ત્રણ લઘુકથાઓ – ધવલ સોની 14


૧. ચુલબુલી

એ.. ચુલબુલી ..હશે ચારેક વરસની.. તેનું સાચું નામ તો.. પણ બધા લાડમાં એને ચુલબુલી જ કહેતા..

આંખોમાં હંમેશા વિસ્મયનો દરિયો જ ભર્યોભર્યો ને હોઠ પર બસ માછલી સમી ચંચળતા… તેના પગની ઘૂઘરીઓ કાયમ રણકતી રહેતી અને રોમાંચ તો આભને આંબે એટલો… આખો દિવસ બસ મધમીઠું બોલતી જ રહે… કઈ પણ નવું જુએ કે તેની આંખોમાં આશ્ચર્યના ઢગ ખડકાતા રહેતા ને હોઠ કુતુહલથી પહોળા થઇ જતા… બસ પછી તો શું કહેવું સવાલો ના સવાલો નીકળતા રહેતા.. જ્યાં સુધી તેની મમ્મી જવાબો દેતા થાકી ન જાય ત્યાં સુધી, તેની આંખોમાં અચરજના પંખી ઉડતા રહેતા ને નાનકડો કંઠીલો અવાજ એ પંખી પાછળ પીંછાની જેમ ખરતો રહેતો. એનો ગોળમટોળ ચહેરો અને માસૂમ ભોળપણ જોઇને કોઈને પણ એના પર વ્હાલ આવી જતું. એ હતી પણ એટલી વહાલી.

ઘરમાં આવતા પંખી જોઈને એ એની પાછળ પકડવા દોડતી, આંગણામાં ગાય આવે તો એની મમ્મીનો સાડલો પકડીને એને હેરાન કરતી, કોઈ મહેમાન ઘરમાં આવે ને એ મમ્મીની ઓથમાં છુપાઈ જતી… રાત્રે આકાશમાં તારાઓ જોઇને એ એની મમ્મીને એ સવાલો પૂછ્યા કરતી. એ જેટલા તોફાન કરતી એટલી એ વધારે ને વધારે એની મમ્મીને ગમતી, એના મમ્મી એને વહાલ કરતા, રાત પડ્યે એને વાર્તા સંભળાવતા અને જયારે એ વાર્તા સંભાળતી સૂઈ જતી ત્યારે એના તોફાન અને એનું ભોળપણ યાદ કરી એના મમ્મીની આંખમાંથી આંસુ ખરી પડતું.

“મમ્મી શું મારે પણ પપ્પા છે?” ને આજે ઘણાં વર્ષ પછી પહેલીવાર ચુલબુલીના સવાલનો કોઈ જવાબ નહોતો, એ દિવસે એના મમ્મી આખી રાત રડતી રહી.

હવે ચુલબુલીના સવાલો ધીરેધીરે ઓછા થવા લાગ્યા પણ એની આંખોમાં વિસ્મયનો દરિયો હજી એમને એમ જ હતો. એ હવે મમ્મીને બહુ સવાલો પૂછીને હેરાન નહોતી કરતી, એ હવે મોટી થઇ ગઈ હતી. આજે એ બહુ ખુશ હતી, આજે એની વર્ષગાંઠ હતી એટલે એ વહેલા ઉઠી ગઈ પણ એ એની મમ્મીને ન ઉઠાડી શકી. આજે એને ઘણાં ઘણાં સવાલો કરવા હતા પણ કરે તો પણ કોને… આજે’ય એના ચહેરા પર કુતુહલ તો હતું પણ હોઠ એકદમ બંધ ને સવાલો બધા ધુમાડો બનીને ગાયબ… સફેદ કપડા નીચે સૂતેલી માં ને જોઈ હતપ્રભ બનીને એ પાછળ કોઈના બોલાયેલા શબ્દ સાંભળી રહી, “લ્યો, આ બિચારી અનાથ છોકરીને માંડ એક માં મળી હતી તે પાછી અનાથ થઇ ગઈ.”

૨. ખંડેર

ખંડેર જેવું એક નાનકડું ગામ અને એવી જ એક સુમસામ રાત.. એવી જ એક એક રાત પૂરી થવામાં હતી કે પરોઢિયે નસકોરા બોલાવતા પોલીસ કોન્સ્ટેબલની ઊંઘ બગાડતી એક યુવતી ચિંથરેહાલ હાલતમાં ઉભી રહી ગઈ તેની સામે… પોતાની આપવીતી જણાવવા…

“સ.. સાહેબ… ફરીયાદ લખાવવી છે… મા… મારે.” આટલું તો એ માંડમાંડ બોલી શકી.. ને રડી પડી મુશળધાર..

“શું બન્યું ” એવું એણે સમજાવવાની જરૂર ના રહી… ઠેર ઠેર ફાટેલા કપડાં, લોહીના ઉઝરડા, વેદનાથી પીડાતી આંખો એના લૂંટાયેલ મકાનની ચાડી ખાતા હતા…

“ક્યારે બન્યું ?”…આંખો ચોળતા ચોળતા પોલીસ કોન્સ્ટેબલે પૂછ્યું, પણ જવાબમાં શબ્દો ક્યાં હતા? હતા તો માત્ર ડુસકા.. તેના ગળે ડૂમો બાઝી ગયો હતો..

