શ્રમણ ગૌતમની પાસે – ધૂમકેતુ 2


રાજગૃહ નગરીના વિખ્યાત તપોદરામથી થોડે દૂર ડુંગરમાળના ખોળામાં જાણે કોઈ નાનું શિશુ સૂતું હોય એવું એક નાજુક સુંદર સરોવર સૂતું હતું. એ સરોવર એક કંદરામાં છુપાયું હતું. વાદળઘેરી રજનીના અંતરમાંથી બીજચંદ્રની રેખા દેખા દે ને જેવી મોહિની જગાડે તેવી મોહિની આ નાજુક સુંદર, મનોહર, રમ્ય સરવરમાંથી પ્રગટતી હતી. જેને જેને એ સ્પર્શી જતી, તેને પછી દુનિયાના બીજા કોઈ સ્થાનનો મોહ રહેતો નહીં. એને સ્વર્ગ કરતાં ધરતીના આ સ્થાનમાં હજાર ગણી વધારે રમણીયતા મળી જતી. એ સ્થાન જે એક વખત જોતો, તે એને જીવનભર ભૂલી શક્તો નહીં.

વર્ષકાર જ્યારે મહાઅમાત્ય થયો ન હતો, અમાત્ય પણ ન થયો હતો ને રાજમહાલયના દ્રાર પાસે હજી આંટા મારતો ફરતો, તે વખતની આ વત છે. તે સમયે આ કનકસરોવરનો એ ચાહક બન્યો હતો. સરવરનું કનકસરોવર નામ સાર્થક હતું. દિવસના ગમે તે વખતે માણસ ત્યાં જાય, ગિરિકંદરાઓની વચ્ચે સૂતેલું આ સરવર હસતું હોય તેમ એનાં જળ ઉપર સોનેરી રૂપેરી તેજ છાયા દેખાતી હતી! એનાં શાંત, સ્થિર, તરંગહીન, ઘેરાં, અગાધ, નીલ જળ ઉપર આઠે પહોર ને ચોવીસે ઘડી, એક પ્રકારનો મનોહર પ્રકાશ પડતો હતો. એ પ્રકાશમાં આ નાના નાજુક સરવરનું જળ જાણે કોઈ કાંચનદેહી અપ્સરા શાંત નિંદ્રસ્થ પડી હોય તેવું શોભી રહેતું. ગિરિમાળાના કોઈ ને કોઈ છિદ્રમાંથી કોણ જાણે કયે રસ્તે થઈને સૂર્યપ્રકાશના જુદી જુદી દિશાઓમાંથી પ્રવેશ પામતાં કિરણો અહીં એવી અજબ મોહિની ઉભી કરી દેતાં કે એક વખત આ સરવરને કિનારે ગયેલા માણસને પછી દુનિયાના કોઈ સૌંદર્યની જાણે પિપાસા જ રહેતી નહીં!

જે વખતે વર્ષકાર કાંઈ ન હતો, તે વખતે એ આખો દિવસ આ જળ-સરવરને કિનારે બેસી રહેતો. એને આ સરવરનાં જલમાં અજબ ભાષા જણાતી હતી. ક્યારેક એનાં જળ હસતાં હતાં તો ક્યારેક એ રડતાં હતાં! એ સરવરમાંથી અનેક ગહન ભાવો ઊભા થતાં એણે ઘણી વખત અનુભવ્યા હતાં. વૈશાલીનો અચેલ કોરમટ્ટક એક વખતે એને આંહી મળ્યો હતો. એણે વર્ષકારને ખભે હાથ મૂકીને કહ્યું હતું – ‘દેખતે રહના જુવાન રાજગૃહવાસી યે સરોવર કુ, નિત નિત દેખતે રહેના. એક દિન વો અપની કવિતા સુનાયેગા. એક દિન વો અપના જ્ઞાન ભેજેગા. નિત નિત ઉસકુ દેખના. કોઈ દિન રાત્રિમેં ઈધર આયે હો? નહીં? આયા કરો. રાતમેં તો યે સરોવર અજબ બાત સુનાતા હૈ!’

વર્ષકાર રાત્રે આંહી આવવાની કલ્પનામાત્રથી પહેલાં તો ધ્રુજી ગયો. પણ અચલ કોરમટ્ટકના એ શબ્દો એના અંતરમાં પડ્યા રહ્યા હતા અને એક દિવસ એ જાણે પહેલા એના પગે જ એને આંહી આણી મૂક્યો હતો. તે દિવસે ચાંદની રાત હતી. દિવસના સૂર્યપ્રકાશને બદલે ચંદ્રના કિરણૉ જલ ઉપર પડતાં હતાં. વર્ષકાર એ જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. એણે સરોવરને અત્યારે તો જાણે કોઈ અદભુત સંગીતનું ગાન કરતું અનુભવ્યું!

પછી તો એ રાતનો ને દિવસનો આ સરોવર જલનો પ્રેમી બની ગયો. એના દિલમાં આ સરોવરની અનોખી એક મોહિની વસી ગઈ. સમય જતાં એ સરોવર વર્ષકાર માટે જલસરોવર ન રહ્યું, એ તો એને માટ દેશભરની જબરજસ્ત ઊથલપાથલની આગાહી આપતું આકાશદર્શન થઈ ગયું! એણે આ સરોવરમાં અનેક વખત રાજગૃહનું ભાવિ વાંચ્યુ હતું, જ્યારે રાજગૃહમાં મહામારી પ્રગટી ત્યારે આ સરવરના જલ ઘેરી વિષાદછાયા બતાવતાં. જાણે શોકમૂર્તિ સમાં એને દેખાયાં હતાં. ભગવાન તથાગતના ચરણ રાજગૃહમાં આવ્યા ત્યારે આ જ સરોવરનાં જળ જાણે એક ગુલાબી હાસ્યની રેખા પ્રગટાવી રહ્યાં હતાં.

બિંબિસાર રાજાના પુત્ર અજાતશત્રુના જન્મલાકે એણે આ સરવરના જલને રક્તરંગી બની જતાં જોયાં હતાં અને એ આગાહીનો તો એ વર્ષો પછી પોતે જ સાક્ષી બન્યો હતો. ત્યારથી વર્ષકાર આ સરવર પાસે અવારનવાર આવતો રહેતો. એના પોતાના સિવાય એની આ વાતની બીજા કોઈને જાણ ન હતી.

હવે જ્યારે એ વૈશાલી જવાનો હતો ત્યારે કુદરતી રીતે એના પગ આ સરવર તરફ વળ્યા.

એ ત્યાં પહોંચ્યો ત્યારે મધરાતને હજી થોડી વાર હતી. જલસરોવરના મધ્યમાં આજે એણે એક ફૂલ જોયું. બરાબર મધરાતનો સમય થયો ને એ ફૂલ સોળે કળાએ ખીલ્યું અને પછી તરતજ વિલીન થતું હોય તેમ, એણે પોતાની બધી જ પાંખડીઓને બંધ કરી દીધી, જાણે કેમ એ બરાબર મધરાતનો સમય જ નિહાળવા માટે આવ્યું હોય.

વર્ષકાર મહાઅમાત્ય એક ઘડીભર શોકમગ્ન થઈ ગયો. એના દિલમાં ઉગી આવ્યું કે આનો અર્થ સ્પષ્ટ છે. આ મગધનો વંશ પણ થોડો જ વખત પ્રકાશશે; છેવટે એ સૂઈ જશે.

પણ થોડી વારમાં જ જલસરોવરનાં નીરને એણે ભયંકર ઘેરાં અંધકારમાં જાણે કોઈ ભિષણ જુદ્ધ થતું હોય એમ ધીમી રીતે ખળભળતાં દીઠાં. એના તમામ કિનારાઓ ધ્રુજી જતાં એણે અનુભવ્યાં. પણ પળ બે પળ અને પછી એમાંથી જ મનોહર પ્રભાત જેવો, ધોળી ચાંદની જેવો સુંદર રંગ એણે ઊભો થતો જોયો.

એણે કેટલી વાર સુધી કનકસરોવરને કિનારે એકલા એકલા આંટા માર્યા કર્યા. એક મહાયુદ્ધની આગાહી એણે અનુભવી હતી. તેના મનમાં કાંઈક વિચારો આવી રહ્યાં હતાં. છેવટે કોઈક નિશ્ચય કર્યો હોય તેમ, એ પાટલીગ્રામ તરફ ચાલી નીકળ્યો.

શ્રમણ ગૌતમ ગંગાપાર કરવા માટે હમણાં ત્યાં નિવાસ કરી રહ્યાં હતાં. તેની પાસેથી એને વૈશાલીની સાચી હકીકત મેળવી લેવી હતી. એ જ આપે તે સાચી હકીકત હશે એમ એને ખાતરી હતી. તે બાકીની બધી રાત ચાલતો ચાલતો પ્રભાતે શ્રમણ ગૌતમના સ્થાન પાસે પહોંચી ગયો.

