જખમના અધર પર દીઠું સ્મિત ઓછું મહોબ્બત મઝાના પ્રયત્નો કરે છે
હ્રદયમાં હવે દર્દ પણ દુઃખ વિસારી વધુ જીવવાના પ્રયત્નો કરે છે.
ખરી પડતાં આંસુને પાલવ પ્રસારી કોઈ ઝીલવાના પ્રયત્નો કરે છે,
પ્રણયની પ્રણાલીનું આજે થશે શું? રુદન રીઝવાના પ્રયત્નો કરે એ.
થયો છું સદા એની પાછળ ફના હું, હવે એ થવાના પ્રયત્નો કરે છે,
ન જાણે હ્રદયને થયું આજ છે શું ! કે જંપી જવાના પ્રયત્નો કરે છે!
જીવન જાણે રાધાની મટકી સમું છે, અને ભાગ્ય છે કૃષ્ણની કાંકરી સમ,
રસીલી રમત છે, કોઈ સાચવે છે, કોઈ ભાંગવાના પ્રયત્નો કરે છે.
છે એવું વહન ઊર્મિઓનું હ્રદયમાં, છે એવું શમન ઊર્મિઓનું હ્રદયમાં,
સદા જાણે સાગર ઉગારી રહ્યો છે, નદી ડૂબવાના પ્રયત્નો કરે છે!
જૂઠી આશના ઝાંઝવાંને સહારે વટાવી ગયા રણ અમે જિંદગીનું,
તરસ જાણે તૃપ્તિના વાઘા સજીને સ્વભાવિકપણાના પ્રયત્નો કરે છે!
દિમાગોની દુનિયા પ્રકાશી રહી છે, છતાં દીપ દિલના નથી ઓલવાતા,
‘ગની’ કોઈને એ ડહાપણ ન લાગે, પરંતુ દીવાના પ્રયત્નો કરે છે.
– ગની દહીંવાલા
શ્રી ગની દહીંવાલાની ગઝલ વિશે કવિશ્રી નયન દેસાઈ કહે છે, ‘ગની’ ભાઈની ગઝલોમાં કાફિયા અને રદીફનું ચયન ખૂબ જ સરસ રીતે થયેલું જોવા મળે છે. ગઝલોમાં અપેક્ષિત એવી ભાવની પુષ્ટતા, કાફિયા અને રદીફનું શેરમાં બરાબર રીતે ઓગળી જવું અને વાતચીતની જીવંતતા દર્શાવવા સંબોધનની યોજના કરવી પણ ‘ગની’ ભાઈની વિશેષતા છે. ક્યાંય પણ છીછરા કે સસ્તા થયા વગર, વાહવાહીના તૂંકા રસ્તા લીધા વગર તેમણે લાંબા સમય સુધી વિદ્વાનો કે સામાન્ય જનતાના હ્રદયમાં અમિટ સ્થાન જમાવ્યું છે. પ્રસ્તુત ગઝલ તેમની આ વાતની ખાત્રી દરેક શેરમાં સુપેરે કરાવી જાય છે.
‘ગની’ દહીંવાલાની પ્રસ્તુત ગઝલ તેમના જન્મશતાબ્દી વર્ષ ૨૦૦૮ નિમિત્તે પ્રકાશિત ‘ગની’ ની મહેક સંગ્રહમાંથી લેવામાં આવી છે. ગુજરાતી સુગમ સંગીત ફાઊન્ડેશન દ્વારા પ્રકાશિત પ્રસ્તુત પુસ્તકના સંપાદક શ્રી બકુલેશ દેસાઈ છે.
સર્વાંગ સુંદર ગઝલ્
દીપ દિલના એમ ઓલવાય તો એ દિલ નથી…સરળ અને સુંદર ભાવ કલ્પનની સૃષ્ટિ રચી છે… હર્ષદ દવે.