મારો બાંધવગઢનો પ્રવાસ – હિરલ પંડ્યા 21


કૃપા કરીને નિરાશ થતા નહીં જો તમે અમને જોયા ન હોય તો, અમે તમને જરૂર નિહાળ્યા હશે!- બાંધવગઢના ટાઇગર

જ્યારે તમે માર્ચ-એપ્રિલમાં મારા વતનમાં પગ મૂકશો તો કેડીની બન્ને તરફ મઢેલા પલાશ ઉર્ફે ખાખરા (ખાવાના નહીં હોં!)ના વૃક્ષો પોતાના ઉગ્ર કેસરિયા રંગથી તમારું સ્વાગત કરશે. થોડો ઠંડીનો ચમકારો મહેસૂસ કરશો અને સાથે મહુડાનાં ફૂલોની માદક મહેક તમને તરબતર કરશે. જ્યાં જ્યાં તમારી નજર ફરશે, ત્યાં જંગલ દેખાશે. ક્યાંક “વાહન ધીમે હાંકો” લખેલા બોર્ડ હશે તો ક્યાંક “પહેલા વન્યપ્રાણીઓને માર્ગ ક્રોસ કરવા દો” લખેલા, કારણ તમે મારી કર્મભૂમિમાં છો. નામ છે બાંધવગઢ! મધ્યપ્રદેશનું એક ગામ જે પોતાના ટાઇગર રીઝર્વ માટે નામાંકિત છે.

અરે! પણ મેં તો મારો પરિચય તમને આપ્યો જ નહીં. હું, ટી ૭૧ ઉર્ફે પન્નાલાલ, ૬ વર્ષનો બંગાળ ટાઇગર. આમ તો પ્રવાસલેખ લખવા એ મારું કામ નથી પણ એ તો આ હિરલ નામનું મનુષ્ય મને મળવા મધ્યપ્રદેશ આવ્યું હતું તો મેં વિચાર્યું, હું જ મારા વતનની માહિતી તમને એના લેખ દ્વારા પહોંચાડું.

બાંધવગઢ ટાઇગર રીઝર્વ પોતાના દરવાજા ઓક્ટોબરથી જૂન સુધી જન સામાન્ય માટે ખુલ્લા મૂકે છે. વર્ષારાણી જ્યારે જુલાઈ મહિનાથી ધરતીને ટાઢક આપતા હોય ત્યારે જંગલને સફારી માટે બંધ કરવામાં આવે છે. બાંધવગઢનું જંગલ વિંધ્યની પર્વતમાળામાં વિસ્તરેલું છે. અમારું જંગલ આમ તો કાયમ લીલુંછમ્મ હોય છે જેનો આભાર મારે સાલ, બાંબૂ, પીપળો, જાંબૂ જેવા ઘણાં વૃક્ષોને આપવો રહ્યો. સાથે આયુર્વેદ માટે આવશ્યક ઔષધીય વનસ્પતિઓ પણ અહીં ઉપલબ્ધ છે. વરસાદ પછીના બે-ત્રણ મહિના આખો વિસ્તાર લીલોતરીથી હરખાઈ ઉઠે છે. આ સમયે જંગલમાં યાયાવર પક્ષીઓ અમારા મહેમાન બને છે. પણ મારો પ્રિય સમય જાન્યુઆરીથી માર્ચનો છે. વાતાવરણ ઠંડુ હોય છે. પલાશના વૃક્ષો પર લહેરાતા કેસરિયા ફૂલ અને મહુડાનાં મધમધતા પીળા ફૂલો, તમારા શબ્દોમાં કહીયે તો જંગલ વધારે ફોટોજેનિક બની ગયું હોય છે! એપ્રિલથી જૂન આકાશમાંથી ઘણી ગરમી ફેંકાતી હોય એવું લાગે છે. પાણીની તલપ વધારે લાગતી હોવાથી જલકુંડ તરફ અમારા આંટા વધી જાય, એમાં તો મનુષ્યોથી ભરેલી જીપોની પડાપડી થઈ જાય બાપા..!. તમને અહીં બંગાળ ટાઇગર, ચિત્તા, સાંબર, હરણ, જંગલી ભૂંડ, નીલગાય, ગૌર, ચૌશિંગા, શિયાળ, ચિંકારા, હાઈના, રીંછ અને ભૂરા લંગુર જેવા પ્રાણીઓ જોવા મળશે. મેં સાંભળ્યું છે અહીં અમે ૨૫૦ થી પણ વધુ જાતના પક્ષીઓ સાથે રહીએ છીએ.

