધું જ લઈને ખાવાનું. આ ઉપરાંત જંક ફૂડ હોય તો પથિક પેટ ભરીને ખાતો.

સરખે સરખા બાળકો સાથે હળવું ભળવું, મેદાની રમતો રમવી, ટીમ બનાવી રમવું વિગેરેમાં પથિકને રસ ન પડતો અને ઘરની બહાર જવાનું ટાળતો પણ જો આઈસક્રીમ પાર્લરમાં જવાનું હોય તો પથિક દોડીને જતો. પૂર્ણિમાબેને સવારથી દરેક બાબત માટે પથિકની પાછળ પડેલાં રહેવું પડતું. પથિકને સવારે પથારીમાંથી રોજ ખેંચીને જ ઉઠાડવો પડતો. ઊઠીને પણ પથારીમાં બેસી રહે – કેટલીયે બૂમો પાડ્યા પછી બાથરૂમમાં જાય. બ્રશ કરવાનું, નહાવાનું, તૈયાર થવાનું વિગેરે તમામ રોજીંદા કાર્યો પૂર્ણિમાબેને પાછળ પડેલા રહીને અને કહી કહીને કરાવવાં પડતાં. પથિકની સ્કૂલ બેગ ગોઠવવી, આડા અવળાં પડેલાં પુસ્તકો, બૂટ મોજાં શોધવાનું કામ તથા સરખાં મૂકવાનું કામ પૂર્ણિમાબેને જ કરવું પડતું. સ્કૂલમાંથી આપેલું લેશન પથિક જેમતેમ પૂરું કરતો અને તે પણ ગાઈડમાંથી જવાબો યંત્રવત ઉતારી જ જતો. સ્કૂલમાંથી આપેલુ પ્રોજેક્ટ-વર્ક તો પથિકને ક્યારેય કરવું ગમતું નહીં કારણ એના માટે વિવિધ જગ્યાએથી માહિતી ભેગી કરવી પડે. પથિકને તૈયાર જવાબો ઉતારવાની આદત હતી એટલે આપમેળે સમજપૂર્વક માહિતી ભેગી કરવાનું કાર્ય એને કંટાળાજનક લાગતું.

સ્કૂલમાંથી આપવામાં આવતો પ્રોજેક્ટ પુરો કરવો ફરજિયાત હોવાથી પ્રોજેક્ટ માટે જરૂરી બધી જ માહિતી પૂર્ણિમાબેન ભેગી કરતા અને પથિક માત્ર ઉતારો કરી જતો. પથિક રોજિંદા અને આપમેળે કરવાનાં મોટાભાગનાં કાર્યોમાં આળસ અને અણગમો કરતો અને સાથે સાથે ગુસ્સો અને જીદ પણ એટલી જ કરતો. પથિક કોઈ વસ્તુની માંગણી કરે તો તે અપાવવી જ પડતી નહીંતર ગુસ્સામાં ઘણીવાર ગેરવર્તણુંક પણ કરતો.

પથિકનામાં એકાગ્રતાની ખામી, કામ પ્રત્યે ધગશની ખામી, જવાબદારી પ્રત્યે દુર્લક્ષ, મહેનત કરી કંઈક મેળવવાની અનિચ્છા, faulty food habits વિગેરે નકારાત્મક બાબતો વર્તાય છે. આ માત્ર પથિક કે પૂર્ણિમાબેનનો પ્રશ્ન નથી આજે મોટાભાગની માતાઓ પોતાના બાળકની ઉપર જણાવેલી તમામ અથવા આમાની કેટલીક ફરિયાદ કરતી જોવા કે સાંભળવા મળે છે. ઘણીવાર વાલીઓ દ્વારા અથવા કોઈ Expert દ્વારા આવા બાળકોને HYPER અથવા ADHD (Attention Deficit Hyperactivity Disorder)નું લેબલ લગાડી દેવામાં આવે છે. આપણે આગળનાં લેખમાં સમજ્યાં જ છીએ કે લેબલ લાગવાથી બાળકને કેટલું અને શું શું નુકશાન પહોંચે છે.

પથિક વિષે પૂર્ણિમાબેન પાસેથી આટલું સાંભળ્યાં પછી લાગ્યું કે જો બધુંજ પથિકને ધક્કા મારી મારીને કરાવવું પડતું હોય, આગળ જણાવેલાં બધાંજ કામ જો પથિકને નિરસ લાગતાં હોય તો એવું કયું કામ છે જેમાં ખૂબ રસ પડતો હોવાથી બાકી બધું નિરસ લાગે છે? એ કામ હતું ટીવી જોવાનું. પથિક સ્કૂલ ચાલુ હોય ત્યારે રોજ ૪ કલાક અને રજાના દિવસે ૭ થી ૮ કલાક ટીવી જોતો. ટીવીમાં આવતી બધી જ જાહેરખબર પથિકને મોઢે, જે કંઈ નવું ટીવીની જાહેરખબરમાં આવે તે બધું જ પથિકને જોઈએ. પોતાને જોઈતી વસ્તુ માટે પથિક જીદ કરતો, ગુસ્સો કરતો અને કોઈકવાર તો તોડફોડ પણ કરતો. ટીવી જોવાની લાલચમાં જમવા માટે રીતસર ન બેસતાં કોઈપણ પડીકું લઈ પથિક ટીવી સામે બેસી જતો અને પડીકાનું જ અને સીધું પડીકામાંથી લઈને જ ખાતો. રાત્રે મોડે સુધી ટીવી જોયું હોય એટલે સવારે ઉઠવામાં રોજ મુશ્કેલી પડતી. તૈયાર મનોરંજન મળે એટલે ઘરની બહાર નીકળી મિત્રો બનાવી મેદાની રમતો રમવાનું આળસ આવે.

ટેકનોલોજીનાં ક્ષેત્રે થઈ રહેલો ઝડપી વિકાસ લાભકારક છે પણ એનો અયોગ્ય ઉપયોગ આપણાં બાળકોનાં વિકાસને રૂંધી રહ્યો છે. એમની સર્જનાત્મકતાને અવરોધી રહ્યો છે.

inabilities

 

Nature

 

Nature teaches

આજનો આ પથિક તથા પૂર્ણિમાબેનનો કિસ્સો ઘણી બાબતે વિચાર માંગી લે તેવો છે. આ કિસ્સાને કેન્દ્રમાં રાખીને આખી સમસ્યાને નાની નાની અનેક સમસ્યાઓમાં વિભાજીત કરી દરેક સમસ્યા પર થોડું ઊંડાણપૂર્વક વિચારીશું તો ઘણાં બાળકો તથા તેમનાં વાલીઓને તેમના પ્રશ્નોના જવાબ મળી રહેશે.

૧. પથિકનું મોટાભાગનું કામ પૂર્ણિમાબેને કરવું પડતું પથિક પોતે જાતે જવાબદારીપૂર્વક પોતાનું રોજીંદુ કામ પણ કરતો નહિ. આ તકલીફ ઘણાં ઘરોમાં છે. બાળકોને પોતાની જવાબદારી સમજતા કઈ રીતે કરવા?

૨. ખાવા-પીવા પ્રત્યેની બેદરકારી, ખોટી ટેવો મોટાભાગનાં વાલીઓનો પ્રશ્ન છે. બાળકને પડેલી ખોટી ટેવ કેવી રીતે બદલવી? આને માટે કેટલીક પધ્ધતિઓ વિકસાવવામાં આવી છે જેને સામુહિક રીતે ‘BEHAVIOR MODIFICATION TECHNIQUES’ કહેવાય છે. જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.

૩. HYPER બાળક કોને કહેવાય? ADHD એટલે શું? એનો ઈલાજ શક્ય છે? જો છે તો શું છે?

૪. નિયત સમય કરતા વધારે સમય માટે ટીવી જોવાથી બાળકો પર માનસિક અને શારીરિક શું શું અસરો થાય છે??

૫. બાળક મેદાની રમતો ન રમે તેનાથી શું શું ગેરફાયદા થાય છે અને મેદાની રમતોનાં શું શું ફાયદા છે?

આ દરેક પ્રશ્નને આપણે એક એક કરી સમજીશું. આજનાં અંકમાં આપણે બાળકોને જવાબદારીનો અહેસાસ કેવી રીતે કરાવવો તેનાં પર ચર્ચા કરીશું અને બાકીનાં પ્રશ્નો એક પછી એક આવતા અંકોમાં જોઈશું.

મા-બાપની પદવી એ એક માત્ર પદવી છે જે મેળવવા માટે કોઈ તાલીમ લેવામાં કે આપવામાં આવતી નથી. આપણા બાળકો માટે આપણે ‘GIVENS’ છીએ. આપણે નક્કી કરીએ છીએ મા-બાપ બનવાનું, બાળકને ‘જન્મવું છે કે નહિ?’ એવી કોઈ પસંદગી આપવામાં આવતી નથી. આપણાં બાળકોનાં ધરતી પરનાં અસ્તિત્વ માટે માત્ર અને માત્ર આપણે જવાબદાર છીએ, આપણે એમનાં સર્જનહાર છીએ. દરેક બાળક વિશિષ્ટ અને અનોખું છે. આપણે એમની વિશિષ્ટતાને અને અનોખાપણાંને વિકસાવવામાં માત્ર આધારરૂપ બનવાનું છે.

