અનિત્ય પદાર્થોથી સભર આ જગતમાં
રહ્યો છું હું યાયાવર, કંઈ કેટલાય સમયથી
મેં એના ક્ષણિક આનંદો જાણ્યા છે.
મેઘધનુષ્ય છે સુંદર,
તોય ઝડપથી થાય વિલીન, શૂન્યમાં
આમ જ મેં જાણ્યા છે,
સુંદર, આનંદપ્રદ, સુખકારી
તમામ પદાર્થોને, વિલીન થઇ જતાં
જગતના તળથી માંડી,
શાશ્વતની ખોજ કાજે
હું ક્ષણભંગુરમાં ખોવાયો છું,
સર્વે પદાર્થો આસ્વાદી જોયા છે,
મેં, સત્યની ભાળના માર્ગે.
વિગત યુગોમાંમેં જાણ્યાં છે,
અનિત્ય જગતના સુખને-
વત્સલ માતા અને તેનાં બાળકોને,
ઉદ્દંડ ને સરળ (માનવોને),
અવનિ પર આથડતા યાચકને
સંપત્તીવાનના સંતોષને,
પ્રલોભન સભાન નારીને,
સુંદર અને કુરૂપને,
સત્તાધારી અને સામર્થ્યવાનને,
પ્રતિષ્ઠિત અને દાતા સંરક્ષકને
જુલમગાર અને દલિતને,
મુક્તિદાતા અને અત્યાચારીને,
ઐશ્વર્યવાનને,
ત્યાગી અને સન્યાસીને,
કર્મવીર અને સ્વપ્નશીલને,
ભવ્ય પોશાકથી સજ્જ
અહંકારી પાદરી અને નમ્ર ભક્તને,
કવિ, કલાકાર અને સર્જકોને,
જગતની તમામ મૂર્તિઓને મેં પૂજી છે,
ધર્મ સઘળા મેં આચર્યા,
વિધિ-અનુષ્ઠાનો મેં કેટકેટલાં કર્યાં,
દુનિયાની માયાજાળમાં હરખઘેલો થયો છું,
હાર કે જીત, યુદ્ધમાં હું લડ્યો છું,
ઉપેક્ષા કરનારા અને ઉપેક્ષિત,
શોકસંતપ્ત અને વિપત્તિથી પીડિત
સુખ-સમૃદ્ધિથી સભર,
મારા અંતરના ગુહ્ય અંતરાલમાં હું નાચ્યો છું,
કેટલાંય જન્મ અને મૃત્યુ જાણ્યાં છે મેં,
આ તમામ ક્ષણભંગુર સામ્રાજ્યોમાં,
હું ભટક્યો છું.
ક્ષણિક ઉલ્લાસમાં,
એના ધૈર્યની ધરપત સાથે,
તોય કદાપિ ના મળ્યું મને
સુખનું અનંત સામ્રાજ્ય,
એકદા,
મેં ખોજ તારી આદરી…
અનશ્વર સત્ય,
શાસ્વત સુખ,
સર્વ શાણપણનું ચરમબિંદુ-
પર્વતની ટોચ પર
તારામંડિત આકાશમાં,
મૃદુ ચંદ્રની છાંયમાં,
માનવમંદિરમાં,
વિદ્વાનોના ગ્રંથોમાં,
વાસંતી કોમળ પર્ણોમાં,
નર્તન કર્તા જળમાં,
માણસના ચહેરા પર,
બુડબુડિયા કર્તા વહેળામાં
વ્યથામાં, વેદનામાં,
આનંદમાં, ઉલ્લાસમાં,
હું પામી ન શક્યો તને,
પર્વતારોહી ઊંચાઈ સર કરવા
ચઢાણનાં પ્રત્યેક પગલે
બોજ ઘટાડતો જાય જેમ,
એમ ચડ્યો છું હું,
ક્ષણિક પદાર્થોને બાજુએ ફેંકતો
સંન્યાસી જેમ એનાં વૈભવી વસ્ત્રો
અને સુખતણા ભિક્ષાપાત્ર સાથે
તેમ હું પણ થયો છું ત્યાગી
માળી કરે નિંદામણ
વિનાશક ઘાસનું બાગમાં જેમ,
એમ જ મેં કર્યો છે હ્રાસ ‘સ્વ’નો
પવન પેઠે