“કેવી રીતે બન્યું?” અઘરા લગતા સવાલના જવાબમાં પછી માત્ર મૌન… પોલીસ-સ્ટેશનના બંધ બારણા પાછળ નાટકનો ભાગ જાણે ફરીથી ભજવાતો હોય એમ એક પછી એક રીહર્સલ થતા રહ્યા… દારૂના નશામાં ધુત પોલીસ કોન્સ્ટેબલ ધમકી આપીને સૂઈ ગયો.. ડુસકા થીજી ગયા બરફની માફક… ઉજ્જડ બની ગયેલા મકાનની હાલત હવે સાવ ખંડેર સમી જ….

પોલીસ-સ્ટેશનની બહાર આવી ત્યારે એ હસતી હતી ગાંડાની જેમ…

૩. લાજો

પ્રેમની અભિવ્યક્તિ જેવા એ ત્રણ શબ્દો સાંભળીને એના ચહેરા પર હાસ્ય આવી ગયું.. રોમેરોમમાં વીજળીક જાણે… એની “લાજો” એની સામે જ હોય અને એના ગાલ પર હાથ ફેરવી રહી હોય એવું એને લાગ્યું…

એ ઊભો હતો એની થોડે જ દુર બે યુવાન હૈયા વચ્ચે પ્રેમની વસંત ચાલી રહી હતી… સમી સાંજે દુર સાગરના પાણીમાં ડૂબતા સૂરજને જોવા અહી દરરોજ ભીડ જામતી…. પોતાની આંખે ન જોઈ શકતો હોવા છતાં એ અહી ભીડમાં દરેક માણસોના ચહેરા વાંચી શકતો.. ને એટલે જ છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ભીખ માંગતો હતો… આજે રવિવાર એટલે ભીડ જરા વધારે.. દરરોજ તો એ પણ ચાલ્યો જતો એની “લાજો”ની સાથે.. પણ રવિવારે એ મોડે સુધી બેસતો.. જ્યાં સુધી સૂરજ ડૂબી ન જાય… “લાજો” એને એક જગ્યાએ બેસાડીને ચાલી જતી.. આજુબાજુમાં જ્યાં વસંત ચાલતી હોય એની લહેરખીમાં એ બેઠોબેઠો મનોમન પ્રેમમાં ઉડતો રહેતો “લાજો”ને યાદ કરીને..

એક દિવસ એ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને એ વખતે એનો પકડેલો હાથ પછી કાયમ માટે તો પકડી રાખ્યો હતો એણે. સવારથી લઈને સાંજ સુધી એનો હાથ પકડીને “લાજો” ભીખ માંગતી… અને એ મનોમન “લાજો”ને માંગતો.

એના ચહેરા પર હાસ્ય આવી ગયું. કેટલો પ્રેમ કરતો હતો એ એને… કોલાહલ ઓછો થઇ રહ્યો હતો.. ચાલવાનું શરૂ કર્યું, આગળ વળાંકમાં જ તો એનું ઘર હતું… ઘર પણ શું ? ઉપર આકાશની છત અને નીચે જમીન..

એની ગલીમાં એ જ દરરોજનો શોરબકોર.. ક્યાંક દારૂની પાર્ટીઓ તો ક્યાંક જુગારના જલસા… ઝૂંપડામાં દાખલ થતી વખતે એને ખબર હતી કે “લાજો” નહીં હોય.. એણે કદી નહોતું પૂછ્યું, કે ન તો કદી રોકી હતી.. પણ આજે એને ચેન નહોતું પડતું. એ પૂછતો પૂછતો આગળ વધ્યો, થોડે દૂર કેટલાક સ્ત્રી-પુરુષોના ઠઠ્ઠા મશ્કરીના અવાજ સંભળાઇ રહ્યા હતા…”લાજો”નો અવાજ એ ઓળખી ગયો..

એણે હળવેથી બૂમ મારી.. “લાજો”, ને જોરથી ધક્કો વાગ્યો. જમીન પરથી ઉભા થતા એણે લાકડી શોધવાનો પ્રયત્ન કર્યો. “હેય આંધળા.. તારી લાજો અહી જ છે.. તારા ઘરે પહોચી જશે.. ચલ ભાગ અહીંથી..” એક કરડાકી ભર્યો અવાજ અને આખું ટોળું જાણે તેના પર હસી રહ્યું..

અડધી રાતે દરવાજો ખખડતા જ એણે “લાજો”ને કંઈક પૂછવાનો પ્રયત્ન કર્યો, “હટ્ટ.. સા…” ફરીથી એક ધક્કો…. પણ આ વખતે કોણ જાણે કેમ જાણે કે એક ધક્કે આખું હૃદય હચમચી ગયું.

– ધવલ સોની

નાનકડી વાર્તાઓમાં છુપાયેલ અદ્રુત વાર્તાતત્વ અને વાચકના મનમાં તેના દ્વારા ઉત્પન્ન થતી અનેક શક્ય વાર્તાઓ, અનેક શક્યતાઓથી સભર સર્જનપ્રક્રિયાની શરૂઆત એક નાનકડી વાર્તા કરી શકે છે. આજે પ્રસ્તુત છે ધવલભાઈ સોની પ્રસ્તુત ત્રણ લઘુકથાઓ. એકથી એક અનોખી વાર્તાઓ સાથે આજની સવારે તેમની આ વાર્તાઓ તેના શક્ય વિસ્તાર વિશેનું વિચારવલોણું શરૂ કરી જાય છે. ધવલભાઈ સોનીનો અક્ષરનાદને આ વાર્તાઓ મોકલવા બદલ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ત્રણ લઘુકથાઓ – ધવલ સોની