કેવડિયાનો કાંટો – ધીરુબહેન પટેલ 4


(નવનીત સમર્પણ, નવેમ્બર ૨૦૦૬ના અંકમાંથી સાભાર)

‘હું ડૂબું છું.’

એણે ભંયકર અસહાયતાની લાગણીથી કામિની સાને જોયું. એ અતિશય સુંદર દેખાતી હતી અને એને એ વાતની ખબર હતી. એનો એને કશો ભાર પણ નહોતો. માછલી જેટલી સરળતાથી પાણીમાં તરે એટલી જ અભાન આયાસહીનતાથી એ એની આસપાસના વાતાવરણનો આનંદ માણતી હતી.

‘મને સહારો જોઈએ છે.. તારો હાથ, એક સ્મિત, છેવટે એક નજર.. કશુંક જે મને જણાવે કે હું તારો છું. મારા જીવવામાં, મારા સુખમાં કે પછી હા.. મારા દુઃખમાં તારો કંઈક ભાગ છે. તને જરાક અમથો, ભલે ક્ષણ પૂરતો પણ રસ છે.’ આલોકની મૌન ટોળાના ખડકો સાથે અથડાઈને પાછી ફરી. ફીણફીણ થઈને વેરાઈ ગઈ.

આલોકનાં પોપચાં ક્ષણભર બિડાઈ ગયાં. ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં ચોકઠાંમાં બંધાઈ રહેલો સમયપોતાની નિઃશબ્દ પાંખે ઊડ્યો અને આકાશમાં વિલીન થઈ ગયો. ક્યારે, ક્યારે જોઈ હતી કામિનીને પહેલી વાર? ત્રીસ વરસ પહેલાંકે ગઈ કાલે? આ જ સ્મિત, આ જ ચહેરો.. માણસને છેક જ પરવશ બનાવી દે એવી આ નજર!

શું કર્યું હતું પોતે? કુટુંબ, કારકિર્દી, નાનપણથી સેવેલાં સપનાં – બધું, બધું જ હોળીની એક પ્રચંડ જ્વાળામાં અનિવાર્યપણે ખેંચાઈ ગયું હતું અને પછી ખોવાઈ ગયું હતું.

કામિનીનો શો વાંક?

એ તો જેવી હતી તેવી જ હતી. આજે પણ છે. ક્યારેય એ પોતાના એકપણ કર્તવ્યમાંથી ચૂકી નથી. સંસારના ચાર ડાહ્યા માણસો સામે પોતાની વાત રજૂ કરવાની હોય તો આલોક શું કહે? કશી વાત જ નહોતી. હતો માત્ર ખાલીપો – ના, તેયે નહીં. પોતાના કરતાં અનંતગણા શક્તિશાળી એક ઊંડા વમળમાં ખેંચાઈ જવાનો અનુભવ. પોતના સિવાય કોઈને એ દેખાતું નહોતું. દેખાવાનું નહોતું. અને એ તો અંદરને અંદર ઊંડે ઊંડે ભીષણ વેગથી વહ્યે જતો હતો, તળિયું નહોતું, દિવાલો નહોતી. મનને જરા સરખોયે આધાર મળે એવું આસપાસ કશું જ નહોતું.

સિવાય કે આ કામિની સાથેની પહેલી પળનો ઉન્માદ – એની યાદ. કોઈ રીતે જો એને સજીવન કરી શકાય તો તો પ્રાણ બચે. પોતે છે એની અનુભૂતિ થાય. ગમે તેવો નકામો પણ આલોક નામનો એક માણસ અ દુનિયામાં હતો, અત્યારે છે એ મોટી વાતને ઝાંવું નાખીને પકડી શકાય. પરંતુ એને માટે અત્યંત જરૂરી એ હતું કે કામિની પણ એક અવિપળ માટે એની સામે જુએ, સ્વીકાર કરે કે ક્યારેક એક વંટોળમાં બન્નેએ એકબીજાને જોયાં હતાં, એકબીજાના હાથ પકડ્યા હતા અને પછી ઊડી ગયાં હતાં, પવન જ્યાં લઈ જાય ત્યાં, જ્યાં પછાડે ત્યાં.

નવાઈની વાત એ હતી કે કામિનીને આ કશું યાદ નહોતું. એ સંપૂર્ણપણે સ્વસ્થ હતી. જેવી ત્યારે, તેવી જ આજે. જીવનનો સૂર્ય મૃત્યુના મહાસાગરમાં કોઈ પણ પળે ગરક થઈ જવાની તૈયારીમાં છે તે વેળાએ પણ.

