શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૩)


પ્રકરણ ૧૩

એ ઉનાળે પણ, હજુ સુધી લોકો એ વિચારને જ વળગી રહ્યા હતા, કે વસાહત ભલે નાની હોય, પરંતુ પોતાની કાયમી માલિકીની તો હશે! ૧૯૪૧ના વર્ષમાં આ વિચાર સાચો પણ લાગતો હતો. વસાહતમાં એક પોસ્ટઑફિસ હતી, અને વસાહતની પોતાની પોસ્ટેજ સ્ટેમ્પ પણ હતી. વસાહતનું આગવું સમાચારપત્ર પણ હતું, પછી ભલે તેમાં વેવેલ અને પોમોર્સ્કા સ્ટ્રીટના આદેશો સિવાય ખાસ કશું છપાતું ન હોય! લ્વોસ્કા સ્ટ્રીટમાં રેસ્ટોરન્ટ બનાવવાની છૂટ પણ મળી હતીઃ ફોર્સ્ટર રેસ્ટોરન્ટ! ગામડામાં રહેવાનાં જોખમો, અને ગ્રામજનોનાં બદલાતાં રહેતાં વલણથી બચવા માટે વસાહતમાં પાછા આવી ગયેલા રોસનર બંધુઓ એ રેસ્ટોરન્ટમાં વાયોલિન અને એકોર્ડિઅન વગાડતા હતા. થોડા સમય માટે તો એમ પણ લાગ્યું, કે શાળાઓમાં ઔપચારીક શિક્ષણ પણ શરૂ થઈ જશે, ઓર્કેસ્ટ્રા એકઠું થશે, સંગીતના કાર્યક્રમો નિયમિત યોજાશે, અને કોઈ ઉપયોગી જૈવિક સંરચનાની માફક જ યહૂદી જીવન પણ, એક કારીગરથી બીજા કારીગર સુધી અને એક વિદ્વાનથી બીજા વિદ્વાન સુધી, ફરી એક વખત શેરીઓમાં પનપવા લાગશે! પરંતુ આવો વિચાર કરવો એ એક તરંગી બાબત જ નહીં, પરંતુ ઇતિહાસના તર્કસંગત વહેણ માટે અપમાનજનક હોવાની જાહેરાત પોમોર્સ્કા સ્ટ્રીટના એસએસ અધિકારીઓ દ્વારા હજુ સુધી કરવામાં આવી ન હતી!

એટલે જ્યારે સેકન્ડ લેફ્ટેનન્ટ બ્રાન્ટ દ્વારા યહૂદી પ્રમુખ આર્થર રોઝનવિગને પોમોર્સ્કા ખાતે બોલાવીને ચાબુક વડે ફટકારવામાં આવ્યા, ત્યારે તેમનો ઇરાદો તો એમ જ હતો, કે પ્રમુખના મનમાં વસાહત માટે કાયમી વસવાટનું જે ચિત્ર હતું તેને ધરમૂળથી બદલી નાખવું! વસાહત તો યહૂદીઓને એકઠા કરવાની એક હંગામી જગ્યા જ હતી, એક બંધ બસ સ્ટેશન જેવી! જે કોઈ જગ્યાએથી વિરોધનો સૂર ઉઠે, તેનો ૧૯૪૨ સુધીમાં ધ્વંશ કરી નાખવાનો હતો!

આમ, જુના લોકો જેને હૃદયપૂર્વક યાદ કરતા હતા એ વસાહતોથી આ વસાહત તદ્દન જુદી જ હતી! અહીં સંગીત એ કોઈ વ્યવસાય ન હતો. હકીકતે અહીં કોઈ વ્યવસાય જ ન હતો! હેનરી રોસનર એરબેઝ પર લ્યૂફ્તવેફના રસોડે કામ કરવા જતો હતો. ત્યાં તેને રિચાર્ડ નામના એક જર્મન શેફ-મેનેજરને મળવાનું બન્યું. હસમુખા સ્વભાવનો એ યુવક, એક શેફ જેવી કુશળતાથી ક્યૂઝિન અને બાર મેનેજમેન્ટના કામમાં ગળાડૂબ રહેતો હતો. તેની અને હેનરી રોસનરની મૈત્રી એવી તો જામી ગઈ હતી, કે લ્યૂફ્તવેફ કેટરિંગ કોર્પ્સ પાસેથી બાકી હિસાબની રકમ લેવા માટે એ હેનરીને જ મોકલતો હતો. રિચાર્ડ કહેતો, કે આ કામ માટે કોઈ જર્મન પર ભરોસો ન કરી શકાય! હેનરીની અગાઉ જે જર્મન હતો, એ તો ઉઘરાણીની રકમ એકઠી કરીને હંગેરી નાસી ગયો હતો!

