બેગમ અખ્તર, આજ ભી… – અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા 8


આ પડદા, આ શીતળ વાતાનુકૂલન, કેમ ઓગાળો છો તડકીલા તીખા મયમાં!
અરે ઓ અખ્તરીબેગમ ! ઘૂંટો છો કાં અલસ બપ્પોરને એક દર્દના લયમાં?

-મીનાક્ષી ચંદારાણા

ગઝલ શબ્‍દ કાને પડે, તેની સાથે તરત જ બે નામ ગઝલના પર્યાય સ્‍વરૂપે માનસપટ પર અનિવાર્ય રીતે ઝબકી જાય. શબ્‍દો માટે મિર્ઝા ગાલિબ, અને સ્‍વરો માટે બેગમ અખ્‍તર. ગઝલના માણતલ થવું હોય, તો આ બે નામોના જાણતલ થવું અનિવાર્ય! અને બેગમનું નામ પડે એટલે ભલભલા ગઝલગાયકો ગાવાનું બંધ કરી, ઊભા થઈ, અદબ વાળીને કતારબંધ ઊભા રહી જાય! બેગમનો સ્‍વર દૂરથી પણ કાને પડે એટલે ગઝલશોખીનો કાન સરવા કરીને અને આંખો બંધ કરીને, બધાં કામકાજ છોડીને, ડૂબી જાય એ મદહોશ કરી મૂકતા અવાજને સાંભળવામાં!

બેગમ અખતર! ભાગ્‍યે જ કોઈ એવો ગઝલશોખીન જોવા મળે, જેણે બેગમ અખ્‍તરની ગઝલો સાંભળી ન હોય! જેણે બેગમના અવાજની મધુરતા માણી નથી તેણે ગઝલગાયકીને જરાયે જાણી નથી એવું કહેવામાં જરાયે અતિશયોક્‍તિ નથી.

તવાયફ શબ્‍દ આજે તેનો મૂળ અર્થ તો ક્‍યારનોય ખોઈ બેઠો છે. આજે તો તવાયફ શબ્‍દ બોલતાંની સાથે જ હિંદી ફ્‍લ્‍મિના મુજરા જેવા નખરાંઓ યાદ આવે. પણ વર્ષો પહેલાં મૂળે શાસ્ત્રીય સંગીત પર આધારિત ઠૂમરી, ગઝલ વગેરે ગાઈને રાજ-મહારાજા-નવાબોનું મનોરંજન કરનાર સ્ત્રીઓ સાથે આ શબ્‍દ જોડાયેલો હતો. જો કે ત્‍યારે પણ સ્ત્રીઓ સાથે સીધી રીતે સંકળાયેલો હોવાથી પુરુષપ્રધાન સમાજમાં એ શબ્‍દ કંઈ ખાસ આબરૂ તો ધરાવતો ન જ હતો. પણ જેમ કમળ કાદવમાં જ જન્‍મ લેતું હોય છે, તેમ ઉત્તર પ્રદેશના નાનકડા ગામ ફૈઝાબાદમાં ઑકટોબર 7, 1914ના દિવસે જન્‍મેલા બેગમ અખ્‍તર, મૂળે તવાયફ કુટુંબનું ફ્‍રજંદ. એ કારણે બેગમનું મૂળ નામ અખ્‍તરીબાઈ ફૈઝાબાદી. તવાયફ કુટુંબ સાથે સંકળાયેલાં હોવાથી સંગીત સાથે ગર્ભનાળથી જ નાતો.

