શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૧)


પ્રકરણ ૧૧

લિપોવા સ્ટ્રીટથી થોડે દૂર એક સાંકડા માર્ગ પર, ‘જર્મન બોક્સ ફેક્ટરી’ આવેલી હતી, જેનો પાછળનો ભાગ શિન્ડલરના એનેમલ પ્લાંટ તરફ પડતો હતો. કંપનીઓનો ભૂખ્યો અજંપ શિન્ડલર ઘણી વખત એ તરફ ફરવા નીકળી પડતો, અને ફેક્ટરીના નિરીક્ષક અર્ન્સ્ટ કનપાસ્ટ સાથે, કે પછી કંપનીના જૂના માલિક અને અત્યારના બની બેઠેલા મેનેજર એવા સાઇમન જેરેથ સાથે ગપ્પા મારી લેતો હતો. જેરેથની બોક્સ ફેક્ટરી છેલ્લા બે વર્ષથી ‘જર્મન બોક્સ ફેક્ટરી’ બની ગઈ હતી, અને એ પણ, હંમેશની માફક કોઈ પણ જાતની રકમની લેવડદેવડ કે દસ્તાવેજ પર સહી કર્યા વગર જ!

જેરેથને પોતાની સાથે થયેલા અન્યાયની હવે એટલી પડી ન હતી. તેના મોટાભાગના પરિચિતો સાથે આમ જ બન્યું હતું. હવે તેને જે ચિંતા હતી, તે તો માત્ર વસાહતને કારણે જ હતી. સંયુક્ત રસોડામાં થતા ઝગડા, વસાહતમાં ફેલાયેલો જાતિવાદ, ચારે તરફ ફેલાયેલી મૃતદેહોની વાસ, સીડી પરથી ઊતરતાં કોઈની સાથે જરા અમથું અથડાઈ જવાય, તો સામેવાળાના ગંદા જેકેટ પરથી જૂ પોતાના સૂટ પર આવી જાય, એવી ખરાબ પરિસ્થિતિ હતી! જેરેથે ઓસ્કરને જણાવ્યું, કે ઉત્તમ વસ્તુઓ વાપરવાની આદત ધરાવતી તેની પત્ની વસાહતના વાતાવરણથી બહુ જ નિરાશ થઈ ગઈ હતી. તેની પત્નિ ક્રેકોવની ઉત્તરે રહેતા એક ખાતા-પીતા ઘરમાંથી આવતી હતી. ફેક્ટરીની પાછળના ભાગે આવેલી ખાલી જમીન સામે આંગળી ચીંધીને જેરેથે ઓસ્કરને કહ્યું, “આ સામે પડી છે એ જમીન પર પાઇનબોર્ડ વાપરીને હું મારી જાતે એક મકાન બનાવી શકું તેમ છું.” એ મોટું મેદાન અત્યારે તો કામદારોના ફૂટબોલ રમવા માટે વપરાતું હતું. મેદાનની મોટાભાગની જમીન ઓસ્કરની જ હતી, બાકીની થોડી જમીનની માલિકી બેઇલ્સ્કી નામનાં એક પોલિશ દંપતીની હતી. ઓસ્કરે બીચારા જેરેથને આ વાત જણાવી નહીં, કે તેની પોતાની નજર પણ એ ખાલી જમીન પર હતી! નકામી પડેલી એ જગ્યાના વપરાશની આ મોઘમ ઓફરમાં ઓસ્કરને વધારે રસ પડ્યો હતો. “મકાન બનાવવા પૂરતાં પાઇનબોર્ડની જોગવાઈ તું કરી શકશે?” એણે જેરેથને પૂછેલું. જવાબમાં જેરેથે કહેલું, “એટલું તો હું ચોકકસ કરી શકું. થોડાં કાગળિયાં કરવાં પડશે, એટલું જ!”

ખાલી જમીન બાબતે વાત કરતાં બંને જેરેથની બારી પાસે જ ઊભા હતા. વર્કશોપમાંથી હથોડાના અને ‘પાવર-સો’ના અવાજો આવી રહ્યા હતા. “ભવિષ્યમાં જો આ જગ્યા છોડવી પડશે, તો મને બહુ જ દુઃખ થશે,” જેરેથે ઓસ્કરને કહ્યું. “કોઈક લેબરકેમ્પમાં સાવ એમ જ ખોવાઈ જવાનું દુઃખ મને તો થશે જ! દૂર ઊભા રહીને પણ મને તો એ જ વિચારો સતાવ્યા કરશે, કે એ મૂર્ખાઓ અહીં આવીને શું કરી રહ્યા હશે! હેર શિન્ડલર તમે તો સમજી શકો છોને કે હું શું કહું છું?”

જેરેથ જેવો માણસ પણ આવી રહેલી ભયાનક પરિસ્થિતિને અગાઉથી સમજી શક્યો ન હતો. રશિયામાં પોતાને મળેલી અમાપ સફળતાનો ભરપૂર લાભ જર્મન આર્મિ ઊઠાવી રહ્યું હોય એમ લાગતું હતું. એટલે સુધી કે, જર્મનો આટલા ભયાનક યુદ્ધમોરચા સુધી પહોંચી ગયાની વાતને બીબીસી પોતે પણ માની શકતું ન હતું! યુદ્ધમેદાનમાં જરૂર પડે એવાં વાસણો મોકલવા માટે યુદ્ધ સરંજામ ખાતા તરફથી ઓસ્કરને ઉપરાછાપરી ઓર્ડર મળી રહ્યા હતા. ઓર્ડરની સાથે આવતા પત્રોમાં નીચે જનરલ જુલિઅસ શિન્ડલર તરફથી પ્રશંસાના શબ્દો પણ લખાઈને આવતા હતા. નીચલી કક્ષાના કેટલાયે અધિકારીઓ ફોન પર ઓસ્કરને શુભેચ્છાઓ પાઠવતા હતા. પોતાને મળી રહેલા ઓર્ડર અને શુભેચ્છાઓને ઓસ્કર યોગ્ય પ્રતિભાવ સાથે સ્વીકારી લેતો હતો. પરંતુ પુત્ર સાથે સમાધાન થયાના ઉત્સાહમાં આવીને પિતાએ લખેલા ભાવનાસભર પત્રો ઓસ્કરને મળે, ત્યારે તેને પરસ્પર વિરોધાભાસથી છલકતો આનંદ મળી રહેતો હતો! તેના પિતા લખતા હતા, કે આ પરિસ્થિતિ લાંબી નહીં ચાલે. હિટલર બહુ લાંબુ નહીં ટકે. આખરે અમેરિકા તેના પર હુમલો કરશે જ. અને રશિયનો? હે ઇશ્વર, કોઈએ એ સરમુખત્યારને કહ્યું છે ખરું કે ત્યાં કેટલા નાસ્તિક અને નિર્દયી લોકો રહે છે? પિતાના પત્રોને હસવામાં કાઢી નાખતા ઓસ્કરને આવા વિરોધાભાસી આનંદ સામે કોઈ જ તકલીફ ન હતી! વિરોધાભાસી એ રીતે, કે એક તરફ હથિયાર નિરીક્ષક વિભાગ તરફથી તેને મળેલા કોન્ટ્રાક્ટ દ્વારા થતા આર્થિક ફાયદાથી એ ખુશ હતો, તો બીજી તરફ પિતાના આવા સરકાર વિરોધી પત્રો મેળવીને! પિતૃપ્રેમવશ, ઉશ્કેરાટભર્યા પત્રોના અને તેનાથી મળતા આનંદના પ્રતિભાવરૂપે, ઓસ્કર દર મહિને હેન્સને એક હજાર જર્મન માર્ક મોકલી આપતો હતો.

એ વર્ષ બહુ ઝડપથી અને લગભગ કોઈ જ પીડાદાયક ઘટના વગર પસાર થઈ ગયું. દિવસમાં આટલા બધા કલાક ઓસ્કરે કામ કર્યું હોય એવું આ પહેલાં ક્યારેય બન્યું ન હતું! પાર્ટીઓમાં ભાગ લેવો, જાઝ ક્લબમાં શરાબપાન અને રૂપાળી ક્લોનોવ્સ્કાના ફ્લેટની મુલાકાતો! વૃક્ષો પરથી ખરતા પાંદડાં જોયાં ત્યારે છેક તેને આશ્ચર્ય થયું, કે વર્ષ ક્યારે પૂરું થઈ ગયું! પહેલાં ઉનાળો પૂરો થઈ જવાને કારણે, અને હવે પાનખરમાં વહેલા શરૂ થઈ ગયેલા વરસાદને કારણે સમય પસાર થઈ જવાનો અહેસાસ ઓર ઊંડો થઈ રહ્યો હતો. ઋતુઓની અનિયમિતતા, સોવિએતને ખાસ લાભ આપવાની સાથે-સાથે બધા જ યુરોપિઅનો પર અસર કરવાની હતી, પરંતુ લિપોવા સ્ટ્રીટમાં ઓસ્કર શિન્ડલર પર ઋતુની ખાસ કોઈ અસર થઈ ન હતી. એવામાં અચાનક, ૧૯૪૧ના અંત ભાગમાં ઓસ્કરની ધરપકડ કરવામાં આવી. જરૂર કોઈકે તેને દગો દીધો હશે, પોમોર્સ્કા સ્ટ્રીટ જઈને જરૂર કોઈએ તેની વિરુદ્ધ બાતમી આપી દીધી હશે! ખબર આપનાર પોલેન્ડના શિપિંગ ક્લર્કમાંથી એકાદ હોઈ શકે! અથવા તો યુદ્ધસામગ્રી વિભાગના જર્મન ટેકનિશ્યનોમાંથી પણ કોઈ હોય! કંઈ કહી શકાય તેમ ન હતું. સાદાં કપડાંમાં સજ્જ ગેસ્ટાપોના બે માણસો કારમાં બેસીને એક સવારે લિપોવા સ્ટ્રીટમાં આવી પહોંચ્યા, અને એમેલિયા ફેક્ટરીને તાળા મારવા માટે આવ્યા હોય એ રીતે પોતાની મર્સિડીઝ ગાડી વડે માર્ગ રોકીને ઊભા રહી ગયા! ઉપરના માળે આવેલી ઑફિસમાં ઓસ્કરની સામે ઊભા થઈ જઈને તેમણે વ્યવસાયને લગતા બધા રેકોર્ડ પોતાની સાથે લઈ જવાનો હુકમ ઓસ્કરને બતાવ્યો. ઓસ્કરના વ્યવસાય અંગેની કોઈ જ જાણકારી તેમને હોય એવું લાગતું ન હતું. “ખાસ કરીને કયા ચોપડા તમારે લઈ જવા છે?” શિન્ડલરે તેમને પૂછ્યું.

 “રોકડ રોજમેળ,” એકે કહ્યું.

“તમારી ખાતાવહી,” બીજાએ જવાબ આપ્યો.

ધરપકડની કાર્યવાહી થોડી શિથિલતા સાથે ચાલી રહી હતી. ઓસ્કર રોકડ રોજમેળ અને ખાતાવહી લેવા માટે ગયો, ત્યાં સુધી ગેસ્ટાપો ક્લોનોવ્સ્કા સાથે આડી-અવળી વાતો કરતા રહ્યા. એક કાગળ પર કેટલાંક નામો લખવા દેવાનો સમય ઓસ્કરને આપવામાં આવ્યો હતો. એ બધી વ્યક્તિઓ સાથેની ઓસ્કરની મુલાકાતો હવે રદ્દ કરવી પડશે એવું બહાનું ઓસ્કરે બતાવ્યું. પરંતુ ક્લોનોવ્સ્કા બરાબર સમજતી હતી, કે એ યાદી એવા લોકોના નામોની હતી, જેમનો સંપર્ક કરીને તેણે ઓસ્કરને છોડાવવાની મદદ માગવાની હતી.

