ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧ 19


એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. ‘ધ ડેઝર્ટ ફ્લાવર’ નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓનો એકલે હાથે સામનો કરનાર એક આફ્રિકન ભટકતી પ્રજાતિની છોકરીના અમેરિકન સુપરમોડેલ અને જેમ્સ બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી બનવા સુધીની સફરની કહાણી છે, એ ફેશનભર્યું જીવન મૂકીને આફ્રિકન સ્ત્રીઓ પરના અત્યાચારને રોકવા માટે કામ કરનાર એ હિંમતવાન છોકરીની આ સત્યઘટના છે. ફિલ્મના દ્રશ્યો અદભુત છે, પાર્શ્વસંગીત બંધબેસતું અને કર્ણપ્રિય છે અને આખીય ફિલ્મ એક જીવનને કચકડે કંડારવામાં મહદંશે સફળ રહે છે. પ્રભાવિત થઈ જવાયું હોય એવા ગણ્યાગાંઠ્યા ચલચિત્રોમાં ધ ડેઝર્ટ ફ્લાવર ચોક્કસ સ્થાન પામે.

આ વાત અને સાથે મૂકેલા વિડીયો વિચલિત કરી શકે એવા છે, કૃપા કરીને હૈયુ મજબૂત રાખીને જ આ વાંચશો.

* * *

ઈથિયોપિયા નજીકના સોમાલી રણમાં ભટકતી પ્રજાતિઓના સમૂહના એક કુટુંબમાં ઈ.સ. ૧૯૬૫માં હું જન્મી. અમારું કુટુંબ ભરવાડ કુટુંબ હતું, અને ઘેટાં, બકરાં, કૂતરાં અને ઉંટોના સમૂહ સાથે અમે ભટકતું જીવન વ્યતીત કરતાં. ધીરે ધીરે એ જ વાતાવરણમાં હું મોટી થતી રહી. કુદરતના અવનવા રંગો અને દ્રશ્યો મને જોવા મળતા, આફ્રિકન રણમાં ભટકતા, તડકામાં શેકાતા સિંહોને જોવાની મને ટેવ પડી ગઈ હતી. ઝિબ્રા, જિરાફ અને હાયનાની સાથે રેતીમાં દોડસ્પર્ધાનો આનંદ લગભગ રોજ અમને મળતો. ૬૦ થી ૭૦ ઘેટાં બકરાઓનું એક વિશાળ ટોળું મારી દેખરેખ હેઠળ ચરતું રહેતું. શિયાળો અને સિંહોથી અમારા પશુઓનું સતત રક્ષણ કરવાનું કામ આઠ વર્ષની ઉંમરે હું કરતી. ભાઈઓ બહેનો સાથે હું આ જીવનથી ખુશ હતી. પશુઓના ફરતા ટોળાની સાથે ગીતો ગાતી, કુદરતના અફાટ સાન્નિધ્યમાં હું આનંદની સીમાઓ વળોટી જતી.

તેના ઘેટાં બકરાં સાથે વારિસ - ફિલ્મના એક દ્રશ્યમાંતેર વર્ષની હતી ત્યારે એક સાંજે પશુઓના ટોળાને લઈને ઘરે પાછી ફરી ત્યારે મારા પિતાએ ખૂબ પ્રેમાળ અવાજે મને બોલાવી, ‘અહીં આવ.’ તરત જ મારા મનમાં શંકાના વાદળો ઘેરાયા કારણકે સામાન્ય રીતે તેના પિતાનો અવાજ અતિશય કઠોર અને ઉગ્ર રહેતો. તેમણે મને પોતાના ખોળામાં બેસાડી અને કહ્યું, ‘તને ખબર છે, તું ખૂબ ડાહી છોકરી છે.’ હવે મને લાગ્યું કે ખરેખર કાંઈક ગરબડ છે. તેમણે આગળ ચલાવ્યું, ‘તું આ પશુઓનું ખૂબ સરસ ધ્યાન રાખે છે, કોઈ પુખ્ત વયના માણસના જેટલી જ મહેનત તું કરે છે. હું તને ખૂબ યાદ કરવાનો.’