બહુ નાની ઉંમરથી જ તેમને સંગીત પ્રત્‍યે લગાવ થઈ ગયો હતો. સાતેક વર્ષની ઉંમર હશે ત્‍યારે, તે સમયની ગામેગામ ફરીને ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરતી જાણીતી ગાયિકા ચંદ્રાબાઈની ગાયકીથી અખ્‍તરીબાઈ ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. ગળું તો બહુ નાનપણથી જ કેળવાઈ ગયું હતું. પણ ચંદ્રાબાઈની જેમ પોતાના ગળાની નુમાઈશ કરીને ગઝલ શીખવાનો મનસૂબો પાર પાડે એ પહેલાં જ અખ્‍તરીબાઈના પિતાએ અચાનક જ કૌટુંબિક અસંતોષને કારણે અખ્‍તરીબાઈ અને તેમની માતાનો ત્‍યાગ કરી દીધો. હતાશ માતાએ મજબૂરીવશ, અખ્‍તરીબાઈને લઈને, પોતાના ભાઈને ઘેર ‘ગયા’ શહેરમાં આશરો લેવો પડયો. અખ્‍તરીબાઈનો સંગીતશોખ લાંબા સમય સુધી મામાના ધ્‍યાન બહાર ન રહ્યો. પણ એમણે અખ્‍તરીબાઈના ગઝલશોખની સાથોસાથ શાસ્ત્રીય સંગીતની તાલીમ પર ભાર મૂક્‍યો. એમના આગ્રહને વશ થઈને પટણાના મશહૂર સિતારવાદક ઉસ્‍તાદ ઈમદાદખાન પાસે અખ્‍તરીબાઈની ગઝલની તાલીમ શરૂ થઈ. પણ થોડા સમયમાં જ તેમની માતાએ ગયાથી કલકત્તા સ્‍થાયી થવાનો નિર્ણય લીધો. પતિયાલા ઘરાનાના ઉસ્‍તાદ અતા મોહમ્‍મદખાન પાસે અખ્‍તરીબાઈની ગઝલની સાથોસાથ ઠૂમરી, ખયાલ, વગેરે જેવા ઉપશાસ્ત્રીય ગાયનપ્રકારોની સઘન તાલીમ શરૂ થઈ. આજે બેગમની જે ગઝલો સાંભળીને રેશમ-રેશમ થઈ જવાય છે એ તે સમયના, સાત-આઠ વર્ષની માસુમ ઉંમરમાં બેગમે કરેલા રોજના સાત-આઠ કલાકોના રિયાઝનું પરિણામ જ હશેને!

કલકત્તામાં અખ્‍તરીબાઈએ શાસ્ત્રીય સંગીતના મહારથી ઉસ્‍તાદ મોહમ્‍મદખાન, લાહોરના કિરાના ઘરાનાના ઉસ્‍તાદ વાહિદખાન અને ઉસ્‍તાદ ઝંડેખાન ઉપરાંત પતિયાલા ઘરાનાના ઉસ્‍તાદ બરકતઅલી અને લખનૌના ઉસ્‍તાદ રમજાનખાન પાસે પણ શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને ગઝલગાયકીનું શિક્ષણ મેળવ્‍યું. આગળ જતાં ઉસ્‍તાદ વિલાયતખાન પાસે ગાયન તેમજ પ્રસિદ્ધ સિતારવાદક અરવિંદ પરીખ પાસે સિતારવાદન પણ શીખેલાં.

અહીં સુધી તેમની ઓળખ ઉપરોક્‍ત ઉસ્‍તાદોના શાગિર્દ તરીકેની જ હતી. પંદર વર્ષની ઉંમરે એમણે પહેલી વખત કલકત્તામાં એક જાહેર કાર્યક્રમમાં ગાયું, અને એ સાથે જ ગાયકીના જગતમાં એક ઉન્‍માદ ફેલાઈ ગયો. એ પછીનાં થોડાં વર્ષો સુધી જાહેર કાર્યક્રમોની સાથોસાથ તેમનું સંગીતશિક્ષણ પણ સતત ચાલતું જ રહ્યું.

પણ વીસ વર્ષની ઉંમરે એક ઘટના બની. એ સાથે સંગીતજગતમાં એક વાવાઝોડું ફૂંકાયું. કલકત્તાના આલ્‍ફ્રૅડ થિયેટરમાં એ સમયે ભૂકંપપીડિતોની સહાય માટે એક મોટો જલસો યોજાયો હતો. એ જલસામાં સંગીતજગતનાં મોટા અને જાણીતા ગાયકો ભાગ લેવાના હતા. સંજોગવશાત એ જલસામાં કોઈ મોટાં માથાં ભાગ લેવા આવ્‍યાં નહીં! જલસાના કાર્યકર્તાઓ મૂંઝાયા. જાણીતા સંગીતકારો-ગાયકો ન આવે તો કલકત્તાની સંગીતપ્રેમી પ્રજા આયોજકોની ધૂળ કાઢી નાખે તેમ હતી. આથી આયોજકોએ આખાયે કાર્યક્રમની જવાબદારી અખ્‍તરીબાઈ ઉપર નાખીને હાથ ધોઈ નાખ્‍યા. પણ આયોજકો અને કલકત્તાની પ્રજાને અખ્‍તરીબાઈએ જરાયે નિરાશ ન કર્યાં. દાદરા અને ગઝલોની જમાવટ દ્વારા અખ્‍તરીબાઈએ માત્ર વીસ વર્ષની ઉંમરે જાણીતા ગાયકોની ગેરહાજરી જરાયે કળાવા ન દીધી. પ્રજાના સતત આગ્રહને વશ, એ રાત્રે -એ મંચ પર અખ્‍તરીબાઈનો બીજો જન્‍મ થયો જાણે! પ્રજા એમનો અવાજ સાંભળીને એવી તો મદહોશ થઈ ગઈ, કે એ રાત્રે અખ્‍તરીબાઈ સિવાય બીજા કોઈ કલાકારને મંચ ઉપર ફ્‍રકવા પણ ન મળ્‍યું. લોકપ્રિય કવયિત્રી સરોજિની નાયડુએ એ રાત્રે તેમને પ્રશંસાનાં પુષ્‍પોથી નવડાવી દીધાં.

