શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૨)


પ્રકરણ ૧૨

વસાહતના પૂર્વ ખૂણે રહેતા ડ્રેસનર કુટુંબ પાસે મોડી સાંજે જિનીયા નામની બાળકી આવી પહોંચી. ગામડામાં તેની સંભાળ રાખી રહેલું પોલિશ દંપતી તેને ક્રેકોવમાં પાછી મૂકી ગયું હતું. વસાહતના દરવાજે ઊભેલી પોલેન્ડની બ્લૂ પોલીસને કંઈક કામ હોવાનું સમજાવીને તેઓ વસાહતમાં પ્રવેશ્યાં હતાં. તેમની સાથે એ બાળકી પણ તેમની પુત્રી તરીકે અંદર આવી ગઈ હતી.

ગામડામાંથી આવેલું એ દંપતી આમ તો બહુ આબરૂદાર હતું. બાળકીને ગામડામાંથી ક્રેકોવની વસાહતમાં લઈ આવતાં એમને શરમ પણ આવતી હતી. બાળકી એમને ખૂબ જ વહાલી હતી અને એમની સાથે ભળી પણ ગઈ હતી! પરંતુ એક યહૂદી બાળકને હવે તેઓ પોતાની સાથે રાખી શકે તેમ ન હતાં. એસએસ તો શું, નગરપાલિકા પણ હવે તો એક યહૂદીની ભાળ આપવા બદલ પાંચસોથી વધારે ઝ્લોટીનું ઈનામ આપતી હતી. યહૂદીઓના પડોશીઓ જ તેમની માહિતી પોલીસને પહોંચાડી દેતા હતા, એટલે પડોશી પર પણ ભરોસો રાખી શકાય તેમ ન હતો. અને કોઈને ખબર પડી જાય તો એકલી બાળકી જ નહીં, તેઓ પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ હતું. હે ઇશ્વર, ગામડામાં તો એવા પણ વિસ્તારો હતા, જ્યાં ગ્રામજનો દાતરડાં લઈ-લઈને યહૂદીઓને શોધવા લાગી પડ્યા હતા!

બાળકી પર વસાહતની અગવડોની કોઈ અસર થઈ હોય એવું લાગતું ન હતું. ભેજવાળા પડદા ટાંગેલા કમરામાં એક નાનકડા ટેબલ પર બેસીને શ્રીમતી ડ્રેસનરે આપેલો બ્રેડનો ટુકડો બાળકી ઝડપભેર ખાઈ ગઈ. રસોડામાં કામ કરતી સ્ત્રીઓ તેને જોઈને જે વહાલભર્યાં વેણ બોલતી હતી એમાં તેને મજા પડી ગઈ હતી. શ્રીમતી ડ્રેસનરે એટલું નોંધ્યું, કે તેને કંઈ પણ પૂછવામાં આવે, તો બાળકી બહુ જ સાવચેતીથી જવાબ આપતી હતી!

બાળકી થોડી અતડી જરૂર રહેતી હતી. ત્રણેક વર્ષના અન્ય કોઈ પણ બાળકની જેમ તેને પણ પોતાનો લાલ રંગ બહુ ગમતો હતો. લાલ ટોપી, લાલ કોટ અને લાલ બૂટ પહેરીને એ બેઠી હતી. ગામડેથી તેને લઈને આવેલા દંપતીએ તેની લાલ રંગની જીદ પૂરી કરી હતી. શ્રીમતી ડ્રેસનરે તેના સાચા મા-બાપ વિશે પૂછપરછ કરવા સાથે વાતચીતની શરૂઆત કરી. બાળકીનાં મા-બાપ પેલા દંપતીના ગામડામાં જ છૂપાઈને જીવતાં હતાં. શ્રીમતી ડ્રેસનરે બાળકીને પટાવતાં કહ્યું કે બહુ જલદી તેનાં મા-બાપ પણ ક્રેકોવની વસાહતમાં આવી જશે, અને તેની સાથે જ રહેશે. બાળકીએ હકારમાં મોં હલાવ્યું, પરંતુ તેના મોં પરથી એવું સ્પષ્ટ દેખાતું હતું, કે એ કાંઈ શરમાળ હોવાને કારણે આટલી ચૂપ-ચૂપ નહોતી રહેતી!

જાન્યુઆરીમાં સ્પાઇરાએ આપેલી સૂચીના આધારે અન્ય લોકોની સાથે તેનાં માતા-પિતાને પણ પકડી લઈને કૂચ કરાવતાં પ્રોકોસિમ સ્ટેશન તરફ લઈ જવામાં આવી રહ્યાં હતાં. “આવજો યહૂદીઓ… આવજો” બોલીને તેમની ઠેકડી ઊડાડતા પોલિશ લોકોના ટોળા પાસેથી પસાર થતી વેળાએ, બંને કોઈ સામાન્ય પોલિશ યુગલની માફક કતારમાંથી બહાર સરકી જઈને, રસ્તો ઓળંગીને પોલિશ પ્રજાના દુશ્મનોને જોવા ઊભેલી ભીડમાં ભળી ગયાં હતાં! થોડી વાર માટે પોતે પણ પોતાની જ ઠેકડી ઊડાડવામાં સામેલ થઈને પછી હળવેકથી ચાલતાં-ચાલતાં બંને ગામની બહાર જંગલમાં ચાલ્યાં ગયાં હતાં.

પરંતુ હવે જંગલોમાં પણ તેમને સુરક્ષા લાગતી ન હતી. આવતા ઉનાળામાં તો તેઓ ફરીથી ક્રેકોવ પાછાં આવી જવા માગતાં હતાં. ડ્રેસનરનાં સંતાનો કામ પરથી ઘેર પાછા ફર્યાં ત્યારે તેમણે પેલી બાળકીને જોઈ. એમણે તો એનું નામ જ રેડકેપ પાડી દીધું. રેડકેપની માતા શ્રીમતી ડ્રેસનરની પિતરાઈ બહેન થતી હતી.

એ જ સમયે શ્રીમતી ડ્રેસનરની કિશોરવયની દીકરી ડાંકા પણ કામ પરથી ઘેર પાછી ફરી. ડાંકા લુફ્તવેફ એરબેઝમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી.

ડાંકા આમ તો માત્ર ચૌદ વર્ષની જ હતી, પરંતુ તેની ઊંચાઈને કારણે, વસાહતની બહાર કામ કરવા માટે જરૂરી એવું લેબર કાર્ડ તેને મળી ગયું હતું. જીદ કરી રહેલી આ નવી બાળકીને એ રમાડવા લાગી ગઈ. “જીનિયા, હું તારી મા ઈવાને ઓળખું છું. કપડાં ખરીદવા અમે બંને બજારમાં સાથે જ જતાં હતાં, અને ત્યારે એ બ્રાકા સ્ટ્રીટની ફ્રેન્ચ બેકરીમાંથી કેક લઈને મને ખવડાવતી હતી.”

જવાબમાં બાળકી હસતી પણ ન હતી, બેઠા-બેઠા જ તેની સામે જોઈને જવાબ વાળતી હતી. “મેડમ, તમારી ભૂલ થાય છે. મારી માતાનું નામ ઈવા નથી, જાશા છે.” રખેને ક્યાંક બ્લૂ પોલીસ કે પછી એસએસ બાળકીને પ્રશ્નો પૂછે એ ડરથી ડાંકા, મનમાં આવે તેવા કાલ્પનિક પોલિશ નામો લઈને બાળકીને તેના માતા-પિતા કે અન્ય ગ્રામજનોના નામે પટાવી રહી હતી, પરંતુ બાળકીના વિલક્ષણ ચાતુર્યને કારણે ઘરનાં બધાંની બોલતી બંધ થઈ જતી હતી! બધાં એકબીજાં સામે ગુસ્સે થતાં હતાં! બાળકીને સંભાળવાની આવી પડેલી નવી જવાબદારી કોઈને ગમતી ન હતી, પરંતુ કોઈ આ પરિસ્થિતિને અવગણવા પણ માગતું ન હતું. કારણ કે હજુ ગયા અઠવાડિયા સુધી તો બચવાનો કોઈ જ માર્ગ તેમને કોઈને દેખાતો ન હતો, ત્યારે કદાચ આ બાળકીને કારણે જ તેમને બચવાનો કોઈ માર્ગ મળી જાય!

વેજીર્સ્કા સ્ટ્રીટમાં આવેલી વસાહતની હૉસ્પિટલના યુવાન ડૉક્ટર આઇડેક સ્કિન્ડેલ જીનિયાના કાકા થતા હતા. સાંજના ભોજન સમયે તેઓ જીનિયાને મળવા આવ્યા. સ્કિન્ડેલ બાળકોને ગમી જાય એવા થોડા વિચિત્ર, મજાકિયા અને હળવા ફૂલ સ્વભાવના હતા. એમને જોતાવેંત જિનીયા ફરીથી જાણે બાળક બની ગઈ, ખુરશીમાંથી ઊભી થઈને એ ડૉક્ટર પાસે દોડી ગઈ! ડૉક્ટરે આ ઘરનાં બધાં પોતાના પિતરાઈ હોવાની ઓળખાણ જિનીયાને આપી, એટલે જિનીયાએ પણ બધાંને પોતાના પિતરાઈ તરીકે સ્વીકારી લીધાં. એણે એ પણ સ્વીકારી લીધું કે પોતાની માતાનું નામ ઈવા હતું અને દાદા-દાદીનું નામ ખરેખર લ્યૂડવિક અને સોફિયા ન હતું!

અને એ જ સમયે બૉસના પ્લાંટમાં ખરીદ અધિકારી તરીકે કામ કરતા હેર જ્યૂડા ડ્રેસનરના પોતાને ઘેર પહોંચવા સાથે જ બાકીની ખોટ પણ જાણે પૂરાઈ ગઈ!