ગંગાસ્નાન કરી, નિત્યનિયમથી પરવારીને તે શ્રમણ ગૌતમની પાસે જવા નીકળ્યો. રાજા અજાતશત્રુને શ્રમણ ગૌતમની કહેલી વાત પહોંચી જાય તો જ એ પોતાની માન્યતામાંથી ચલે તેમ હતું, નહિતર વર્ષકારને ભય હતો કે આ બાજુ પોતે વૈશાલી તરફ પગ માંડશે ને આ બાજુ અજાત કદાચ સૈન્ય તૈયાર કરશે. એવો એનો ઉગ્ર આવેશ હતો, એની અધીરતા હવે વધારે વખત જવા દેવા માંગતી ન હતી.

પણ વૈશાલીની પરિસ્થિતિ વિશે શ્રમણ ગૌતમના શબ્દો એ છેલ્લા શબ્દો હશે. તો જ રાજા પોતાના વિચારને ફરી તોળશે.છેલ્લા છેલ્લા સમયમાં જીવકકુમારે પણ રાજાના મન ઉપર અસર કરી હતી કે શ્રમણ ગૌતમ જેટલું વૈશાલીને કોઈ જાણતું નથી અને જાણી શક્શે પણ નહીં.

વર્ષકાર મહાઅમાત્ય એક વટવૃક્ષ તરફ ગયો.

ભગવાન તથાગત ત્યાં સ્થિર શાંત ધ્યાનસ્થ બેઠાં હતાં. એણે શ્રમણ ગૌતમ વિષે ઘણું સાંભળ્યું હતું. પણ અનુભવ્યું હતું બહુ જ ઓછું. એકાદ બે વખત અને તે પણ બહુ જ ઉતાવળે. પળ બે પળ માટે એ ત્યાં વેણુવનમાં ગયેલો. પણ એના સાન્નિધ્યમાં બેસવાનો અનુભવ એણે ક્યારેય લીધો ન હતો. આજે અંતે એ મળ્યો.

વર્ષકાર મહાઅમાત્ય ભગવાન તથાગત પાસે પહોંચ્યો અને અભિવાદન કરીને એક બાજુ શાંત બેઠો. એ વખતે તથાગતના નિમિલિત નયન જાણે અંતરમાં કાંઈ જોતાં હોય તેમ શાંત સ્વસ્થ હતાં. વર્ષકાર એ તરફ જોતો શાંત બેસી ગયો. પાછળ એક આસન ઉપર બેઠો બેઠો આનંદ પુષ્પમાળા ગૂંથી રહ્યો હતો.

વર્ષકાર મહા અમાત્યે તથાગતની મુખમુદ્રાને આટલા ધ્યાનથી ને આટલી નિકટતાથી આજે પહેલવહેલી જોઈ. એ મુખમુદ્રા તરફ એ જોઈ જ રહ્યો. બ્રાહ્મણમંત્રીને આંહીની હવાનો એક નવો જ અનુભવ થયો.

કોઈ અત્યંત રમણીય પ્રભાતે આકાશના સુનેરી રૂપેરી ર્ંગોના ઉદભવ પહેલાનું, પરમશાંત, સુંદર, નિર્મળ, નિસ્પન્દ, રંગવિહીન, કોઈ મહાન જળસરોવર જેવું દર્શન કરાવે તેવું દર્શન બ્રાહ્મણમંત્રીને અત્યારે થઈ રહ્યું. અને એના હ્રદયમાં કોઈ અગમ્ય શાંતિ એ અનુભવી રહ્યો.

જાણે કે પોતે કોઈ નવી જ હવા લેતો હોય તેવું તેને લાગ્યું.

ત્યાં એની મુખમુદ્રા ઉપર તમામ ભાવો જાણે પોતાની મૂળ શુન્યતામાં રમણીયરૂપે બેસી ગયા હતા. ન ત્યાં કોઈ તરંગ, ન કોઈ રંગ, ન કોઈ આસક્તિ, ન વિરક્તિ, ન કોઈ અનાસક્તિ દેખાતાં હતાં. જ્યાં કાંઈ જ ન હોય કેવળ શૂન્યતા હોય પણ એવી શૂન્યતા કે જે શૂન્યતા પાસે, કોટાનકોટી આંકડાઓ લઘુ બની જતાં હોય, કોઈ જ ન હોવામાંથી કોઈક પ્રગટીને, પાછું કંઈ જ ન હોવામાં વિલીન થાય અને જે સંપૂર્ણ રમણીય શૂન્યતા પ્રગટે એવી શૂન્યતા ત્યાં હતી, જાણે કે એ શૂન્યતા આખી દુનિયા હતી અને આખી દુનિયા આ શૂન્યતા હતી. આ શૂન્યતા પાસે જગત પોતે, વૈભવભર્યું, સમૃદ્ધિભર્યું, વિવિધતાભર્યું, આટઆટલા રંગભર્યું, કાંઈ જ ન હતું! કાંઈ કહેતા કાંઈ!

