લાલ બહાદુર શાસ્ત્રી વિશેની કેટલીક અજાણી વાતો – સિદ્ધાર્થ ભરોડિયા 8


પાકિસ્તાનમાં એક સુપ્રસિધ્ધ પત્રકાર અને વિવેચક છે ભાઈ જાવેદ ચૌધરી. જરા એમને સાંભળીએ, – “જનાબ દિલ્હીમાં એક સડક છે, જવાહરલાલ નેહરુ એવેન્યુ. આ સડક પર એક નાનુ એવું ઘર છે. આ ઘર હિન્દુસ્તાનના બીજા વજીરે આઝમ (વડાપ્રધાન) લાલ બહાદુર શાસ્ત્રીનું હતું. હકૂમતે શાસ્ત્રી સાહબના અવસાન પછી આ ઘરને મ્યૂઝિયમનો દરજ્જો આપી દીધો. આ મ્યૂઝિયમમાં શાસ્ત્રી સાહેબની અંગત વસ્તુઓ રાખવામાં આવી છે.

લાલ બહાદુર શાસ્ત્રીને નાનપણમા એક બિમારી થઈ હતી જેથી એમનો શારીરિક વિકાસ અટકી ગયો. એમની ઊંચાઈ પાંચ ફુટથી ઉપર ન જઈ શકી. અને એમનુ વજન ફક્ત ઓગણપચાસ કિલોગ્રામ જ હતું.

એમણે ઓગણીશસો એકવીસમાં રાજકારણમાં પ્રવેશ કર્યો અને ઓગણીશસો છાસઠ સુધી રાજકારણમાં રહ્યા. પિસ્તાલીસ વરસના આ રાજકીય જીવનમાં તેઓ કોંગ્રેસના ચોટીના રેહનૂમા પણ રહ્યા, તેઓ લોકસભાના મેમ્બર પણ બન્યા, તેઓ રેલવેના વજીર પણ રહ્યા, તેઓ તિજારતના (વ્યાપાર) વજીર પણ રહ્યા અને તેઓ ભારતના વજીરે આઝમ પણ બન્યા.

પણ આખી દુનિયામાં આ નાના એવા ઘર સિવાય એમની પાસે બીજી કોઇ જાયદાદ નહોતી. એમના આખા ઘરના ફર્નિચર, વાસણ, કપડાની કિમત છ હજાર અગિયાર રુપિયા હતી. એમની પાસે ફક્ત એક કોટ હતો. અને એ કોટ પણ જવાહરલાલ નહેરુએ એવા સમયે આપેલો જ્યારે તેઓ વજીરે તિજારતની હૈસિયત થી કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા હતા અને એમની પાસે કોઇ ગરમ કપડું નહોતું. એ કોટ આજે પણ આ મ્યૂઝીયમમાં લટકી રહ્યો છે.

તેઓ જ્યારે વજીરે આજમ (વડાપ્રધાન) હતા ત્યારે અંગત કામ માટે સરકારી ગાડીનો ઉપયોગ નહોતા કરતા. આથી એમને મુશ્કેલી પડતી હતી. પછી એમણે તેર હજાર રુપિયામાં ફિયેટ કાર ખરીદવાનો ફેસલો કર્યો. આ ફિયેટ કાર માટે એમણે છ હજાર પોતાની પાસેથી ચૂકવ્યા અને સાત હજાર રુપિયા પંજાબ નૅશનલ બેન્ક પાસેથી કરજે લીધા.

શાસ્ત્રી સાહબ બિસ્તર પર ખેસ (પછેડી, ધોતિ, પોતડી, વડીલોનું ઓલ ઈન વન કપડું) પાથરીને સૂતા હતા. એમના ઘરમાં ફક્ત બે બેડ (ખાટલા) અને વાંસનો છ બેઠક વાળો એક સોફા હતો. અને એમના બેડરૂમની સાઇઝ બાર બાય બાર હતી. તેઓ મૃત્યુ સુધી આ ઘરમાં રહ્યા.

લાલ બહાદુર શાસ્ત્રી નવ જૂન ઓગણીશસો ચોસઠમાં ભારતના વડાપ્રધાન બન્યા. તેમનું નિધન અગિયાર જાન્યુઆરી છાસઠમાં તાશ્કંદમાં થયું. એમના ઇંતકાલનુ કારણ બહુ અજીબ હતું. દસ જાન્યુઆરીએ એમણે અયૂબખાન સાથે તાશ્કંદની સમજૂતી કરી. આ સમજૂતીની ખબર ભારત પહોંચી તો ભારતીય મીડિયાએ એને લાલ બહાદુર શાસ્ત્રીની હાર સમજી લીધી.

