મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની બહાર એક પાકીટમાર વહેલી સવારથી ધનિક અને સ્વભાવે ડફોળ ગ્રાહકની શોધમાં બેઠો બેઠો બીડીના કસ મારતો હતો. પાકીટમારનો ચહેરો લાંબો, નાક તીક્ષ્ણ,ચબરાક આંખો, ભરાવદાર શરીર. રજાનો દિવસ હોવાથી મંદિરે દર્શનાર્થે આવનાર ભક્તોની સંખ્યા રોજ કરતા વધુ હતી એ પાકીટમાર માટે સારામાં સારી તક હતી. કાતિલ નજરે તે આવતા દરેક દર્શનાર્થીઓમાં મોટા શિકારની શોધતો, પણ બપોર થઈ છતાં કોઈ વ્યાજબી તક ન મળતા તેને અણગમો થયો હતો.
એટલામાં જ એક ગોલ્ડન રંગની મર્સીડીઝ કાર આવીને ઉભી રહી, તરત મોટો શિકાર આવ્યો તેવો એને અણસાર થયો અને એક ઝાટકે તે સ્ફૂર્તિથી ઉભો થઇ ગયો. કારમાંથી ડ્રાઇવર નીચે ઉતરીને સીધો પોતાની તરફ આવતો જોઈને તે મૂંઝાઈ ગયો અને તેના શ્વાસ થંભી ગયા. તેનું મન હિલોળે ચડી ગયું કે આ મારી તરફ શા માટે આવતો હશે? ડ્રાઇવર તેની બરોબર સામે આવીને ઉભો રહી ગયો અને ધીમા સ્વરે પૂછ્યું, “કેમ છે જગુ ?” પોતાનું નામ અજાણ્યા વ્યક્તિના મોઢે સાંભળી તે સ્તબ્ધ થઇ ગયો. જગુ એકવાર કોઈને મળે તો આખી જીંદગી તેનો ચહેરો તેને યાદ રહી જતો પણ આ વ્યક્તિને તેણે પ્રથમ વાર જોયો હતો.
એ વ્યક્તિ પોતાનું નામ કઈ રીતે જાણે છે અને તે કોણ છે બધું એક જ શ્વાસે પૂછી નાખ્યું. ડ્રાઇવરે કહ્યું, મુંબઈના એક બાહોશ અને હોંશિયાર પાકીટમારને ચોરીની દુનિયામાં કોણ નથી ઓળખતું. ડ્રાઇવરે પોતાનો પરિચય આપ્યો – હું શહેરના મોટા હીરા વેપારી ત્રિભોવનદાસ શેઠ નો ડ્રાઇવર છુ અને ત્રિભોવનદાસ શેઠ તમને મળવા માંગે છે. હું તમને લેવા આવ્યો છું. તમારા માટે જ આ વૈભવી કાર ખાસ મોકલી છે. જગુ વિચારીને કહે, “મારા જેવા પાકીટમારને શેઠ શા માટે મળવા માંગે છે.” ડ્રાઇવર કહે – “જગુ, હીરાની પરખ ઝવેરી જ કરે અને આજે ઝવેરીએ હીરો પારખી લીધો છે.”
જગુ વૈભવી કારમાં બેસી ગયો. કાર મુંબઈ શહેરથી બહાર એક આલીશાન ફાર્મ હાઉસમાં પ્રવેશે છે. જગુ ફાર્મ હાઉસનો વૈભવ અને તેના સ્વાગતની તૈયારી જોઈ ચોંકી ઉઠ્યો. જગુના મનમાં ઉત્સુકતા પળે પળે વધી રહી હતી. જગુએ અગાઉ ક્યારેય ત્રિભોવનદાસ વિશે સાંભળ્યું ન હતું અને તેથી જ તેમને મળવા અધીરીયો થઇ ગયો હતો .
જગુને આલીશાન ડ્રોઈંગરૂમમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જગુ સોફામાં બેઠો બેઠો વિચારોમાં ખોવાઈ ગયો હતો અને કોઈએ તેના ખભા પર હાથ મૂકતા એના વિચારોમાં ભંગ પડ્યો. જગુએ પાછળ વળીને જોયું તો ત્રિભોવનદાસ શેઠ ઉભા હતા. જગુ ઉભો થઇ ગયો. જગુએ નમીને શેઠને પ્રણામ કર્યા અને શેઠે પણ સ્મિત સાથે સ્વીકાર કરીને બેસવાનો ઈશારો કર્યો. જગુએ ફટાફટ કંઈપણ વિચાર્યા વગર બોલી નાંખ્યું, “શેઠ, મારા જેવો નાનો પાકીટમાર આપને શું કામ આવી શકે.” ત્રિભોવનદાસ હસી પડ્યા, જગુ તું નાનો નથી, કામનો છું, તું જે કામ કરી શકે તે કોઈ કરી શકે તેમ નથી.
