ચમકૌરનું યુદ્ધ – જલ્પા વ્યાસ 6


ચમકૌર નું યુદ્ધ

૨૨ ડીસેમ્બર ૧૭૦૪ ના રોજ સરસા નદીના કિનારે ચમકૌર નામની જગ્યા પર શિખો અને મુઘલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું જે ‘ચમકૌરના યુદ્ધ’ના નામથી પ્રસિદ્ધ છે. આ યુદ્ધ શિખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહ અને મુઘલ સેનાના સેનાપતિ વઝીરખાન વચ્ચે થયું હતું. વઝીરખાન, ઔરંગઝેબ તરફથી કોઈ પણ હિસાબે ગુરુ ગોવિંદસિંહ ને જીવતા અથવા મરેલા પકડવા માંગતો હતો, કારણકે ગુરુ ગોવિંદસિંહ ઔરંગઝેબના હજારો પ્રયત્નો છતાં, મુઘલ સામ્રાજ્યની આધિનતા સ્વીકારવા તૈયાર નહોતા. ગુરુ ગોવિંદસિંહ અને એમના ૪૦ સાથીઓને કચડવાનો મુઘલ સેનાએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ મુઘલ સેના તાબે થયું નહિ એની આ વીર ગાથા છે.. ‘ઝાફરનામાં’ માં આ યુદ્ધનો ઉલ્લેખ કરતાં ગુરુ ગોવિંદસિંહે લખ્યું છે,

‘ચિડીઓં સે મેં બાજ લડાઉં..
ગીધડો કો મેં શેર બનાઉં..
સવા લાખ સે એક લડાઉ..
તભી મેં ગુરુ ગોવિંદ કહાઉ..’

તો ચાલો ઇતિહાસના આ મજબૂત યુદ્ધ પર એક નજર કરીએ.

મે, ૧૭૦૪ ની આનંદપુરની છેલ્લી લડાઈમાં કટલાક મુઘલ શાશકોની સંયુક્ત ફોજે ગુરુ ગોવિંદસિંહ સાહેબને આનંદપુર કિલ્લામાં ઘેરો ઘાલી રાખ્યો. એમના માનવા પ્રમાણે કિલ્લાની અંદર રાશન-પાણી ખતમ થતાં, ગુરુ ગોચિંદસિંહ સામે મુઘલોની શરણાગતિ સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહિ.. પણ એક રાત્રે ગુરુ ગોવિંદસિંહ અને એમના ચેલાઓ આનંદપુર કિલ્લામાંથી નીકળી ગયા. થોડી જ વારમાં મુઘલ સેનાને ખબર પડી ગઈ ને એ લોકો એ ગુરુ ગોવિંદસિંહનો પીછો કર્યો. આ બાજુ ગુરુજી સિરસા નદી તરફ પોતાના સાથીઓ સાથે આગળ વધતા જતાં હતાં.

જયારે શિખોનો કાફલો સિરસા નદી પાસે પહોંચ્યો તો નદીમાં ભયંકર પૂર આવેલું હતું અને પાણી પૂર જોશમાં હતું. આ સમયે શિખો ખૂબ જ મુસીબતમાં મુકાઈ ગયાં. એકબાજુ દુશ્મનોની ફોજ માર-માર કરતાં તેમની તરફ આગળ વધી રહી હતી, તો બીજી બાજુ નદીમાં ખતરનાક પૂર. એ સમયે ગુરુ ગોવિંદસિંહે આદેશ આપ્યો કે કેટલાક શિખ અહીં જ રહીને દુશ્મનોનો સામનો કરશે અને એમને આગળ વધતા અટકાવશે અને બાકીના જે શિખ નદીમાં સામા વહેણે ઘોડાઓ સાથે જવાની હિંમત દાખવી શકે એ એમ કરે.

એવું જ કરવામાં આવ્યું. બે શિખો મુઘલો સાથે ત્યાં જ લડી પડ્યા અને બાકીનાં નદી પાર કરવામાં લાગી ગયાં. નદીના પૂરના ભયંકર જોશ વચ્ચે ગુરુ ગોવિંદસિંહ તો નદી પાર કરી ગયા પરંતુ એમના કેટલાય સાથીઓ નદીમાં કાં તો ડૂબી ગયા કાં તણાઈ ગયા. નદીને પેલે પાર પહોંચ્યા પછી જે શિખ બચ્યા એ કુલ મળીને ૪૩ જણા હતા. નદીને આ પાર પેલા બે શિખ પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યાં, શત્રુઓને પછાડતાં રહ્યાં અને અંતે શહીદ થયા.

