અધ્યાય પહેલો – અર્જુન વિષાદયોગ
ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે ઉભો અર્જુનનો રથ
સારથી કૃષ્ણ સાથે એ નિહાળે બેઉ સેનાને………….1
ત્યાં દીઠા અર્જુને ઉભા મારવા મરવા સહુ
કાકા મામા ગુરુ દાદા ભાઇ પિતરાઇ સૌ સગા…….2
જોઇ અર્જુન ઊઠ્યો ધ્રુજી કહે, હે ક્રૂષ્ણ!
આ બધા વડીલો ગુરુઓને હું મારીને રાજ શું કરું…………….3
કુળનો નાશ કરનારું આવું જુદ્ધ નહીં કરું
એથી તો ભીખ માંગીને જીવવું હું ગણું રુડું…………4
આમ અફસોસ ઉદ્વેગે છોડી ધનુષબાણને
રથમાં બેસી ગયો રોતો, “નૈ લડું” કહી અર્જુન……..5
અધ્યાય બીજો — સાંખ્ય યોગ
કહે કૃષ્ણ, અરે! આ શું સૂઝ્યું આવે સમે તને?
લડવાનો ધર્મ છે તારો, તેમાં તું થી ડગાય નૈ………6
ન કે’વાના વેણ કે’શે સૌ, તું ભાગ્યો જુદ્ધથી ડરી
અકીર્તિ, કીર્તિવંતાને મોતથી આગળ નથી………….7
તું, હું ને આ બધા રાજા હતાં પહેલાં અને હશું,
હું જાણું, તું ન જાણે એ બધુંયે; માન નિશ્ચિત…………8
આત્મા તો અવિનાશી છે, હણ્યો કોઇથી હણાય નૈ,
મરનારું મારનારું કો’ મૂળમાં નથી આ જગે………….9
વસ્ત્ર જીરણ કે ફાટયાં છોડીને માનવી નવાં પેરે છે
તેમ આ આત્મા દેહ બદલી નવા ધરે………10
વળી માનીએ કે એ મરે જન્મે ફરી ફરી
જન્મ્યું તે મરશે નિશ્ચે; મોત કોને ટળ્યું કદી?……….11
માટે જે જિંદગીમાંથી કદી ટાળ્યું ટળાય નૈ
તે તણો શોક છે મિથ્યા, આવે-જાય બધું જગે………12
હક તને કર્મનો માત્ર, ફળતો હરિ હાથમાં
મેલ્ય તું ફળની આશા, મેલ્ય વેન “ન લડું” તણું…..13
સુખ દુઃખ લાભ ને હાણ, હાર કે જીત ભૂલીને
નિરલેપ રહીને ઝૂઝ્ય; પાપ નથી એમાં કશું……..14
અધ્યાય ત્રીજો — કર્મયોગ
કિરતારે પ્રાણી સાથે જ કર્મને સૃષ્ટિમાં ઘડ્યું
એનાથી દેહ આ ચાલે, બધા વહેવાર આપણા……15
આવું આ ચક્ર જે મૂઢ ચાલવે નહી
તેનું જીવ્યું વૃથા જાણ; ચોર એ નકરો જગે……16
વિદેહી ને બીજા મોટા જે મોર્ય થૈ ગયા
એ બધાયેય પોતાનાં બજાવ્યાં કર્મ આમ જ…….17
જોને કરવા કમાવાનું મારે જગમાં નથી કશું
તોય તું જુવે છે હું છું સદા કર્મમાં મચ્યો………….18
કાં કે જો ન કરું કર્મ જાતે આળસ છાંડીને
સૌ કરે તેમ; ને કર્તા હું બનું લોક્નાશનો………..19
કર્મ ક્યારેક પોતાનું દિસે હીણું, બીજું રુડું.
તોય એ ધર્મ પોતાનો; આચરતાં મરવું ભલું …..20
અલેખે ના કશું જાય એવા નિષ્કામ-ધર્મમાં
થોડો યે આચર્યે મોટા ઉગારે ભયથી નકી……….21
તોય હે કૃષ્ણ ! એવો આ ધર્મ માણસ કાં તજે?
