પ્રસંગમોતીઓ… – સંકલિત 6


૧. આ વાટ અમુને ફિટ લાગે… – અજ્ઞાત

ઘોલવડ – વલસાડ વિસ્તારની ચીકુની વાડીઓના માલિક ઈરાની શેઠના અચરજની આજે કોઈ સીમા નહોતી.

શેઠની વાડીમાં કેટલાય મજૂરો રોજીઆણો (રોજના પગાર ધોરણાએ) કામ કરે. તેમાંના કેટલાંક આદિવાસી સ્ત્રી-પુરુષો પોતાના મામૂલી પગારમાંથી પણ રોજના પાંચપાંચ રૂપિયા છેલ્લા છ મહિનાથી કપાવતાં હતાં. ઈરાની શેઠને એમ કે કોઈ ‘અલ્પ બચત’ જેવી યોજનાવાળા એ લોકોને સમજાવી ગયા હશે. ચાલો, એય સારું જ છે. બચત કરશે તો રોજ તાડીના પટ્ટે (અડ્ડે) જઈ ઢીંચવામાં પૈસા તો નહીં ગુમાવે! બે પૈસા બચ્યા હશે તો છોકરાં સારાં કપડાં પહેરશે અને પ્રસંગે એમને જ ખપ લાગશે.

પણ આ આદિવાસીઓનો પ્લાન કંઈ જુદો જ હતો. એ તો એમાંના એક રમલાએ આજે ફોડ પાડીને કહ્યું ત્યારે જ સમજાયું. ‘શેઠ, માફ કરજે. તારે તાં વરહોથી વેઠ કરીએ ને તું અમારું પેટ પૂરે. પન ટારા હાટુ અમુને કોઈ ભાવ ની મલે. ને અમારી જાત હો એવી કે લાગ મલે ટારે ચોરી હો કરી લેવાની. એમાં કાંઈ શરમ ની. ભાજી, ચીકુ, આંબા… ને કો’કવાર તો શેઠ, તારું હઠિયાર બી વેકી મારેલું, હા! પન આ ભલું થજો અમારા ડાડાનું કે ટેમની વાટુ લઈને આ વાસુકાકા અમારે ટાં પાડામાં (વસ્તીમાં) આઈવા ને ભગવાનની ને સ્વાઢ્યાયની હારી હારી વાટો કીઢી. તેવાંએ શીખડાઈવું કે ભગવાન આપણી અંડર આવીને આપડને સંભાલે. દૂધની અંદર ઘી હોય, પન તે કંઈ હીદું દેખાય ની, એવી રીતે એ વાલો બી પડી અંડર આપડી હાઠે ને હાઠે જ રીયે, પન ડાયરેક જોવા ની મલે, પન અંડર એ હોય ટો ખરો જ.

એકવાર ટેમની વીડીઓ કેસેટમાં વાટ કીઢી કે મનેખ પાપી હોય ટો બી ભગવાન માફ કરવાનો. પન એકવાર આપડને હમજ મલીયા પછી બેઈમાની ના ઠાય, અને પછી માફી બી ના મલે. આ વાટ અમુને બરોબર ફીટ લાગે. તેઠી વિચાર કીઢો કે આપડે ઈરાની શેઠનું બહુ બધુ લાટેલું છે. તે બધું તો નંઈ પન ફૂલ નંઈ ને ફૂલની પાંખડી પાછું વારવું જોવે. તે વિના અવે ની ચાલવાનું. ટેઠી અમે બધા આ છ મહીનાથી રોજના પાંચ રૂપિયા તારી કને કપાવટા છે. એ પૈહા તારા જ છે ને તું જ રાખજે. અમુને બધ્ધાને માફ કરીને અમારું પ્રાયશ્ચિત કરવા ડેજે.’

૨. એ શુદ્ધિ – મુકુલ કલાર્થી

પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય રામાનુજ ઘડપણમાં ખૂબ અશક્ત થઈ ગયા હતા. તો પણ કોઈના ખભાનો ટેકો લઈને તેઓ નદીએ સ્નાન કરવા જતા.

નદી ભણી જતી વખતે તેઓ પોતાના બ્રાહ્મણ શિષ્યના ખભા પર હાથ મૂકીને જતા અને સ્નાન કર્યા પછી શૂદ્ર જાતિના શિયના ખભાનો આધાર લઈને આશ્રમે પાછા ફરતા. રામાનુજની આવી વિચિત્ર રીત જોઈને જૂના વિચારના સનાતની લોકો બહુ અકળાતા. એક દિવસ તેઓ ભેગા થઈને રામાનુજાચાર્ય પાસે ગયા અને કહેવા લાગ્યા, ‘આચાર્યજી, આપે જોઈએ તો સ્નાન પહેલા શૂદ્રનો સ્પર્શ કરવો; પરંતુ સ્નાન કરીને શુદ્ધ થયા પછી તો મલિન શૂદ્રના ખભા પર હાથ ન જ મૂકવો જોઈએ.’

