મહાદેવ ગોવિંદ રાનડેના પ્રેરક જીવનપ્રસંગો 4


એક છોકરો હતો.

એક દહાડો એની સાથે રમનાર કોઈ ન મળ્યું. એકલો બેઠો બેઠો કંટાળ્યો એટલે પોતાની ફોઈબા પાસે પહોંચ્યો. કહે, ‘ફોઈબા, ચોપાટ આપો ને!’

ફોઈબાએ પૂછ્યું, ‘ચોપાટ કોની સાથે રમીશ?’

છોકરો કહે, ‘એ તો ગોતી કાઢીશ.’

ફોઈબાએ ચોપાટ આપી. છોકરો ઘરની ઓશરીમાં એક થાંભલા સામે બેઠો. બેયની વચ્ચે ચોપાટ પાથરીને એણે રમત શરૂ કરી. થાંભલાને કહે, ‘દોસ્ત, તારા દાણા હું નાખીશ અને તારી ચાલ હું ચાલીશ. ડાબે હાથે મારા દાણા નાંખીશ અને જમણે હાથે તારા દાણા પાડીશ.’

બસ, આટલું નક્કી કરીને એણે રમવા માંડ્યું. પહેલા થાંભલાનો દાવ લીધો, એ માટે જમણે હાથે દાણા નાંખ્યા, જેટલા દાણા પડ્યા એ પ્રમાણે થાંભલાની કુકરી ચલાવી, પછી ડાબે હાથે પોતાના દાણા નાખ્યા. આમ રમત ચાલતી રહી. ઘણી વારે રમત પૂરી થઈ ત્યારે થાંભલો જીતી ગયો હતો !

થોડે છેટે બેઠાં બેઠાં ફોઈબા આ ખેલ જોતાં હતાં અને હસતાં હતાં. એ બોલ્યા, ‘કેમ રે મહાદેવ, એક થાંભલાથી હારી ગયો?’

છોકરાએ કહ્યું, ‘શું કરું ફોઈબા, ડાબે હાથે દાણા પાડવાની ટેવ નથી ને, એટલે મારા દાણા ઓછા પડતા હતા. થાંભલાનો જમણો હાથ હતો એટલે એ જીતી ગયો.’

ફોઈએ કહ્યું, ‘તો પછી તેં પોતાને માટે જમણો હાથ કેમ ન રાખ્યો? તો તું જીતી જાત ને? એક જડ થાંભલાથી તો હારવું ન પડત !’

છોકરાએ અદબ ભીડી, ગૌરવથી કહ્યું, ‘હારી ગયો તો શું થયું ? મને કોઈ બેઈમાન તો નહીં કહે ને ! મારે માટે જમણો હાથ રાખું અને બિચારા અબોલ થાંભલાને ડાબો હાથ આપું, એ તો બેઈમાની ગણાય, અન્યાય ગણાય.’

ાભણ ફોઈબાને બાળકનો આ જવાબ બહુ સમજાયો નહીં, પણ એને એટલું જરૂર લાગ્યું કે ભત્રીજો અસાધારણ પ્રતિભા ધરાવતો છોકરો છે.

એક થાંભલા સાથેની રમતમાં પણ બેઈમાની ન કરનાર આ છોકરો આગળ જતાં ખૂબ મોટો ન્યાયાધીશ બન્યો, સમાજ સુધારક બન્યો. સર એલન ઑક્ટેવિયન હ્યુમની સાથે મળીને એણે હિન્દી મહાસભાની સ્થાપના કરી.

એમનું નામ મહાદેવ ગોવિંદ રાનડે. એમનું ચરિત્ર વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે મહારાષ્ટ્રમાં આવા સાચા મહાપુરુષો પેદા થયા છે.

એકવાર એમને કશાક કામે કલકત્તા જઈને રહેવાનું થયું, ઠીક ઠીક લાંબો સમય રહેવાનું હતું એટલે રાનડેને લાગ્યું કે જ્યાં કામ કરતા હોઈએ ત્યાંની ભાષા શીખી લેવી જોઈએ એટલે એમણે બંગાળી ભાષા શીખવા માંડી.

એમને બંગાળી શીખવનાર કોઈ ખાસ શિક્ષક નહોતા, તેઓ જાતે જ કેટલીક પ્રાથમિક ચોપડીઓ મેળવીને વાંચતા અને બંગાળી શીખતા. કેટલીક વાર કર્યું ન સમજાય તો જે બંગાળી હાથવગો હોય તેને પૂછી લેતા!

એક વાર એવું બન્યું કે એક પુસ્તકમાં કેટલાક શબ્દો એમને સમજાયા નહીં, એ કોને પૂછવા એનો પોતે વિચાર કરતા હતા. એટલામાં એમની હજામત કરનારો નાયી આવી ચડ્યો. રાનડેએ હજામત શરૂ કરાવતા પહેલા કહ્યું, ‘ભાઈ, મને તમારી ભાષાના કેટલાક શબ્દો સમજાતા નથી, એ સમજાવશો ? ચોપડી લઈ આવું ?’

નાયીએ હા પાડી એટલે રાનડે પોતાના ઓરડામાંથી એક ચોપડી લઈ આવ્યા. પછી તો હજામત કરાવતા જાય અને સવાલો પૂછતા જાય. એમ ઘણા વખત સુધી ચાલ્યું.

આખરે નાયી પોતાનું કામ પતાવીને ગયો એટલે રસોડામાંથી રાનડેના પત્ની બહાર આવ્યાં અને રાનડેની હાંસી કરતા કરતાં કહેવા લાગ્યા, ‘વાહ રે, મોટા વિદ્વાન ન્યાયમૂર્તિજી, એક નાયી પાસે વિદ્યા ભણવા બેઠાં !’

ત્યારે જરાય હસ્યા વગર, ગંભીર બનીને રાનડે બોલ્યા, ‘બાઈ ! તમને ગુરુ દત્તાત્રયની કથા યાદ છે? એમણે એક હજાર ગુરુ કર્યા હતાં. એમાં કૂતરાનો પણ સમાવેશ થયો હતો, કારણ કે કૂતરા પાસેથી પણ વફાદારીનો ગુણ ગ્રહણ કરવા જેવો છે. એ જ રીતે નાયી જેવા સામાન્ય માણસ પાસેથી પણ ગુણ અને વિદ્યા ગ્રહણ કરવામાં મને કશી નાનમ લાગતી નથી.’

– (શ્રી એમ પી પટેલ ફાઉન્ડેશન પ્રકાશન દ્વારા પ્રકાશિત ‘અત્તરનાં પૂમડાં’માંથી સાભાર, સં. યશવન્ત મહેતા)

બિલિપત્ર

ઝંખના વિનાનું જીવન અંધકારમય છે, જ્ઞાન વિનાની ઝંખના આંધળી છે, કાર્ય વિનાનું જ્ઞાન નિરર્થક છે અને પ્રેમ વિનાનું કાર્ય વંઠે છે. પ્રેમપૂર્વક કાર્ય કરવું એટલે હ્રદયના તારથી પ્રિયજનમાટે વસ્ત્ર વણવું. પ્રિયના નિવાસ માટે સ્નેહની રેતીથી કુટિર ચણવી ને પ્રિયના આહાર માટે પ્રેમવારિથી ખેતર ખેડવું.
– ખલિલ જિબ્રાન


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “મહાદેવ ગોવિંદ રાનડેના પ્રેરક જીવનપ્રસંગો

 • ashvin desai

  સરસ બોધ્ પ્રસન્ગો એ પુરવાર કરે ચ્હે કે , કેતલાક સદગુનો
  માનસ ગદથુથિમા લૈને જન્મે ચ્હે .
  એતલે જ ભગવાન પાર્થ્ને ગિતામા કહે ચ્હે કે , તુ દૈવિ સમ્પદા
  લૈને જન્મ્યો ચ્હે .
  મહાન માનસો પન દૈવિ સમ્પદાને જિવનકાલમા વિકસાવે ચ્હે , અને આપને માતે ઉદાહરનિય બને ચ્હે .
  – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

 • Umakant V.Mehta

  નાના માણસ પાસેથી પણ શીખવા જેવું કે જાણવા જેવું હોય તો તે શીખી લેવું. તેમાં નાનમ રાખવી નહિ.આવોજ સર આઈઝેક ન્યુટનનો દાખલો છે. મોટી બીલાડી માટે મોટું કાણું અને નાની બીલાડી માટે નાનું કાણું ત્તેણે દરવાજામાં રાખવા કહ્યું ત્યારે મીસ્ત્રી એ તેનું ધ્યાન દોર્યું કે મોટા કાણામાંથી બે બીલાડી જઈ શકે.