નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 18


લિફ્ટમાં પ્રવેશતા એણે પરસેવો લૂછતા લૂછતા લિફ્ટવાળાને ત્રીજે માળ લઈ જવા કહ્યું. જેમ જેમ લિફ્ટ ઉપર જતી હતી તેમ તેમ એનો ટેન્શનનો પારો પણ ઉપર જતો હતો. એની બીક અને શરમને જાણી ગયો હોય તેમ લિફ્ટનું બારણું ઉઘાડતા લીફ્ટવાળો મોટેથી બોલ્યો, “સાહેબ ત્રીજો માળ, જમણી બાજુ રમણ પ્લાસ્ટીક્સ ને વાઘોડિયા બ્રધર્સની ઓફિસ અને ડાબી બાજુ રૂપ સેક્સ ક્લિનીક” – સેકસ ક્લિનીક શબ્દ ઉપર એણે જરા વધારે પડતો જ ભાર મૂક્યો.

સેક્સ ક્લિનીકનુ નામ સાંભળતા જ લિફટમાં ઉભેલા બધાંય એની સામે જોવા માંડ્યા. એક આધેડ જાડિયા કાકાએતો બંધ થતી લીફ્ટની જાળીમાંથી એને આંખ પણ મારી. એને થઇ ગયું કે અત્યારે ને અત્યારે એ દાદરા ઉતરી જાય પણ એને બીજી જ ક્ષણે એની પત્ની યાદ આવી. આખરે નછુટકે પગલા ડાબી બાજુ પાડ્યા.

સામેની બાજુ મોટા બેનર ઉપર લખ્યુ હતુ રૂપ સેકસ ક્લિનીક, ડો. કે. જે. જનોડિયા, સેકસને લગતી તમામ સમસ્યાઓનો એક માત્ર ઉકેલ. આવો અને તમારા જીવનમાં એક નવો ઉમંગ લાવો…

બોર્ડ પરના શબ્દો એને નર્વસ કરવા પૂરતા હતાં. હાથમાં રહેલી બેગ થોડી ભારે થવા લાગી. મનમાં વિચાર આવ્યા કે હું શું કામ અંહી જઈ રહ્યો છું? અચાનક એને કંઇક વિચાર આવ્યો અને ખીસ્સામાંથી રૂમાલ કાઢી એણે મોં પર ઢાંક્યો. એને આમ કરતો જોઇ ત્યાંથી પસાર થતી બે સ્ત્રીઓ જોરથી હસી પડી અને અંદર અંદર કંઇક વાતો કરતી બાજુમાંથી નીકળી ગઇ. એની હાલત હવે કાપો તો લોહી પણ ન નીકળે એવી થઇ ગઇ.

એને એની પત્ની પર ચીડ ચડી. પાછા જવા માટે વળ્યો પણ ખરો અને ત્યાંજ પત્ની ના શબ્દો યાદ આવ્યા, “…આટલા વખતથી કહ્યું છે. એમનુ ક્લિનીક તમારી ઓફિસથી પાછા આવતા રસ્તામાંજ આવે છે. એક દિવસ જઇ આવવામાં તમારૂ શું જાય છે? જો આજે તમે નહી જઈ આવો તો કાલે હું તમને ઘસડીને ત્યાં લઇ જઇશ, મારી સાથે…”

પત્નીની સાથે અહીં આવવાની કલ્પનાની સાથે જ વળી પાછી શરીરમાં કંપારી છૂટી ગઇ. હિંમત ભેગી કરી તે મહામુશકેલીએ ક્લિનીકની અંદર પ્રવેશ્યો, જોયું તો અંદર પાંચેક જણ બેઠેલા હતા. એક સાથે આટલી બધી આંખોએ જાણે એને વીંધી નાખ્યો. એ કોઇ ખૂણાની જગ્યા પકડીને બેસવા જાય ત્યાં તો રિસેપ્શન પર બેઠેલ એક જાડી બહેને એને ઇશારો કરીને બોલાવ્યો. એની શરમે તો હવે માઝા મૂકી દીધી. કંઇ પણ બોલ્યા વગર જાણે બહુ મોટુ પાપ કર્યુ હોય તેમ એ રિસેપ્શન કાઉન્ટર ઉપર મહામહેનતે પહો્ંચ્યો.