હું બોલી, ‘પણ હું ક્યાંય નથી જઈ રહી.’

પિતા કહે, ‘ના, તું જવાની છે કારણ કે મેં તારા માટે પતિ શોધી કાઢ્યો છે.’

હું એક મૂલ્યવાન વસ્તુ હતી, મારો સોદો થઈ રહ્યો હતો એ મને ખબર હતી, પણ મેં ઉંચા સ્વરમાં બૂમ પાડી, ‘ના, બિલકુલ નહીં, હું લગ્ન નથી કરવાની.’

એ અફાટ રણમાં ઉંટો એક સંપતિ મનાતા, પાણીના અભાવમાં ઉંટના દૂધ પર અનેક કુટુંબો ઉછરતાં. તેમનો નાસ્તો અને ભોજન બંનેમાં એ મુખ્ય તત્વ હતું. એક ૬૦ વર્ષના પુરુષ સાથે મારા લગ્ન નક્કી થયા હતાં, મારા બદલે તે અમારા કુટુંબને પાંચ ઉંટ આપવાનો હતો. એ મારા પતિ તરીકે આદર્શ હતો કારણકે ઉંમરને કારણે એ મને છોડી શકવાનો નહોતો, રણના કોઈક અજાણ્યા સ્થળે એ વૃદ્ધ સાથે એક પત્ની તરીકે મેં મારું ભવિષ્ય વિચાર્યું, ઘરનું અને પશુઓનું બધું કામ કરતી હું અને એક ખૂણે પોતાની ચિલમ ફૂંક્યા કરતો એ ઘરડો, એના હ્રદયરોગના હુમલામાં અવસાન પછી ચાર પાંચ ભાંડરડાઓને મોટાં કરતી, સતત ઝઝૂમ્યા કરતી હું – મેં મારી જાતને કહ્યું – ‘ના, મારે એવું જીવન નથી જોઈતું.’

એ રાત્રે બધા સૂઈ ગયાં પછી મેં મારી માતાને કાનમાં કહ્યું, ‘હું ભાગી જવાની છું.’ મારી પહેલા મારી મોટી બહેન પણ ભાગી ગયેલી અને તે મોગાદિશુમાં હતી. મારી માંએ મને પૂછ્યું, ‘તું ભાગીને ક્યાં જવાની?’

‘મોગાદિશુ, બહેન પાસે’ મેં કહ્યું.

‘સૂઈ જા’ વાતને બંધ કરતા તેણે કહ્યું.

અડધી રાત્રે તેણે મને ઉઠાડી અને ધીરેથી મારા કાનમાં કહ્યું કહ્યું, ‘જા, તારા પિતા જાગી જાય એ પહેલા ભાગી જા’ એણે આંખોમાં આંસુ અને ભારી સ્વરે મને પોતાના ખોળામાં લઈને કહ્યું, ‘બધું બરાબર થઈ જશે, પણ તું ખૂબ જ સંભાળીને રહેજે અને … મને ભૂલતી નહીં.’

મહામહેનતે તેનાથી અલગ થવાની હિંમત કેળવીને મેં તેને કહ્યું, ‘હું તને નહીં ભૂલું માં’ અને પછી રણના અંધારામાં અલોપ થઈ ગઈ.

* * *

ફેશન સામયિક ‘Marie Claire’ ની પત્રકાર લૌરા ઝીવ મારી મુલાકાતે આવી. એને જોતાંવેતં જ એ મને ગમી ગઈ. મેં તેને કહ્યું, ‘મને ખબર નથી તારે મારી આ મુલાકાતમાં શું નવું પૂછવું છે, પણ એક ફેશનમોડેલની, જેમ્સબોન્ડની ફિલ્મની અભિનેત્રીની વાતો આ પહેલા હજાર વખત ચર્ચાઈ ચૂકી છે. જો તું મને વચન આપે કે હું જે બોલું એ તું છાપીશ તો હું તને જીવનની એક સાચી વાત કહેવા માંગું છું.’