ટાઇગર રીઝર્વમાં ત્રણ કૉર (મુખ્ય) અને ત્રણ બફર ઝોન છે. પ્રાણીઓને આમતો ઝોનથી કાંઈ લેવાદેવા નથી, અમે તો ગમે ત્યાં ભમતા હોઈએ. વાઘણ વધારે દૂર સ્થળાંતર નહીં કરતા જ્યાં જન્મી હોય ત્યાં નજીકમાં જ મોટી થાય છે. જ્યારે વાઘ એક વાર પોતે શિકાર કરવા માટે સક્ષમ થાય તો ત્રણ-સાડા ત્રણ વર્ષની ઉંમરે પોતાનો સ્વતંત્ર પ્રદેશ શોધી તેના પર રાજ કરવા નીકળી પડતા હોય છે. હવે હું તમને કહું અમે કેવી રીતે ટેરિટોરિયલ (પ્રદેશનું) માર્કિંગ કરીએ છીએ. તો પહેલા અમારે એવો કોઈ વિસ્તાર શોધવો પડે છે જ્યાં બીજો કોઈ વાઘ રહેતો ના હોય. ઘણા નાના પ્રાણી અને જલકુંડ મળી જાય એટલે આપણી પેટપૂજાનો બંદોબસ્ત આરામથી થઇ શકે. જો કોઈ વાઘ રહેતો હોય અને તમને વધારે શક્તિ પ્રદર્શનનો શોખ હોય તો એ વિસ્તાર માટે લડવું પડે, બેઠાં-બેઠાં પૈસા આપી કામ ના થાય અહીંયાં ભાઈસાબ! હવે જો કોઈ એવો પ્રદેશ મળી ગયો જ્યાં હમણાં કોઈ વાઘ રહેતો ના હોય, તો એવા વિસ્તારમાં અમારે માર્કિંગ કરવું પડે કે ભાઈ હવે “હું” અહીં આવી ગયો છું. પહેલા અમે વૃક્ષો અને તેની આજુબાજુનાં પરિસરમાં યુરીન (મૂત્રવિસર્જન) કરી માર્કિંગ કરીએ છીએ. અમારા યુરીનમાં એવી વિશેષતા હોય છે કે એની ગંધ લાંબો સમય રહે છે. બીજું, વૃક્ષો પર નખનાં નિશાન કરીને અમે વિઝ્યુલ (જોઈ શકાય એવું) માર્કિંગ કરીયે. પેટપૂજાની વાત કરું તો અમારો ખોરાક નાના અને મધ્યમ કક્ષાના પ્રાણીઓ હોય છે, જેવા કે સાંબર, ગૌર, ચિતલ, જંગલી ડુક્કર, નીલગાય. હું સામાન્ય રીતે રાત્રે અને એકલો શિકાર કરું છું. ઝાડીઓમાં ગુપ્ત રહી જ્યારે શિકાર નજીક આવે ત્યારે તરાપ મારુ છું. હું સીધો શિકારનાં ગળા ઉપર પ્રહાર કરું છું, અને જ્યાં સુધી શિકાર મરી ના જાય ત્યાં સુધી ગળા પર વળગી રહું છું. તમને જાણ હશે જ કે વાઘની કૂદવાની ક્ષમતા જબરદસ્ત હોય છે; હું નવ-દસ મીટર સુધીનો કૂદકો લગાવી શકું છું.

અમારા જંગલની એક જબરદસ્ત વાત કહું તો અહીં બધા પ્રાણીઓ એકબીજાનાં ખોરાક શૃંખલાનો ભાગ છે. મારો કહેવાનો મતલબ એમ છે કે એકબીજાને ખાઈને જંગલનું બેલેન્સ જળવાઈ રહે. પણ જો અમે મસ્ત રાજ કરી આયખું પૂર્ણ કર્યું હોય, કે કોઈ સાથે લડાઈમાં માર્યા ગયા હોય તો સ્વમાનથી મર્યા કહેવાય. પણ આ માનવીઓનું કાંઈ ખરું નથી. ઘણાં અમને જોઈ ઘેલા થતા હોય, ઘણા અમારાં સંરક્ષણ માટે કટિબદ્ધ હોય, અને કેટલાક શિકાર કરે, પ્રાણીઓની તસ્કરી કરે! એમાં સાલું આપણને બહુ લાગી આવે. કુદરત પાસેથી તમે લઈ તો લો છો, પણ પાછુ કેવી રીતે આપશો?

જંગલના પ્રાણીઓ પાસેથી તમારે શિખવા જેવી એક વાત એ કે આજ માટે જીવો, બલકે આ ક્ષણ માટે જીવો. અમારું ટેન્શન ખાલી હમણાંની ભૂખ સંતોષવાનું છે. હરણ ને જાણ નથી હોતી કે એ કાલની સવાર જોઈ શકશે , કે રાત્રે જ કોઈ વાઘ કે દીપડાનો શિકાર બની જશે? દરેક દિવસ તેમના માટે નવો દિવસ હોય છે.

આવી જ એક નવી સવારે હું શિકાર કર્યા પછી આરામ ફરમાવવા જગ્યા શોધી રહ્યો હતો અને મારી સામે આવી ને ઊભી એક જીપ્સી. હું પાછળ વળ્યો ત્યાં સામેથી આવતી બીજી જીપ્સીએ મને જોતા ઓચિંતી બ્રેક મારી, અંદર બેઠેલા મનુષ્યો તો મને અચાનક આમ જોતાં ગાંડા-ગાંડા થઈ ગયા. હું થોડો અંદર ઝાડીઓ તરફ ગયો. બે દિવસથી આમ તો હું કોઈ ને દેખાયો ન હતો. તેમનો ઉત્સાહ જોઈ મને આનંદ થયો! બહુ ઊંઘ ચઢી હતી પણ વિચાર્યું, “એક શોટ તો બનતા હે! બિચારા આટલા દૂરથી આવ્યા છે”. હું વધારે તેમના તરફ ધ્યાન ના દેતા પાછો બહાર નીકળી મદમસ્ત ચાલે સામેની ઝાડીઓમાં અલોપ થઈ ગયો…

હવે હું આરામ ફરમાવવા બેસી રહ્યો છું તો આ લેખને આગળ ધપાવવાનું કાર્ય હિરલને સુપ્રત કરી હું તમને ટાટા-બાય બાય કરુ છું. તમે ક્યારેક આ તરફ ભૂલા પડ્યા, તો ભટકાઈ જઈશું!

***

વાઘ જોવાની ઉત્કંઠામા હું આખી રાત ઊંઘી ન હતી. એવું ન હતું કે હું પહેલી વાર કોઈ ટાઇગર રીઝર્વમાં પગ મૂકી રહી હતી. હું ૪-૫ વર્ષ પહેલાં જિમ કોરબેટ નેશનલ પાર્ક ગઇ હતી. ખોળતા- ખોળતા મારી આંખો થાકી ગઇ હતી પણ એક વાઘ સુધ્ધા નજરે પડ્યો ન હતો, અને હું હતાશ થઇ પાછી ફરી હતી. એટલે મારી બધી ઉમ્મીદો આજ સવારની એકમાત્ર સફારી પર હતી કારણ અમને એકજ સફારીનું બુકિંગ મળ્યું હતું. જો બે-ત્રણ સફારી કરો તો તમારા વાઘ જોવાનાં ચાન્સ વધારે હોય, પાછું અમને ખિતૌલી ઝોન મળ્યો હતો જ્યાં બે દિવસમાં કોઈ ટાઇગર સ્પોટિંગ(દેખાવું) થયું ન હતુ.

સવારે સાડા પાંચ વાગે જીપ્સી અમને હોટેલ પર લેવા આવી ગઇ. સફારી છ વાગે શરુ થવાની હતી તેની પહેલા ટાઇગર રીઝર્વના રીસેપ્શન સેંટર પર જઇ તમારી પરમિટ દેખાડવી પડે. સાથે તમને એક ગાઈડ આપવામાં આવે. બાંધવગઢ ટાઇગર રીઝર્વમાં તલા, મગધી અને ખિતૌલી નામના ત્રણ કોર ઝોન છે. જેમાં તલામાં ટાઇગર દેખાવવાની સૌથી વધારે સંભાવના હોય છે. પરમિટનું બુકીંગ ઓનલાઈન થતું હોવાથી બે-ત્રણ મહિના પહેલાં બુકિંગ કરવું પડે છે. બાંધવગઢમાં કોર ઝોન -૭૧૬ ચો. કિલોમીટર, બફર ઝોન -૮૨૦ ચો. કિલોમીટર વિસ્તારેલો છે.

છ વાગે અમે ખિતૌલી ઝોનના ગેટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં ગેટ પર સ્થાપિત કેબિનમાં પરમિટ અને દરેક મેમ્બરના ઓળખપત્ર બતાવી અમે જંગલમાં પ્રવેશ કર્યો. પરોઢે પોતાની પાંપણો ખોલી હતી, નવા દિવસનાં આગમનની ખુશીમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. વાતાવરણમાં રહેલી મહેક અમને આવીને વળગી રહી હતી અને જંગલની વધારે જાણકારી મેળવવા મેં અમારા ગાઈડનું માથું ખાવાનું શરૂ કર્યું. અમારા ગાઈડ જબરા સ્પોટર હતા. તેમણે અમને કહ્યું કે પહેલા આપણે જલ્દીથી એવી જગ્યાએ ફરી લઈએ જ્યાં વાઘ દેખાવવાની સંભાવના વધારે હોય છે. વહેલી સવારે તેઓ શિકાર કરવા નીકળે છે, જો પાણી પીવા નીકળ્યા હોય અને એક વાર કશે બેસી ગયા તો પછી આટલા ગીચ જંગલમાં આપણે તેમની બાજુમાંથી પસાર થઈશું તો પણ વાઘ નહીં દેખાય. વાઘ ક્યાંક નજીકમાં છે એ જાણવા આપણે આંખ અને કાન સતર્ક રાખવા પડે. એમના પગની છાપ, તે ક્યાંથી પસાર થયા છે તેની જાણ કરાવે છે અને વાઘ નજીકમાં હોય તો હળબળાટમાં હરણ, લંગૂર અને કેટલાક પક્ષીઓ અવાજ કરે છે. તેને “કોલ મળ્યો” કહેવાય, મતલબ અવાજથી વાઘ ક્યાં હોઈ શકે તેની જાણકારી મળી કહેવાય. જો કોઈ કોલ ન સંભળાય તો જલકુંડ અને કેટલાક એવા સ્થળો જ્યાં તે અવારનવાર દેખાતા હોય તે પહેલા ખૂંદી વળવાના.

અડધો કલાક થવા આવ્યો હતો, એક-બે પક્ષીઓ સિવાય અમને કંઈજ નજરે પડ્યું ન હતું. હવે મારા મન પર શંકાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. એક પણ વાઘ જોવા નહીં મળે તો? મેં આ અડધા કલાકમાં બે-ત્રણ વાર સ્વાર્થથી ભરેલી પ્રાર્થનાઓ કરી લીધી હતી કે, “હે ટાઇગર સાઇટિંગના દેવતા! એક તો એક ભલે, બેઠો નહીં તો ઊંઘતો વાઘ પણ ચાલશે, મારા બ્લોગ માટે કૃપા કરો મારા પર!”, અને ત્યાંજ જીપ્સીએ એક વળાંક લઈ જોર થી બ્રેક મારી. હું મારી જગ્યા પરથી ઊભી થઈ ગઈ. “ઓ માય ગોડ!”.

મારા અણુ-અણુને તેની હાજરીની પ્રતીતિ થઈ ગઈ. મારી કલ્પનાઓમાં મેં જે જોયું હતું તે હવે મારી સમક્ષ પ્રત્યક્ષ હતું! તે મહાકાય હતો, તેનું મોઢું તો આગળની જીપ્સી તરફ હતું. અને અરે, આ..શું? તે પાછો ફરી ઝાડીઓમાં અંદર ઘુસી ગયો. મારા મનમાં સવાલોના વંટોળીયા ફૂંકાવા લાગ્યા. મેં એક પણ ક્ષણ ન ગુમાવતા તરત ગાઈડ પર મારા સવાલોનો મારો શરૂ કરી દીધો. “કોણ હતો? મેલ કે ફિમેલ? નામ શું છે? કેટલા વર્ષનો? જતો કેમ…”. મારા સવાલોની ગાડીને વચ્ચેજ બ્રેક મારી એમણે કહ્યું, “એક મિનિટ, એ પાછો બહાર આવશે”. અને તેમણે ડ્રાઇવરને ગાડી થોડી આગળ લેવા કહ્યું. અમારા ડ્રાઇવરે આગળ ઊભેલી જીપ્સીથી પણ થોડી આગળ જઈ ગાડી ઊભી કરી અને અમે કેમેરા ઓન કરી એકદમ કોઈ સેલિબ્રિટીની રાહ જોતા હોઈએ, એમ ગીચ ઝાડીઓમાં અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહ્યા.

અંતે તે ગીચ ઝાડીઓની વચ્ચેથી બહાર આવતો દેખાયો! ટાઇગર રીઝર્વમાં અવાજ કરવો વર્જિત છે, જો પરવાનગી હોત ને, તો મેં તેના આગમનને જોરદાર તાળીઓથી વધાવી લીધો હોત! એ ધીમી પણ પ્રભાવશાળી ચાલે અમારી સામેથી બીજી તરફ રહેલા ઊંચા સૂકા ઘાસમાં એકદમ કેમોફલાડજ (છદ્માવરણ) થઈ ગયો, જાણે ખોવાઈ જ ગયો હોય. એની એ ચાલ! શું વર્ણન કરુ એનું? એવું લાગી રહ્યું હતું જાણે તે જ્યારે ચાલીને આવ્યો ત્યારે મારી આસપાસ ઢોલ નગારા વાગી રહ્યા હોય. એકદમ શાહી મિજાજ હતો એ ભવ્ય પ્રાણીનો. તેના દરેક પગલા સાથે ધરતી પર સૂતા પાંદડાઓ અને આજુબાજુની માટીમાં સ્પંદન ઉત્પન્ન થઈ રહ્યા હતા, ચાલવાથી તેના સોનેરી રેતી જેવા પીળા શરીર પરના કાળા પટ્ટાઓ તેનું આકર્ષણ હજુ બમણું કરી રહ્યા હતા. ભલે એ ક્ષણભંગુર મુલાકાતના એક-બે ફોટા જ હું મારા કૅમેરામાં કેદ કરી શકી પણ એની એ અનુપમ ચાલ મારા મનના મેમરી કાર્ડમાં સદાય સચવાયેલી રહેશે.

એ ૬ વર્ષનો બંગાળ ટાઇગર પન્નાલાલ હતો!, જેને તમે લેખની શરૂઆતમાં મળી ચુક્યા છો. મેં ગાઈડને પુછ્યું “ખબર કેવી રીતે પડે કયો વાઘ છે?”. તેમણે જણાવ્યું, “પટ્ટાઓની પેટર્ન દરેક પ્રાણીઓમાં વિશિષ્ટ હોય છે અને મોટા ભાગના વાઘ પર ૧૦૦ થી વધુ પટ્ટાઓ હોય છે, તેથી તેને અલગ તારી શકવો શકય બને છે”.

પછીનો પોણો કલાક અમે આગળ પાછળનો આખો પ્રદેશ ખૂંદી વળ્યા પણ પન્નાલાલ ક્યાં સંતાઇ ગયો એની ખબર ના પડી. સફારી સમયે કોઈ બીજી જીપ્સી તમારા પાસેથી પસાર થાય તો ડ્રાઈવર અને ગાઈડ એકબીજાને કોઈ કોલ મળ્યાની જાણકારી લઈ લે. સફારીના અંતે અમને જાણવા મળ્યું કે આખા ખિતૌલી ઝોનમાં સોળમાંથી બે જ ગાડીને વાઘ જોવા મળ્યો. આ સાંભળી અમને અહેસાસ થયો કે અમે કેટલા લકી હતા, અને મારા મુખ પર એક સંતોષભર્યું સ્મિત ફરી વળ્યું.
વાઘ જોવા ના મળ્યો?, ડોન્ટ વરી બીજા ઘણા પ્રાણીઓ અને આહલાદક પક્ષીઓ વસ્યા છે આ જંગલમાં, અને તેમની સુંદરતા જોઈ મનની તૃપ્તિ સાથે તમારા આંખોની અને ગળાની એક્સરસાઇઝ પણ થઈ જશે “ત્યાં જુઓ! એ નીલકંઠ!” (Indian roller), “પાછળ ગયું એ ભીમરાજ!” (Greater Racket-tailed Drongo), “ઉપર છે કલકલિઓ!” (kingfisher), “આ દૂરબીનથી જુઓ દૂધરાજ!” (paradise flycatcher).

ઘણાંને એમ થશે વાઘ અને આ બધા પક્ષીઓ તો ઝૂમાં પણ જોવા મળી જશે, તેના માટે ટાઇગર રીઝર્વ જવાની શી જરૂર?.

બહાના જોઈતા હોય તો હું આપું. અહીં આવો નિસર્ગને નજીકથી જોવા, જંગલની માટીની મહેક લેવા, પક્ષીઓના કલબલાટથી વન્યસૃષ્ટિને સાક્ષાત જીવી ઊઠતું જોવા, વાઘની રાહમાં એક જગ્યા પર બેસી રહેવાની મજા માણવા, તેના ક્યાંયથી પણ બહાર આવી જવાની અનિશ્ચિતતામાં પોતાને સતર્ક રાખવા, જીપ્સીમાંથી પાછળ ઊડતી ધૂળ જોવા અને એ ધૂળમાં એ પાછળથી બહાર આવ્યો તો? એવા હજારો તરંગી વિચારો કરવા, પ્રાણીઓ કેવી રીતે જીવે છે એ જાણવા, જંગલનો લુત્ફ ઉઠાવવા અને સૌથી જરૂરી- અનિશ્ચિતતામાં પણ મજા હોય છે તે શીખવા!.

ઓનલાઈન સફારી બુકિંગ માટે અને બાંધવગઢ વિષે વધુ માહિતી માટે અહીં લિંક પર ક્લિક કરો

નજીકમાં જોવા લાયક બીજા સ્થળો-
રીવા – ૧૫૫ કિ.મી.
જબલપુર – ૧૬૫ કિ.મી.
અમરકંટક – ૨૦૦ કિ.મી.
ભેડાઘાટ – ૨૦૫ કિ.મી.
કાન્હા ટાઇગર રિઝર્વ – ૨૫૦ કિ.મી.

– હિરલ પંડ્યા
A-૨, ૨૦૩, હેપ્પી વેલી, માનપાડા, થાણા વેસ્ટ, મહારાષ્ટ્ર.


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “મારો બાંધવગઢનો પ્રવાસ – હિરલ પંડ્યા

  • Anil Sheth

    EXCELLENT ARTICLES, I AM IN SAFARI,FEEL LIKE THIS. REALLY GET RIDE OF ‘SAFARI’ WE SHOWN LION ON JUNAGATH PANTHAK. ABOUT 4-5 FT AWAY, BUT YOUR ARTICLES MORE GIVE NATURAL EXPERIENCE. THANKS . WRITE MORE, READ MORE , ANIL

  • Meera Joshi

    ખુબ સુંદર અભિવ્યક્તિ, માહિતીસભર વર્ણન.
    આપના બ્લોગની માહિતી આપશો.

    • Hiral pandya

      Meeraji આભાર.
      હું અંગ્રેજીમાં ટ્રાવેલ બ્લોગ લખુ છું જે તમે અહીં વાંચી શકશો hiralpandya4.blogspot.com
      જરૂરથી વાંચી પ્રતિભાવ આપજો મને ખૂબ આંનદ થશે.

  • મીરા જોશી

    વાઉ, સરસ લેખ, અભિવ્યક્તિનું નાવીન્ય ગમ્યું. માહિતીસભર લેખ માટે આભાર!

    • Hiral pandya

      મીરાજી, મને આંનદ થયો તમને ગમ્યું. વાંચવા બદલ આભાર.

  • યશ

    રૂપક અલંકારમા પન્નાલાલને જોવાની મજા આવી અને એના દશૅનની આતુરતાનુ વણૅન અમને બાંધવગઢ તરફજવા આમંત્રણ આપી રહ્યુ છે. એકદમ સરસ પ્રવાસવણૅન.

  • Pravin Shah

    બહુ જ સરસ વર્ણન. તમે લકી છો કે તમને વાઘ જોવા મળ્યો ! અમે કાન્હા નેશનલ પાર્કમાં આખો દિવસ રહ્યા હતાં, તો પણ અમારી જીપને વાઘ જોવા ના મળ્યો.

    • Hiral pandya

      આભાર સર, અમે પણ બાંધવગઢથી કાન્હા ગયા હતા. બે સફારી માંથી એક માં બહુજ દૂરથી એક વાઘની ઝલક જોવા મળી હતી.

  • Anila Patel

    બહુજ મજા આવી. પન્નાલાલન મુખે શરુઆત અને હિરલબેનનન મુખેસુંદર વર્ણન રસલતી શૈલીમાં વાંચવાની.પણ બહુ જલ્દી પૂરું થયું. વાંચતાતો લાગતું હતુંકે આજે ધણું બધું વાંચીને સંતોષ થશે. હજુ જાણે કઇંક બાકી રહી ગયું હોય એવું લાગ્યું. બહુ વખતે સરસ પ્રવાસ વર્ણન વાંચવા મલ્યું એનો સંતોષ થયો. જલ્દી જલ્દી બીજા લેખ મૂકશો એવી નમ્ર વિનંતિ.

    • Hiral pandya

      Anilaji, તમને લેખ ગમ્યો તેનો મને ખૂબ આનંદ થયો. તમારા પ્રોત્સાહન બદલ આભાર.

  • Ankit B. Desai

    આ લેખ વાચેી ને ઘણો આનદ થયો. તમે પન્નાલાલ ને લેખક બનાવેીને આ લેખ ને વધુ રસ્પ્રદ બનવેી દેીધો. ગુજરતેી ટાયપેીન્ગ હજુ કાચુ ચ્હે, તેથેી વધુ સારેી રેીતે લખેી નથેી શક્તો.

  • હર્ષદ દવે

    હિરલ પંડ્યા આપણે મુક્તપણે વાઘદર્શન કરાવે છે. તેમની રમતિયાળ છતાં ગંભીર શૈલી વન સૌંદર્યને વધારે સુંદર બનાવે છે. કેટ ફેમિલીના આ દમદાર પ્રાણીનું રોચક વર્ણન વાંચતાં જ ડાલામથ્થો યાદ આવે, જિમ કોરબેટનો રુદ્રપ્રયાગનો માણસ ખાઉં દીપડો પણ સ્મૃતિમાં ડોકિયું કરી જાય. અમુક પ્રાણીઓને વન સિવાય પણ ગઢ સાથે કોઈ આ જન્મનો નાતો હશે તેમ લાગે છે! જુઓ જૂનાગઢ, બાંધવગઢ…પણ જેમ સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે છે તેમ વાઘ દર્શન માટે વન ભ્રમણ અનિવાર્ય છે.