એપ્રિલ ૨૮ના દિવસે શિન્ડલરનો જન્મદિવસ હતો. ૧૯૪૨ની સાલનો એ જન્મદિવસ એણે કોઈ બાળકની માફક ધમાલમસ્તી અને જોરશોર સાથે નિરંકુશ બનીને ઉજવ્યો. ‘ડેફ’ માટે આ બહુ મોટો દિવસ હતો. ખર્ચની પરવા કર્યા વગર, ડિરેક્ટર શિન્ડલરે ઉજવણીમાં બપોરે સુપની સાથે પીરસવા માટે, જવલ્લે જ જોવા મળતી સફેદ બ્રેડ મગાવી હતી! ઑફિસના સ્વાગતકક્ષ અને વર્કશોપમાં પણ ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ઉદ્યોગપતિ ઓસ્કર શિન્ડલર, આજે જીવનમાં પોતાને મળેલી સફળતાની ઉજવણી કરી રહ્યા હતા. એમેલિયામાં તેના આ ચોત્રીસમા જન્મદિવસની ઉજવણી ખાસ્સી વહેલી શરૂ થઈ ગઈ હતી. કંપનીના ઇજનેરો, હિસાબનીશો અને ડ્રાફ્ટ્સમેનની સાથે મળીને પીવા માટે મગાવેલી કોગ્નેકની ત્રણ બોટલ બગલમાં દબાવીને ઑફિસના સ્વાગતકક્ષમાંથી પસાર થઈને પોતાની કૅબિનમાં જતી વેળાએ જ શિન્ડલરે બધાને ઉજવણીનો ઈશારો આપી દીધો હતો! એકાઉન્ટ્સ અને પર્સનલ વિભાગોના કર્મચારીઓ માટે ઢગલાબંધ સિગારેટ પહોંચાડવામાં આવી હતી, અને બપોર થતાં પહેલાં તો કારખાનાના ફ્લોર પર ચોપાનિયાં છવાઈ ગયાં હતાં. ફ્રેન્ચ બેકરીમાંથી કેક મગાવવામાં આવી હતી. ક્લોનોવ્સ્કાના ટેબલ પર ઓસ્કરે કેક કાપી. યહૂદી અને પોલિશ કામદારોના પ્રતિનિધિ મંડળો એક પછી એક, ઓસ્કરને અભિનંદન આપવા માટે તેની ઓફિસમાં આવવા લાગ્યાં. અને એ તબક્કે, અભિનંદન આપવા આવેલી કુચાર્સ્કા નામની એક યહૂદી યુવતીને ઓસ્કરે ગાઢ ચુંબન કર્યું. એ યુવતીના પિતા યુદ્ધ પહેલાં પોલિશ લોકસભામાં ખુબ જાણીતા હતા. તેની સાથે અન્ય યહૂદી યુવતીઓ અને પુરૂષો પણ આવીને ઓસ્કર સાથે હાથ મિલાવવા લાગ્યા. પોતે હાલમાં જ જ્યાં કામે લાગ્યો હતો એ પ્રોગ્રેસ વર્ક્સમાંથી સ્ટર્ન પણ ઓસ્કરને ઔપચારીક અભિનંદન આપવા માટે કોઈક રીતે આવી પહોંચ્યો. તેને જોઈને ઓસ્કરે તેને તો બાથમાં લઈને દબાવી જ દીધો!

આગલી વખતે જે કર્મચારીએ ગેસ્ટાપોને જાણ કરી હતી, કદાચ એણે જ ફરી એક વખત પોમોર્સ્કાનો સંપર્ક સાધ્યો, અને આજની ફરિયાદમાં ઓસ્કરે પાર્ટીમાં વંશીય ગેરવર્તણુંક કરી હોવાનો આરોપ લગાવ્યો. આગલી તપાસમાં ઓસ્કરના હિસાબો ભલે ચોખ્ખાચણાક સાબીત થયા હોય, પરંતુ તેને એક યહૂદી છોકરીને ચુંબન કરતો જોયાની કોઈ ના પાડી શકે તેમ ન હતું!

આ વખતે તેની ધરપકડ, આગલી વખત કરતાં વધારે કાયદેસર રીતે થઈ હોય એવું લાગ્યું! ૨૯ની સવારે એક મર્સીડીઝ ફેક્ટરીનો દરવાજો રોકીને ઊભી રહી ગઈ, અને આગલી વખત કરતાં વધારે સજ્જડ કારણો સાથે, ખાતરીબદ્ધ થઈને આવ્યા હોય એવા ગેસ્ટાપોના બે માણસો ઓસ્કરને કારખાનાના મેદાનમાં જ મળ્યા. તેમણે ઓસ્કરને જણાવ્યું, કે વંશીય અને વિસ્થાપિતોને લગતા કાયદાની જોગવાઈઓના ભંગ બદલ તેના પર ગુનો લાગુ કરવામાં આવ્યો છે. પોતાની સાથે આવવાની સૂચના આપવાની સાથે, તેમણે ઓસ્કરને એક વખત પણ પોતાની ઑફિસમાં પણ જવા ન દીધો.

“તમારી પાસે વૉરંટ છે?” ઓસ્કરે તેમને પૂછ્યું.

“અમારે વૉરંટની જરૂર નથી.” એમણે જવાબ આપ્યો.

ઓસ્કરે બંને સામે સ્મિત કર્યું. બંનેને સમજાવતાં એણે તેમને હળવેથી ક્હ્યું પણ ખરું, કે વૉરંટ વગર તેને લઈ જવા બદલ તેમણે પસ્તાવું પડશે; પરંતુ તેમની રીતભાત પરથી ઓસ્કરને સમજાઈ ગયું હતું, કે આગલા વખતની હાસ્યાસ્પદ ધરપકડ કરાતાં આ વખતે તેમની ધમકી વજનદાર અને નિર્ણાયક હતી! આગલી વખતે પોમોર્સ્કા ખાતે થયેલી વાતચીત આર્થિક બાબતે અને કોઈ જોગવાઈનો ભંગ થયા બાબતે હતી. જ્યારે આ વખતે કોઈના વિકૃતિભર્યા મગજમાંથી નીપજેલા, એક છિછરા વિષયના કાયદા સાથે તેણે કામ પાડવાનું હતું, અને આ બહુ જ ગંભીર બાબત હતી.

“એ પસ્તાવાનું જોખમ અમારે લેવું પડશે,” બે માંથે એક વ્યક્તિએ જવાબ આપ્યો.

જે નિર્ણાયકતા સાથે તેણે જવાબ આપ્યો હતો, તેનો ક્યાસ ઓસ્કરે કાઢી જોયો. હજુ હમણાં જ ચોત્રીસની ઉંમર પાર કરેલી આટલી સમૃદ્ધ વ્યક્તિ પ્રત્યેની તેમની બેપરવાઈ કેટલી ભયાનક હશે! એણે કહ્યું, “ભલે ત્યારે, આજની આ ઠંડી સવારે થોડા કલાકો હું ડ્રાઇવિંગ માટે ફાળવી શકું તેમ છું.”

મનોમન એ પોતાને સધિયારો આપતો રહ્યો, કે આ વખતે પણ તેને પોમોર્સ્કાની પેલી સ્વચ્છ કોટડીમાં જ લઈ જવામાં આવશે! પરંતુ કોલેજોવાથી ઉપરની દિશાએ જતાં તેઓ જમણી બાજુએ વળ્યા એ સાથે જ એ સમજી ગયો, કે આ વખતે તેને મોન્ટેલ્યૂપિકની જેલમાં લઈ જવામાં આવી રહ્યો હતો.

“હું મારા વકીલ સાથે વાત કરવા ઇચ્છું છું,” એણે બંનેને કહ્યું.

“સમય આવ્યે એ પણ થશે,” ડ્રાઇવરે જવાબ આપ્યો.

પોતાના એક શરાબી જોડીદાર પાસેથી ઓસ્કરે અગાઉ જાણેલું, કે ‘જેગીલોનિઅન ઇન્સ્ટ્રીટ્યૂટ ઓફ એનેટોમી’ નામની શરીરશાસ્ત્રની એક સંસ્થાને મોન્ટેલ્યૂપિક જેલમાંથી જ મૃતદેહો પૂરા પાડવામાં આવતા હતા.

જેલની દિવાલો દૂર-દૂર સુધી ફેલાયેલી હતી, અને ત્રીજા-ચોથા માળે આવેલી એકસરખી ભયાનક અને વિશાળ બારીઓ ગેસ્ટાપોની મર્સીડીઝની પાછલી સીટમાં બેઠાં-બેઠાં પણ દેખાતી હતી. મુખ્ય દરવાજા અને કમાનની અંદર થઈને તેઓ એક ઑફિસમાં પહોંચ્યા. થોડું મોટેથી બોલવાથી પણ સાંકડી પરસાળમાં જાણે માથું ફાડી નાખે એવા પડઘા પડવાના હોય એમ, ઑફિસમાં બેઠેલો કારકુન સાવ ધીમે-ધીમે ઘુસપુસ કરતો હતો. ઓસ્કર પાસેથી રોકડ રકમ લઈ લેવામાં આવી, અને તેને કહેવામાં આવ્યું કે જેલવાસ દરમ્યાન તેને દરરોજના પચાસ ઝ્લોટીના હિસાબે ચૂકવવામાં આવશે. અહીં પણ ધરપકડ કરનાર અધિકારીએ ફરી એક વખત તેને વકીલને બોલાવવાનો સમય હજુ થયો ન હોવાનો જવાબ આપ્યો.

આખરે તેઓ ચાલ્યા ગયા. ચોકિયાતોથી ઘેરાયેલી પરસાળમાં, એકાંત-કોટડીઓના દરવાજાઓની તિરાડોમાંથી ચળાઈને આવતી કોઈની ચીસોના અણસાર પણ મળતા હોય, તો એને સાંભળવાનો પ્રયત્ન ઓસ્કરે કરી જોયો. સીડી ઊતરીને, એક બંધિયાર બોગદામાં થઈને તાળાબંધ કોટડીઓની હારમાળા પાસેથી તેને લઈ જવામાં આવ્યો. તેમાંની એક કોટડી જાળીવાળી હતી. એ કોટડીમાં કોટ વગર માત્ર શર્ટ પહેરેલા પાંચ-છ કેદીઓ, પોતપોતાની નાનકડી કોટડીઓમાં દિવાલ તરફ મોં ફેરવીને બેઠા હતા, જેથી તેમના ચહેરા ઓળખી ન શકાય. ઓસ્કારે જોયું કે તેમાંના એકનો કાન તૂટી ગયો હતો, જ્યારે અન્ય એક માણસ ઊંડા-ઊંડા શ્વાસ લઈ રહ્યો હતો!

ક્લોનોવ્સ્કા, ક્લોનોવ્સ્કા, તું ટેલીફોન કરી રહી છેને, પ્રિયે?

ચોકિયાતોએ એક કોટડી ખોલી, અને ઓસ્કર તેમાં ચાલ્યો ગયો. કોટડી ખીચોખીચ ભરેલી હશે તો? ઓસ્કરને ચિંતા હતી. પરંતુ એ કોટડીમાં માત્ર અન્ય એક જ કેદી હતો. સૈનિક જેવો લાગતો એ કેદી, હુંફ મેળવવા માટે કાન સુધીનો મોટો કોટ પહેરીને, ત્યાં પડેલા લાકડાના બે નીચા પલંગમાંથી એકની ઉપર બેઠો હતો. બંને પલંગ પર ઘાસની પથારી પાથરેલી હતી. કોટડીમાં વોશબેસીન ન હતું. એક પાણીની અને બીજી કચરાની ડોલ પડી હતી. થોડી વધી ગયેલી દાઢી, કોટની નીચે તૂટેલા બટનવાળો જૂનો શર્ટ અને કાદવવાળા બૂટ પહેરીને બેઠેલો એ સૈનિક એસએસનો સ્ટેન્ડેર્ટેનફ્યૂહરર (કર્નલ) નીકળ્યો.

“આવો સાહેબ.” એ અધિકારીએ કટાક્ષભર્યા સ્મિત સાથે પોતાનો એક હાથ ઓસ્કર તરફ ઊંચો કરતાં કહ્યું. ઓસ્કરથી થોડા વર્ષ મોટો દેખાતો એ માણસ દેખાવડો લાગતો હતો. કદાચ એ અંદરનો બાતમીદાર પણ હોય! પરંતુ એક આટલી ઊંચી પદવીના માણસને ગણવેશ સાથે એમણે શા માટે બેસાડ્યો હોય એ ઓસ્કરને સમજાયું નહીં. ઓસ્કરે પોતાની ઘડીયાળમાં જોયું. એ બેઠો, વળી ઊભો થયો અને ઊંચી બારીઓ તરફ જોયું. બહાર વ્યાયામના મેદાનમાંથી આવતો પ્રકાશ બારીની તિરાડોમાંથી ચળાઈને અંદર સુધી પહોંચતો હતો, પરંતુ એ બારીમાંથી બહાર નજર નાખીને આજુબાજુની કોટડીઓના રહીશો સાથે કોઈ ઘુસપુસ થઈ શકે, કે પછી ગોઠણ પર હાથ ટેકવીને બારી પર સામસામે બેસી શકાય તેમ ન હતું!

છેવટે બંને વાતોએ વળગ્યા. ઓસ્કર બહુ સાવચેતીથી વાતો કરતો હતો, પરંતુ કર્નલ તો છૂટથી બોલતો હતો. શું નામ હતું એનું? હા, ફિલિપ નામ હતું. જેલમાં અટક જણાવવાની તેને કોઈ જરૂર લાગતી ન હતી. અને સાથે-સાથે આ સમય એવો હતો, જ્યારે એકબીજાને તેમના નામથી જ ઓળખવું પૂરતું હતું. આપણે એકબીજાને અટકને બદલે માત્ર નામથી જ ઓળખતા હોત, તો જરૂર આજે વધારે સુખી પ્રજા હોત!

ઓસ્કારે તાળો મેળવ્યો, કે જો એ અંદરનો બાતમીદાર ન હોય, તો જરૂર તેને કોઈક પ્રકારે આઘાત લાગ્યો હશે! કદાચ જેલવાસનો આઘાત પણ હોય! એ અધિકારી દક્ષિણ રશિયામાં યુદ્ધ અભિયાન પર હતો, ત્યારે તેના લશ્કરે આખો શિયાળો નોવોગોરોડ શહેર પર પોતાનો કબજો કરી રાખ્યો હતો. એ પછી રજા લઈને એ પોતાની પોલિશ સ્ત્રીમિત્રને મળવા ક્રેકોવ ગયો, અને તેના જ શબ્દોમાં કહીએ તો “બંને એકબીજામાં સાવ ખોવાઈ જ ગયાં!” અને રજા પૂરી થઈ ગયા પછી ત્રીજા દિવસે એ છોકરીના એપાર્ટમેન્ટમાંથી તેની ધરપકડ કરવામાં આવી.

“મને લાગે છે કે,” ફિલિપે કહ્યું. “મેં પોતે જ તારીખોને એટલું મહત્વ ન આપવાનું વિચાર્યું હતું. કારણ કે એ નાલાયકોને…” એણે ઉપરની દિશામાં જોઈને, એસએસના આયોજકો, હિસાબનિશો અને અધિકારીઓ તરફ ઈશારો કરતાં ચારે તરફ આંગળી ફેરવતાં કહ્યું, “એ નાલાયકોને મેં જાહોજલાલીથી રહેતા જોયા હતા! જાણી જોઈને વગર રજાએ હું ગેરહાજર રહ્યો એવું ન હતું! આટલી છૂટછાટ લેવાને તો હું મારો હક્ક સમજતો હતો.”

ઓસ્કરે તેને પોમોર્સ્કા સ્ટ્રીટ જવા બાબતે પૂછ્યું. “ના.” એણે કહ્યું. “હું તો અહીંયાં જ રહીશ. પ્રોમોસ્કા તો હોટલ જેવી લાગે છે. પરંતુ એ નાલાયકોએ ત્યાં પણ મૃત્યુકોટડી બનાવી છે, ચળકતા ક્રોમિયમ સળીયાવાળી! પણ એ વાત છોડ, તેં શું કર્યું છે?”

“એક યહૂદી છોકરીને ચુંબન,” ઓસ્કરે કહ્યું. “મારી એક કર્મચારીને! એવો આરોપ એમણે મૂક્યો છે મારા પર.”

ફિલિપ તેનો ઉપહાસ કરતાં બૂમ પાડીને બોલ્યો. “શું વાત કરે છે! કેમ, આગળ હિંમત ન ચાલી?”

એ આખી સાંજ કર્નલ ફિલિપ એસએસને ગાળો દેતો રહ્યો. ચોર અને હરામી છે બધા, એ કહેતો હતો. એ તો આ બધું માની જ નહોતો શકતો! એ નાલાયકોમાંથી કેટલાક તો જે પૈસા બનાવી રહ્યા છે! શરૂઆતમાં તો બધા જ પ્રામાણિક લાગતા હતા. એક કિલો માંસ માટે કોઈ પોલેન્ડવાસીને મારી નાખતાં ન અચકાય એવા આ લોકો, પોતે કોઈ મોટા વેપારી કે ઉમરાવની માફક કેવું સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે!

આ બધું જાણે પહેલી જ વખત સાંભળતો હોય, એમ ઓસ્કર તેને સાંભળતો જ રહ્યો. જાણે તેના જેવા સ્યૂટન ગામડિયા માટે તો લાંચિયાવૃત્તિ, એ બહુ આઘાતજનક બાબત ન હોય, જેને કારણે સાનભાન ભૂલીને પેલી યહૂદી યુવતીના શરીરે હાથ ફેરવવા લાગ્યો હોય! ભડાશ કાઢી-કાઢીને થાકી ગયેલો ફિલિપ આખરે ઊંઘી ગયો.

ઓસ્કરને શરાબની તલપ લાગી આવી. થોડી પણ શરાબ જો મળી જાય, તો અહીંનો સમય સરળતાથી પસાર જાય! આ કર્નલ જો જર્મનોનો બાતમીદાર નહીં હોય તો થોડીક શરાબ પીને ચોક્કસ એ પણ સારો જોડીદાર બની જશે! અને જો એ બાતમીદાર હશે, તો શરાબ પીને એ ચોક્કસ કોઈ ભૂલ કરી બેસશે! ઓસ્કરે દસ ઝ્લોટીની નોટ કાઢીને તેના પર કેટલાંક નામ અને ટેલીફોન નંબર લખ્યાં. આગલી વખત કરતાં વધારે, બાર નામ! બીજી ચાર નોટ કાઢીને, તેને વાળીને પોતાની હથેળીમાં રાખી, અને કોટડીના બારણા પાસે જઈને તેણે ખખડાટ કર્યો. એસએસનો એક માણસ સામે આવ્યો. મધ્યવયનો તેનો નિસ્તેજ ચહેરો ઓસ્કરની સામે તાકી રહ્યો. તેનો ચહેરો જોઈને તો ઓસ્કરને એ માણસ, પોલેન્ડવાસીઓને મારી નાખનાર કે તેમને ગડદા-પાટું મારીને તેમની કિડની તોડી નાખનાર સૈનિકોમાંનો એક હોય એવું ન લાગ્યું! હા, યાતના આપવાની એમની અલગ રીતો હશે એ ચોક્કસ! પણ આ ચહેરો તો ગામડામાં રહેતા પોતાના કોઈ સ્વજનનો હોય, એટલો જાણીતો લાગતો હતો! આ માણસ તો એવી હરકત ન જ કરે!

“વોડકાની પાંચ બોટલ મગાવવી શક્ય ખરી કે?” ઓસ્કરે પૂછ્યું. “પાંચ બોટલ, સર!” ચોકીદારે પૂછ્યું. કોઈ નવા-સવા પીવાવાળાને સલાહ આપતો હોય એમ આશ્ચર્ય સાથે એણે પૂછ્યું. તેના ચહેરા પર ચિંતાના થોડા ભાવ જોઈ શકાતા હતા; ઓસ્કર અંગે ઉપરી અધિકારીને જાણ કરવાનું વિચારતો હોય એવા! ઓસ્કરે તેને કહ્યું, કે મને અને જનરલને એક-એક બોટલ આપી દેશો, તો અમારી વાતો ચાલતી રહેશે. બાકીની ત્રણેય બોટલ તમે અને તમારા સાથીદારો, અમારા તરફથી ભેટ ગણીને વહેંચી લેજો. અને હું માનું છું, કે તમારા જેવા અધિકારીને કેદીઓ વતી કોઈને ટેલીફોન કરવાનો અધિકાર તો હશે જ!

“અહીં થોડા ટેલીફોન નંબર તમને દેખાશે… હા… આ નોટ પર. તમારે આ બધાને ફોન નહીં કરવા પડે. માત્ર મારી સેક્રેટરીને ફોન કરીને આટલા નંબર આપી દેજો. હા, આ પહેલો નંબર સેક્રેટરીનો જ છે.”

“આ તો બહુ વગદાર માણસોના નામ છે!” ચોકીદાર ગણગણ્યો.

“તું સાવ મુર્ખ છે,” ફિલિપે ઓસ્કરને કહ્યું. “ચોકીદારોને લાંચ આપવાના પ્રયત્ન બદલ એ લોકો તને ગોળી મારી દેશે!”

તેની વાત સાંભળીને ઓસ્કર થોડો નાસીપાસ થઈ ગયો. “યહૂદી છોકરીને ચૂમવા જેવી જ મુર્ખામી છે આ તો,” ફિલિપે કહ્યું. “હવે જે થાય તે!” ઓસ્કરે જવાબ તો આપ્યો, પરંતુ અંદરથી એ ડરી ગયો હતો. આખરે ચોકીદાર આવ્યો, અને વોડકાની બે બોટલની સાથે ધોયેલાં કપડાં, અંતઃવસ્ત્રો, થોડાં પુસ્તકો, અને તેની સાથે, સ્ત્રેસ્કિગો સ્ટ્રીટના તેના એપાર્ટમેન્ટમાંથી પેક કરીને, મોન્ટેલ્યૂપિકના દરવાજે ઇન્ગ્રીડે પહોંચાડેલી વાઇનની એક બોટલ પણ જર્મન અધિકારીએ તેમને આપી! ફિલિપ અને ઓસ્કરની સાંજ તો સુધરી ગઈ, પરંતુ એટલી હદે, કે એક વખત તો ચોકીદારે લોખંડનું બારણું ઠોકીને તેમને ગીતો ગાવાનું બંધ કરવા કહેવું પડ્યું! શરાબને કારણે કોટડીમાં મોકળાશ અનુભવાતી હતી. કર્નલનો ઉન્માદ વધી ગયો હતો. પરંતુ આ બધાની વચ્ચે, ઉપરથી કોઈ ચીસ આવતી હોય, કે આજુબાજુની કોટડીમાંથી કોઈ નિરાશ કેદી મોર્સની સાંકેતિક લિપિમાં સંદેશો મોકલી રહ્યો હોય, તો એની ભાળ કાઢવા ઓસ્કર મથી રહ્યો હતો. એકાદ વખત તો આ જગ્યાનું સાચું સ્વરૂપ, વોડકાની અસર નાબૂદ કરવામાં સમર્થ થઈ ગયું પણ ખરું! પલંગની નજીકમાં, ઘાસની પથારી પાછળ દબાઈ ગયેલું લાલ પેન્સીલથી ઝીણા અક્ષરે લખાયેલું એક વાક્ય ફિલિપના જોવામાં આવ્યું. થોડી ક્ષણો સ્તબ્ધ થઈને તે, એ વાક્યનો અર્થ સમજવા મથતો રહ્યો, પરંતુ પોલિશ ભાષા પર તેનું પ્રભુત્વ ઓસ્કાર કરતાં ઘણું નબળું હતું.

