ગુજરાત સાહિત્ય પરિષદનું સંમેલન જ્યારે છેલ્લું નડીયાદમાં મળ્યું ત્યારે ગોવર્ધનરામ શતાબ્દીનો ઉત્સવ પણ એની સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. એ સંમેલનના પ્રથમ દિવસના સવારનું કામકાજ પૂરું થયું અને અધિવેશન વિખરવા માંડ્યું ત્યારે મુખ્ય દરવાજા આગળ શ્રી ઉમાશંકર જોષી એક સૂચનાપત્ર વહેંચતા હતા. એ દરવાજેથી પરિષદના સૂત્રધાર અને ચક્રવર્તી શ્રી કનૈયાલાલ મુનશી નીકળ્યા. તેમના હાથમાં પણ ઉમાશંકરે એ સૂચનાપત્ર આપ્યું. એ સૂચનાપત્રમાં ગુજરાતના પ્રસિદ્ધ વર્તમાન સાહિત્યકારોનાં નામની લગભગ પોણોસો સહીથી શ્રી મુનશીની સામે એક ફરિયાદ અને એક પડકાર હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ અને માળખું જે સરમુખત્યારશાહીના ચોકઠામાં જકડાયેલું હતું તેમાંથી તેને મુક્ત કરીને, લોકશાહી સ્વરૂપ આપવાની એમાં જોરદાર માંગણી હતી. મુનશી પરિષદના સર્વસ્વ હતા. જે કરતા તે થતું. જે ચાહતા તે બનતું. એમના સત્તાના મુગટમાં પરિષદ એક શોભાનું પીંછું હતું. આ અવસ્થા અને વ્યવસાયની સામે પેલા સૂચનાપત્રમાં રોષભરી ફરિયાદ હતી અને એનું સ્વરૂપ સુધારવાની જોરદાર માગણી હતી.
મુનશીને વિરોધની આ વાત ગમી નહીં, પણ આવો વિરોધ એ અવગણી શકે તેમ પણ નહોતું. એટલે એમણે એ સહી કરનારામાંથી એક નાના પ્રતિનિધિમંડળને મળવાની અને ચર્ચા કરવાની તૈયારી બતાવી. ઉમાશંકર સહિત અમે સાતેક જણા શ્રી બાબુભાઈ જશભાઈ પટેલને ત્યાં મુનશીને ઉતારે બપોરે શ્રી મુનશીને મળ્યાં. મુનશી બહુ સ્વસ્થ અને સુખી નહોતા. ચર્ચા નિખાલસ હતી. ક્યાંય અસ્પષ્ટતા નહોતી. પરિષદને લોકશાહી સ્વરૂપ આપો અને એ કાર્ય એમને પોતાને જ હાથેથી થાય તો સર્વથી ઉત્તમ.
મુનશી એમ સરળતાથી માને એવા ક્યાં હતા? કાયદાશાસ્ત્રી, સત્તાધીશ, સંસ્કારમૂર્તિ અને રાષ્ટ્રીય નેતા. એકદમ કેમ હાર કબૂલે? પ્રતિનિધિમંડળ પોતાની માગણીમાં મક્કમ હતું. ત્યાં મુનશી લાલ આંખ કરીને તાડૂક્યા, “તમે સહીઓના બળથી મને ડરાવવા આવ્યા છો? આવી સહીઓ તો હુંયે ભેગી કરી શકું.” ઉમાશંકરનો પુણ્યપ્રકોપ આ સાંભળીને સહજભાવે ભભૂક્યો, “આ નામોમાંથી દસ નામો પણ એકઠાં કરી શકો તો અમે હારીને ચાલ્યા જઈએ. આ સહીઓ કરનારા વેચાતા નથી મળતા.” અને એનો હાથ આપોઆપ મુનશીની આગળ મૂકેલા નાના ટેબલ પર પછડાયો. સૌ શાન્ત થઈ ગયા. મુનશી પણ થોડાક ઘવાયા જેવા થઈ ગયા. અને પછી તો વાતાવરણ બદલાયું. સમાધાનની હવા બંધાઈ. પરિષદનું નવું સ્વરૂપ ઘડવા માટે સમિતિ નીમવાનું નક્કી કરીને સૌ છૂટા પડ્યા. નડિયાદની સાહિત્ય પરિષદે એવો ઐતિહાસિક ઠરાવ કર્યો.