એક વિશ્વાસુ બારમેન તરીકે કેટલીક વાતો રિચાર્ડના સાંભળવામાં આવી હતી. કેટલાક અધિકારીઓ સાથે તેની મિત્રતા પણ બંધાઈ ગઈ હતી. જુન મહિનાના પહેલા દિવસે એ પોતાની જર્મન સ્ત્રીમિત્રને લઈને વસાહતમાં ગયો. યુવતીએ ખાસ્સો પહોળો ગાઉન પહેર્યો હતો. જુનની ઝરમરના કારણે ગાઉન કોઈ રીતે વધારે પડતો પહોળો લાગતો ન હતો. પોતાના વ્યવસાયને કારણે રિચાર્ડ, સાર્જન્ટ ઓસ્વાલ્ડ બોસ્કો સહિતના ઘણા પોલીસોને ઓળખતો હતો, એટલે પ્રતિબંધ હોવા છતાં, વસાહતમાં દાખલ થવામાં તેને કોઈ અડચણ નડી નહીં. વસાહતમાં દાખલ થઈને પ્લેક ગોડી પાસેથી પસાર થઈને રિચાર્ડે હેનરી રોસનરનું સરનામું શોધી કાઢ્યું. તેમને જોઈને હેનરી અચંબામાં પડી ગયો. હજુ થોડાક કલાક પહેલાં જ તો હેનરી અને રિચાર્ડ મેસ પરથી છૂટા પડ્યા હતા, અને અત્યારે એ આ યુવતીને લઈને, ઔપચારિક મુલાકાતે આવ્યો હોય એવાં કપડાંમાં તેની સામે ઊભો હતો! હેનરી માટે પરિસ્થિતિની વિચિત્રતા સમજવી અઘરી બની ગઈ. છેલ્લા બે દિવસથી વસાહતના લોકો નવા ઓળખપત્રો મેળવવા માટે પોલિશ સેવિંગ્ઝ બેંકના જૂના મકાનની સામે કતાર લગાવીને ઊભા રહેતા હતા. ‘કેનકાર્ટે’ નામે ઓળખાતા એ પીળા ઓળખપત્ર પર ઝાંખો સેપિયા રંગનો ફોટો લગાવી આપવામાં આવતો હતો, અને જો નસીબ જોર કરતું હોય, તો જર્મન કારકુન તેના પર વાદળી રંગનું સ્ટીકર લગાવી આપતો હતો. લોકો વાદળી સ્ટીકરવાળા એ કાર્ડને હવામાં લહેરાવતાં બેંકમાંથી એ રીતે બહાર આવતા હતા, જાણે શ્વાસ લેવાનો કાયમી પરવાનો તેમને મળી ગયો ન હોય! જેને એ કાર્ડ આપવામાં નહોતું આવતું, એ લોકો વસાહતમાં રહેવાની નાગરિકતાથી પણ વંચિત થઈ ગયા હોવાનું અનુભવી રહ્યા હતા.

હેનરીના ઘરમાં બેસીને, તેના નાનકડા પુત્ર ઓલેક રોસનરને પોતાની સ્ત્રી-મિત્રના એપાર્ટમેન્ટમાં તેની સાથે જ રાખવા માટે હેનરીને રિચાર્ડે સામેથી જણાવ્યું. મેસમાંથી તેને જરૂર કોઈક બાતમી મળી ગઈ હોય એવું લાગતું હતું! હેનરીએ રિચાર્ડને જણાવ્યું કે ઓલેકને એમ વસાહતમાંથી બહાર કાઢવો શક્ય ન હતો. જવાબમાં રિચાર્ડે તેને સધિયારો આપતાં જણાવ્યું, કે બોસ્કો સાથે મળીને તેણે એ ગોઠવણ પણ કરી રાખી હતી.

