શબદની સાધના – રસિક ઝવેરી 2


શબદ જડ્યો તેને સાર મળ્યો ભૈ,
એણે દેવનો દેવ પિછાણ્યો… હો… જી!

શબ્દની આરાધના વિશે મનમાં કેટલાક વિચારો, ‘સાહિત્ય અને શબ્દ’ ના અનુસંધાનમાં વલોવાયા કરે છે. આજે એ ઊભરો ઠાલવીને હળવા થવાનું મન છે. ‘અલગારી રખડપટ્ટી’ એ પ્રવાસ અને એ લેખમાળા મારા જીવનના સુખદ અકસ્માતો છે. વિલાયતનો પ્રવાસ અને તેયે વળી બબ્બે વાર કરી શકીશ એવું કદી ધાર્યું નહોતું. પ્રવાસનું તો જાણે સમજ્યા, પણ એ રખડપટ્ટી વિશે હાથમાં કલમ પકડીને આખી કથા લખીશ એ વાતોનો તો આછો અણસાર પણ મને નહોતો. એ લેખમાળા લખાઈ ચિત્તની કોઈ મસ્ત દશામાં. પ્રકરણ લખતી વેળા આખો પ્રસંગ ફરી જીવવાનું થાય. તે તે પ્રસંગે અનુભવેલી આનંદની, વેદનાની, મોજની, સંયોગની, હતાશાની, કુતૂહલની, ક્રોધની, કેફની, લાલસાની, કરુણાની… એવી અનેક સંભારણ ચિત્તમાં હૂબહૂ ફરી વળતી. મને પોતાને આશ્ચર્ય થતું કે અરે! માનવીનું મન પોતાની સ્મરણપાટી પર કેટકેટલી કડીબદ્ધ વાતો સંઘરી શકે છે? પણ જેમ જેમ પ્રસંગો લખાતા ગયાં તેમ તેમ દિલનો ખજાનો જાણે ખાલી થતો જાય છે એવી એક અજંપાની લાગણી મનમાં આકાર લેવા લાગી. મારાં બધા પાત્રો જાણે મોં ફેરવીને રિસાઈ ગયાં હોય એવી કોઈ અજબ નિરાશા મને થઈ આવી. આ એક નવો જ અનુભવ હતો. મન મારું મૂંઝાઈ ગયું. પછી વાચકમિત્રોના આનંદપત્રો મળવા લાગ્યા અને ધીમે ધીમે સર્જનની પ્રક્રિયાનું રહસ્ય જુદી રીતે છતું થતું ગયું.

મારો પૌત્ર અજોય ખૂબ નાનો હતો ત્યારે મને બહુ હળેલો. હું એને ફરવા લઈ જાઊં, એની ભેળો નાનકો બનીને આ વયે ન છાજે એવી બાળરમતો રમું, એને ચિત્રવિચિત્ર વાર્તાઓ કહું…. અને અજોય મને વળગેલો રહે. કહે, ‘ભાઈ, તમારી સાથે રમવામાં ખૂબ મઝા પડે છે.’ અને હવે? હવે એને મારી સાથે રમવામાં ઓછામાં ઓછો રસ છે. એને એની પોઠિયાટોળી મળી ગઈ છે. ઘર છોડીને નીચે ભાઈબંધો સાથે મુક્ત હવામાં રમવામાં એને વધુ મઝા આવે છે. હું એનો એ આનંદ ઉપર રવેશમાં ઉભો ઉભો જોઊં છું ત્યારે મારુંયે ચિત્ત આનંદવિભોર થઈ ઉઠે છે. કંઈક આવી જ રીતે સફરના મારા સાથીઓ વેરાઈને વાચકો સાથે રમવા ચાલ્યા ગયા. વાચકોનો આનંદ અને એમની ભેળા રમવાનો મારા પાત્રોનો આનંદ એ મારો આનંદ બની બેઠો અને હૈયું હળવું થયું. પણ વિચાર તો મને એ આવે છે કે હજારો વાચકોએ પત્રો દ્વારા પોતાના એ આનંદાનુભવને જો વ્યક્ત ન કર્યા હોત તો? અથવા તો આનંદ અને અભિનંદનના પત્રોને બદલે જો મને ટીકાના, રોષના અને ઠપકાના સંદેશાઓ મળ્યા હોત તો શું થાત?

સાહિત્યની દુનિયામાં એક પ્રશ્ન અનેક વાર ઉલટાવીને ચર્ચાયો છે કે ‘સાહિત્યકારો શાના માટે લખે છે?’ અને એકનો એક જવાબ જુદી જુદી રીતે મળ્યો છે કે, ‘નિજાનંદ માટે!’ ખરું પૂછો તો પ્રશ્ન એ હોવો જોઈએ કે, ‘કોને માટે લખો છો?’ મારા લખાણોના અનુસંધાનમાં મને નિખાલસપણે અને સ્પષ્ટ રીતે લાગ્યું છે કે લેખક પોતાના વાચકો માટે જ લખે છે, વાચક વર્ગને રીઝવવા માટે અને વાચકો પોતાનો એ આનંદ વખાણના રૂપે લેખકને પહોંચાડે એ માટે. વાચકોનાં વખાણની લહાણ એ છે લેખકનો નશો. અને જરા ઠાવકી બોલીમા ભલે આપણે ‘નિજાનંદ’ કહીએ, પણ એ કેફની લાલચે જ લેખક સર્જનના મયખાનામાં જતો હોય છે. બીજાની વાત બીજા જાણે, પણ મારા પૂરતું મને આમ લાગે છે.

‘વાચકો અમારું લખાણ સમજી શક્તા નથી… અમારાં લખાણ સમજવા માટે અધિકાર જોઈએ… સહ્રદય ભાવકને જ અમારાં લખાણની કદર થશે.’ આવી અનેક વાત ‘મોર્ડન આર્ટ’ જેવા અટપટા કે ઉટપટાંગ સાહિત્ય વિશે સાંભળવા મળે છે. હમણાં હમણાં એવું થોકબંધ સાહિત્ય લખાય છે જેમાં મને પોતાને વાચક તરીકે બહુ ઓછી ગતાગમ પડે છે અને રસ તો મુદ્દલ નથી પડતો. એવા લેખકને મન સ્વાભાવિક રીતે જ હું સહ્રદય નથી, અથવા તો બેસમજ છું એવું ઠરે. મને નથી સમજાતાં એવા લખાણોના પારાવાર વખાણ કરનારા, એક નાનાસરખા મોર્ડન વર્તુળને હું જોઉં છું ત્યારે મનેયે લાગતું જાય છે કે કદાચ એમની સમજકોટિએ હું પહોંચ્યો નથી. પણ હવે મનમાં આ પ્રશ્ન પણ થાય છે કે, આ વર્તુળ પણ ખરેખર એ રહસ્યમયતાને પારખી સમજીને વખાણ કરે છે કે પછી જે કંઈ ન સમજાય એને ‘મૉર્ડન આર્ટ’ તરીકે વખાણવાની એક ફેશન જ થઈ ગઈ છે? અથવા તો લેખકે પોતે જાણી જોઈને જ કોઈને ન સમજાય એવું… કદાચ લેખકને પોતાને પણ ન સમજાય એવું એક ફેશન તરીકે, લખવા ખાતર જ લખી નાખ્યું છે? બીજાઓ ભ્રમમાં અટવાયા કરે એવા પરપીડનમાં જ એના સર્જકને નિજાનંદ લાગતો હશે, કે શું? જે હોય તે, પણ આ તો આડવાત થઈ.

સાહિત્યની ભાષામાં જેને ‘સર્જનની પ્રક્રિયા’ કહેવામાં આવે છે અને સાદી સરળ બોલીમાં આપણે જેને ‘લખાણની ફાવટ’ કહીએ એ વાત ચોક્કસ છે કે લેખકનું પહેલું કામ ‘રસ જાળવવાનું’ છે. એ ગમે તેવી સારી અને શાણી વાત લખતો હોય, પણ એમાં સરસતા ન હોય તો, જો એ રસભરી શૈલીમાં લખાઈ ન હોય તો એના લખાણનો હેતુ જ માર્યો જાય. જેટલો હું મારા પોતાના આનંદને માટે લખું છું એટલો જ હું મારા વાચકોના આનંદ માટે પણ લખું છું એ હકીકત છે. સાહિત્યકારો ભલે લાખ ચર્ચા કરે અને કહે કે, ‘લેખક લખે છે નિજાનં માટે!’ પણ આ નર્યું અર્ધસત્ય છે. આના અનુસંધાનમાં પછી વાચકની અભિરુચિ કે સમજને વગોવ્યા કરવાની વાત અહમહમિકાને પોષવાની એક ઢાલ કે ફેશન તરીકે ઠીક છે, પણ કોઈ પણ લેખક, ભલે એ ગમે તેટલો નિજાનંદી અને ઠાવકો હોય છતાં, પોતાના વાચકવર્ગ વિના લાંબો સમય ટકી શકે નહીં. આ હકીકતનો કોઈ ઈનકાર કરી શકે નહિં. હું જે કંઈ લખું છું તેનો વાંચનારો એક વર્ગ હોવો જોઈએ અથવા મારે મારી કલમની અને શૈલીની તાકાત વડે ઊભો કરવો જોઈએ. લેખક એ નિજાનંદી સર્જક છે એ વાત કબૂલ, પણ લેખક પોતાના દિલની વાતને વાચકના દિલ સુધી પહોંચાડનારો એક વાહક છે, એક માધ્યમ છે એ વાત પણ એટલી જ સાચી છે. એ રીતે એ એક દિલને જોડીને એક નવી દિલદાર દુનિયા ઊભી કરવાનું કામ, અને જવાબદારીએ લેખકને માથે રહ્યા છે. આ નક્કર વાસ્તવિકતાની અવગણના કરીને વાચકની સમજશક્તિને વગોવવાનો તો કશો અર્થ નથી.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે વાચકો વાહવાહ કરે એ માટે લખવાનું? ના, એવું ધ્યેય તો લપસણી ભૂમિકા બની રહે. લોકોની હલકી મનોવૃત્તિને પંપાળીને કે બહેકાવીને પણ લોકપ્રિયતા ખરીદી શકાય. લેખકને લોકપ્રિય થવાનો અધિકાર છે… સસ્તી લોકપ્રિયતા માટે લખવાનો અધિકાર નથી. લેખક પાસે વાચકો સામે મૂકવાની કોઈ નક્કર વાત, પોતાનું એક નિજ દર્શન, પોતાની અનુભવમૂડી અને પોતાની આગવી સરસતા હોવાં જ જોઈએ. એ વિના બધાં ફાંફા છે અને અહીં પેલી ભજનવાણી યાદ આવે છે –

શબદ મળ્યો એને સાર મળ્યો ભૈ!

અને શોધનારને લેખકના નિજાનંદનું રહસ્ય પણ અહીં જ સાંપડી રહે છે. જીવનના જે આનંદમાંથી સાહિત્ય જન્મવું જોઈએ એ સર્જકની પોતાની આગવી શક્તિનો આનંદ છે. એ એવી દ્રષ્ટિનો આન્ંદ છે જે દ્રષ્ટિ એને મળી છે તે બીજા પાસે નથી. પણ એ વાચકની સમજશક્તિને ઉપેક્ષાથી જોનારા એકાકી માણસભીરુનો આનંદ નથી. વેદનામાંથી, સુખમાંથી, દુઃખમાંથી, અનુભવમાંથી જે આનંદ એને સાંપડ્યો છે એમાં વાચકોને ભાગીદાર બનાવવા માટે એણે કોઈક રીતે પોતાની જાતને વ્યક્ત કરવી પડે છે; અને એવી રીતે એક સર્જક જ્યારે સમભાવપૂર્વક પોતાની જાતને વ્યક્ત કરે છે ત્યારે કાળની ટક્કર ઝીલી શકે એવું સાહિત્ય નીપજે છે. આવું સર્જન જ નિજાનંદી બની શકે. ઘણી વખત આ આનંદ કલ્પનાની સરહદ પાર કરી જાય છે ત્યારે શંકરાચાર્ય, તુલસીદાસ, કાલિદાસ, મીરાં અને નરસિંહ જેવી વાણી મળે છે.

અને શબદની આરાધના વિના આ શક્ય નથી. ખરું પૂછો તો વાચક સુધી પહોંચ્યા પહેલાં, શબ્દસાધના વખતે જ આ આનંદનો સાક્ષાત્કાર લેખકને થઈ જાય છે… જો એની આરાધના સાચી હોય તો. એ વખતે પોતાના લખાણના પહેલા વાચક તરીકે પોતાની જાતતપાસ કરવાનો લેખકનો અનિવાર્ય ધર્મ ગણાવો જોઈએ. પોતાની નિજી શૈલી ઉપસાવવા માટે લેખકે શબ્દની ઉપાસના કરવી જ પડશે. રંગમંચ પર આવતાં પહેલા અદાકારોએ ધીરજ અને શ્રમપૂર્વક કેટકેટલાં રિહર્સલ કરવાં પડે છે. લેખકને માટે પણ આવો રિયાઝ અનિવાર્ય છે… જો નિજાનંદ માટે લખતો હોય તો. પોતાના પાત્રને આત્મસાત કર્યા વિના રંગમંચ પર આવનારનો અભિનય પ્રેક્ષકોને સ્પર્શે નહિ. એની બનાવટને પણ એણે જીવવી પડે છે. એમ લેખકે પણ પોતાની કલ્પનાને કે પોતાના અનુભવને કે પોતાનાં ગપ્પાંને વારંવાર આત્મસાત કરીને જીવવાં પડે છે. અને પછી હાવભાવ અને શણગારની કલાની જેમ શરૂ થાય છે ‘શબ્દનો રિયાઝ’. પોતાના લખાણમાં વાચકને જેનો બોજ લાગે એવો એક પણ નકામો શબ્દ ન રહે માટે પાંચ… દસ… પંદર વાર લખાણને મઠારવું પડે. આવી આરાધના હોય ત્યારે જ ‘શબ્દ’ પણ જડે અને ‘સાર’ પણ જડે. આ રીતે મારા વાચકમિત્રોને સથવારે શબ્દની જે કંઈ આછી પાતળી પરખ થતી રહે છે એ માટે સૌનો હું ખૂબ ઋણી છું.

– રસિક ઝવેરી

[ શ્રી રસિક ઝવેરી ગુજરાતી પ્રવાસસાહિત્યમાં અનેરી ભાત પાડતી યાત્રા ‘અલગારી રખડપટ્ટી’ લઈને આવ્યા, આ રખડપટ્ટીની રોચક, ચોટદાર અને સરળ ભાષા તથા સહજ અનુભવોસભર પ્રવાસગ્રંથથી તેમની ગણના આગવા ગદ્યકાર તરીકે થવા માંડી. ત્યાર બાદ મુંબઈ સમાચારમાં તેમની કૉલમ ‘દિલની વાતો’ શરૂ થઈ. તે પછી દિલની વાતો ભાગ ૧ અને ૨ તથા તેમના અવસાન બાદ ભાગ ૩ પ્રસિદ્ધ થયા અને એ બધાંને ‘અલગારી રખડપટ્ટી’ જેવો જ ઉષ્માસભર આવકાર મળ્યો. દૈનિક પત્રકારત્વથી અલગ તેમની આ વાતો લોકોના હ્રદયને સ્પર્શી રહી કારણકે તેમાં સૂકા ઉપદેશોનો ભાર નહોતો કે મુદ્દાઓ બનાવવાની કોશિશ નહોતી. દિલની વાતોમાં એમણે જીવનના સ્મરણો આલેખ્યા છે. શ્રી વાડીલાલ ડગલી એ વિશે કહે છે કે ‘દિલની વાતોમાં જોયેલું, સાંભળેલું અને ક્યારેક વાંચેલું એ બધું એકઠું થાય છે. ખાંખાખોળા કરતો સંસ્કારી આત્મા જીવનને સમજવાનો પ્રયત્ન કરે ત્યારે કૃતજ્ઞતાની અને અહોભાવની લાગણી થાય છે.’

શબદની સાધના એ એક લેખકનું આંતરદર્શન છે. એ દરેક લેખકને, દરેક સર્જકને લાગુ પડે છે. સર્જનનું મુખ્ય કારણ કયું? નિજાનંદ કે બીજાનંદ? આ બાબત પર તેઓ અનોખી રીતે પ્રકાશ પાડે છે. સાહિત્યનો ખરો શબ્દ કોને કહેવાય તે તારવવાની આ મથામણ નવનીત પામે છે એવી એમની કલમની તાકાત છે. આજે પ્રસ્તુત છે દિલની વાતો – ૩ માંથી પ્રસ્તુત લેખ. શ્રી રસિક ઝવેરીની બંને રચનાઓ, ૧૯૫૯માં લખાયેલ અલગારી રખડપટ્ટી અને ૧૯૭૦ અને ૧૯૭૪માં લખાયેલ દિલની વાતો ભાગ ૧ અને ૨ અને ૩ અચૂક વસાવવા જેવી મિરાંત છે. આ ઉપરાંત તેમણે ૧૦૭૦માં ‘સફરના સંભારણા’ પણ લખ્યું છે. આ ગ્રંથો આપણી ભાષાના અમૂલ્ય રત્નો છે. ]


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “શબદની સાધના – રસિક ઝવેરી

  • Harshad Dave

    બધા લેખક બનવા ઇચ્છતા લોકો માટે ઝવેરચંદ મેઘાણીની જેમ શીઘ્રકવિ કે લેખક બનવાની ક્ષમતા સહજ નથી હોતી…(યાદ કરો ‘ચારણ કન્યા’) તે પામવા માટે પાંચ, દસ કે પંદર વાર લખાણને મઠારવું પડે અને ત્યાર પછી પણ જો મેળ ન પડે તો દ્રાક્ષને ખાટી માની જતું રહેવું જોઈએ. આ સમજ બહુ પ્રાથમિક છે અને તે આરંભે શૂરા ન હોય તેમને માટે પણ એટલીજ ઉચિત છે. પહેલા હું મારા નિજાનંદ માટે લખું અને ત્યારબાદ અન્ય સુધી મારો આનંદ પહોચાડી વાચકને સહભાગી બનાવવા માટે વધુ સતર્ક બની પ્રયત્ન કરું. બહુ ઓછા વાચકો પોતાનો અભિપ્રાય આપવા માટે કરમાં કલમ કે કમ્પ્યુટર ગ્રહણ કરે છે. સાધના સક્ષમ અને સાર્થક પ્રયત્નોથી જ સફળતા તરફ પ્રયાંણ કરે! -હદ.