પ્રકરણ ૮
એ વર્ષની ક્રિસમસ જો કે એટલી બધી ખરાબ પણ ન રહી, પરંતુ વાતાવરણમાં ગમગીની જરૂર છવાયેલી રહી. પાર્કલેન્ડના શિન્ડલરના ઘરની સામે કોઈ યક્ષપ્રશ્નની માફક બરફ પથરાઈ ગયો હતો. વૉવેલની ટોચથી છેક રસ્તા સુધી અને કેનોનીઝા સ્ટ્રીટના પ્રાચીન દરવાજા સુધી, કોઈએ જાણી જોઈને ચોક્કસ પ્રયોજનથી, સાવધાનીપૂર્વક અને કાયમ માટે ગોઠવી દીધો ન હોય! નદીની આ પાર કે પેલે પાર, ન સૈનિકદળને, ન પોલેન્ડવાસીઓને કે ન યહૂદીઓને, કોઈને પણ હવે એવો ભરોસો રહ્યો નહોતો, કે આ સમસ્યાનું ઝડપી નિવારણ થઈ શકશે!
એ ક્રિસમસ પર ફેફરબર્ગ પેરિસથી એક અજબ અને વિચિત્ર ગણી શકાય એવી ચીજ લઈ આવ્યો હતો, એક પૂડલ કુરકુરિયું! શિન્ડલરે પોતાની પોલિશ સેક્રેટરી ક્લોનોવ્સ્કાને આપવા માટે પૂડલ મગાવ્યું હતું. ઇન્ગ્રીડ માટે એ ઘરેણાં લાવ્યો હતો, અને ઝ્વિતાઉમાં બેઠેલી સૌમ્ય એમિલીને પણ એણે થોડાં ઘરેણાં મોકલ્યાં હતાં. લિઓપોલ્દ ફેફરબર્ગે કહેલું, કે ઝવેરાત તો આસાનીથી મળી જશે, બાકી પૂડલ ભાગ્યે જ મળતી ચીજ છે! સમય જ એવો હતો, એટલે હીરા તો એકદમ સરળતાથી મળી જતા હતા!
ત્રણ-ત્રણ સ્ત્રીઓ પ્રત્યે શિન્ડલરને એક સાથે આસક્તિ થઈ ગઈ હોય એવું દેખાતું હતું, અને અન્ય સ્ત્રીઓ સાથના તેના છૂટાછવાયા સામાન્ય મિત્રતાના સંબંધો તો જુદા! અને તે પણ, વ્યભિચારી હોવાના આરોપોનો સામનો કર્યા વગર! તેના એપાર્ટમેન્ટની મુલાકાતે જનારે ક્યારેય ઇન્ગ્રીડને નારાજ જોઈ ન હતી! બધાને તેનામાં હંમેશા એક ઉમદા સ્વભાવની વિનયી યુવતીના જ દર્શન થતા! એમિલી પાસે તો ફરિયાદ કરવા માટે સૌથી વધારે તક હતી, અને ઓસ્કર ઝગડો કરવા લાયક માણસ હતો જ, છતાંયે એવો કોઈ ઝગડો કરવાને બદલે, એ પણ એટલા જ સૌજન્યથી તેની સાથે વર્તતી હતી! ઇન્ગ્રીડ ક્લોનોવ્સ્કાને કોઈ ફરિયાદ રહેતી હોય તો પણ, ડેફની ઓફિસમાં તેની વર્તણૂકમાં, કે એક ડિરેક્ટર તરીકે શિન્ડલર સાથેના તેના વ્યવહારમાં એ ફરિયાદનો કોઈ પડઘો પડતો જોવા મળતો નહોતો! ઓસ્કર જે રીતે જીવતો હતો તે જોતાં, ઓફિસની અંદર કોઈ ગુસ્સેલ સ્ત્રી સાથે જાહેરમાં બોલાચાલી થવી એ અત્યંત સહજ બાબત લાગે! અને સામાન્ય રીતે આવી ઘટનાના સાક્ષી બનવા માટે, અને આવા વ્યભિચાર પર મૂછમાં હસવા માટે મિત્રો અને કામદારો તૈયાર જ હોય! પરંતુ ત્રણમાંથી એક પણ સ્ત્રીની સાથે ઓસ્કરને તેના જેવા ભ્રમરવૃત્તિના પુરુષ સાથે સહજ રીતે ઘટી શકે એવી બોલાચાલી થઈ હોવાની કોઈ દુઃખદ ઘટના ઓસ્કરના કામદારો કે મિત્રોને યાદ નથી!
કેટલાક લોકો માનતા હતા એ પ્રમાણે, ઓસ્કર ઉપર આંશિક અધિકાર ભોગવીને કોઈ પણ સ્ત્રી સંતુષ્ટ રહી શકે એવું કહેવું, એ જે તે સ્ત્રીઓનું અપમાન કરવા બરાબર ગણાય! મુશ્કેલી એ હતી કે, ઓસ્કાર પાસે કોઈ વ્યક્તિ સ્ત્રીઓ તરફ વફાદારી રાખવાની વાત કરે, તો ઓસ્કરની આંખમાં કંઈક બાળસહજ અને સ્વાભાવિક મૂંઝવણ ધસી આવતી હતી! કોઈએ જાણે સાપેક્ષવાદ જેવા અઘરા સિધ્ધાંતની વાત કરી દીધી ન હોય, જેને સમજવા પાંચ કલાક ધ્યાન દઈને ટટ્ટાર બેઠા રહીએ, અને તો પણ સમજાય નહીં! ઓસ્કર પાસે એવા પાંચ કલાક હતા પણ નહીં, અને તેને એ બાબત ક્યારેય સમજાઈ પણ નહીં!
હા, માતા સાથેનાં તેના સંબંધો, એ એક અલગ જ બાબત હતી. એ વરસે ક્રિસમસની સવારે, પોતાની મૃત માતા માટે યોજેલી સમુહપ્રાર્થનામાં ભાગ લેવા માટે ઓસ્કર સેન્ટ મેરી ચર્ચમાં ગયો હતો. ચર્ચની અંદર એક કળાકૃતિ એવી રીતે સ્થાપિત કરેલી હતી, જાણે પ્રાર્થના માટે આવનારા મુલાકાતીઓના ધક્કામુક્કી કરતાં ટોળાંને દિવ્યાત્માઓ સુધી દોરી જતી ન હોય! ઓસ્કરે એ દિવસે જોયું, કે શિલ્પકાર વિટ સ્ટોવ્ઝે લાકડામાંથી કોતરેલી એ કળાકૃતિની જગ્યા ખાલી પડી હતી, અને તેની જગ્યાએ એક ઝાંખો પત્થર દેખાતો હતો. હજુ થોડાં અઠવાડિયાં પહેલાં તો શિન્ડલરે એ કળાકૃતિ દિવાલ પર જોઈ હતી! ચિંતિત અને મૂંઝાયેલા ઓસ્કરને તરત જ સમજાઈ ગયું, કે એ કળાકૃતિને કોઈ ચોરી ગયું હતું! તેને આશ્ચર્ય એ થયું, કે ચર્ચમાં પણ ચોરી થવાની આવી અશક્ય ઘટના કઈ રીતે બની શકે?