“હે ઇશ્વર,” ઓસ્કરે ભાષાંતર કર્યું, “આ લોકો મને કેટલો માર મારે છે!”

“અરેરે! કેટલી અદ્ભૂત દુનિયા છે આ! નહીં, મિત્ર ઓસ્કર?”

સવારે ઊઠ્યો ત્યારે શિન્ડલર સ્વસ્થ હતો. શરાબનો નશો તેના માટે ક્યારેય મુશ્કેલી સર્જતો ન હતો, અને બીજા લોકો નશા બાબતે શા માટે આટલી બબાલ કરતા હશે, એ પણ એને સમજાતું ન હતું. પરંતુ, ફિલિપનો ચહેરો ફિક્કો અને નિરાશ લાગતો હતો. સવારે તેને બહાર લઈ જવામાં આવ્યો. પોતાની ચીજવસ્તુઓ લેવા માટે એ પાછો આવ્યો પણ ખરો. આમ તો એ સાંજે જ તેનું કોર્ટ માર્શલ થવાનું હતું! પરંતુ અત્યારે તો તેને એવું કહેવામાં આવ્યું હતું, કે સ્ટટહોફ ખાતેની જર્મન તાલીમશાળામાં તેને નવું કામ સોંપવામાં આવ્યું હતું. ફિલિપે માની લીધું, કે ફરજ ચૂકી જવા બદલ એને ગોળીએ દેવાનો ઈરાદો પડતો મૂકવામાં આવ્યો હશે! પલંગ પરથી પોતાનો મોટો કોટ ઊંચકીને પોતાની પ્રેમકથાનું વર્ણન કરવા માટે એ ચાલ્યો ગયો.

એકલો પડેલો ઓસ્કર, ઇન્ગ્રીડે મોકલેલું કાર્લ મેનું પુસ્તક વાંચતો રહ્યો. બે વરસ પહેલાં ક્રેકોવમાં પ્રેકટિસ શરૂ કરનાર પોતાના જર્મન વકીલ સાથે એ સાંજે એણે વાતચીત પણ કરી. વકીલની એ મુલાકાત બાદ ઓસ્કરને થોડી ધરપત થઈ હતી. ધરપકડનું કારણ તેને બતાવવામાં આવ્યું હતું એ જ હતું. એવું ન હતું, કે આંતરવંશીય સંબંધોના બહાને તેને રોકી રાખીને તેના આર્થિક હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી હોય! “પરંતુ કદાચ આ આખી બાબત એસએસ કોર્ટ પાસે આવશે, અને તમને એ પૂછવામાં પણ આવશે જ, કે તમે શા માટે આર્મિમાં નથી જોડાયા.”

“કારણ દેખીતું જ છે.” ઓસ્કરે કહ્યું. “હું યુદ્ધ માટે આવશ્યક સામગ્રી બનાવી રહ્યો છું. એ લોકો જનરલ શિન્ડલરને પૂછી શકે છે આ બાબતે.”

ઓસ્કર કાર્લ મેના પુસ્તકને ધીમે-ધીમે વાંચતો અને માણતો જતો હતો. અમેરિકાના વેરાન ઉજ્જડ પ્રદેશમાં રખડતો એક શિકારી, અને બીજો એક વિદ્વાન ‘ઇન્ડિઅન’ પુરુષ, અને તેમની વચ્ચેનો એક ઔચિત્યપૂર્ણ સંબંધ. વાંચન કરવામાં આમ પણ એ ક્યારેય ઉતાવળ કરતો ન હતો! કોર્ટ પાસે રજુ થવામાં હજુ એકાદ અઠવાડિયું લાગશે. વકીલ માનતો હતો કે કોર્ટના મુખ્ય અધિકારી, જર્મન વંશની વ્યક્તિને છાજે એવું વર્તન કરવા માટે તેને ભાષણ આપશે, અને ખાસ્સો મોટો દંડ કરશે. ભલે થાય ત્યારે! કોર્ટ પાસેથી તેને સાવચેત રહેવાનું શીખવા મળશે.