હું પણ નિર્બંધ અને મુક્ત
તાજગીસભર ઉત્સુક હવા જેમ
શોધે ખીણમાં ગુપ્ત જગ્યાઓ
એમ મેં’ય મારા આત્મતણા ગુહ્ય આવાસે
આદરી ખોજ
કર્યું પરિષ્કરણ જાતનું-સર્વે પદાર્થોથી,
અતીત અને વર્તમાનની;
જેમ અચાનક પડે મૌનના ઓળા
કોલાહલમય વિશ્વ પર
એમ તત્કાળ પામ્યો હું તને
સર્વે પદાર્થો અને મુજ અંતરતમમાં,
પહાડની પગદંડી પર,
બેઠો હું શિલા પર,
ત્યારે તું હતો મારી પાસે અને મારામાં
સર્વે પદાર્થો હતા તારામાં અને મારામાં
સુખી માનવ એ જ કે જે પામે તને ને મને
સર્વે પદાર્થોમાં
ઢળતાં રવિકિરણમાં
વાસંતી વૃક્ષની સુકુમાર શાખા થાકી,
મેં જોયો છે તને
ઝગમગતા તારકોમાં,
મેં જોયો છે તને,
શ્યામલ પર્વતમાં સમાતાં,
દ્રુતગમી પક્ષીમાં
મેં જોયો છે તને
તારી આભાએ જગાવી છે આભા મુજમાં,
મેં મેળવ્યા છે, ઓ વિશ્વ,
સત્ય, અનંત સુખ,
એમ જ ઈચ્છું અર્પવા,
આવો આપણે વિચારીએ સાથે મળીને,
ચિંતન કરીએ સાથે, સાથે જ સુખી થઈએ,
તર્ક-વિતર્ક કરીએ સાથે
સાથે મળીને સુખ લાવીએ,
જેમ મેં આસ્વાદ્યા છે
અને પૂર્ણપણે જાણ્યા છે શોક અને પીડા
આ નશ્વર જગતનાં
ઉલ્લાસ ને આનંદ,
તેમ જ મેં જાણ્યો છે
અથાક પરિશ્રમ તમારો,
પતંગિયાનો ચળકાટ ઊડી જાય દિવસભરમાં,
એમ જ ઓ વિશ્વ, છે તારો આનંદ અને
સુખ શિશુની વેદના જેવા,
હે વિશ્વ, તારાં દુઃખ અને દર્દ,
ઘણાય સુખ કે જે દોરી જાય શોક ભણી,
ઘણાય શોક કે જે દોરી જાય ઘેરા શોક ભણી,
અનવરત સંઘર્ષ અને લગાતાર નાની ફતેહ,
જેમ નાજુક કાળી સહે દીર્ઘકાલીન કષ્ટ,
-ને પછી
ખીલી ઊઠે અને હવામાં ફેલાવે રુચિર મહેંક,
-તોય
કરમાઈ જાય સૂર્યાસ્ત પહેલા.
એવું જ તારા સંઘર્ષ, તારી પ્રાપ્તિઓ અને
અને તારા મૃત્યુ વિષે-
એક ચક્ર, વ્યથા અને આનંદનું,
જન્મ અને મૃત્યુનું,
શાશ્વત સુખની શોધમાં
જેમ જાતને ખોઈ મેં અનિત્ય પદાર્થોમાં,
એમ જ, હે વિશ્વ, તું ફસાયેલ છે ક્ષણિકમાં,
જગ અને કર એકત્ર તારી શક્તિ,
ચોપાસ જો અને કર વિચાર,
પેલું અવિનાશી સુખ-
સુખ, જે એક માત્ર સત્ય છે,
સુખ, જે અંત છે સમગ્ર શોધનો,
સુખ, જે અંત છે અનેક પ્રશ્નો
અને શંકા તણો,
સુખ, જે અપાવે મોક્ષ જન્મ ને મરણથી,
સુખ, જે છે એક માત્ર કાયદો,
સુખ, જે છે એક માત્ર આશ્રય,
સુખ, જે સ્રોત સહુ પદાર્થોનો,
સુખ, જે અર્પે શાશ્વત આરામ,
એ સાચું સુખ, જે છે બ્રહ્મજ્ઞાન-
તુજમાં જ છે રહેલું.
