(ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત કર્યું છે. આશા છે સર્વે વાચકમિત્રોને ગમશે. ધ્રુવભાઈનો આભાર. મારી જેમ અનેક મિત્રો આ આખી નવલકથાની રાહમાં છે જ..)
* * *
ના.
આવું નહોતું બનવું જોઈતું. પહેલા કદી બન્યું નથી.
કોઈ ડૉમમા આટલી મોટી મૂંઝવણ અને દોડા દોડી સર્જાય તેવો પ્રશ્ન થાય તેની નોંધ રાષ્ટ્રની મુખ્ય કચેરીમાં પણ લેવાય. આ ડૉમના તંત્રવાહકે રાષ્ટ્રીયસ્તરે જવાબ આપવો પડે. કદાચ પોતે નીચેની પાયરી ઉપર પણ ઉતરી જવું પડે.
લેબમાંથી સંદેશો આવ્યો છે કે, ‘એક બાળક, ઓ-ટેન જન્મ્યું છે.’
નિયમ મુજબ તો બાળક જન્મે કે તરત તેના કાનની પાછળના ભાગે કમ્પ્યૂટરાઈઝ્ડ ચીપ લગાવી દેવી પડે; પરંતુ ઓ-ટેનને આવી ચીપ લગાડવા જતાં ખ્યાલ આવ્યો કે ચિપને જેની સાથે જોડાય છે તે જ્ઞાનતંતુઓ કાન પાછળ નથી. ખભાની નજીક છે અને થોડા અવ્યવસ્થિત છે. આ માહિતી તંત્રવાહકને અપાઈ.
તંત્રવાહક માટે હવે બે ઉપાય છે. કાં તો ઓ-ટેનની ચીપમાં જે કમાન્ડ અને ડેટા છે એવાજ ડેટા ધરાવતી નવી ચિપ બનાવવા કહેવું અથવા આ ઓ-ટેનને રદ કરીને બીજો ઓ-ટેન જન્માવવા કહેવું.
લેબમાંથી ઉત્તર મળ્યો, ‘પહેલું કામ ચાર દિવસ લેશે, બીજું નવ મહિના.’
મૂંઝવણ તો હતી. મોટી હતી. એક તરફ ડૉક્ટર તરત નિર્ણય માગતા હતા, ‘ઓ-ટેનને નવી ચીપ બને ત્યાં સુધી રાખવો કે ડૉમના સ્યૂએજ અને બીજી નકામી ચીજોને વહી જતા બોગદા વાટે ડૉમ બહાર, કાળી પડીને અદૃશ્ય રહેતી પૃથ્વી પર સરકાવી દેવો?’
તંત્રવાહકે દાક્તરને ગુસ્સા ભર્યો પ્રશ્ન મોકલ્યો, ‘માના પેટમાં બીજ ફળે તે ઘડીથી માણસોનું મોનીટરીંગ થાય તેવો નિયમ છે. તોયે આ છોકરાને માટે જુદી જાતના ચીપ જોઈશે એટલી ખબર કેમ ન પડી?’
આ પ્રશ્નનો ઉત્તર ડૉક્ટર આપી શકે તેમ હતા; પરંતુ પોતાના ઉત્તર કે સત્ય સ્વીકારાવાનાં નથી તે જાણીને મૌન રહ્યા. થોડીવાર રહીને તેમણે એટલું કહ્યું, ‘કંઈક નિર્ણય તો હમણાં કરવો જ પડશે. સમય જાય છે.’
ડૉમમાં જન્મેલા જીવને કમ્પ્યૂટર ચીપ લગાડ્યા વગર લાંબો સમય રહેવા દેવો યોગ્ય ન ગણાય તે ડૉક્ટર સમજતા હતા.
‘નવો જન્મે તો નવ મહીના બીજા. મારા બધા કામ ખોરવાઈ જાય. ગણી ગણીને જન્મવા દીધેલા માણસોમાં આનું કામ કોણ કરશે?’ ઉપરથી પૂછાયું.
આ પ્રશ્નનો જવાબ પણ દાક્તરે આપવાનો નહોતો. તેણે કહ્યું, ‘નવી ચીપ બનાવતાં ચાર દીવસ થશે.’
‘હા, થાય એટલું વહેલું કરો’ અધિકારથી કહેવાયું.
‘જી. પણ એટલા દીવસ એમ-થર્ટીવનને અહીં બોલાવવા માટેના કમાન્ડ મારે લખવા પડશે.’ દાક્તરે કહ્યું.
‘કેમ? વળી એમ-થર્ટીવનનું શું કામ છે? સવાલ.
‘ઓ-ટેનની મા છે એ. ચીપ બને ત્યાં સુધી ઓ-ટેનને ફીડ કરવો પડશે ને?’
‘આ પાછું નવું.’ ઉપરથી કહેવાયું, ‘વરસો પહેલા અમારા પક્ષે કહ્યું હતું કે સ્ત્રી વગર લેબમાં બાળકો બનાવી શકાય તો એ કરવું જોઈએ. એક નેતા તો કહેતા કે એમનું ચાલે તો એ પુરુષોના સાથળમાં બાળકો ઉછરે. અમારા પક્ષનું માન્યું હોત તો આજે આ ફિડીંગ-બીડીંગની માથાકૂટ તો ન થાત!’
‘જી.’ દાક્તરે ઉત્તર આપ્યો, ‘તે વખતની એસેમ્બ્લીએ આ સૂચન વિશે વચારેલું. ત્યારે આપણા પક્ષમાથી પણ `માના પેટે જન્મેલા બાળકો વધારે શ્રદ્ધેય હોય.’ તેવી દલીલ થયેલી.‘
‘એય સાચું. અંતે તો અમે પણ માતાવાળી પદ્ધતિ ચાલુ રાખવાનો મત આપેલો. ચલો જે થયું તે થયું. હવે નવી ચીપ બનવવા માટે જે કરવું પડે તે કરો.’ ઉપરથી તિરસ્કાર અને કંટાળો વરસ્યા.
દાક્તરે મુખ્ય કમ્પ્યૂટરમાં એમ-થર્ટીવનને બાળકને ફીડ કરી જવાના સમય લખ્યા. પછી બીજા એક મશીનને ઓ-ટેનના ગળા નીચે, ખભા પાસે બેસે તેવી નવી ચિપ બનાવવાનો આદેશ આપવા બેઠા. હવે બધું નવી ચીપ પર લખાશે. ઓ-ટેન તે ચીપમાં લખેલું જીવશે.
વૈશ્વિક ડૉમરાષ્ટ્ર સંઘ સાથે જોડાયેલા દરેક દેશના એકે એક ડૉમમાં આવા, લોકહિતમાં ધડાયેલા નિયમો છે. હા, એસેમ્લીમાં પૂરો સમય ચર્ચાઈને બહુમતીથી મંજુર થયેલા. પરાણે ઠોકી બેસારેલા નહીં.
‘પ્રજાનું કોઈ પણ બાળક જન્મે કે તરત તેને કમ્પ્યૂરાઈઝ્ડ ચિપ લગાવી દો. માણસના મગજે કામ કરવાની જરૂર જ નથી. હવે તો સુપર કમ્પ્યૂટરો છે. આખી પ્રજાને બદલે વિચારી શકે તેવા, વિચારશીલ અને જનસામાન્યની સુખાકારી શામાં છે તે નક્કી કરી શકે તેવા જ્ઞાની.
વરસો પહેલાં આકાશમાં ચડાવાયેલા ઉપગ્રહોએ પૃથ્વીના સૌંદર્યમય, ભૂરા રંગના, સફેદ વાદળોથી શોભતા ગોળાને અવાર-નવાર ઝાંખા રાખોડી રંગનો થઈ જતો જોયો ત્યારે રાષ્ટ્ર-સમૂહોએ બીજા ગ્રહ પર જવાનું નક્કી કરેલું. બધાને લઈ જવાનું શક્ય ન બને ત્યાં સુધી પૃથ્વી પર રહેનારાના શહેરો આવા ડૉમથી ઢાંકવાનું નક્કી કરાયું હતું.
સમય જતાં કેટલાંક દેશોના લોકો પૃથ્વી છોડીને, તારાઓથી શોભતા વિશ્વમાં ક્યાંક રહેવા જતા રહ્યા પણ ખરાં. તે બધાએ પોતે ક્યાં જાય છે તે કોઈને જણાવા દીધું નહીં. પૃથ્વી પર રહી ગયેલાં બીચારા લોકો અનંતમાં જનારા વિજ્ઞાનસિદ્ધોના પદચિહ્નો શોધીને પાછળ જઈ શકે તેટલા કુશળ નહોતા. આથી તે લોકોએ પૃથ્વી પર ડૉમ સંસ્કૃતી રચી. મહાકાય ડૉમ બનાવીને પોતાના મહાનગરોને ઢાંકી શકે એટલા કુશળ તેઓ બન્યા.
પારદર્શક, ચમકતાં મજબૂત ડૉમ.
બહારની, ગરમ, રાખોડી, કાળી પડતી જતી પૃથ્વી પર વહેતા ગરમ હવાના વાવાઝોડાથી સતત ફરતી પવનચક્કીઓની વિજળીથી ઝળાહળાં.
પૂરી સગવડો ધરાવતા મકાનો.
પ્રદૂષણરહિત ઊર્જાથી ઉડતાં અને ચાલતાં વાહનો,
સુદૂર, અંધારા ખડકો પર અફળાતા સમુદ્રના પાણીમાંથી છૂટો પાડીને પાઈપો વાટે ડૉમમાં લવાતો ઓક્સિજન.
કાળી પૃથ્વીના તળ હજાર હજાર ફૂટ ઉલેચીને લવાતું પાણી.
નાની ગોળીઓ કે ઈન્જેક્શનોમાં પેટભરીને મળતો ખોરાક.
ન જાણે કેટકેટલા સુખો.
સહુથી મોટું સુખ કે ચીપમાં લખેલી સ્વતંત્રતા દરેકને આપો આપ, બંધારણીય અધિકાર સ્વરૂપે મળી છે.
જોકે ડૉમરાષ્ટ્ર સાથે જોડાયેલા નથી તેવા કોઈ કોઈ ડૉમમાં સરમુખત્યારી ચાલે છે; પણ તેના પર ડૉમ-સમૂહના માનવાધિકાર પંચોની સતત નજર હોય છે. ક્યાંય કશું ગેરકાયદેસર થાય તો તરત વિરોધ કરાય છે. કહો જોઈએ, શાસકો સામે વિરોધથી વધુ તો તમે કરી પણ શું શકો?
આમ ડૉમની જીંદગી સરળ છે. કોઈએ કંઈ વિચારવું નથી પડતું. કમ્પ્યૂટરની ચીપ કોણે ક્યારે શું કરવું કે કોને ક્યારે શું આપવું તે નક્કી કર્યા કરતી રહે છે. ઓ-ટેન માટે પણ એવી ચીપ બધું કરશે. બધું એટલે બધું.
દાખલા તરીકે આજથી અઢારમા અને વીસમા વરસે; એમ બે વખત ઓ-ટેનને અને ઝી-વનને તેમની ચીપ્સ આ લેબમાં ભેગા થવા દોરી લાવશે. કોઈ લાગણી કે જ્ઞાન વિના બેઉને મેળવીને નવા માનવી ઉત્પન્ન કરાશે. પહેલા એક નર, બીજી વખત એક માદા મનુષ્ય.
આવું કરવાનું કારણ એ કે આજે જન્મેલો ઓ-ટેન અને આવતા અઠવાડિયે જન્મનારી ઝી-વન બેઉ નહીં હોય ત્યારે તેમનું કામ કોણ સંભાળે?
સુપર કમ્પ્યૂટરે ગણતરીપૂર્વક કરેલી આ આખી રચનાને ન તો ઓટેન, સમજશે કે જાણશે ના તો ઝી-વન.
