ગોઝારાં નીર – પંકજ સોની 7


રાત્રીનો સન્નાટો છવાયેલ હતો. ‘એ…. જાગતા રહેજો..ઓ …’ ના અવાજો દૂર દૂરથી આવતા હતા. રાત્રીના કાળઝાળ અંધકારમાં તમરાંનો તીણો અવાજ પાણીના ધસમસતા વહેણમાં આછો સંભળાઈ જતો. પૂરનાં પાણી વધતાં જતાં હતાં. સૂરતમાં આવેલા વિનાશક પૂરનો આજે ત્રીજો દિવસ હતો. સમગ્ર સૂરત આજે પૂરના પ્રવાહમાં લાચાર બની વહી રહ્યું હતું.

“લ્યો, આ છેલ્લી મીણબત્તી રહી!” કહી ઝંખનાએ મીણબત્તી સળગાવી. બંને બાળકો ચણા મમરા ખાઈને મા ના પગમાં જ સૂઈ ગયા હતાં. વિશ્વાસ અગાસીમાં ઉભો ઉભો અંધકારમાં પણ પાણી સામે મીટ માંડી માથુ હલાવી રહ્યો હતો. શું કરવું? ઘણું મોડું થઈ ગયું હતું. હવે તો ક્યાંય જવાય એવું પણ નહોતું રહ્યું. પાણી વધતુ જતું હતું. આજુબાજુના નીચાં ટેનામેન્ટ વાળા બધા ઉંચા ઍપાર્ટમેન્ટમાં ઘૂસી ગયાં હતાં. માત્ર પોતે જ પોતાના બંને બાળકો અને પત્ની સાથે રહી ગયો હતો. એકલો જ… કાશ! પૂરના પાણીની કલ્પના એને આવી ગઈ હોત!

“શું વિચારો છો અંધારામાં એકલા એકલા?” એકાએક પાછળ આવી ઉભેલી પત્નીના અવાજથી એ વિચાર વમળમાંથી બહાર આવ્યો.

“કાંઈ નહિં… અમસ્તુ જ! જો ને પાણી કેવું ધસમસતું વહી રહ્યું છે… ચારે તરફ…”

“… મને પાણીથી બીક લાગે છે. એને જોતાં જ હૈયામાં ફાળ પડે છે, ચાલો કેબિનમાં બેસી વાતો કરીએ..!”

વિશ્વાસ અને ઝંખના, દસ વર્ષનું પ્રસન્ન દાંપત્ય, મધ્યમવર્ગનો પરિવાર, મધ્યમ આવક, મધ્યમ જીવનશૈલી, પણ એક બીજા પ્રત્યે ખૂબ આદર, પ્રેમ અને એવું જ ઉચ્ચ સમર્પણ એમને બીજાથી અલગ પાડી દેતું. શ્રેય અને પ્રેય … એ એમના જીવનનું જણતર અને વળતર. બંને બાળકો માતાની મમતા અને પિતાના વાત્સલ્યથી વીંટળાયેલા હતા.

“શ્રેય, બેટા તું મોટો થઈને શું બનીશ?” વિશ્વાસ ક્યારેક પૂછતો.

“હું… મોટો થઈને શ્રવણ જેવો બનીશ. તમને મારી ગાડીમાં બેસાડી પાવાગઢની જાતરા કરાવીશ. શ્રવણનું ચરિત્ર અને પાવાગઢનું, છેલ્લા પ્રવાસનું સ્મરણ એના બાળમાનસમા અંકાયેલ હતું.

“અને પ્રેય બેટા… તું?” માતા પૂછતી.

“હું તો મોટો થઈશને એટલે પપ્પાને વિમાનમાં લઈ જઈશ.”

“અને મને?”

“મમ્મી, તું તો ડરે છે ને, એટલે તને છુક છુક ગાડીમાં લઈ જઈશ, તને બારી પાસે બેસાડીશ, બસ?”

માતાપિતાના સ્વભાવને નાનકડો પ્રેય પોતાની રીતે મૂલવતો એ જોઈને ઝંખના હસી પડતી.

વિશ્વાસ સચિન ખાતે આવેલી એક કાપડની મીલમાં સુપરવાઈઝર હતો. સવારે વહેલો નીકળીને મોડો ઘેર આવતો. સચિન આમેય થોડું દૂર તો હતું જ ને ! નાનકડો પરિવાર, નાના બાળકો અને એવું જ નાનકડું ઘર! વિશ્વાસને એક બીજી ઝંખના હતી, ઘરમાં બીજો માળ બાંધવાની. પણ મોંઘવારી એને વિચલિત કરતી. “ઝંખના, લોન લઈને ઉપર એક માળ લઈ લઊં તો?” વિશ્વાસ રાત્રે પોતાનું સપનું ઝંખનાને કહેતો. “લોન…, ના, લોનનો ઉલટો અર્થ જ કહે છે ન લો…” ઝંખના પોતાની ફિલસૂફી રજૂ કરતી. એણે કેટલાયના ઘર ગિરવે મૂકાતાં અને અંતે ડૂબતા જોયા હતાં, “મને તો નાનકડું જ ઘર ગમે!” એમ કહેતી એ વિશ્વાસને વિશ્વાસમાં રાખતી.

“જુઓ, પાણી વધતુ જતું લાગે છે.” ઝંખનાએ ઘરમાં હિલોળા લેતા પાણી સામે જોઈ કહ્યું. પાણી છઠ્ઠા પગથીયાને સ્પર્શ કરી રહ્યું હતું. હવે પાણી અગાશીમાં આવેલ કેબિનથી માત્ર ચાર પગથીયા દૂર હતું. એ કેબિનમાં ચાર વ્યક્તિઓ અને જીવન જરૂરતનો થોડોક સામાન ભરેલો હતો. ઘણુંબધું નીચે હતું, ઘરમાં, માળીયાઓમાં જે હવે અજાણ્યું થઈ ગયું હતું.

ઝંખના રડી ઉઠી. “વસાવેલું બધું જ વહી ગયું, કેટલી કરકસર કરતી હતી! શાકવાળાથી માંડીને પસ્તીવાળા પણ ઝંખનાને છેતરતાં ડરતાં.

પૂરના છેલ્લા બે દિવસમાં એણે કેટલીય વાતો કરી હતી ઝંખના સાથે.

વિશ્વાસ ઝંખના પાસે આવ્યો.. એણે ઝંખનાને પડખામાં લીધી અને માથામાં હાથ ફેરવતાં બોલ્યો, ‘શું વહી ગયું છે ગાંડી તારૂ?’ તારૂ સર્વસ્વ તો તારી પાસે જ છે ને! જો, આ શ્રેય પ્રેય અને વિશ્વાસ. તને વિશ્વાસમાં વિશ્વાસ નથી? આપણે ફરીથી નવસર્જન કરીશું. તને યાદ છે આ મુંબઈના દરિયાકિનારે તે એકવાર કહ્યું હતું, ‘આ ઉછળતા સાગર સામે માનવી કેવો લાચાર છે!’… આજે સાગર તને મળવા આવ્યો છે ત્યારે હસીને સ્વાગત કર ને!’

ઝંખનાએ પરાણે મોં હસતું રાખીને વિશ્વાસ સામે જોયું અને એના ખોળામાં માથું મૂકી દીધું. વિશ્વાસ એના વાળમાં હાથ ફેરવતો રહ્યો, થાક, ચિંતા અને ઉચાતને કારણે એને ક્યારે ઝોકું આવી ગયું તેનો ખ્યાલ પણ ન રહ્યો. એકાએક પગને ઠંડો સ્પર્શ થતાં તે જાગી ગયો. અરે .. પાણી તો પગ સુધી આવી ગયું! એણે ઝંખનાને ઢંઢોળી, બાળકોને જગાડ્યાં, એકાએક જાગી ગયેલા, ભયભીત થયેલા પારેવડાં જેવા બાળકો અને ઝંખના પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયાં. ત્રણ દિવસથી પાથરેલી શેતરંજી એણે ઉઠાવી અને થોડીક ઉંચે મૂકી.

પાણીનો પ્રવાહ વધતો જતો હતો, સાથે સાથે જાગતા રહેજો… સંભાળજો… ના દૂરથી આવતા અવાજો પણ વધી રહ્યા હતાં. અંધકાર, પાણી અને લાચારીમાં વધારો કરતો હોય એમ વરસાદ વરસવો શરૂ થયો. વિશ્વાસે કેબિનમાંથી બહાર આવી. બાઘાની જેમ મદદ… મદદની બૂમ પાડવા માંડી. બાળકો પણ રડીને સાદ કરી રહ્યાં, પણ કોણ કોને મદદ કરે? અને એય પૂરની અંધારી રાત્રે? આજુબાજુના ઍપાર્ટમેન્ટમાંથી ટોર્ચનું અજવાળુ ઝબકીને બૂઝાઈ ગયું… જાણે એ જ મદદ હતી અત્યારે તો!

વિશ્વાસ, શું કરીશું?’ તૂટતા અવાજે ઝંખનાએ વિશ્વાસ સામે જોયું. એની આંખોમાં અપાર વેદના અને પારાવાર લાચારી હતી.

‘ઝંખના, થોડાક જ માણસો પોતાના મૃત્યુને જોઈ શકે છે. આપણે ય…! એની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં, કેવી લાચારી! ઘડીભર એના મનમાં વિચાર ઝબકી ગયો.. લાવ, પહેલા પાણીમાં હું જ સમર્પણ કરી દઊં. ક્ષણ માત્રમાં જ એની સામે ઝંખના અને બાળકોનો પ્રેમ તરવરી ઉઠ્યો, શું જીવનની મંઝિલ આ જ હતી? ખોડંગાતે પગલે તે ઝંખનાની નજીક આવ્યો. ઝંખનાને પડખામાં લીધી, શ્રેયને તેણે તેડી લીધો અને પ્રેયને ઝંખનાએ ઉંચકી લીધો. પાણી વધતું જતું હતું અને હવે ઢીંચણને સ્પર્શી જતું હતું. ઝંખનાને હવે એક જ ઝંખના હતી, ‘હે ઈશ્વર, બધુંય લઈને, મને ય, પણ મારા શ્રેય પ્રેય અને વિશ્વાસને જીવતા રાખજે.’ વિશ્વાસની આંખો બંધ હતી, જાણે એ શૂન્યમાં સરી ગયો હતો. પ્રાર્થના, જીવનનું અંતિમ બળ છે એમ ઝંખનાએ વાંચેલું, ક્યારેક અનુભવેલું… એણે તૂટતા અવાજે પ્રાર્થના શરૂ કરી, શ્રેય અને પ્રેયની શાળામાં ગવાતી પ્રાર્થના, ‘ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ..’

‘ના મમ્મી, હું ગાઊં છું’ પ્રેય બોલી ઉઠ્યો, એને ક્યાં ખબર હતી આજની પ્રાર્થનાની!! પાણી હવે કમર સુધી આવી ગયું હતું. ઝંખનાનાં પગ પાણીમાં સ્થિર રહેતા નહોતા, વિશ્વાસે બંને બાળકોને ખભે બેસાડી દીધા, ‘હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ….’ શ્રેય આજે પિતાના ખભા પર હતો અને કળિયુગ હસી રહ્યો હતો, કેબિનમાં સામાન આળોટી રહ્યો હતો… કક્કો બારાખડી તરી રહ્યાં હતાં.

‘પપ્પા મને હોડી બનાવતા આવડે છે, બનાવું?’ પાણીમાં તરતા કાગળોને જોતાં પ્રેય બોલી ઉઠ્યો, ‘ના બેટા, હમણાં સાચી હોડી આવશે અને આપણે ચારેય જણાં એમાં બેસી જઈશું.’ રડતા અવાજે વિશ્વાસ આંખો બંધ રાખીને બોલ્યો. થોડી જ વારમાં કદાચ બધું શૂન્ય થઈ જશે, એ એના મનોમંથનમાં ડૂબતો જતો હતો.

‘પપ્પા, હવે આપણે ડૂબી જઈશું?’ શ્રેયના અવાજે એના હાથોની પક્કડ મજબૂત બનાવી, ‘ના બેટા, હું તમને બરાબર પકડીને ઊભો છું ને!’ ઝંખના અવાચક હતી, કદાચ મૃત્યુના વિચારે જ એને મૂક બનાવી દીધી હતી. એ વિશ્વાસનો હાથ પકડીને ઊભી હતી. વરસાદ ચારેયને ભીંજવી રહ્યો હતો. બાળકોએ હવે રડવાનું શરૂ કર્યું હતું. વિશ્વાસ મૃત્યુને નજીક આવતું જોઈ રહ્યો, એણે અશ્રુ સાથે અધૂરી પ્રાર્થનાના શબ્દો શરૂ કર્યા, ‘ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ…!’ કઈ ભૂલ કરી હતી એણે? ઝંખના તો નિર્દોષ છે, શ્રેય અને પ્રેય તો ભૂલનો અર્થ પણ સમજતા નથી, તો પછી આ જળસમાધિ શા માટે? જળસમાધિ… નાનપણમાં સાંભળેલી વાર્તા? હા, વણઝારી વાવ… ગોઝારી વાવ’ જળ જીવન છે પણ ક્યારેક એ પણ તરસ્યું બની જીવ માંગે છે. આજે ગોઝારી વાવ પૂર બની મારી પાસે આવી છે પણ વાવમાં તો બે જણાં – દંપત્તિ હતાં, આજે કેમ ચાર? ઝંખના જો… ઝંખના સાંભળ, તને વણઝારી વાવની ખબર છે? એમાં તારા જેવી જ એક નિર્દોષ ઝંખના જળ બની ગઈ હતી. હા ઝંખના, મને યાદ છે, યાદ છે.’ વિશ્વાસ હવે શૂન્ય બની રહ્યો હતો – વિચારવમળમાં ડૂબી રહ્યો હતો. પરાણે એ બંને બાળકો સાથે જીવતો હતો.

ભૂલ… કઈ ભૂલ? કોની ભૂલ? વિશ્વાસ વિચારવંટોળમાં હતો. ‘પ્રેય, જો ને મમ્મી ચૂપ કેમ છે? એ બોલતી કેમ નથી?.. ઝંખના તું પાણીથી ડરતી નહીં, હું તારી પાસે છું ને… જો મને પકડી રાખ, હું આ બંને બાળકોને પકડી રાખું છું, પૂર હમણાં જ ઉતરી જશે, થોડી જ વારમાં સવાર થઈ જશે, કદાચ કોઈ આપણને જુએ અને મદદે આવી જાય… ઝંખના તું ડૂબતી નહીં, હું તને ડૂબવા નહીં દઊં. ખબર છે ને એક વાર દરિયા કિનારે મારો હાથ ખેંચીને તે દરિયાને ભગાડ્યો હતો, ઝંખના? આ તારી સાડી પાણીમાં ખેંચાઈ રહી છે એને સરખી કર ને! હું કરી દઊં? પણ મારા ખભે બંને બાળકો છે… પ્રેય પકડી રાખજે પપ્પાને – શ્રેય તું ભાઈનો હાથ પકડી રાખજે – ડરતા નહીં. હમણાં જ અજવાળું થશે એટલે આપણે કંઈક કરીશું.’

ઝંખનાએ ગળાની ઉપર આવવા મથતા પાણીમાંથી મહા મહેનતે માથુ ઉંચુ કરી વિશ્વાસ સામે જોયું, બંને બાળકો સામે જોયું અને માથું હલાવી ધીમેથી વિશ્વાસના ખભા ઉપર ઢાળી દીધું. એ નિઃશબ્દ બની ગઈ હતી… ‘વિશ્વાસ…’ ફરીથી ક્યારેય નથી બોલી શકવાની એવા ભારથી એ બોલી… શું આપણો સાથ પૂરો થયો? શ્રેય અને પ્રેય માટેના સપના આટલા ટૂંકા? વિશ્વાસ, પૂરને કોઈનાય આંસુ પલાળી ન શકે એવું એ સૂકુંભઠ્ઠ છે.’

વિશ્વાસે કચકચાવીને આંખો ભીડી દીધી, બાળકો પરના બંને હાથ અક્કડ થઈ ગયા… ના હવે છૂટા તો નથી જ પડવું. એકાએક ધસમસતા આવેલા પ્રવાહે ઝંખનાને ઉપાડી, પ્રેયને ફંગોળ્યો, વિશ્વાસ ગોથું ખાતા બચી ગયો, એણે એક હાથે કેબિનનું બારણું પકડ્યું અને શ્રેયનો હાથ બળપૂર્વક પકડી રાખ્યો. એણે ઝંખનાને પોતાનાથી દૂર જતી જોઈ, વિખરાતા જતા વાળમાં ભેરવાયેલું મંગળસૂત્ર એ નિઃસહાય બની જોઈ રહ્યો, ઝંખના ગઈ, એકાએક એને ભારવિહીન ખભાનો ખ્યાલ આવતાં તેણે જોયું.. પ્રેય ક્યાં… અરે આ તો કેવો વિનિપાત પ્રભુ, રડવામાં તો થોડો વિસામો આપ! આજે વિશ્વાસ રડી રહ્યો હતો પણ એની આંખમાંથી વેદના અને માત્ર વેદના જ ટપકતી હતી. આજે તો અશ્રુ પણ સાથે ન હતાં. શ્રેય બેટા… શ્રેય, એણે શ્રેય સામે જોયું – એ પણ શાંત – નિશ્ચેત હતો.

પૂર આજે વિનાશક બન્યું હતું, અંધકાર ઓગળી રહ્યો હતો, પાણી ઉછળતા કૂદતા સૂરતને ધમરોળી રહ્યાં હતાં, વિશ્વાસે એકવાર આકાશ સામે જોયું, ઝંખના અને બાળકો વિનાનો વિશ્વાસ – એણે આંખો બંધ કરી અને પોતાની જાતને વહેતી મૂકી દીધી. શ્રવણ વિનાનો આંધળો બાપ જીવીને પણ શું કરે?

‘વિશ્વાસ શર્માની બારણે લગાડેલ તક્તી ખીલીઓમાંથી છૂટવા મથી રહી.

– પંકજ સોની

અડાજણ, સૂરતના રહેવાસી શ્રી પંકજભાઈ એન સોનીએ અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા, ‘ગોઝારા નીર’ પાઠવી છે. સૂરતમાં આવેલા પૂરની કારમી યાદો એમાં ડોકાય છે તો એક પરિવારની પીંખાઈ જવાની ઘટના હૈયું હચમચાવી મૂકે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આશા છે તેમની કલમે આવી વધુ કૃતિઓ આપણને મળતી રહેશે. તેમને આભાર સહ શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ગોઝારાં નીર – પંકજ સોની

 • Rana Babu

  ૧૪ મી ઓગશ્ત ૨૦૦૬ એ દિવસે બપોરે જ સુરત, રાંદેર અને અડાજણ વિસ્તાર માં થી પાણ્રી ઉતર્યા હતા. અમે ભરુચ થી વી. ઍચ. પી તરફ થી ફુડ પેકેટ ને બીજો જરુરી સામાન નો ટેમ્પો લઈ ને તે દિવસે જ ગયા હતા.ઑલપાડ વાળા રસ્તે થી જ્યારે સુરત માં રાંદેર અને અડાજણ વિસ્તારે માં થઇ જ્યારે જે ભાઈને ત્યાં સોસાયટિ માં જવાનું હતુ ત્યાં પોહચતાં રસ્તા માં જે જોયું છે તે વિચારી ને, યાદ આવે છે તો શરિર માં થી ધુજારી પસાર થઈ જાય છે. હ્ર્દય કંપી ઉથે છે.લાઈટ, પાણી, અનાજ, સંપર્ક વગર ના સુરત ને શબ્દ માં વણ્રવુ અઘરુ છે.

 • prakash patel samarkha

  ન જાણ્યુ જાનકી નાથે સવારે શુ થવાનુ છે.સુરત ના પુર પછી સફાઈ કરવા ગયા હતા(સ્વાધ્યાય પરીવાર ) તે સમયે આ ગોઝારી ઘટના નજરે જોઈ. કુદરત પાસે માનવી લાચાર છે.

 • Lina Savdharia

  પ્રક્રુતિ ના નિયમો પાસે કોઇનું કાંઈ ચાલતું નથી.
  કુદરત ની ગતી ન્યારી છે.જીવન આપવું અને લેવું તે તેનાં જ હાથ માં છે.

 • dhaval soni

  આ વાર્તા નહીં પણ જાણે કોઇ સાચી ગોઝારી ઘટના હું જોઇ રહ્યો હોય એ રીતે મન હચમચી જાય છે,ને આંખમાંથી જાણે વહેવા મથતા આંસુને માંડમાડ રોકી શકાય છે.
  સુરતની એ ઘટના….. સુરતમાં એ વખતે આવેલું પુર મેં નજરો-નજર તો નથી જોયું પણ મારા મામા વર્ષોથી સુરત રહે છે અને પુર ઓસર્યા પછી તરતના ગાળામાં હું સુરત ગયો હતો એટલે એ ભયાનક પુર વિષે મેં ઘણી વાતો સાંભળી છે અને એને ફેલાવેલી તારાજી પણ જોયેલી છે…..બહુ હૃદયદ્રાવક પ્રસંગો હતા એ બધા.
  ને આ વાર્તા પણ…..

 • Harshad Dave

  નીરના પ્રવાહ સામે માનવીનું શું ચાલે? પૂરનાં પ્રવાહને રોકવાની તાકાત આ મનુષ્ય પાસે નથી, આ કથિત વૈજ્ઞાનિક યુગનું વિજ્ઞાન વામણું બની જાય છે. વાચક વાર્તાના પ્રવાહમાં પૂરમાં તણાતા વિશ્વાસ અને પરિવાર સાથે તણાઈ જાય છે. નાયકની જેમ વાચકને પણ થાય કે હમણા સવાર થશે અને કોઈ ચમત્કાર થશે અને બધા બચી જશે. મૃત્યુની તાકાત કોઈનું પણ હૈયું હચમચાવી દે. હૃદયસ્પર્શી રચના…-હદ