એ યાદીમાં સૌથી પહેલું નામ ઓબરફ્યૂહરર જુલિઅન સ્કર્નરનું હતું; બીજું નામ બ્રેસ્લાવના એબ્વ્હર માર્ટીન પ્લેથનું હતું. તેમને લોંગ-ડિસ્ટન્ટ કોલ કરવાનો હતો. ત્રીજું નામ ઓસ્ટફેઝરના કારખાનાના દારૂડિયા નિરીક્ષક અને નિવૃત્ત આર્મિમેન ફ્રાન્ઝ બૉસનું હતું, જેના રસોડા માટે શિન્ડલરે કેટલાયે વાસણો ગેરકાયદે મોકલ્યા હતા. ક્લોનોવ્સ્કાના ખભે લટકતી ઘુંઘરાળા વાળની ઝૂલ્ફો પર ઝૂકીને એણે બૉસના નામની નીચે લીટી કરી દીધી. બહોળી ઓળખાણ ધરાવતો બૉસ, ક્રેકોવ શહેરમાં કાળાબજારમાં સામેલ એક-એક ઉચ્ચ અધિકારીને ઓળખતો પણ હતો, અને તેમના વિશે સારી એવી જાણકારી પણ ધરાવતો હતો. અને ઓસ્કર એટલું તો જાણતો હતો, કે તેની ધરપકડ પાછળ કાળાબજારનો મામલો જ કારણભૂત હશે! કાળાબજારનો મામલો એવો હતો, કે તેમાં લાંચ લેવા માટે તૈયાર અધિકારીને તો બહુ સહેલાઈથી શોધી શકાય, પરંતુ પોતાના જ કર્મચારીઓમાં રહેલા એકાદ ઇર્ષાળુને ઓળખી કાઢવો શક્ય ન હતો!

એ સૂચીમાં ચોથું નામ સોસ્નોવિકની ફેરમ એજી કંપનીના જર્મન ચેરમેનનું હતું. ઓસ્કર આ કંપનીમાંથી લોખંડ ખરીદતો હતો. ગેસ્ટાપોની મર્સીડીઝ ઓસ્કરને પકડીને પોમોર્સ્કા સ્ટ્રીટ તરફ જઈ રહી હતી, ત્યારે એ નામોને કારણે ઓસ્કર નિશ્ચિંત હતો. એ નામોને કારણે જ તેને એટલી ધરપત હતી, કે આ તંત્રની અંદર સાવ એમ જ, કોઈ અતા-પતા વગર એ ખોવાઈ નહીં જ જાય! સાયમક સ્પાઇરાની સૂચીના આધારે પકડવામાં આવેલા એક હજાર વસાહતીઓ જેટલો એ નિઃસહાય ન હતો; કે પછી એ વસાહતીઓની માફક, નાતાલની ઠંડીમાં ખુલા આકાશ નીચે પ્રોકોસીમ સ્ટેશને ઊભેલા જાનવરોના ડબ્બાઓ સુધી એણે કુચ પણ નહોતી કરવાની! કેટલાંક મોટાં માથાંઓ સાથે ઓસ્કારને સારી એવી ઓળખાણ હતી.

ક્રેકોવનું એસએસ ભવન એક વિશાળ આધુનિક મકાન હતું. અંદરનું વાતાવરણ ભલે સાવ હળવું ન હતું, તો મોન્ટેલ્યૂપિકની જેલ જેટલું અત્યંત ગંભીર પણ ન હતું. એ મકાનની સાથે સંકળાયેલા અત્યાચારોની વાતોને સાવ ખોટી જ માની લઈએ તો પણ, તેનું વિશાળ કદ, ગૂઢ વરંડાઓ, દરવાજાઓ પર લખાયેલા વિભાગીય હોદ્દાઓને કારણે ઊભી થતી ભાવશૂન્ય ભયની લાગણી, આ બધાને કારણે ધરપકડ કરાયેલી વ્યક્તિ અંદર પ્રવેશે ત્યાં જ મુંઝવણમાં મૂકાઈ જાય! એસએસની મુખ્ય કચેરી, વ્યવસ્થાપક પોલીસ ક્રિપો, સિપો અને ગેસ્ટાપોનું મુખ્યાલય, એસએસનું આર્થિક અને વહિવટીતંત્ર, તેના કર્મચારીઓ, યહૂદીઓને લગતી બાબતો, વંશ અને વિસ્થાપન વિભાગ, એસએસની કોર્ટ, સૈન્ય, એસએસની અન્ય સેવાઓ, જર્મન સશક્તિકરણ માટેનો રાઇક વિભાગ, જર્મનભાષીઓ માટેની કલ્યાણ કચેરી, વગેરે જેવી કેટલીયે ઑફિસો એ મકાનમાં આવેલી હતી.