ઓસ્કરનો વ્યવસાય એ શિયાળે પણ ધમધોકાર ચાલતો રહ્યો. બીજા વર્ષે હથિયાર વિભાગના અધિકારીઓએ ટેન્કવિરોધી તોપગોળા માટે યુદ્ધસામગ્રી બનાવવાનો એક વિભાગ ખોલવાની શક્યતા અંગે ઓસ્કર સાથે ચર્ચા કરી. ઘડા અને તપેલાં બનાવવાને બદલે તોપગોળા બનાવવામાં ઓસ્કરને રસ ન હતો. ઘડા અને તપેલાં બનાવવાં ઇજનેરી દૃષ્ટિએ તેને માટે સરળ હતાં. ધાતુનાં પતરાં કાપીને દબાવવાના, ટબમાં ઝબોળવાનાં અને યોગ્ય તાપમાને ગરમ કરવાનાં, બસ! ઉપકરણોનાં અંશાંકન કરાવવાની કોઈ ઝંઝટ નહીં, કે હથિયારો બનાવવા જેટલું કાળજીપૂર્વકનું કામ પણ નહીં! વળી તોપગોળાના ધંધામાં કોઈ છૂપી લેવડદેવડ થઈ શકે નહીં, અને શિન્ડલરને રસ હતો છૂપી લેવદદેવડમાં! જેમાં ઝડપી વળતર મળતું હતું અને કોઈ પ્રકારનાં કાગળિયાં પણ નહીં કરવાનાં!
પરંતુ તોપગોળા બનાવવાનું કામ રાજકીય દૃષ્ટિએ ફાયદાકારક હતું, એટલે બે નંબરના વર્કશોપની એક પરસાળમાં, તોપગોળા બનાવવા માટે ચોકસાઈપૂર્વક પ્રેસવર્ક અને કાપકૂપ કરી શકે તેવા થોડાં મોટાં હીલો મશીનો નાખીને, યુદ્ધસામગ્રી બનાવવાનો એક વિભાગ ઓસ્કરે ખોલી જ નાખ્યો! યુદ્ધસામગ્રી બનાવવાનો આ વિભાગ સ્થાપનાના એવા તબક્કામાં હતો, જેમાં થોડા મહિના આયોજન, માપણી અને ઉત્પાદન પરીક્ષણ પાછળ ગાળ્યા પછી જ તેમાં ગોળાઓનું ઉત્પાદન શરૂ થઈ શકે તેમ હતું. જોકે, આ મોટા હીલો મશીનો સ્થાપવાને કારણે શિન્ડલરને એક એવું નવું કામ મળી ગયું હતું, જેને આધારે આવનારા અણધાર્યા ભવિષ્ય સામે તેને રક્ષણ મળી રહેવાનું હતું; છેવટે આવશ્યક ઉદ્યોગ તરીકેનું એક રક્ષાકવચ તો મળી જ રહે!
હીલોનું વ્યવસ્થિત અક્ષાંકન થઈ રહે એ પહેલાં જ, પોમોર્સ્કા સ્ટ્રીટના ઓસ્કરના એસએસ સંપર્કો દ્વારા તેને એવા સંકેતો મળવા શરૂ થઈ ગયા હતા, કે યહૂદીઓ માટે ઘેટ્ટો નામે ઓળખાતી અલગ વસાહતો બનવાની છે. સ્ટર્નને ડરાવવા માટે નહીં, પરંતુ તેને માત્ર જાણ થાય એ ખાતર તેણે આ અફવાઓ સ્ટર્નને જણાવી. “અરે, હા,” સ્ટર્ને હામી ભરી. “મેં પણ એવું સાંભળ્યું છે. કેટલાક યહૂદીઓ તો તેની તરફેણ પણ કરે છે. અમે લોકો વસાહતની અંદર હોઈશું, અને અમારા દુશ્મનો બહાર હશે. વસાહતની અંદર અમે નિશ્ચિંત થઈને અમારું કામ કરી શકીશું. ત્યાં કોઈ અમારી ઇર્ષા નહીં કરે, કે શેરીઓમાં પસાર થતી વેળાએ કોઈ અમારા પર પત્થર નહીં ફેંકે. વસાહતની દિવાલો તો કાયમી જ હશે! હું ધારું છું કે, આ દિવાલો એ આપત્તિનું છેલ્લું અને સ્થાયી સ્વરૂપ હશે.”
ત્રીજી માર્ચના દિવસે ક્રેકોવનાં દૈનિકોમાં “જનરલ ગ્યૂબ. ૪૪/૯૧” નામથી આદેશ પ્રકાશિત થઈ ગયો, અને કાઝીમર્ઝમાં ટ્રકો ઉપર બાંધેલાં લાઉડસ્પીકરો દ્વારા પણ તેને પ્રસારિત કરી દેવામાં આવ્યો. ઓસ્કર પોતાની ફેક્ટરીના યુદ્ધસામગ્રી વિભાગમાંથી પસાર થતો હતો ત્યારે આ સમાચારો અંગે એક જર્મન ટેકનિશ્યનની ટિપ્પણી તેણે સાંભળી. “યહૂદીઓ તો વસાહતમાં રહે એ જ સારું છે, નહીં?” ટેકનિશ્યન પૂછી રહ્યો હતો. “તમે તો જાણો જ છો, કે પોલિશ લોકો તો એમને નફરત જ કરે છે?”
આપવામાં આવેલા આદેશમાં પણ આ જ કારણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જર્મન અધિકાર હેઠળના પોલિશ વિસ્તારમાં વંશીય સંઘર્ષ ઘટાડવા માટે, એક બંધ યહૂદી વિસ્તાર બનાવવામાં આવશે. પ્રત્યેક યહૂદીએ વસાહતની અંદર રહેવું ફરજિયાત હતું, પરંતુ યોગ્ય લેબર કાર્ડ ધરાવતા યહૂદીઓ વસાહતમાંથી કામ પર બહાર જઈ શકશે અને સાંજે તેમણે વસાહતમાં પરત આવી જવાનું રહેશે. વસાહતનું સ્થાન પોજોર્સના પરામાં નદીની બરાબર સામેના ભાગે હશે. યહૂદીઓને ૨૦ માર્ચના દિવસની આખરી મહેતલ આપી દેવામાં આવી હતી. “એક વખત વસાહતમાં દાખલ થયા બાદ, યહૂદી મંડળ દ્વારા તમને રહેઠાણ ફાળવવામાં આવશે, પરંતુ વસાહતના એ વિસ્તારમાં રહેતા પોલિશ લોકોએ પોતાની હાઉસિંગ ઓફિસને અરજી કરીને શહેરના અન્ય વિભાગમાં રહેઠાણ મેળવી લેવાનું રહેશે.”
આદેશની સાથે નવી વસાહતનો નકશો પણ જોડેલો હતો. ઉત્તરે નદી, પૂર્વ દીશાએ લ્વાવ જતી રેલવે લાઇન, દક્ષિણે રીકાવ્કા પાછળની પહાડીઓ અને પશ્ચિમે પોજોર્સ પેલેસ દ્વારા સીમાંકનો દર્શાવવામાં આવ્યાં હતાં. નકશા પરથી એટલું સ્પષ્ટ કળાતું હતું, કે વસાહતમાં ખૂબ ગીરદી થવાની હતી.
પરંતુ સાથે-સાથે જ, એક આશા એ પણ રહેતી હતી, જર્મનો દ્વારા થતા દમનનું સ્વરૂપ ચોક્કસ રહેશે અને અત્યાર સુધી મર્યાદિત રહેલા પોતાના ભવિષ્યનું આયોજન કરવા માટે લોકોને એક મજબૂત કારણ પણ મળી રહેશે! આગળ જતાં ઓસ્કરને જેનો પરિચય થવાનો હતો એ, સ્ટ્રેડમ સ્ટ્રીટના કાપડના જથ્થાબંધ વેપારી જુડા ડ્રેસનર જેવા માણસો માટે તો, આવનારા દોઢ વર્ષમાં, વિમાસણમાં મૂકી દેતા આદેશો, ઘૂસણખોરી અને ગેરકાયદેસર જપ્તીઓની વણઝાર લાગી જવાની હતી. પોતાનો સમગ્ર વ્યવસાય, કાર અને એપાર્ટમેન્ટ પણ એણે ટ્રસ્ટની એજન્સીને સોંપી દેવાં પડ્યાં હતાં. તેનું બેંકનું ખાતું સ્થગિત કરી દેવાયું હતું. બાળકોની શાળા કાં તો બંધ થઈ ગઈ હતી, અથવા તો એમને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં!
