સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મહેન્દ્ર મેઘાણી


સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (ઈ-પુસ્તક) 3

રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તે જાતનું શિક્ષણ પ્રજાને આપવાનું કામ આપણેકરવાનું છે. તેમાં સૌથી પહેલી વાત એ છે કે આપણે લોકશાહી સમાજ રચવાનો છે. આ લોકશાહી આપણા દેશ માટેછ-સાત દાયકા જેટલી જ નવી વાત છે. આપણે ત્યાં એ આવી છે બ્રિટન અને અમેરીકામાંથી. ત્યાંની પ્રજાને એનો સૈકાઓનો અનુભવ છે. ત્યાંનાં શાણાં નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો જગત સામે મૂકેલા છે. તેમાંથી સાવ થોડાક વિચારોને સંકલીત કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયેલ ટચૂકડી પુસ્તિકામાં મૂકાયા છે. આ ઈ-પુસ્તક આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


પ્રેરક કથાઓ (વાંચનયાત્રાનો પ્રસાદ) – ‌સંકલિત 5

આજે પ્રસ્તુત છે શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત ‘વાંચનયાત્રાનો પ્રસાદ’માંથી કેટલાક નાનકડા પરંતુ પ્રેરણાદાયક પ્રસંગો. આ પ્રસંગોમાં સમાવિષ્ટ છે વિનોબા ભાવેની સાથે થયેલ એક હ્રદયસ્પર્શી ઘટના અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ વિશેના મણિભાઈ પટેલના કેટલાક પ્રેરણાદાયક અનુભવો. ક્યારેક નાનકડી વાત હ્રદય પર ચોટ કરતી હોય છે, એ જ આશા સાથે આજના આ ટૂંકા પ્રસંગો પ્રસ્તુત છે.


પ્રસંગમોતીઓ… – સંકલિત 6

એક પાનાનું કે એથીય નાનકડું લખાણ, નાનકડો ચોટદાર અને મર્મસભર એક પ્રસંગ પણ વિચારોના વંટોળને સાચી દિશા આપવા સક્ષમ છે. નાનકડો દાખલો કે અનુભવ કે એક સુવાક્ય પણ જીવનમાં મોટી અસરો ઉપજાવી શકે. આજે આવા જ ત્રણેક પ્રસંગો અહીં ટાંક્યા છે અને અંતે બિલિપત્રમાં એક અનોખી પ્રાર્થના. આશા છે કે આજનું આ સંમિશ્રણ સૌને ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગો અને કાવ્ય શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત અનોખી પુસ્તિકા ‘રોજેરોજની વાચનયાત્રા’માંથી સાભાર લીધું છે.


પ્રસંગમાળાના મોતી – સંકલિત 3

‘વાંચનયાત્રાનો પ્રસાદ’ માંથી સાભાર લીધેલા પ્રસંગમાળાના ત્રણ મોતીરૂપ પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. સંપાદન શ્રી. મહેન્દ્ર મેઘાણીનું છે. શ્રી મનુભાઇ પંચોળી ‘દર્શક’, શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ તથા શ્રી બબલભાઇ મહેતા દ્વારા આલેખાયેલા ત્રણ સુંદર તથા પ્રેરણાદાયક પ્રસંગોથી આ પ્રસંગમાળા શોભી રહી છે.


ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ (પુસ્તક ડાઉનલોડ) 2

સ્વામી આનંદના પુસ્તક ‘ભારેમૂવાંવના ભેરુ’ ને ખિસ્સાપોથી સ્વરૂપે શ્રી મહેન્દ્ર મેઘાણીએ પ્રસ્તુત કરેલું. એ ખિસ્સાપોથીને આજે ઓનલાઈન ઇ-પુસ્તક સ્વરૂપે વહેંચતા આનંદ થાય છે. પ્રસ્તુત છે સ્વામી આનંદ વિશે શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ દલાલની વાત. પુસ્તક ડાઊનલોડ વિભાગમાં સૌ વાંચકમિત્રો ડાઊનલોડ કરી શકે તે માટે ઉપલબ્ધ છે. આપ એ કડી પર રાઈટ ક્લિક કરીને Save As… પસંદ કરી તમારા કોમ્પ્યુટરમાં નિરાંતે વાંચન માટે પણ સંગ્રહી શક્શો. પુસ્તક વિશે આપના પ્રતિભાવો આવકાર્ય છે.