ઓટેન આરામ ક્યારે અને કેટલો સમય કરશે તે પણ ચિપમાં લખ્યું છે. ચીપમાં લખેલા સમયે તે રોજે રોજ થોડીવાર માટે લોગ આઉટ થઈ જશે અને લખેલા સમયે ફરી લોગ ઑન થઈ કામે વળગશે.
ઓ-ટેનનું કામ પણ લખાયું, ‘બધા આઉટલેટ, અને ઈનલેટનું સંચાલન. ખાસ કરીને સ્પેસમાં જતા યાનો સાથે ડૉમને જોડતા દરવાજા. ડૉમમાં બહારની હવાનો એક કણ પણ ન પ્રવેશે તે રીતે દરવાજાનું સંચાલન કરવાનું હોય છે.
ઉપરાંત કચરાનો નિકાલ કરવાનું કામ પણ ઓ-ટેનને શીરે છે. ડૉમમાં કંઈ પણ નકામું થઈ ગયું હશે તે એક કાળા બોગદા વાટે બહાર, કાળી પડીને લગભગ અદૃશ્ય બની ગયેલી પૃથ્વી પર સરકાવી દેવાનું કામ. – આ નિકાલ દરવાજાનું સંચાલન ઘણું જોખમી હોય છે.
ઓ-ટેન આ બધા કામ ચિપમાં ગોઠવાયેલા કાર્યક્રમ પ્રમાણે જીવનના અંત સુધી કર્યા કરશે.
નિર્વાણ વિશે અહીં બહુ ચોક્કસ નિયમો છે. કારણ કે ડૅમ વિશ્વમાં જન્મ કરતાં મૃત્યુનું મહત્ત્વ વધુ છે.
ઓ-ટેનની ચિપમાં ળકાયું છે. ‘ચીપ ફીટ કર્યાના ત્રીસ વરસ પાંચ મહીના અમુક દિવસ, કલાક, મીનીટ, સેકન્ડ, મીલી સેક… અને ‘ડીલીટ.ક્ક જીવનને ક્ષણભંગુર કહેવાતું હશે તો તે કોઈક અજાણ્યા ભૂતકાળમાં. આ યુગમાં તો ચીપમાં લખેલા સમયથી પહેલા કોઈ ડીલીટ થવાનું નથી. ન તો એક ક્ષણ વહેલી ન એક પળનો વિલંબ.
નક્કી સમયે કાઉન્ટ-ડાઉન શરૂ થશે અને નક્કી સમયે ચિપ પોતાને અને ઓ-ટેનના શરીરને નિષ્કર્મ કરી નાખશે. એટલે કે પછી ચિપ સહિત, ઓ-ટેન કોઈ કામનો નહીં રહે. નિષ્કામ તો હતો હવે નિષ્ક્રીય થશે.
ઓટેનના નિષ્ક્રીય દેહને, તેણે પોતે જ, પોતાની અઢાર વરસની ઉમ્મરે, ઝીઝીની કૂખે જન્માવેલો જીવ પેલા બોગદામાંથી બહારના અંધકારમાં સરકાવશે. બહાર ફેંકાતું શરીર જ તેને જન્મ આપવામાં કારણરૂપ હતું તેવી કાઈ સમજ વગર.
ચીપમાં સંબંધો કે લાગણીઓ જેવી બીનજરૂરી બાબતો લખવાની જગ્યા રખાતી નથી. એક નાનકડી ચીપમાં ત્રીસ વરસના આખા જીવનનો નકશો લખવાનો હોય તેમાં બીજું લખાય પણ શું? લોગ ઈન, લોગ આઉટ, ડીલીટ.તમે, હું, તે, લે, આપ,.જા, આવ. ત્રણ દાયકાની જિદગીને બસો-અઢીસો શબ્દો તો બહુ થઈ ગયા. બીજા કોઈ લવારાની જરૂર નથી. બધું કાઢી નાખો.
વરસો પહેલા બંધારણ સુધારણા સમિતી સામે ઠરાવ પણ આવેલો, ‘ચાલો, આખી ભાષા જ ભૂસી નાખો. અરે બીન જરૂરી બધુંય રદ જ કરોને!’
સારું થજો કેટલાંક સભ્યોનું; જેમણે સઘળું ભૂસી નાખવાને બદલે તેને અલગ સંઘરવાની માગને આર્ગહપૂર્વક વળગી રહેલા. વળી, તે વખતની એસેમ્બ્લીએ બંધારણમાં આ સુધારો સ્વકારીને જૂનું, ભૂસવા લાયક લાગતું બધુંયે એક ખાસ સર્વરમાં ભરી રાખવાનો નિર્ણય લીધો હતો.
એટલે ડૉમમાં ભાષા છે. ભલે વપરાતી નથી. કોઈને આવડતી નથી. કોઈને માટે જરૂરી નથી ગણાતી. કોઈની ચીપમાં મૂકાતી નથી પણ છે ખરી.
હા, સરસ્વતી દૂર, અજાણ્યા સર્વરમાં એ સૂતી. કોઈ જમાનામાં ધૂળિયા પુસ્તકોમાં પૂરાઈને રહેતી તે હવે સર્વરની સ્વચ્છ, ચમકતી ડિસ્ક પર પોઢી છે. પૂરાતન કાળમાં સમયે સમયે કોઈને કોઈ પોતાને જગાડતું; તેવા એકાદ નવા `કોઈ’ જગાડનારની રાહમાં.
જેવું સરસ્વતીનું એવું જ સ્મૃતિનું. હજારો દૃશ્યો, શ્રાવ્ય સ્વરો, ઈન્દ્રીયો વડે જાણી શકાતું તમામ. અરે આખો વીગત સમય, છૂપા સર્વરમાં ઠલવાયેલો છે. બરાબર ધરબાઈને ગોઠવાયો છે. કોઈને જડવાનો નથી.