લોકો ભડકી ગયા અને એમના ઘર સામે ટોળે વળી દેખાવો કરવા લાગ્યા. આ વિરોધની ખબર એમની દિકરીએ તાશ્કંદમા એમને કરી દીધી. શાસ્ત્રી સાહેબે આ ખબરને એટલી ગંભીરતાથી લઈ લીધી કે એમને હાર્ટએટેક આવ્યો. અને તેઓ તાશ્કંદમાં જ ગુજરી ગયા.

હવે જનાબ, લાલ બહાદુર શાસ્ત્રીની આ વાતથી બે વસ્તુ સાબિત થાય છે.

(૧) મુલ્ક એ સમય સુધી તરક્કી ના કરી શકે જ્યાં સુધી એની કિસ્મત એવા નેતાના હાથમાં ન હોય જે લાલ બહાદુર શાસ્ત્રી જેવી સાદગી, ખલુસ અને ઇમાનદારી બતાવી શકે. અને

(૨) અગર નેતા હસ્સાસ (પ્રબળ પ્રજાલક્ષી, મહાન) હોય અને આવામની તકલીફ દિલમાં લઈને ફરતા હોય તો એમને માટે પબ્લિક ઓપિનિયન યા વિરોધ હાર્ટઍટેક નુ કારણ બની જાય છે.”

જાવેદભાઈ ભાવુક થઈ ને છેલ્લે છેલ્લે જે બોલ્યા એનાથી શાસ્ત્રીના અકાળ નિધનના દોષનો ભાર ભારતની જનતા પર આવી જાય છે. મુરખ જનતા શાસ્ત્રીની મજબૂરી સમજી શકી નહી, બબાલ કરી અને પ્રજા પ્રેમી વડાપ્રધાનને હાર્ટ અટેક કરાવી દીધો.

બેશક શાસ્ત્રીએ આખો મામલો, તાશ્કંદ કરાર અને જનતાનો વિરોધ દિલ પર લઈ લીધા હશે. પણ એથી જરૂરી નથી કે એમને એટેક આવે જ આવે.
કેટલાક નાદાન લોકોએ એવી અટકળો પણ કરી કે કદાચ એમનુ મૃત્યુ સ્વાભાવિક હતું. કદાચ એમનો પહેરવેશ પણ એક કારણ હોય, કેમ કે ઉઝબેકીસ્તાનની ઠંડીમા ધોતી કુરતો કામ ના લાગે.

આવા નાદાનોને કોણ સમજાવે કે તેઓ દેશના વડાપ્રધાન હતા, સરકારી મહેમાન હતા, ત્યાં રોડની ફુટપાથ પર નહોતા ઉતર્યા કે કપડાને સવાલ આવે.
હકીકતમાં શાસ્ત્રી એક સાજીશનો શિકાર બની ગયા હતા. ભારત દેશ નવો નવો દેશ હતો. પોતાના પગ પર નહોતો ઊભો. મોટે ભાગે સોવિયેત સંઘ પર નિર્ભર હતો. સોવિયેત સંઘનો પણ સ્વાર્થ હતો. આ દેશ માનતો હતો કે શાસ્ત્રી જેવો મજબૂત માણસ હશે તો ભારતમાં સામ્યવાદનો ફેલાવો કરવો મુશ્કેલ બનશે. કોંગ્રેસની ભ્રષ્ટ લોબી પણ શાસ્ત્રીથી પરેશાન હતી. એમનો ભ્રષ્ટાચારને કાર્યક્રમ આગળ વધતો અટકી ગયો હતો. ભારતના સામ્યવાદી પણ શાસ્ત્રી વિરોધી હોય જ. એક વિચારનો જનમ થયો. પાકિસ્તાનનો જીતેલો પ્રદેશ પાછો નહી આપવાથી ભલે એક વોટબેંક નારાજ થઈ જાય છતાં લોકપ્રિયતાને કારણે શાસ્ત્રી વડાપ્રધાન પદ પર ટકી રહેશે. કોઇને ફાયદો નહી થાય. ના સોવિયેતને, ના કોંગ્રેસના ભ્રષ્ટ વિભાગને અને ના સામ્યવાદીઓને. બધાનુ નિશાન એક જ હતું, શાસ્ત્રીજી.

પરિણામ એ આવ્યું કે શાસ્ત્રીજીનુ મૃત્યુ થયું અને ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા. એટલા માટે નહી કે ઇન્દિરા મંત્રીમંડળમા સહુથી લાયક કે અનુભવી હતા પણ એટલા માટે કે કોંગ્રેસી નેતાઓને લાગ્યું કે એને કઠપૂતળીને જેમ નિયંત્રિત કરી શકાશે. શાસ્ત્રીજીને મજબૂર કરી જીતેલો પ્રદેશ પાકિસ્તાનને પાછો અપાવી એક વોટ બેંક ફિક્સ કરી લીધી હતી. એના જોરે ઇન્દિરાના નેતૃત્વમા ૧૯૬૭ની ચૂંટણી બહુ જ કમજોર બહુમતીથી જીતી લીધી.