ત્રિભોવનદાસે જગુના હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ મૂક્યો અને ધીમા સ્વરે કહ્યું, “શ્વાસ નીચે કરી શાંત ચિતે બેસ.” જગુ વ્હિસ્કીની ચુસકી લેતા લેતા શેઠની વાત સાંભળે છે. ત્રિભોવનદાસે કહ્યું, “મારી પાસે એક બાતમી છે, એક આંગડીયાની પેઢીનો કર્મચારી હીરાનું પેકેટ લઈને જવાનો છે. આ પેકેટ તારે સેરવીને મને આપવાનું છે. આ કામ તારા સિવાય કોઈ કરી શકે તેમ નથી અને આ કામ માટે તને મોં માંગી રકમ મળશે. હીરાની બજાર કિમંત ઘણી ઉંચી છે અને બીજો કોઈ ચોરી કરી વેચવા જાય તો પકડાઈ જાય પણ મારા હાથે સોદો થાય તો કોઈને ખબર નહીં પડે. તારે ક્યારે અને કેવી રીતે આ ચોરી કરવાની છે તેની તમામ વ્યવસ્થા થઇ ગઈ છે.
જગુએ કહ્યું, “મને વિચારવાનો સમય આપો.” ત્યાંતો શેઠ સત્તાવાહી સ્વરે બોલી ઉઠ્યા, “આ કામ તું જ કરીશ. તારા નામની ટીકીટ પણ બુક થઇ ગઈ છે.” જગુ પાસે વિચારવાનો પણ અવકાશ ન રહ્યો પણ આવી તકથી અંજાઈ જઈને તેણે આગળના કાર્યક્રમ ની જાણકારી મેળવી.
ત્રિભોવનદાસ શેઠે સેક્રેટરી મિસ નીલાને જગુને ચોરીના સમગ્ર પ્લાનિંગની જાણકારી આપવા કહ્યું. મિસ નીલાએ જગુને ઝીણવટપૂર્વક માહિતી જણાવી. “મુંબઈની ખૂબ મોટી અને હીરાની હેરફેર કરતી જૂનામાં જૂની કાંતિલાલ આંગડીયા પેઢીનો હોંશિયાર અને વિશ્વાસુ માણસ વસંત સોમવારે વોલ્વો બસમાં મુંબઈથી અમદાવાદ હીરાનું પેકેટ લઇને જવાનો છે. વસંત જે બસમાં જવાનો છે તે જ વોલ્વો બસમાં તેની બાજુની સીટ તારા માટે બુક કરવામાં આવી છે. તમારી રીટર્ન ટીકીટ પણ અમદાવાદથી મુંબઈ માટેની વોલ્વો બસમાં બુક કરી દેવામાં આવી છે. મુસાફરી દરમ્યાન સફર અને ચોરી માટેની જરુરી વસ્તુનું પાકીટ અને દશ હજાર રૂપિયા પણ તમારા માટે તૈયાર છે. સોમવારે સવારે તમારા ઘરે કાર આવી જશે અને વોલ્વો સુધી મૂકી જશે તથા દૂરથી વસંતની ઓળખાણ પર કરાવી આપશે. મુંબઈ પરત આવશો ત્યારે પણ વોલ્વોથી શેઠ સુધી કાર લઇ આવશે.”
જગુને સોમવારે સવારે કાર લેવા આવી ગઈ અને જગુ કારમાં બેસી વોલ્વો માટે નીકળ્યો. રસ્તામાં જગુના મનમાં પ્રશ્ન ઉઠતા જ તરત શેઠને ફોન કર્યો અને ફોન મિસ નીલાએ ઉપાડ્યો. તેણે કહ્યું, “બોલો, શું મુંઝવણ છે?” જગુએ ઉતાવળે સ્વરે પૂછી નાંખ્યું કે, “અમદાવાદમાં મારે ક્યાં ઉતરવાનું છે અને વસંત ક્યાં ઉતરશે?” મિસ નીલાએ જવાબ આપ્યો, “તમારી ટીકીટ વોલ્વોની પાલડી ઓફીસ સુધી બુક છે અને વસંત બાપુનગર હીરા માર્કેટ ઉતરી જશે, તમારી રીટર્ન ટીકીટ પણ તે જ રીતે પાલડી ઓફિસથી મુંબઈ સુધી બુક છે.”
