બે ટૂંકી વાર્તાઓ… – નિમિષા દલાલ 22


૧. અંતિમ

નિકુંજ પડખું ફર્યો. ધારાને આલિંગન માં લેવા હાથ લંબાવ્યો. ધારા ત્યાં નહોતી. એ સફાળો જાગી ગયો. આ ધારા ક્યાં ગઈ ? બારીની બહાર નજર કરી હજુ ખાસું અંધારું હતું. એને સાંજે ધારા સાથે થયેલી ચર્ચા યાદ આવી. ઓફિસેથી આવતાં કેમ મોડું થયું થી શરુ થયેલી વાત છુટાછેડા સુધી પહોંચી હતી. હમણાં થોડાં વર્ષોથી આમ ચાલતું હતું. દરેક ચર્ચા છુટાછેડા સુધી પહોંચતી જ , ભલે ને વાત પ્રેમ કરવાથી શરુ થઈ હોય. ત્યાં સુધી વાત ઠીક હતી પણ કાલે તો હદ થઈ ગઈ વાત આત્મહત્યા સુધી પહોંચી હતી. એટલે જ જ્યારે ધારાને બેડ પર ન જોઈ તો નિકુંજની ઊંઘ ઉડી ગઈ. એ ઝડપથી રૂમની બહાર આવ્યો. રસોડામાં લાઈટ ચાલુ હતી. એ ઝડપથી રસોડા તરફ ધસી ગયો. ધારા કંઈ કામ કરતી હતી. એને હાશ થઈ. એ પાછો રૂમમાં આવીને આડો પડ્યો. તેને ક્યાં ખબર હતી કે ધારા તો રોજ આ સમયે ઊઠતી હતી. પણ એને તો એ જ વિચાર આવ્યો કે ધારાએ …

જો આજે ધારાએ…. તે ધારાને ખૂબ પ્રેમ કરતો હતો. લગ્નજીવનનાં બે-ત્રણ વર્ષ તો ધારા પણ એના પર બારે મેઘ વરસે તેમ વરસતી પણ હમણાં કેટલાક વરસોથી… આમ તો કોઇ એવી ખાસ વાત નહોતી જે બંને વચ્ચે દૂરી લાવી શકે પણ આજકાલ ધારા નિકુંજની દરેક વાત નો વિરોધ કરતી અને પછી નિકુંજ પણ સામી દલીલો કરતો અને વાત ….

“ડાર્લિંગ, આજે વેઢમી બનાવ ને. ગોળદાળ બનાવવામાં હું તને મદદ કરીશ.” બ્રેકફાસ્ટ કરતાં કરતાં નિકુંજે કહ્યું. લગ્ન પછીના શરુઆતના દિવસોમાં રવિવારે ઘણી વખત નિકુંજ ધારા પાસે વેઢમી બનાવડાવતો. ધારાને ગોળદાળ બનાવવાનો ખૂબ કંટાળો આવતો પણ નિકુંજને વેઢમી બહુ ભાવતી એટલે તે બનાવતી.

“કેમ ? કોઈનાં લગન છે ?” ધારાએ વિરોધ કર્યો.

“ના, પણ આજે જરા વેઢમી ખાવાનું મન થયું છે.” સાંભળતાં જ ધારા છણકો કરીને ઊભી થઈ ગઈ…

નિકુંજે વાત અટકાવી દીધી. ઘરમાં મૌનની ચાદર ફેલાઈ ગઈ. નિકુંજ એ મૌનથી ગુંગળાવા લાગ્યો. એ તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગયો. ચાલુ દિવસ હોત તો વહેલો ઓફિસે જઈ ને બેસી જાત પણ આજે તો રવિવાર હતો. મિત્રોને મળવા જવાનો કોઈ મુડ નહોતો. જતા જતા એની નજર લાયબ્રેરી પર પડી. ચાલ કોઇ પુસ્તક વાંચીને સમય પસાર કરું. હમણાં તો લાયબ્રેરી નો રસ્તો જ ભુલાઈ ગયો હતો. પુસ્તકોના રેક પર નજર ફેરવતો હતો ને એક પુસ્તકના ‘નામે’ એની નજર રોકી.

નામ હતું ‘અંતિમ’. આ અંતિમ શું હશે ? કયા વિષય પર વાત હશે ? એણે પુસ્તક કાઢ્યું ને પ્રસ્તાવના પર નજર કરી. તે એક પ્રેમ કથા લાગી , તો એનું નામ અંતિમ કેમ હશે ? નિકુંજે પુસ્તક ઈશ્યુ કરાવ્યું. ઘરે જઈ વાંચવાનો અર્થ નહોતો પાછી ધારા ચીડાશે. એને તો પુસ્તકોથી ભારે ચીડ હતી. એને નિકુંજની કઈ વાતથી ચીડ નહોતી તે આ ક્ષણે કહેવું ખૂબ મુશ્કેલ હતું. પુસ્તક લઈ નિકુંજ વાચનાલયનાં ઓરડાનાં એક ખૂણામાં બેસી વાંચવા લાગ્યો.

રોમેંટિક સંવાદથી શરુઆત થઈ ,

“……….” નાયક

“………” નાયિકા ; અને થોડાં પાના બંને વચ્ચેનાં પ્રેમનાં …..

નિકુંજને પોતાના ધારા સાથે વીતાવેલા દિવસો યાદ આવી ગયાં.

નાયક / નાયિકાનાં લગ્નને થોડાં વર્ષો થયા પછી બંને વચ્ચેનું અંતર વધતું ગયું. રોજ લડાઈ અને નાયકની દરેક વાતમાં નાયિકાનો વિરોધ. નિકુંજને આમાં પોતાની જ વાત લાગી. ફરક ખાલી એટલો હતો કે પુસ્તકના નાયકના જીવનમાં અન્ય યુવતી હતી જ્યારે પોતે માત્ર અને માત્ર ધારાને જ પ્રેમ કરતો હતો.. નિકુંજને આગળ શું હશે એની ઉત્કંઠા થવા લાગી. ધારાનો ફોન આવતો હતો પૂછવા કે ક્યાં છે એ ? પણ વાંચવામાં તલ્લીન નિકુંજને રીંગ ન સંભળાઈ. નિકુંજને પુસ્તક પુરું જ કરવું હતું. વાર્તામાં એમના જીવનનો શું અંત આવે છે એ જાણવો હતો.

“………” નાયિકા

“……….” નાયક

બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી. છેલ્લું જ પ્રકરણ હતું. હવે પુસ્તકનું એક જ પાનું બાકી હતું ને નિકુંજે પાનું પલટાવ્યું….

આ શું ? આ પાનું ક્યાં ? કોઇએ એ પુસ્તકનું અંતિમ પાનું જ ફાડી નાખ્યું હતું…….

૨. સરપ્રાઈઝ

એક સવારે ઘરડાં ઘરના બગીચાના બાકડાં પર બેઠેલાં રમણીકભાઈએ ચારે તરફ નજર ફેરવી. કેટલું શાંત અને રમણીય વાતાવરણ હતું. સુરેશભાઈ બાગકામ કરી રહ્યા હતાં.. કેટલાંક વૃધ્ધો બાગના પાથ પર ચાલી રહ્યા હતાં. સુધાબેન, કામિનીબેન, તોરલબેન વિગેરે મંદિરમાં ફૂલોની માળા બનાવી રહ્યાં હતાં… એકબાજુ કેટલાંક વૃધ્ધો લોનમાં બેસી પ્રાણાયામ કરી હતાં… બધાં જ પોતપોતાની મનગમતી પ્રવૃત્તિ કરી રહ્યાં હતાં… આજે એમની તબિયત જરા નરમ હતી એટલે એ અહિ બેઠાં હતાં. નહીં તો પોતે પણ તો રોજ સવારે ફીટ રહેવા ટેનિસ રમતા હતા.. સરોજબેન એક દિકરીને મુંબઈ પરણાવી દીધા પછી સ્વર્ગે સિધાવી ગયા. બીજી દિકરી પણ પરણવા લાયક જ હતી. થોડાં જ સમયમાં એક એન.આર.આઈ સાથે પરણીને એ પણ વિદેશ જતી રહી. એટલા મોટાં ઘરમાં એકલાં એમને ગોઠતું નહી.. એમને માણસોની વચ્ચે રહેવું ગમતું. કોઇએ આ વૃધ્ધાશ્રમ નું નામ આપ્યું ને એ….