આ સાંભળીને આચાર્ય હસતા હસતા બોલ્યા, ‘અરે ભાઈઓ, તમે જેને શુદ્ર સમજો ચ્હો તેના ખભા પર હું સ્નાન કર્યા પછી હાથ મૂકું છું તે તો ઉચ્ચ કુલીન જાતિના મારા અભિમાનને ધોઈ નાખવા માટે. એ શુદ્ધિ હું પાણી વડે કરી શકું એમ નથી.’

૩. એ તો મારો ભાઈ છે – સનતકુમાર ભટ્ટ

ડુંગરનું ચઢાણ આકરું હતું. યાત્રાળુ સૌના મોં પર થાકનાં ચિહ્ન દેખાતાં હતાં. સૌ બોજારહિત થઈ ચાલતાં હતાં, છતાં હાંફતા હતાં. બધાની સાથે બારેક વરસની એક છોકરી પણ ડૂંગર ચડી રહી હતી, કેડે ચારેક વરસનો છોકરો તેડ્યો હતો. કોઈને દયા આવી, પૂછ્યું, ‘અલી છોડી, આ છોકરાને ઉંચકીને ચડે છે તો તને ભાર નથી લાગતો?’

છોકરીએ જવાબ આપ્યો, ‘ભાર? ના રે, એ તો મારો ભાઈ છે.’

બિલિપત્ર

ભાતું ખૂટી જજો ને પાણી ખૂટી જજો,
પંથીનો સાથ યે વછૂટી જજો,
ડણકે મારગમાં છો ડુંગરિયા દૈત્ય શા,
નાગણ શી નદીઓ ય આડી હજો,
તો ય મારો પંથ હજી બાકી હજો…

વિપતના ગંજ વચ્ચે ખીલે પૌરુષ મારું
એને વિહરવાના મારગ હજો,
સઘળું છો ખૂટતું, ન ખૂટે એ પંથ એક –
એટલી જ તાત, તવ કરુણા હજો!
એક મારો પંથ હજી બાકી હજો!
– દેવજી રા. મોઢા

(શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત અનોખી પુસ્તિકા ‘રોજેરોજની વાચનયાત્રા’માંથી સાભાર)

એક પાનાનું કે એથીય નાનકડું લખાણ, નાનકડો ચોટદાર અને મર્મસભર એક પ્રસંગ પણ વિચારોના વંટોળને સાચી દિશા આપવા સક્ષમ છે. નાનકડો દાખલો કે અનુભવ કે એક સુવાક્ય પણ જીવનમાં મોટી અસરો ઉપજાવી શકે. આજે આવા જ ત્રણેક પ્રસંગો અહીં ટાંક્યા છે અને અંતે બિલિપત્રમાં એક અનોખી પ્રાર્થના. આશા છે કે આજનું આ સંમિશ્રણ સૌને ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગો અને કાવ્ય શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત અનોખી પુસ્તિકા ‘રોજેરોજની વાચનયાત્રા’માંથી સાભાર લીધું છે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પ્રસંગમોતીઓ… – સંકલિત

 • Harshad Dave

  ખમીરવંતા અને ખુમારી ધરાવતા ત્રણે ય પ્રસંગો નાનાની મોટાઈ દર્શાવે છે. પરંતુ ‘તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો’ એ ન્યાયે સહુ પોતપોતાને ઠેકાણે મહાન છે. =હદ.

 • Pushpakant Talati

  ખુબ જ સરસ .
  આજે રજુ થયેલા આ સંકલીત પ્રસંગોનાં મોતીઓની માળા ખરેખર ખુબ જ સુંદર અને સોહામણી લાગી. અને મનને જંજોડી જાય તેવા ગાગર માં સાગર જેવી આ પ્રસંગ વાર્તાઓ પણ ગમી ગઈ.
  વળી આજનું બિલિપત્ર મને મારો ભુતકાળ તાજો કરાવી ગયું. – હા અમો દેવજીભાઈ મોઢા પાંસે પોરબંદર માં નવયુગ વિદ્યાલય માં અભ્યાસ કરતા ત્યારે તેઓ અમારા ગુરૂજી હતા. તેઓ પાંસેથી અમોને ભાષા બાબત ઘણી જ જાણકારી પ્રાપ્ત થઈ છે. તે વખતે શ્રી નરોત્તમભાઈ પળાણ પણ અમો ને ગુજરાતી શીખવતા. આ બન્ને સાહિત્યકારોની યાદ આજે ‘બિલિપત્ર’ દ્વારા તાજી થઈ.
  આભાર અને દરેકને વંદન.

 • Harish Rathod

  નાનો પણ ખુબ હદયસ્પર્શી પ્રસન્ગ. વાહ, ઈરાની શેઠનાઆદીવાસી મજુરો અને વાહ ઈરાની શેઠ.