૨૪ – ૭ – ૧૯૭૦
મોશે એરલને મળ્યો. એશિયન વિભાગના તેઓ સંચાલક છે. પહેલાં નેપાલમાં રાજદૂત હતા. શ્રીમન્નજી, મદાલસાબહેનને યાદ કર્યાં. સીંડીકેટ, ઈંડીકેટની ખબર હતી – શ્રીમન્નજીનું વલણ શું છે તે પૂછ્યું. મેં કહ્યું ગવર્નરો તટસ્થ હોય છે એમણે વાત ન લંબાવી.
મારે શું શું જોવું, કોને મળવું તે વિશે બહુ સમજદારીભર્યા સૂચનો કર્યાં. કેનિયા હિંદીઓને ઈઁગ્લેન્ડમાં અથી પ્રવેશવા દેતું. તેવા કેટલાક યુગોસ્લાવિયામાં અંતરિયાળ પડ્યા છે, યુગોસ્લાવિયા તેમને જવાનું કહે છે. ઈંગ્લૅન્ડ તેમને લેતું નથી. આ કિસ્સાને યહુદીઓની ઇઝરાઈલ સ્થપાયા પહેલા યુરોપમાં જે સ્થિતિ હતી તે સાથે સરખાવીને કહ્યું, ‘પણ આમાં છેવટે તો એમને હિંદુસ્તાન લેશે તેમ હિંદી સરકારે કહ્યું છે તે તેમનું મોટું આશ્વાસન છે. અમને તો એ પણ નહોતું – અમારે માતૃભૂમિ જ નહોતી. બીજું યુગોસ્લાવિયામાં આવા વીસ અંતરિયાળ હિંદીઓ હશે, અમે તો વીસ લાખ હતા.’
ભારતની આર્થિક સ્થિતિ છેલ્લાં દોઢ બે વર્ષથી સુધરતી જાય છે તેમ પોતે જ કહ્યું. સ્વ. માર્ટિન બબરને મેં સંભાર્યા. પ્રો.ટાલમાનને મળવાની ઈચ્છા છે એમ કહ્યું એટલે તરત ગોઠવણ કરવા સૂચના આપી.
મોશે ડાયનાની દીકરીએ ગઈ લડાઈની ડાયરી લખી છે. તેમ મેં કહ્યું ત્યારે કહે, હા લખી છે. જો કે કશું પ્રોફાઉન્ડ એમાં નથી. સેનાધિપતિ અને સંરક્ષણ પ્રધાનની દીકરીની ચોપડી વિશે આમ કહેવામાં સહજ ભાવ જ હતો.
કોઈ ગુજરાતી યહૂદીઘરમાં બેચાર દિવસ રહેવાની ઇચ્છા છે એમ જણાવ્યું તો તરત સહર્ષ સ્વીકાર્યું. માત્ર હમણાં જ આવેલા હોય તેવા ત્યાં રહેવાથી ઝાઝું ન મળે. વધારે વખતથી રહેતા હોય તેની મિસ હેનરીએટા સ્વાલ્ઝના ચરિત્રમાં એવું જ નીકળ્યું. કેમ આમ બન્યું હશે તે તો નવાઈ કે ચમત્કાર ગણાય. તંતો-તંત તેવું છે, મેં હેનરીએટાનું નામ પણ બીજો ભાગ લખ્યો ત્યારે સાંભળ્યું નહોતું. સર્જનની લીલા પણ અકળ છે.
ત્યાં બેસીને તહેરાનથી આવેલાં બાળકોમાંથી કેટલાંકની આત્મકથા વાંચી. કરુણતાથી પરિસીમા છે. કેટલાંક તો તેમના મનમાં મા – બાપોએ પરાણે કઠણ છાતી કરીને વળાવેલાં. સાત વર્ષનાં – દસ વર્ષનાં બાળકો – કોઈક રીતે કદાચેય બચી જાય. બાળકો મા પાસેથી હઠે નહીં – કાંઈ કાંઈ સાચું ખોટું સમજાવી વિખૂટાં કર્યાં, શું થયું હશે એ માતાઓને! એ છોકરાંઓને પણ મોટાં થયાં, આગળ વધ્યાં પછી પણ જીવન જીવવા જેવું વર્ષો સુધી નથી લાગ્યું. પોતાનો જીવ બચાવવા મા- બાપે છોડ્યાં તેનો ડંખ – પીડા, આત્મપ્રેરણાએ તેમને દુઃખી બનાવી દીધાં. પરણ્યાં, બાળકો થયા પછી જ કંઈક સમધારણ થયાનું એ બધાં કબૂલે છે.