પેલા બહેને પૂછ્યું, “શુ નામ છે?”

એણે નામ ધીમેથી કહ્યું અને કહેવાનુ શરૂ કર્યુ કે… “મારે ડોકટર સાહેબને….”

વચ્ચેથીજ વાત કાપી નાખતા એ બહેને કહ્યું “આ ક્લિનીકમાં તમારી બધી વાત ડોકટર સાહેબને જ કરવાની, મને નહી. તમારો નંબર છઠ્ઠો છે. સામે બેસો, નંબર આવશે એટલે અંદર મોકલીશ. પછી છૂટથી કહેજો જે કહેવુ હોય તે…”

એ રિસેપ્શનીસ્ટ હિંમત આપતી હતી કે ઓછી કરતી હતી તે ન સમજનાર એ પાછૉ ફર્યો અને ધડકતા હૈયે હાથમાંની બેગ ખોળામાં લઇને બેઠો. ત્રાંસી આંખે જોયું તો એની બાજુમાં એના જેવો જ પણ પ્રમાણમાં ઓછું શરમાતો એક વ્યક્તિ બેઠો હતો. એક ટેણીયો પણ, ઉપરાંત લગભગ ૫૫ વર્ષનો એક કાકો લોલુપતાથી આસપાસ ચોંટાડેલ વિવિધ જાહેરખબરોના ફોટાને નફ્ફટાઈથી જોતો હતો. એક કદાચ નવું જ પરણેલું યુગલ હાથમાં હાથ નાંખીને એક બીજાની સાથે કાનમાં હસીહસીને કંઇ વાતો કરી રહ્યુ હતું. એક વ્યક્તિ ચોપડીમાં મોં નાખીને બેઠી હતી એટલે એનો ચહેરો જોઇ શકાયો નહી.

હજીતો ટેબલ પર પડેલી ચોપડી લેવા એ વાંકો વળે તે પહેલા એની નજર સામે લગાવેલ બોર્ડ તરફ ગઇ, જેમા લખ્યુ હતું, “સેકસને લગતી સમસ્યાઓ પણ શારીરીક જ છે. સામાન્ય શરદી ખાંસીના દર્દની જેમ સહેજ પણ શરમાયા વગર તેના વિશેની વાત ડોકટરને કહો.” આ વાંચીને એને પોતાની જાત પર હસવું કે રડવું એ ખબર ન પડી પણ પત્ની ઉપર ચીડ ચોક્ક્સ આવી. પછી મનને મનાવ્યું કે ‘ના ના, આવી વાતમાં તો મારે જ આવવું પડે, એનાથી કેમ કરીને ??’

મનમાં બીજો વિચાર આવ્યો કે અહીં આવતા કોઇએ જોઇ લીધો હશે તો એ લોકો મારા માટે શું વિચારે? અને વળી પાછી એજ કંપારી. મન મનાવા એણે ચોપડી લઇ સમય કાઢવાનો પ્રયત્ન કર્યો.

થોડી વાર થઇ ત્યાં તો તેના મોતીયા મરી ગયા. તેની ઓફિસમાં કામ કરતા એકાઉન્ટન્ટ ભાનુભાઇ ક્લિનીકની અંદર પ્રવેશ્યા. બન્નેની નજર એક થઇ. એ તો શરમનો માર્યો પાણી પાણી થઇ ગયો. સામે ભાનુભાઇની હાલત પણ એવી જ હતી. ન છૂટકે નહિવત સ્મિત આપીને એમણે બીજો ખૂણો પકડ્યો. એને થયું કે લાવ જઇને એમને કહું ત્યાં તો ભાનુભાઇ વાત ટાળવા ઉભા થઇને ક્લિનીકની બહાર નીકળી ગયા.