એ બધી જ ઑફિસોના ધમધમાટની વચ્ચે, પેલા ધરપકડ કરનારા અધિકારીઓના પ્રમાણમાં એકાઉન્ટિંગના વિષયમાં વધારે અને પૂરતું જ્ઞાન ધરાવતા ગેસ્ટાપોના એક માણસે ઓસ્કરની પુછપરછ શરૂ કરી. કોઈ કસ્ટમ અધિકારી રોકડ રકમની દાણચોરીના શકમંદને પકડી લાવ્યો હોય અને તેના સામનમાંથી ફૂલછોડ નીકળે ત્યારે જેવી રમુજ ફેલાય, કંઈક એવી જ રમુજ એ અધિકારીની રીતભાતમાં દેખાતી હતી! ઓસ્કરને એણે જણાવ્યું, કે યુદ્ધ-સામગ્રીનું ઉત્પાદન કરતા બધા જ ઉદ્યોગોની તપાસ થઈ રહી હતી. ઓસ્કરને તેના પર વિશ્વાસ બેસતો ન હતો, છતાં તેણે કોઈ જવાબ ન આપ્યો. ગેસ્ટાપો અધિકારી તેને સમજાવતો હતો, કે તમે સમજી શકશો હેર શિન્ડલર, કે યુદ્ધસામગ્રી પૂરી પાડતા બધા ઉદ્યોગોની એ નૈતિક ફરજ બને છે, કે તેમની ફેક્ટરીઓમાં બનતી બધી જ વસ્તુઓ જર્મન રાષ્ટ્રના આ મહાન કાર્યને સમર્પિત થવી જોઈએ, અને કોઈ પણ વેપારીએ ગેરકાયદે લેવડદેવડ કરીને જર્મન કબજા હેઠળના વિસ્તારોની સરકારને આર્થિક હાની પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ.

ધમકી અને મજાક મિશ્રિત ભાવોથી ભરેલા પોતાના વિશિષ્ટ અંદાજમાં હળવા સ્વરે ઓસ્કરે પૂછ્યું, “તમે એમ કહેવા માગો છો હેર સાર્જન્ટ, કે તમને એવી કોઈ બાતમી મળી છે કે મારા કારખાનામાંથી તમને પૂરતો સામાન નથી મળતો?”

“તમે બહુ એશઆરામની જિંદગી જીવો છો,” અધિકારીએ ઓસ્કરના સવાલને સમર્થન આપતા સ્મિત સાથે કહ્યું, જાણે બીજા કોઈ ઉદ્યોગપતિઓ એશઆરામની જિંદગી જીવતા જ ન હોય! આગળ ઉમેરતાં એણે કહ્યું. “અને આવી જિંદગી જીવનાર કોઈ પણ વ્યક્તિનું જીવનધોરણ તેની કાયદેસરના કોન્ટ્રાક્ટની આવક પર જ નભે છે કે નહીં, એ જોવાની અમારી ફરજ છે.”

ગેસ્ટાપો અધિકારી સામે તાકીને જોતાં ઓસ્કારે કહ્યું. “જેણે પણ તમને મારું નામ આપ્યું છે, એ મૂર્ખ છે, અને તમારો સમય બગાડી રહ્યો છે.”

“ડેફ ખાતે પ્લાન્ટ મેનેજર કોણ છે?” ઓસ્કરની વાતને અવગણતાં અધિકારીએ પૂછ્યું.

“એબ્રાહમ બેંકર.”

“એક યહૂદી?”

“ચોક્કસ. આ ઉદ્યોગ તેના કોઈ સગાની માલિકીનો હતો.”

