દીકરો – વિનોદિની નીલકંઠ 13


પીતાંબરનો નાનો ભાઇ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું, જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઇને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.

પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતાં પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું: “જો બેટા કાંતિ, આ તારી બીજી બા.”

“બીજી બા” કાંતિ પોપટની પેઠે બોલ્યો. ખોળામાં બેઠેલા બચુકડા દિયર પ્રત્યે અંબાને ખૂબ વહાલ ઊપજ્યું. તેણે પ્રેમપૂર્વક કાંતિને માથે હાથ ફેરવીને કહ્યું: “બા, હું જરૂર એની બીજી બા થવા મથીશ.” અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઇ, સાસુએ વહુનું પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમ્યાન આંસુની ધારે ઊછરેલો આ કાંતિ – તેને માટે હવે સાસુ નિશ્ચિંત બની ગયાં.

સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછીપાની ન કરી, દવા કરવામાં પીતાંબરે પણ કસર ન કરી; પણ જેની આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે? પીતાંબરના લગ્ન પછી બારે મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ માબાપ-વિહોણો બ્ન્યો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને માબાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી.

પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઇ પ્રત્યે ઇર્ષા હતી. તેને થતું કે નવવધૂ અંબાનું પ્રેમાળ હ્રદયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો હતો. અને સાચે જ, વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું રહે, પછી વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે તોપણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ આ કાંતિ અંબા ઉપર પ્રેમપૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા એવી તો ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહિ. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી. અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે “મારા નમાયા બાળક ભાઇ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું?”

પછી તો વર્ષો વહી ગયાં. અંબાને પોતાને પોતાને પણ બાળકો થયાં. પરંતુ કાંતિનું સ્થાન તેના હ્રદયમાં ધ્રુવવત્ અવિચળ જ રહ્યું. લગ્નજીવનને પહેલે દિવસે ‘બીજી બા’ કહી પોતાના ખોળામાં બેસી ગયેલો તે બાળક અંબાના હ્રદયના પ્રેમસિંહાસન ઉપર આરૂઢ થયો હતો. અંબાનાં બાળકો કાંતિને ‘કાકા’ નહિ પણ ‘મોટાભાઇ’ કહી બોલાવતાં અને અંબાને પણ ‘બીજી બા’ ને નામે જ સંબોધતાં.

કાંતિને ભણવ્યો-ગણાવ્યો અને તે જોતજોતામાં એકવીસ વર્ષનો થયો, ત્યારે અંબાએ તેના લગ્નની વાત ઉપાડી. પીતાંબર કહે: “બે વર્ષ ખમી જઇએ, લગ્નનો ખર્ચ કરવા જેટલી હાલ સગવડ ક્યાં છે? કન્યાને આપવા ખોબો ભરાય એટલું નગદ સોનું જોઇશે. ઉપરાંત કપડાં-ચપડાં વગેરેનું ખર્ચ થશે તે જુદું.”

અંબા બોલી ઊઠી: “મારું પલ્લું અનામત પડ્યું છે, તે કાંતિની વહુને ચઢાવીશું”

પીતાંબર આશ્ચર્યચકિત થઇ બોલ્યો: “વાહ, તારી દેરાણીને તારું પલ્લું આપી દઇશ? – નથી આ કાંઇ દીકરાની વહુ આવવાની; આ તો મારું તારું કરતી દેરાણી ઘરમાં આવશે, જાણતી નથી?”

છેવટે અંબાની જીત થઇ. સારી કન્યા શોધવાનું પણ તેણે જ માથે લીધું.એક નહિ પણ એકવીસ કન્યાઓ તેણે જોઇ નાખી. પીતાંબર ચિઢાઇને કહેતો: “તારા કાંતિ માટે તો સ્વર્ગની કોઇ અપ્સરા ઊતરી આવશે, તો જ તારું મન માનશે.”

ઠંડી રીતે અંબા બોલી: “તે કાંતિ પણ દેવના દીકરા જેવો ક્યાં નથી?”

છેવટે કરુણા નામની કન્યા ઉપર અંબાની નજર ઠરી. તે છોકરીના રૂપરંગમાં જાણે કાંઇ મણા જ ન હતી. તેનાં આંખ, નાક અને ચામડીનો રંગ તથા દેહઘાટ ખરેખર જ અનુપમ હતાં. એ સાત ચોપડી ભણેલી પણ હતી અને ઉંમરમાં સોળ વર્ષની હતી. “દરેક રીતે મારા કાંતિને લાયકની છે.” અંબા સૌ કોઇને હરખાઇ હરખાઇને કહ્યા કરતી હતી. અંબાએ તો ખૂબ જ હોંશથી કાંતિને પરણાવ્યો ને ક્રુણાને ઘરમાં આણી.

પીતાંબરે મનમાં ગણતરી કરી હતી કે દેરાણી બની આવેલી કરુણા અંબાની પાસે સમાન હક્કની માગણી કરશે ત્યારે અંબા રૂઠ્યા વગર નહિ રહે, અને આટલાં વર્ષથી પોતીકો કરી લીધેલો કાંતિ હવે આ રૂપાળી વહુનો બની જશે તે અંબાથી કદી સહન નહિ થાય. શાંત સંસારસાગરમાં તરતા પોતાના જીવન-હોડકામાં આગનું છમકલું જોવાની અને તે જોઇ મનને એક ખૂણે રાચવાની અવળી ઇચ્છા પીતાંબરના અસંતુષ્ટ દિલમાં જાગી. માણસ પોતે જ્યારે કોઇક કારણસર હૈયાને એકાદ ઓતાડે ખૂણે પણ દુ:ખી કે અસંતુષ્ટ હોય, ત્યારે બીજાને ડામવા ને દુ:ખી જોવા તે ઇન્તેજાર બને છે; એવું જ પીતાંબરને થયું. પરંતુ વીસ વર્ષથી ઘરમાં આવેલી ગૃહિણીને પીતાંબર ઓળખી શકેલો નહિ, તેથી તેની ગણતરી ઊંધી વળી.

રૂપરાશિ સરખી સોળ વરસની સુંદરીને પોતાના પ્રાણ પ્રિય કાંતિની વહુ તરીકે ઘરમાં હરતી ફરતી દેખીને અંબાનું હૈયું તો હરખાઇ જતું. અંબાના હ્રદયમાં પ્રેમનું પાત્ર એવું તો છલકાઇ જતું હતું કે તેના સંપર્કમાં આવનાર સૌ કોઇને તે પાત્રમાંથી જેટલો જોઇએ એટલો પ્રેમ મળી શકતો. જ્યારે સૌની માફક કરુણાએ પણ તેને ‘બીજી બા’ કહી બોલાવવા માંડી, ત્યારે અંબાને ખૂબ આનંદ થયો.

અંબાને માથે સ્વર્ગ અડકવામાં માત્ર એક જ વેંત બાકી છે, એમ તેને લાગવા માંડ્યું. પણ એવું સંપૂર્ણ સુખ ભાગ્યે જ કોઇનું ટકી શકે છે; અંબાનું પણ ન ટક્યું.

બજારમાંથી ઘર ભણી આવતાં કાંતિને એક રખડતું કૂતરું કરડ્યું, ત્યારે કોઇને કલ્પના ન થઇ કે તે કૂતરું હડકાયેલું હશે અને આઠ દહાડે કૂતરાના દાંત પડવાથી ઘા રુઝાઇ ગયો. તે સાથે સૌ કોઇના મનમાંથી પણ તે વાત ભૂંસાઇ ગઇ. પરંતુ કુદરતે પોતાનું કામ કર્યું. કૂતરું કરડ્યા પછી મહિને દિવસે કાંતિને હડકવા હાલ્યો અને બે દિવસમાં જુવાનજોધ કાંતિ ખલાસ થઇ ગયો. બાળક-અવસ્થામાં જ વિધવા બનેલી કરુણા કરતાં પણ અંબાનું રુદન વધુ હૈયાફાટ હતું.

દુ:ખના દિવસો ધીમે ધીમે જાય છે, તે ન્યાયે દિવસોનું ધીમું ધીમું વહેણ વહી જતું હતું. સવાર પડતી ત્યારે અંબાનું બેચેન ઉદાસ મન રાત્રીની શાંતિ ઝંખતું અને રાત્રીનું શાંત નીરવ વાતાવરણ તેના નિદ્રાવિહીન મનને અસહ્ય લાગતું, ત્યારે તે ઉગમણી દિશા ભણી મોઢું રાખી ઊગતા દિવસની રાહ જોતી. કાંતિના મૃત્યુનો વાંક કરુણા ઉપર ઢોળી પાડવા જેવી તે મૂર્ખ કે વહેમી નહોતી, એ તો પીતાંબર પણ જાણતો હતો. છતાં કદાચ કાંતિના ગયા પછી તેની વહુ પ્રત્યે અંબાને જાણ્યેઅજાણ્યે પણ અણગમો ઉત્પન્ન થશે એવી પીતાંબરની ગણતરી હતી, તે પણ ખોટી પડી. કાંતિ ઉપરનું ત્મામ હેત અંબાએ કરુણા ઉપર કેન્દ્રિત કર્યું. ઘણી વાર સમી સાંજે કામથી પરવારી દેરાણી-જેઠાણી એકલાં પડે ત્યારે અંબા કહેતી: “મારાં સાસુએ પહેલે દિવસે જ મારે ખોળે છૈયો મૂકી દીધો. ભગવાનની કૃપાથી મેં તેને નાનેથી મોટો કર્યો, પણ ખરા વખતે હું ભાન ભૂલી. કૂતરું કરડ્યું ત્યારે તે હડકાયું હશે એ ખ્યાલ મને હૈયાફૂટીને કેમ ન આવ્યો? મેં સાચવ્યો નહિ તેથી જ મારો રતન જેવો દીકરો કાળે કૂતરાંનું રૂપ લઇ ભરખી ખધો ! અને વહુ ! મારે વાંકે આજે તારે પણ આ બાળવયે રંડાપો વેઠવાનો આવ્યો. ભગવાનને ઘેર મારાં સાસુજીનો મેળાપ થશે. ત્યારે હું શું મોઢું દેખાડીશ?” આક્રંદ કરતાં અંબા બોલ્યે જતી અને આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવતી. નવયૌવનસંપન્ન વિધવા કરુણા મૂંગે મોઢે સાંભળ્યે જતી.

કોઇ ભૂંડી પાડોશણ કદાચ એવો ઇશારો કરે કે, “વહુને નઠારે પગલે તમારો કાંતિ ગુજરી ગયો,” તો અંબા કહેતી: “અરેરે, વહુ તો મારી કંકુ-પગલાંની, પણ મારાં જ નસીબ ફૂટી ગયાં તે કાંતિ કશું ભોગવ્યા વગર ચાલતો થયો. વહુએ તો અમૃતનો પ્યાલો એના મોઢા આગળ ધર્યો, પણ કાળે ઝાપટ મારી તે ઢોળી નાખ્યો; તેથી આ કાચી કેળ જેવી છોકરીનું અસહ્ય દુ:ખ મારે દેખવાનું રહ્યું.”

અંબાનાં પોતાનાં છોકરાં મોટાં થવાં લાગ્યાં હતાં અને વળી કાંતિની નવજુવાન વિધવા ઘરમાં ફરતી હતી તેથી, અને ખાસ કરીને તો પોતાનું દિલ જ ભાંગી પડેલું હોવાથી, અંબાએ પતિ સાથેનું સહજીવન કાંતિના મૃત્યુ પછી પૂરું કર્યું હતું. સંસારસુખ ઉપરથી તેનું મન જ ઊઠી ગયું હતું. કાંતિના મૃત્યુ પછી કપડાંલત્તાં વિષે અંબા સાવ બેપરવા બની ગઇ હતી. માથું ઓળે ત્યારે પણ કદી સામે આરસી ન રાખે-માત્ર હેવાતનની નિશાનીનો ચાંદલો કપાળમાં કરે, ત્યારે એક અરધી ક્ષણ આરસીમાં કપાળનો ભાગ તે જોઇ લેતી, અને ચાંદલો તો કરવો જ પડે એટલે લાલચોળ ચાંદલો કરતાં પણ તેનું દિલ ક્ષોભ પામતું.

પીતાંબરને કાંતિનું અકાળ મૃત્યુનો આઘાત નહોતો લાગ્યો એમ તો ન જ કહીવાય; પણ તે ઝટ રુઝાઇ ગયો. અને તેથી કાંતિના મૃત્યુ પચી છ મહિને તેનું મન વિષયસુખની ઝંખના કરવા માંડ્યું, ત્યારે અંબાએ કહ્યું: “આપણે બહુ વર્ષ સુખ ભોગવ્યું, અને સંસારના મંદિરમાં પેસતાં પહેલાં જ, ઊંબરા ઉપર પગ મૂકતાં જ કાંતિ બિચારો– ”રુદનના સ્વરમાં અંબાના શબ્દો ગૂંગળાઇ ગયા. અંબાની દલીલ તથા આંસુનો જવાબ પીતાંબર પાસે ન હતો, પરંતુ તેથી કાંઇ તેનું મન વાનપ્રસ્થ બનવા તૈયાર થયું એમ તો ન જ કહેવાય. અને તેથી અંબા પ્રત્યે તે બેપરવા બન્યો ખરો, પણ તેના બદલામાં તેની નજર હવે યુવાનીને પહેલે પગથિયે ઊભેલી કરુણાની પાછળ પાછળ ભમવા લાગી.

અને વળી બે વર્ષ એમ જ વહી ગયાં. પીતાંબરનો મોટો દીકરો દશરથ હવે પરણે એવડો થયો હતો. સુરતમાં એક સારી કન્યા હતી તેને જોવા માટે અંબા તથા દશરથ સુરત જવાનાં હતાં. ઘર, રસોડું તથા બાળકોની જવાબદારી કરુણા ઉપાડી લેશે એવી ખાતરી હોવાથી અંબા નિશ્ચિંત જીવે દશરથને લઇ કન્યાને જોવા સુરત ગઇ.

આઠ દહાડે તે પાછી ફરી ત્યારે પીતાંબરને સ્ટેશન ઉપર તેડવા આવેલો દેખી પહેલાં તો અંબાના પેટમાં ફાળ પડી, કે જરૂર કાંઇ માઠું બની ગયું હશે—બીજું તો શું, પણ જરૂર કોઇ માંદું-સાજું થઇ ગયું હશે. પણ જ્યારે પીતાંબરે હસતે મોઢે સૌના ખુશીખબર આપ્યા ત્યારે અંબાનો જીવ હેઠો બેઠો; પણ તેને નવાઇ ખૂબ લાગી. મનમાં ને મનમાં એ પૂછવા લાગી: “આ સ્ટેશન ઉપર આવ્યા જ કેમ?” ઘેર બધાં બાળકો કુશળ હતાં, પણ આઠ દહાડામાં કરુણાનો તો જાણે અવતાર જ ફરી ગયેલો લાગ્યો. તે ફિક્કી, ગભરાયેલી ને દૂબળી પડી ગયેલી જણાઇ. બપોરે નવરાશની વેળાએ અંબાએ કરુણાને વાંસે હાથ ફેરવી પૂછ્યું: “કેમ, બીજી બા વગર તારી કોઇએ ભાળ ન રાખી કે શું? આમ કેમ ઢીલી પડી ગઇ?” અંબાના પ્રેમાળ શબ્દો સાંભળી કરુણા રોઇ પડી. ખૂબ ખૂબ રોઇ, પણ મોઢેથી એક શબ્દ પણ ન બોલી. અંબાના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતાની ગેરહાજરીમાં શું બન્યું હસે એ વિષે વહેમ પડ્યો, પણ તે તેણે પોતાના મનમાં વસવા ન દીધો. થોડા દિવસ એમ જ વીતી ગયા. પીતાંબર કદી નહિ ને હવે અંબાની જાણે ખુશામત કરતો નહોય એમ વર્તવા લાગ્યો; અને પીતાંબરને દેખી તે ભૂત હોય તેમ છળીને કરુણાને ભાગતી દેખી બે-દુ-ચારનો હિસાબ ગણતાં અંબા જેવી ચતુર સ્ત્રીને વાર ન લાગી. તેણે કરુણાને એકાંતે બોલાવી વાત પૂછી લીધી, અને અંબાની ગેરહાજરીમાં પીતાંબરે પોતાની ઉપર કરેલા બળાત્કારની વાત કરુણાએ અક્ષરે અક્ષર કહી દીધી. જતે દિવસે જ્યારે કરુણાને ગર્ભ રહ્યાની ખાતરી થઇ, ત્યારે પણ અંબા શાંત જ રહી. અખૂટ ઉદારતાનો સાગર હૈયે ભરીને જ અંબએ જન્મ લીધો હતો. તેને પતિ ઉપર ઘૃણા ન ઊપજી, અને પુત્રીવત્ દેરાણી ઉપરતો સહાનુભૂતિ ને અનુકંપાથી તેનું હ્રદય ભરાઇ ગયું. દરેક દુ:ખદ પરિસ્થિતિ માટે તે પોતાને જ જવાબદાર ગણતી, તેમ આ વખતે પણ તે પોતાના મનને કહેવા લાગી: “વાંક તારો જ ગણાય. તેં સંસારમાંથી જીવ ખસેડી લીધો, પણ એ બિચારા પરાણે વૈરાગ્ય શી રીતે પાળે? વળી ભલભલા ઋષિમુનિઓનું પણ મન ચળાવે એવું અપ્સરા જેવું રૂપ આ કરુણાનું છે, તે જોઇ એમનું પરાણે રોકી રાખેલું મન હાથમાં ન રહ્યું તેમાં એમનો શો દોષ?”

અંબાએ તો દશરથનું લગ્ન ઝટપટ આટોપી લીધું. તે છોકરાને તેના સસરાએ મુંબઇમાં પોતાના ધંધામાં ભેગો લઇ લીધો, એટલે પરણીને એ ગયો મુંબઇ. તે જ અરસામાં અંબાની મોટી દીકરી કાશીના પતિને ત્રણ વર્ષ માટે આફ્રિકા જવાનું થયું. ત્યાં ઠરીઠામ થયા પછી કાશીને તેડાવી લેવાનું નક્કી કરી, એને પીતાંબરને ઘેર મૂકી જમાઇ પરદેશ ગયા. કાશી ઘરમાં આવી એટલે અંબાને ખૂબ નિરાંત થઇ. તેણે અનેક રાતના ઊજાગરા કરી મનમાં એક યોજના ગોઠવી કાઢી; કરુણાની વાતનો તોડ કાઢવાની તેને સરસ યુક્તિ સૂઝી. તેણે, અલબત્ત, પીતાંબરને તથા કરુણાને તે યોજના સમજાવી.

અંબા પોતે સગર્ભા છે, એવી વાત તેણે જાણે કેટલી શરમ સાથે પાડોશમાં તેમજ સગાંસંબંધીમાં ફેલાવી દીધી. “બળ્યું, બહેન ! માયા છોડવા ઘણુંયે મથીએ, પણ આ દેહની વાસના કેડો છોડતી જ નથી. જુવાનજોધ દ્રાણી રંડાપાનું ઢગ દુ:ખ ખમતી ઘરમાં ફરે છે, કાશી બે છોકરાંની મા થઇ છે, કાલ સવારે દશરથને ઘેર છોકરાં થશે, ત્યારે પણ અમારો સંસાર સંકેલાતો જ નથી ! તેમાં એકલા પુરુષનોય કેમ વાંક કઢાય?” પ્રૌઢાવસ્થાને આરે આવેલી સ્ત્રીઓને પણ બાળકો જન્મે તેની નવાઇ નથી. તેથી અંબાની વાત સૌએ સ્વાભાવિક માની લીધી. પછી અંબાએ મુંબઇ જવાની વાત છેડી: “દશરથ બોલાવ બોલાવ કરે છે. બિચારી કરુણાય કેટલાં વર્ષથી ઘરની ચાર ભીંતો વચ્ચે ગૂંગળાઇ રહી છે. અને હું વળી પાછી બાળકના જન્મ પછી બંદાઇ જઇશ. તો હમણાં જરા સ્થળફેર કરી આવીએ.” પછી કરુણાની સગર્ભા સ્થિતિ કોઇને પણ વર્તાય તે પહેલાં અંબા કરુણાને લઇ મુંબઇ ગઇ. દશરથને ઘેર આઠેક દિવસ રહ્યા પછી તે દેરાણી-જેઠાણી કોઇ અજાણી જગ્યાએ ચાલ્યાં ગયાં.

દીકરો પરદેશ ગયો છે ને આ તે દીકરાની વહુ છે—એમ અંબાએ તે અજાણી જગાએ ચલાવ્યે રાખ્યું. કરુણાને સૌભાગ્યવતીનો વેશ તેણે પૂરેપૂરો પહેરાવી દીધો હતો. પૂરા દિવસ થતાં તે ગામની ઇસ્પિતાલમાં કરુણાએ પુત્રને જન્મ આપ્યો ! “નર્યો મારો કાંતિ જ !”અંબાએ છોકરાને જોતાંવેંત જ છાતીએ વળગાડી દીધો, દેરાણીનો બાળક જેઠાણીએ લઇ લીધો. થોડાજ દિવસમાં બાળકને લઇ બન્ને ઘેર આવ્યાં.

પડોશણોથી ઘર ભરાઇ જવા લાગ્યું:”ધાર્યા કરતાં છોકરો જરા વહેલો અવતર્યો, “અંબાએ સૌને જણાવ્યું, પડોશણો બોલી, “દીકરો નર્યો પીતાંબરદાસનો નમૂને નમૂનો છે.” “એમ?” અંબા જરીક દુ:ખી થઇને બોલી: “હશે, બાપ જેવો બેટો થાય તેમાં શી નવાઇ? બાકી મને તો આ તદ્દન મારા કાંતિ જેવો જ લાગે છે.”

પછી સૌના દેખતાં તેણે કરુણાને બોલાવી. તેના હાથમાં બાળક સોંપતાં તે બોલી: “આમ જ એક વાર મારાં સાસુએ મારો કાંતિ મને સોંપ્યો હતો. આ કિશોર તને સોંપું છું—આઘેડ વયે મારાથી તેની વેઠ થાય નહિ. અને તારુંય ચિત્ત આમાં પરોવાયેલું રહેશે. મારાથી કાંતિ ન સચવાયો, પણ તું આને જરૂર સાચવજે.”

આંખોમાં વહેતાં આંસુ લૂછી નાખતાં તેણે કરુણાનો છોકરો કરુણાના હાથમાં મૂક્યો.

– વિનોદિની નીલકંઠ

લોકમિલાપ દ્વારા પ્રકાશિત ખિસ્સાપોથી ‘ભાઈ, દીકરો અને પાડોશી’ માંથી સાભાર.

બિલિપત્ર

જે લોકો પોતે વિશ્વને બદલી શક્શે એટલું વિચારી શકવા જેટલા દીવાના હોય,
એ જ લોકો વિશ્વને બદલી શકે છે.

Original

The People Who Are Crazy Enough
To Think They Can Change
The Ones Are The Ones Who Do
– Apple’s Think Different Commercial 1997


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “દીકરો – વિનોદિની નીલકંઠ

  • Harsha Vaidya

    બહુ સરસ વાર્તા છે.વિનોદિની બહેન ની સ્ત્રી સહજ લાગણીઓ અને સંવેદના ખુબ સચોટ હોય છે.હમણાં જ થોડા સમય પહેલાં મેં એમની ” કદલીવન” વાર્તા વાંચી બહુ રસપ્રદ લાગી.

  • M.D.Gandhi, U.S.A.

    અંબા જેવી આંતરસુઝ તો બહુ ઓછી, કદાચ, ભાગ્યેજ મળશે. “કાશીનો દીકરો” ફીલમ કદાચ આ વાર્તાબીંદુમાંથી બનાવી હશે? આજના જમાનામાં તો ગર્ભપાત સામન્ય છે, પણ આજથી ૮૦-૧૦૦ વરસ પહેલાં તો આટલો સુલભ પણ નહોતો અને એટલેજ આ વાર્તા એક સુંદર સંદેશ આપી જાય છે.
    સરસ વાર્તા છે.

  • Dhiru Shah

    Beautiful story nicely articulated. It holds the reader till the end to see how story will take turn. Let us wish each mother, wife, mother-in-law and bhabhi become and reflect the qualities like “Amba”. It may solve many many social problems.

  • ashvin desai

    મારા નાત્ય ગુરુ કાન્તિ મદિયા સાહેબ્ને નરેશ પતેલ જેવા
    કલા રસિક ગુજરાતિએ એક સુન્દર – કલાત્મક ગુજરાતિ ફિલ્મ
    બનાવવા નિર્માતા તરિકે ઓફર કરેલિ , ત્યારે મારા સાહેબે આ વાર્તા પસન્દ કરિને યાદગાર ‘ કાશિનો દિકરો ‘ બનાવેલિ ,તે
    ગુજરતિમા બનેલિ શ્રેશ્થ ફિલ્મ્નો અત્યાર સુધિનો રેકોર્દ ચ્હે .
    તમે એ મુલ વાર્તા ભાવકો આગલ રજુ કરિ યોગ્ય અન્જલિ આપિ . ધન્યવાદ – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

  • સુભાષ પટેલ

    પાંત્રીસેક વર્ષ પહેલાં એક ગુજરાતી ફિલ્મ આવી હતી – “કાશીનો દિકરો.”
    તેમાં રાગિણીએ કાશી એટલે સાસુનું પાત્ર ભજ્વ્યું હતું અને રિતા ભાદુરીએ વહુનું. ફિલ્મની વાર્તા ઉપર પ્રમાણે જ હતી.

    વિનોદિની બહેને પાત્રોનું નિરુપણ સરસ રીતે કર્યું છે પણ વાર્તા પ્રમાણે બધું ખરેખર બનવું શક્ય નથી. પણ જે હમેશા બનતું રહ્યું છે અને બનતું રહેશે તે છે – તે છે “બળાત્કાર”. અને ઘણીવાર તો આવા સંજોગો એકબીજાની સહમતિથી કુકર્મો કરાવરાવે છે.

  • Lina Savdharia

    દિયર ને પોતાના જ દીકરા જેટલો પ્રેમ આપ્યો. પ્રેમાળ સ્ત્રી નાં હૃદય માં મમતા અને સહાનુભૂતિ સમાયેલ જ હોય છે .
    તેને બાળક નો જન્મ આપે તોજ મમતા જાગે તેવું નથી હોતું. બીજું ડાહપણ થી શાંત ચિત રાખી ઘર ની વાત ઘર માજ સમેટી લીધી અને સમાજ ને ખોટી તક નાં મળતા સૌ નું ભલું થયું તેજ સાચો ધ્યેય છે.
    જય શ્રી કૃષ્ણ.

  • PRIYAVADAN P. MANKAD

    Normally I do not read short stories/stories or novels for my own reasons, I read this one because I had already read it decades before. If I am competent enough to say anything on this short story, let it be sufficient to term it “EXCELLENT.”