થોડાંક હાઈકુ – વિજય જોશી 21


૧.

મેઘધનુષ્ય
રંગ્યું તારી યાદમાં
ચાલ દેખાડું!

૨.

વૃક્ષની નીચે
બરફનું ગાદલું
સુતું પાંદડું!

૩.

અંધારી પૃથ્વી
ચાંદલાનું સામ્રાજ્ય
સૂર્યગ્રહણ!

૪.

અંતિમ ક્રિયા
વારાણસીમાં, છેલ્લું
ગંગામાં સ્નાન!

૫.

પાંદડું નમ્યું
ઝાકળ બિંદુ પડ્યું
આસુંનું ટીપું!

૬.

શંખનો નાદ
મંદિરનો ઘોંઘાટ
હું સ્તબ્ધ શાંત!

૭.

હવાનું ઝોકું
સરોવરમાં રમે
તરંગો સાથે!

૮.

ટૂટ્યો ચહેરો
ટૂટેલા અરીસામાં
સાંધવો કોને?

૯.

મૃગજળનું
પાણી, સ્પર્ષાય નહિ
પીવાય નહિ!

૧૦.

છેલ્લું પાંદડું
લે આખરી વિદાય
ખિન્ન વૃક્ષની!

૧૧.

કોઈએ કીધું
તું નસીબમાં નથી
નસીબ મારું!

– વિજયભાઈ જોશી, અમેરીકા

જાપાનમાં હાઈકુ એક જ લીટીમાં લખાય છે (જેમ કે 古池や 蛙飛込む 水の音 ), અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ સત્તર અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. અને એટલે જ હાઈકુનું સર્જન પોતાનામાં એક પડકાર છે.

મૂળ વડોદરાના પણ ૪૦ વર્ષથી અમેરીકામાં સ્થાયી અને હવે નિવૃત્તિમય પ્રવૃત્તિશીલ જીવન અને કાવ્યમય પ્રકૃતિ સાથે આનંદ કરી રહેલા વિજયભાઈ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યરચનાઓ લખે છે. તેમની રચનાઓમાંથી આજે માણીએ થોડાક સુંદર હાઈકુઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “થોડાંક હાઈકુ – વિજય જોશી