“ઠીક છે, અત્યારે આટલી માહિતી પૂરતી થશે,” ગેસ્ટાપો અધિકારીએ કહ્યું. “પણ અમારે જો વધારે માહિતી જોઈતી હશે, તો હું ધારું છું કે હેર બેંકર પાસેથી એ મળી રહેશે.”

“એટલે કે… તમે મારી અટકાયત કરવા માગો છો?” ઓસ્કરે પૂછ્યું. એ હસવા લાગ્યો. “એક વાત કહું તમને? ભવિષ્યમાં હું અને ઓબરફ્યૂહરર સ્કર્નર ડ્રિંક લેવા સાથે બેસીસું, ત્યારે આ બાબતનો ઉલ્લેખ ચોક્કસ થવાનો! અને ત્યારે હું એમને જરૂર કહીશ, કે તમે મારી બહુ સારી આગતાસ્વાગતા કરી હતી!”

ઓસ્કરને પકડીને લાવ્યા હતા એ જ બંને અધિકારી તેને બીજા માળે લઈ ગયા. તેની તલાશી લેવામાં આવી અને સિગરેટ ઉપરાંત કંઈક ખરીદી કરવા માટે સો ઝ્લોટીની રકમ તેના ખિસ્સામાં રહેવા દેવામાં આવી. પછી ઓસ્કારે ધાર્યું હતું તે રીતે, વોશબેસિન, ટોઇલેટ અને બારીઓ પર ધુળિયા પડદા સાથેના નજીકમાં જ આવેલા સૌથી સરસ કમરામાં તેને પૂરી દેવામાં આવ્યો. સામાન્ય રીતે ઉચ્ચ પદવીધારી અધિકારીઓની પુછપરછ કરતી વખતે તેમને આવા કમરામાં રાખવામાં આવતા હોય છે. જેથી, નિર્દોષ છોડી મૂકવામાં આવે તો પણ એ વ્યક્તિ આવા કમરામાં રાખવા બદલ કોઈને ફરિયાદ તો ન જ કરી શકે, ઉલટાના એણે ગેસ્ટાપોના વખાણ કરવા પડે! અને એ વ્યક્તિ જો દગાબાજ, બળવાખોર કે આર્થિક ગુનેગાર હોવાનું જણાય, તો કોઈ છૂપા દરવાજાની ફરસ ખૂલી જાય એટલી સરળતાથી તેને નીચેના માળે આવેલી કોટડીમાં પાછો પહોંચાડી શકાય! અને ત્યાંથી સીધો જ લોહી નિંગળતી બેભાન હાલતમાં મોન્ટેલ્યૂપિકની જેલ તરફ રવાના થતા રેલના ડબ્બાઓમાં પણ પહોંચી જાય, જ્યાં તેને જેલની કોટડીની અંદર જ લટકાવી દેવામાં આવે! ઓસ્કરે એ છૂપા દરવાજાની કલ્પના પણ કરી લીધી. મનોમન એણે નક્કી કરી લીધું, કે મને જો કોઈએ હાથ પણ અડાડ્યો છે, તો તેને તો હું રશિયા ભેગો જ કરી દઈશ!