એટલે આ ડૉમમાં, નજરે જે દેખાય છે તેનાથી વધુ આ જગતમાં કંઈ હોય કે હતું, તેની ખર કોઈને નથી. એ જ્ઞાન માત્ર અને માત્ર સર્વરમાં છે. ડૉમની પ્રજાને આ પળથી પહેલાં કશુંક હતું અને આ પળ પછી કશુંક હશે તેનો અણસાર પણ નથી. વ્યક્ત-મધ્યમાં જ જીવતી પ્રજા નિ:સંદેહ, નિર્વિકાર જીવ્યા કરે છે. જીવન એટલે શું, મળેલો સમય એટલે શું? કોઈને ખબર નથી.
જે હોય તે જન્મ સમયે, કાન પાછળ લગાડેલી ચીપ જાણે. સર્વર જાણે. બાકી કોઈને જાણવું પણ નથી. એટલે ચીપમાં છે તેનાથી જુદો શબ્દ કોઈને આવડતો નથી.
કોઈ ખાસ કામ કરતા માણસો માટે કેટલાંક વધારાના શબ્દો ગોઠવ્યા હશે પણ તે શબ્દો સામાન્ય લોકોને સામે બોલાય તો તેમની ચીપ તરત કહેશે, ‘ડિક્સનરીમાં નથી’ અથવા ‘એરર નંબર 36.’
આ પળે જન્મેલા બાળક, ઓ–ટેનને હજી ચીપ બેસાડી શકાઈ નથી. ચાર દિવસ તે ચીપ વગરનો રહેશે. ચાર દિવસ માનું દૂધ પીશે. ચાર દિવસ નાનકડાં હાથ પગ હલાવશે. ચાર દિવસ જાતે મોટો થશે. નીયમ પ્રમાણે તેના ‘ડીલીટ’ થઈ જવાનો સમય ચાર દીવસ લંબાશે.
ભાષા અને બોલીઓ વપરાતી તે સમયના શબ્દોમાં ‘ચાર દિવસની ચાંદની…’ જેવો એક રહસ્યમય પણ અદ્ભૂત સમયનો ટૂકડો આ બાળકને મળ્યો છે.
પાંચમા દિવસે તો ચીપ લાગી જશે. ઓ-ટેન જેને હલાવતો તે નાનકડાં હાથ પગ હવે ઓ-ટેનને ચલાવશે. દરવાજાના સંચાલન માટે પોતાના સ્નાયુઓને તૈયાર કરવાના છે. લાંબી તાલીમ લેવાની છે.
બાળક ચાર દિવસ સચવાઈ રહે તે રીતે તેને મૂકીને દાક્તર કમરાની બહાર નિકળ્યા.
એમ-થર્ટીવન પ્રવેશી. તેણે યંત્રવત બાળકને તેડ્યું અને રોબોટીક કુમાશથી પોતાના ખોળે લઈને છાતીએ ચાંપ્યું.
સચરાચરમાં વ્યાપ્ત ચેતનાએ કંઈ કેટલાયે વરસોથી અટકી પડેલી એક પ્રાકૃતિક ઘટનાની નોંધ તત્ક્ષણ લીધી. બાળકનાં મન, મગજ, શરીરમાં અકલ્પ્ય ઝડપે સંચાર થયો. વરસોથી પ્રસુપ્ત સ્પર્ષ, શ્રવણ, દૃશ્ય બધું જાણે ઝબકીને જાગતું ગયું.
બાળકની વાચાએ અશબ્દ સ્વર વહેતો કર્યો. માતાને કશું સમજાયું નહીં. તેણે સ્વસ્થ શંકારહિત વાક્ય ઉચ્ચાર્યું, ‘ડીક્શનેરીમાં નથી.’
કોઈ શબ્દકોશમાં સમાવી ન શકાય તેવા સ્વરનો માલીક કંઈ કેટલુંયે અનુભવતો હતો. પ્રકૃતિ જાણી ગઈ હતી કે એક લાંબા અંતરાળ પછી અહીંનું કોઈ બાળક માતાની છાતીએ વળગીને જીવન પામી રહ્યું છે. કુદરતે પોતાની અકળ ગતી અમાપ વધારી દીધી. બાળકના મગજના અનેકો કોષ કમલ-દળ જેમ ખુલતાં ગયાં. મેઘધનુ સમા રંગો સજતા રહ્યા. મગજમાં, મનમાં, ચેતનામાં કેટકેટલું સંઘરાતું ગયું.
માતાએ ઓ-ટેનને અળગો કર્યો. પાછો જ્યાં હતો ત્યાં મૂક્યો. જાણે બહુ જ થાકી જવાયું હોય તેમ બાળકને ઊંધ ઘેરી વળી.
કુદરત તો સદાય જાગતી રહે છે. તેણે પોતાનું કામ અટકાવ્યું નહીં. ઊઘતા બાળકના મગજમાં કંઈનું કંઈ ચાલતું રહ્યું.
એમ-થર્ટીવન ગયા પછી કમરામાં જે કોઈ આવ્યું તેણે ઊંધતા બાળકના હોઠની, કપાળની, બંધ આંખોની કંઈ કેટલીયે વિવિધ હલચલ જોઈ.
ડૉમમાં લોગઑફ થઈને ઊંધતા કોઈ પણના મો પર આવા ભાવો ક્યારેય ન થતા. આ છોકરાના ચહેરા પર કશુંક નવતર થતું જોનારાને સહેજ પણ નવાઈ લાગી શકતી હોત તો આ વાત આગળ ક્યાંક તો પહોચી જાત; પરંતુ નવાઈ પામવાની ક્ષમતા જેટલું નસીબ કોઈની ચીપમાં લખાયેલું નથી હોતું.
પાંચમાં દીવસે નવી ચીપ લગાવાઈ. ઓ-ટેન જાગતો હોત તો તેની કેઈ હરકત કે છેવટે આંખની ચમક જોઈને પણ દાક્તરને તેના મન, મગજની ગતી ચકાસવાનું મન થાત. દાક્તર પ્રવેશ્યા ત્યારે તે ઊંધમાં હતો. તેને ઊંઘતો જ અભાન કરી દેવાયો.