‘એમ? ભલે, એને છાપવાનો હું મારો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.’ તેણે કહ્યું અને પોતાનું રેકોર્ડર ચાલું કર્યું. એ મુલાકાતમાં મેં તેને મારા જીવનની આખી વાત એકડે એકથી કહી. સોમાલીયાના રણમાંની મારી જીંદગી, આઠ વર્ષની ઉંમરે મારી સાથે થયેલ એ ક્રૂર ઘટના, મારા જનનાંગને કાપીને બાવળના કાંટા અને એક નાનકડી દોરીથી સીવી દેવાયેલ એ આખી ઘટના મેં તેને કહી. ઈન્ટર્વ્યુની વચ્ચે તે રડી પડી, ટેપ બંધ કરીને કહે, ‘આ તો ભયાનક છે, સૂગ ચડે એવું – મેં ક્યારેય એવું સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે આજના સમયમાં પણ આ થતું હશે!’

‘એજ તો વાત છે, પશ્ચિમના લોકોને આ હકીકતની ખબર નથી.’ મેં કહ્યું. તે પછી મુલાકાત આગળ વધી, તેર વર્ષે આયોજીત મારા લગ્નની અને ઘરેથી ભાગીને મોગાદિશુ અને ત્યાંથી લંડન પહોંચવાની એ બધી વાત કહી. એ મુલાકાત છપાઈ પછી મને એક અનોખી લાગણી થઈ, મારી એ ખાનગી વાત જે મારા તદ્દન નજીકના મિત્રોને પણ ખબર નહોતી એ આજે જાહેર થઈ હતી, લાખો અજાણ્યાઓને એ વાત ખબર પડી હતી. પણ મને લાગ્યું કે એ વાત જાહેર થવી જોઈએ. એથી લોકોનું ધ્યાન આ ઘાતકી અને ક્રૂર પ્રથા તરફ જશે અને તેની નાબૂદીનો શંખ ફૂંકાશે.

* * *

The Desert Flower by Waris Dirie

પાણી દૂધ કે ખોરાક, ત્યાં કંઈ પણ સાથે લેવા જેવું મને મળ્યું નહીં એટલે ખુલ્લા પગે, ફક્ત પહેરેલા કપડે અને મોં તથા ગળા પર એક સ્કાર્ફ વીંટાળીને હું એ અંધારી રાત્રે અફાટ રણમાં ચાલી નીકળી. મોગાદિશુ કઈ દિશામાં છે એ મને ખબર નહોતી છતાંય મેં સતત રેતીમાં ચાલ્યા જ કર્યું, હું આખી રાત દોડતી રહી, ઝળાંખળું થયું કે હું થાકીને લોથ થઈ ગઈ, હું ઘણાંય કલાકો સતત રોકાયા વગર ચાલી હતી.