કેટલાંયને બીજાંઓએ દત્તક લીધાં. નાનાં હતાં – ત્રણ કે ચાર વર્ષનાં. પોતાના જ મા કે બાપ માનીને ઊછેર્યા. મોટી ઉંમરે કોઈકે ખુલાસો કર્યો ત્યારે એમને એટલો આઘાત લાગે છે કે પોતાના સાચાં મા બાપ, સગાંને શોધવા, મેળવવા વલખાં મારે છે – માળે ક્યાંથી? નરમેધમાં ઓરાઈ ગયેલાંને પાછાં કોણ આપે? ત્યારે એ લોકો પોતાના પાલિત માબાપને કહે છે. ‘અમને આ કહેવાની શી જરૂર હતી? શા સારુ સુખમાં શૂળ પેદા કર્યું?’
આ લોકો પણ લગ્ન – અને તેમાંયે બાળકો થયાં પછી અસ્વસ્થ થયાં. પણ સંસારમાં દુઃખનો આ અસીમ દરિયો રેલાવવાનું કારણ? અને છેવટે એ રેલાવનારને કુદરતે સજા શું કરી – આપધાત? પણ આ પીડાના પ્રમાણમાં આ સજા શું? ન્યાય કયાં?
આ આત્મકથનોમાં ઓસવીઝમાંથી લખેલું એક કિશોરનું કથન સૌથી હદયસ્પર્શી છે. મા-બાપને મસાણયંત્રમાં જતા જુએ છે. એકવાર એ જ મસાણયંત્રની આગ પાસે ટાઢ ઓલાવવા, તાપવા માટે સિપાહીઓ એને બોલાવે છે. આવા કરુણતમ કટાક્ષો તો કેટલાય પ્રસંગોમાં છે.
મનોબળ બાળકોનેય કેટલીય સહનશક્તિ આપે છે. તેનો આ પુસ્તક પુરાવો છે. આપણા બધા કિશોરો-યુવાનોને તે વંચાવવું જોઈએ. પુસ્તકનું નામ છે. કમ ફ્રોમ ધ ફૉર વિન્ડઝ.
૨૮, ૨૯-૭-૧૯૭૦
બાર્નેયા ગીલાડી વગેરેને મળ્યો.
બેઉ દિવસ યેદ વે શામની લાઈબ્રેરીમાં ગાળ્યા. કેહીંકર કરીને હિંદી જ્યુને મળવાનું થયું. બજારમાં સાથે કૉફી પીધી. તેણે કહ્યું કે અહીં વેસ્ટર્નર જ્યુનું ચલણ વધારે છે. અમારે એશિયન જ્યુને માતે ખાસ જ્ગ્યાઓ માગવી તેવો વિચાર આવે છે. મેં તેને કહ્યું કે લોકશાહીમાં તમારા મતો સંગઠિત હશે તો વહેલે મોડે અસર થશે જ- છૂટકો જ નથી. પણ તમારી એકતા(યહૂદીઓની) માં કાંઈ વાંધો આવે તેવું ન કરવું. સાંજે ફરવા જતી વખતે એક જુવાન મળ્યો. મુંબઈથી બે વર્ષ પર આવ્યો છે. પોલીસની તાલીમ લીધી, હવે પોલીસ છે. સાડા ચારસો પાઉન્ડ પગાર મળે છે. તેના ઉતારા પર આવવા બહુ આગ્રહ કર્યો. તેણે ફરી ફરીને કહ્યું – ‘આ તો અમારી પવિત્ર ભૂમિ છે પણ હિંદુસ્તાન તોઅમારી જન્મભૂમિ છે.’ તેનાં માબાપ મુંબઈ છે.
