ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, ‘હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો અને અલગ મતદાન આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.’ એ તો હાથીના દાંત, નીકળ્યા તે નીકળ્યા. પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિકાર આપ્યો. અને બાપુ તેને બદલાવવા – મૂળે તો જેમાંથી આ પ્રશ્ન ઊભો થયો હતો તે હિન્દુઓનું માનસ બદલાવી અસ્પૃશ્યતા મિટાવવા — અનશન પર ઊતર્યા. એ અવસરે મેઘાણીએ સરજ્યું ‘સો-સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે.’
આ ગીત સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કવિના મતે સ્વતંત્રતા કે સ્વાધીનતાનો અર્થ શું છે… કવિએ એમાં ગાંધીજીના આરાધ્ય રામને પણ ઠપકો આપ્યો છે, ધર્મની ધજાવાળાને ફટકાર્યા છે, ગુસાઇ – મહંતોને સંભળાવવામાં પણ મણા નથી રાખી. કવિ તો કહે છે, જેનો તમે જાપ જપ્યો તે રામેય શું કર્યું? ઉત્તરરામચરિતમાં શમ્બુકવધની વાત આવે છે. એક બ્રાહ્મણનો જુવાન દીકરો મરી ગયો અને બ્રાહ્મણે રામચંદ્રજી પાસે ધા નાખી કે, ‘તારા રામરાજ્યમાં બાપ પહેલાં દીકરો મરે તેવી અપ્રાકૃતિક ઘટના બને કેમ? તારા રાજ્યમાં ક્યાંક અઘટિત બીના બનેલી હોવી જોઇએ.’ રામે ઋષિઓને પૂછ્યું તો ઋષિઓ કહે, ‘શમ્બુક નામનો શૂદ્ર દંડકારણ્યમાં તપ કરે છે. શૂદ્રને તપ કરવાનો અધિકાર નથી છતાં તે કરે છે. તેના પાપે આ બ્રાહ્મણનો દીકરો મરી ગયો છે. માટે તમે શમ્બુકવધ કરો તો આ બાળક જીવતો થશે. અને રામે એમ કરેલું.
અસ્પૃશ્યોનાં દુ:ખો માટે તમારા રામ પણ જવાબદાર છે — ભલે આડકતરા એમ તેઓ ગાંધીજીને કહી દે છે. ગાંધીજીના રામ સામે ગાંધીજી ફરિયાદ કરે તેવું ગોઠવતાં સંકોચ નથી થયો. આ છતાં એ ગાંધીનાં અંતરતળ તે જાણે છે. એટલે આ પ્રકોપની જોડે જ બાપુની મૃદુતા, ઋજુતા અને પરમ કરુણિકનું સ્વરૂપ તેઓ ખડું કરી શક્યા છે. મૃત્યુના ઉંબરામાં ઊભા રહી એક દેશભક્ત, બલિદાન માટે તૈયાર એક લડવૈયો શું કહે? —
‘સો સો રે સલામું મારાં ભાંડુડાંને કહેજો’ એક નહિ, મારી સો સો સલામ કહેજો. આખા જગતને ઝાઝા જુહાર દેજો. અને નથી મળાયું તે સૌની માફી માગી લઉં છું. મળીને જ આવા મોટા ગામતરે નીકળાય. અવિનય થયો છે મારાથી. પણ માફ કરજો. વેળા નથી રહી સૌને સાંઇ માંઇ કરવાની. કારણ, અહીં તો ડુંગર સળગ્યો છે. દેશની – માતૃભૂમિની સ્વતંત્રતાનો સવાલ છે. ખોરડું સળગ્યું હોય તો ઠારી પણ શકાય, પણ આ તો આખો ડુંગર સળગી ગયો છે. આખો સમાજ ચેપી થઈ ગયો છે. આ ગીત કેમ ઓછું જાણીતું રહી ગયું એ મારા મનમાં રહી રહીને ઉગતો સવાલ છે, શક્ય છે કે ગીતની આથી પણ વધુ કંડીકાઓ હોય, આપણને સૌને એ પ્રેરણાપિયુષ સન્માર્ગે દોરે એવી અભિલાષા સાથે આવો આજે સાંભળીએ આ સુંદર ગીત. આ ગીતનું કેસેટમાંથી એમપી૩ સ્વરૂપમાં રૂપાંતર અને વર્ણન શ્રી ગોપાલભાઈ પારેખના સૌજન્યથી સાભાર. આ સમગ્ર ઑડીયો સંપુટ શ્રી મેઘાણી પરિવાર દ્વારા તેમની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરાયેલ, ઑડીયો રેકોર્ડીંગની કેસેટ્સ બહાર પડેલી, એમાંથી તેને સીડી સ્વરૂપે ફેરવીને તેના ભાગ અક્ષરનાદ પર સમયાંતરે પ્રસ્તુત થતા રહે છે. અક્ષરનાદને આ ઑડીયો પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ મેઘાણી પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર.