રઢિયાળી રાતના ૭૦ રાસ-ગરબા (ઈ પુસ્તક ડાઊનલોડ) 8

75મી મેઘાણી જયંતિના અવસરે 1972માં ‘રઢિયાળી રાતના રાસ’ નામની 35 લોકગીતોની પુસ્તિકા બહાર પડી, તેની હજારો નકલોનો ફેલાવો થયો. એ પુસ્તિકાનું આ ઈ-પુનર્મુદ્રણ કરવાની તક અક્ષરનાદને મળી તે બદલ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને યશ આપવો રહ્યો. તો એને ટાઈપ કરીને મોકલવાની સઘળી મહેનત વાપીના ગોપાલભાઈ પારેખની એટલે આ પ્રક્રિયાના ધારક તેઓ છે. તો અક્ષરનાદના સંપાદક અને મારા પત્નિ પ્રતિભા અધ્યારૂને એમાં સુધારા – વધારા અને ગોઠવણી તથા ઈ પુસ્તક સ્વરૂપ આપવા બદલ અભિનંદન પાઠવવા કદાચ પોતાને થાબડ્યા જેવું થાય. આ રઢિયાળી રાતના રાસ સાથે અન્ય કેટલાક પ્રચલિત ગરબાઓ, વિશ્વંભરી સ્તુતિ અને જય આદ્યાશક્તિ આરતી સાથે કુલ ૭૦ નો આંકડો પહોંચ્યો છે. આશા છે ભાવકોને આ ગરબા – રાસનું ઈ-પુસ્તક ગમશે.


આઝાદી કી મશાલ – મહેન્દ્ર મેઘાણી (પુસ્તક ડાઉનલોડ) 1

આઝાદી કી મશાલ પુસ્તક દેશની સ્થિતિ વિશે વર્ષો પહેલા સંકલિત પરંતુ આજના સમયમાં પણ પ્રસ્તુત એવો ખજાનો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતમાં લડવૈયાઓ અને આઝાદી પછી દેશના ઘડવૈયાઓ દ્વારા આપણને અપાયેલા સત્વશીલ મૂલ્યોનું જતન કરી તેને વિકસાવવાનું કામ બીજા અગણિત નાના કર્મવીરો કરતા રહે નહીં, તો તે મૂલ્યો ધૂળમાં રગદોળાઇ જઇ શકે. પ્રજાસત્તાકની સ્થાપના પછીનાં સાઠેક વરસોમાં દેશમાં દુષ્ટ બળોની એવી રમણા અવરનવાર ચાલતી રહી છે. આવા કાળમાં પ્રજાને પોતાનાં જીવનમૂલ્યોનું સ્મરણકરાવનારાં કેટલાંક હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક લખાણો એકત્ર કરીને આ પુસ્તિકામાં રજૂ કરેલાં છે. આ પુસ્તક અનેક મહાપુરૂષોના આચાર અને વિચારના મંથનનો પ્રસંગોનો પરિપાક છે તો સાથે સાથે આપણા માટે એક અનેરા વિચારમંથનની શરૂઆત છે. ઇ-પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કરતાં અનન્ય ગૌરવની લાગણી થાય એવી આ પુસ્તિકા વાંચવા લાયક – વહેંચવા લાયક છે.


શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાથે એક મુલાકાત – જીજ્ઞેશ અધ્યારૂ 10

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના નામમાં જ તેમનો આખોય પરિચય આવી જાય છે. કોઈ ગુજરાતી એવો મળે જે મેઘાણીના પ્રભાવથી અછૂતો રહ્યો હોય? ભાવનગરમાં આવેલા લોકમિલાપ ટ્રસ્ટ વિશે ઘણુંય સાંભળેલું, વાંચેલું, પરંતુ આજ સુધી જવાનો અવસર મળ્યો નહોતો. પણ અચાનક એક રવિવારે જાણે પૂર્વનિર્ધારીત હોય તેમ તેમને મળવા જવાનો ઉમળકો થયો, ફોન લગાડ્યો અને તેમણે જ સામે રીસીવ કર્યો. મેં મારો પરિચય તેમને આપ્યો, અને મળવા આવવા માટે અનુમતિ માંગી. “ચોક્કસ આવો, મને ગમશે” એવી તેમની વાત મારી તેમને મળવાની ઈચ્છા વધારતી ગઈ. મેં કહ્યું, “સાહેબ, હું તો આવું જ છું.” સાડા દસે મહુવાથી નીકળ્યો, અને સંજોગોવશાત ભાવનગર પહોંચ્યો ત્યારે દોઢ વાગ્યો હતો. સંસ્કારમંડળ ઉતરીને એક રીક્ષાવાળાને પૂછ્યું, “લોકમિલાપ …..” એણે રસ્તો બતાવ્યો અને ….


તરાપાથી ૪૩૦૦ માઈલની દરિયાઈ ‘કોન-ટિકિ’ સફર – જીજ્ઞેશ અધ્યારૂ 9

પંદર સૈકાઓ પહેલા દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ વાપરતા તેવા વાંસના તરાપા પર ચઢીને વીસમી સદીના મધ્યમાં પેસિફિક મહાસાગરનો ૪,૩૦૦ માઈલનો પટ ઓળંગનારા છ યુરોપી જવાંમર્દોની આ આપવીતી આપણા જમાનાની શ્રેષ્ઠ સાહસકથા બની રહી છે. પંદરથી વધુ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે તો લાખો નકલો વેચાઈ ગઈ છે. વાત મૂળ તો લગનની છે. લેખક નોર્વેના વતની છે અને દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવેલા ટાપુઓમાં વસતા લોકોના પૂર્વજો ક્યાંથી ત્યાં પહોંચ્યા એ વિશે મતમતાંતરો હતાં, શ્રી હાયરડાલે સાબિત કરવાનો યત્ન કર્યો કે તેઓ દક્ષિણ અમેરીકાથી જ ત્યાં જઈને વસ્યા હોવા જોઈએ. જો કે તેમના આ દાવાને સજ્જડ ફગાવી દેવાયો. દક્ષિણ અમેરીકાથી મધ્ય પેસિફિકનો આ ૪૩૦૦ માઈલનો પંથ ૧૫૦૦ વર્ષ પહેલા કઈ રીતે પાર કરી શકાય એ પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે વાંસના તરાપા પર આ આખોય પ્રવાસ ખેડ્યો. પ્રસ્તુત છે આ પુસ્તક વિશે કેટલીક વાત અને થોડાક અંશો.

raft in museum

દાખલો કેમ ગણાય? – નિકોલાઈ નોસોવ (અનુ. મહેન્દ્ર મેઘાણી) 12

પશ્ચિમના કેટલાક દેશોમાં બાળકો અને કિશોરો, યુવાનો માટે અપરંપાર વિવિધતા ધરાવતા સાહિત્યનો ખજાનો પડેલો છે, ને સમયની સાથે સમૃધ્ધ થતો જાય છે. મૂળ રશિયન લેખક રોઝ પ્રોકોફીવાની કૃતિ “School boys” ના નિકોલાઈ નોસોવના અંગ્રેજી અનુવાદ પરથી શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલા અનુવાદ “ભાઈબંધ” માંથી લેવામાં આવ્યો છે. રશિયન કિશોર સાહિત્યની આ કૃતિ ખૂબ સુંદર, બાળ માનસને સમજતી સમજાવતી આનંદ કરાવતી વાંચતા વાંચતા ક્યારે પૂરી થઈ ગઈ, ખબર જ ન પડી. શાળાના દિવસો અચૂક યાદ કરાવતી, એ સફર પર લઈ જતી અનેરી વાત છે. તોતો ચાન પછી આ બીજી પુસ્તિકા છે જે આ ક્ષેત્રમાં નોંધપાત્ર છે, જો કે “ભાઈબંધ” એટલી પ્રચલિત નથી. રશિયન નિશાળીયાઓની આ વાતમાં આપણા કિશોરોને પોતાનું પ્રતિબિઁબ અચૂક દેખાશે. લોકમિલાપ ટ્રસ્ટનું પ્રકાશન એવું આ પુસ્તક 160 પાનાનું છે અને 2000ની સાલના પુનર્મુદ્રણ વખતે તેની કિઁમત 30 રૂપિયા હતી. ટૂંક સમયમાં અક્ષરનાદ પર આ પુસ્તકની સમીક્ષા અને પુસ્તક પરિચય પણ વાંચી શક્શો.