શ્રી ઉમાશંકર જોષી તે જ પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. એમનું એ વિભાગના પ્રમુખ તરીકેનું સ્મરણીય વ્યાખ્યાન “કવિની સાધના” સાંભળીને આંતરતૃપ્તિ થઈ હતી. એ જ ઉમાશંકર દિલ્હીમાં ૧૯૬૭ ઑક્ટોબર માસની ૮, ૯, ૧૦ના રોજ મળનારી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના સર્વાનુમતે પ્રમુખ ચૂંટાયા. આ પ્રસંગે એમને વિષે થોડુંક લખવું છે. અમારી મૈત્રી અને નિકટતા એટલાં છે કે એમને એ વિષે લખતાં સ્વાભાવિક રીતે સંકોચ થાય. સ્નેહના વહેણમાં તણાઈને ક્યારેય સપ્રમાણતા અને સમતુલતા ન સાચવી શકવાનો ભય પણ ખરો. એમના વ્યક્તિત્વનાં સદગુણો અને શુભ લક્ષણો ઘણાં બધાં જાણીતાંય છે. એમની સર્જક પ્રતિભા અને સર્વતોમુખી પ્રબુદ્ધિનાં સાહિત્યકાર્યોની અનન્યતા અને ઓજસની કલછટા પણ અછતી નથી. એમન જીવનયાત્રાના પગલાં અસ્પષ્ટ નથી. એમની ધન્યતાનાં સીમાચિન્હોથી ગુજરાત અજાણ્યું નથી. એમાં એમને વિષે શું લખવું એ પણ એક મૂંઝવણ છે.
છતાં એમનું વ્યક્તિત્વ જે આંતરદૈવતથી રચાયેલું છે, અને જેના સંવાદી સંવેદનમાંથી એમના શિવસંકલ્પ જાગે છે તે આત્મસંપદા વિષે અને સંકલ્પોને ચરિતાર્થ કરવાનું તેઓ જ્યાંથી સામર્થ્ય મેળવે છે તે નિસ્પૃહ, નિસ્વાર્થ અને નિરામય પ્રેમતીર્થ વિષે થોડું કહેવાની ઇચ્છાને અહીં મૂર્ત કરું છું. મને એ પણ ખબર નથી કે મારે જે કહેવું છે અને જે રીતે કહેવું છે, તે કહી શકીશ કે નહીં! પ્રયત્ન છે. સફળ ન યે થાય. આનંદ કંઈ જવાનો નથી.
ઈ.સ. ૧૯૪૭માં જાન્યુઆરીની ૨૬મી તારીખે “સંસ્કૃતિ”નો પ્રથમ અંક પ્રગટ કરવાનો મનસૂબો અમે સેવતા હતા. એ અંક વિષેની યોજના અને “સંસ્કૃતિ”ની વ્યવસ્થા તથા તંત્ર વિષેની વિગતો અમે નક્કી કરતાં હતા. ઉમાશંકર તરતમાં જ ગુજરાત વિધાનસભામાંથી મુક્ત થયા હતા. એટલે મને વિચાર આવ્યો કે ‘સંસ્કૃતિ’નું આર્થિક ભારણ અને એના સંચાલનની જવાબદારી એમને માથે જેટલાં ઓછાં હોય તેટલું એમનું તંત્રી તરીકેનું સર્જનાત્મક કાર્ય વધુ સરળ બને. એટલે જ મેં એમને વચન લખ્યું કે ‘સંસ્કૃતિ’ નું સંચાલન આપણે ભાગીદારીમાં ચલાવીએ.