અહી રહેલા દરેક જણ પોતાની કોઇ ને કોઇ મજબૂરી થી અહી આવ્યા હતાં. નિઃસંતાન તોરલબેન એમના પતિના મૃત્યુ પછી તો પરેશભાઈ પોતાની પત્નીના અવસાન પછી ગુનાહિત શહેરમાં એકલાં રહેતાં બીતાં હતાં.. સુરેશભાઈ માટે એમના દિકરાના ઘરમાં એક નાનો ઓરડો નહોતો.. તો કામિનીબેન અને કૌશિકભાઈને પોતાના સંતાનો વચ્ચે વહેંચાઈને જુદા નહોતું થવું.. દરેકની કોઇ ને કોઇ દર્દદાયક કહાની હતી.. પણ સુધાબેન અને સૌમિલભાઈ ને એવી કોઇ મજબૂરી નહોતી. તેઓ પોતાની ખુશી થી અહિ આવ્યાં હતાં. દીકરો આકાશ અઢળક રૂપિયા કમાતો અને પરિવાર માટે આંખમીંચીને ખર્ચો પણ કરતો. એ લોકોને અહિ આવ્યા ને હજુ થોડાં જ મહિના થયા હતાં પણ એમણે આખા વૃધ્ધાશ્રમનું વાતાવરણ જ બદલી નાખ્યું હતું. જીવનથી હારેલા નિરાશ વૃધ્ધોને પોતપોતાની ગમતી પ્રવૃત્તિઓ કરી ખુશ રહેતાં કર્યા હતાં. સવારના પંખીઓના કલશોરની વચ્ચે એક ઓરડાં માં સંગીતના સૂરો વહેતાં..તો બીજા ઓરડા માં મનગમતાં વાજિંત્રો પર રીયાઝ થતો.. એક ઓરડામાં નાનકડું પુસ્તકાલય બનાવ્યું… હવે અહિ બધા જ ખુશીથી રહેતાં હતાં.. પણ સ્વજનો થી દૂર છે એવો રંજ દરેકના મનમાં હતો.. દિવાળી આવી રહી હતી. આ બધાં વૃધ્ધ માતા-પિતાને દિવાળી પોતાના પરિવાર સાથે મનાવવાની ઈચ્છા હતી એ વાત સુધાબેન અને સૌમિલભાઈ જાણતાં હતાં. એમણે સંચાલકને વાત કરી. સંચાલકે દરેક ની એમનાં સંતાનો સાથે વાત કરાવી પણ કોઇ જ સંતાનો વૃધ્ધ માતા-પિતાને બોલાવવા રાજી નહોતાં. આ જાણીને સુધાબેન અને સૌમિલભાઇ દુઃખી તો થયાં પણ શું કરી શકાય ?

નવા વર્ષે બધાંએ વહેલાં ઉઠી પરવારીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી. પણ એમાં ખુશી નહોતી માત્ર ઔપચારિકતા જ હતી. ત્યાં તો એક મોટી લક્ઝરી બસ દરવાજામાં પ્રવેશી. ડ્રાઈવરે ઉતરીને સંચાલક સાથે કોઇ વાત કરી અને સંચાલક એ બધાં પાસે આવ્યા. એમણે નજીકના હીલસ્ટેશન પર જવાનું ગોઠવ્યું હતું. બધાંને બસમાં બેસવા કહ્યું. કોઇનું મન નહોતું. બધાને પોતપોતાના પરિવારની યાદ આવી રહી હતી. સુધાબેન અને સૌમિલભાઈ ની ખુબ સમજાવટ પછી બધા રાજી થયાં ને બસમાં બેઠા. બસ હીલ સ્ટેશનની એક શાનદાર હોટલ પાસે જઈને ઉભી રહી. સંચાલક હોટલમાં ગયા… વીલે મોઢે પાછા આવ્યા. બધા પ્રશ્નાર્થ નજરે એમને જોઇ રહ્યા હતાં. દીવાળી ના હિસાબે આખી હોટલ ફૂલ છે.. શું કરીશું..? કોઇ શું બોલે ? એમને તો અહી આવવું જ ક્યાં હતું ? હવે ચાલો પાછા. થાકી થાકીને આવ્યા ને… આ ઉમરે તો બેઠાં બેઠાં યે થાક લાગતો..