યહૂદીઓનું વારસાગત ઝવેરાત અને રેડીયો પણ જપ્ત થઈ ગયાં હતાં. તેમને અને તેમના કુટુંબને ક્રેકોવ શહેરની મધ્યમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, ટ્રેઇનમાં સફર કરવાની પણ મનાઈ હતી. તેમના માટે અલગ રખાયેલી ટ્રોલીઓમાં જ તેઓ મુસાફરી કરી શકતાં હતાં. તેમનાં પત્ની, પુત્રી અને પુત્રોને ગમે ત્યારે રસ્તા પરનો બરફ સાફ કરવા માટે, કે મજૂરીનું અન્ય કોઈક કામ કરવા માટે બોલાવી લેવામાં આવતાં હતાં. કામ પર પહોંચવામાં થોડાં મોડાં પડે એટલે કોઈને કોઈ છટકેલ પાગલ તેમના કામનું નિરીક્ષણ કરતી વેળાએ એમને ટ્રકમાં ચડાવી દેતો હતો! આ પ્રકારના તંત્રમાં કોઈને પણ કોઈનો આધાર સાંપડતો ન હતો, જાણે તળિયા વગરના કોઈ અંધારિયા ખાડામાં લપસતાં જતાં હોય એવું બધાં અનુભવી રહ્યાં હતાં. પરંતુ છેવટે, એટલું આશ્વાસન મળવાની આશા તેમને બંધાઈ હતી, કે આખરે આ અલગ વસાહત તેમના આ અંધારિયા ખાડાનું તળિયું હશે! એક એવું સ્થળ જ્યાં બેસીને વિચારોને સંકોરવાનો અવકાશ તો મળી રહેશે!
અને સાથે-સાથે, ક્રેકોવના યહૂદીઓને પણ અલગ વસાહતનો વિચાર જચી ગયો હતો, એક રીતે આ અલગ વસાહતની બાબત પરાપૂર્વથી તેમની સાથે સંકળાયેલી હતી! અને હવે જ્યારે અલગ વસાહતોમાં રહેવાનું નક્કી થઈ જ ગયું હતું, ત્યારે આ બાબત તેમને થોડી રાહત આપનારી અને પોતાની સંસ્કૃતિ સાથે ફરીથી અનુસંધાન સાધવા જેવી લાગતી હતી. ક્રેકોવના ઇતિહાસમાં એ બાબત મોજુદ હતી, કે ફ્રાન્ઝ જોસેફે છેક ૧૮૬૭માં પોતાની સહી સાથે, યહૂદીઓને શહેરની અંદર પોતાની મરજીની જગ્યાએ રહેવાની પરવાનગીના આદેશ પર મંજુરીની મહોર મારી ત્યાં સુધી, વૃદ્ધ યહૂદીઓને કાઝીમર્ઝની વસાહતોમાંથી બહાર જ નીકળવા દેવામાં આવતા ન હતા! એ સમયે કેટલાક શંકાશીલ યહૂદીઓએ તો એમ પણ કહ્યું હતું, કે આ પરવાનગીની પાછળનું કારણ એ હતું, કે ઓસ્ટ્રીઅન લોકો પોતે જ એવું ઇચ્છતા હતા, કે પોલિશ યહૂદીઓને ક્રેકોવની નજીક નદીના વળાંક પરની વસાહતોમાં જ રહેવા દેવા જોઈએ, જેથી તેઓ પોતાની મજૂરીની જગ્યાની નજીકમાં જ રહી શકે! અને છતાં પણ, ઓસ્કરના બાળપણમાં તેના ઘરમાં ફ્રાન્ઝ જોસેફ પ્રત્યે જે આદરભાવ હતો, એવો જ આદરભાવ આજના પોલિશ વૃદ્ધ યહૂદીઓ પણ ફ્રાન્ઝ તરફ ઘરાવતા હતા.
અલગ વસાહતમાં વસવાટની છૂટ મળવામાં બહુ જ મોડું થયું હોવા છતાં, ક્રેકોવના વૃદ્ધ યહૂદીઓને કાઝીમર્ઝની પોતાની જૂની વસાહત પ્રત્યે કંઈક કુણી લાગણી હતી. વસાહતોની સાથે કેટલીક અણગમતી બાબતો પણ સંકળાયેલી રહેતી હતી. રહેઠાણો ગીચોગીચ હતાં, સ્નાનગૃહો જાહેર અને સહિયારાં હતાં, કપડાં સુકવવાની જગ્યા બાબતે તકરારો થતી હતી, વગેરે. પરંતુ એ વસાહતો સાથે તેમની વારસાગત વિદ્વતા અને તેમનાં ગીતો જોડાયેલાં હતાં! ભલે ને તેમનું કોફીહાઉસ સાવ સાધારણ કક્ષાનું હોય, પરંતુ એકબીજાની હુંફમાં ત્યાં બેસીને તેઓ જે રીતે પોતાના સ્વતંત્ર દેશ અંગે બૌદ્ધિક ચર્ચાઓ કરતા હતા… આવી કેટલીયે આગવી ખાસિયતો યહૂદી વૃદ્ધોને વસાહત સાથે બાંધી રાખતી હતી! લોડ્ઝ અને વૉરસોની વસાહતોમાં અગવડો પડતી હોવાની અફવાઓ ઊઠી રહી હતી, પરંતુ પોજોર્સની વસાહતમાં તો આયોજન મુજબની વિશાળ જગ્યા મળી હોવાનું લાગતું હતું, કારણ કે શહેરના નકશા પર વસાહતનો નકશો પાથરીને જોવામાં આવે તો જૂના શહેરનો અડધા જેટલો વિસ્તાર વસાહત માટે ફાળવેલો દેખાતો હતો; જે ભલે બહુ વધારે તો ન હતો, પરંતુ સાવ ગુંગળાઈ જવાય એટલો ઓછો પણ ન હતો.
જે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો, તેમાં રાહતરૂપ લાગે એવી એક કલમ એ પણ હતી, જેમાં પોલિશ ગ્રામજનો સામે યહૂદીઓને રક્ષણ આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો! ૧૯૩૦ની પણ પહેલાંથી પોલેન્ડમાં, જાણી-જોઈને ઊભી કરવામાં આવેલી વંશીય હુંસાતુસી પ્રચલિત હતી. મંદી શરુ થઈ અને ખેતપેદાશોના ભાવો ગગડવા લાગ્યા એ સાથે પોલિશ સરકારે એવાં શ્રેણીબદ્ધ રાજકીય યહૂદી વિરોધી જુથોની રચના પર મંજુરીની મહોર મારી આપી હતી, જે એવું માનતા હતા, કે પોલેન્ડની આર્થિક સમસ્યાના મૂળમાં યહૂદીઓ જ હતા.