કુદરત દરેક જીવને એની સંપૂર્ણતા સાથે સ્વીકારે છે. ઈશ્વરનો પ્રેમ પામવા માટે કોઈ શરતો નથી હોતી. આપણાં બાળકોને જવાબદાર બનાવવાની દિશામાં આપણું પહેલું પગલું હશે આપણા બાળકોનો એમની આવડત, એમની શક્તિ તથા એમની મર્યાદા જાણી, સમજી અને સંપૂર્ણ બીનશરતી સ્વીકાર..

આજે લેખની સાથે પ્રસ્તુત થયેલ બઘાં ચિત્રો અને લખાણ આપણને સંકેત આપે છે કે ઈશ્વર જે આપણી સાથે કરે છે તે આપણે આપણાં બાળકો સાથે કરવાનું છે. બાળકોની સામે સારી/ખરાબ પરિસ્થિતિ આવવા દો અને એનો એમની પોતાની સમજ, ઉંમર, આવડત અને ક્ષમતા પ્રમાણે સામનો કરવા દો. આપણું કામ માત્ર સાથે રહી જ્યાં જેટલી જરૂર હોય ત્યાં અને તેટલું પ્રોત્સાહન પૂરું પાડવાનું છે અને એમની ક્ષમતા પર ભરોસો રાખવાનું છે.

બાળકો બિનજવાબદાર હોવાનું મુખ્ય કારણ છે આપણે એમને અનુભવની એરણ પર ચડવા જ નથી દેતા. બાળક નાનું હોય ત્યારથી ‘પડી જશે’, ‘વાગશે’ એવું વિચારી એને ખુલ્લા રસ્તા પર એકલું ચાલવા નથી દેતા, ‘દાઝી જશે’ કરી બાળક અડકે તે પહેલા ચ્હાનો કપ ખસેડી લઈએ છીએ. હા, ઈજા પહોંચાડે તેવી વસ્તુઓથી બાળકને દૂર રાખવું જરૂરી છે પણ એણે આ વસ્તુથી કેમ દૂર રહેવાનું છે તે અનુભવ કરાવવું જરૂરી છે નહિતર આપણી ગેરહાજરીમાં કુતુહલવશ થઈ અવશ્ય પોતાની જાતને નુકશાન પહોંચાડશે અથવા જરૂરી અનુભવોથી વંચિત રહેશે. ‘લેસન પૂરું નહિ કરે તો શિક્ષા થશે’ કરી બાળકનું લેશન પૂરું કરાવવા એની પાછળ પડેલા રહી બાળકને પોતાની જવાબદારી સમજવાથી દૂર તો કરીએ જ છીએ ઉપરાંત એને શિક્ષાનો અનુભવ મેળવવામાંથી પણ બાકાત રાખીએ છીએ. સમયસર ઉઠવું, તૈયાર થવું, વ્યવસ્થિત જમવું, પોતાની ચીજ-વસ્તુ ઠેકાણે મુકવી એ તમામ જવાબદારીઓ બાળકની પોતાની છે અને એમ ન કરવાથી જે પરિણામ આવે તેનો સામનો પણ બાળકે જ કરવાનો છે એવી સમજ આપવી દરેક મા-બાપની ફરજ છે. ભૂલ કરવી તે શિક્ષણનું પ્રથમ સોપાન છે. જે વ્યક્તિ ભૂલ કરવાથી ડરે તે ક્યારેય આપબળે વિકાસ નથી પામતી અને આપબળે શીખ્યાં ન હોઈએ તો આત્મવિશ્વાસની કમી રહે છે. ‘બાળકો ભૂલ કરશે’ તેનાથી ગભરાઈને આપણે કુદરતે બનાવેલાં નિયમોને તોડીએ છીએ. વળી બાળકનું કામ આપણે કરી લઈને અજાણતાં જ બાળકની ક્ષમતા પર આપણને અવિશ્વાસ હોવાનો એમને એહસાસ કરાવીએ છીએ.

કેટલાંક ઘરોમાં માત્ર સ્ત્રીઓ જ ઘરનું તમામ કામ કરતી હોય છે. પુરુષો પોતાની રોજીંદી ચીજ-વસ્તુઓ જેવી કે બાથરૂમમાં નહાવાનું પાણી મૂકવું, ટુવાલ લઈ જવો, પોતાના કપડાં કબાટમાં ગોઠવવા, જમતી વખતે થાળી પીરસવી, સવારે વાંચેલા છાપાં પાછા વ્યવસ્થિત મૂકવા, પોતાના બૂટ પોલીશ કરવાં વિગેરે જેવા અનેક કાર્યો ઘરની સ્ત્રીઓ પાસે કરાવતા હોય છે. બાળક જેવું જુએ છે તેવું જ શીખે છે. ઘરનાં કામની જવાબદારીની અસમાન વહેંચણી બાળકને બીનજવાબદાર બનાવવામાં કંઇક અંશે કારણભૂત બને છે.