ઇચ્છા ન્હોય છતાં જાણે ધકેલે કોક માંહ્યથી……..22
હે અર્જુન ! લાંઠ વેરી એ કામ ને ક્રોધ આપણા
પાપી ખૌધરા, એને વશ ન થા; હણ તું સદા……23
અધ્યાય ચોથો — જ્ઞાન કર્મ સંન્યાસ યોગ
આવો આ કર્મનો મર્મ, પુરાણો યોગ શ્રેષ્ઠ
જે આવ્યો છે ચાલતો જૂના કાળથી; મેં તને કહ્યો……..24
ધર્મની પડતી થાય, વધે જોર અધર્મનું
ત્યારે ત્યારે લઉં જન્મ, હું આવી પર્થમી પરે………25
દુષ્ટોને ડામવાને ને રક્ષવા સંત-સજ્જન
ધર્મને થાપવા પાછો અવતરું હું ફરી ફરી…………26
સમર્પી પ્રભુને એવા કરે નિષ્કામ કર્મ
જે પાપથી ન લેપાય, જળમાં જેમ પોયણું…………….27
તેથી તું રહી નિર્લેપ, તારાં જે કર્મ જા કર્યે
જીવ્યાની શ્રેષ્ઠ સિદ્ધિનો કીમિયો આ જગે…………28
(અધ્યાય છઠઠો-આત્મ સંયમ યોગ)
શ્રી ભગવાન બોલ્યા:
શાણે ઓધ્ધરવું જાતે, મનથી ના હારવું કદી
આપણે આપણા મિત્ર, આપણે શત્રુ આપણા…………..29
પણ ચંચળ મન;–એને નાથવું કેમ? હે પ્રભુ !
પોટલે બાંધવો વાને, એથી યે કામ આકરું…………….30
હે અર્જુન ! તો ય એ મનને લૈ ખીલે બાંધવું રહ્યું
વારેવારે મથીને યે વળી વૈરાગને બળે…………………31
અર્જુન પૂછે છે; પણ એવા યત્નવાળો, જો ચળે અધવચ
હે પ્રભુ ! તો એના હાલ શા? એનાં બે ય શું બગડે નહિ?……..32
ભગવાન કહે છે:
ના બાપુ !જગમાં કો યે સત્ત માર્ગે વળેલની
દુર્ગતિ ના કદી થાય; નિશ્ચે આગળ એ જશે……………33
મનની સમતાવાળા જ્ઞાની યોગી તપસ્વીમાં
શ્રધ્ધાથી સર્વદા હું માં લીન, -તે સહુ થી વડો………..34
(અધ્યાય સાતમો—જ્ઞાન વિજ્ઞાન યોગ)
લાખોમાં કોઇ એકાદ પામવા મુજને મથે
મથનારા મહીં યે પાછા જાણે મર્મથી કોક જ………….35
મારાથી અદકું કો ય તત્વ આ જગમાં નથી
એકદોરે પ્રોવ્યું સૌ હું માં, માળાના મણકા સમું…………36
જગનાં મોહ માયા તે કોયથી ન તરાય આ ભક્ત,
જે શરણે આવે મારે,– તે એકલા તરે………….37
(અધ્યાય આઠમો—અક્ષરબ્રહમ યોગ)
તેથી તું સદા મુજમાં પ્રોવીને લડ જુધ્ધ
આ બધો ભાર મને સોંપી; નિશ્ચે તું પામશે મને………….38
(અધ્યાય નવમો—રાજ વિદ્યા રાજગુહ્ય યોગ)
વળી સાંભળ બીજું યે ગુપિત શ્રેશ્ઠ તને કહું
બધા ધર્મ તણો સાર, મોંઘેરી સમજણ નકી…………..39
મને જે માનવી રુપે વિચરતો અવગણે જગે
ન જાણે મૂઢ તે મારો મહિમા જે વિશ્વ ચાલવે………..40
જાણે એ મહિમા ભક્તો, જે જીવે વળગી મને
પ્રભુને જ બધે દેખે; સંત એ દોહ્યલા જગે…………….41
એવા અનન્ય ભક્તોના ઘર વહેવારની બધી
ચિંતા વેંઢારું હું પોતે; એમને રાખું મોકળા…………..42
પત્ર ફળ ફૂલ કે નકરું પાણી યે જે ધરે મને
ભક્તનું ભાવથી આપ્યું, એ બધું લઉં હું સુખે…………43
લેખાતાં હોય જે હલકાં, ને મારું શરણું ગ્રહે થાપું
ઊંચાં કરી વહાલા પામે એ સૌ પરમ ગતિ……..44
હોય મોટો દુરાચારી, થૈ અનન્ય ભજે
મને તે ય ઝટ ધર્માત્મા, તો જનતાજન કાં નહિ?……..45
(અધ્યાય નવમો)
ત્યાં ધ્યાની કર્મયોગી રાજઋષિનું પૂછવું જ શું?
જાણ નિશ્ચે કરી મારા ભક્તનો નાશ ના કદી……46
જે જે કૈં ખાય આપે કે જપતપ ધ્યાન તું
કરે કરવાના કામ તે સરવે મને જ કર અર્પણ …….47
અધ્યાય દશમો (વિભૂતિ યોગ)
ન જાણે મહિમા મારો મહર્ષિ દેવ કે મુનિ
મૂળ હું સર્વ સ્રૂષ્ટિનું, જાણે તે સૌ ભજે મને……………..48
મનપ્રાણે હું જ એવા એ, બોધ લે દે પરસ્પર
રહે સંતોશ આનંદે સૌ ભીના મુજ કીર્તને……………….49
એવા રંગાયલા ભીના ભક્ત પ્રીતે ભજે મને
એવાને સમજણ શ્રેષ્ઠ દઇને હું મળું નકી……………….50
મહિમાવંત પ્રભુ ! કેમ ઓળખું મહિમા તુજ
તારી કૈં કૈં વિભૂતિનું કરવું ધ્યાન ચિંતન………………..51
ભલે, લે સાંભળી અર્જુન ! થોડી મારી વિભૂતિઓ
અંત ના’વે કદી એનો, વિગતે વદવા જતાં…………….52
વસું છું આત્મરુપે હું જીવમાત્ર તણા રુદે
સચરાચર સર્વેનું આદિ ને અંત, મધ્ય હું………………..53
આદિ ઉચ્ચાર ૐ કાર, અક્ષરોમાં અ’કાર હું
કીર્તિ લક્ષ્મી બુધ્ધિ નારીમાં, સ્મ્રૂતિ વાણી ધારણા ક્ષમા…….54
જ્યોતમાં જ્યોત હું સૂર્ય, નક્ષત્રોમાં હું ચંદ્રમા
નદીઓમાં છું હું ગંગા, સ્થાવરોમાં હિમાલય……………..55
ઐરાવત હાથીઓમાં હું ધેનુમાં કામધેનુ હું
મૃગોનો રાજ હું સિંહ પક્ષીઓમાં ગરૂડ હું………………….56
શસ્ત્ર અસ્ત્ર મહીં વજ્ર, જમ નામે મ્રૂત્યું હું જ છું
કૃષ્ણ અર્જુન હું પોતે, વ્યાસ નારદ હું મુનિ……………….57
જે જે કૈં મહિમાવંતું શ્રેષ્ઠ શ્રીવંતું વિશ્વમાં
મારા જ તેજનું તે તે એક કિરણ જાણ તું………………….58
અથવા શું કહું? મારા મહિમાનો અંત છે નહિ
જાણે એક જ અંશે થી વિશ્વને વ્યાપી હું વધ્યો !…………59
અધ્યાય અગિયારમો-(વિશ્વરૂપ દર્શન યોગ)
વળી લે જોઇ જાતે જ, જે બધું આ ઘડી કહ્યું
કહીને રૂપ વૈરાટ,દેખાડ્યું પ્રભુ યેં પછી……………………60
તત્ક્ષણે અર્જુને જોયું રૂપ આકાશ જેવડું
હજારો હાથપગ જેને, હજારો આંખ મસ્તક !……………..61
હજારો સૂર્યનાં તેજ આભમાં પ્રગટે ભલે
ન આવે તોય એ તોલે એના અંબાર તેજને………..62
ત્યાં જોયા અર્જુને સર્વે સ્રૂષ્ટિનાં સચરાચર
રોમે રોમે દંગ થૈ ઉભો, કહે આશ્ચર્યથી પછી:…………..63
અર્જુન બોલ્યા:
હે દેવ! ભાળું તુજ દિવ્ય રૂપ
તારાં ઉદર નેત્ર ન ગણાય એમાં
ન આદિ કે મધ્ય ન ક્યાંય છેડે
અંજાય આંખો તુજ તેજથી આ……………………………..64
આ આભ ધરતી ભરીને ઊભો
તું દસે દિશા દેવ ! તેં વ્યાપી લીધી
આવું નિહાળી તુજ ઉગ્ર રૂપ
ભાળું ત્રણે લોક ગભરાઇ ઊઠ્યાં…………………………..65
વિકરાળ મુખથી તું અગ્નિ ઓકે
જીભોની ઝાળો ત્રણ લોક ચાટે
હું યે પરેશાન તુજ તાપથી પ્રભુ !