એ હસે છે, એ સુંદર દેખાય છે, એના ચહેરા પર લેશમાત્ર મૂંઝવણ નથી, તો શું એની સ્મૃતિનો લોપ થઈ ગયો છે? એ શું હમણાં જ જન્મી છે અને આવતી કાલનો એને સહેજે ડર નથી?

આસપાસની સુગંધી ભીડને વીંધીને આલોક આગળ આવ્યો. કામિનીના ખભાને જરાક સ્પર્શીને બોલ્યો, ‘ચાલ, જઈશું?’

છએક મહીનાથી એ ડ્રાઈવિંગ પણ સરસ શીખી ગઈ હતી. એ સ્ટિયરીંગ પકડતી એટલે ગાડી એની બહેનપણી થઈ જતી. થોડેક આઘે જઈને એણે આલોક સામે જોયું, ‘તમને ઠીક નથી?’

‘કોણે કહ્યું?’

‘કહે તો કોણ? પણ તમે કંઈક ચિંતામા હો તો મને ખબર પડે ને!’

‘હાશ!’ આલોકે રાહત પામીને એનો હાથ પકડી લીધો. એને તો આટલું જ જોઈતું હતું.

‘શું થયું છે?’

‘કંઈ નહીં’ પછી એ અતિશય ઉત્સાહમાં આવીને બોલવા લાગ્યો, ‘તિવારીના કાકાના છોકરાએ પ્રીમિયર મૉલમાં નીચેની છ દુકાનો લીધી છે. ચાલ, જઈશું?’

‘શું કરવા?’

‘જોઈએ, કાંઈ ગમે તો લઈએ.’

‘વગર કારણનું?’

‘કામિની! ક્યાં લગી આ કારણ – વિના કારણની ચિંતા કરીશું?’

‘કેમ આજે આમ બોલો છો? તિવારીએ ભલામણ કરી હશે.’

‘ના રે ના. તિવારીને અને એને કાંઈ બહુ બનતું નથી.’

‘તો આપણે જવાની શી જરૂર?’

‘તારે કંઈ લેવું હોય તો..’

‘ના, કંઈ નથી લેવું.’

‘ભલે તો!’ કહીને આલોકે સીટના ખૂણા પર માથું ટેકવ્યું અને સીટીમાં એક લોકપ્રિય પાશ્ચાત્ય તરજ વગાડવા લાગ્યો.

‘બહુ ખુશ છો?’

‘હં, તું નથી?’

‘હું પણ છું.’

ઘર પાસે આવવાનું થયું ત્યારે આલોકે એકદમ શાંત થઈને પૂછ્યું, ‘કામિની, તને ડર નથી લાગતો?’

‘શાનો?’

‘કશાનો પણ.. માણસને ડર તો લાગે જ ને? લાગવો જ જોઈએ.’

‘વગર કારણનો?’

‘હા.. ડર તો આપણે જન્મીએ ત્યારથી જ આપણી સાથે જન્મે છે, ક્યારેય એ આપણને છોડતો નથી અને આપણે..’

‘હં?’

‘આપણે એની સાથે જીવવું પડે છે. આંખો મીંચીને કે ઉઘાડી આંખે ક્યારેય એ આપણો કેડો મૂકતો નથી. ચાર આંગળ છેટે જ હોય છે.. હંમેશા.. હંમેશા.. છેક લગી!’

વિસ્ફારિત નેત્રે કામિની એની સામે જોઈ રહી. ધીરેથી ગાડી એક બાજુ લઈને ઊભી રાખી.

‘આલોક, શું થયું છે?’

‘કંઈ નહીં, હજુ તો કંઈ નહીં પણ ક્યારેક થશે તો ખરું જ ને!’

‘શું?’

‘કંઈ પણ થઈ શકે. પૈસા જાય, માંદગી આવે, ઝઘડા થાય, વેલ, ન થાય? કંઈક બીજું જ – અણધાર્યું પણ થાય.’

‘ત્યારની વાત ત્યારે.’

‘તને કંઈ વિચાર નથી આવતો?’

‘આવે છે ને! દાખલા તરીકે અત્યારે મને એમ વિચાર આવે છે કે હજુ કંઈ બહુ મોડું નથી થયું. ડૉક્ટર નાયપલ્લી એમના ક્લિનિકમાં જ હશે.’

‘તે?’

‘મળતા જઈએ?’

‘શું કરવા?’