ઓલેકને રિચાર્ડ સાથે મોકલતાં હેનરી અને મેન્સી અચકાઈ રહ્યાં હતાં, એટલે બંને અરસપરસ ચર્ચા કરવા લાગ્યાં. રિચાર્ડ સાથે આવેલી યુવતીએ પોતે ઓલેકને ચોકલેટ જેવો પૌષ્ટિક ખોરાક આપવાનું વચન આપ્યું. ‘એક્શન’? હેનરી રોસનરે હળવા અવાજે પૂછ્યું. “એક્શન શરૂ થવાનાં છે કે શું?” રિચાર્ડે તેના પ્રશ્નનો જવાબ, સામા પ્રશ્ન દ્વારા આપ્યો. “તમારી પાસે ઓળખપત્ર છેને?” એણે પૂછ્યું. હેનરીએ હા પાડી. અને મેન્સી પાસે? મેન્સી પાસે પણ છે. “પરંતુ ઓલેક પાસે તો નથીને?” રિચાર્ડે કહ્યું. ઓલેક હજુ હમણાં તો છ વર્ષનો થયો હતો! હળવી ઝરમર વચ્ચે, હેનરી અને મેન્સીનું એક માત્ર સંતાન ઓલેક રોસનર, રિચાર્ડ સાથે આવેલી પેલી યુવતીના પહોળા ગાઉનની અંદર સંતાઈને વસાહતની બહાર સરકી ગયું! પોલીસે યુવતીનું ગાઉન ઊંચું કરીને તપાસવાની તસ્દી લીધી હોત, તો રિચાર્ડ અને તેની એ સ્ત્રી-મિત્ર તો માત્ર મિત્રતા નિભાવવા બદલ ગોળીએ વીંધાઈ ગયા હોત, અને ઓલેકનો પણ પત્તો ન લાગત! કંઈક અજુગતું ન બને એવી આશા સેવતાં, બાળક વગરના પોતાના સુના કમરામાં રોસનર દંપતિ બેઠું રહ્યું.

ઓસ્કર શિન્ડલરને ચીજવસ્તુઓ લાવી આપનાર પોલદેક ફેફરબર્ગને એ વર્ષે, કુખ્યાત યહૂદી પોલીસવડા સાયમક સ્પાઇરાના બાળકોને ભણાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કામ જો કે તેને અપમાનજનક લાગતું હતું. સ્પાઇરા જાણે તેને કહેતો હતો, “હા, મર્દોએ કરવા જેવા કામ કરવા માટે તું સક્ષમ નથી એ તો હું જાણું છું, પરંતુ છેવટે તારા શિક્ષણનો થોડો લાભ મારા બાળકોને તો મળશે!” સાયમકને ઘેર જઈને પોતે બાળકોને કઈ રીતે ભણાવતો હતો તેની વાતો કહીને એ શિન્ડલરને મનોરંજન પૂરું પાડતો રહેતો હતો. એપાર્ટમેન્ટના આખા માળ પર પોતાનો કબજા ધરાવતા હોય એવા જુજ યહૂદીઓમાં પોલિસ ચીફ પણ એક હતો. તેના એપાર્ટમેન્ટમાં ઓગણીસમી સદીના લાંબાં-પહોળાં ચિત્રો ટાંગેલાં હતાં જેની પાસે સાયમક આંટા માર્યે રાખતો હતો. ફેફરબર્ગના શિક્ષણકાર્યની મદદ વડે, પોતાના બાળકોના કાનમાંથી પેટ્યુનિયાના ફૂલોની માફક જ્ઞાન ફૂટી નીકળતું જોવા માટે એ ખુબ આતુર હતો. જેકેટના ખિસ્સામાં હાથ નાખીને ઊભા રહેતી વેળા આ નસીબદાર માણસને, પોતાની ઊભા રહેવાની શૈલી નેપોલિઅન જેવા વગદાર માણસો જેવી લાગતી હતી.

સાયમકની પત્ની ખાસ પ્રકાશમાં આવતી ન હતી. પતિની અનપેક્ષિત સત્તાથી એ બહુ પ્રભાવિત હતી. કદાચ એટલે જ તેના જૂના મિત્રો પણ તેનાથી દૂર જ રહેતા હતા. તેનો બાર વર્ષનો પુત્ર અને ચૌદ વર્ષની પુત્રી કહ્યાગરાં જરૂર હતાં, પરંતુ બહુ હોશિયાર ન હતાં.

કારણ જે હોય તે, પરંતુ ફેફરબર્ગ પોલિશ સેવિંગ બેંકમાં ગયો ત્યારે તેને અપેક્ષા હતી, કે તેને કોઈ મુશ્કેલી વગર ઓળખપત્ર મળી જવાનું! તેને ખાતરી હતી, કે સ્પાઇરાના બાળકોને ભણાવવાના કામને જરૂર આવશ્યક કાર્ય તરીકે ગણવામાં આવશે. તેના પીળા કાર્ડને કારણે તેને હાઇસ્કૂલ અધ્યાપક ગણવામાં આવતો હતો, અને એ સમયના અંધાંધૂંધીભર્યા બૌદ્ધિકજગતમાં આ એક માનભર્યું સ્થાન હતું.

પરંતુ કારકુને ફે્ફરબર્ગને વાદળી સ્ટીકર આપવાની ના કહી દીધી. એણે કારકુન સાથે થોડી દલીલો કરી જોઈ, અને ઓસ્કર કે પછી સ્ટ્રીટના છેડે આવેલી જર્મન લેબર ઑફિસ ચલાવતા ઓસ્ટ્રિઅન અધિકારી હેર ઝેપેઝીને વાત કરવાનું પણ તેણે વિચારી જોયું. ઓસ્કર તો છેલ્લા એકાદ વર્ષથી તેને એમેલિયામાં આવી જવાનું કહેતો હતો, પરંતુ પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઓસ્કરની પુર્ણસમયની નોકરી અગવડરૂપ બની જશે એવું ફેફરબર્ગને લાગતું હતું.

બેંકના મકાનમાંથી એ બહાર આવ્યો ત્યારે, જર્મન સિક્યોરિટી પોલીસ, પોલેન્ડની બ્લૂ પોલીસ અને યહૂદી પોલીસની રાજકીય ટૂકડીઓ ફૂટપાથ પર કામમાં મગ્ન હતી. દરેક વ્યક્તિના ઓળખપત્ર તપાસીને બ્લૂ સ્ટીકર વગરના લોકોની ધરપકડ થઈ રહી હતી. અમાન્ય ઠેરવવામાં આવેલાં ગભરાયેલાં સ્ત્રી-પુરુષો જોઝેફિન્સ્કા સ્ટ્રીટની વચ્ચોવચ જ ઊભાં હતાં. પોલિશ મિલિટરીમાં પોતાને મળેલી તાલીમને કામે લગાડીને ફેફરબર્ગ અધિકારીઓને કહેવા લાગ્યો, કે તે ઘણાં બધાં કામો જાણતો હતો. પરંતુ જે અધિકારી સાથે તે વાત કરતો હતો તેણે માથું ધૂણાવીને તેને કહી દીધું, “મારી સાથે દલીલો ન કર; ઓળખપત્ર ન હોય, તો કતારમાં ઊભો રહી જા. સમજ્યો કે નહીં, યહૂદી?”

ફેફરબર્ગ જઈને કતારમાં ઊભો રહી ગયો. હજુ અઢાર મહિના પહેલાં જ તેણે લગ્ન કર્યા હતાં. તેની નમણી અને સુંદર પત્ની મિલા તો મેડરિટ્સમાં કામ કરતી હોવાથી તેની પાસે ઓળખપત્ર હતું. આમ ફેફરબર્ગના જીવનમાં પણ માઠા સંજોગો આવી ગયા હતા.