માર્શલ પિલ્સુદ્સ્કીની સેનેક્જાના ‘નૈતિક સફાઈ’ પક્ષે વૃદ્ધ માર્શલના મૃત્યુ પછી, ‘નેશનલ યુનિટી’ નામના યહૂદી વિરોધી જમણેરી જુથની એક છાવણી સાથે ગઠબંધન કરી લીધું હતું. વડાપ્રધાન સ્ક્લેદકોવ્સ્કીએ વૉરસાના સંસદભવનમાંથી જાહેરાત કરતાં કહેલું, કે “યહૂદીઓ સામે આર્થિક યુદ્ધ? ભલે થઈ જાય!” ખેડુતોને જમીન સુધારણામાં મદદ કરવાને બદલે સેનેક્જાએ, એક પ્રતિકરૂપે, અને પોલેન્ડના ગામડાઓમાં ફેલાયેલી ગરીબી માટે યહૂદીઓને જવાબદાર ઠેરવીને, બજારમાં આવેલી યહૂદીઓની દુકાનોની વિરુદ્ધમાં ગ્રામજનોમાં ઉશ્કેરણી કરી હતી. શ્રેણીબદ્ધ ગામોમાં યહૂદી વસ્તીની સામુહિક કત્લેઆમ કરવામાં આવી હતી, જેની શરૂઆત ૧૯૩૫માં ગ્રોડનો નામના ગામથી કરવામાં આવી હતી. આ લડાઈમાં પોલિશ વહીવટદારોએ પણ ઝૂકાવ્યું હતું, અને નવા નિયમો હેઠળ યહૂદી ઉદ્યોગકારો બેંક ક્રેડિટથી વંચિત રહે તેવી જડબેસલાક વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. કામદાર મંડળોએ પોતાની યાદીમાંથી યહૂદી કારીગરોનાં નામ કમી કરી નાખ્યાં હતા, અને યુનિવર્સિટીઓમાં યહૂદી વિદ્યાર્થીઓ માટે સાવ નહીંવત્ જગ્યાઓ રહે તેવી નવી મર્યાદાઓ ઉમેરી દેવામાં આવી હતી. યહૂદી વિદ્યાર્થીઓને માટે વર્ગખંડોમાં ખાસ અલગ સ્થળે પાટલીઓ મૂકાવીને, તેમને એક તરફ હડસેલી મૂકવાની સગવડ પ્રાધ્યાપકોએ જ નેશનલ યુનિટીના સભ્યોને કરી આપી હતી. શહેરના યહૂદીઓની હોશિયાર પુત્રીઓના સુંદર ચહેરા પર નેશનલ યુનિટી પક્ષના પક્ષપાતી અને ઘાતકી યુવાનો દ્વારા બ્લેડના ઘા કરવામાં આવતા હતા. વિદ્યાર્થીનીઓ લોહીયાળ હાલતમાં ઘા સાથે વર્ગખંડમાંથી નીકળતી હોય એવાં દૃશ્યો પોલિશ યુનિવર્સિટી માટે સામાન્ય બાબત બની ગઈ હતી.
જર્મન કબજાના પહેલા વર્ષમાં જર્મનોને આશ્ચર્ય એ વાતનું થતું હતું, કે પોલિશ લોકો પોતે જ જર્મનોને યહૂદીઓના ઘર સામે આંગળી ચિંધી આપતા હતા! પ્રાર્થના કરતાં યહૂદીઓને ઝડપી લઈને જર્મનો કાં તો કાતર વડે તેમની દાઢી કાપી નાખતા, અથવા તો પોતાના લશ્કરી ચાકુ વડે તેમના ગુલાબી ચહેરા પરની ચામડી ઉતરડી નાખતા હતા! આ કારણસર જ, માર્ચ ૧૯૪૧માં વસાહતમાં રહેનારા યહૂદીઓને પોલિશ પ્રજા સામે રક્ષણ આપવાનું વચન જર્મનોએ આપ્યું, ત્યારે યહૂદીઓને તેમના પર એકદમ જ ભરોસો પડી ગયો.
પોજોર્સ જવા માટે પોતાની ઘરવખરી એકઠી કરીને બાંધતી વેળાએ ક્રેકોવના યહૂદીઓને એકદમ તો કંઈ ખુશી થઈ આવી ન હતી! પરંતુ, જૂના ઘેર પાછા ફરતી વેળાએ થાય એવી કંઈક વિચિત્ર, એક ચોક્કસ સીમાની અંદર પહોંચી જવાની, અને ભાગ્યમાં હશે તો અહીંથી તેમને બીજે ક્યાંય ધકેલવામાં નહીં આવે, કે વધારે હેરાન કરવામાં નહીં આવે, એવી લાગણી તેમને જરૂર થઈ રહી હતી! રખેને ૨૦ માર્ચ આવી જાય અને બહાર જ રહી જાય અને કોઈ અકારી જગ્યાએ મોકલી આપવામાં આવે, એ ડરે ક્રેકોવની આસપાસના વ્યુલિઝ્કા, નિઓપોલોમીસ, લિપનીકા, મુરોવાના અને ટીનિએક જેવા ગામડાઓમાંથી પણ ઘણા લોકો પોજોર્સ જવા માટે નીકળી ગયા હતા. વસાહતની અંદર કોઈ તેમના પર હુમલો કરે, તો પણ, વસાહતનો જૂનો ઇતિહાસ અને તેના માટે જે કંઈ કહેવાતું હતું તે જોતાં, એ સ્થળ રહેવા લાયક તો હશે જ તેવી એક લાગણિ તેમનામાં પ્રવર્તતી હતી. આમતેમ અથડાતા ફરવાની સામે લોકોને વસાહત એ સ્થિરતાનું પ્રતિક લાગતું હતું.
પરંતુ આ વસાહતોના નિર્માણને કારણે ઓસ્કર શિન્ડલરના જીવનમાં થોડી અગવડો જરૂર ઊભી થવાની હતી! વાત એમ હતી, કે શહેરના પ્રવેશદ્વાર પાસે જ વેવેલની ઈમારત પાસે ચૂનાની એક ટેકરી બોટલ પર લાગેલા બૂચની માફક ગોઠવાયેલી હતી. તેની પાસેથી પસાર થતો રસ્તો, આગળ જતાં કાઝીમર્ઝ અને કોસીસ્કો બ્રીજ થઈને ડાબે વળીને ઝેબ્લોસીમાં આવેલી ઓસ્કરની ફેક્ટરી તરફ જતો હતો. સામાન્ય રીતે એવું બનતું, કે સ્ત્રેસ્કિગોના પોતાના બાદશાહી ફ્લેટમાંથી નીકળીને ઓસ્કર આ રસ્તા પર થઈને જ પોતાની ફેક્ટરીએ જતો હતો. પરંતુ રસ્તાની વચ્ચોવચ્ચ હવે વસાહતની દિવાલો બનવાની હોવાથી આ રસ્તો હવે બંધ થઈ જવાનો હતો. આમ તો આ બહુ મામુલી સમસ્યા હતી, પરંતુ લિપોવા સ્ટ્રીટમાં આવેલી પોતાની ઓફિસના મકાનની ઉપરના માળે એક એપાર્ટમેન્ટ બનાવવાનો વિચાર આ કારણે જ તેને વ્યાજબી લાગ્યો હતો. જર્મન આર્કિટેક્ટ વોલ્ટર ગ્રોપિઅસની ડિઝાઇનમાં બંધાયેલો તેનો એપાર્ટમેન્ટ કંઈ જેવો-તેવો ન હતો. સંખ્યાબંધ કાચ વડે ચમકતા પ્રકાશિત એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર પર આધુનિક ચોરસ ઈંટોથી સુંદર સજાવટ કરી હતી.
વસાહતમાં પ્રવેશવાની આખરી સમયમર્યાદા પહેલાં, માર્ચના એ દિવસોમાં, શહેર અને ઝેબ્લોસી વચ્ચે પોતાની કારમાં અવરજવર કરતી વેળાએ રસ્તામાં, પોતાનો સામાન બાંધી રહેલા અને ગાડાંમાં ખુરસીઓ, ચટાઈ અને ભીંત-ઘડિયાળ જેવો પોતાનો સરસામાન લાદીને, પોતપોતાના કુટુંબોની સાથે ઉતાવળે-ઉતાવળે સ્ટ્રેડમ સ્ટ્રીટમાંથી પસાર થઈ રહેલા કાઝીમર્ઝના યહૂદીઓ ઓસ્કરને દરરોજ જોવા મળતા હતા. ભૂતકાળમાં સ્ટેરા વિસ્લા નામના વહેણને કારણે કાઝીમર્ઝ, એક ટાપુ સ્વરૂપે સેન્ટ્રમથી વિખૂટું પડી ગયું હતું, ત્યારથી આ યહૂદીઓનાં કુટુંબો ત્યાં જ રહેતા હતા. હકીકતે, સદીઓ પહેલાં યહૂદીઓને અન્ય સ્થળોએ પ્લેગ માટે કારણભૂત માનવામાં આવતા હતા, ત્યારે મહાન કાઝીમરે સામે ચાલીને તેમને ક્રેકોવમાં આવીને વસવાટ કરવાનું આમંત્રણ આપ્યું હતું! ઓસ્કરે ગણતરી કરી, કે લગભગ પાંચસો વર્ષ પહેલાં તેમના પૂર્વજો, આ જ રીતે પોતાનાં બિસ્તરા-પોટલાં બાંધીને, સરસામાન ગાડાંમાં નાખીને ક્રેકોવમાં આવ્યા હશે! અને આજે? આજે એ જ રીતે ગાડાંમાં સામાન ભરીને તેઓ પાછા જઈ રહ્યા હતા! કાઝીમરનું આમંત્રણ હવે રદ્દબાતલ થઈ રહ્યું હતું. ઓસ્કારે નોંધ્યું કે મૂળ આયોજન પ્રમાણે શહેરમાં ફરતી ટ્રોલીઓ તો લ્વોવ્સ્કા સ્ટ્રીટમાં થઈને વસાહતની વચ્ચેથી જ પસાર થઈ રહી હતી! પોલિશ કામદારો ટ્રોલીના પાટા સામેની બધી જ દિવાલોને ઈંટો વડે ચણીને ઊંચી કરી રહ્યા હતા, અને બાકીની ખુલ્લી જગ્યાઓએ પણ સિમેન્ટની ઊંચી-ઊંચી દિવાલો બનાવી રહ્યા હતા. આયોજન એવું હતું, કે વસાહતમાં પ્રવેશતી વેળાએ ટ્રોલીઓનાં બારણાંઓને બંધ કરી દેવાનાં અને વસાહતના સામે છેડે આવેલા આર્યન વિભાગના ઉમવેલ્ટ પહોંચે ત્યાં સુધી ટ્રોલીને રોકવાની નહીં! ઓસ્કર જાણતો હતો, કે લ્વોવ્સ્કા અને સ્વો કિંગી સ્ટ્રીટના ખૂણા પરથી યહૂદીઓ ગમે તેમ કરીને ટ્રોલી પર ચડી જવાના હતા! દરવાજા બંધ હોય, ટ્રોલી રોકાવાની ન હોય અને દિવાલો પર મશીનગન તૈનાત હોય, તેનો પણ તેમને કોઈ વાંધો નહીં હોય! લોકોને એવી બાબતોથી હવે કોઈ જ ફરક પડવાનો ન હતો. ચાલુ ટ્રોલીએ ઉતરવાના પ્રયત્ન પણ તેઓ કરવાના જ! કોઈ કુટુંબની વફાદાર પોલિશ કામવાળી સોસેજનું પાર્સલ લઈને આવતી હશે, તો એ બીચારી શું કરવાની? અને ખીસ્સામાં રોકડ ઝ્લોટીની થપ્પી કે હીરા ભરીને, કે પછી બળવાખોરો માટેનો ખાનગી સંદેશો લઈને જતા લિઓપોલ્દ ફેફરબર્ગ જેવા ઝડપથી ભાગી શકતા દોડવીરો દોડીને ચાલતી ટ્રોલી પર ચડી જવાનો પ્રયત્ન પણ કરવાના જ! એકાદી આછી-પાતળી તક મળશે તો પણ લોકો પ્રયત્ન તો કરવાના જ! ભલે ટ્રોલીની અંદર પ્રવેશી શકવાની શક્યતા બહુ જ ઓછી હોય, કે પછી ટ્રોલીના દરવાજા સાવ બંધ જ હોય! બંધ દિવાલો વચ્ચે ઝડપથી દોડીને ટ્રોલીમાં ચડી જવું પડે, એવું પણ બને!
૨૦ માર્ચ પછી, ઓસ્કરના યહૂદી કામદારોને કોઈ જ પગાર મળવાનો ન હતો! પોતાની પાસે બચેલા રાશન વડે જ તેમણે પોતાનું ભરણપોષણ કરવાનું હતું. એથી ઊલટું, ઓસ્કરે પ્રત્યેક કામદારોના બદલામાં ક્રેકોવના એસએસ મુખ્યાલયને નિયત કરેલી ફી ચૂકવવાની હતી. ઓસ્કર અને મેડરિટ્સ આ બાબતે અકળાઈ રહ્યા હતા. તેઓ જાણતા હતા, કે એક દિવસ તો આ યુદ્ધ પુરું થઈ જ જવાનું હતું! અને એ સમયે, અમેરિકાની માફક અહીં પણ ગુલામોના માલિકોએ શરમાવાના દિવસો આવવાના હતા, તેઓ ખુલ્લા પડી જવાના હતા! એસએસની મુખ્ય વહીવટી કચેરીની અને ઑફિસની ફી પેટે, એક કુશળ કારીગર દીઠ દરરોજના સાડા સાત જર્મન માર્ક, અને એક મજુર અથવા એક સ્ત્રી દીઠ પાંચ જર્મન માર્ક, ઓસ્કરે મુખ્ય પોલીસ અધિકારીને ચૂકવવાના હતા. મજુરોના ખુલ્લા બજાર કરતાં આ ભાવો જો કે ઘણા ઓછા હતા! પરંતુ આર્થિક ફાયદો મેળવવાની સામે, યહૂદીઓ પાસે મફતમાં કામ કરાવવાનો નૈતિક બોજ ઓસ્કર અને જ્યૂલિઅસ મેડરિટ્સ, બંનેને અકળાવી રહ્યો હતો. પ્રત્યેક મજૂર પેટે પોલીસને ચૂકવવાની રકમની કોઈ જ ચિંતા ઓસ્કરને એ વર્ષે ન હતી. તે ઉપરાંત, એ ક્યારેય એક ચુસ્ત મૂડીવાદી ન હતો. યુવાનીમાં તેના પિતાએ કેટલીયે વાર તેને આર્થિક બાબતોમાં બેદરકાર ગણાવ્યો હતો. એ જ્યારે માત્ર સેલ્સ મેનેજર હતો, ત્યારે પણ બબ્બે કાર રાખતો હતો! એવી ઇચ્છાએ, કે આ જાણીને તેના પિતા હેન્સ કેવો આઘાત પામશે! ક્રેકોવમાં આવીને આજે તો એ એટલો સમૃદ્ધ થઈ ગયો હતો, કે એ ઘણી બધી કાર રાખી શકે તેમ હતો; એક બેલ્જિઅન મિનરવા, એક મેબેક, એક એડલર કેબ્રીઓલેટ અને એક બીએમડબ્લ્યૂ તો તેની પાસે હતી પણ ખરી!
ઓસ્કર એક ઉડાઉ માણસ તરીકે પંકાઈ ગયો હતો. તેના પિતા તેના કરતાં વધારે સાવચેત હતા, અને પિતાથી પણ વધારે સમૃદ્ધ થવું એ શિન્ડલરે ઇચ્છેલી જીવનની કેટલીક સિદ્ધિઓમાંની એક હતી. આમ પણ વ્યવસાયમાં તેજીનો સમય હોય, ત્યારે મજૂરીની કિંમત બહુ મામુલી ગણવામાં આવતી હોય છે!
અને મેડરિટ્સ માટે પણ આ વાત એટલી જ સાચી હતી. જ્યૂલિઅસ મેડરિટ્સની ગણવેશની બનાવવાની મીલ વસાહતની પશ્ચિમે ઓસ્કારના એનેમલના કારખાનાથી એકાદ માઇલના અંતરે આવેલી હતી. આ વ્યવસાયમાં તેને એટલો નફો થઈ રહ્યો હતો, કે ટર્નોવમાં આવો જ એક બીજો પ્લાંટ ખોલવા માટે એ વાટાઘાટો ચલાવી રહ્યો હતો. શસ્ત્ર-સરંજામ વિભાગમાં એ પણ સારું એવું વર્ચસ્વ ધરાવતો હતો અને તેની છાપ એટલી ઉમદા હતી, કે ‘બેંક એમિસિજની’ તરફથી તેને દસ લાખ ઝ્લોટીની લોન પણ આપવામાં આવી હતી.
જર્મન સરકાર તરફથી ગમે તેટલો નૈતિક વિરોધ કરવામાં આવતો હોય, પરંતુ ઓસ્કર અને જ્યૂલિઅસ, બે માંથી એક પણ ઉદ્યોગપતિને વધારાના યહૂદીઓને નોકરી આપવામાં ખચકાટ થતો હોય એવું લાગતું ન હતું. આ તો ફેક્ટરીની પોતાની અંગત નીતિની વાત હતી, અને એ બંને જ્યારે વ્યવહારુ માણસો જ હતા, ત્યારે નૈતિક બંધનો સાથે તેમનો મેળ ખાય તેમ ન હતું! વાત જે હોય તે, પરંતુ રોમન જીન્ટર નામનો એક ઉદ્યોગપતિ, જે યહૂદી રિલીફ ઓફિસનો પ્રતિનિધિ પણ હતો, તે અને ઇત્ઝાક સ્ટર્ન, ઓસ્કર અને જૂલિઅસના સંપર્કમાં રહીને વધારેને વધારે યહૂદીઓને રોજી અપાપવા માટે તેમને વિનંતી કરતા રહેતા હતા. તેમનો હેતુ વસાહતને આર્થિક સ્થિરતા આપવાનો હતો. સ્ટર્ન અને જિન્ટરે એ ક્ષણે જે બાબતનો વિચાર કર્યો હતો, એ આમ તો તદ્દન સ્પષ્ટ જ હતી, કે કુશળ કારીગરની જરૂરિયાત હોય એવા નવા-સવા રાષ્ટ્રમાં, આર્થિક મૂલ્ય ધરાવનાર કોઈ પણ યહૂદીને મૃત્યુ સામે રક્ષણ મળી રહે તેમ હતું. ઓસ્કર અને મેડરિટ્સ પણ તેમની સાથે સહમત હતા.
બે અઠવાડિયાં સુધી ગાડાં ખેંચતાં-ખેંચતાં યહૂદીઓ કાઝીમર્ઝમાંથી નીકળીને બ્રિજ પર થઈને પોજોર્સમાં પહોંચ્યા. મધ્યમવર્ગનાં કેટલાંક કુટુંબો તો પોતાના પોલિશ નોકરોને પણ અહીં સાથે લઈ આવ્યાં હતાં. નોકરો તેમનાં ગાડાંને ધક્કા મારતા હતા. ફરના કોટ, શેતરંજીઓ, કિટલીઓ અને તપેલાં જેવો નાનો-મોટો સામાન ગાડાંની નીચે પણ બાંધેલો હતો.
એ સમયે, સ્ટ્રેડમ અને સ્ટેરોવિસ્લના સ્ટ્રીટ પર ઉમટેલાં પોલેન્ડવાસીઓનાં ટોળાં તેમની ઠેકડી ઉડાડતાં હતાં, “યહૂદીઓ જાય છે, યહૂદીઓ જાય છે. આવજો, આવજો.” કહીને તેમના પર કાદવ ઉછાળાતાં હતાં!
બ્રિજની સામે પાર, લાકડાનો એક શણગારેલો દરવાજો વસાહતની અંદર આવી રહેલા નવા યહૂદીઓનું સ્વાગત કરી રહ્યો હતો. સુશોભિત દિવાલોને કારણે શોભતા દરવાજાની બંને બાજુએ, ક્રેકોવથી આવી રહેલાં અને પરત જઈ રહેલાં ગાડાં માટે બે પહોળી કમાનો બનાવેલી હતી. દરવાજાની એક બાજુએ ચોકીદાર માટે ઓરડી બનાવેલી હતી. કમાનોની ઉપર લગાડેલા પાટિયા પર હીબ્રૂ ભાષામાં લખેલાં “યહૂદી ગ્રામ” શબ્દો યદીઓને હિંમત બંધાવી રહ્યા હતા. વસાહતની સામે નદી તરફ કાંટાળા તારની ઊંચી વાડ બાંધેલી હતી અને વચ્ચેની ખુલ્લી જગ્યાને, ઉપરથી ગોળાકાર બનાવેલી નવ ફૂટ ઊંચી સિમેન્ટની લાદીઓ વડે બંધ કરી દેવામાં આવી હતી. અજાણ્યાને તો આ દૃશ્ય કબર ઉપર કતારબંધ ગોઠવેલા પત્થરો જેવું જ લાગે! યહૂદી હાઉસિંગ ઓફિસનો એક પ્રતિનિધિ, વાહનો ખેંચીને આવી રહેલા યહૂદીઓ આવકારતો હતો. આવનાર વ્યક્તિની સાથે તેની પત્ની કે મોટું કુટુંબ હોય, તો તેને બે કમરા અને એક રસોડું ફાળવવાની શક્યતા રહેતી હતી. અને તે છતાંએ, વીસ-ત્રીસના દસકામાં બહુ સમૃદ્ધ જીવન જીવ્યા પછી, સાવ જુદી જ રહેણીકરણી ધરાવતા, અણગમતી ગંધ અને ટેવોવાળા અજાણ્યા કુટુંબની સાથે પોતાની અંગત જિંદગી સંયુક્ત રીતે વિતાવવી પડે, એ બાબત કેટલાક યહૂદીઓ માટે અત્યંત પીડાદાયક હતી! ટોળામાં સ્ત્રીઓ ચીસો પાડતી હતી, અને વૃદ્ધ પુરુષો બોખા મોંએ સીસકારા બોલાવતાં, માથાં ધુણાવતાં કહેતા હતા, કે પરિસ્થિતિ આથી પણ વધારે કથળી શકે તેમ હતી! રૂઢિચુસ્ત યહૂદીઓ, પોતાની સાથે એક જ કમરામાં રહેતા આધુનિક યહૂદીઓ પ્રત્યે ધૃણા વ્યક્ત કરતા હતા. પરંતુ ૨૦ માર્ચના દિવસે આ બધી જ અવરજવર થંભી ગઈ! વસાહતની બહાર રહી ગયેલા લોકોનું હવે કોઈ ધણીધોરી ન હતું. બહાર રહી ગયેલા બધા જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જ્યારે આ તબક્કે અંદર પહોંચી ગયેલાઓને જીવતા રહેવા પુરતી મોકળાશ મળી ગઈ હતી.
ત્રેવીસ વર્ષની એડીથ લિબગોલ્ડને પોતાની પુત્રી અને માતા સાથે રહેવા માટે પહેલા માળે એક કમરો ફાળવવામાં આવ્યો હતો. અઢાર મહીના પહેલાં ક્રેકોવનો ધ્વંસ થવાને કારણે તેના પતિની માનસિક સ્થિતિ નિરાશાજનક હદે કથળી ગઈ હતી. ઘર છોડીને કોઈ સુરક્ષિત સ્થાન શોધતાં, મેદાનોમાં આમતેમ ભટકવા નીકળી ગયા બાદ એ ક્યારેય પાછો ફર્યો ન હતો!
એડીથ પોતાની બારીમાંથી સામે જ દેખાતી વિસ્તુલા નદીને કાંટાળી વાડમાંથી આરપાર જોઈ શકતી હતી. પરંતુ વસાહતના અન્ય ભાગમાં, ખાસ કરીને વેજીર્સ્કા સ્ટ્રીટમાં આવેલી હોસ્પિટલ જવું હોય, તો શહેરના એક માત્ર ચોક પ્લેક ગોડી (શાંતિ ચોક) થઈને જ જવું પડે તેમ હતું. વસાહતની ચાર દિવાલોમાં પુરાયા પછી બીજા જ દિવસે એવું બન્યું, કે શહેરમાં કોલસો કે બરફ ખસેડવાના કામે લઈ જતી એસએસની ટ્રકમાં ચડવામાં એડીથ વીસ સેકન્ડ જેટલી મોડી પડી. વસાહતમાં એક એવી અફવા ઊડી હતી, કે ટ્રકમાં સવાર થઈને જતા લોકો પાછા ફરે છે, ત્યારે એમની સંખ્યામાં એક-બેનો ઘટાડો થઈ જતો હતો! જો કે આવી અફવાઓ કરતાં પણ, સાંજે પાછા ફરતી વેળાએ ઝડપથી પેનકિવિક્ઝ ફાર્મસી પહોંચીને પોતાની નાનકડી બાળકીને દુધ પીવડાવવાની ધારણા રાખતી હોય ત્યારે જ ટ્રકમાં કોઈ તેની સાથે બળજબરી કરે એવો ભય તેને વધારે રહેતો હતો! આવા ડરની મારી એડીથ પોતાની સહેલીઓ સાથે યહૂદી એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં પહોંચી ગઈ, અને પોતાને રાતપાળીની નોકરી મળી જાય તેવી વિનંતી કરી, કારણ કે રાત્રે તો તેની માતા તેની નાનકડી બાળકીને સંભાળી શકે તેમ હતી!
શરૂઆતના દિવસોમાં તો યહૂદી મંડળની ઑફિસ ભરચક રહેતી હતી. મંડળ પાસે હવે પોતાનું ઓડી (ઓર્ડન્સડેન્ટ્સ) નામે ઓળખાતું એક મોટું અને કાયમી પોલીસદળ હતું, જે વસાહતમાં વ્યવસ્થા જાળવવાનું કામ કરતું હતું. માથે ટોપી અને બાવડે આર્મબેંડ બાંધેલો એક યુવક ઓફિસની બહાર રાહ જોઈ રહેલી કતારને વ્યવસ્થિત રાખતો હતો.
આધેડવયનો એક માણસ બ્રાઉન સુટ અને ટાઈ પહેરીને એડીથ લિબગોલ્ડ પાસે આવ્યો, ત્યારે સ્ત્રીઓનું ટોળું ઓફિસના દરવાજાની અંદર બેસીને સમય પસાર કરવા માટે મોટે-મોટેથી વાતો કરી રહ્યું હતું. સ્ત્રીઓને ખ્યાલ આવી ગયો, કે તેમના કોલાહલને કારણે જ પેલા આધેડનું ધ્યાન તેમના તરફ આકર્ષાયું હતું. પહેલાં તો તેમને એમ લાગ્યું, કે જરૂર એ એડીથને લઈ જવા માટે આવ્યો હતો.
“જુઓ,” સુટ પહેરેલી વ્યક્તિએ કહ્યું. “અહીં રાહ જોવાને બદલે… ઝેબ્લોસીમાં અહીં એક એનેમલ ફેક્ટરી છે, ત્યાં જાઓ.”
આટલું કહીને પોતાની વાતની અસર થવા દેવા માટે એ અટક્યો.
“ઝેબ્લોસી અહીં વસાહતની બહાર જ છે,” એ કહી રહ્યો હતો. “ત્યાં કામ કરતા પોલિશ કામદારો સાથે તમે ચીજ-વસ્તુઓની લેવડદેવડ પણ કરી શકશો. રાતપાળીમાં કામ કરવા માટે તેમને દસ મજબુત સ્ત્રીઓની જરૂર છે.” યુવતીઓએ જવાબમાં, જાણે પોતાને જોઈએ તેવું કામ મળી રહેતું હોય અને તેમને આ કામની જરૂર ન હોય એ રીતે તેની સામે મોં મચકોડ્યાં. આવનાર વ્યક્તિએ એવું પણ જણાવ્યું, કે કામ બહુ મહેનતનું નથી, અને તેમને શીખવવામાં પણ આવશે! એણે પોતાનું નામ એબ્રાહમ બેંકર હોવાનું, અને પોતે એ જ ફેક્ટરીનો મેનેજર હોવાનું જણાવ્યું! હા, માલિક જર્મન છે એ બાબત પણ એણે જણાવી દીધી હતી. –કેવો જર્મન છે? યુવતીઓએ પુછ્યું. પોતે યુવતીઓની બધી જ માંગણીઓ પૂરી કરી શકવાનો હોય એમ પોરસાતાં બેંકરે જણાવ્યું, કે તેનો માલિક જરા પણ ખરાબ માણસ નથી.