બપોર સુધી હું એમ જ ચાલતી રહી, રણનો કોઈ અંત દેખાતો નહોતો. ભૂખી, તરસી અને થાકને લીધે ચૂર હું હજુ પણ ધીરે ધીરે ચાલતી હતી ત્યાં મને એક અવાજ સંભળાયો, ‘વારિસ… વારિસ…’ એ મારા પિતાનો અવાજ હતો, એ મારાથી થોડેક અંતરે મારી પાછળ આવી રહ્યા હતાં. મેં વિચાર્યું કે જો તેઓ મને પકડી પાડશે તો મારા લગ્ન કરાવી દેશે… અને એ વિચારે હું ફરી દોડવા લાગી. મારા પિતા રેતીમાં મારા પગલાંને લીધે મારો પીછો કરી શક્યા હતાં. એ મારી ખૂબ નજીક હતા. હું જીવ પર આવીને દોડવા લાગી. હું રેતીનો એક ઢુવો ચડતી અને ઉતરતી, અને મારી પાછળ તે પણ રેતીનો ઢુવો ચડતા અને ઉતરતાં. આ પકડાપકડીની દોડ કલાકો ચાલી અને હું ઉભી રહી કારણકે મેં નોંધ્યું કે ઘણા સમયથી મેં મારા નામની બૂમો સાંભળી નહોતી. મેં પાછળ જોયું તો કોઈ દેખાતું પણ નહોતું. સૂર્યાસ્ત સુધી હું દોડતી રહી, અને અંધારાને કારણે આગળ દેખાતું બંધ થયું એટલે હું એક વૃક્ષની નીચે બેઠી, મારા પગમાંથી લોહી નીકળતું હતું અને ભૂખ તરસના માર્યા મારી હાલત ખરાબ હતી. હું એ ઝાડ નીચે સૂઈ ગઈ અને સવારે સૂર્યનો તાપ આંખોને દઝાડવા માંડ્યો ત્યારે ઉઠી અને ફરીથી દોડવા લાગી. આવું અનેક દિવસો સુધી ચાલ્યું, રસ્તામાં જે મળે તે હું ખાઈ લેતી, તરસ, ભૂખ, બીક અને થાકના એ દિવસો અસહ્ય હતાં. રાત્રે હું ઝાડ નીચે સૂઈ જતી અને સવાર થતાં ફરીથી દોડવા માંડતી. બપોરે પણ ઘણી વખત જે મળે તે ખાઈને હું ઝાડની છાંયામાં સૂઈ જતી.

આવા જ એક દિવસે બપોરના આરામ દરમ્યાન કાંઈક અવાજે મને ખલેલ પહોંચાડી. આંખ ખોલીને જોયું તો એક સિંહ મારી સામે ઉભો હતો. મેં ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ થાકના માર્યા અને દિવસો સુધી ભોજનના અભાવે મારા પગ એમ કરવા તૈયાર નહોતા, હું ફસડાઈ પડી. જે વૃક્ષ આફ્રિકાના ક્રૂર સૂર્યપ્રકાશથી મારું રક્ષણ કરતો તેના જ સહારે હું પડી હતી. મારી આ અફાટ યાત્રાનો અંત હવે નજીક દેખાતો હતો, હું મરવા તૈયાર હતી, મારો ડર પણ ગાયબ થઈ ગયેલો.

‘આવ’ મેં સિંહને કહ્યું, ‘તારા માટે હું તૈયાર છું.’

એણે મારી સામે જોયું, મેં તેની આંખોમાં મારી આંખો મિલાવી, એ મારી સામે, આગળ પાછળ ફર્યા કરતો, એ ક્ષણમાં મને કચડી શકે એમ હતો. પણ અંતે એ ફર્યો અને જતો રહ્યો. એ સિંહે મને છોડી દીધી ત્યારે મને એ અનુભવાયુ કે પ્રભુએ મને કોઈક ચોક્કસ હેતુથી ઘડી છે, મારા જીવતા બચવાનું કોઈક કારણ છે, અને મેં ઉભા થવાનો પ્રયત્ન કરતા ભગવાનને કહ્યું, ‘મને રસ્તો દેખાડ પ્રભુ.’

સોમાલીયાની અમારા જેવી ભટકતી પ્રજાતિઓમાં કુંવારી છોકરીઓને કોઈ સ્થાન નહોતું, માતાપિતાઓનું સૌથી મોટું સ્વપ્ન રહેતું તેમની છોકરી માટે યોગ્ય વર શોધી કાઢવાનું. સોમાલીયામાં એવી માન્યતા પ્રચલિત છે કે વિશ્વની સૌથી ગંદી અને અપવિત્ર જગ્યા સ્ત્રીના બે પગની વચ્ચે છે. એટલે એ ભાગોને જ્યાં સુધી સ્ત્રીના શરીરથી દૂર કરીને એ જગ્યા સીવીને બંધ ન કરાય ત્યાં સુધી એ છોકરીને લગ્ન કરવાને લાયક માનવામાં આવતી નહિં. એ પછી રહી જતું એક નાનું છિદ્ર જે જીવનની બધી જરૂરીયાતો માટે લગ્ન સુધી ઉપયોગી રહે. આ કરવા માટે જિપ્સી બાઈઓને સારી એવી રકમ ચૂકવવામાં આવતી અને એ કુટુંબ માટે એક મોટો ખર્ચ પણ હતો, પરંતુ લગ્નના બજારમાં છોકરીઓની સારી કિંમત ઉપજાવવા આ ખર્ચ જરૂરી હતો. છોકરીઓને ફક્ત એટલું કહેવામાં આવતું કે તેઓ હવે છોકરીમાંથી સ્ત્રી બનવાની છે અને તેથી છોકરીઓ આ ઘટનાની રાહ જોઈ રહેતી, એમાં શું થવાનું છે એ તેમને કદી સમજાવાતું નહીં.