વોલ્વોના લગભગ બધા મુસાફરો આવી ગયા હતા તેવામાં જ વસંતને મૂકવા માટે આંગડીયા પેઢીની ગાડી આવી. ડ્રાઇવરે જગુને ઈશારો કરી વસંતની ઓળખાણ આપી દીધી. વસંત બસમાં ચઢી ગયો અને છેલ્લે જગુ બસમાં ચઢ્યો. જગુને બસમાં ચઢતાં જ નીલાનો ફોન આવ્યો, “સમયાંતરે ફોન પર કોન્ટેકમાં રહેશો અને તકલીફમાં તરત ફોન કરશો તો મદદ મોકલીશ.” જગુ ફોન કટ કરીને વોલ્વોના ડ્રાઇવર સાથે કંઇક વાત કરી પોતાની સીટ પર જઈ બેસી ગયો .
વોલ્વો બસ ધીમે ધીમે મુંબઈ શહેરની ભીડને ચીરતી હાઇવે તરફ જઈ રહી હતી. વોલ્વોના મુસાફરો સંગીત સાંભળવામાં વ્યસ્ત હતા. હવે જગુએ વસંત સાથે વાતચીત શરૂ કરી, હાથ મિલાવી પોતાનો ખોટો પરિચય આપ્યો અને વસંતે પણ પોતાનો ખોટો પરિચય આપ્યો. જગુએ વસંતનો ખોટો પરિચય સાંભળી તે કેટલો હોંશિયાર હશે તેની ગણતરી કરી લીધી. વસંતે વાતવાતમાં જગુને ક્યાં ઉતરવાના છો તે પૂછી લીધું. જગુએ ઉતાવળમાં જવાબમાં લોચો મારી દીધો, “તમે જ્યાં ઉતરવાના છો ત્યાં બાપુનગરમાં જ હું ઉતરવાનો છુ.” જવાબ સાંભળતા જ વસંત ચોકી ઉઠ્યો કે પોતે ક્યાં ઉતરવાનો છે તે ખબર કઈ રીતે પડી. જગુને પોતે લોચો મારી દીધો છે તે ધ્યાનમાં આવતા તેણે વાતને વાળી લીધી અને કહ્યું કે, “હું પહેલી વાર અમદાવાદ જઊં છુ એટલે વોલ્વોમાં ચઢતાં મેં તરત ડ્રાઇવરને કહ્યું હતું કે બાપુનગર આવે એટલે મને જાણ કરશો, ત્યારે ડ્રાઇવરે કહ્યું કે તમારી બાજુની સીટ બાપુનગર સુધી બુક છે. એટલે મને ખબર પડી કે તમે પણ બાપુનગર ઉતરવાના છો, એવી રીતે વાતને હળવી કરી દીધી. બંનેની વાત બંધ થઇ, તરત જ વસંત સુઈ ગયો.
હવે જગુએ વિચારવાનું શરુ કર્યું કે કામ ક્યાંથી શરુ કરવું. વસંતની વાત પરથી જગુ જાણી જ ગયો હતો કે વસંત પણ હોંશિયાર છે. શેઠે આપેલું પાકીટ અને વસંતનું પાકીટ પણ સરખું જ હતું એવું જગુના ધ્યાનમાં આવતા તે તરત પાકીટની ફેરબદલી કરી નાંખે છે. વસંતનું પાકીટ હાથમાં આવતા જ તે તેમાં તપાસ કરે છે પણ તેમાં હીરાનું પેકેટ મળતું નથી. જગુએ નિરાશ થયા વગર વસંત ઊંઘમાં હોવાથી તેના પેન્ટના પાકીટ અને શર્ટનું પાકીટ તપાસી લીધું પણ એમાં પણ હીરાનું પેકેટ ના મળ્યું. હવે જગુ થોડો અટવાયો અને વિચારવા માંડ્યો કે વસંતે ક્યાં પેકેટ મુક્યું હશે. એટલામાં બસ એક હોટલ પર ચા પાણી માટે ઉભી રહેતા જગુ તરત નીચે ઉતર્યો અને શેઠને ફોન કરે છે. શેઠ મેં બધું તપાસી લીધું પણ પેકેટ મને મળ્યું નથી, શેઠ જગુને કહે, “જગુ, જે કામ તું ના કરી શકે તે બીજો કોઇપણ ના કરી શકે. તું ચિંતા ના કરીશ, ફરી એક પ્રયત્ન કરી લે અને ના મળે તો શાંતિથી પાછો ફરજે અને તને પ્રયત્ન માટે ઇનામ તો મળશે જ. જગુ બસ ઉપડતા ફરી તેમાં સીટ પર ગોઠવાઈ જાય છે. જગુએ હવે છેલ્લી વાર બૂટ મોજા અને શર્ટના ચોર ખિસ્સા તરફ પણ નજર કરી. શર્ટના ખિસ્સામાં મોબાઈલ સિવાય કંઈ પણ ન દેખાયું. વસંતનો મોબાઈલ સોનાની ચેન સાથે જોડેલ અને તે ખિસ્સામાં હતો તે જોઈને જગુને વિચાર આવ્યો કે, “આટલો સસ્તો લાગતો મોબાઈલ સોનાના દોરા સાથે કેમ જોડ્યો હશે?” જગુએ શર્ટ પેન્ટમાં જ્યાં જ્યાં ચોર ખિસ્સા હોઈ શકે ત્યાં બધે શાંતિથી ધ્યાનપૂર્વક જોઈને તપાસ કરી પણ સફળતા ન મળતા દુઃખમાં સરી ગયો.
જગુ નિરાશ થઇ ગયો અને શેઠને ફોન કરવાનો વિચારતો હતો પણ થાકીને વિચાર બદલી નાંખ્યો અને ફોન બંધ કરીને સુઈ ગયો. બીજા દિવસે સવારે વોલ્વો હોટલ પર ચા પાણી માટે ઉભી રહેતા વસંતે જગુને ગાઢ નિંદ્રામાંથી ઉઠાડ્યો. વસંત અને જગુએ સાથે ચા પાણી કર્યા પણ જગુના માસ્ટર માઈન્ડમાં એક જ સવાલ હતો કે વસંતે હીરાનું પેકેટ ક્યાં છુપાવ્યું હશે? ચા પાણી કરી વસંત અને જગુ ફરી વોલ્વોમાં બેઠા અને વોલ્વોએ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
આખરે અમદાવાદમાં બાપુનગર આવી ગયું ત્યાં વસંતે જગુને ઉઠાડ્યો અને કહ્યું, “ચાલો આપણું ઉતરવાનું સ્થળ આવી ગયું છે.” વોલ્વો ઉભી રહી અને વસંત અને જગુ નીચે ઉતર્યા. વસંતને લેવા માટે ત્યાં પહેલાથી આંગડીયા પેઢીની કાર આવીને ઉભી હતી. વસંત આવજો કહી તરત કારમાં બેસી રવાના થઇ ગયો. જગુ નિરાશ થઇ ગયો અને ત્યાં તેને શેઠને ફોન કરવાનું યાદ આવ્યું. શેઠને ફોન કર્યો અને શેઠે જગુના ખબરઅંતર પુછ્યા. જગુને શેઠે વળતી વોલ્વોમાં મુંબઈ પરત આવવા જણાવ્યું અને સહેજ પણ અફસોસ કરવાની જરૂર નથી એમ સાંત્વના આપી. જગુએ શેઠની માંફી માંગી અને શેઠે પણ એવી રીતે વાત કરી કે જાણે જગુને તેણે માફ કર્યો.