રાહ જોવાની તેને આદત ન હતી. એક કલાક બાદ એણે અંદરથી દરવાજો ખટખટાવ્યો, અને બહાર ઊભેલા એસએસના માણસને પચાસ ઝ્લોટીની રકમ આપીને વોડકાની બોટલ ખરીદી લાવવા માટે કહ્યું. શરાબની એક બોટલની કિંમત કરતાં આ રકમ જોકે ત્રણ ગણી હતી, પરંતુ ઓસ્કરની આ જ તો ખાસિયત હતી! એ રકમના બદલામાં, ક્લોનોવ્સ્કા અને ઇન્ગ્રીડ વચ્ચે સમજુતી થયા મુજબ નહાવા-ધોવાનો સામાન, પુસ્તકો અને પાયજામા ભરેલી એક બેગ ઓસ્કર પાસે આવી ગઈ. ઉત્તમ ભોજન અને હંગેરિઅન વાઇનની અડધી બોટલ પણ તેને પહોંચાડવામાં આવી, અને તેને ખલેલ પહોંચાડવા કે વધારે પ્રશ્નો પુછવા કોઈ આવ્યું પણ નહીં. એને લાગ્યું, કે પેલો એકાઉન્ટન્ટ હજુ પણ એમેલિઆના હિસાબો સાથે માથાફોડ કરતો હશે! એક રેડિઓ હોત તો તેના પર દૂર પૂર્વે રશિયાથી પ્રસારિત બીબીસીના અને લડાઈમાં નવા-સવા ભળેલા અમેરિકાના સમાચારો સાંભળવાનું તેને ચોક્કસ ગમ્યું હોત! તેને હતું કે એણે માગ્યો હોત, તો જેલરે ચોક્કસ રેડિયોની વ્યવસ્થા કરી આપી હોત! મનોમન ઓસ્કાર એવું ઇચ્છતો રહ્યો, કે ફરનિચર અને ઇન્ગ્રીડના ઝવેરાતની કિંમત આંકવા માટે ગેસ્ટાપો સ્ત્રેસ્કિગોના તેના એપાર્ટમેન્ટમાં ઘૂસ્યા ન હોય તો સારું! ઉંઘ આવે ત્યાં સુધીમાં તો એના મનમાં ગેસ્ટાપોની પુછપરછના વિચારો પણ શરૂ થઈ ગયા હતા.

સવારે તેના માટે હેરિંગ માછલી, ચીઝ, ઈંડા, રોલ અને કોફીનો સ્વાદિષ્ટ નાસ્તો લાવવામાં આવ્યો, અને તો પણ કોઈએ તેને તકલીફ ન આપી. છેક એ પછી મધ્યવયનો પેલો ઓડીટર રોજમેળ અને ખાતાવહી લઈને તેને મળવા આવ્યો.

ઓડીટરે ઓસ્કરનાં ખબરઅંતર પૂછ્યાં. તેની રાત સારી વીતી હશે એવી આશા પણ એણે વ્યક્ત કરી. હેર ઓસ્કર શિન્ડલરના રેકોર્ડમાં ઉપર-ઉપરની તપાસ કરવા સિવાય તેને ખાસ સમય મળ્યો ન હતો. પરંતુ યુદ્ધ સાથે સંકળાયેલા આટલા બધા લોકો જે વ્યક્તિ અંગે આટલી બધી સારી-સારી વાતો કહેતા હોય, એવી વ્યક્તિ વિશે બહુ શંકા સેવવાની હાલ એમને કોઈ જરૂર લાગતી ન હતી. એસએસના માણસે જણાવ્યું, કે તેના પર કેટલાક ટેલીફોન આવ્યા હતા! ઓડીટરનો આભાર માનતી વેળાએ ઓસ્કર એટલું સમજી ગયો, કે તેનો આ છૂટકારો કામચલાઉ જ હતો. રિશેપ્શન પરથી તેના હિસાબના ચોપડા અને જપ્ત થયેલી રકમ તેને પૂરેપૂરી પરત મળી ગઈ.

નીચે ઉતરતાં એણે જોયું, કે ખુશખુશાલ ક્લોનોવ્સ્કા તેની રાહ જોતી ઊભી હતી. ક્લોનોવ્સ્કાના સંપર્કકાર્યના કારણે જ તો આ પરીણામ મળ્યું હતું! શરીર પર એક પણ ઘસરકો પડ્યા વગર મોતના મોંમાંથી, ડબલ-બ્રેસ્ટેડ સૂટ પહેરીને શિન્ડલર બહાર આવી રહ્યો હતો. શિન્ડલરને લઈને એ એડલર પાસે આવી. ગેસ્ટાપોએ જ એડલરને ગેટની અંદરના ભાગે પાર્ક કરવાની મંજુરી આપી હતી. ક્લોનોવ્સ્કાનું અજીબ પૂડલ એડલરની પાછળની સીટ પર જ બેઠું હતું.

આપનો પ્રતિભાવ આપો....