વર્ષકારના દિલના તમામ સ્પંદનો પણ જાણે પળમાં શૂન્ય થઈ ગયેલાં એને જણાયા. ન એના દિલમાં વિચાર ઉદભવતો હતો ન કોઈ આકાંક્ષા રહી હતી. પોતે શા માટે આવ્યો છે એ પણ એ પ્રયત્નથી યાદ રાખી રહ્યો હતો!

એને વિચારમાં વિચાર, એક જ વિચાર આવતો હતો.

આ નિમિલિત નયનો ઉઘડશે ત્યારે એમાં કેવી અપાર કરુણા શાંત રમણીયતા હશે? એ દ્રશ્ય જોવાની એને તાલાવેલી એને પોતાને પણ પોતાના વિષે નવી માહિતી આપી રહી હતી. પોતાનામાં પણ ઉંડે ઉંડે અતળ ઉંડાણમાં તો આ હતું એ એણે આજે જ પહેલવહેલું અનુભવ્યું. શુદ્ધોદન રાજાએ તથાગતને કપિલવસ્તુ લઈ જવા માટે જે મંત્રીઓ મોકલ્યા હતા તે એક પછી એક ભિખ્ખુ થતા રહ્યા હતા. એવી લોકોક્તિનો કાંઈક અનુભવ વર્ષકારને જાણે અત્યારે થઈ ગયો હોય તેમ તે પોતાની વાત વારંવાર કહી રહ્યો હતો! ક્યાંક આ હવામાં એ જ ઉડી નહીં જાય નહીં.

અને એટલામાંતો એ નયન ઉઘડતાંજ વર્ષકાર મહા અમાત્ય કોઈ અજબ કરુણાવર્ષાનો છંટકાવ અનુભવતો હોય તેમ પળભર પોતે સ્નિગ્ધ પ્રેમમય બની ગયો.

તે બે હાથ જોડીને અભિવાદન કરી રહ્યો.

ભગવાન તથાગતે એક હાથ જરા ઉંચો કરીને તેને આશિર્વાદ આપ્યા અને તેમણે તેની સામે જોયું, ‘ભણે વર્ષકાર બ્રાહ્મણ કેમ આવવું થયું છે? કાંઈ પૃચ્છા છે?’

‘એક જ પૃચ્છા છે ભન્તે ભગવન’ વર્ષકારે તરત જ જવાબ વાળ્યો, ‘જનસંઘ સર્વથી શ્રેષ્ઠ રાજ્યવ્યવસ્થા કહેવાય એ સાચું?’

ભગવાને કહ્યું, ‘એ સાચું છે મહાઅમાત્ય’

વર્ષકાર બોલ્યો, ‘લિચ્છવી ગણસંઘ, શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ?’

ભગવાન તથાગતે વર્ષકાર બ્રાહ્મણના પ્રશ્નનો જવાબ આપવાને બદલે આનંદ તરફ જોયું. આનંદ હવે પંખો ઝાલીને પાછળ ઉભો હતો. આનંદને પૂછ્યું, ‘આનંદ તે સાંભળ્યું છે, વજ્જિસંઘ બરાબર સમિતિ ભરે છે ને વારંવાર પરિષદ મેળવે છે?’

‘મેં એમ સાંભળ્યું છે ભગવાન’ – આનંદ બોલ્યો

‘આનંદ, જ્યાં સુધી વજ્જિગણ સમિતિ બરાબર ભરે, તે વારંવાર ભરે ત્યાં સુધી તેમની બુદ્ધિનો ઉદય હાનિ નહીં.”

‘આનંદ, તેં સાંભળ્યું છે, વજ્જિગણ એક હોય તેમ બેસે છે, ઉઠે છે, ચાલે છે અને એક હોય તેમ કર્તવ્ય કરે છે.

‘ભગવાન, એ પણ મેં સાંભળ્યું છે.’

‘આનંદ, ત્યાં લગી વજ્જિસંઘને બુદ્ધિમાન સમજો. તેની હાનિ નહીં. આનંદ, તેં સાંભળ્યું છે, વજ્જિસંઘ અન્યાયને સંવર્ધન નથી કરતો, ન્યાયાલયનો ઉચ્છેદ નથી કરતો? વજ્જિગણ વજ્જિ ધર્મને અનુસરે છે, એમ તેં સાંભળ્યું છે?’