‘તમને સારું લાગશે.’

આલોકનું રૂંવાડે રૂંવાડું ચીસ પાડી ઊઠ્યું. મને નાયપલ્લીની નહીં, તારી જરૂર છે કામિની! તારી.. મારે એ જાણવું છે કે મારી આખી જિંદગી શું શું ભ્રમણામાં જ જીવ્યો? ક્યારેક આપણા સંબંધના ઉદયકાળે પણ એવી ક્ષણ નહોતી આવી જ્યારે સમસ્ત જીવનનો અર્થ માત્ર આપણા મિલનમાં સમાઈ ગયો હતો? પછી શું થયું કામિની? કેવી રીતે તું એમાંથી મુક્ત થઈ આ રોજીંદુ જીવન આટલી શાંતિથી જીવી શકી?’

‘આલોક!’

‘હં’

‘જઈશું નાયપલ્લી પાસે?’

‘ના, આઈ’મ ઓ.કે.’

‘ખરેખર?’

‘ખરેખર, પણ મારે તારી જોડે થોડી વાત કરવી છે.’

‘બોલોને.’

‘તું સાચું કહે, તને જરાયે વિચાર નથી આવતો?’

‘કે?’

‘હવે કોઈ પણ દિવસે, ગમે ત્યારે – આપણી જિંદગીનો અંત આવશે?’

કામિનીએ જવાબ ન આપ્યો. માત્ર આલોકનો હાથ પકડ્યો. એ આગળ બોલવા લાગ્યો, ‘ને તો પછી – તો પછી તને એમ નથી લાગતું કે આ બધી કશીક જબરદસ્ત ભૂલ થઈ ગઈ છે? મને એ નથી સમજાતું કે હું જન્મ્યો શું કરવા? જીવ્યો શું કરવા? અને હવે એકાએક મરી જઈશ ત્યારે શું થશે? આ બધી બાવનચોપન વર્ષની જીંદગી સાથે શું બધું સંકેલાઈ જશે? આ આખો જીવનનો પ્રવાહ શેને માટે હતો કામિની? એના અંતથી તું જરાયે બેચેન કેમ નથી થતી? ડરતી કેમ નથી?’

‘બે પાંદડા ખરી પડે તેથી ઝાડ ઓછું જ મરી જાય છે, આલોક?’

‘તો આપણે બસ – સૂકાં પાન જેવાં?’

‘તેમાં શું ખોટું છે? હવામાં તરતાં તરતાં જ્યાં જવાનું હશે ત્યાં જઈશું.’

‘પણ સાથે તો નહીં ને? તો પછી આપણે મળ્યા એનો અર્થ શો? એ બધું સાવ નકામું?’

‘મને લાગે છે કે એવું તો ન હોય!’

‘તો પછી?’

કામિનીએ આસ્તેથી ગાડી સ્ટાર્ટ કરી અને ચલાવતા ચલાવતા પોતાની જાતને કહેતી હોય એમ ધીરેથી કહ્યું, ‘આપણી યાદ તો આપણી પાસે જ હોય ને! છૂટાં પડ્યા એટલે મળ્યા જ નહોતા એવું કેમ કહેવાય? અને…’

‘અને શું?’

‘બિંદી અને દિપેન તો રહેવાના ને?’

ઉંડો શ્વાસ લઈને આલોક બોલ્યો, ‘ચાલ, હવે તો ગાડી ઊભી જ રાખ!’

‘કેમ?’

‘છોકરાઓ માટે આઈસ્ક્રીમ લેતા જઈએ!’

– ધીરુબહેન પટેલ

દિવાળીની સાફસફાઈ કરતાં પુસ્તકો માટે એક કબાટ લેવામાં આવ્યું, તેમાં પુસ્તકો – સામયિકો વગેરે ગોઠવતા નવનીત સમર્પણનો નવેમ્બર ૨૦૦૬નો અંક હાથમાં આવ્યો. ધીરુબહેન પટેલની વાર્તા પુસ્તકોના ઢગલાની વચ્ચે બેસીને વાંચી અને આપણા અસ્તિત્વના, હોવાપણા અને નહીં હોવાપણા વચ્ચેની ભેદરેખાના સવાલને સ્પર્શવાનો પ્રયત્ન કરતી આ સુંદર વાત ગમી ગઈ. ધીરુબહેન પટેલના આગોતરા આભાર સાથે આજે પ્રસ્તુત છે એ વાર્તા…


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કેવડિયાનો કાંટો – ધીરુબહેન પટેલ