શેઠે જગુને જમી લેવા અને શાંતિથી વોલ્વો આવે એટલે મુંબઈ પરત ફરવા કહ્યું. જગુએ પોતે બાપુનગર ઉતરી ગયો છે અને હવે પરત કઈ વોલ્વોમાં આવવાનું સમજણ નથી પડતી તેમ જણાવ્યું. શેઠે કહ્યું વોલ્વો તે સ્થળ પર જ નિયત સમયે આવશે અને તું તારી રીટર્ન ટીકીટ પર પરત આવી શકીશ. શેઠે કહ્યું – વોલ્વોની ઓફિસે ફોન કરી દેવામાં આવશે કે તમે બાપુનગરથી બેસવાના છો. જગુ થોડો સ્વસ્થ થઈને નાસ્તો કરી આવ્યો. થોડીવાર પછી નીલાનો ફોન આવ્યો અને જગુને જણાવ્યું કે, “આપ ચિંતા ના કરો, આપ ભલે સફળ ના થયા પણ શેઠ આપનાથી સહેજ પણ નારાજ નથી અને આપના ઉત્તમ પ્રયાસ માટે ઇનામ પણ તૈયાર કરી રાખેલ છે.” વોલ્વો અડધો કલાકમાં આવશે, પંદર મીનીટ ઉભી રહેશે અને આપની ટીકીટ ની જાણ કરી દેવામાં આવી છે.
અડધો કલાક પછી બસ આવી અને જગુ તરત ચઢી ગયો. જગુ થાક્યો હોવાથી સીટ પર તરત સૂઈ ગયો અને વોલ્વો ક્યારે ઉપડી તેની પણ તેને ખબર ન રહી. જગુની બાજુની સીટ પણ બાપુનગરથી જ ભરાવાની હતી. બસમાં માત્ર પંદર જ મુસાફર હતાં. બસ એક ટોલનાકા પર ઉભી રહેતા જગુની ઊંઘમાં ખલેલ પડી અને તે જાગી ગયો. જગુની નજર બાજુની સીટ પર પડી અને તે ચોંકી ગયો. આંખો ચોળી ફરી જોયું તો બાજુની સીટ પર વસંત બેઠો હતો. વસંતે ધીમા સ્વરે કેમ છો કહ્યું ત્યારે તેને વિશ્વાસ થયો કે તે ખરેખર વસંત જ છે. જગુએ તરત પૂછી નાખ્યું, “આટલી જલ્દી મુંબઈ પરત જાવ છો.” વસંતે કહ્યું, “હા, મારે કામ પતી ગયું અને મારી ટીકીટ આ વોલ્વોમાં જગ્યા હોવાથી બુક થઇ ગઈ અને હું પરત ફર્યો.” જગુએ કહ્યું, મારે પણ કામ ઓછુ હતું અને મારી ટીકીટ કન્ફર્મ હતી જ. પાછા બંને વાતો કરતા સૂઈ ગયા પણ જગુ જાગી ગયો અને વસંતને થોડા સમય માટે તાકી જ રહ્યો.
જગુએ ફરી એકવાર મોકો મળ્યો છે એમ જાણી પોતાની કારીગરી શરૂ કરી. બધા ખિસ્સા અને બૂટ મોજા પણ તપાસી લીધા પણ ક્યાંય હીરાનું પેકેટ ના મળ્યું. શર્ટના ખિસ્સામાં એ જ ચાલુ હાલતમાં સોનાના દોરા સાથે ગળે લગાડેલ મોબાઈલ જ જોવા મળ્યો, એણે સાવચેતીપૂર્વક મોબાઈલ પોતાના હાથમાં લીધો અને પાછો વિચારોમાં ખોવાઈ ગયો. થોડી વાર પછી તે ગાઢ નિદ્રામાં સરી ગયો. વોલ્વો અંધારી રાતને ચીરતી મુંબઈ તરફ દોડી રહી હતી. બીજા દિવસે સવારે વોલ્વો મુંબઈ પહોંચી ગઈ. કંડકટરે વસંત અને જગુને ઉઠાડ્યા અને બંને ત્વરિત ઉભા થઇ ગયા. મુંબઈ આવી જતા જગુ ગમગીન દેખાવા માંડ્યો જાણે તે દુઃખી થઇ ગયો. વોલ્વોની પાસે વસંતને અને જગુને લેવા માટે કાર આવીને ઉભી હતી. વસંત જગુ સાથે હાથ મિલાવી કારમાં બેસવા આગળ વધ્યો ત્યાંજ જગુ એ વસંતના ખભે હાથ મૂકી થોડીક વાર માટે ઉભો રાખવા પ્રયત્ન કર્યો. વસંત ઉભો રહીને પાછળ જુએ છે તો જગુના આંખમાં પાણી હતાં. વસંતે તરત ધીમા સ્વરે કહ્યું, “અરે જગુ કેમ ઢીલો થઇ ગયો છે.” જગુ પોતાનું નામ વસંતના મોઢે સાંભળતા જ તે ચોંકી ગયો. જગુએ પૂછ્યું, “વસંત મને તું ઓળખે છે.” વસંત કહે, “તારા જેવા હોંશિયાર પાકીટમારને મુંબઈમાં કોણ ના ઓળખે?” જગુ વસંતની સામે આશ્ચર્ય પૂર્વક જોતા બોલ્યો, “તો તું અજાણ્યો હોવાનું વર્તન કેમ કરતો હતો? તું મને ઓળખે છે તો મારા કામ વિશે પણ તને જાણ હશે જ.”