આ ભયાનક ઉથલપુથલમાં ગુરુ ગોવિંદસિંહનો પરિવાર એમનાથી છૂટો પડી ગયો. ભાઈ માંનીસિંહની સાથે માતા સાહિબ કૌરજી અને માતા સુંદરી કૌરજી એમની દાસીઓ સાથે હતાં. બે શિખ ભાઈઓ જે દિલ્લીના નિવાસી હતાં, એ લોકો સિરસા નદી પાર કરી ગયા. એ લોકો બધા હરિદ્વાર થઈને દિલ્લી પહોચ્યા, જ્યાં ભાઈ જવાહર સિંહ એમને પોતાના ઘરે લઇ ગયો.

ગુરુજી પોતાના ૪૨ શિખોની સાથે આગળ વધતાં બપોર સુધીમાં ચમકૌર નામની એક જગ્યા પાસે પહોંચ્યા. ત્યાના સ્થાનિક લોકોએ ગુરુજીનું સ્વાગત કર્યું અને એમને દરેક પ્રકારની મદદ કરી. ત્યાં જ એક કાચી હવેલી હતીઓ જે ઊંચા ટીલા પર હતી, ગુરુજી અને એમના સાથીઓ એ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. ગુરુ ગોવિંદસિંહે પોતાના ૪૦ શિષ્યોને નાની-નાની ટુકડીઓમાં વહેંચી દીધા ને એ ટુકડીઓને કિલ્લાની આજુબાજુ લડાઈ માટે મોરચા પર મૂકી દીધા. ગુરુજીએ પોતે કિલ્લાની ઉપર અટાલીકામાં મોરચો સંભાળ્યો.

આ બાજુ જેવાં સિરસા નદીમાં પૂર ઓસર્યા કે મુઘલ સેના માર-માર કરતી ગુરુ ગોવિંદસિંહનો પીછો કરતી તેમની પાછળ ચમકૌરના મેદાન સુધી આવી ગઈ. ત્યાંના સ્થાનિક લોકો પાસેથી વઝીરખાનની મુઘલ સેનાને ખ્યાલ આવી ગયો કે ગુરુ ગોવિંદસિંહ પાસે ફક્ત ૪૦ માણસો જ છે. એવું જાણતા મુઘલ સેના ગુરુ ગોવિંદસિંહને આરામ થી બંદી બનાવવાના મનસૂબા ઘડવા લાગી.

વઝીરખાને ગુરૂ ગોવિંદસિંહને એમના સાથીઓ સાથે મુઘલ સલ્તનતને તાબે થવાનું કહ્યું અને ખાતરી આપી કે એ લોકોને જીવતાં રાખવામાં આવશે. એના જવાબમાં ગુરુ ગોવિંદસિંહ અને એમના સાથીઓએ મુઘલ સેના પર તીરોની વર્ષા કરી. એ વખતે ૪૦ શિખોનો સામનો ૧૦ લાખ મુઘલ સૈન્ય સામે હતો, પરંતુ ગુરુ ગોવિંદસિંહે પણ એક-એક શિષ્ય ને સવા-સવા લાખ સામે લડવા માટે તૈયાર કર્યા હતાં.

૨૨ ડિસેમ્બર ૧૭૦૪ના રોજ સંસારનું આ અનોખું યુદ્ધ શરુ થયું.. આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલાં હતા અને ધીમી ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. વર્ષનો સૌથી નાનો દિવસ હોવાને કારણે સૂર્ય પણ આકાશમાં મોડેથી દેખાયો. સખત ઠંડી હવાઓ વચ્ચે કાચી હવેલીમાં બેઠેલા ગુરુ ગોવિદસિંહના શિખ શિષ્યોના લોહીમાં ગરમી પૂરજોશમાં વહી રહી હતી.

કાચી હવેલી પર આક્રમણ થયું. હવેલીની અંદરથી તીરો અને ગોળીઓની વર્ષા મુઘલોની સેના પર થઇ. અનેક મુઘલ સૈનિકો તો ત્યાં જ ઢગલો થઇ ગયા. મુઘલોના દરેક આક્રમણનો વીરતાથી જવાબ આપતા શિખ સૈન્યને જોઇને મુઘલો ગભરાઈ પણ ગયા અને માની પણ નહોતા શકતા કે ફક્ત ૪૦ માણસોની ફોજ આવી રીતે લડી શકે ને એમને હંફાવી શકે. શિખ સૈનિકો લાખોની સંખ્યામાં હાજર એવા મુઘલ સૈન્યથી ઘેરાયેલી હોવા છતાં જરા પણ ડર્યા કે પીછેહઠ કર્યા વિના લડવા-મારવા નો આ અજીબ ખેલ રમી રહ્યાં હતા. એમની પાસે જયારે જયારે દારુગોળો ખલાસ થઇ ગયો ત્યારે તલવાર – ભલા લઈને યુદ્ધના મેદાન પર નીકળી પડ્યા.

