છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,
દ્રશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
– રમેશ પારેખ
વસંત આવી અને ગુલમ્હોર મ્હોર્યા એટલે કવિહ્રદયમાં પણ અનન્ય સ્પંદનો ઉદભવવાના શરૂ થયાં, છાપરાં રાતાં થયા અને રસ્તા મદમાતા થયા, બે આંખો વચ્ચેના સંવાદમાં દ્રશ્યો ગવાતા હોય એવી ભાવવિભોર કલ્પના, અણીયાળો વાયુ વાય તેના લીધે ઉઝરડાતા મનની વાત તથા શબ્દકોશો અને શરીરકોષોની પેલે પારના પર્વો ઉજવવાની વાત તો ફક્ત રમેશ પારેખ જ આ સહજતાથી કરી શકે. ર.પા ની આ જ વિશેષતાઓએ તેમની ગઝલના અનેક ચાહકો તેમની રચનાઓને ફરી ફરીને રસપૂર્વક માણે છે. વસંતના વૈભવ તથા માનવજીવન પર તેની અસર દર્શાવતી પ્રસ્તુત ગઝલ આપણી ભાષાની વસંતઋતુને લગતી કૃતિઓમાં શીર્ષસ્થાન પર શોભે છે.
બિલિપત્ર
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
– હિતેન આનંદપરા
આજે શિશુવિહાર ,ભાવનગરમાં શ્રી ગુણવંતભાઈની વાણીમાં રમેશ પારેખ ગાથા માણી.અને અહીં એમની સુંદર ગઝલ માણવા મળી.સુંદર યોગ.
એક ગુલમ્હોર મ્હોર્યો એમાં તો કેટકેટલી ઘટનાઓને વેગ મળ્યો..!! આવાં સૂક્ષ્મ નિરીક્ષણો તો ર.પા.ની કલમેથી જ નિતરે..!!
શબ્દકોષોને શરીરકોષોને પેલે પારનાં
પર્વ ઉજવાતાં થયા…વાહ
મૂકેલી કોમેન્ટ નુ શું થયું ?
” વસંત” ને યુવાની સભર ‘પોટલી’ સાથે જોડી ‘પ્રથમ બે શેરમાં ,ઇન્દ્રિય ગત ….રંગ અને આંખ,ની વાત પછી,ત્રીજામાં, શારીરિક અસર,- જે ભીતરના ભાવ-લાગણીઓ દ્વારા ઉપજેલી છે…તેની વાતમાં શૃંગાર ભભરાવી મૂકાયો છે…જે લગભગ યુવાન હૈયામાં …સળવળાટ / ગુદગુદી પેદા કરે શકે !…..કો’ક કાલ્પનિક મનના માહોલ,- કુદરતી ઋતુ-બદલાવ ( વસંત=બહાર )નો સહારો લઇ ….સામાન્ય માનવીનું માનસ નશાના ઢાળ પર …સહજતાથી ગબડી પડે (સાનભાન ખોઈ બેસે ) અને ‘શું કરવું?'” ની અવઢવમાં અટવાય.. { ભાન ડહોળાતાં થયા….} એમ છતાં, “શબ્દકોષો અને શરીરકોષો ની પારની ઉજવણી”(= ચરમ શિખર ટોચની આનંદ-યાત્રા ની વાત પણ ઉચ્ચારી શકે છે ત્યાં કવિની પહોંચ…ઘણાના ચહીતા “ઓશો ના ….કક્ષા-લેવલની ઉંચાઈએ લઇ જઈ શકે છે…એટલેજ કદાચ ર.પા….ને તેમની કળા-સૌંદર્ય ને નામે… ..સલામ કરે…..
આભાર પરસ્તુત-કર્તાને…
-લા’ કાન્ત / ૧૮-૫-૧૩
ઉત્તમ રચના, ભાવ સ્પંદનોની અભિવ્યક્તિ ગુલમોરી થઈને તન-મનમાં મ્હોરી અને મહેકી ઉઠે છે. આભાર…રસિકજનો માટે આવાં કાવ્યોનો રસાસ્વાદ પ્રસ્તુત કરવામાં આવે તો અક્ષરનાદમાં વાસંતી મિજાજ ઉમેરાય…હદ.
મારા મંતવ્ય મુજબ પ્રેમ અને વિરહ ની અભિવ્યક્તિ ર.પા. જેવી તો કોઇ ન કરી શકે. મે પણ પ્રયત્ન કરેલો .
શું કહું તારા રૂપને
કરામત કુદરતની કે ભગવાનની લીલા
વિચારું છું કે સમાવી દઊં રૂપ તારું શબ્દોમાં
પણ લાગે છે અસંભવ સમાવવું રૂપ તારું શબ્દોમાં.
રાજેશ વ્યાસ “જામ”
ગુલમ્હોરની જેમ જ સર્જનાત્મકતાથી ફાટફાટ થતું કાવ્ય! મને સુરેશ જોશીની પંક્તીઓ યાદ આવે છેઃ
આકાશની નીલ શીલા સરાણે
કાળની કો કાઢી રહ્યું તિક્ષ્ણ ધાર,
સ્ફુલ્લિંગો ત્યહીં જે ઉડ્યા,
પ્રગટ્યા તે અહીં ગુલમ્હોર થઈ!
Wah gulmahor wah
રમેશ પારેખ નુ નામ જોયુ ને ક્લિક કર્યું – ના રહેવાય, ના સહેવાય માણ્યા વિના.
વસંત અને ગુલમોહર નો નશો ગજબનો છે.
કઈ તરફ રહેવુ અમારે, કઈ તરફ વહેવુ, રમેશ?
આસ્વાદ કરાવવા બદલ આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર