આઝાદી કી મશાલ – મહેન્દ્ર મેઘાણી (પુસ્તક ડાઉનલોડ) 1


(આઝાદી કી મશાલ પુસ્તક દેશની સ્થિતિ વિશે વર્ષો પહેલા સંકલિત પરંતુ આજના સમયમાં પણ પ્રસ્તુત એવો ખજાનો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતમાં લડવૈયાઓ અને આઝાદી પછી દેશના ઘડવૈયાઓ દ્વારા આપણને અપાયેલા સત્વશીલ મૂલ્યોનું જતન કરી તેને વિકસાવવાનું કામ બીજા અગણિત નાના કર્મવીરો કરતા રહે નહીં, તો તે મૂલ્યો ધૂળમાં રગદોળાઇ જઇ શકે. એક બાજુ પ્રજાસત્તાકની સ્થાપના થઇ રહી હતી ત્યારે બીજી તરફ ભારતની માનવતાને લજવે તેવા ગોઝારા બનાવો પણ બની રહ્યા હતા. તે પછીનાં સાઠેક વરસોમાં દેશ દુષ્ટ બળોની એવી રમણા અવરનવાર ચાલતી રહી છે. આવા કાળમાં પ્રજાને પોતાનાં જીવનમૂલ્યોનું સ્મરણકરાવનારાં કેટલાંક હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક લખાણો એકત્ર કરીને આ પુસ્તિકામાં રજૂ કરેલાં છે. આ પુસ્તક અનેક મહાપુરૂષોના આચાર અને વિચારના મંથનનો પ્રસંગોનો પરિપાક છે તો સાથે સાથે આપણા માટે એક અનેરા વિચારમંથનની શરૂઆત છે. ઇ-પુસ્તક સ્વરૂપે અક્ષરનાદ પર પ્રસ્તુત કરતાં અનન્ય ગૌરવની લાગણી થાય એવી આ પુસ્તિકા વાંચવા લાયક – વહેંચવા લાયક છે.)

સોદાબાજી નહીં, નહીં ને નહીં જ – પ્રભાકર ખમાર

ચૂંટણી વખતે રાજકીય પક્ષો ઉદ્યોગપતિઓ પાસેથી ચિક્કાર નાણાં પડાવે છે. અને ઉદ્યોગપતિઓ ચૂંટણીમાં આપેલાં નાણાંનું વળતર મેળવી લેતા જ હોય છે. ચૂંટણી પછી એ બોજ છેવટે તો પ્રજા ઉપર જ પડે છે. આજે આવી પરિસ્થિતિ પ્રવર્તે છે ત્યારે, ગાંધીયુગના નેતાઓની પ્રતિષ્ઠા કેવી ઊંચી હતી !

ચૂંટણીના ખર્ચ માટે કે લોકોપયોગી કામો માટે સરદાર વલ્લભભાઇ નાણાં ઉઘરાવતા ત્યારે પ્રજા ઉદાર હાથે એમની થેલી છલકાવી દેતી. તેમાં અંગત રીતે સરદારનો ભાવ, પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા કામ કરતી હતી. તેઓ મૂડીવાદીઓને શરણે ગયા નહોતા કે એમના અહેસાન નીચે કદી આવ્યા નહોતા. અંગત સંબંધ રાખવા છતાં એમની શેહશરમમાં કદી ખેંચાયા નહોતા.

1935માં પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી વખતે રાજેન્દ્ર પ્રસાદે સરદારને ફરિયાદ કરી કે ચૂંટણી ફંડ માટે જે.આર.ડી.તાતા કેટલીક સોદાબાજી કરવા માગે છે. સરદારે તાતને મળવા બોલાવ્યા. તાતાએ માગણી કરી કે, ઉમેદવારો નક્કી કરવાની સમિતિમાં મારો એક માણસ મૂકો તો નાણાં આપું. સરદારે એનો ઇનકાર કર્યો અને પૂછ્યું, “તમે તમારી કંપનીમાં અમારા કોઇ માણસને મેનેજમેન્ટ કમિટીમાં મૂકશો ખરા ?” તાતા એ સાંભળી, સહી કરેલો કોરો ચેક સરદારના હાથમાં મૂકી સસ્મિત વદને વિદાય થઇ ગયા.