સરહિન્દના નવાબે સેનાઓને એકવાર એકઠાં થઈને હવેલી પર હુમલો કરવા કહ્યું. પરંતુ ગુરુ ગોવિંદસિંહ ઉંચાઈ પર આવેલી હવેલીમાં હોવાના કારણે વ્યુહાત્મક દ્રષ્ટીએ એ સારી પરિસ્થિતિમાં હતાં અને શિખ સૈન્યએ મળીને એ હુમલો પણ વ્યર્થ કરી દીધો, એટલું જ નહિ, બાણ-વર્ષાથી અનેક મુઘલ સૈનિકોને શાશ્વત નીંદરમાં પોઢાડી દીધા.

શિખોના જુથે હવેલીમાંથી બહાર આવીને મુઘલ સેનાને ભયંકર પછડાટ આપી. ગુરુ ગોવિંદસિંહ પોતે પણ ઉપર હવેલીમાંથી દુશ્મનો પર બાણ ચલાવીને પોતાના સાથીઓ સાથે લડી રહ્યાં હતાં. થોડીવાર માટે તો તલવારથી તલવાર અને ભાલાથી ભાલા એમ ભયંકર યુદ્ધ ચાલ્યું. સેકડો સૈનિકો મેદાનમાં લાશોમાં પલટાઈ ગયાં. છેલ્લે એ પાંચ શિખ પણ શહીદ થઇ ગયા જે એમની સામે લડતાં હતાં.

ત્યાર પછી ગુરુ ગોવિંદસિંહે બીજા પાંચ શિખોને લડવા માટે મોકલ્યા. એ લોકો પણ માની ન શકાય એવા જનૂન સાથે ને બહાદુરીથી લડ્યા. શત્રુઓને પાછળ ધકેલતા, મારતા અને ભારે જાનહાની પહોંચાડતા એ પાંચ પણ શહીદ થઇ ગયાં. આ રીતે ગુરુ ગોવિંદસિંહે રણનીતિ બનાવી અને પાંચ-પાંચ ના જૂથમાં પોતાના સૈનિકોને લડવા માટે મોકલતા રહ્યાં અને દુશ્મનો ને હંફાવતા રહ્યાં. આમ કરતા કરતા જયારે પાંચમું જૂથ શહીદ થઇ ગયું ત્યારે બપોરનો સમય થઇ ગયો હતો.

સરહિન્દના નવાબ વઝીરખાનની સલાહનું પાલન કરતાં, જનરલ હિદાયતખાન, ઈસ્માઈલખાન, ફુલડખાન, સુલતાનખાન, અસમાલખાન, જહાનખાન, ખલીલખાન અને ભૂરેખાન યોગ્ય કેળવાયેલ સૈન્યને લઇને હવેલી તરફ આગળ વધ્યા. શિખ સૈન્યને ખબર હતી કે આટલાં મોટા હૂમલા ને રોકવો સરળ નથી. એટલે અંદર બેઠેલા બાકી બચેલા શિખોએ ગુરૂ ગોવિંદસિંહને હાથ જોડીને વિનંતી કરી કે તેઓ તેમના કુંવરોને લઈને ત્યાંથી જતાં રહે.

આ સંભાળીને ગુરુ ગોવિંદસિંહે કહ્યું, “તમે કયા કુંવરોની વાત કરો છો? તમે બધા જ મારા કુંવરો જ છો” ગુરુ ગોવિંદસિંહનો આવો જવાબ સાંભળીને બધા શિખો નવાઈ પામ્યા. ત્યારે જ ગુરુ ગોવિંદસિંહના મોટા પુત્ર અજીતસિંહે ગુરુ ગોવિંદસિંહ પાસે આવીને તેને યુદ્ધમાં જવા દેવાની અને પોતાની વીરતાનું પ્રદર્શન કરવા દેવાની અનુમતિ માંગી. ગુરુ ગોવિંદસિંહે સહર્ષ એમને આશીર્વાદ આપ્યા અને યુદ્ધમાં જવા માટે સંમતિ આપી અને એને પોતાનું કર્તવ્ય ન ચૂકવા માટે હર્ષની લાગણીથી વધાવ્યા.