‘ભગવન, એમ મેં સાંભળ્યું છે.’

‘આનંદ ત્યાં લગી વજ્જિગણની બુદ્ધિમાં મંદતા નહીં. વજ્જિસંઘને હાનિ નહીં. આનંદ, વજ્જિસંઘ જ્યાં સુધી આમ વર્તે ત્યાં સુધી એમની વૃદ્ધિ હોય, હાની નહીં.’ અને ભગવાન મૌન થઈ ગયા.

વર્ષકાર બોલ્યો, ‘હે ગૌતમ, આમાંનો એક જ નિયમ જનસંઘની વૃદ્ધિ માટે સંપૂર્ણ છે. તો બધા જ નિયમ જ્યાં હોય તે જનસંઘ પ્રશસ્ય છે તેની વૃદ્ધિ જ છે. હે ગૌતમ! હવે હું જાઊં છું, મારા ઉપર પાર વિનાનાં કામ પડ્યાં છે.’

‘બ્રાહ્મણ, જે તને યોગ્ય લાગે તે કર.’

વર્ષકાર ભગવાન તથાગતને અભિવાદન કરીને ચાલતો થયો.

– ધૂમકેતુ (‘મગધપતિ’માંથી)

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ સર્જિત ગુપ્તયુગ નવલકથા ગ્રંથાવલીના ૧૩ ભાગ છે. તેમાંના ત્રીજા ભાગ, મગધપતિમાંથી ઉપરોક્ત કૃતિ લેવામાં આવી છે. ગુપ્તયુગ ગ્રંથાવલી – નવલકથાસમૂહના ત્રણ પુસ્તકો મેં વાંચ્યા છે. ઈતિહાસને વિગતે દર્શાવવાની ધૂમકેતુની વિશેષતા આ ગ્રંથોમાં ઉડીને આંખે વળગે છે તો ઈતિહાસની વાતોને ચડેલું નવલકથાનું ક્લેવર વિગતોને નિરસ થતાં બચાવે છે અને તેમાં રસ જળવાઈ રહે છે. મહારાજ બિંબિસાર, તેમનો પુત્ર અજાતશત્રુ અને મહાઅમાત્ય બ્રાહ્મણમંત્રી વર્ષકાર, તેમની નગરી રાજગૃહ, તેમની સામે પડેલું ગણતંત્ર વૈશાલી, વૈશાલીની નગરશોભિની આમ્રપાલી, શ્રમણ તથાગત ગૌતમ અને રાજતંત્ર તથા ગણતંત્રની વિવિધ બારીક વાતોનું તેમણે સુંદર આલેખન કર્યું છે જેથી આ સમગ્ર ગ્રંથસંગ્રહ એક ખજાનો બની રહે છે, અને તેને વાંચવાનું સૌભાગ્ય મને મળી રહ્યું છે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયથી આ તેર ખંડોમાં વહેંચાયેલી વિશાળ ગુપ્તયુગ ગ્રંથાવલી મેળવી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “શ્રમણ ગૌતમની પાસે – ધૂમકેતુ

  • PRAFUL SHAH

    THIS IN 2011-IN USA TO-DAY,
    YOU GAVE ME A CHANCE TO RECALL OLD DAYS, IN 1968, I RECEIVED AS PRESENT, SET OF BOOKS FROM HIS SON WHEN HE VISITED ME FOR BUSINESS AT PETLAD TEXTILE MILLS, AND BACK IN 1939-42, AS SCHOOL STUDENT HELPING TO ORGANISE SCHOOL LIABRARY, I WAS READING TOO MANY BOOKS INCLUDING SHRI DHUMKETI, HEARTY THANKS FOR THIS
    CHANCE TO READ AND ENJOY..

  • Harshad Dave

    વર્ણન વર્ણિત વસ્તુ નથી એમ જે.કૃષ્ણમૂર્તિ કહે છે પરંતુ અહીં તો વસ્તુ કરતાં કદાચ વર્ણન ચડિયાતું હોય તેમ લાગે છે. જયારે આપણે મૂળ વિષયવસ્તુને ન જોઈ શકીએ એમ હોય ત્યારે આપણે કલ્પનાની પાંખો વિન્ઝવી પડે છે અને ઉદ્દયન કરવું પડે છે. પરંતુ તેમાં દિવ્ય વસ્તુની દિવ્યતા દૃષ્ટિગોચર થાય છે. અહીં પણ એમ જ થયું છે. પાણીની ભાષામાં બોલતું સરોવર કેટલું સૂચક છે અને એ સંવાદો…! અદ્ ભુત..-હદ