હવે એના પગ નીચેથી ધરતી ખસી ગઇ. ભાનુભાઇ શું વિચારશે? આખી ઓફિસમાં કાલ સુધીમાં વાતો શરૂ થઇ જશે કે એ કાલે રૂપ સેક્સ ક્લિનીકમાં હતો. હવે પછીના ઓફિસની રીસેસમાં એકબીજાને કહેવાતા નોનવેજ જોક્સમાં કેન્દ્ર સ્થાને એણે પોતાને જોવાનું ચાલુ કરી દીધું. નક્કી માર્યા ઠાર.. એને થયું કે લાવ હું પણ જતો રહું ત્યાં તો પેલા બહેને ટકોર કરી… “૬ નંબર .. ઓ મિસ્ટર તમારો વારો.”

ક્ષોભ માં ને ક્ષોભમાં એ ડોકટરની કેબીનમાં દાખલ થયો. અનુભવી ડોકટરે એની પરીસ્થિતી સમજીને કહ્યું, “દોસ્ત, મારે ત્યાં આવતા લગભગ બધા પેશન્ટ્સને આમ પહેલા પહેલા શરમ આવતી જ હોય છે. ડોન્ટ વરી, શરમાશો તો કરમાશો, બોલો શું પ્રોબલેમ છે?”

એણ ઝડપથી બેગ ખોલી, એક પેકેટ કાઢીને બોલવાનું શરૂ કર્યુ, “સર, મારૂ નામ શરદ જાની છે. મારા સસરા ડૉ. ત્રિપાઠી મુંબઇમા રહે છે જે આપના પિતાજીના જૂના ખાસ મિત્ર છે. એમણે આપના માંટે મારી સાળીના લગ્નની કંકોત્રી મોકલાવી ને મને કહ્યું કે ડૉકટરસાહેબને ખાસ જાતે જઇને આ કંકોત્રી અને મીઠાઇ આપી આવજો.”

આમ બોલતાની સાથેજ બીજુ કંઇજ બોલ્યા વગર શરમાળ શરદ જાનીએ ઉભા થઇને ક્લિનીકની બહાર દોટ મૂકી. પહેલા થયું કે બહાર કંયાક ભાનુભાઇ ઉભા હોય તો એમને જઇને સાચી વાત કહી દઉ. પછી વિચાર આવ્યો, ‘હું આમ કહીશ તો શું એ મારી વાત પર વિશ્વાસ કરશે?’

અને આ વિચાર આવતાં જ એને ફરી પાછી પેલી નોનવેજ કંપારી આવી ગઇ.

– હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમના અનેક ચાહકોમાં એક હું પણ છું, ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રસ્તુત કૃતિ એક પુરૂષની અનોખી અસમંજસને દર્શાવે છે, આમ તો આ વાર્તા કોઈ સસ્પેન્સ સ્ટોરી નથી, પરંતુ વાચકને વાર્તાના અંતે એવો જ કાંઈક અહેસાસ જરૂર થશે…. અને છતાંય જાતિ આધારીત ભિન્નતા ધરાવતા સમાજની બીક એક પુરુષને કેવી બાબતોમાં ડર ભોગવતો કરી દે છે એ પ્રસ્તુત વાર્તા પરથી સ્વયં સ્પષ્ટ છે.

નવા વિષયો, અનોખા ઘટનાક્રમ અને માનવ લાગણીઓને સહજતાથી પ્રગટ કરી શકવાની હાર્દિકભાઈની ક્ષમતા ખરેખર કાબિલેદાદ છે. વાચકમિત્રોના પ્રતિભાવોની તેઓ રાહ જોઈ રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “નોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક