દીકરો – વિનોદિની નીલકંઠ 13
પીતાંબરનો નાનો ભાઇ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું, જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઇને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.
પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતાં પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું: “જો બેટા કાંતિ, આ તારી બીજી બા.”