અખ્‍તરીબાઈએ પોતે પણ કલકત્તાની જનતાના સંગીતપ્રેમને વશ થઈને એ રાત્રે મન મૂકીને ગાયું. લોકો સામે પ્રથમ વખત એક અવાજે જાદુ ફેલાવી દીધો હતો. એ રાતની સફળતાએ તેમના માટે સંગીતના જલસાઓની સાથોસાથ અન્‍ય કારકિર્દીના દ્વાર પણ ખોલી નાખ્‍યાં. રેશમી અવાજની સાથોસાથ તેઓ એક સુંદર ચહેરો અને સુકોમળ દેહયષ્ટિ પણ ધરાવતાં હોવાને કારણે ફ્‍લ્‍મિ નિર્માતાઓની નજરમાં એક આદર્શ સ્ત્રી પાત્ર તરીકે તેઓ ઊભરી આવ્‍યાં. ‘મુમતાઝ બેગમ’, ‘જવાની કા નશા’, કિંગ ઑફ અ ડે’, ‘અમીના’, ‘રૂપ કુમારી’, ‘નસીબ કા ચક્કર’, ‘અનારબાલા’, ‘પન્ના દાઇ’, ‘દાના-પાની’, ‘એહસાન’, ‘નળ-દમયંતી’, વગેરે ઉપરાંત મશહૂર નિર્માતા-દિગ્‍દર્શક મહેબૂબખાનની ‘રોટી’ અને સત્‍યજીત રાયની ‘જલસાઘર’માં તેમણે અભિનયના અજવાળાં સાથે તેમની ગાયકીનો લાભ આપ્‍યો. ફિલ્મો ઉપરાંત રંગમંચ પર પણ ‘નઈ દુલ્‍હન’, ‘આંખ કા નશા’, વગેરે નાટકો દ્વારા તેમણે અભિનય આપ્‍યો. મહેબૂબખાનની રોટીમાં તેમણે ગાયેલી છ ગઝલોમાંથી ત્રણ ગઝલો નિર્માતા અને નિર્દેશક વચ્‍ચેના ઝગડામાં હોમાઈ ગઈ હતી, જે રેકર્ડ પર આજે પણ સચવાઈ રહી છે. રોટી ફ્‍લ્‍મિમાં સિતારાદેવી સાથે તેમણે કામ કરેલું.

પણ ફ્‍લ્‍મિ અને નાટકોને તેમનો સાથ બહુ લાંબા સમય સુધી ન મળ્‍યો. આધુનિક ઉપકરણોના અભાવે રિહર્સલ દરમ્‍યાન લાંબા સમય સુધી મોટા અવાજે બોલવાના શ્રમને કારણે એમના રેશમી અવાજને માઠી અસર પહોંચતી હોવાના કારણે તેમણે એ પછી માત્ર સંગીત માટે જ પોતાના ગળાને શ્રમ આપવાનો નિર્ણય કરી લીધો, અને ફરીથી સંગીતસાધનામાં લીન થઈ ગયાં.

