દીવાનો બની જા સમજદાર જેવો.. – ગની દહીંવાળા 5


દીવાનો બની જા સમજદાર જેવો,
મળે યશ જગતમાં તિરસ્કાર જેવો;
બને તો કરી લે ગુનો પ્યાર જેવો.

ગણી લક્ષ્યને પગની બેડી તજી દે,
ચમકતી જમાનાની કેડી તજી દે;
મળી જાય જો પંથ અણસાર જેવો.

કરી દે ઊભી કલ્પના, એવી સૃષ્ટિ;
પરોવી રહે કોઈ દ્રષ્ટિમાં દ્રષ્ટિ
સમય હોય તલવારની ધાર જેવો.

ગયો ઈન્કિલાબ એક આ રાહ પરથી
પડી પણ ગયો હું જગતની નજરથી;
મળી પણ ગયો હાથ આધાર જેવો.

સદા યાદ કરવો પડ્યો છે ખુદાને,
ખુદાઈ ભલે વાત મારી ન માનો;
મહોબ્બત ગુનો છે સદાચાર જેવો.

મુલાકાત જઈ તારલાઓને આપી,
કદી ચંદ્રની હૂંફમાં રાત કાપી;
ધરા પર નથી હું રહ્યો ભાર જેવો.

યુવાનીનું થઈ જાય સન્માન જેવું,
હ્રદયમાં ઉઠે કૈંક તોફાન જેવું,
કિનારો મળી જાય મઝધાર જેવો.

જમાનાને એ વાતની ક્યાં ખબર છે?
‘ગની’ આજ જે શે’ર કાગળ ઉપર છે
હ્રદયમાં હતો કાલ ધબકાર જેવો.

– ‘ગની’ દહીંવાળા

આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની મશહૂર ગઝલ ‘દીવાનો બની જા સમજદાર જેવો’ જે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કોડીયા’ માંથી લેવામાં આવી છે..


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “દીવાનો બની જા સમજદાર જેવો.. – ગની દહીંવાળા

  • ashvin desai

    ગનિભાઈ સાહેબ જેતલા પરમ્પરાગત હતા તેતલા જ આધુનિક પન હતા તેનો પુરાવો તેમનિ આ વિખ્યાત ગઝલ
    એનિ વિશેશતા , આ ગઝલ્નુ એમ્નુ વિશિશ્થ – આગવુ ‘ વજન ‘
    આ વજન્મા મે બિજા કોઇ શાયર્નિ બિજિ ગઝલ વાન્ચિ નથિ .
    તમે આજે શાયર – સાહેબ્ને અદભુત અન્જલિ આપિ . ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા