વિચારકણિકાઓ… – ધૂમકેતુ 6


ઈશ્વરને આ છ વસ્તુઓ નથી ગમતી,
અભિમાન ભરેલી દ્રષ્ટિ
અસત્યભાષી જીભ
નિર્દોષને હણનારી શક્તિ
ભયંકર કલ્પનાઓ કરતી ઉર્મિ
અસત્યને પડખું દેતી બુદ્ધિ
ભાઈઓ વચ્ચે કંકાસ જન્માવતી દગાબાજી.

કેટલાક પુસ્તકો માત્ર વાંચવા માટે છે,
કેટલાક જોઈ જવા માટે તો,
કેટલાક સમજવા માટે છે,
કેટલાક મૂકી દેવા માટે તો
કેટલાક ન જોવા માટે છે,
બહુ જ થોડા શીખવા માટે છે અને
વારંવાર નિરખવા માટે તો કોઈક જ છે.

માણસ સ્વર્ગ મેળવવા માટે જેટલો પ્રયત્ન કરે છે એનાથી અડધો જ પ્રયત્ન પોતાનું મન સમજવા માટે કરે તો સ્વર્ગ એને અહીં જ મળે.

એક વખત મને આમ વિચાર આવ્યો,
હોડી હોય, અનંત સાગર હોય,
કોઈ એક પ્રિયજન સાથે હોય, થોડાં પુસ્તકો હોય,
ક્યાં જવાનું છે તે નક્કી ન હોય,
કેટલાક મિત્રોએ આ સાંભળીને મને કહ્યું,
કે આ તો કવિતા છે !
પણ કવિતાએ પોતે મને કહ્યું
કે એ જ તો જીવન છે.

સુખ શોધનારાઓને સુખ આ રીતે મળ્યું છે,
પોતાની મર્યાદા જાણીને એ મર્યાદાના કુંડાળામાં,
જે સુંદરમાં સુંદર રીતે પોતાનો વેશ ભજવી ગયા,
તે સઘળા સુખની ઝાંખી પામ્યા.

જીવન હોવું એનો અર્થ એ જ છે કે
સિદ્ધાંતો હોવા,
એના વિના માણસનો વિકાસ શક્ય નથી,
માણસની સૌપ્રથમ ફરજ જીવન જીવવાની છે,
એટલે કે જે જીવન ભાવનામાં આવે છે
એને જીવનમાં ઉતારવાની છે.

સઘળી ગેરવ્યવસ્થા આમાંથી જન્મે છે,
મનુષ્ય પોતાને ‘માલિક’ માને છે અને
‘માનવ’ નથી માનતો એમાંથી.
કોઈપણ ‘માલિક’ જો પહેલા ‘માનવ’ બને
તો ઘણાખરા પ્રશ્નો પતી જાય !

કવિતા વાંચવા માટે નથી
આત્માની સાથે વાત કરવા માટે છે.

માણસની પોતાની કહેવાય એવી એક વસ્તુ
એની પાસે છે
એ છે એની વિચાર કરવાની સ્વતંત્રતા
જો તેનો બરોબર ઉપયોગ થાય
તો એને વાણીની સ્વતંત્રતા નિરર્થક જણાશે,
એને તરત ખબર પડશે કે,
જરૂર તો વાણીના સંયમની છે,
વાણીની સ્વતંત્રતાની નહીં !

વય સાથે વૃદ્ધાવસ્થાને સંબંધ નથી,
વૃદ્ધાવસ્થાને સંબંધ છે યુગ સાથે,
જે યુગ સાથે રહી ન શકે તે વૃદ્ધ.
જે યુગને સમજે તે યુવાન.

આ એક નવાઈની વાત નથી ?
બીજમાંથી વૃક્ષ ઉગતું માણસો હંમેશા જુએ છે,
છતાં શિશુમાંથી સમાજ થવાનો છે એમ કોઈ માનતું જ નથી.

જે મળ્યું છે એનો હીન ઉપયોગ કરવો
એના જેવી બીજી કોઈ જ અધાર્મિકતા નથી.

મૈત્રી માણસ – માણસની સમજણ માટે છે,
અત્યારે એનો ઉપયોગ અરસપરસ મળવા માટે,
સાહેબજી હાજી કરવા માટે,
બહુ તો ચા-પાણી માટે અને વધુ તો
પાછળની નિંદા માટે થાય છે.
આ ભણેલા જીભમિત્રો – ઈશ્વર એમનાથી બચાવે !

નિવાસ બાંધો ત્યારે એમાં જીવન જીવવા માટેના માળાની તૈયારી રાખજો,
એમાં ઠઠારો ઓછો કરશો તો ચાલશે,
પણ તમારો એ માળો છે એ ભાવના હણાય
તો એનો હેતુ માર્યો જશે.
પછી એ નિવાસ નહીં હોય,
શ્રીમંત ભિખારીનો મહાલય હશે.

‘પુસ્તકોને તમે ધિક્કારો છો, કાં?’
‘કોઈ ફિકર નહીં, દરેક પ્રજાએ પડતા પહેલાં એમ જ કર્યું છે.’

નબળો માણસ નીતીના ચાલુ ધોરણ સ્વીકારી લે છે,
સમર્થ માણસ પોતાની નીતીના ધોરણ જાતે ઘડે છે.

પોતાની વૃત્તિઓના અભ્યાસમાંથી માણસ જે મેળવી શકે,
એ વિશ્વની તમામ સમૃદ્ધિ કરતા વધુ મૂલ્યવાન હોય છે.

ફનાગીરીને વર્યા સિવાય સત્યની શોધ કોણ કરી શક્યું છે ?
કરુણ મૂર્ખતા તો આ છે –
સત્યની વાત કરવી અને ફનાગીરીથી ભડકીને ભાગવું.

બિલિપત્ર

આપત્તિ સહન કરવાની શક્તિ વિરલ છે,
પણ સંપત્તિ સહન કરવાની શક્તિ તો અતિવિરલ છે.
-ધૂમકેતુ

ગુજરાતી સાહિત્યના નભોમંડળમાં સૂર્યશી આભા પ્રસરાવનાર ધૂમકેતુથી આપણું સાહિત્યજગત ઉજ્જવળ છે, 500થી વધુ ટૂંકી વાર્તાઓ, પચીસથી વધુ ઐતિહાસીક – સામાજીક નવલકથાઓ, ઉપરાંત નાટ્યલેખન અને સાહિત્યના અન્ય પ્રકારોમાં પણ તેમનું નોંધપાત્ર સર્જન છે. ચિંતનકણિકાઓના તેમના ત્રણ પુસ્તકો ‘પદ્મરેણું’, ‘જલબિંદુ’ અને ‘રજકણ’ માંથી કેટલીક વિચારપ્રેરક ચિંતનકણિકાઓ અત્રે સંપાદિત કરી છે. આશા છે વાચકમિત્રોને આ પ્રેરક વાતો મમળાવવી ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “વિચારકણિકાઓ… – ધૂમકેતુ