એ જ રાત્રે વસાહતમાં પાછા ફરીને એડીથ લિબગોલ્ડે એનેમલ ફેફ્ટરીમાં કામ કરતા બીજા કામદારોને મળી લીધું, અને વસાહતમાંથી કુચ કરીને ઓડીના યહૂદી ચોકીદારની દેખરેખ હેઠળ ઝેબ્લોસી જવા માટે ચાલી નીકળી. કતારમાં ચાલતાં-ચાલતાં તેણે ડ્યૂસ્ક ઈમેઇલ ફેબ્રિક (ડેફ) વિશે જાણકારી મેળવી લીધી. કોઈએ એને કહ્યું, કે ત્યાં તો જમવામાં સરસ ઘાટ્ટો સુપ અપાય છે. ત્યાં કોઈ માર મારે છે કે? ના રે, આ કંઈ એવી જગ્યા નથી, એમણે કહ્યું. આ કંઈ બેકમેનની રેઝર-બ્લેડની ફેક્ટરી નથી, આ તો મેડરિટ્સની ફેક્ટરી જેવી છે. મેડરિટ્સ સરસ માણસ છે, અને શિન્ડલર પણ સારો છે. ફેક્ટરીના દરવાજે પહોંચ્યા ત્યારે રાતપાળીમાં આવેલા નવા કામદારોને કતારમાંથી બહાર બોલાવવામાં આવ્યા. ઉપરના માળે ખાલી ટેબલો પાસેથી પસાર થઈને બેંકર તેમને “ડાયરેક્ટર” લખેલા એક કમરાના દરવાજે લઈ ગયો. ઘેરા અવાજે બોલતી કોઈ વ્યક્તિ બધાને અંદર લઈ આવવાનું કહેતી હોય એવું એડીથે સાંભળ્યું. ઓફિસની અંદર જતાં જ તેણે એક વ્યક્તિને સિગારેટ પીતાં-પીતાં ટેબલના એક ખૂણે બેઠેલી જોઈ. સોનેરી અને હળવા બદામી રંગના એના વાળ તાજા જ ઓળેલા દેખાતા હતા. ડબલ બ્રેસ્ટેડ સૂટ પર તેણે સિલ્કની ટાઈ પહેરી હતી. ક્યાંક ભોજન લેવા જવાનું હોય, પરંતુ થોડી વાત કરવા માટે તેમની રાહ જોઈને જ એ બેઠો હોય, એવું લાગતું હતું. પડછંદ કાયા ધરાવતો એ માણસ હજુ યુવાન વયનો જ લાગતો હતો. આવા મોટા હિટલર સમર્થક પાસેથી તો, યુદ્ધના આ સમયે કામ અને ઉત્પાદન વધારવાની વાતો જ સાંભળાની એડીથે અપેક્ષા રાખી હતી! તેને બદલે, “હું તમારું સ્વાગત કરવા માગું છું,” એણે પોલિશ ભાષામાં તેમને કહ્યું. “આ ફેક્ટરીના વિસ્તરણનો તમે પણ એક ભાગ છો.” આટલું કહીને એ બાજુ પર જોઈ ગયો. એડિથને લાગ્યું કે અંદરખાને ક્યાંક એ એવું કહી દેવાનું વિચારતો ન હોય, કે આ ફેક્ટરીમાં તમારા માટે કોઈ જગ્યા નથી!
પછી જરા પણ અચકાયા વગર, કોઈ પ્રકારના પ્રાથમિક પરિચય કે આગ્રહ વગર એણે એમને કહ્યું, “અહીં કામ કરતી વખતે તમે એકદમ સુરક્ષિત રહેશો. તમે જો અહીં કામ કરતા હશો, તો આ યુદ્ધમાંથી તમે જરૂર બચી જશો!” પછી બધાને શુભ રાત્રી કહીને હજુ તો બધાં ઓફિસમાં હતાં ત્યાં જ, બધાંથી પહેલાં જ સીડી ઊતરીને એ કારમાં બેસી ગયો. તેણે આપેલા વચનથી બધા જ દિગ્મૂઢ થઈ ગયા હતા! આ તો જાણે ઈશ્વરનું વરદાન મળી ગયું! એક માણસ ઊઠીને આવું વચન કઈ રીતે આપી શકે? પરંતુ એડીથને તો તે ક્ષણે જ તેનામાં વિશ્વાસ બેસી ગયો! આવા રક્ષણની તેને ખાસ જરૂર હતી એટલે નહીં, રાહત મળવાને કારણે નહીં, કે પછી કોઈ જ ધારણા વગર સરળતાથી બધું ભેટમાં મળી ગયું હતું એટલે પણ નહીં, પરંતુ હેર શિન્ડલરે જે રીતે એક ક્ષણમાં જ તેમને આ વચન આપી દીધું હતુ, એટલે તેને સાચું માનવું જ રહ્યું!
સાનંદાશ્ચર્ય સાથે ‘ડેફ’ની આ નવી સ્ત્રી કામદારોએ પોતાના કામની સૂચનાઓ સાંભળી લીધી. કોઈ ફકીર જેવા બૂઢ્ઢા જિપ્સી તરફથી, સામું કંઈ જ મેળવવાની અપેક્ષા વગર એમને તો જાણે વરદાન મળી ગયું હતું… કે જાઓ, તમારા લગ્ન એક ઉમરાવ સાથે થશે! પોતાના જીવન પાસેથી એડીથ લિબગોલ્ડની અપેક્ષાઓ એકદમ જ બદલાઈ ગઈ! હવે ક્યારેય પણ કોઈ તેની સામે બંદૂક તાકે, તો જરૂર તેનો સામનો કરતાં એ કહી શકશે, કે “થોભો, હેર શિન્ડલરે અમને કહ્યું છે, કે અમારી સાથે આવું કંઈ પણ નહીં થાય!”
તેમને સોંપાયેલું કામ પણ કોઈ પ્રકારની મગજમારી વગરનું હતું. હૂક પર લટકતાં એનેમલમાં ઝબોળેલાં વાસણોને એડીથે એક લાંબી લાકડી વડે ફરનેસ સુધી લઈ જવાનાં હતાં. કામ કરતી વખતે એડીથ પળેપળ ઓસ્કર શિન્ડલરે આપેલા વચનના જ વિચારો કરી રહી હતી!
એક વખત આંખ પણ મિંચકાર્યા વગર, આટલી હદે બિનશરતી વચન તો કોઈ પાગલ માણસ જ દઈ શકે! અને છતાંયે એ પાગલ ન હતો એ હકીકત હતી! એ તો એક ઉદ્યોગપતિ હતો, અને તેણે કોઈની સાથે ડિનર લેવા માટે જવાનું હતું! પરંતુ આનો અર્થ તો એ, કે તેની પાસે અંદરની કોઈ બાતમી છે, કોઈ દૈવી કે શેતાની શક્તિ સાથે કે પછી કોઈ વ્યવસ્થાતંત્ર સાથે તેની ઓળખાણ છે! પરંતુ તેનો દેખાવ, તેની આંગળીઓ પર પહેરેલી સોને મઢેલી વીંટી બતાવે છે, કે એ કોઈ તરંગી માણસનો હાથો તો નથી જ! આ હાથ તો વાઈનની બોટલ પકડનાર હાથ છે, જેના સ્પર્શમાં તમે છૂપી લાગણીનો અનુભવ કરી શકો! અને એટલે જ એડીથને ફરી વખત એ માણસ પાગલ હોવાનો કે નશામાં હોવાનો, કે પછી આની પાછળ કોઈ ગૂઢ રહસ્ય હોવાનો વિચાર આવી ગયો. નિઃસંદેહ, હેર શિન્ડલરે કોઈક રીતે તેને પ્રભાવિત કરી દીધી હતી!
આ જ રીતે આખા વર્ષ દરમ્યાન, અને આવનારા વર્ષોમાં પણ, ઓસ્કર શિન્ડલરે જેને-જેને આવાં મોટાં-મોટાં વચનો આપ્યાં હતાં, એ બધાને એ વચનો પાછળના ખુલાસા પણ મળી જ રહેવાના હતા! કેટલાકને લોકોને તો એ ખુલાસા કંઇ પણ કહ્યા વગર સહજ રીતે જ મળી જવાના હતા! આ માણસ જો સાવ ખોટો હોય, અને બધાને એ સાવ બેદરકારીપૂર્વક સધિયારો આપતો રહેશે, તો-તો જરૂર ઈશ્વર પરથી પણ બધાંનો વિશ્વાસ ઊઠી જવાનો! અને માનવતાનું પણ અસ્તિત્વ નહીં રહે! કોઈને ભોજન નહીં મળે, કોઈને મદદ નહીં મળે! હશે તો મુસીબતો અને માત્ર મુસીબતો જ! અને હવે નવી કોઈ જ મુસીબતને હવે કોઈ રીતે આવકારી શકાય તેમ ન હતી!