બધાને કાન પાછળ લાગતી ચીપ, આ બાળકને ખભા અને ગળાના વળાંક પાસે લગાડવાની હતી. દાક્તરે યોગ્ય જ્ઞાનતંતુ શોધ્યા. બરાબર ચકાસ્યા. ચીપના વાળ જેવા પાતળા સ્નીગ્ધ તારને તે તંતુઓ સાથે જોડ્યા. બાળકના શરીરે આછો ઝટકો ખાધો. ઓ-ટેનના હૃદયને ચલાવતી તેની આંતરિક, પ્રાકૃતિક ઊર્જા તેની ચીપને પણ મળતી થઈ ગઈ હતી. હવે થોડી પળોમાં ચીપ તે પ્રાકૃતિક ઊર્જા પ્રણાલીને પણ પોતાના કાબુમાં લઈ લેશે.
દાક્તરે નિરાંતનો શ્વાસ લીધો. લાખો મનુષ્યોનું સંચાલન કરતી ડૉમની તંત્ર, પ્રણાલી સાથે ઓ-ટેન જોડાઈ ગયો હતો. હવે એક દિવસનો આરામ કરી લે એટલે ધા રુઝાઈ જશે. ચામડીના કોપા પૂરાઈ જશે. ચીપ દેખાશે પણ નહીં.
સાંજે ઓ-ટેન પડખું ફરી શક્યો. જન્મ પછીની છઠ્ઠી સવારે તે પડ્યો હતો ત્યાંથી એક નાની ટ્રેએ બે નાની પટ્ટીઓ લંબાવીને તેને ઊંચક્યો. તેને લઈને ટ્રે થોડી આગળ-પાછળ ફરી અને લેબની બહાર ચાલી.
બહાર. હા, આવો, તમે પણ લેબ બહાર આવો. એક જ દરવાજો ધરાવતો, લેબ ગણતો કમરો જમીનથી સીત્તેર ફૂટ ઊંચે, બે માણસ ઊઊભા રહી શકે તેવી અટારીમાં ખૂલે છે. બારણા બહાર આવીને જરા નીરખો તો ખરા!
અનંત ફેલાયાલા લાગતા ડૉમની છતને વળગીને ક્ષીતિજેથી સતત આવ-જા કરતી નાની ટ્રેનો, નીચે રસ્તા પર અનેકોને વહી જતી લાંબી બસો. જુદા જુદા અનેક કામે વળગેલા મનુષ્યો. ચારે તરફ રોશની અને કોઈના મો પર શોક નહીં.
અરે, અરે, ત્યાં, સામે તો જુઓ, પેલો વિજળીના તારને તપાસતા, તંદુરસ્ત દેખાતા યુવાનને અચાનક શું થયું? તેના કાન પાછળ પીળો પ્રકાશ થયો. એ તો કામ છોડીને નીચે ઊતર્યો, હથીયારો એક તરફ ગોઠવ્યાં.તેની જગ્યાએ તેના કરતા ઘણો નાનો છોકરો કામ પર લાગી પણ ગયો. પેલો તો આ ચડ્યો પેલી શૂન્ય નંબરની બસમાં!
તમે આ અટારીમાંથી જ એકાદ લટકતી ડ્રેનમાં બેસીને તે બસનોે પીછો કરો તો જાણશો કે આવી શૂન્ય નંબરની બસો આખા શહેરમાં ફરતી રહે છે. કેટકેટલી જગ્યાએથી આવા, કાન પાછળ પીળા પ્રકાશવાળા યુવક, યુવતીઓ બસમાં ચડ્યા જ કરે છે. વિવિધ સ્થળેથી ચડેલા બધા યાત્રીકો ઉતરે છે માત્ર માત્ર એક જ સ્થળે. એક નાના મેદાનમાં
મેદાનમાં ઊતરીને બધાં પોત-પોતાના માપે પાથરેલા કાળા કાગળ પર જઈને સૂઈ જાય છે. પછીના ક્ષણાર્ધમાં નાની સીટી વાગશે. તરત બધાના કાન પાછળ પ્રકાશિત અક્ષરે ‘ડીલીટ’ લખેલું ઝબકશે. ફૂગ્ગો ફૂટતો હોય તેમ ’ફટ્ટ’ અવાજ સાથે સૂતેલા શરીરો થોડો આંચકો ખાઈને સાથે ભયાનક રીતે શાંત થઈ જશે. જો તમે માનતો હો તો તે બધાની મુક્તિ માગજો.
જો ન માનતા હો તો કંઈ નહીં; પણ ના. અહીં તમારે યક્ષનો પ્રશ્ન કે યુધિષ્ઠીરનો ઉત્તર કશુંયે યાદ કરવાનું નથી. યાદ આવે તો ગણતરીમાં લેવાનું નથી. આજ સુધી કોઈએ લીધું નથી.
એથી કરીને તો મૃત્યુને આરે ઊભેલી પૃથ્વી પરના અનેક ડૉમ હજીયે આટલા નિષ્ફીકર અને જીવંત છે!
– ધ્રુવ ભટ્ટ
આ ભલે નવલકથા હોય પણ આ દિવસો હવે દુર નથી.
બિજા ભાગ નિ રાહ!!!. આતિ સુન્દર.આભાર.
I am not sure for putting all chapters on this pages. Because my publisher will not like that his publication is a pre-Read book
જેમ તમને યોગ્ય લાગે એમ ધ્રુવ દાદા,
અમે તમારી આ નવલકથા આવે એટલે એ પુસ્તક રૂપે ખરીદવા પણ હંમેશાની જેમ તૈયાર જ છીએ.
અમને પુસ્તક રૂપે પણ આ નવલકથા વાંચવી પણ ગમશે દાદા………………………
આપના પ્રકાશકની ભાવના આંખમાથા પર. પરંતુ, આતુરતાભરી ઇંતેજારી રહેશે, “આગળ શું થાય છે” ની.