We shall overcome થી હમ હોંગે કામિયાબ – મહેન્દ્ર મેઘાણી 2

ભારતમાં આ ગીત પહેલવહેલું ગવાયું ૧૯૬૩ માં, કલકત્તાના પાર્ક સરકસ મેદાનમાં. એક અમેરિકન લોકગાયકે એ ગીત ગાયું અને ૨૦,૦૦૦ ની મેદનીએ તે સમૂહમાં ઝીલ્યું. પછી તો ગીતને પાંખો ફૂટી અને તે દેશભરમાં ફેલાઈ ગયું. એ ગીતના ગાનાર હતા પીટર સીગર. આજે પ્રસ્તુત છે એ પ્રેરણાદાયિ વ્યક્તિત્વ વિશે થોડીક ઓછી જાણીતી માહિતિ અને અંતે ગીત તો ખરું જ.


મા કેમ મરી ગઈ? – કોઈચી એગુચી (14 વર્ષનો છોકરો) 12

વાત થોડીક જૂની છે, જાપાનના પહાડોની ગોદમાં યામામોટો નામનું નાનકડું ગામડું વસેલું છે, બીજા વિશ્વયુધ્ધ પછી આ શાળામાં ફરજીયાત અભ્યાસ શરૂ કરાયો છે, પણ શાળામાં છાજલી વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈને ઉભી છે, કોઈ સાધનો નથી, નકશા નથી, સંદર્ભગ્રંથો નથી, પુસ્તકો નથી, દરેક વિષયનું એક પાઠ્યપુસ્તક, પાટી અને ચોક છે. પણ શાળાની સૌથી મોટી મૂડી તેના વિદ્યાવ્યસની વિદ્યાર્થીઓ અને લગની વાળા શિક્ષકો છે. પહાડના બાળકોની આ માનીતી શાળા છે, અને તેના માટે એ બધી મુસીબતો વેઠે છે. સેઈક્યો મુચાકુ નામના ૨૪ વર્ષના શિક્ષક પોતાના દેશની – ગામની હાલત એ નિશાળીયાઓ સમજે, સુધારવાની તમન્ના જાગે એ માટે તે મહેનત કરે છે. પોતાના જીવનના કોયડાઓ, મુસીબતો અને સમાજ માટેના ખ્યાલો વિશે જાણવા તે વિદ્યાર્થીઓ પાસે નિબંધ લખાવે છે, છોકરાઓએ ગામડાનું જીવન જેવું જોયું, એવું આલેખ્યું. આ લખાણોમાં એ બાળકોએ એમના જીવનનું, આસપાસના વાતાવરણનું હૂબહુ પ્રતિબિંબ પાડ્યું છે, જાપાનમાં એક સમયે સહુથી વધુ વેચાતી, વંચાતી અને ચર્ચાતી આ નાનકડી પુસ્તિકા એટલી પ્રખ્યાત થઈ કે જાપાનના શિક્ષણ પ્રધાને એ ગામ સુધીની સફર ખેડીને એ ગામઠી શાળાના શિક્ષકો – બાળકોને શાબાશી આપી. આ ચોપડી પરથી ફિલ્મ પણ ઉતરી, “ઈકોઝ ફ્રોમ એ માઊન્ટેન સ્કૂલ”. કોઈચી એગુચી નામના ૧૪ વર્ષના એક કિશોરની વાત મને ખૂબ સ્પર્શી ગઈ, આજે પ્રસ્તુત છે એ કિશોરના મનોભાવો.