હું લગભગ આઠેક વર્ષની હોઈશ. એક સાંજે મારી માતાએ મને કહ્યું, ‘તારા પિતા તારા માટે એક જિપ્સી બાઈને બોલાવવા ગયા છે.’ મારા અંગછેદનની આગલી રાત્રે મને સરસ ભોજન મળ્યું અને પાણી કે દૂધ પીવાની મારી માતાએ ના પાડી. રાતભર હું ઉત્તેજનાથી ભરેલી હતી, શું થવાનું છે ખબર નહોતી છતાં ઉત્સાહી. અચાનક મારી માંએ આવીને મને કહ્યું, ‘આપણે હવે જવાનું છે, એ આવતી જ હશે.’

Female Genital Mutilation a snapshot of the movieઅમે અંધારામાં જ ચાલી નીકળ્યા. થોડીક ઝાડીઓ હતી ત્યાં અમે બેઠાં, થોડી વારમાં એ જિપ્સી સ્ત્રીના ચપ્પલનો અવાજ આવ્યો અને તરતજ તે મારી પસે હતી. તેણે મને કહ્યું, ‘પેલા પથ્થર પર બેસી જા.’ એ પથ્થર સપાટ હતો. કોઈ આડી અવળી વાત નહીં, ચોખ્ખો આદેશ. હું પથ્થર પાસે ગઈ, મારી માતાએ તેના ખોળામાં મારું માથું લીધું, તેના પગ મારા શરીર ફરતે વીંટાળ્યા અને એક ઝાડનું નાનકડું મૂળ મારા મોંમાં મૂકીને કહે, ‘આને બચકું ભરી રાખ. તું ડાહી છોકરી છે, મારા માટે પણ હિંમત રાખજે તો બધું જલદી પતી જશે.’

મારા પગની વચ્ચે બેઠેલી એ જિપ્સી બાઈને મેં જોઈ, તે તેના થેલામાં કાંઈક શોધતી હતી. એક તૂટેલી બ્લેડ તેણે શોધી કાઢી જેના પર લોહી સૂકાઈ ગયેલું. એ પતરી પર થૂંકી અને તેના પરનું લોહી પોતાના કપડાથી સાફ કરતી હતી ત્યારે મારી માતાએ મારી આંખો પર પટ્ટી બાંધી દીધી. એ પછી મને જે યાદ છે એ છે મારુ માંસ અને ચામડી કપાવાની અસહ્ય વેદના, પતરી મારી ચામડીને કાપી રહી હતી, એ અનુભવ વર્ણવવો અસંભવ છે. મેં મારી જાતને કહ્યું, જેટલી વધુ હલીશ એટલું દર્દ વધું થશે. પણ તરત જ મારા કાબૂ બહાર મારા પગ અને આખું શરીર જોરથી હલવા લાગ્યું, ધ્રૂજવા લાગ્યું, મેં પ્રભુને કહ્યું, ‘હે ભગવાન મને હિંમત આપ, આ જલદીથી પૂરું થવું જોઈએ.’ અને એ તરત પૂરું થયું અને હું પેશાબ કરી બેઠી.