ધરે ન હૈયું ક્ષણ એક ધીર………………………………66
વિકરાળ દાઢો મહીં આ ચવાય
ભીશમપિતા,દ્રોણગુરૂ, કર્ણવીર
કુરુ પાંડવોનો ન કરે તું ટાળો
ભાળું બધા જોધ ભેળાં ચવાતા !……..67
ધસે નદીનાં પૂર જેમ સાગરે
દીવે ધસે જેમ પતંગ ટોળાં
ભભૂકતાં તેમ તુજ આ મુખોમાં
જોધ્ધા બધાને ધસતા હું ભાળું……….68
આવા કહો કોણ તમે ભયાનક?
ક્રૂપા કરો દેવ ! નમું, ન કોપો;
હું જાણવા આતુર આદિદેવ !
પ્રવર્તિ સમજાય ન આ તમારી………69
ભગવાન બોલ્યા:
હું કાળ પોતે છું સંહાર સૌનો
ઉઠ્યો ભરખવા જગ આજ આખું
નાંખ્યા છ સૌને હણી ક્યારના મેં
તારે તો થાવું છે નિમિત્ત માત્ર………70
અર્જુન બે હાથ જોડી સ્તુતિ કરે છે:
હે દેવ !તું તાત ચરાચરોનો
તું પૂજ્ય સૌ નો, ગુરૂદેવતા તું
તારા સમો કોય ન મળે ત્રિલોકે
ત્યાં તુંથી સરસો પછી હોય કોણ?…..71
તું દેવ, આદિ,તું પુરાણ પુરશ્ચ
તું વિશ્વ આખાનું શરણું નકી છે.
નમું નમું તુંને હજાર વાર
ફરી ફરી લળી લળીને નમું હું……….72
જાણ્યો ન મહિમા તુજ આવડો મેં
હે ક્રૂષ્ણ ! હે જાદવ ! એમ કહેતો
મારો બધો એ અવિનય અમાપ
થયો અજાણ્યે, કરજે ક્ષમા તું………..73
કદી ન જોયેલું તે જોઇ હરખ્યો
છતાં ભયે વ્યાકુળ હજીયે
હવે ખમૈયા કર હે વિરાટ !
થા તું ભલો થૈ ફરી વાર નાનો……..74
ભગવાન કે’છે:
ભાળ્યું ને રૂપ તેં મારું? જેનું દર્શન દોહ્યલું
લે હવે રૂપ લઉં પાછું, જાણીતું જે તને સદા……75
જે મારાં કામમાં લીન, ભક્તિભીનો ય તેટલો
જગે નિર્લેપ નિર્વેર તે જંપે મુજમાં નકી………76
અધ્યાય બારમો (ભક્તિ યોગ)
આમ જે ભક્ત મારા થઇ સગુણ રૂપે ભજે મને
તે સરસ નિરગુણિયાથી નિરગુણની ભક્તિ આકરી….77
કોયનો કરે દ્વેષ મૈત્રી ને કરુણાભર્યો
હું મારું ના ગણે, સાંખે, સુખદુઃખે ક્ષમાબળે………….78
સંતોશીથિર હૈયાનો ભક્ત જે દ્રઢ નિશ્ચયી
મનબુધ્ધિ મારામાં વસે, તે વહાલો મને…………….79
અકારું લોક ના જેને, અકારો લોક્ને ન જે
હરખશોક ભય ક્રોધ, નૈં જેને, તે મને પ્રિય…………80
ટાઢો કાબેલ ખંતીલો, નિસ્પ્રુહી મન નિર્મળો
અધૂરાં નૈં આદર્યાં જેનાં, ભક્ત એ વહાલો મને…….81
લાભે ફૂલાય ના મનથી ઝંખે શોચે બળે નહિ,
શુભાશુભ ગણી સરખાં, ભજે તે વહાલો મને……….82
શત્રુ મિત્ર સમા જેને, માન કે અપમાનયે
દુઃખસુખ શીત કે ઉશ્ણ, સમ જેને, તે મને પ્રિય……..83
મળે તેનાથી સંતોષ સ્તુતિનિંદા ગણે નહિ મૂંગો,
સાબૂત બુધ્ધિનો, ઘરવોણો તે મને પ્રિય………84
મારામાં મન પરોવીને શ્રધ્ધાથી ધર્મસાર
આ આચરે નિત્ય તે ભક્ત મને છે અતિશે પ્રિય…………..85
દૈવી ને આસુરી માયાવાળા જીવ બધા જગે
દૈવી સંપતવાળો તું, ખાતાનો જીવ, શોચ મા………86
નિર્ભયતા, નિર્મળાં, સત્વ, દાન તપ ત્યાગ
સંયમ નૈં લઘુતા, કરુણા જીવેં, મર્યાદા મૃદુતા ક્ષમા………..87
અહિંસા સત્ય અક્રોધ, ધૈર્ય નિષ્ઠા તેજ નમ્રતા
એ બધી સંપદા દૈવી, લૈ આવે ભાગ્યવંત જે……..88
આસુરી જન જાણે નૈં શું કર્યા જોગ,
શું નહિ ન જાણે નિર્મળું મેલું, ફૅર શો સાચજૂઠમાં………..89
કૅશે દુનિયા બધી જૂઠી, ઇશ-આધાર કૈં નથી
નીપજ્યું એકબીજાથી, બીજું કારણ શું વળી?……90
આશા ખાઉધરી ઝાઝી, દંભ માન મર્દ ભર્યા
મૂઢ મોહે દુરાચારે, રે’સદાય રચ્યાપચ્યા………..91
ઉધામા પેંતરા એના ને છેડો નૈં મૂવા લગી
ભોગમાં જ બધું આવ્યું, નિશ્ચે એમજ માનતા…….92
આશાને ફાંસલે બાંધ્યા, પર્ઠેલા કામક્રોધને ભોગ
ને ધન માટે થૈ, ન જુવે ધર્મનીતિને……..93
આટલું મેળવ્યું આજે, બીજુંયે મેળવીશ હું થશે
સંધુંય મારું જ, કરે એવા મનોરથ…………94
આ વેરીને કર્યો પૂરો, બીજાનેય હણીશ હું માણીગર,
મૉજી, ધણિયામો, બાજંદો, બળિયોય હું..95
કુળધનમાં સહુથી ઊંચો, મારો જોટો જડે નહિ
દાનધર્મ કરું યજ્ઞ, એવા બકવાદ નિત્યના !…….96
ભમેલા ચિત્તવાળા ને ફસેલા મોહજાળમાં ડૂબેલા
વિષયે દ્વેષે,નિશ્ચે નરકના ધણી !………97
કામ ક્રોધ તથા લોભ ભાતાં આતમઘાતનાં નાશના
એ ત્રણે ઝાંપા, તરીને ચાલવું સદા……98
તપ સામર્થ્યની જેના, વિશ્વ આ વિસ્તર્યું બધું તેને
સ્વકર્મથી પૂજી, માનવી સિધ્ધિ મેળવે…….99
કર્તાભાવ, મનબુધ્ધિ જેનાં નિરલેપ,
તેહથી થ્યો કદિક નાશ પ્રથમીનો, નૈં તેનું પાપ બઁધન..100
ન છોડવું કર્મ પોતાનું, ખામીવાળું ભલે દીસે,
ધુમાડો અગ્નિમાં તેમ દોશ સૌ કર્મમાં રહ્યો……..101
લે ઊણો છતાં નરવો, ધર્મ કર્તવ્યનો જગે
ઠર્યું જે કર્મ પોતાનું, કર્યાનું પાપ છે નહિ……….102
હૈયે હૈયે હરિ બેઠો નિશ્ચે આ જગમાં બધે
માયાથી ફેરવે જીવો, ચડાવ્યા જેમ ચાકડે……..103
વિકલપ સંધાય મેલીને માની લે વાત તું મુજ શોચ મા;
સર્વપાપેથી છોડાવી લૈશ હું તને….104
ગૂઢમાં ગૂઢ આ ભેદ જિંદગીનો મેં તને કહ્યો
પૂરું સમજી વિચારીને કર હવે જે તને ગમે…….105
ધ્યાનથી સાંભળ્યું કે? જે મેં તને આટલે કહ્યું?
મોહ ને મૂંઝવણ તારાં ટળ્યાં કે ન ટળ્યાં હજુ?….106
ટળ્યો મોહ, સમજ આવી, પ્રભુ !