પણ આ તબક્કે કંઈક એવું બની ગયું, જેણે બેગમના ગળાને થોડા સમય સુધી સંગીતથી દૂર કરી દીધાં. બન્‍યું એવું, કે ઉંમરલાયક અખ્‍તરીબાઈના લગ્ન લખનૌના એક બૅરિસ્‍ટર ઈસ્‍તીયાક એહમદ અબ્‍બાસી સાથે થયા. આ લગ્ન સાથે, હવે તેઓ અખ્‍તરીબાઈને બદલે ‘બેગમ અખ્‍તર’ના નામે ઓળખાવા લાગ્‍યાં. પણ તેમની ગાયકી માટે આ લગ્ન નુકસાનરૂપ પુરવાર થવાના હતા. ઈસ્‍તીયાક એહમદ અબ્‍બાસી પોતે સંગીત કે ગાયનના વિરોધી તો ન હતા, પણ ખૂબ જ રુઢિચુસ્‍ત અને જુનવાણી વિચારના હતા. આથી એમણે બેગમના જાહેર ગાયનના કાર્યક્રમો અંગે નાખુશી વ્‍યક્‍ત કરી. બેગમ માટે ઘર અથવા કારકિર્દી એ બેમાંથી એકની પસંદગી કરવાની હોવાથી ન છૂટકે તેમણે પોતાની ગાયન કારકિર્દીને ઠોકર મારીને ઘરના ખૂણાને પસંદગી આપવી પડી.

પણ અંદરખાને તેઓ જરા પણ ખુશ ન હતાં. સંગીતના સાથ વગર તેઓ જાણે સાવ મૂરઝાઈ ગયેલા છોડ જેવાં થઈ ગયાં. સતત તેર વર્ષ સુધી એ એકદંડિયા વાસમાં સંગીતથી દૂર રહીને ઝૂરતાં રહ્યાં, અને છેવટે ગંભીર માંદગીમાં પટકાયાં. તેમનાં મિત્રો, સ્‍નેહીઓ તેમની પરિસ્‍થિતિ જાણતાં હતાં પણ ઈસ્‍તીયાક એહમદ પાસે સહુ લાચાર હતા. આખરે તેમનાં મિત્રો અને ડૉકટરોએ ઈસ્‍તીયાક એહમદને ખૂબ સમજાવીને પ્રથમ માત્ર રેડિયો પર ગાવાની છૂટ અપાવી. રેકોર્ડીંગ પૂરું થયા બાદ બેગમ રડી પડયાં. રેડિયો પર તેમના દ્વારા ગવાયેલી ત્રણ ગઝલોએ એવી તો લોકપ્રિયતા મેળવી કે ના છૂટકે ઈસ્‍તીયાક એહમદે તેમને મહેફિલોમાં ગાવાની છૂટ આપવી પડી.

ફરી એક વખત બેગમ અખ્‍તરનું નામ સંગીતરસિકોના હોઠ પર ઝૂમતું થઈ ગયું. સફળતા તેમના કદમો ચૂમવા લાગી. એક પછી એક, એમ અનેક રેકર્ડ એમની ગઝલો, ઠૂમરી, દાદરા સાથે સફળતાની સીડીઓ ચડવા લાગી. ગાયકીમાં બેગમની બરોબરી કરી શકે એવાં બહુ જૂજ નામો હતાં.

તેમની ગાયકીએ તેમને સંગીત નાટય અકાદમીના પારિતોષિક અને પદ્મશ્રીની નામના પણ અપાવી. મરણોપરાંત પદ્મભૂષણ પારિતોષિક પણ ખરું. 1994માં ભારત સરકાર દ્વારા તેમની યાદમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. તેમના ચાહકોમાં તો તેઓ ‘મલેકા-એ-ગઝલ” તરીકે જ જાણીતાં હતાં. ભારત અને પાકિસ્‍તાનના, મલ્લિકા પોખરાજ, મેંહદી હસન, રુના લૈલા અને સલમા આગા જેવા કેટલાયે ગાયકોએ તેમની ગાયકીની અસર હેઠળ ગાયું છે. સમયની સાથે સાથે તેમનો અવાજ પુખ્‍તતાની સાથે એટલો તો ઊંડાણભર્યો અને બેનમૂન બન્‍યો હતો કે તેમના અવાજના સૌંદર્યને કે તેમણે વિકસાવેલી ગઝલગાયકીને ભાગ્‍યે જ કોઈ સ્‍પર્શી શક્‍યું છે. તેમણે લગભગ ચારસો ગઝલો, ગીતો, વગેરે ગાયાં છે જેમાંનાં મોટાં ભાગનાં તેમણે પોતે શાસ્ત્રીય રાગો પર આધારિત સ્‍વરબદ્ધ કર્યાં છે.