હું હોશમાં અવી ત્યારે મારી આંખો પરથી પટ્ટી હટી ગઈ હતી, પેલી જિપ્સી સ્ત્રી નજીકના કાંટાના થોરમાંથી કાંટા ભેગા કરી રહી હતી. એ કાંટાથી તેણે મારી ચામડીમાં કાણાં કર્યા અને પછી એક મજબૂત દોરીથી મારી ચામડીને સીવી દીધી. મારા પગ અને આખુંય શરીર ખોટું પડી ગયું હશે પણ એ દુખાવો એટલો તો અસહ્ય હતો કે મને લાગ્યું કે હું નહીં બચું, પણ જ્યારે હું જાગી ત્યારે મારા પગ ઉપરથી નીચે સુધી આખા બાંધેલા હતાં જેથી હું હલી ન શકું, મેં આસપાસ જોયું તો પેલા સપાટ પથ્થર પર લોહીનું ખાબોચીયું હતું જાણે કોઈ પશુને ત્યાં મારવામાં આવ્યું હોય. મારા શરીરમાંથી કપાયેલ માંસના નાના ટુકડા ત્યાં તાપમાં સૂકાતા પડ્યા હતાં. મારી માતા અને બહેને મને ખેંચીને મારા માટે બનાવેલ એક નાનકડી ઝૂંપડીમાં મને મૂકી, જ્યાં મારે અઠવાડીયાઓ સુધી રહેવાનું હતું. હું હવે દુઃખાવાથી ગાંડી થઈ રહી હતી, મારે હલકું થવું હ્તું. મારી બહેને મને હા કહી, પણ એ પહેલું ટીપું એસિડની જેમ મારી ચામડીને સળગાવી રહ્યું, જ્યાં ફક્ત દીવાસળીના ટોપકા જેટલું છિદ્ર હતું. દિવસો ગયા અને ઈન્ફેક્શનને લીધે મને અતિશય તાવ રહ્યા કરતો. જાગૃત અને અભાન અવસ્થાઓની વચ્ચે હું ઝોલા ખાતી. બે અઠવાડીયા સુધી માતા મને ખાવાનું અને પાણી આપી જતી.

બંધાયેલા પગ સાથે ત્યાં પડ્યા પડ્યા વિચારતી કે આ બધું શા માટે? શરીરસંબંધ વિશે એ સમયે કાંઈ પણ સમજવા અજાણ હું એટલું જ સમજતી કે મારી માતાની પરવાનગીથી જ મને કાપવામાં આવી હતી. ધણી છોકરીઓ આ પ્રક્રિયા પછી ઈન્ફેક્શન, રક્તસ્ત્રાવ, તાવ કે ટેટનસથી મૃત્યુ પામે છે, પણ હું બચી ગઈ. જે પદ્ધતિએ આ પ્રક્રિયા થતી, કોઈનું પણ બચવું ચમત્કાર જ હતો.

 – જીજ્ઞેશ અધ્યારૂ

(ભાગ 2 માં ક્રમશ:)

 – વારિસ ડીરીના જીવન પર આધારિત

સંદર્ભ –

રીડર્સ ડાયજેસ્ટ સામયિક

ધ ડેઝર્ટ ફ્લાવર (ફિલ્મ અને પુસ્તક)

બિલિપત્ર

[youtube=http://www.youtube.com/watch?v=fvWm2DsGT-g]


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧

 • Abdulkadar

  ખબર નથી પડતી કે શું લખુ… એક ઉદાશી છવાઇ ગઇ છે… એક નાનક્ડી દિકરી કે જેની ઉમર હજુ 3 ધોરનમાં ભણવા જેટલી હોય અને આ બધુ…

 • BE HAPPY YAR

  ” રણમાં ખીલેલું પુષ્પ ” નામની દસ રૂપિયા ની બુકમાં મેં આ બધું બે ત્રણ વર્ષ પહેલા વાંચેલું હતું,તેમાં વારીસ ડીરી ની બધી વાત નાના એવા પુસ્તકમાં આપેલી છે,

