વાચકોની રચનાઓ – સંકલિત 9


૧. વતન મારું ઘવાયું છે – કમલેશ વ્યાસ

પાડોશીની નજર લાગી વતન મારું ઘવાયું છે.
નામર્દીના ધુમ્મસથી આખુ આકાશ છવાયું છે.
આમ જુઓ તો તેના કરતા આપણું બળ સવાયું છે.
તેમ છતાયે જોઈ લો મિત્રો વતન મારું ઘવાયું છે. પાડોશી ……

નબળી ગા’ ને ઝાઝી બગાઓ કહેવત કેવી સાચી છે.
દુ:ખ સાથે કહેવુ પડે છે આપણી નીયત કાચી છે.
દુર્દશાઓ દેશ તણી પણ ચા પીતા પીતા વાંચી છે.
ને તેમ છતાએ કહેવુ છે કે વતન મારું ઘવાયું છે. પાડોશી ……

ભ્રષ્ટાચારમાં રમતા નેતા પૈસા તણા ગુલામ છે.
‘આપણા ટકા કેટલા’ એ આપણો તકીયા કલામ છે.
ગાદી તકીયે સૂતા સૂતા કહેશુ સૈનિકોને સલામ છે.
મારું ઘર સુરક્ષિત છે છોને વતન મારું ઘવાયું છે. પાડોશી ……

મૂરખ હતા નહેરુ ને ગાંધી દેશ ની ચિઁતા કરતા’તા.
માભોમ ની પાછળ શાને, સુભાષ ભગતસિંહ મરતા’તા?
એ ઈતિહાસ શહીદીનો – સિફતથી ભૂલી જવાયું છે.
પછી કરે શાને ચિંતા, છો વતન તારું ઘવાયું છે. પાડોશી ……

પાડોશીની નજર લાગી વતન મારું ઘવાયું છે.
નામર્દીના ધુમ્મસથી આખું આકાશ છવાયું છે.

– વ્યાસ કમલેશ

૨. તે છે ગઝલ – હસમુખ યાદવ

સહેજ ટહૂકો થાય છે તે છે ગઝલ,
વૃક્ષ ડોલી જાય છે તે છે ગઝલ.

સાવ કોરા પત્થરો ને પહાડ માં,
જે તરત પડઘાય છે તે છે ગઝલ.

આ અજાણ્યા માણસો વચ્ચે થઇ,
ઓળખીતી જાય છે તે છે ગઝલ.

આંગળી ના ટેરવે આવો તમે,
ને પછી સર્જાય છે તે છે ગઝલ.

– ‘હૃદય’ હસમુખ યાદવ

૩. ધરતી – જનક ઝીંઝુવાડિયા

વાદળને વાદળ મહીં ઓગાળતી,
આકાશને પોંખવા મથતી ધરતી.

અંદર અગન અગન સહેતી,
છાતીએ લઇ વ્હાલ ખળખળ વહેતી.

કાળા કાળા વાદળમાં ઓળઘોળ ધરતી,
પહેલા વરસાદની પ્રીત થઇ મ્હેંકતી .

મૌનમાં થતું અનોખું મિલન ,
વાયરો થઇ વાત, આ વનમાં ફરતી.

અક્ષરમાં અક્ષર ને શબ્દમાં શબ્દ સમાય
એમ આકાશમાં સમાય ધરતી.

૪. જિંદગી – જનક ઝીંઝુવાડિયા

સમયના ભારથી જિંદગી અહી જોને વળી ગઈ,
સક્ષમ હોવાનો કેવો દાવો-જિંદગી ખખડી ગઈ.

સવારથી લઇ સાંજ સુધી કેટ -કેટલા પ્રહારો,
કોણ કોનો હાથ ઝાલે જિંદગી ફફડી ગઈ.

પગલે પગલે પરેશાની-હવા થઇ છે ફાની,
શ્વાસમાં પણ છે વેદના-જિંદગી કળી ગઈ.

ફરિયાદના અહી ઘેર ઘેર છે બાચકા ,
આંસુઓ આંખમાંથી વહેતા, જિંદગી પલળી ગઈ.

બધી વિપદાઓ ની વચ્ચે છે એક દિલાસો,
હરિનામનો છે એક સહારો –જિંદગી ઝળહળી ગઈ.

૫. ધર્મ અને વિજ્ઞાન – ખીમજીભાઈ કચ્છી

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિદ્ધયંત્રો બનાવી ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચિમે ઉપગ્રહ બનાવી ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી મઢી દીધા અંગૂઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી કંગાળ બન્યા દેશમાં.