સો સો રે સલામુ મારા ભાંડુડાને કે’જો રે,
જાજેરા જુહાર જગને દેજો હો જી.
ભળાયું ન તેને સૌને, માતા માફ કે’જો રે
હ્રદયમાં રાખી અમને, લેજો હો જી. સો સો રે…
ટીપે ટીપે શોણિત મારા ઘોળી ઘોળી આપું તોયે,
પૂરા જેના પ્રાશત કદીએ જડશે ન જી.
એવા પાપ દાવાનળમાં, જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા, ઠરશે ન જી. સો સો રે…
રઘુપતિ રામ મારા રુદાનો વિસામો એણે,
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો જી.
પ્રભુ નામ ભજતો એણે પારાધી સંહારીયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો જી. સો સો રે…
હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે જી.
હસતાં મુખડાંની અમને વિદાયું દીયો રે વા’લા!
રખે કોઇ રોકે નયણાં રડીને હો જી. સો સો રે…
– ઝવેરચંદ મેઘાણી
SO SO SALAM TO KAVI NE AAPVI PADE TEM CHHE KEM KE AA BHART MA BHAGAVAN PAN KHOTA
CHHE TEVI KAHEVANI
JIGAR TO KOIJ KARI SHKE CHHE DALITO MATE AVI RAJU AAT KOI BIN SAMPRADAIK VAYKATI KARI SHAKE CHHE ABHAR
અસ્પૃશ્યતા એ હિંદનું કલંક છે.કહી ગાંધીજીએ જો પોતાનો પુનઃજન્મ થાય તો શુદ્રના ઘેર થાય જેથી તેના દુઃખ દર્દનો અનુભવ કરી શકું એમ માગીને જે વલોપાત વ્તક્ત કર્યો તેની પીડાનો પડઘો આ ગીતમાં પડઘાય છે.
સરસ
શ્રી ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્ય વારસાને ત્રીજી પેઢીએ જાળવી રાખવા અને આ રીતે મોટાં મનથી તેના સાંપ્રત પેઢીને સુલભ કરાવી શકવામાટેના ઉદાહરણીય પગલાં બદલ મેઘાણી પરિવાર તો અભિનંદનથી વધારે પણ જો કંઇ હોઇ શકે તો તેના હક્કદાર ગણાય.
જીગ્નેશભાઈ પણ આવાં વિરલ સાહિત્યના વારસાને આ રીતે જાળવવા અને પ્રસાર કરવા બદલ સહુ ગુજરાતીઓના પ્રિય રચનાકાર બની રહે.
ઝવેરચંદ મેઘાણી રચિત આ હ્રદયસ્પર્શી ગીત રાજકીય, સામાજિક અને ધાર્મિક અસમાનતા સામેનો આક્રોશ વ્યક્ત કરે છે. “ટીપે ટીપે શોણિત મારા ઘોળી ઘોળી આપું તો યે, / પૂરા જેના પ્રાશત કદીએ જડશે ન જી…” એ પંક્તિ
જાણે માનવજાત સામેનું તહોમતનામું છે.