૩૦-૩૧ ઑગસ્ટ
હોટલ અરગેનમમાં ઊતર્યો છું. ભૂમધ્યને કાંઠે એકરની પાસે જ છે. એકર અહીંથી બે ફ્લાઁગ છે. વોર્સો ઘેટોવાળા કિબુત્ઝમાં બેઉ દિવસ ગયો. અહીં વોર્સોના બનાવનું મ્યુઝિયમ છે. વધારામાં કેટલાક જાણકારી વધારે. તુલનાત્મક હોય તેટલું જ ઉમેર્યું.
તેણે કહ્યું, ‘હિન્દુસ્તાનના પ્રશ્ર્નો તેના કદની જેમ જ મોટા માપના છે. વાત કરતાં કહે તમારે ફરજિયાત શિક્ષણ માટે જે શિક્ષકો જોઈએ જોઈએ, તેના શિક્ષકોને તાલીમ આપનારનો આંક એક વાર એક મિત્રે મને આપ્યો; તે જ સ્તબ્ધ કરનારો હતો. તમારા પ્રશ્ર્નો એટલા વિશાળ પરિમાણના છે કે તેના વિશે મત પ્રદર્શિત કરવો અવિનય ગણાય.’
૨૬-૭-૧૯૭૦
આજે હિટલરના નરમેધ યજ્ઞમાં હોમાયેલાનું સ્મારક જોયું અને વોર્સો ઘેટ્ટો અંગેનું કેટલુંક લખાણ વાંચ્યું. સહન કરવાની શક્તિમાં તો યહુદીઓમાં ઢીલાપોચા માણસો કે હિટલર સાથે સમાધાનથી ચાલવાની વાત કરનારા નહોતા તેમ નથી, પણ તેવા થોડા હતા. કેપલેનની પ્રસ્તાવનામાં થ્યુસીડીડીસનું વાક્ય હતુંઃ ‘આ પુસ્તક મેં વર્તમાનકાળના વાંચનારાને બે ઘડી આનંદ મળે તે માટે નથી લખ્યું. મેં બધાને સર્વકાળે ઉપયોગી થાય તે માટે લખ્યું છે,’ તે ગમ્યું.
‘નરમેધ’ સંગ્રહસ્થાન વિશે ઘેર પત્ર લખ્યો છે, તેમાં મારા સંવેદનો છે, પણ ‘પાથ ઑફ રાઈચીયસ જેન્ટાઈલ્સ’ની કલ્પના હદયસ્પર્શી બની. દરેક ઝાડ નીચેની તકતી અને એની કહાણી છે. એનો અર્થ એવો જ થાય કે કોઈ ‘ચોઝન પીપલ’ નથી – દરેક પ્રજામાં પારકાં માટે નિસ્વાર્થપણે પ્રાણ પાથરનારા પડ્યા છે. તે શક્તિ વિદ્રાનોમાં જ હોય તેવું પણ નથી. પહેલા નંબરના વૃક્ષ પાસેની જે તકતી જે બાઈની છે તે ઘરમાં કામવાળી બાઈ હતી. એને શેઠે નજરબંદ છાવણીમાં જતી વખતે પોતાની દીકરીની સોંપણી કરી. માથે મોત ગાજતું હતું. યહૂદીને રક્ષણ આપનાર, સંઘરનાર કે ખાવાપીવાનું – દેનારને પણ મોતની સજા થવાની હતી, તે જાણવા છતાં જવાબદારી લીધી, ઘરનાં છોકરાં કરતાં વધારે જાણવણી કરી, લડાઈને અંતે શેઠને ગોતી સોંપણી કરી. દરેક વૃક્ષની આવી જ કહાણી છે. એની આગળ તપસ્વીઓ કે સાધુઓ તો શું હિસાબમાં ગણાય! જોકે આમાં કેટલાક ખિસ્તી પાદરીઓ પણ છે. ‘કોને ગાઉં ન ગાઉં, અગણિતમહીંથી એકને તારવીને!’ અધિકારીઓમાં બધા વિવેકી, આપણને ઉપયોગી થવા તત્પર હોય છે. સંગ્રહસ્થાનની ગ્રંથપાલ બાઈને મારો હેતુ સમજાવ્યો તો એણે બધાં પુસ્તકો ખોળી કાઠયાં. તેમાં એક ટાઈપ કરેલી નોંધ હતી તે મને ઉપયોગી લાગી એટલે મેં તે આપવા કહ્યું – તરત કહે, ‘બીજી નકલ હોય તો વિચારી શકાય’ તપાસ કરીને કહે, ‘બીજી નકલ નથી દિલગીર છું. પણ તમને ફોટોટેસ્ટ કોપી કઢાવી આપીશ.’ વળી કલાકે પછી આવીને કહે, ‘બીજી નકલ મળી- જુઓ આ રહી’. પોતના ઉપરીને નકલ બતાવી મને આપી એટલે મેં કહ્યું ઘણો ઉપકાર થયો, વધુ એક કરશો?’