એમને અતિશય પ્રેમાળ પત્ર આવ્યો. એમાં નર્યો પ્રેમ વરસ્યો હતો. છતાં એમની નિશ્વયાત્મક આત્મનિષ્ઠા અને આઝાદી ઝળકતાં હતાં. એમણે માર સ્નેહનો સ્વીકાર કર્યો. ભાગીદારીની વાતનો અસ્વીકાર કર્યો. એમણે અસંદિગ્ધપણે લખ્યું કે ઉત્તરદાયિત્વમાંથી છટકવું એમાં માણસાઈ નથી. ‘સંસ્કૃતિ’ની પ્રસિદ્ધિ પછી એનાં સુખદુઃખ અને સગવડ અગવડ વેઠવાની અને એમાંથી આનંદ મેળવવાની મારી તૈયારી છે. આપણે આ જ રીતે હવે આગળ ચાલીએ.
હું નિર્ભય થયો. એ નિર્ભયતામાંથી પ્રસન્નતા અને ઉમાશંકર તરફના સ્નેહાદાર આવ્યાં. એના જવાબમાં મેં જે પત્ર લખ્યો એમાં મારથી ચાર વર્ણની નવી વ્યાખ્યા લખાઈ ગઈ. સંઘર્ષ એ વિકાસની જનેતા છે. સંધર્ષને નમી પડે તે શુદ્ર, સંધર્ષની સાથે સમાધાન કરે તે વૈશ્ય, સંધર્ષની સાથે યુદ્ધ કરે તે ક્ષત્રિય, પરંતુ સંધર્ષમાંથી સંવાદિતા નીપજાવે તે બ્રાહ્મણ. ઉમાશંકરના બ્રાહ્મણત્વનો મારો એ સુખદ સાક્ષાત્કાર હતો.
એક વખત એક મિત્ર ઉમાશંકર પાસે એમ વિનંતિ અને દરખાસ્ત લઈને આવ્યા. મિત્રની ઈચ્છા હતી કે ઉમાશંકરે પરદેશનો પ્રવાસ કરવો. ખર્ચ બધો મિત્ર આપે. કોઇ શરત નહીં. ઉપકારની લાગણી નહીં. એમાં કેવળ ઉમાશંકરનું વ્યક્તિત્વ વધું સંપન્ન થાય એવો જ ગુપ્ત સદભાવ. ઉમાશંકરે સ્નેહનો સ્વીકાર કર્યો અત્યંત ગદગદભાવે; પરંતુ વિનંતિનો પૂર્ણ સ્વસ્થતા અને અસંદિગ્ધપણે અસ્વીકાર કર્યો. પરાક્રમ અને જીવન કમાઈની પૂરેપૂરી કિંમત ચૂકવવાનું પોતાનું ગજું ન હોય તો પારકી શક્તિ વડે જે કાંઈ મળે તેમાં ન હોય તેજ કે ન હોય શીલ.
વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી પ્રોફેસર અને એ વિભાગના વડાની જગ્યા માટે અરજી માગવામાં આવી. મને ખબર છે ત્યાં સુધી એ સ્થાન માટે ઉમાશંકરને વિશેષ વિનંતિ કરવામાં આવી હતી, પણ બે મુરબ્બી સાહિત્યકારોની પસંદગીની સમિતિમાં હોવાથી અરજી કરી શકે એમ નહોતા. એટલે ઉમાશંકરે પોતે પણ અરજી ન કરી; અને એ જગ્યા જવા દીધી. એમને એમ હતું કે આ જ્ગ્યા માટે પેલા બે મુરબ્બીનો હક્ક હતો.
એમના જીવનમાં જે સહજ ભાવે નિસ્પૃહાના ઉછેર અને વિકાસ થયાં છે તે અનાશક્ત નિરામયતાએ એમના શીલને બાંધ્યું, એમના પ્રેમને નિર્વ્યાજ બનાવ્યો અને એમના પરાક્રમને તેજસ્વિતા અર્પી. સાહિત્ય અકાદમી સથેનો એમનો ગાઢ સંબંધ કેટલો બધો નિસ્પૃહ, નિસ્વાર્થ અને તટસ્થ છે એ તો જેઓ જાણે છે તેઓ જ કહેશે કે નિકટના મિત્ર માટે પણ ખોટી લાગવગ ન વાપરવી. એવી જીવનનિષ્ઠાને કારણે કેટલીક વાર ગેરસમજણ પણ પેદા થઈ છે, પરંતુ એમણે એની પરવા કરી નથી. સત્ય ગમે ત્યારે આપમેળે પ્રગટ થશે એવી એમને શ્રદ્ધા છે.