કતારમાં ઊભેલા લોકોની સંખ્યા વધારે પડતી થઈ ગઈ, એટલે તેમને હોસ્પિટલ પાસે થઈને કૂચ કરાવતાં જૂના ઓપ્ટિમા કોન્ફેક્શનરી પ્લાંટના મેદાનમાં લઈ જઈને એક ખૂણામાં ઊભા કરી દેવામાં આવ્યા. સેંકડો લોકો ત્યાં પહેલેથી જ રાહ જોતાં ઊભા હતા. વહેલા આવનાર લોકોએ તો એક તબેલામાં છાંયાવાળી જગ્યા રોકી લીધી હતી. એ તબેલામાં એક સમયે ક્રીમ અને શરાબની ચોકલેટથી ભરેલાં ગાડાં વચ્ચે ઊંચી નસલના ઘોડા બાંધવામાં આવતાં હતાં. ત્યાં ઊભેલા લોકો કંઈ હાલી-મવાલી ન હતા. હોલ્ઝર જેવા બેંકરો, ફાર્માસિસ્ટ અને ડેન્ટિસ્ટ જેવા વ્યાવસાયિકો અહીં એકઠા થયા હતા. ધીમા અવાજે વાત કરતા લોકો નાનાં-નાનાં ટોળામાં ઊભા હતા. યુવાન ફાર્માસિસ્ટ બેકનર, વોહ્‌લ નામના એક વૃદ્ધ દંપતિ સાથે વાત કરતો ઊભો હતો. આજુબાજુમાં અન્ય કેટલાયે વૃદ્ધો ઊભા હતા. એ બધા જ વૃદ્ધ અને નિસહાય લોકો યહૂદી મંડળના રાશન પર નભતા હતા. એ ઉનાળે તો ખોરાક અને રહેવા લાયક જગ્યાની ફાળવણીમાં યહૂદી મંડળ પોતે જ સામેલ હોવા છતાં, પહેલાંની માફક તેમને પૂરતો ન્યાય આપી શક્યું ન હતું. વસાહતની હોસ્પિટલમાંથી પાણીની ડોલ ભરી-ભરીને નર્સો એ અટકાયતી વૃદ્ધોની વચ્ચે આવ-જા કરી રહી હતી. માનસિક તાણ અને વિસ્મૃતિ જેવા રોગો માટે પાણી ફાયદાકારક ગણાતું હતું. અને આખરે તો, હોસ્પિટલ દ્વારા અપાતાં કાળાબજારના સાઇનાઈડને બાદ કરીએ, તો દવા ગણી શકાય એવી આ એક માત્ર ચીજ ઉપલબ્ધ હતી, પાણી! અને વૃદ્ધો અને ગામડામાંથી આવતા ગરીબો તો વ્યગ્રતાભરી સ્તબ્ધતાના આ માહોલમાં માત્ર પાણી પીને ચલાવી રહ્યા હતા!

આખો દિવસ ત્રણેય પ્રકારની પોલીસો મેદાનમાં આવ-જા કરતી રહી. હાથમાં પકડેલી યાદી મુજબ માણસોને કતારમાં ઊભા કરીને એસએસના માણસોને સોંપવામાં આવી રહ્યા હતા. કતારો પ્રોકોસિમ રેલવે સ્ટેશન તરફ રવાના કરાઈ રહી હતી. આવી રહેલી વિદાયની ક્ષણને ટાળવા માટે કેટલાક લોકો મેદાનમાં દૂરના ખૂણા તરફ સરકતા જતા હતા. પરંતુ ફેફરબર્ગ પોતાની આગવી રીત મુજબ, દરવાજાની નજીક જ આંટાફેરા મારતો, કોઈ ઓળખીતો અધિકારી મળી જાય તેની શોધમાં ફરતો હતો. ક્યાંક સિનેમાના કોઈ નાયકની માફક, સ્પાઇરા પોતે જ કાયદા વિરુદ્ધ જઈને, તેના પ્રત્યે પક્ષપાત બતાવીને, તેને છોડી મૂકવાના ઈરાદે ત્યાં આવી ચડે તો! પરંતુ હકીકતે દરવાજા પાસેની ઓરડી પાસે ચહેરા પર વિષાદના ભાવો સાથે યહૂદી પોલીસની ટોપી પહેરેલો એક યુવાન, પોતાની નાજુક આંગળીઓ વચ્ચે પકડેલી એક યાદીનાં પાનાં તપાસતો ઊભો હતો.

ફેફરબર્ગે યહૂદી પોલિસમાં એ યુવક સાથે કામ કર્યું હતું, એટલું જ નહીં, પરંતુ પોજોર્ઝમાં કોસિસ્કો હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની પોતાની કારકિર્દીના વર્ષમાં તેણે એ યુવકની બહેનને ભણાવી પણ હતી. એ યુવકે ઊંચું જોયું. પેની ફેફરબર્ગ, જુનાં વર્ષોના આદરને યાદ કરીને એ ગણગણ્યો. મેદાનમાં ઊભેલા બીજા લોકો જાણે રીઢા ગુનેગારો હોય એમ એણે પૂછ્યું, ‘ફેફરબર્ગ, તું ત્યાં શું કરી રહ્યો છે?

“આમ તો આ નરી મુર્ખામી જ છે,” ફેફરબર્ગે જણાવ્યું, “પરંતુ મને હજુ વાદળી સ્ટીકર મળ્યું નથી.”

એ યુવકે માથું હલાવ્યું. મારી પાછળ આવો, એણે કહ્યું. ફેફરબર્ગને લઈને એ કોઈ ગણવેશધારી પોલીસ ઉચ્ચાધિકારી પાસે  ગયો અને તેને સલામ મારી. વિચિત્ર યહૂદી ટોપીમાં પાતળી નાજુક ડોકવાળો આ યુવક કોઈ નાયક જેવો તો જરા પણ લાગતો ન હતો! પરંતુ ફેફરબર્ગને પાછળથી સમજાયું, કે આવા સામાન્ય દેખાવને કારણે જ તેના પર કોઈને પણ વધારે ભરોસો પડે તેમ હતું.

“આ હેર ફેફરબર્ગ છે, એ યહૂદી મંડળના સભ્ય છે,” આદર અને અધિકારના દક્ષ સંયોગ સાથે એ યુવક જુઠ્ઠું બોલ્યો. “તેઓ અહીં તેમના સંબંધીને મળવા આવ્યા હતા.” મેદાનમાં મોટાપાયે ચાલી રહેલી પોલીસ કાર્યવાહીથી એ અધિકારી પણ પરેશાન દેખાતો હતો. ઉપેક્ષાપૂર્વક એણે ફેફરબર્ગને બહાર જવા પરવાનગી આપી દીધી. ફેફરબર્ગ પાસે તો એ યુવકનો આભાર માનવાનો પણ સમય ન હતો, કે ન હતો પોતાના ચહેરા પર આશ્ચર્યની બે રેખાઓ દેખાડવાનો સમય! પોતાની બહેનને માત્ર રોમન રિંગનો ઉપયોગ શીખવનાર માણસ માટે પાતળી ડોકવાળો એ યુવક, આટલું જુઠું શા માટે બોલ્યો હશે!

ત્યાંથી છટકીને ફેફરબર્ગ સીધો જ લેબર ઓફિસે પહોંચી ગયો અને રાહ જોઈ રહેલી લાંબી કતારની આગળ જઈને ઊભો રહી ગયો. ટેબલની પાછળ સ્કોડા અને નોસાલા નામની બે ચેક જર્મન યુવતીઓ બેઠી હતી.

“પ્રિયે!” એણે સ્કોડાને કહ્યું, “મારી પાસે સ્ટીકર નથી એટલે એ લોકો મને લઈ જવા માગે છે. મારી સામે જુઓ, હું તમને વિનંતી કરું છું. હું ખુબ જ સશક્ત શરીર ધરાવું છું, દેશને ખાતર હું હોકી રમ્યો છું, અને પોલિશ સ્કિઈંગ ટીમનો હું સભ્ય છું. હું શું તમને કામ આવું એવો માણસ નથી?”

ટોળાને કારણે સ્કોડાને આખો દિવસ જરા પણ ફુરસત મળી ન હતી, તો પણ તેણે ભ્રમર ઊંચી કરીને તેની સામે જોયું. પ્રયત્ન છતાં પણ એ સ્મિત ટાળી ન શકી. એણે ફેફરબર્ગની પરમિટ હાથમાં લીધી. “હું તમને કોઈ મદદ કરી શકું તેમ નથી, હેર ફેફરબર્ગ,” યુવતીએ તેને કહ્યું. “એ લોકો તમને સ્ટીકર આપતા નથી, એટલે હું પણ ન આપી શકું. અફસોસ…”

“પરંતુ મહેરબાન, તું તો મને આપી જ શકશે,” એ નાટક કરતો હોય એમ મોટા અને મોહક અવાજે આગ્રહપૂર્વક કહેવા લાગ્યો. “મારી પાસે હુનર છે, મહેરબાન, મારી પાસે હુનર છે”

સ્કોડાએ કહ્યું, કે માત્ર હેર ઝેપેઝી જ તેને મદદ કરી શકે, અને ફેફરબર્ગ માટે ઝેપેઝીને મળવું અશક્ય હતું. એમાં તો કેટલાયે દિવસો લાગી જાય! “પણ તું મને તેમની મુલાકાત તો કરાવશેને!” ફેફરબર્ગ કરગરતો રહ્યો. એ યુવતીએ તેની મુલાકાત હેર ઝેપેઝી સાથે કરાવી પણ આપી. સ્કોડાની નિર્દોષ છાપ અહીં તેને કામ આવી. વળી કાયદાઓના ઢગલાઓમાંથી એ યોગ્ય વસ્તુને અલગ તારવી શકતી હતી, અને કામના ઢગલા વચ્ચે પણ એ વ્યક્તિગત રીતે લોકોને ઓળખી શકતી હતી. તેની જગ્યાએ કોઈ અન્ય બુઢ્ઢો માણસ હોત, તો તેને માટે એ યુવતીએ આવું કદાચ ન પણ કર્યું હોત!

જર્મનોના રાક્ષસી તંત્રની સેવા કરતો હોવા છતાંયે હેર ઝેપેઝીની છાપ એક સારા માણસ તરીકેની હતી. ફેફરબર્ગની પરમિટ સામે જોઈને એ બબડ્યો, “પણ અમારે જીમ શિક્ષકની કોઈ જરૂર નથી.”

નોકરી આપવાના ઓસ્કરના પ્રસ્તાવને ફેફરબર્ગે હંમેશા નકારી કાઢ્યો હતો, કારણ કે પોતાને એ હંમેશા એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જ જોતો હતો. નીરસ ઝેબ્લોસીની ટૂંકી આવકવાળી નોકરીની પાળીઓમાં કલાકો સુધી કામ કરવું તેને પસંદ ન હતું. પરંતુ હવે તેને સમજાઈ રહ્યું હતું, કે વ્યક્તિગત પસંદગીનો જમાનો હવે પૂરો થઈ રહ્યો હતો. જીવન જીવવાના આધાર તરીકે લોકો પાસે હવે કોઈ હુનર હોવો જરૂરી હતો. “હું ધાતુને પોલિશ કરું છું,” એણે ઝેપાઝીને કહ્યું. રેકાવ્કા ખાતે એક નાનકડી મેટલ ફેક્ટરી ચલાવતા પોજોર્ઝના એક સંબંધી સાથે થોડા સમય માટે એણે કામ કર્યું હતું.

હેર ઝેપેઝીએ ચશ્માં પાછળથી ફેફરબર્ગનું નિરિક્ષણ કર્યું. “હં,” એમણે કહ્યું, “આ કંઈક હુનર કહેવાય!” એમણે હાથમાં પેન પકડી, ફેફરબર્ગને જેના પર બહુ ગર્વ હતો એવા, પરમિટ પર લખેલા જેગેલોનિઅન શિક્ષણના ‘હાઇસ્કૂલ શિક્ષક’ પર લીટી દોરીને એને ભૂંસી નાખી, અને પરમિટના મથાળે એણે લખી આપ્યું, “ધાતુને પોલિશ કરનાર”! ટેબલ પરથી એણે એક રબ્બર સ્ટેમ્પ અને શાહીનો ખડિયો લીધો અને પોતાના ટેબલના ખાનામાંથી વાદળી રંગનું એક સ્ટિકર કાઢ્યું. “હવે,” ફેફરબર્ગના હાથમાં કાગળો પાછા સોંપતાં એ બોલ્યો, “હવે તને કોઈ પોલીસ મળી જાય, તો તું એમને ખાતરી આપી શકીશ, કે આ સમાજ માટે તું પણ ઉપયોગી વ્યક્તિ છે.”

એ વર્ષે, આગળ જતાં બિચારા ઝેપેઝીને વધારે પડતી ઉદારતા દર્શાવવા બદલ ઓસ્વિટ્ઝ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

આપનો પ્રતિભાવ આપો....