ભાગલા સમયે ફરી એક વખત સંગીત ચાહકોને તેમના ગાયનથી વંચિત રહેવાનો સમય આવ્‍યો હતો. તે સમયના વિભાજિત ભારત-પાકિસ્‍તાનના રાજકારણને કારણે અન્‍ય અનેક ઉત્તમ કલાકારોની સાથોસાથ બેગમના સંગીત પર પણ ગૃહમંત્રાલય દ્વારા રેડિયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો. પરંતુ રેડિયો સ્‍ટેશનના અધિકારીઓ અને સંગીતચાહક પ્રજાના સંયુક્‍ત પ્રયાસો દ્વારા સરકાર પર દબાણ લાવીને આ પ્રતિબંધ હઠાવવામાં આવ્‍યો હતો.

1974ના ઑકટોબર મહીનામાં અમદાવાદમાં એક સંગીત કાર્યક્રમ આપવા આવેલાં બેગમની તબિયત નાજુક જ હતી. પણ સંગીત પ્રેમી પ્રજાના આગ્રહને વશ થઈને તેમણે બમણાં ઉત્‍સાહથી મંચ પર ગાયું. છેલ્લે ચૈતી ગાઈ ‘સોવત નિંદીયા જગાયે, હો રામા…’. એ રાતના મીઠા ઉજાગરાનો શ્રમ તેમની સાથોસાથ સંગીત માટે પણ બહુ મોંઘો સાબિત થયો. જેમના આગ્રહને માન આપીને બેગમ અમદાવાદ કાર્યક્રમ આપવા આવ્‍યાં હતાં, બેગમનાં એ અંગત મિત્ર એવાં નીલમ ગામડિયાના સાંનિધ્‍યમાં જ એમણે દેહ છોડયો. એમના દેહાવસાન સાથે ગઝલગાયકીના ક્ષેત્રે એક એવો શૂન્‍યાવકાશ સજર્યો છે, જે આજે પાંત્રીસ-પાંત્રીસ વર્ષ વીત્‍યાં છતાં ભરી શકાયો નથી, પણ ખુદ બેગમ અખ્‍તર પોતે, પોતાની ગાયકી દ્વારા આપણી સાથે સદેહે હાજરાહજૂર છે એવું સૌ ગઝલ પ્રેમીઓ કબૂલશે.

બેગમના અવાજના આશિકોના, બેગમ સાથે સંકળાયેલા બેગમની ગઝલો જેવા જ બેનમૂન કિસ્‍સાઓ, દંતકથા લાગે તેવા અનેક આશ્‍ચર્યજનક કિસ્‍સાઓ પણ મોજૂદ છે.

ઉસ્‍તાદ મહમ્‍મદખાન એક વખત પોતાના નિવાસસ્‍થાને જામેલી મહેફ્‍લિમાં સિતાર પર મારુ-બિહાગ રાગ છેડી રહ્યા હતા. ગાયન દરમ્‍યાન બારણા તરફ થઈ રહેલી હલચલ તરફ તેમનું ધ્‍યાન ગયું અને અચાનક સિતારવાદન થંભી ગયું. બારણામાં ઊભેલાં એક યુવાન સન્નારીને આવકારીને એમણે ફરીથી સિતારવાદન આગળ તો ચલાવ્‍યું, પણ સત્‍વરે એમણે સિતાર નીચે મૂકીને આવનાર સન્નારી, જે બેગમ અખ્‍તર હતાં, તેમને ગાવાની ફરમાયશ કરી. એમના આગ્રહને વશ થઈને દાઢના દુખાવાને અવગણીને પણ બેગમે ભૈરવી રાગમાં એક ઠૂમરી સંભળાવી.

આવો જ એક અન્‍ય કિસ્‍સો સહેજ જુદી રીતે તેમના ચાહકોને યાદ છે. રાજકોટ શહેરમાં બેગમ અખ્‍તર એક જાહેર કાર્યક્રમમાં ગઝલો સંભળાવી રહ્યાં હતાં ત્‍યારે તેમની નજર બારણાં તરફ્‍ ગઈ, અને એમનું ગાયન થંભી ગયું. શ્રોતાઓ પણ અચાનક આવી પડેલા વિશ્રામને આશ્‍ચર્ય સાથે જોવા લાગ્‍યા. અચાનક બેગમનો અવાજ સંભળાયો, ‘આઇયે કાન્‍તિભાઈ…’ અને પછી તરત જ અટકી પડેલ સંગીતને આગળ વધાર્યું. એ હતાં કાન્‍તિભાઈ સોનછત્રા, જેની ઓળખ સંગીતજગતને આપવાની જરૂર રહેતી નથી.