મા-બાપ, ખાસ કરીને મમ્મીઓ સવારથી બાળકની પાછળ દોડતી હોવાનું બીજું એક કારણ છે પોતાનું બાળક ક્યાં પહોચવું જોઈએ, એના કેટલાં માર્ક્સ આવવા જોઈએ, એ અમુક ચોક્કસ છોકરા / છોકરીથી તો આગળ જ હોવું જોઈએ, બધું પહેલેથી જ નક્કી.. બાળકને અપેક્ષાઓનાં ડુંગર તળે દબાવી દીધાં પછી એને એમાંથી બહાર કાઢવાનાં મિથ્યા પ્રયત્નોનાં ફળ સ્વરૂપે બાળકો બિનજવાબદાર બનતા હોય છે. બાળકે પોતાનું ધ્યેય જાતે નક્કી કર્યુ જ નથી એણે શું કરવું તે પહેલેથી જ નક્કી છે, એટલે એ પૂરું કરવાની જવાબદારી પણ ધ્યેય નક્કી કરનારની જ રહે. જે ધ્યેય પોતે નિશ્ચિત ન કર્યુ હોય તેવા ધ્યેયની પ્રાપ્તિ માટે જરૂરી ચાલકબળ બાળક ક્યાંથી લાવે?

વધુ એક કારણ છે પોતે જે ન કરી શક્યા તે બાળક પાસે કરાવવાની ખેવના! બાળકે ઈતરપ્રવૃત્તિમાં પણ ભાગ લેવાનો, સ્કેટીંગ પણ શીખવાનું, ડાન્સ ક્લાસમાં પણ જવાનું, માર્શલ આર્ટ પણ શીખવાનું.. ઘણી વખત પોતાનાં અધૂરા રહી ગયેલાં અરમાનો બાળકો દ્વારા પૂરાં કરવાની ઈચ્છામાં અજાણતાં જ મા-બાપ બાળકને જીવનનાં મૂળભૂત મૂલ્યોથી દૂર લઈ જાય છે.

આપણી કલ્પના પ્રમાણે આપણે આપણું બાળક કેવું હોવું જોઈએ તેનું એક સુંદર ચિત્ર બનાવીએ છીએ અને પછી બાળકને આપણે બનાવેલી છબીમાં બંધબેસતું બનાવવાં માટે ચારેકોરથી હુમલો કરીએ છીએ. આ બધું કરવામાં મહત્વની બે બાબતો ભૂલાઈ જાય છે. પહેલી મહત્વની બાબત, આ માત્ર આપણી ઈચ્છાઓ દર્શાવતું કાલ્પનિક ચિત્ર છે.. બીજી મહત્વની બાબત, બાળકનું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે, બાળક એક પુખ્તવયની વ્યક્તિની લધુ આવૃત્તિ છે અને એ માન-અપમાન, ઈચ્છા-અનિચ્છા, ચીડ-ગુસ્સો, ગમો-અણગમો, દુ:ખ-આનંદ, વિશ્વાસ-અવિશ્વાસ, હાર-જીત, અહંકાર-ઈર્ષા.. બધું જ ઉંમર અને ઉછેર પ્રમાણે અનુભવતું હોય છે. આપણે એની અનુભવોની યાત્રાને સહજ બનાવવામાં મદદ કરવાની છે જેથી એનો વિકાસ પણ સહજપણે થાય. બાળકને જીવન જંગ લડવા માટે નહિ પણ ઉત્સવ મનાવવા માટે આપીએ..

સાથેનું ચિત્ર એક શબ્દમાં વર્ણવી શકાશે?

Who is this

આ ચિત્રને જો એક નામ ન આપી શકાય તો એક બાળક પાસે હાથી જેવી બુધ્ધિ, પોપટ જેવી મિઠાશ, માછલી જેવો તરવરાટ, સૂર્ય જેવી તેજસ્વીતા, ગરુડ જેવી ચપળતા, લક્કડખોદ જેવી મહેનત, સિંહ જેવી નેતાગીરી, કુકડા જેવી સજાગતા, ઘોડા જેવી સ્પર્ધાત્મકતા.. બધાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

– ડૉ. નીના વૈદ્ય


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬)