પરિચય –
પટ્ટશિષ્યે ગુરુજીને ફરિયાદ કરી – ‘ગુરુજી, દીક્ષા ગ્રહણ કરવા આવેલો નવો શિષ્ય ઓછી બુદ્ધિ વાળો જણાય છે. હું તેને બ્રહ્મવિદ્યા શિખવાડવા બહુ પ્રયત્ન કરું છું, પણ મીમાંસા, ભાષ્ય આદિ તેને સમજાતું જ નથી.’
ગુરુજીએ કહ્યું, ‘વત્સ, સામી વ્યક્તિ શીખી ન શકે તેમાં તેની નહીં, શિખવાડનારની ખામી છે. તું એને દ્રષ્ટાંતો, ઉદાહરણો અને કથાઓથી શિખવાડવાનું શરૂ કર. પછી એ મીમાંસાની ઉંચી કક્ષાએ પહોંચી શક્શે. બાળક માતાના હાથ સુધી ન પહોંચી શકે તો માતાએ નીચા વળવું જોઈએ.’
આપણા સંતો અને કોઠાસૂઝવાળા લોકશિક્ષકોએ પ્રજાને આ રીતે જ શિક્ષણ આપ્યું છે. પુરાણકથાઓ, આખ્યાયિકાઓ, બૌદ્ધ કે ઝેન કથાઓ, ખ્રિસ્તી ‘પૅરેબલ્સ’, સૂફી હિકાયતો જેવા સાહિત્યે લોકશિક્ષણનું ભારે મોટું કામ કર્યું છે. આ પ્રકારના સાહિત્યમાંથી સામુદાયિક શાણપણની વિશાળ સંપત્તિ સરજાઈ છે. તેમાંથી રસપ્રદ કથાઓ વીણી મહેશ દવેએ અહીં બોધકથાઓમાં વણી છે. છેક પુરાણો કે સોલોમનની કથાઓથી માંડી આધુનિક ઘટનાઓ તેમણે કથાઓમાં સમાવી છે. આ વિશાળ વ્યાપ કથાઓના વૈવિધ્યનું માપ આપે છે. સરળ શૈલીમાં લાઘવથી લખવાની તેમને ફાવટ છે. તેમણે એક પાના પર એક જ કથા આપી છે. અકેક પાને અકેક કથા આપવાનો પ્રયોગ તેમણે તેમના પુસ્તક ‘પાંદડે પાંદડે મોતી’માં કર્યો હતો. તેને આદર અને લોકચાહના મળ્યાં હતાં. એક વર્ષના ટૂંકા ગાળામાં એના ચાર મુદ્રણ થઈ ચૂક્યાં છે.
પસંદ કરેલી રમ્ય ગમ્ય કથાઓ મહેશ દવેએ જેમની તેમ મૂકી નથી. તેમણે સંક્ષેપ અને સરળીકરણથી અગમ નિગમની કથાઓને સુગમ કરી આપી છે. દરેક કથાને અંતે સારવી તારવીને સાર આપીને એમણે કથાનો મર્મ ખોલી આપ્યો છે. કથાને પગલે પગલે એમણે અજવાળાં પાથર્યાં છે.
– સુરેશ દલાલ
પ્રસ્તુત પુસ્તક ‘પાંદડે પાંદડે જ્યોતિ’, એ શ્રી મહેશ દવે દ્વારા સંક્ષેપ, સરળીકરણ અને સંકલન પામેલી અકેક પાનાની બોધપ્રદ અને સુંદર કથાઓનો સંગ્રહ છે. શ્રી મહેશ દવેની આ પુસ્તકોની શૃંખલા પાંદડે પાંદડે મોતી થી શરૂ થયેલી અને આ શૃંખલા ખૂબ પ્રચલિત થઈ વાચકો દ્વારા અનેરા પ્રેમ અને આદરને પામી છે. અક્ષરનાદ પર આ પુસ્તિકા ખૂબ લાંબા સમયથી મૂકાવા માટે તૈયાર હતી, પરંતુ અંગત મુશ્કેલીઓ અને છેલ્લા એક મહીના ઉપરાંતથી સમયની ભારે ખેંચતાણને પગલે તેની પ્રસ્તુતિમાં વિલંબ થયો. અગાઊ એ નવરાત્રી અને પછી દિવાળીના દિવસે મૂકવા માટે પ્રયત્ન કરેલો, પરંતુ ઈ-પુસ્તક સ્વરૂપ આપવામાં થયેલ વિલંબને પગલે તે છેક હવે પ્રસ્તુત થઈ રહી છે.
આ પુસ્તક અક્ષરનાદ પર મૂકવાની તક આપવા બદલ શ્રી મહેશ દવેનો ખૂબ ખૂબ આભાર. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ એવી આ કથાઓનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં આ પુસ્તક આજથી ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરીને તેને ડાઊનલોડ કરવાના પાના પર જઈ શકાશે.
–
જીજ્ઞેશ અધ્યારૂ / ગોપાલ પારેખ
સંપાદક
અક્ષરનાદ.કોમ
બોધ કથામાં વ્યક્ત થતી નાની વાતો જીવનની તાસીર વ્યક્ત કરે છે તે વ્યથાની કથા હોય કે હર્ષની, કઈક કહી જાય છે જે અન્ય રીતે કહી ન શકાય. શ્રી મહેશ દવેનો, તેમ્ની કલમનો, અનુવાદનો (કવિતામાં) પરિચય છે. ગમે છે. -હદ.