વસંતે હસતા હસતા કહ્યું, “હા મને જાણ છે અને તું અત્યારે નિષ્ફળ થયો છે તેની પણ મને જાણ છે.” જગુએ તરત જ કહ્યું, “હું મારા કામમાં પ્રથમવાર નિષ્ફળ ગયો છુ અને મને મારા કરતા મારા પર જેણે આટલો વિશ્વાસ મૂક્યો તે માટે વધુ ચિંતિત છું. વસંત તું મને એકવાર કહી દે કે તે હીરાનું પેકેટ ક્યાં છુપાવ્યું હતું.”
વસંતે કહ્યું, “હું તને બતાવી જ દઉં છુ પણ એક મીનીટ ઉભો રહે.” અમે કહી પેઢીના ડ્રાઇવરને બોલાવ્યો. વસંત પોતાના શર્ટના ખિસ્સામાં રહેલો મોબાઈલ જે સોનાના દોરા સાથે જોડેલ હતો તે અલગ કરે છે. મોબાઈલને કંપાસની જેમ સાવચેતી પૂર્વક ખોલે છે અને તેમાંથી હીરાનું પેકેટ કાઢી પેલા ડ્રાઇવરને આપી દે છે. આ જોઈ જગુની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ. જગુના હાથમાં મોબાઈલ આવ્યો હતો પણ તે સમજી ના શક્યો એ માટે પોતાની જાત પર ગુસ્સો કરે છે. વસંત પેલો ડમી મોબાઈલ કવર જગુના હાથમાં મૂકી હસવા માંડે છે.
વસંતે પોતાનો સાચો પરિચય આપ્યો, તેના વિશેની વાત જગુને કહી “હું પણ તારી જેમ જ પાકીટમાર હતો. હું પણ મારી આવડત ખોટા રસ્તે વાપરતો હતો પણ એકવાર આંગડીયા પેઢીના સંપર્કમાં આવતા મેં મારી હોંશિયારી સારા કામ માટે વાપરવાનું નક્કી કર્યું. મને શેઠે વિશ્વાસુ બનાવી દીધો અને હું શેઠના વિશ્વાસ પર ખરો પણ ઉતરતો ગયો. આજ દિન સુધી મારાથી પેઢીને કોઈપણ નુકશાન થયું નથી. હું દરેક વખતે નવી તરકીબ વાપરીને કામ કરૂં છુ.
જગુએ કહ્યું, “તું મને કેવી રીતે ઓળખે છે?” વસંતે તેનો જવાબ પણ આપ્યો, “તું જયારે મળ્યો ત્યારે જે રીતે હાથ મિલાવી મારા કાંડાની તપાસ કરી ત્યારે જ મને ખબર પડી ગઈ કે તું કોઈ સમાન્ય ચોર નથી. જયારે તે મને હું બાપુનગર ઉતરવાનો છું તેમ કહ્યું ત્યારે મને વધુ વિશ્વાસ થઇ ગયો કે તું કોઈ ચાલાક ચોર છે અને મારા માટે આવ્યો છે. જયારે મેં સૂઈ જવાનું નાટક કર્યું ત્યારે તારી કારીગરી પણ જોઈ લીધી પણ અમદાવાદ જતા સમયે હું નિશ્ચિત હતો. તે સમયે મારી પાસે પેકેટ હતું જ નહિ અને તને ખોટી માહિતી મળી છે તેમ લાગ્યું. હું બાપુનગરથી હીરાનું તૈયાર સેમ્પલ લઈને મુંબઈ જવાનો હતો. તને નિષ્ફળ થતા અને થાકી ગયેલો જાણી હું વધુ નિશ્ચિત થઇ સુઈ ગયો.