એકવાર દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદારના સેક્રેટરી શાંતિલાલ હ. શાહને મળવા આવ્ય. તેમણે કહ્યું કે “દાલમિયા શેઠ ચૂંટણી ફંડ માટે બે લાખ રૂપિયા આપવા માગે છે. સરદાર એ સ્વીકારશે ખરા?” શાંતિભાઇએ સરદારને પૂછ્યું. સરદારે જવાબા આપ્યો “લઇશું.” બીજે દિવસે ધર્મદેવ ફરી આવ્યા અને શાંતિભાઇને કહ્યું કે દાલમિયા શેઠ ઇચ્છે છે કે સરદાર સાહેબ તેમને ત્યાં ચા પીવા આવે અને એ સમયે તેઓ આ રકમ તેમને સુપરત કરશે. શાંતિભાઇએ આ સંદેશો કહ્યો તેવા જ સરદાર તાડૂકી ઊઠ્યા:”જુઓ, શાંતિલાલ, એમને સ્પષ્ટ જણાવો કે ચેક મોકલવો હોય તો મોકલે, નહીં તો એમની મરજી. આ કામ માટે હું એમના ઘેર નહીં આવું.” શાંતિલાલે એ સંદેશો ધર્મદેવને આપ્યો અને સરદારનો સંદેશો સાંભળી દાલમિયા શેઠે બે લાખમાં પચીસ હજાર ઉમેરીને સવા બે લાખનો ચેક તરત જ સરદારને મોકલી આપ્યો. આ હતી સરદારની ખુમારી અને રાજકીય સૂઝ. એ સાથે હૃદયની ઋજુતા પણ જુઓ, પંદર દિવસ પછી સરદાર સામેથી કહેવરાવીને દાલમિયાને ત્યાં ચા પીવા ગયા.

શેઠ વાલચંદ હીરાચંદ સરદારના મિત્ર હતા. ધંધાકીય અને સામાજિક બાબતોમં સરદારની સલાહ પણ લેતા.1934માં મહારાષ્ટ્રની ધારાસભાની ચૂંટણી હતી. સરદારે એક બેઠક માટે વી.એન. ગાડગીલ ઉપર પસંદગી ઉતારેલી. વાલચંદ શેઠને આ બેઠક ઉપર ઊભા રહેવું હતું. ગાડગીલ સરદારના વિશ્વાસુ સાથીદાર હતા. વાલચંદ શેઠને ધનિક વર્ગનો ટેકો હતો. આથી ઉદ્યોગપતિઓ વાલચંદ શેઠની વકીલાત કરવા સરદારને મળવા આવ્યા અને રજૂઆત કરે કે આ બેઠક જો વાલચંદ શેઠને અપાય તો ચૂંટણી ભંડોળમાં અમુક લાખ રૂપિયા આપવામાં આવશે. સરદારે સ્પશ્ટ શબ્દોમાં એ સોદાબાજીનો ઇનકાર કર્યો. એટલું જ નહીં, જો વાલચંદ શેઠ એ બેઠક પર અન્ય પક્ષ તરફથી અથવા અપક્ષ ઊભા રહેશે તો પણ પરાજિત થશે એવી ચેતવણી પણ ઉચ્ચારી અને ખરેખર એમ જ થયું. વાલચંદ શેઠ પરાજિત થયા. સરદારે બતાવી આપ્યું કે નાણાંના જોરે રાજકીય સોદાબાજીને એમના જીવનમાં સ્થાન નથી.

રાજકારણનું કંપનીકરણ – હેમંતકુમાર શાહ

ગ્રાહક સુરક્ષાની ચળવળના પ્રણેતા અમેરિકાના રાલ્ફ નાડરે કહ્યું છે કે, સરકાર આજે ઉદ્યોગધંધા ક્ષેત્રના એજન્ટ જેવી બની ગઇ છે. લોકો ભલે તેમના પ્રતિનિધિઓને સંસદમાં ચૂંટીને મોકલતા હોય, પણ અમેરિકામાં એક યા બીજા પક્ષની સરકાર તો કંપનીઓ કહે છે તે જ કરે છે.