રાજકોટના આ પ્રસંગે બેગમે પોતે વગાડવા માટે શ્રી વિમલ ધામીનું હાર્મોનિયમ પસંદ કરેલું એ વાતને વિમલભાઈ બહુ પ્રેમથી આજે પણ યાદ કરે છે.

બેગમ મુંબઇમાં હોય ત્‍યારે અચૂક ‘હોટૅલ સી-ગ્રીન’માં જ ઉતારો હોય. કૅપ્‍સ્‍ટન સિગારેટ ઉપરાંત જીન એમના શોખની બીજી ચીજ!

ઉસ્‍તાદ આમીરખાં સાથે એટલાં તો નિકટના સંબંધો, કે ઉસ્‍તાદને એમનાં પત્‍ની સાથે અણબનાવ થયો, તો બેગમે બંને સાથે હોટૅલ સી-ગ્રીનમાં સમાધાન માટે બેઠક રાખી હતી. ઉસ્‍તાદ આમીરખાં અવારનવાર બેગમ પાસે આગ્રહપૂર્વક ઠૂમરી ગવડાવતા.

પ્રસિદ્ધ ગાયિકા એમ. એસ. શુભલક્ષ્મી માટે બેગમને ખૂબ જ માન. નર્તકોમાં સિતારાદેવી, અચ્‍છન મહારાજ, લચ્‍છુ મહારાજ અને શંભુ મહારાજ માટે પણ એમને એટલો જ આદર. અભિનેત્રી નરગિસની માતા જદ્દનબાઈ, બેગમ અખ્તરનાં માતા મુશ્‍તરીબેગમનાં બહેનપણી. એ નાતે નરગિસ સાથે એમનો નિકટનો પરિચય. લતા મંગેશકર, મહેબૂબ, સરદાર અખ્‍તર, સોહરાબ મોદી, ચંદ્રમોહન વગેરે એમના નજીકના મિત્રો. તે ઉપરાંત કૈફી અને શૌકત આઝમી સાથે એમનો બહુ નિકટનો નાતો. ખૈયામ, શોભા ગુર્તુ, પંડિત જસરાજ, બડે ગુલામઅલીખાં જેવા મહારથીઓ એમનાં બહુ સારા મિત્રો. જિગર મુરાદાબાદી તો લખનૌ જાય ત્‍યારે બેગમને ત્‍યાં જ ઊતરતા. સુદર્શન ફકિર, મિર્ઝા ગાલિબ, દાગ, સૌદા, મીર, સૈયદ અસગર હુસેન સાહેબ, વગેરે તેમના પ્રિય શાયર. પરંતુ એમની કૂણી લાગણીનો એક ખૂણો તો સંગીતકાર મદનમોહન માટે અલાયદો, અનામત! કલાકો સુધી ફોન પર એમની સાથે લાંબી-લાંબી વાતો કરતાં રહેતાં!

બેગમ બહુ ઉદાર દિલનાં. એક વખત એમને પૈસાની જરૂર પડતાં બચુભાઈ રાજા, જે એમનાં નિકટના સંપર્કમાં હતા, તેમને પોતાની હીરાની વીંટી કાઢીને વેંચવા આપી. બચુભાઈએ વીંટી લઈને એમને રકમ આપી. થોડા સમય પછી ફ્‍રીથી બચુભાઈને મળવાનું થયું ત્‍યારે જોયું કે પેલી હીરાની વીંટી તો બચુભાઈના આંગળામાં જ હતી. બેગમે પૃચ્‍છા કરતાં બચુભાઈએ સામો સવાલ કરતાં પૂછ્‍યું કે ‘તમને પૈસાની જરૂર શા માટે હતી?’ બેગમે ખુલાસો કરતાં કહ્યું કે એમના નોકરની બીમાર દીકરીની સારવાર માટે તેમને પૈસાની જરૂર હતી. બચુભાઈએ હસતાં-હસતાં કહ્યું કે એમને આવી જ કંઈક ધારણા હતી, તેથી જ તેમણે વીંટી વેંચવાને બદલે પોતાની પાસે જ રાખીને પોતે જ પૈસા આપેલા હતા. લ્‍યો તમારી વીંટી સંભાળો!