સોવિયેતને ખુશ કરવા ભારતને વામપંથ બાજુ વાળી દીધું. સંસ્થાઓનુ રાષ્ટ્રિયકરણ એનો સબૂત છે. આ માત્ર મારા વિચાર હતા, ભારતના એક સામાન્ય નાગરિકના મનમાં જે શંકાઓ ઉઠતી હોય, બિલકુલ એમ જ. એની પાછળ કારણો પણ છે.

શાસ્ત્રીજીના સુપુત્ર સુનિલ શાસ્ત્રીએ કહ્યું હતું કે એમનુ નિધન અમારે માટે અને આખા દેશ માટે બહુ મોટી ઘટના હતી. એ સમયે હું માત્ર ૧૬ વરસનો હતો પણ મને યાદ છે કે એમની છાતી, પેટ અને પીઠ પર વાદળી રંગના નિશાન હતા. મારી માં અને અમને શક હતો કે એમનુ મોત શંકાસ્પદ સ્થિતીમાં થયું હતું, એમને ઝેર આપવામાં આવ્યું હતું. લાખો લોકો ને આજે પણ એમના મોત વિષે શંકા છે. સરકારે એમના મોતના બધા રહસ્યો પરથી પડદો હટાવી આ અધ્યાયને કાયમ માટે બંધ કરી દેવો જોઈએ.

એમના મૃત્યુ સબંધી જાણકારી માટે સૂચનાના અધિકાર પર એક અરજી દાખલ કરી હતી, પણ સરકારે માહિતી આપવાની ના પાડી. કહેવામા આવ્યુ કે જો દિવંગત નેતાનાં મોતની જાણકારી બહાર પડશે તો એનાથી વિદેશી સબંધોમાં નુકસાન થશે અને દેશમાં ગરબડી ફેલાઈ શકે છે.

વડાપ્રધાનના કાર્યાલયે લાલબહાદુર શાસ્ત્રીના મોત સાથે જોડાયેલા એકમાત્ર દસ્તાવેજને જાહેર કરવાની ના પાડી. એને માટે આરટીઆઈના ગુપ્તતાના નિયમનો હવાલો આપવામા આવ્યો.

એક જ દસ્તાવેજ કેમ ? વિદેશમાં વડાપ્રધાનનુ મોત થયું એનાથી ખાસી હલચલ થઈ હશે. દૂતાવાસોમા પણ ઘણી ગતિવિધિઓ થઈ હશે. આ ઘટનામા ઘણા ફોન કે ટેલીગ્રામ આવ્યા હશે. કોઇકે તો કાગળીયામાં લખ્યું હશે, ઘણા દસ્તાવેજ બન્યા હશે. પછી એક જ કેમ? કે પછી ફાડી નાખ્યા!

ખુલાસામાં એવું તે કયું રહસ્ય હતું કે જેનાથી દેશની સંપ્રભુતા અને અખંડતા તથા આંતરરાષ્ટ્રિય સબંધો પર વિપરિત પ્રભાવ પડે! શું એટલા માટે કે આ ખુલાસાથી જો દેશને સચ્ચાઈની ખબર પડશે તો કેટલાક રાજકીય પક્ષોમાં ઉથલ-પાથલ થઈ જશે કારણ કે શાસ્ત્રીજી નેહરૂ થી વધુ લોકપ્રિય હતાં!!!

– સિધ્ધાર્થ ભરોડિયા

સિદ્ધાર્થભાઈ ભરોડિયા જાગરણ જંક્શન નામની વેબસાઈટ પર હિન્દીમાં બ્લોગિંગ કરે છે. વિવિધ વિષયો અને વિચારપ્રેરક લખાણ તેમની બ્લોગપોસ્ટ્સની મુખ્ય વિશેષતાઓ છે. આ પહેલા તેમનો લૂઈ બ્રેઈલ વિશેનો લેખ અક્ષરનાદ પર આવી ચૂક્યો છે. આજે પ્રસ્તુત છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિશેનો તેમનો સમાજ પાસેથી જવાબ માંગતો ચોટદાર લેખ. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

લાલ બહાદુર શાસ્ત્રી વિષે કેટલીક વાતો છે જે આપણે જાણતા નથી અને જાણવાના પણ નથી. એ વાતો જણાવાઈ નથી કે છુપાવી દેવાઈ છે? શાસ્ત્રી વિષે આપણે આપણા ભારતીય દ્રષ્ટિકોણ થી ઘણું સાંભળ્યુ, વાંચ્યુ છે. વિદેશીઓના દ્રષ્ટિકોણથી પણ જોઈ લઈએ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “લાલ બહાદુર શાસ્ત્રી વિશેની કેટલીક અજાણી વાતો – સિદ્ધાર્થ ભરોડિયા