શું આ પરિસ્થિતિ માત્ર અમેરિકાની છે? ના, આ પરિસ્થિતિ લગભગ બધા દેશોની છે. ભારતમાં આ કે તે ઉદ્યોગપતિ કે ઉદ્યોગગૃહ સરકાર પર પ્રભાવ પડતા રહ્યા છે. અનેક વખત પ્રસાર માધ્યમોમાં આવતા સમાચારો એમ સૂચવે છે કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આ કે તે કંપનીને ફાયદો કરી આપવા માટે નિયમો, કાનૂનો વગેરે ઘડે છે, બદલે છે અથવા રદ કરે છે. આ બાબત તો તમામ રાજકીય પક્ષને લાગુ પડે છે. દેશની અને દુનિયન અર્થતંત્રની આ હકીકતો એમ દર્શાવે છે કે દુનિયામાં બધે જ સતાનું કેન્દ્રીકરણ તે થોડીક કંપનીઓ અને આ કંપનીઓના માલિકો એવા થોડાક લોકોન હાથમાં થઇ રહ્યું છે. આ લોકો જ રાજકીય નિર્ણયો પર પ્રભાવ પાડે છે. એટલે સત્તા ગમે તે રાજકીય પક્ષની આવે, તેનો કશો ફેર પડતો નથી.

ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ જે માહોલ ભારતમાં અને દુનિયાભરમાં ઊભો થયો છે, તેમાં તો આ પ્રક્રિયા વધારે વેગવાન બની છે. રાજકારણનું કંપનીકરણ વધારે પ્રમાણમાં થાય એવી શક્યતાઓ જ ઊભી થઇ રહી છે. આ પરિસ્થિતિ ખતરનાક છે. પરંતુ ટેક્નોલોજી જ એવા પ્રકરની છે કે જેમાં જંગી રોકાણની જરૂર પડે. ઉત્પાદન માટે મોટા ઉદ્યોગો જ જોઇએ. પછી એ બધાંનું રક્ષણ કરવને માટે લશ્કર પણ જોઇએ અને લશ્કર હોય તો યુદ્ધો પણ થાય. આ એક જબરદસ્ત સાંકળ છે. આ સાંકળને ક્યાંથી તોડવી, કેવી રીતે તોડવી અને શાંતિની સાંકળનું સર્જન કેવી રીતે કરવું, તેની મથામણ કરવી જરૂરી છે.

‘બિયોન્ડ ધ બોટમ લાઇન’ નામના પુસ્તકમાં લેખક માઇકલ સ્મિથ કહે છે કે 1999માં દુનિયાની ત્રણ ધનવાન વ્યક્તિઓ પાસે એટલી સંપત્તિ હતી કે જેટલી દુનિયાના સૌથી ગરીબ 34 દેશોની આવક હતી ! બીજી તરફ, દુનિયાના 120 કરોડ લોકો એવા છે કે જેઓ માંડ માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.

જે કંપનીઓ સમાજ પાસેથી આવક રળે છે, એમની સમાજ પ્રત્યે કોઇ જવાબદરી ખરી કે નહીં? કંપનીઓ બગીચા બનાવે છે, ફુવરા બનાવે છે, શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓ ઊભી કરે છે અને પોતે સામાજિક સેવા કરી હોવાનો સંતોષ લે છે.પરંતુ આ જ કંપનીઓ પોતાના મજૂરોનું ભયંકર શોષણ કરે છે, તેઓ ગરીબીમાં સબડતા હોય તો સહેજે પરવા કરતી નથી અથવ ગ્રાહકોના હિત કે આરોગ્યની કે પર્યવરણના નુકશાનની ચિંતા કરતી નથી.

ગુજરાતીમાં કહેવત છે: ’એરણની ચોરી ને સોયનું દાન.’ મોટા ભાગની કોર્પોરેટ સખવતો આ પ્રકારની હોય છે અને એ કંપનીઓના માંધાતાઓ મહાન દાનેશ્વરી કહેવાતા હોય છે.

કંપનીઓની જવાબદારી માત્ર વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરીને વેચવાની છે? કઇ રીતે તે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે વેચાય છે અને વાપરનાર પર તથા સમગ્ર સમાજ પર તેની શું અસર થાય છે. એ વિચારવાની જવાબદારી કંપનીઓની નથી?

નોંધ – પુસ્તક ડાઊનલોડ કરવા અહીં ક્લિક કરી ડાઊનલોડ વિભાગમાં જાઓ.

બિલિપત્ર –

One individual may die for an idea; but that idea will, after his death, incarnate itself in a thousand lives. That is how the wheel of evolution moves on and the ideas and dreams of one nation are bequeathed to the next.
– Netaji Subhash Chandra Bose


આપનો પ્રતિભાવ આપો....

One thought on “આઝાદી કી મશાલ – મહેન્દ્ર મેઘાણી (પુસ્તક ડાઉનલોડ)