કુંવર અજીતસિંહના મનમાં કૈક કરી છુટવાની ભાવના હતી. વળી એ યુદ્ધમાં પણ નિપુણ હતા. બસ પછી તો બાકી શું હતું!! એ પોતાના અન્ય ચાર સાથીઓને લઈને બહાર આવ્યા અને મુઘલ સેના પર એવી રીતે તૂટી પડ્યા જાણે શાર્દુલ હરણ શાવક પર તૂટી પડ્યું હોય. કુંવર અજીતસિંહ જે બાજુ જતાં ત્યાં મુઘલ સૈનિકો કાં તો કપાઈ મરતા, અથવા ભાગી જતાં. પાંચ સિંહોના જૂથે સેકડો મુઘલોને કાળના ભોગ બનાવી દીધા. કુંવર અજીતસિંહે અદભુત વીરતાનું પ્રદર્શન કર્યું, પરંતુ જો એક એકએ હજાર હજારને પણ માર્યા હોય તો લાખો મુઘલ સૈનિકોના સાગરમાંથી પક્ષીની ચાંચ ભરાય એટલા પાણી જેટલા જ સૈનિકો ઓછા થયાં હોય. એટલા સૈનિકોના મરી જવાથી લાખો મુઘલ સૈનિકોની સેનામાં કઈ ખાસ તો ફરક પડવાનો નહોતો.

કુંવર અજીતસિંહને જયારે નાના ભાઈ કુંવર જુઝારસિંહે શહીદ થતાં જોયાં તો એને પણ ગુરુ ગોવિંદસિંહ પાસે રણભૂમિમાં જવા માટે મંજૂરી માંગી. ગુરુ ગોવિંદસિંહે એમની પીઠ થાબડી અને સંમતિની મહોર મારી. ગુરુ ગોવિંદસિંહે એમના નાના પુત્રની સાથે બીજા ચાર સૈનિકોને પણ મોકલ્યા. ગુરુ ગોવિંદસિંહ જુઝારસિંહને રણભૂમિમાં બહાદુરીપૂર્વક લડતાં જોઇને, એમની વીરતા જોઇને અતિશય ખુશ થયા. કુંવર જુઝારસિંહના યુદ્ધ કૌશલ્યને જોઇને ગુરુ ગોવિંદસિંહ જયકારના સ્વરમાં ઊંચા અવાજે બોલ્યા, ‘જો બોલે સો નિહાલ.. સત શ્રી અકાલ.’

જુઝારસિંહ શત્રુસેનાની વચ્ચે ઘેરાઈ ગયાં, છતાં પોતાની વીરતાનું પ્રદર્શન કરતાં-કરતાં વીરગતિને પ્રાપ્ત થયાં. આ બે યોદ્ધાઓની ઉંમર ક્રમશ: ૧૮ વર્ષ તથા ૧૪ વર્ષ ફક્ત હતી. વર્ષા અને વાદળોના લીધે સાંજ જલ્દી થઇ ગઈ. વળી વર્ષનો સૌથી નાનો દિવસ પણ હતો એટલે અંધારું થતાં યુદ્ધ વિરામ થયું.

ગુરુ ગોવિંદસિંહે બન્ને કુંવરોને શહીદ થતાં જોઈ, જરા પણ દુ:ખ કે શોક કર્યા વગર પરમ કૃપાળુ સમક્ષ પ્રાર્થના કરી, ‘તેરા તુજકો સોપતે, ક્યા લાગત મેરા..’

શત્રુ એમના ઘાયલ અથવા મૃત સૈનિકોના શબને ઉઠાવવાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયાં, ચારે તરફ અંધારું હતું. આ સમયે ગુરુ ગોવિંદસિંહ પાસે સાત શિખ સૈનિકો બચ્યા હતાં. અને પોતે મળીને કુલ આઠ જણા જ બચ્યા હતાં. મુઘલ સેના પાછળ હતી અને આરામ કરવા માટે એમના તંબુઓમાં ગઈ. પણ આ સમયે પણ મુઘલ સેનાને તો એવો જ ભ્રમ હતો કે હવેલીની અંદર હજુ પણ પુરતી સંખ્યામાં શિખ સૈન્ય છે.