‘કહો શું કરું?’
‘આ નોંધ પર તમારા હસ્તાક્ષર કરો.’ તે કહે ‘તો તે મિ.સ્ક્રોપ્સે (તેના ઉપરીએ) તે કરવા જોઈએ, તે ઉચિત્ત થશે.’ મારે તો તેના અક્ષર જોઈતા હતા. કારણકે સૌજન્યભરી મહેનત તેણે કરી હતી. એટલે કહ્યું, ‘તમે કહો છો તેમ; તે ફરી મિ. સ્ક્રોપ્સ પાસે જઈ તેની સહી લઈ આવી અંદર લખ્યુંઃ ‘અમારા અતિથિને તેમની મુલાકાતના સ્મરણમાં.’
૨૭-૭-૧૯૭૦
યુથ એલૈયાવાળા મિ. ગીનાને મળ્યો. મિસ હેનરીએટા સ્વાલ્ઝ વિશે જાણવું હતું, તેના પત્રો અને જીવનચરિત્ર આપ્યું, નવાઈની વાત એ છે કે મેં કલ્પનાથી ક્રીશ્વાઈનને રેથન્યુ જોડેના સંબંધમાં પ્રેમભગ્ન ચીતરી છે, અને પછી યહૂદી બાળકોને બચાવવામાં સમર્પિત કરી છે. ચિત્રકારોનાં ચિત્રો છે. એમાં એક પૉલિશ ચિત્રલેખાનાં ચિત્રો નોંધપાત્ર લાગ્યાં, નજરબંધ છાવણીમાં એટલે ચિત્રોમાં આનંદની લહેરખી તો ક્યાંથી હોય!બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, યુવતીઓ બધાનાં ચહેરા ગંભીર, ચિંતાગ્રસ્ત; આ નજરબંધ છાવણીઓ જર્મનીમાં નહિ, પણ ફ્રાન્સમાં અને પૉલેન્ડમાં હતી, એટલે ચીતરી શકાયાં.
આ કિબુત્ઝમાં બધા પોલીસ લોકો જ છે. એક આદર્શને લક્ષમાં રાખીને ગોઠવાયું છે.
૧) કોઈની પાસે મિલકત ન હોય. જૂની હોય તે આપી દેવાની.
૨) પુરુષ અને સ્ત્રી બંને સભ્ય હોય.
૩) સરખું કામ, સરખું વેતન.
૪) કામ પણ ફરતું રહે.
૫) માંદગી – બાળકોનું શિક્ષણ, તેની જવાબદારી કિબુત્ઝ લે.
૬) બાળકો તેના છાત્રાલયમાં રહે. મ બાપને મળવા અવારનવાર આવે.
૭) થોડી હાથ ખરચી દરેકને મળે, તે ઇચ્છે તેમ વાપરી શકે.
આ બધું તો સારું છે. પણ બે માસના બાળકને પણ તેના ઘોડિયાઘરમાં રહેવાનું – મા ત્યાં ધવરાવવા જાય, ઉછેરે તો આયાનું કામ સ્વીકારેલ સ્ત્રીસભ્ય. તે વધારે પડતું છે. તજ્ઞ આયા માનું સ્થાન લઈશકે તે વાતમાં તજ્ઞતાનો મોહ છે. બાળકો દસ વર્ષ સુધી તો કુટુંબમાં જ રાખવાં જોઈએ. હા, તેની માને વધારે જ્ઞાન આપી કુશળ માતા બનાવી શકાય. પણ આમાં પ્લેટોનો તજ્ઞ દ્રારા જ કામ લેવાનો ધખારો છે અને બીજી બાજુ વિનોબાજીના જેવિ મનુષ્ય સ્વભાવ વિશેનો સરલ ઉચ્ચાશયી મનોભાવ છે કે સૌ બીજાંના બાળકોને પોતાના બાળક જેટલાં જ ચાહી શકે. જેમ વિનોબાજી પહેલાં જે ગ્રામદાન અંગે કહેતા કે ગામ આખું કુટુંબ છે. એટલે ગમે તેના ખેતરમાં મારા ખેતર જેવા ભાવથી કામ કરી શકું. થોડા સંતો માટે આ સાચી વાત છે. તેમને ‘વસુધૈવ કુટુમ્બકમ’ હોય છે, નહિતર દુનિયાના પાપની ચિંતામાં બધાંને પાપમાંથી પાછા વાળવા ઈશુ શૂળીએ ચડ્યો જ ન હોત. પણ સામાન્યજન માટે એ શક્ય નથી. આમાં તો એરીસ્ટોટલ જ બરાબર લાગે છે કે, ‘બધા સદગુણોનું ધરુવાડિયું કુટુંબ જ છે’ કેટલાંક કિબુત્ઝમાં હવે બાળકો માબાપ સાથે રહે તે ઈચ્છનીય ગણાવા માંડ્યું છે તે સારું પ્રસ્થાન છે- એના જ એક સભ્યે તેનું કારણ આપ્યું તે નોંધપાત્ર છે. તેણે કહ્યું કે ઝીણવટભર્યું અવલોકન કરતાં અમને લાગ્યું કે બાળકોને મા-બાપની પડખે સૂવામાં જે નિશ્વિતતા અને સલામતીનો અનુભવ થાય છે તે આવાં ઘોડીયાઘર કે છાત્રાલયમાં થતો નથી. અને સલામત હોવાનો સંસ્કાર તંદુરસ્ત માનસવિકાસ માટે ઉપયોગી લાગ્યો છે. આથી કેટલાંક કિબુત્ઝમાં નવ-દસ વર્ષની ઉંમર સુધી મા-બાપ સાથે રહે તેવું શરૂ થયું છે.
કિબુત્ઝમાં બે બહેનોની જોડે નિરાંતે વાતો થઈ. મિસિસ પોલી. અંગ્રેજીની શિક્ષિકા. વોર્સોમાં હતી તે વખતે સાત-આઠ વર્ષની. હિટલરના ઉલ્કાપાત વખતેકિશ્વિયન ઘરોને તેને આશરો આપ્યો. પોતાનાં છોકરાં જોડે જ સાચવી. લડાઈને અંતે ઈંગ્લૅન્ડ પહોંચાડી. તેની માને કેટલાક ક્રિશ્વયનોએ આશરો આપી બચાવી હતી. તેના કહેવા મુજબ કિબુત્ઝમાં અંગ્રેજી ચોથા ધોરણથી શરૂ કરે છે. અઠવાડિયાના ચાર વર્ગો હોય છે. સરકારી શાળાઓમાં પાચમાં ધોરણથી. પહેલાં છઠ્ઠાથી હતું. મૅટ્રિકમાં અંગ્રેજી અનિવાર્ય છે. જો યુનિવર્સિટીમાં જવું હોય તો તેમાં ‘બ’ વર્ગ ન હોય તો ત્યાં અંગ્રેજીના વધારાના વર્ગો ભરવા પડે. યુનિવર્સિટીની કક્ષાએ પણ હિબ્રુમાં જ ભણાવે છે. પરદેશના પ્રોફેસરો અંગ્રેજીમાં ભણાવી શકે પણ અંગ્રેજીનું સારું જ્ઞાન આવશ્યક છે તેવું સૌ સમજે છે. જ્ઞાનનો બધો ગ્રંથભંડાર હિબ્રુમાં ન ઉતરે તેમ સ્વીકારીને તેઓ ચાલે છે.
બીજી બાઈ ઈસ્વા રૂબેન- પૉલિશ. યહૂદી, પણ તેનો ચહેરો યહૂદી જેવો નથી. એટલે ઓસવીઝમાં હતી પણ બચી ગઈ, છાવણીનો નંબર પણ હાથ પર છૂંદેલો તે બતાવ્યો પણ યહૂદી નહિ એટલે મસાણયંત્રમાં મોકલવામાં વારો પાછળ રહ્યો, વાતો તો ત્રાસજનક હતી જ.એનેય સંભારતા કષ્ટ થતું હતું. તેણે કહ્યું, હું બચી ગઈ. મારી જોડે કેટલીયે પૉલિશ, ફ્રેંચ સ્ત્રીઓ હતી, તે ન બચી. કારણકે હું જુવાન હતી. મારામાં જીવવું જ તેવિ સંકલ્પ હતો અને હું સુંવાળપમાં ઊછરી ન હતી. કેટલીય અમીર ફ્રેંચ જુવાન છોકરીઓને મરી જતી મેં જોઈ કારણકે તે લગીરે ખડતલ નહોતી.
અંતે તેણે કહ્યું,’યુદ્ધ ન જોઈએ, ન જોઈએ. ઘણું થઈ ગયું. હવે પુનરાવર્તનમાંથી બચી જઈએ.’
વળતા એક હિંદી યહૂદી દાક્તર મતસુરને ત્યાં જમ્યો. તેની પત્ની ઈરાકી છે. બંને હિંદુસ્તાનમાં ભણ્યાં છે. તેણે કહ્યું, હિંદુસ્તાનમાં મારા મિત્રો બધા હિન્દુસ્તાની જ હતા- કોઈએ મને યહૂદી હોવાથી કદી અવગણ્યો નથી. ત્યાં એન્ટી સેમેટીઝ્મ યહૂદીવિરોધ છે જે નહીં. ત્યાંના યહૂદીઓને ખ્યાલ જ નથી. પણ હિંદુસ્તાન ઈઝરાઈલનો સ્વીકાર નથી કરતું તેનું દુઃખ વ્યક્ત કર્યું છે.
એમના પાસેથી જાણું કે તેમને ત્યાં ત્રણ કલાક માટે આવનાર કામવાળીને પાંચસો રૂપિયા આપે છે.
સમુદ્રમાં નાહ્યો- સ્નાન માટે તો કિનારો બહુ સલામત અને સુંદર છે.
૧-૮-૧૯૭૦
સવારે નાઝરેથ ગયો. અહીમ એકરથી દોઢ કલાકનો રસ્તો છે.બસોનું બહુ સુખ છે. નાઝરેથ તો ટેકરીઓ પર વસેલું છે. પાર વગરનાં નવાં મકાનો થાય છે. બે ત્રણ મોટાં દેવાળો છે. મુખ્ય દેવળ ભવ્ય – શાંત છે. કેટલાંક ચિત્રો, ખાસ કરીને ‘દયાળુભરવાડ’ અને ‘મેરી’ બેઉ સારાં છે. આ જ ગામમાં ઈશુ હર્યો ફર્યો હશે, તેની મા મેરી – આ વહી જતાં ઝરણામાં પાણી ભરવા આવતી હશે એ કલ્પના સાથે તે જ જગ્યાએ કોકોકોલાની પ્રવર્તમાન સંસ્કૃતિ કેટલી બધી દૂરની લાગે! આરબોની વસ્તી વધારે લાગી. ખાસ્સો વેપાર કરતા હતા, ટેક્સીઓ, બસો, મોટેભાગે એમની જ હતી. રસ્તો રોકાઈ જાય તેટલી ટેક્સીઓ-બસો ચોકમાં જોઈ.
મુખ્ય દેવળમાં હબસીઓનું મોટું મંડળ પણા હતું. ભક્તિભાવ થી ફરતાં હતાં. એક જણને પૂછયું તો કહ્યું, ‘ઝાંબીઆના છીએ.’
વળતાં કિબુત્ઝ યોગુરમાં રહ્યો. ત્યાંના હિંદી સભ્ય સોલોમન ડેવીડને મળ્યો. તેની પત્ની હજુ મરાઠી બોલે છે. ચા- ફળ- શરબત પીરસ્યાં. જમવાનો આગ્રહ કર્યો પણ રુચિ ન હતી. છોકરી નર્સ થઈ પરણી ગઈ છે, બે છોકરા મિકેનિક થયા છે. એકંદરે સુખી છે. ત્યાં ઈસીહા સોલોમન કરીને તાજો જ મુંબઈથી આવેલો યુવાન મળ્યો. એન્જિનિયરિંગનું ભણે છે. ગુજરાતી બોલે છે, સમજે છે, દેશનું રાજકરણ ચર્ચ્યું. ઈસીહા મજાનો યુવાન છે, અહીં આવીને પરણેલો છે. તેના સસરા કિબુત્ઝમાં છે, એટલે કિબુત્ઝમાં પોતે રહે છે. ને હૈફા ભણવા જાય -આવે છે. શરૂઆતમાં નોકરી કરી ત્યારે છસો-સાતસો પાઉન્ડ પગાર મળતો.
કિબુત્ઝ જોયું. મોટો વિસ્તાર છે. જમવાનો ખંડ તો ભવ્ય જ કહેવાય. એક સાથે છસો માણસો બેસે. સફાઈ તો મન પ્રસન્ન થાય તેવી. બધું યંત્રથી જ- એટલે સાધારણ આવડતવાળો હર કોઈ માણસ કરી શકે. આ લોકોના ભોજનમાં પણ આપણા જેવી ખટપટ નહિ તે ખરું. શાક બાફવાનું – બ્રેડ તૈયાર આવે – માખણ – ચીઝ તૈયાર, ફક્ત સૂપ કરવાનો. આમાં કાંઈ વિશેષ આવડત ન જોઈએ. યંત્રથી જ વાસણો ધોવાય- કપડાંનું પણ તે જ. એટલે શ્રમ વિશેની સૂગ પણ ઓછી જ ઉપજે. અહીં જ ખાવાનું ઘેર લઈ જવાની કે લઈ જઈને રાંધવાની પણ છૂટ છે ખરી, પણ તેવું બહુ જ ઓછા જણ કરે. અહીં કરેણ જોઈ. પપૈયા અને કપાસની ખેતી કરે છે. કિબુત્ઝને પોતાની ફળ પેક કરવાની, ટીનના ડબ્બા બનાવવાની ફેક્ટરી પણ છે. મરઘાંઉછેર મોટા પ્રમાણમાં . મરઘાં-ઘરને જરૂર મુજબ ઠંડું ગરમ રાખી શકાય તેવી સગવડ છે. ‘અમારે તો માણસ માટેય નથી!’ ડૅન્માર્કમાં મે મોટા અલમસ્ત ડુક્કરોને પેનીસીલીનનાં ઈન્જેક્શન અપાતાં જોયાં ત્યારે આવી જ લાગણી અનુભવેલી. ભાગ્યશાળી કહેવાય આ મરઘાં ને ડુક્કરો અમારા કરતાં.
ઈસીહા પાસેથી જાણ્યું કે ધર્મનું પરિબળ નવી પેઢીમાં ઘટતું જાય છે, પણ બાઈબલ તરફની એક પ્રકારની અહોભાવની લાગણી છે જ અને અરબો સામે દેશને બચાવવાની સરફરોશી છે.