બેગમના આ ચાહક બચુભાઈ અમદાવાદના છેલ્લા કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ બચુભાઈ આવતીકાલે મળવાનો વાયદો કરીને ગયા. બીજા દિવસે બેગમનો ભેટો થાય એ પહેલાં તો બેગમે વિદાય લીધી. બચુભાઈ છેલ્લી વિદાય માટે આવે તે પહેલાં તો બેગમનો મૃતદેહ લખનૌ જતાં વિમાનમાં મુકાઈ ચૂક્‍યો હતો. બચુભાઈની ખૂબ જ વિનંતી બાદ તેમને બેગમના આખરીદર્શન અને પુષ્પાર્પણ માટે વિમાનમાં જવા દીધા, ત્‍યારે બચુભાઈએ મનોમન કહ્યું, ‘છેવટે આ રીતે પણ બીજા દિવસે મળવા આવી ગયો છું, બેગમ!’ આ બચુભાઈ ઉર્ફ્‍ે ચિતરંજનભાઈ રાજા પાસે બેગમ અખ્‍તરની રેકર્ડોનું એવડું મોટું કલેક્‍શન, કે બીબીસીએ બેગમ અખ્‍તર પરની ડોક્‍યુમેન્‍ટરી બનાવતી વખતે તેમને ઘેર જઈને રેકોર્ડિંગ કરેલું.

બેગમના અવસાનના સમાચાર રાજકોટના એક વર્તમાનપત્રના સહતંત્રીએ પહેલા પાના પર લીધા. વર્તમાનપત્રના તંત્રી હરસુખ સંઘાણી આ જાણીને અકળાયા, ‘આવા ઓછા મહત્ત્વના સમાચાર પહેલા પાના પર કેમ લીધા?’. સહતંત્રીએ અકળાઈને રાજીનામું આપવાની ધમકી સાથે કહ્યું, ‘બેગમ અખ્‍તરના મૃત્‍યુના સમાચાર જેને મન મહત્ત્વના ન હોય એવા તંત્રી સાથે મારે કામ નથી કરવું!’ એ સહતંત્રીનું નામ શિવકુમાર આચાર્ય.

રાજકોટમાં એક દંપતી વસે. નામ હર્ષાબહેન અને પ્રકાશભાઈ દવે. બંને બેગમ અખ્‍તરના જબરા આશિક! રાજકોટની સંગીતસભામાં બેગમનો કાર્યક્રમ. મધ્‍યાંતરમાં બંને બેગમને મળવા બેકસ્‍ટેજમાં ગયાં. બેગમે આદત મુજબ સિગારેટ કાઢી. પ્રકાશભાઈએ લાઇટર કાઢીને બેગમની સિગારેટ સળગાવી આપી. હવે આ સમયે ઉપસ્‍થિત રમેશભાઈ ઠાકરે આ ક્ષણનો ફોટો ખેંચી લીધો. બીજા કોઈ નામી કલાકાર હોય તો ફોટોગ્રાફ્‍રને ખખડાવી કાઢે. પણ આ તો બેગમ. લખનવી તહજીબ જાળવીને હસતાં-હસતાં બેગમે કહી દીધું, ‘અખબાર મેં મત દેના, લોગ મુઝે ન સમઝ પાયેંગેં…!’

આ પ્રકાશભાઈ, રસ્‍તે ચાલતા પણ જો બેગમનો અવાજ સાંભળવા મળે તો બસ, એમના કદમ અટકી જાય! અને એમના આ બેગમપ્રેમનો પુરાવો એટલે હર્ષાબહેન-પ્રકાશભાઈનું ઘર જે માર્ગ પર છે, તે માર્ગનું, આ યુગલના પ્રયાસોને આભારી નામકરણઃ બેગમ અખ્‍તર માર્ગ.

ઘરના દીવાનખાનામાં જ બેગમની મોટી તસવીર લટકે. કોઈ પૂછે, કે કોની તસવીર છે આ? તો તરત જ જવાબ આપે, ‘મારી મા, મિત્ર, માશૂકા, બહેન… જે કહો તે આ જ છે’!

પ્રકાશભાઈની ઇચ્‍છા એવી, કે એમના મૃત્‍યુને આનંદ અને ઉલ્લાસથી ઉજવાય. ‘શોક રાખશો નહીં. મૃત્‍યુ તો એક નવી સફ્‍ર છે, તેનો શોક ન હોય! હા, એ છેલ્લી સફ્‍રમાં બેગમ અખ્‍તરની ગઝલો સાંભળવા મળે તો સારું!’ અને સાચે જ હર્ષાબહેને સ્‍મશાનયાત્રા અને તેમની પ્રાર્થનાસભામાં  ચુપચાપ બેસી રહેવા કે ભજન-ધુન ગાવા-વગાડવાને બદલે એ સમયે બેગમ અખ્‍તરની ગઝલોની કૅસૅટ વગાડીને પ્રકાશભાઈની અંતિમ સફ્‍રને બેગમમય બનાવી દીધી હતી!

મૃત્‍યુ વખતે હર્ષાબહેને પ્રકાશભાઈ પાછળ કોઈ ધાર્મિક-સાંપ્રદાયિક વિધિ ન કરી! અને એક નેમ રાખી છે, કે જયારે શક્‍ય થાય ત્‍યારે, પણ એક વખત લખનૌ સ્‍થિત બેગમની મઝાર પર ચાદર ચડાવવા જવું છે. કોણ હિન્‍દુ? કોણ મુસ્‍લિમ? કલાપ્રેમ માણસોને કેવી કેવી રીતે માનવ બનવા પ્રેરે છે!

આજે પણ બેગમ અખ્‍તરનું નામ પડે, કે એમનો અવાજ કાને પડે, અને હર્ષાબહેનની આંખના ખૂણાં પતિની યાદમાં ભીના થઈ જાય છે!!! અને આજેય એમના દીવાનખંડમાં બેગમની એ જ તસવીર ટાંગેલી છે! પ્રકાશભાઈની પણ તસવીર ત્‍યાં જ છે! હર્ષાબહેન કહે છે, ‘આજે પણ એમની હાજરી અનુભવું છું…’. હર્ષાબહેન કોની વાત કરી રહ્યાં છે!? પ્રકાશભાઈની, કે બેગમની!?

– અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા
(પૂરક માહિતીઃ શ્રી હર્ષાબહેન દવે, શ્રી અરવિંદ શાહ, શ્રી બટુક દિવાનજી, શ્રી આર. સી. મહેતા)

બિલિપત્ર

છાતીમાં ઘૂમરાતો ખાંસી જેવો ક્યારેક,
ક્યારેક બેગમ અખ્તર જેવો માણસ છે આ !!
– લલિત ત્રિવેદી

આજે છે તારીખ ૭મી ઓક્ટોબર, બેગમ અખ્તરની જન્મતીથી. આ પ્રસંગે શ્રી અશ્વિનભાઈ અને મીનાક્ષીબેન ચંદારાણાની કલમે માણીએ બેગમ અખ્તરની જીવનઝાંખી. સરસ સમયસરનો, બેગમ અખ્તર વિશેનો સુંદર છણાવટ અને વિગતો સાથેનો રસપ્રદ લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિનભાઈ અને મીનાક્ષીબેન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “બેગમ અખ્તર, આજ ભી… – અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા

  • દિગંબરભાઇ સ્વાદિયા

    શ્રી અશ્વિનભાઇ અને મીનાક્ષીબેને ખૂબ ભાવવાહી અને
    હ્રદય્સ્પર્શી ભાષામાં ગઝલ દુનિયાનાં બેતાજ
    બાદશાહ એવાં બેગમ અખ્તરની જીવન ઝરમર
    રજૂ કરી. અમદાવાદના એ અંતિમ કાર્યક્રમની
    ઝલક એ વખતે દિલ્હી દૂરદર્શન ઉપર જોયાનું
    અત્યારે થાય છે.

  • PH Bharadia

    બેગમ અખ્તર વિશેનો લેખ બહુજ ગમ્યો,જે રીતે
    કુન્દન લાલ સાયગલે ગઝલો લોકપ્રિય કરી તેમ બેગમ અખ્તરે પણ ગઝલો સામન્ય લોકો સુધી ફેલાવી.

  • Jayendra Thakar

    બેગમ અખતરને યાદ કરીને એક સુંદર અંજલી!
    લબ પે આતા હે જબ ઉસકા નામ તો દિલ ધડક જાતા હે!

  • Pravin Barai

    હજુ એ મનહુસ સવાર યાદ છે..રાત્રે બેગમ અખતરને સાંભળ્યા બાદની સવારે હજુ તો એનો નશો ઉતરે પહેલાં એમના દેહાવસાનનાં સમાચાર આવ્યા…

  • Capt. Narendra

    વાહ! બહુત ખુબ અશ્વીનભાઇ, મિનાક્ષી બહેન. ઘણો સુંદર લેખ અને તેમાં આપે વ્યક્ત કરેલી સંવેદના હૃદયને સ્પર્શ કરી ગઇ. આપની ભાવના અમારી સાથે share કરવા માટે આભાર.
    http://www.captnarendra.blogspot.com