  તેની બુકનું નામ છે ઃ ” રણમાં ખીલેલું પુષ્પ “

 • shantilal patel

  આવિ સત્ય હકિકત પ્રસ્તુત કરવા બદલ ખુબ આભાર ,
  આપના ભારત મા પન આવા ક્રુર બનવો ધર્મ ના નામે થતા રહે ચે જે નિન્દ્ નિય ચે વિસ્વ ક્યાય પ્રગ્તિ કરે ચ્હે પન અન્ધ વિસવાસ નો ગેર ફાયદો ઉપાદવા વાદા ગના બધા ધોન્ગિ ધુતારા દરેક જગ્યા પર મોકાનો ફાયદો ઉપાદવ દુકાનો ખોલિ બેથા ચે.

 • subhash patoliya

  અગ્રેજી નહિ આવડ તુ હોવાથી ધ ડેઝાર્ટ ફલાવર ફીલ્મ જોવાનો કે આત્મકથા વાચવા ની તક મળી નહી પરંતુ અક્ષરનાદ ને વારીસ ડીરીની આત્મકથા માતૃભાષા માં વાચંવા ની તક આપવા બદલ ખુબ ખુબ અભીનંદન અને વારીસ ડીરી ને લાખ લાખ સલામ

 • manoj kheni - surat

  manva maa na ave evi vichardhara ma haju pan manav jeevan chali rahel chhe. fakta ek kalpit varta j nahi ,parantu somaliya ane africa na samaj ni satya ghatnao no aa pardafash chhe.jigneshbhai mara tamara jevao ne aavi haqieekato ni jaan hoy chhe, parantu aapna gujarati vachko mate gujarati ma aa vaat muki ne tame khub saras kaam karel chhe. thanks. rom khada kari deti vaat tame raju kari chhe.aa story ne vadhu lambanthi muki hot to vadhare mazza aavet.aavi adbhoot khoz sahitya na maddhyam thi satat aapata rahesho tevi vinanti sathe… aapno aatmiya … MANOJ KHENI. jeevanyatri magazine

 • Harshad Dave

  હિન્દુઓ માટે આ વધારે પડતું આઘાતજનક છે કારણ કે તેઓ સુન્નત કે ખસીકરણથી તદ્દન અજ્ઞાત છે. આવી ક્રૂર પ્રથાઓને ભગવાનના નામે આચરવામાં આવે છે તે જોઈને રાજા રામ મોહન રાય કર્મને મનોમન નમી પડાય છે. -હર્ષદ દવે.

 • dhaval soni

  ખુબ જ ધૃણાસ્પદ……જે માત્ર વાંચતા જ આટલી કમકમાટી ઉપજે છે,તો જેણે આ સહન કર્યુ હશે તેની કેવી હાલત હશે…..
  આ ફિલ્મ વિષે પહેલીવાર સાંભળ્યુ,પણ કોઇનું જીવન આટલી હદે દર્દમાં વીતી શકે એ વિચારતાં જ કમકમા આવી જાય છે….ખુબ ખુબ નમન એ નારીરત્ન વારીસ ડીરીને……..

 • pragnaju

  આ ફીલ્મ જોઇ હતી અને ડેસર્ટ ફ્લાવર વાંચી હતી પણ માતૃભાષામા માણી ફરીથી કમકમા આવ્યાં અને આંખ ભીની થઇ.બીજી તરફ આટલી તકલીફ સહન કરી અને હવે તે રીવાજમા સુધારો લાવનાર આ નારીરત્નને

 • pragnaju

  આ ફીલ્મ પણ જોઇ હતી અને ડેસર્ટ ફ્લાવર વાંચી હતી પણ માતૃભાષામા માણી ફરીથી કમકમા આવ્યાં અને આંખ ભીની થઇ.બીજી તરફ આટલી તકલીફ સહન કરી અને હવે તે રીવાજમા સુધારો લાવનાર આ નારીરત્નને વારીસ ડીરીને અને બીજા કાર્યકર્તાઓને નમન