વસંતે કહ્યું, “મેં બાપુનગર ઓફીસ જઈ તરત તારી માહિતી મેળવી લીધી. હું જયારે પરત ફર્યો ત્યારે વોલ્વોમાં તને સૂતેલો જોઈ તારી પાસે આવીને બેસી ગયો. બસમાં બીજા કોઈ અજાણ્યા સાથે બેસવા કરતા તું થોડો જાણીતો હતો. મને તારું ટેન્શન ન હતું પણ તું ફરી પાછો મોકો લઇ કારીગરી કરવા માંડ્યો ત્યારે મને થોડીવાર ચિંતા થઇ. જયારે તું ફરી નિષ્ફળ થયો ત્યારે હું ખુશ થઇ સૂઈ ગયો અને તું ચિંતામાં સૂઈ ગયો.
જગુ વસંતની વાતો સાંભળતો જ રહ્યો અને તે પોતાની નિષ્ફળતા માટે વિચારતો હશે એમ વસંતને લાગ્યું. વસંતે તેને સમજાવ્યું કે જગુ ખરેખર હોંશિયાર છે અને તેણે પણ વસંતની જેમ પોતાની આવડત સારા કામ માટે વાપરવી જોઈએ. તેવામાં વસંત જગુને હાથતાળી આપી સ્મિત રેલાવતો રેલાવતો તેની આંખો સામેથી નીકળી ગયો.
વસંતના ગયા પછી જગુએ શેઠને ફોન કર્યો, ‘શેઠ, સફળતાનું ઈનામ તૈયાર રાખો, હીરાનું સાચું પેકેટ અને એને સાચવનાર મોબાઈલનું ડમી ખોખું બંને મારા ખિસ્સામાં છે.’ અને વસંતના હાસ્ય પર હસતો તે ચાલી નીકળ્યો.
– રૂપેન પટેલ
શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત વાર્તા આજના જીવનની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. ઘણાં ગુનાહિત માનસ ધરાવતા લોકોના જીવનમાં ગુનો આચરવો એ સામાન્ય કાર્ય જેટલું સરળ થઈ ગયું છે. અને એ કાદવમાંથી નીકળવા માંગનારે સતત જાગૃત રહેવું ઘટે. રૂપેનભાઈની સરસ વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ જ છે, પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.
સારી અપરાધકથા આપી પરંતુ હીરાનું પેકેટ ક્યારે અને કેવી રીતે તફડાવ્યું તેની વિગત વાંચક સામે બરાબર રીતે મૂકાઈ નથી. અસ્પ્ષ્ટ છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
સરસ
VERY NICE! GOOD TO READ SOMETHING ON SUCH NOT KNOWN SUBJECT.
એકધારા રસ પ્રવાહમાં વહેતી આ વાર્તા આપના લેખન
કૌશલ્યનો પરિચય કરાવી ગઈ. વાર્તામાં દરેક પાસાં ઉભરી આવ્યાં. સરસ વાર્તા માટે અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Pingback: હાથતાળી – રૂપેન પટેલ « "જ્ઞાનનું ઝરણું"
સરસ વાર્તા, માણસે ઈશ્વરે આપેલી વિવેક બુદ્ધિ નો પણ જીવનમાં ઉપયોગ કરવો જોઈએ, અને સારા નારશાની પરખ કરતાં પણ શીખવું જરૂરી છે,
હમબક
very nice story. i am very fond of criminal stories. example of a perfect theft.
good story..
Lata Hirani
ખુબ સરસ વાર્તા લખી છે રુપેનભાઇ. . એક પણ જગ્યા પર વાર્તા પર ની પકડ ઢીલી નથી થવા દીધી.
થોડિક લાંબી લાગી.. પણ મઝા રહી
અતિ સુન્દર..
બોધપ્રદ સરસ વાર્તા. માણસ એ પોતાની આવડતનો સદુપયોગ કરવો જોઇએ ન કે દુરુપયોગ
સરસ વાર્તા.
ભગવાન ભરોસે જીવનારા અને સાવચેત રહેનારા જીવોની આંખ ખોલી નાખે તેવી સરળ રજૂઆત. ઘણા વખતે એક સારી અપરાધ કથા વાંચી. ગુનેગારના મનની સાથોસાથ આપણા મનમાં પણ થયા કરે કે હીરા ક્યાં હશે? -હર્ષદ દવે.
સરસ્!
IS IT REAL STORY OR FABRICATED ?