સો સો રે સલામુ મારા ભાંડુડાને… – ઝવેરચંદ મેઘાણી (Audiocast) 5
ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, ‘હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.’ પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિકાર આપ્યો. અને બાપુ તેને બદલાવવા – મૂળે તો જેમાંથી આ પ્રશ્ન ઊભો થયો હતો તે હિન્દુઓનું માનસ બદલાવી અસ્પૃશ્યતા મિટાવવા — અનશન પર ઊતર્યા. એ અવસરે મેઘાણીએ સરજ્યું ‘સો-સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે.’ આ ગીત સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કવિના મતે સ્વતંત્રતા કે સ્વાધીનતા કઇ ચીજ છે. કવિએ એમાં ગાંધીજીના આરાધ્ય રામને પણ ઠપકો આપ્યો છે, ધર્મની ધજાવાળાને ફટકાર્યા છે, ગુસાઇ – મહંતોને સંભળાવવામાં પણ મણા નથી રાખી.