ગુજરાત યુનિવર્સિટીના નિયમન વિભાગના ડીનની ચૂંટણી એ સ્વાર્થી અન્યાય સામેના પડકાર રૂપે લડવી પડી હતી, અને ઉપકુલપતિઓની ચૂંટણી એ આવી પડેલ આપદધર્મ હતો. એ વાત હવે છાની નથી. આ બન્ને ચૂંટણી લડતી વખતે એક પણ પ્રયત્ન ચૂકવો નહીં, પૂરેપૂરી તાકાત સંયોજવી, સંપૂર્ણ વ્યવ્સ્થાશક્તિ વાપરવી અને છતાં જણે કોઈ બીજા મિત્રની ચૂંટણી લડતા હોય એતલી અનાસક્ત નિસ્પૃહા અને તટસ્થતા જાળવીને જીતવી એ એમની જીવનવિભૂતિનું અનાસક્ત અને અભિરામ પ્રગટીકરણ છે.
સત્યની બાંહ્ય છોડવી નહીં, સ્વધર્મ સદા સાચવવો, શીલને છેહ ન દેવો અને નિષ્ઠાપૂર્વક જીવનદેવતાની પ્રતિષ્ઠા કાજે સદા હિંમતથી ઝૂઝવું એમાં એમનાં આત્મખમીરની પ્રતીતિ તો છે જ;પણ એક આત્મવાન બ્રાહ્મણની કૃતાર્થતાય છે. સફળતા નિષ્ફળતા એમના જીવનનો માપદંડ કદી નથી રહ્યો.
એમણે એક દિવસ વાતચીતમાં બહુ જ ગંભીરતા અને ગૌરવપૂર્વક છતાં સહજતાથી કહ્યું હતું કે હું ભલે કાંઈ બીજું જીવનમાં ન કરી શકું; પરંતુ કોઇ માણસ એને ધિક્કારવામાં મને વિવશ અને બાધ્ય નહીં કરી શકે. અને કોઈ પણ માણસ મારે મન અસહ્ય નથી. આ બે મારે પોતાને કરવાનાં રોજનાં કામ છે. આ અનન્ય અને વિનમ્ર આત્મવિશ્વાસના ગર્ભમાં એમનું પ્રેમતીર્થ અંતર્હિત પડ્યું છે. અહીં જ એમના જીવનનું ઝરણું વહે છે. એમના આંતરદૈવતની ને આત્મસંપદાની ગંગોત્રી પણ અહીં જ છે. આ દ્રષ્ટીએ ઉમાશંકર પૂરી ભારતીય નીપજ છે.આ ભારતીયતા – આર્યતા – Indianness એ ટાગોરની જેમ એમની ઉજ્જવળ સત્વશીલતા છે, એટલું જ નહીં, એમની વીર્યવતી તેજસ્વિતાનું પ્રેરક બળ પણ છે.
જીવન અને જીવનદેવતાના આવા જાગ્રત ઉપાસકનું ગુજરાતમાં જન્મવું અને જીવવું એ ઘટના પોતે જ એક અપૂર્વતાનું પ્રતીક છે. એમની જીવન ઉપાસના નીરખતાં કબીરની પંકતિ સાંભરે છેઃ
“સાધ સંગ્રામ હૈ રેનદિન ઝૂઝના
દેહ પર્જન્ત કા કામ ભાઈ!”
(ઑક્ટૉબર, ૧૯૬૭, ‘તારામૈત્રક’માંથી સાભાર)
– કિશનસિંહ ચાવડા
Good article.
nice artical…