ચેતન્યભાઈ,
માર ઇચ્છા તો છે કે બધા જપ્રકરણો એકપછી એકસૂકતો જોઉં. પણમારા પ્રકાશકોને તેનાથીઘણું નુકસાન થાય તેવું મારે ન કરાય. વળા હજી આજ લખાણ ફાઈનલ થશે તેવી ક્યાં ખબર છે? તમારા પ્રતિભાવો, અપેક્શા, એડીટકરતાં થતાં ફેરફાર અને અંતિમ તો પાત્રો જ્યાં પહોંચે ત્યાં કથા જશે. એટલે ફાઈનલ થયા પહેલાં વાંચીને પણ આખરે કંઈક જુદું વાંચવાનું થાય. તોવું બને
તે કરતા રાહ જોવી વધુ સારીને?
હા. તમને કંઈ સૂઝે તો સજેસેટ કરવાની છૂટ છે.
તુમુલભાઈ તમારા પમાં સૂચન જેવું જ મને સૂઝે છે કે એ ચિપ વિનાના કુદરતી રીતે પસાર થયેલા ચાર દિવસ જ આ નવલકથાની પૃથ્વીમાં ફરી નવા જ પ્રાણ ફૂંકશે……………………………………..
બીજા ભાગની ખૂબ જ આતુરતા પૂર્વકની રાહમાં………………………………………………..
જી રવી ભાઈ.
એવું થઈ પણ શકે.કારણ કે ઓ-ટેનનું મગજ ચાર દીવસમાં ઘણું વિકસ્યું છે.સામાન્ય રીતે વિકસે એના કરતાવદારે કારણકે કુદરતને કટોકટીની જાણ થાય ત્યારે તે ઘણી ઉતાવળે કામ કરે છે. આ બધાના અનુભવમાં છે. તમને બીજું શું સૂઝે છે તે ફણ કહી શકો છો.
ધ્રુવ
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ધ્રુવ દાદા મારી કોમેન્ટનો જવાબ આપવા માટે આપનો ખૂબ આભાર……….
ખૂબ જ આનંદ થયો કે તમે જવાબ આપ્યો.
રહી વાત મને શું સૂઝે છે એની તો આગળ બોવ વધુ કઈ સૂઝતું નથી અને મૂળે હું વાચક જીવડો લેખનમાં ફાવટ નહિ ધ્રુવ દાદા…
પણ તમારા જવાબ પછી વિચારવાનો પ્રયાસ કર્યો પણ આગળ કઈ વધુ વધી શક્યો નહિ. હજુ થોડા પ્રકરણ આગળ અહીં પ્રસ્તુત થાય અને એના વાંચન પછી કદાચ થોડા વિચારો આવે કદાચ, અત્યારે તો નથી આવતા.
ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર ધ્રુવ દાદા.
આપનો હંમેશા આદર કરનાર,
રવિ
અરે વાહ…………….!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ધ્રુવ દાદાની નવલકથા અને એ પણ પાછી ઓનલાઇન……………
સાથે સાથે તેમની સાથે ચર્ચા પણ થઇ શકશે, આ વિચારીને જ ખૂબ મજા આવે છે.
ધ્રુવ દાદા મારા પ્રણામ……
હજુ પ્રકરણ વાંચવાની શરૂઆત નથી કરી. થયું પહેલાં આવા સરસ કાર્ય બદલ જિજ્ઞેશભાઈનો આભાર માની લઉં.
જિજ્ઞેશભાઈ આવા ઉમદા કાર્ય બદલ આપનો ખૂબ ખૂબ આભાર……………………………..
વાહ… જબરદસ્ત. એક સુપર સાયન્સ ફિક્શન વાચવા મળશે તેનો આનંદ છે. આ પ્રકરણ વાંચ્યા પછી પ્રતિભાવો વાંચ્યા. તુમુલભાઈએ સારી છણાવટ કરી છે. મને એવું લાગે છે (ફિલ્મો જોઈને ખાસ તો) કે શું ઓ-ટેનને તેના એનઆરપી (નોન રેસીડેન્સીઅલ પ્લેનેટ વાસી… પૃથ્વી પરથી અન્ય ગ્રહ પર સ્થળાંતરીત્) મિત્રોની મદદ મળશે? ડોમની બહાર કુદરત પોતાની અકળ લીલા વડે પ્ર્કૃતીમાં ફેરફાર કરશે? ઓ-ટેન કે જે ભાષા પ્રત્યે સંવેદન ધરાવતો હશે તેને પૃથ્વી કે અન્ય ગ્રહ પરના મિત્રો જોડે ભાષાકીય વ્યવ્હાર થશે? અને ખાસ તો શું ઓ ટેન પર ચીપની તાકાત હર હંમેશની જેમ કામયાબ રહેશે?
ગોપાલ ભાઈ,
તમારા બધાની જીજ્ઞાસા અને ઉત્સાહ જોઈને મજા પડે ચ અને થોડી જવાબદારી વધતી પણ લાગે છે કે તમારી અપેક્ષા સંતોષી શકે તેવી કથા બનશે કે નહી.
અમુક હદ સુધીનું લખાઈ જાય અને પાત્રો આકાર લઈ લે પછી કોઈ છૂટ મળતી નથી. પાત્રનો નકશો બદલવો લગભગ અશક્ય હો. સિવાય કે એકદમ નાટકીય રીતે કંઈર રચના કરો.
એટલે પાત્રો દોરશે તેમ જશે વાત.
કદાચ નિસરશા કરું તો તે પણ એક સાજ ગણજો.
ધ્રુવ
તમારી વાર્તાથી અમે નિરાશ થઈએ જ નહીં. તમારા પાત્રો સાથે તો અમે પણ એ જિંદગી જીવીએ છીએ. (ખરું કહું છું, મમારા ઘણા મિત્રોએ આ વાત કહી.). અપેક્ષા નો સવાલ જ નથી… તમે જે રાઈડમાં બેસાડશો તેનો આનંદ લેવા અમે તૈયાર છીએ.
તુમુલભાઈ હર્ષદભાઈ તથા હંસા જી,
તમારા પ્રતિભાવો જોયાં. તુમુલે ઘણી શક્યતાઓ ખોલી આપી તેમાંની એકાદ શક્યતા તરફ કથા જશે તે તેને ક્રેડીટ આપ્યા વગર નહીં રહું.