પાંચમા દિવસની સવારે નાસ્તા પેટે મળેલી કાળી સસ્તી કોફી પીને એ બેઠો હતો, ત્યાં જેલ અધિકારી અને બે ચોકિદારો તેને લઈ જવા માટે આવ્યા. કોટડીઓના સૂના દરવાજા પાસેથી પસાર થઈને તેને ઉપરના માળે સ્વાગતકક્ષમાં લઈ જવામાં આવ્યો. ઑફિસમાં ક્રેકોવના એસડીના વડા ઓબરસ્તર્મ્બેનફ્યૂહરર રોલ્ફ ઝરદા બેઠા હતા, જેને ઓસ્કર ઘણી વખત પાર્ટીઓમાં મળી ચૂક્યો હતો. સુંદર સૂટ પહેરેલા ઝરદા કોઈ વેપારી જેવા લાગતા હતા. “ઓસ્કર, ઓસ્કર,” કોઈ જૂનો મિત્ર ઠપકો આપતો હોય એ રીતે ઝરદા બોલ્યા. “આવી યહૂદી છોકરીઓ તો અમે તમને રોજના પાંચ માર્કના ભાવે આપીએ છીએ. તમારે એમને નહીં, અમને ચુંબન કરવું જોઈએ.”

ઓસ્કરે તેની પાસે પોતાનો જન્મદિવસ હોવાનો ખુલાસો કર્યો.

“હું આવેશમાં આવી ગયો હતો, અને નશામાં પણ હતો.” ઝરદા માથુ હલાવતો રહ્યો. “મને ખબર ન હતી, કે તમારી ઓળખાણો આટલી મોટી હશે, ઓસ્કર! છેક બ્રેસ્લાઉ જેટલે દૂરથી અમારા પર ફોન આવ્યા, એબવ્હેરથી અમારા મિત્રોના પણ ફોન આવ્યા! એકાદ યહૂદી છોકરીને સ્પર્શી લેવાના કારણસર તમને તમારા કામકાજથી દૂર તો નહીં રાખી શકાયને!”

“તમે બહુ સમજદાર છો, ઓબરસ્તર્મ્બેનફ્યૂહરર,” બદલો મેળવવાની આશાનો અણસાર ઝરદાના અવાજમાં પામી જતાં ઓસ્કરે કહ્યું. “તમારા આ ઉદાર વલણ બદલ હું ક્યારેય પણ તમને કામ લાગી શકું, તો…”

“હકીકતે,” ઝરદાએ કહ્યું. “મારા એક વૃદ્ધ કાકી છે, જેમના ફ્લેટ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે.”

ફરી એક નવાં વૃદ્ધ કાકી! શિન્ડલરે જીભ વડે એક કરૂણાસભર ડચકારો કર્યો, અને ચીજવસ્તુઓની પસંદગી કરવા માટે લિપોવા સ્ટ્રીટમાં ચિફ ઝરદાના કોઈ પ્રતિનિધિનું કોઈ પણ સમયે સ્વાગત કરવાનો તેણે વાયદો કર્યો! પરંતુ સાથે-સાથે તેણે એ પણ ખ્યાલ રાખ્યો, કે ઝરદા જેવો માણસ તેને જેલમાંથી છોડી દઈને તેના પર કોઈ મોટો ઉપકાર કરતો હોય એવું ન લાગવું જોઈએ! કારણ કે, નસીબના સહારે છૂટી ગયેલા કોઈ કેદી તરફથી આ વાસણોની ભેટ તો બહુ મામુલી કહેવાય! જવા માટે ઝરદા ઊભો થયો, ત્યારે ઓસ્કરે તેને રોક્યો.

“હેર ઓબરસ્તર્મ્બેનફ્યૂહરર, અત્યારે હું મારી કાર તો મગાવી શકું તેમ નથી. કારમાં ઈંધણ ભરાવવાની જોગવાઈ પણ મારી પાસે નથી.” ઓસ્કર પોતાની સાથે ઘર સુધી આવવા માગે છે કે કેમ એ બાબતે ઝરદાએ ઓસ્કરને પૂછ્યું.

ઓસ્કરે ખભા ઊંચકતા કહ્યું, “હું તો શહેરના છેક દૂરના છેડે રહું છું. તમારે ઘેરથી ચાલીને જવા માટે મારું ઘર બહુ દૂર પડશે.”

ઝરદાએ હસીને તેને કહ્યું તો ખરું. “ઓસ્કર, હું મારા એક ડ્રાઇવરને કહું છું. એ તમને ઘર સુધી પહોંચાડી દેશે.” ચાલુ એન્જિન સાથે લિમોઝીન મકાનના છેલ્લા પગથિયા પાસે ઊભી રહી, ત્યારે શિન્ડલર ઉપરના માળની ખાલી બારીઓ તરફ જોઈ રહ્યો! અજાણ્યા મુલક સમા આ યાતનાગૃહની બિનશરતી કેદમાં, સળિયા પાછળ સબડતા કોઈ એવા મુક્તિવાંછુની તલાશમાં એ તાકતો રહ્યો, જેમની પાસે જર્મન અધિકારીઓને આપવા માટે કોઈ વાસણો ન હતા! રોલ્ફ ઝરદાએ તેને કોણી મારીને જાગૃત કર્યો.

“મજાક જુદી વસ્તુ છે, ઓસ્કર, મારા મિત્ર! પરંતુ તમે ખરેખર મૂર્ખ હોય, તો જ કોઈ યહૂદી છોકરી સાથે વધારે સંબંધો રાખજો. એમનું કોઈ જ ભવિષ્ય નથી, ઓસ્કર! અને આ હું તમને યહૂદીઓ તરફની જૂની ધૃણાને કારણે નથી કહેતો, એટલો ભરોસો રાખજો મારા પર. આ કાયદો છે.”

આપનો પ્રતિભાવ આપો....