આ લોકોએ પણ ઇઝરાઈલ બાબતની ભારતની નીતિની ચર્ચા કરી. મેં તેમને મુસ્લિમ લોકોના પ્રત્યાઘાતો તેમ જ મુસ્લિમ દેશો સાથે બસો કરોડ રૂપિયનો ભારતનો વેપાર છે તેનો ખ્યાલ આપ્યો. ઇઝરાઈલ વિશે સહાનુભૂતિ છે છતાં ઉપરની હકીકતને લીધે કોકડું ગૂંચવાયેલું રહે છે – કે રાખે છે, તેમ સમજાવવા મહેનત કરી.
ઇસીહાએ મને માહિતી આપી કે જોર્ડન તો ઇઝરાઈલ જોડે યુદ્ધની સ્થિતિમાં રહ્યું છે છતાં તે ઇઝરાઈલમાંથી લાખો રૂપિયાનાં સીમેન્ટ, શાકભાજી, માખણ લઈ જાય છે. જોર્ડન જો ચાલુ લડાઈએ આ કરે તો ભારતથી કેમ ન બને? તેણે માહિતી આપી કે ઇઝરાઈલે ફોસ્ફેટનાં ખાતરો બીજા કોઈનાં કરતાં દસ ટકા ઓછા ભાવે મુંબઈ કિનારે પહોંચાડવાની તૈયારી બતાવેલી છતાં ભારતે તે ખાતરો ન લીધાં. તે વખતે પોતે ફોસ્ફેટ ખાતરોનાં કારખાનામાં મદદનીશ ઈજનેર હતા.
હોટલના વ્યવસ્થાપક મિ. નાડલન મઝાના માણસ છે. વાતો કરવાના ઉત્સાહી છે. જ્યારે જોઉં ત્યારે કહે, ‘કહો પ્રોફેસર – શું સવાલો છે? પોતે સોશ્યલ વેલ્ફેર ખાતામાં એ. આ હોટલ તેનાં પત્ની ચલાવે છે. એકર સુધરાઈને પિસ્તાળીસ હજાર પાઉન્ડ વર્ષે આપવા તેવો કોન્ટ્રેક્ટ છે. મૂળે આ હોટલ પર કાબૂ એકર મ્યુનિસિપાલિટીનો છે. શાક-ફળની ખેતી કેમ સદ્ધર બને તે માટે તેનાં બૉર્ડૉ ખેડૂતો જોડે કેમ કરારો કરી – ભાવનું, બજારનું રક્ષણ આપે છે. તેનો સરસ ખ્યાલ આપ્યો. ઉપરાંત સરકાર નાગરિકને આરોગ્ય જાળાવવા માટે જેટલી કેલેરી જોઈએ તેને લક્ષમાં રાખી એક ફૂડ બાસ્કેટ સ્કીમ બનાવે -અને તેમાં સમાવેશ થતા ઓય તે પદાર્થો નાગરિકને નક્કી ભાવે મળે જ તેવું ગોઠવે છે. આમાં ખાંડ, દૂધ, શાકભાજી-બ્રેડ્ બટર, માંસ-ઈંડાનો સમાવેશ થાય છે. જુદાં જુદાં બૉર્ડો ઉત્પાદકો સાથે કરારો કરી આ પદાર્થોના ભાવો નાગરિકને પરવડે તેવા રહે તેવું ગોઠવે છે. કોઈકવાર જરૂરી લાગે તો સબસીડી- તેના ઉત્પાદકોને આપે છે. દૂધમાં હાલ તેવું કરે છે.
– મનુભાઈ પંચોળી ‘દર્શક’
(‘દેશવિદેશે’માંથી સાભાર)
ફોસ્ફેત ખાતર્મા આપના
નેતાને કમિસન નહિ મલતુ હોયઈ અતલે ૧૦% ઓચ્હભવે ખાતર ના લિધુ હોય !
મનુભાઇ નો આ લેખ વાંચી ને ખરેખર આનંદ થયો.