મેં મેળવી છે શક્તિ જેમ
તેમ જ આપીશ હું
આ સુખ-
પામ્યો હું છું ઉદ્દામ વિરક્તિ જેમ
તેમ જ આપીશ હું
આ સુખ
જીત્યાં છે મેં જન્મ-મરણ જેમ તેમ જ આપીશ હું
આ સુખ,
ફગાવી દે દૂર, ઓ વિશ્વ, તારા આડંબર
‘ને અનુસાર મને
કારણ, હું જાણું છું
કોલાહલ અને વ્યથા પરનો પથ.
છે કેવળ,
એક સત્ય,
એક કાયદો,
એક આશ્રય,
એક પથદર્શક,
આ અનંત સુખના માર્ગે
ઉત્તિષ્ઠ, જાગ્રત,
વિચાર અને એકત્ર કર તવ શક્તિને!
– જે. કૃષ્ણમૂર્તિ, અનુવાદ : હર્ષદ દવે / ભરત કાપડીઆ
જે. કૃષ્ણમૂર્તિના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. થિયોસોફીકલ સોસાયટીના એન્ની બેસન્ટે કૃષ્ણમૂર્તિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો, જેમના મતે શ્રી કૃણમૂર્તિ વિશ્વ સમક્ષ સાચા જ્ઞાનનો પ્રચાર કરનાર વાહક બનવાના હતાં. વિશ્વભરમાં કૃષ્ણમૂર્તિ એક મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર પામ્યા છે. તેમણે કોઈ પણ ધર્મ કે ફિલસૂફીને સવિસ્તાર સમજાવવાનો યત્ન નથી કર્યો, પરંતુ આપણને રોજીંદા જીવનમાં લાગૂ પડતી વાતો, હિંસા અને ભ્રષ્ટાચારના વ્યાપ સાથે જીવન જીવવા આડે આવતા વિઘ્નો અંગે તેમણે વાતો કરી. માનવજાતને ડર, ગુસ્સો અને દુઃખોથી મુક્ત થઈને જીવવાની જરૂરત પર ભાર મૂક્યો. કોઈ પણ ધર્મ કે રાજકીય ક્ષેત્રની વાત ન કરતા તેમણે એવા તત્વોને માણસજાતને વિભાજીત કરતા પરિબળો ગણાવ્યા.
બહુ ઓછા વાચકો જે. કૃષ્ણમૂર્તિથી કે તેમના બોધથી પરિચિત હશે અને તેથી પણ ઓછા લોકોને એ ખબર હશે કે તેમણે એક સમયે કાવ્યો પણ લખ્યા હતાં. આજે તેમનું એક કાવ્ય – શાશ્વતીનું – સમજીએ. આ કાવ્યનો અનુવાદ શ્રી હર્ષદ દવે અને શ્રી ભરત કાપડીઆએ કર્યો છે જે ‘નવનીત સમર્પણ’ એપ્રિલ ૧૯૮૯ માં પ્રકાશિત થયો હતો.
મહોદયો:
મારી હાર્દિક વિનંતી છે કે કૃષ્ણમૂર્તિના વધારે ઉંડા અભ્યાસમાં ઉતરો તે પહેલાં રાધા સ્લોસે લખેલ તેમના જીવનના સંસ્મરણો વાંચો. રાધાનું બચપણ કૃષ્ણમૂર્તિની છાયામાં ગુજરેલ. તેઓ કૃષ્ણમૂર્તિના સેક્રેટરી રાજગોપાલનાં પુત્રી થાય. તેઓએ લખેલ હહીકાતોનો કૃષ્ણમૂર્તિનાં ફાઉન્ડેશને પણ ઇનકાર નથી કર્યો.
તમો જો સત્યનાં પુજારી હશો તો મારો આટલો પ્રતિભાવ પુરતો યોગ્ય રહેશે. સત્યની તમારી શોધમાં તમોને સફળતા મળે તેવી શુભેચ્છા.
કેશવ