સાચુ પૂછો તો મારા મનમાં હજી મારે ક્યાં જવું તે ચોખ્ખું નથી. પાત્રો પોતે જ ક્યાંક સારી જગ્યાએ જ લઈ જશે એવી ખબર પડે છે. કંઈ પ્લાન કર્યા વગરનું જે આપો આપ આવે છે તેની મોજ બહુ પડે છે.
એક ઉદાહરણ શેર કરું, એક પ્રસંગે એવું વિચારેલું કે નાયક પોતાની ચીપ કાઢીને ફગાવી દે. એટલી કલ્પના કરી કે તરત જ મનમાં જાગીને આંગળામાં (કી-પેડ પર) આવા શબ્દો આપોઆપ ઉતરી આવ્યા, ‘ત્રીસ વરસનું નક્કી આયુષ્ય ઘરાવતા ઓ-ટેનનું જીવન હવે ક્ષણભંગુર હતું.’
આવું જે અચાનક આવી ચડે છે તે વિચારીને નથી સૂઝાડી શકાતું. લખવા વાંચવામાં મોજ આવી વાતોની જ છે.
તમે કોઈ પણ અહીંથી જ આ કથા આગળ ચલાવવા ઈચ્છો તો લઈ લઈ શકો છો. મને તો ગમે કે આપણે સાથીદાર રહીને લખીયે. તે પણ બને.
ધ્રુવ
જિગ્નેશભાઈ,
આ કથાનું નામ તો ‘ના’ રાખેલું છે. એક જ પ્રકરણને અલગથી સેવ કરવા જતાં એક નામની બે ફાઈલ ન બને તે માટે મેં તે ફાઈલને ડૉમ નામ આપેલું.
ટાઈટલ વગર કથાનું પ્રકરણ માકલવા બદલ હું આપની તથા ભાવકોની ક્ષમાને પાત્ર છું?
ધ્રુવ
અરે ધ્રુવભાઇ કોઈ જ વાંધો નહિ.. શીર્ષક તમે સૂચવ્યું એમ બદલી દીધું, એમાં શું.
વાચવા મળ્યું એ જ મનગમતી અને મોટી વાત.
Pingback: ધ્રુવ ભટ્ટની આગામી નવલકથા “ના”નાં પહેલા પ્રકરણ વિષે એક નોંધ | | રઝળપાટ
૧. ધ્રુવ દાદાએ સાય-ફાયની સાવ નવી જ જોન્રેમાં ખેડાણ કર્યું એ અત્યંય હરખની વાત. તેમની ટ્રેડમાર્ક સહજતા આ જોન્રેમાં પણ બરકરાર છે !
૨. અંગ્રેજીમાં કલાયમેટ ચેન્જ, રોબોટિક માણસો વાળી ફ્યુચરીસ્ટીક પૃથ્વી વાળી અસંખ્ય વાર્તાઓ, નવલકથાઓ, શોર્ટ ફિલ્મ્સ, ફિલ્મ્સ અને ટી.વી. સીરીઝ આવી ચુકી છે. ડોમની કલ્પના પણ બે – ત્રણ જગ્યાએ જોયેલી / વાંચેલી છે. છતાં અહી ધ્રુવ દાદાની આગવી દ્રષ્ટિ વડે કંઇક નવું અને પ્રગલ્ભ સત્ય ઉજાગર થશે એવી ખાતરી છે.
૩. ઉપરાંત પ્રથમ હરોળના સાહિત્યકાર જ્યારે આવું પ્રયોગાત્મક લખે તો એ આવકાર્ય પગલું.
હવે શું થશે એ વિષેની કેટલીક ધારણાઓ અને પ્રશ્નો –
૧. “વરસો પહેલા અમારા પક્ષે કહ્યું હતું કે સ્ત્રી વગર લેબમાં બાળકો બનાવી શકાય તો એ કરવું જોઈએ. એક નેતા તો કહેતા કે એમનું ચાલે તો પુરુષોના સાથળમાં બાળકો ઉછરે. અમારા પક્ષનું માન્યું હોત તો આજે આ ફિડીંગ-બીડીંગની માથાકૂટ તો ન થાત!’
‘જી.’ દાક્તરે ઉત્તર આપ્યો, ‘તે વખતની એસેમ્બ્લીએ આ સૂચન વિશે વિચારેલું. ત્યારે આપણા પક્ષમાંથી પણ માના પેટે જન્મેલા બાળકો વધારે શ્રદ્ધેય હોય..’”
^^^ આ મુદ્દા પર કંઇક આગળ આવી શકે? લગભગ બધી જ ગુજરાતી સ્ત્રી લેખિકાઓના લખાણમાં નારીવાદનો એક આંતરપ્રવાહ હોય જ છે (કેટલાકમાં ક્ષીણ તો કેટલાકમાં પ્રબળ). અને એમાં કઈ ખોટું પણ નથી. ધ્રુવ દાદાના સ્ત્રી પાત્રો પણ ખુબ સમર્થ રહ્યાં છે. તો શું નવી નવલકથામાં પણ આ વિષે કંઇક હશે કે પછી આ વિધાન માત્ર અહી પુરતી એક ટીપ્પણી તરીકે રહી જશે ?
૨. ડોમની લોકશાહી અને તેમાં સ્વતંત્રતાનો આભાસ, કહેવાતા માનવાધિકાર પંચ અને તેમનો શાસકો દ્વારા મરજી મુજબનો ઉપયોગ, બધી જ સગવડ હોવા છતાં રોબોટ જેવું જીવન જીવતો સામાન્ય માણસ, વિચારવું ન પડે એ આદર્શ સ્થિતિ, ઈતિહાસ વિષેનું અજ્ઞાન – આ બધી બાબતો જે ખરેખર તો આજની રાજકીય – સામાજિક સમસ્યાઓ છે, તેમની પર એક ભાવિ સૃષ્ટિના માધ્યમથી ટીપ્પણીઓ વાંચવા મળશે.