હોટલવાળાએ એક સૂચન કર્યું છે. બધાં ઉમ્મરલાયક છે તો થોડીવાર માટે એમને આરામ કરવા દેશે. મન ન હોવા છતાં થાકને કારણે બધાં સહમત થયા અને મેનેજરે બધાને અલગ અલગ રૂમમાં મોકલ્યા. બધાં પોતાને ફાળવેલા રૂમમાં ગયાં અને…. અને જતાંની સાથે જ બધાં આશ્ચર્યચકિત થઈ ગયાં. દરેકના રૂમમાં પહેલેથી જ એમનાં સંતાનો હતાં. નવું વર્ષ પરિવાર સાથે ઉજવવાની દરેકની ઈચ્છા ફળી. પણ આમ થયું શી રીતે એ બધાંની સમજમાં નહી આવ્યું. સાંજે મેનેજરે એક ગેટ ટુ ગેધર પ્રોગ્રામ રાખ્યો હતો. બધા હોટલ ના હોલમાં ભેગા થયા. સૌમિલભાઈ એ માઈક હાથમાં લીધું,

“મિત્રો , કેમ ? કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ ? તમને થશે કે આવું કેવી રીતે થયું બરાબરને ? તો જણાવું. આ રમણિકભાઈ મારા ખાસ અંગત મિત્ર છે. એમની બંને દિકરીઓ શહેરની બહાર પરણી એટલે એમને ઘરમાં થોડી એકલતા લાગતી હતી. વૃધ્ધાશ્રમમાં વાતો કરવા સાથીઓ મળશે એમ માનીને એ ત્યાં આવ્યા. પણ ત્યાં આવીને એમણે જોયું તો બધા નિરાશ જીવન જીવતાં હતાં. ન કોઇ સાથે વાત.. ન કોઇ પ્રવૃત્તિ. બસ યંત્રવત્ત જીવન. અમે મિત્રો વૃધ્ધત્વને પણ માણવાના વિચારો વાળા. એટલે એણે મને મદદ માટે કહ્યું ને હું મારી પત્ની સાથે ત્યાં રહેવા આવ્યો. મારો દિકરો આકાશ ત્યાં આવી ડોનેશન આપી ગયો હતો.. પછી સંચાલક સાથે મળીને અમે એ ડોનેશન માંથી બધી સગવડ કરી.

તમે બધાં દિવાળી તમારા પરિવાર સાથે ઉજવવા માગતાં હતાં અને તમારા સંતાનો એમ નહોતા ઇચ્છતાં. આ જાણ્યા પછી મારો દિકરો એ બધાને પર્સનલી મળીને મનાવી આવ્યો ને આ બધી વ્યવસ્થા કરી. અમે સૌ એ ભેગા મળીને તમારા સૌ માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું…..

આજે તમારી સાથે પોતપોતાના ઘરે દિવાળી મનાવવા માટે જે પરિવાર હોય એના કરતાં પણ મોટો પરિવાર છે સાથે દિવાળી મનાવવા માટે. બરાબર ને ? ” બધાંએ એક સાથે હોંકારો ભર્યો અને તાળીઓનાં ગડગડાટ થી સૌમિલભાઈને વધાવી લીધાં.

“ તમારા બધાની આંખોમાં ખુશીની ચમક જોઇને અમને ખુબ આનંદ થયો. ” ત્યાર પછી સૌમિલભાઈ એ એક મેદાનમાં બધાંને આમંત્ર્યા. અને એક બહોળા પરિવારે સાથે મળી ને ફટાકડા ફોડી નવા વર્ષની ઊજવણી કરી…

– નિમિષા દલાલ

નિમિષાબેનની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે, સરપ્રાઈઝ અને અંતિમ – એ બે વાર્તાઓનું વિષયવસ્તુ તદ્દ્ન ભિન્ન અને જુદા જુદા દ્રષ્ટિકોણને સ્વરૂપ આપનારું છે, ટૂંકી વાર્તા અને લઘુકથાના સ્વરૂપની વચ્ચે સ્થિર થયેલ પ્રસ્તુત રચનાઓ નિમિષાબેનની સબળ તથા અર્થપૂર્ણ કલમની પરિચાયક છે. આપનો આ વાર્તાઓ વિશેનો પ્રતિભાવ જાણવા તેઓ આતુર છે.  અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “બે ટૂંકી વાર્તાઓ… – નિમિષા દલાલ