તારી ક્રૂપા થકી હવે તૈયાર ઊભો હું, આજ્ઞા તારી ઉઠાવવા……….107
આમ જ્યાં કૃષ્ણ ભગવાન, જ્યાં બાણાવળી અર્જુન
જિંદગીની જીત ત્યાં નિશ્ચે, ધર્મ શ્રી ન્યાય વૈભવ…..108
*અમથાની લોકગીતા આ સુણી વાંચી
વિચારશે જીવ્યાનો જાણશે ઇલ્મ, છૂટશે ભવબંધથી…….109
શ્રીમદ ભગવદગીતાનો લોકભોગ્ય સારસ્વરૂપ અનુવાદ – સમજણ આપવામાં સ્વામી આનંદનો સિંહફાળો છે. ગીતા વિશે તો બીજું શું કહેવાનું શેષ છે? અને સ્વામી આનંદની કલમથી પણ આપણે અજાણ નથી. આજે પ્રસ્તુત છે શ્રી ગોપાલભાઈ પારેખ પ્રેષિત આ સ્વામી આનંદ દ્વારા પ્રસ્તુત લોકગીતા
ગીતા એ મા અને બાળક વચ્ચે થયેલો સંવાદ છે. એને સમજવા માટે એ લેવલે જઈને પ્તયત્ન કરીએ તો જરીકે સમજાય, બાકી રેશનાલીઝમનો ડંગોરો લઈને દલીલો કરવા બેસીએ તો એમાંનું કશુંય ન સમજાય! વિશ્વના ચિંતકોને જેમાંથી વિચાર રત્નો સાંપડ્યા અને અનેક રીતે સમાધાન મળ્યું તેની મશ્કરી કરવાનો કોઈ અર્થ નથી.
વેદો માટે ખુબજ ઉપિયોગિ સાઈટ્
http://agniveer.com/
ANY ORDINARY MAN CAN UNDERSTAND IN GUJARATI. VERY USEFUL FOR GUJARATI NOT KNOWING NOR UNDERSTANDING AND PROPER SPEAKING THOSE SLOKAS IN SANSKRIT, MAY BE DEV BHASHA,
GOD KNOWS, IT MAY BE BY VYAS AS IN HIS LANGAUGE. YOU CAN EASILY MAKE PARAYAN WITHOUT UN-KNOWINGLY CRAMMING SANSKRIT SLOKAS,BETTER YOU UNDERST. GEETA IS NOT FOR CRAMMING BUT TO PUT IN PRACTISE. AND LIVE LIFE IF YOU CAN. IT IS HARD BUT WE SHOULD TRY-IF WE CAN.
IF WE DO NOT PUT IN PRACTISE, PEOPLE OTHER THAN HINDU,HOW WE EXPECT THEM TO PRACTISE,BEING TOLD BY HINDU GOD,GEETA IS NOT FOR HINDU ONLY,.IT IS WAY OF LIVINFOR ALL.
ભવ્ય!!!
==
ગીતાના બીજા અધ્યાયમાં આત્મા વીશે કલીયર લખેલ છે કે આત્મા અવર્ણનીય, અસોચનીય અને અવ્યકત છે. મીત્રો કોઈક તો સમજો જે અવ્યક્ત, અસોચનીય અને અવર્ણનીય હોય એની ચર્ચા કેમ થઈ શકે?
હવે આત્મા ન હોય તો પછી પુર્વ કે પુનઃ જન્મ, કર્મ, નરક, સ્વર્ગ કે મોક્ષ કેમ હોઈ શકે?
પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે. સુર્ય નીહારીકીની નાભી આસપાસ ફરે છે અને હજી પુરા ૧૮ ચક્કર પણ લગાવેલ નથી એટલે કે સુર્ય હજી નાદાન છે……
ગીતા ગાગરમાં સાગર છે, જ્ઞાન અને સમજણનો સમુદ્ર છે, મનોમંથન અને ચિંતનનો મહેરામણ છે અને દરરોજ અમલમાં મૂકી જીવવાની સુંદર રીતનો દરિયો છે. સદાચારનો સમંદર છે. આપણે મરજીવા બની તેમાંથી મોતી બહાર લાવવાના છે. કહેવું સાવ સહેલું છે પરંતુ કર્મણ્યે વાધિકારસ્તે કઠીન છે. મીઠા મીઠા સબ કોઈ પીએ કડવા ન પીએ કોઈ, સબસે કડવા જો કોઈ પીએ તો સબસે મીઠા હોઈ. આપણે એ માટે તૈયાર થઈએ…રહીએ…હદ.
Jay Shree Krishna … Thanks for GokGita.