૩. એવી જ રીતે પર્યાવરણ પ્રત્યેની બેજવાબદારી, કલાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસર વિષે પણ ટીપ્પણીઓ વાંચવા મળશે. અકુપાર – સમુદ્રાન્તિકે – તત્વમસીની જેમ માણસ કરતા પ્રકૃતિ અનેકગણી વધારે બળવાન અને સમજદાર છે એ વાત પણ અધોરેખિત રહેશે. તેની સાથે ચેડાં કરવાથી કેવું વરવું પરિણામ આવી શકે એની શક્યતાઓ પણ કદાચ હોય …
૪. “વરસો પહેલા બંધારણ સુધારણા સમિતિ સામે ઠરાવ તો આવેલો, ‘ચાલો, આખી ભાષા જ ભૂંસી નાંખો. અરે બિનજરૂરી બધુંય રદ જ કરો ને!’
સારું થજો કેટલાંક સભ્યોનું; જેમણે બંધારણમાં સઘળું ભૂંસી નાંખવાને બદલે તેને અલગ સંઘરવાનો સુધારો આગ્રહપૂર્વક સૂચવેલો. એત વખતની એસેમ્બ્લીએ સુધારો સ્વીકારીને જૂનું ભૂંસવા લાયક લાગતું બધુંયે એક ખાસ સર્વરમાં ભરી રાખવાનો નિર્ણય લીધો.
એટલે ડૉમમાં ભાષા છે. ભલે વપરાતી નથી. કોઈને આવડતી નથી. કોઈને માટે જરૂરી ગણાતી નથી. કોઈ ચિપમાં મૂકાતી નથી પણ છે ખરી.
હા, સરસ્વતી દૂર, અજાણ્યા સર્વરમાં એ સૂતી. પુરાતનકાળમાં સમયે સમયે કોઈ પોતાને જગાડતું; એવા એકાદ નવા કોઈની રાહમાં..”
^^^ ભાષાનો માણસની બૌદ્ધિક, ભાવાત્મક અને સામાજિક ઉત્ક્રાંતિમાં કેટલો અમુલ્ય ફાળો છે એ વિષે પણ કંઇક હશે.
૫. અને સૌથી વિશેષ એ બાળક ચીપ વગરના ચાર દિવસમાં માતાના ધાવણ અને અન્ય જે પણ પામ્યું હતું તેને લીધે શું થશે? કંઇક એટલું અદભુત અને વિરાટ કે જેને લીધે તેની અને આખી ડોમ સંસ્કૃતિનું ભવિષ્ય બદલાઈ જશે … ? કે પછી કંઇક સુક્ષ્મ જેમાં સારમેયની જેમ એ તેના સંપર્કમાં આવતા લોકોનું જીવન બદલશે … ?
ધ્રુવ દાદાની આ નવલકથાની ખુબ જ ઇન્તેજારી અને તાલાવેલી તો છે જ. પણ સાથે એવું પણ થયા વગર ન રહે કે સાલું મેં આ લખી હોત તો કેવી મજા આવત !
તુમુલભાઈ તમારા પમાં સૂચન જેવું જ મને સૂઝે છે કે એ ચિપ વિનાના કુદરતી રીતે પસાર થયેલા ચાર દિવસ જ આ નવલકથાની પૃથ્વીમાં ફરી નવા જ પ્રાણ ફૂંકશે……………………………………..
બીજા ભાગની ખૂબ જ આતુરતા પૂર્વકની રાહમાં………………………………………………..
अवांछित अंत तरफ धकेलातु जतु मानव जीवन. उपकरणोना विश्व तरफ धसमसतो मानव प्रवाह. डॉम एक एवी दृश्य सृष्टि सर्जे छे के जेनी कल्पना करता महाकालना भनकारा संभलाय. बाईटस माँ (चिप्स) जीवातु जीवन शुं कुदरती जिवाता जीवन करता वधु सारु होई शके? आ प्रश्न पडघाय छे… डॉम अने चिप आधारित जीवनमा मनुष्य अकर्मण्यतानी गर्तामा धकेलाई जाय…मानवता, संवेदनशीलता, समसंवेदना, करुणा, प्रसन्नता, सुख, समृद्धि अने सामर्थ्य जेवा शब्दोने संकोचाईने शून्य्मा समाई जवू पड़े. जेनी कल्पना न करी शकाय एवी आ कथानो सकारात्मक अंत केवी रीते आवशे ए जानवानी उत्सुकता केमेय रोकी शकाती नथी…
આભાર હર્ષદભાઈ
-કે તમે આ કથાનો અંત સકરાત્મક આવશે તેવો ીવશ્વાસ રાખ્યો. ભલે અને કેવી રીતે આવશે તે આપણે બેમાંથી કોઈ જાણતા નથી. પૂરાણ કથિત અગાઉના પ્રલયો વખતે શું થયું હશે તેની કલ્પનામય વાતો આપણી પોસે છે જ. એટલે કોઈ અવતાર ધે અને ધતીને ઉગારે તે કહેવાનો અર્થ નથી.. નવું શું કરવું તે મને નથી જડતું. તોયે ચાલો આપણે બેઉ અને બીજા મિત્રો પણ શ્રદ્ધારાખીએ કે સકારાત્મક અંત આવે. તેવું જ બને. કોઈ વાત કોઈ પાત્ર મળી આવે.
લખાતું હોય ત્યારે સર્જક પાત્રો પોતે જ હોય છે. આપણે નથી હોતા તે સત્ય મને સમજાઈ ગયું છે એટલે કોઈ સૂચન,કરે તો વાંધો નથી આવતો. જો મારું પાત્ર સૂચન સ્વીકારશે તો ભલે, પુસ્તક એમ વાત કરશે.
તમને વિચાર આવે તો સજેસ્ટ કરજો.
ધ્રુવ
વાહ, તદ્દન નવેી અક્લ્પ્નિય શ્રુશ્ટિ ! આ પળ થેી જ ઇન્ત્જાર શરુ થઈ ગયો…