પશ્ચિમે પરીશ્રમ થકી સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પૂજાપાઠભક્તિ કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબૂદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી મૂર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ પ્રદૂષણથી જયારે જગત આખું છે ચિંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચિતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખીને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં

– ખીમજીભાઈ કચ્છી, પ્રેષક યોગેશ ચુડગર

આજે એક સાથે ચાર વાચકમિત્રો દ્વારા પાઠવવામાં આવેલી પાંચ રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. વડોદરાના શ્રી કમલેશભાઈ વ્યાસનું સર્જન વતન મારું ઘવાયું છે’ દેશપ્રેમની ભાવનાઓનો અનોખો ચિતાર છે, શ્રી હસમુખભાઈ યાદવ દ્વારા રચિત ‘તે છે ગઝલ’ ચાર શે’રની સુંદર ગઝલ છે. જનકભાઈ ઝીંઝુવાડિયાની કાવ્યરચનાઓ આ પાહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, તેમની બે નવી રચનાઓ આજે પ્રસ્તુત કરી છે અને અંતે શ્રી યોગેશભાઈ ચુડગર દ્વારા પાઠવવામાં આવેલ ધર્મ અને વિજ્ઞાન એ એક અનોખી સરખામણીઓની હારમાળા સર્જે છે. આમ આજે વિવિધરંગી સર્જનોની વાછટમાં વાચકોને મહાલવાનો અવસર મળશે.

વાચકોના હૈયાની અનુભૂતિ અને તેમના સર્જનોને સ્થાન આપવાનો અક્ષરનાદનો સદા યત્ન રહ્યો છે, તેઓની રચનાઓ નિખરતી અને સતત પ્રોત્સાહન પામતી રહે એ જોવાની આપણા સૌની ફરજ છે. અને આ કૃતિઓ દર્શાવે છે તેમ વાચકોના મનનીય સર્જનો પણ આ આનંદગંગામાં ઉમેરો જ કરે છે. ઉપરોક્ત રચનાઓ પાઠવનાર સર્વે મિત્રોનો હાર્દિક આભાર અને સર્જનયાત્રા માટે અનેક શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “વાચકોની રચનાઓ – સંકલિત

 • R. D. Shah

  All are very good; but Khimjibhai kachchi’s dharm ane vignan
  is excellent and eye-opening. We must tell this poem to every Indian again and again !!!

 • VKVora, Atheist, Rationalist

  ખીમજી ભાઈ કચ્છી લખ્યું છે કે એડવર્ડ જેનરે શીતળાની રસી બનાવી શીતળા નાબુદ કરી અને આપણે શીતળાના મંદીર બનાવ્યા….

  મુંબઈમાં રાણી સતી માર્ગ છે અને શીતળાનું મોટું મંદીર માહીમ અને વાન્દ્રા વચ્ચે છે. મુંબઈ મહાનગર પાલીકાએ ઘણૂં ફેર બદલ કરેલ પણ શીતળાનું મંદીર તો રહશે જ…..

 • Atul Jani (Agantuk)l

  લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
  આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

  poet: ખીમજી કચ્છી
  ધર્મ અને વિજ્ઞાન તે ખીમજીભાઈ કચ્છીની રચના છે.

 • Harshad Dave

  વતન મારુ ઘવાયુ છે કારણકે સહુ રઘવાયા બની ભ્રષ્ટાચારીઓની જમાત પાછળ દોડી રહ્યા છે એવી આશાએ કે તેઓ ચમત્કાર કરી અમને સુખી અને સમૃદ્ધ કરશે. પરંતુ પારકી આશ સદા નિરાશ મંત્ર ભૂલી ઘવાયા છે અને સહુ એમ માને છે કે અમે સહુથી સવાયા છીએ.
  આંગળીના ટેરવે આવે ગઝલ પછી સપનાની પાંપણે પલકાય ગઝલ, અને અક્ષરનાદમાં છલકાય ગઝલ!
  ધરતી, સમય સાથે સરતી, પાનખરમાં ખરતી, સૂરજની શાખે આગ ઝરતી એવી ધરતીનો છેડો ઘર…’એ કેટલું સુંદર હશે જે ખરેખર ઘર હશે!.’
  આપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો ધર્મ અપનાવવો જોઈએ. ત્રેપન વર્ષ સુધી તિલક કર્યા કરશું અને બ્રહ્મજ્ઞાન તો આવશે જ નહિ. દેર સહી અંધેર નહિ…જાગો … જાગ્યા ત્યારથી જ સવાર … ભાગે તેના પર ભૂત સવાર… બાકી શેષ રહે ધ્રુપદ ધમાર…!(હદ)