રાત્રીના સમયે ગુરુ ગોવિંદસિંહ અને એમના સાથીઓએ વાહે ગુરુની પ્રાર્થના કરી અને ગુરુ ગોવિંદસિંહે બચેલાં સૈનિકોને જબરજસ્ત હોંશ સાથે આગળની લડાઈ માટે તૈયાર કર્યા. અને એ સૈનિકોએ પણ જીવનના છેલ્લા પ્રાણ સુધી ગુરુ ગોવિંદસિંહ અને એમના ધર્મ ખાતર મુઘલો સામે ન ઝૂકવાના પ્રણ લીધા. પરંતુ એજ સમયે એ શીખો એ ગુરુ ગોવિંદસિંહના ચરણોમાં પ્રાર્થના કરી કે સમયની માંગ સમજી ને ગુરુ ગોવિંદસિંહે આ હવેલી છોડીને બીજે ક્યાંક સલામત જગ્યા એ જતા રહેવું જોઈએ. જો ગુરુ ગોવિંદસિંહ એમ કરે તો જ એ લોકો નિશ્ચિંંત થઈને લડી શકશે કારણકે એમને પોતાની શહીદીને લઇને કોઈ ચિંતા નહોતી પરંતુ એમને એમ હતું કે જો ગુરુ ગોવિંદસિંહને કંઈ થઇ ગયું તો આખા સંપ્રદાય નું શું થશે?

અને આ રીતે તો ગુરુ ગોવિંદસિંહનું લક્ષ્ય પૂર્ણ નહિ થાય. જો ગુરુ ગોવિંદસિંહ જીવતાં રહે, તો એ સંજોગો માં એમના આશ્રય અને માર્ગદર્શન હેઠળ બીજી એમના જેવી જ શિખ સેના તૈયાર કરી શકશે અને એમને લડવા માટે માનસિક તાકાત પૂરી પાડી શકશે.

પણ ગુરુ ગોવિંદસિંહ એમ પોતાના શિષ્યોને મુકીને જવા કોઈ પણ હિસાબે તૈયાર નહોતા. એમનું મન એમના શિષ્યોને અહી મરવા માટે એકલા મૂકીને જવા માટે તૈયાર જ નહોતું. ગમે એટલું સમજાવવા છતાં ગુરુ ગોવિંદસિંહ જયારે ત્યાંથી જવા તૈયાર ન થયા ત્યારે એમના પ્રાણની રક્ષા ખાતર એ પાંચ શિખ સૈનિકો એ શિખ ધર્મની રક્ષા ખાતર અને ગુરુ નાનકના દૂત તરીકે આખા શિખ સમાજના લાભાર્થે એમનું જીવિત રહેવું જરૂરી છે એમ મનાવ્યું અને એમને ચમકૌરના એ મેદાનમાંથી નીકળી જવા કહ્યું. ગુરુ ગોવિંદસિંહજીએ કાચી હવેલી છોડવાની યોજના બનાવી. બે શિખોને પોતાની સાથે આવવા કહ્યું અને બાકીના જે બચ્યા એમને અલગ અલગ જગ્યાઓ પર તૈનાત કરી દીધા. એ પાંચમાંથી એક જણને ગુરુ ગોવિંદસિંહનો વેશ ધારણ કરાવી લીધો. પરંતુ એમને ચુપચાપ ચાલ્યા જવા કરતાં દુશ્મનોને ત્રાડ નાખીને જવાનું પસંદ કર્યું. ચુપચાપ ભાગી જાય એમાંના ગુરુ ગોવિંદસિંહ નહોતા. એટલે પોતાના બે સાથીઓ સાથે જતી વખતે એમને રાડ નાખી,

‘પીરે હિન્દ જા રહા હૈ.. કિસીકી હિમ્મત હૈ તો પકડ લે..’

આમ પોતાના જવા વિષે જાણકારી આપી. પાછળ વધેલા પાંચ શિખોએ લગભગ આખી મુઘલ સેનાનો ખાત્મો બોલાવી દીધો. અને છેવટે જયારે એ પાંચ મરી ગયાં ત્યારે વઝીરખાને જોયું તો લાખોની સંખ્યામાં પડેલી લાશોમાં ફક્ત ૩૭ લાશો શીખોની હતી, બાકીની બધી લાશો તેના સૈન્યની હતી. મુઘલ સલ્તનતના લાખો પ્રયત્નો છતાં ગુરુ ગોવિંદસિંહ તેમના તાબે તો ન જ થયાં અને એમના ફક્ત ૪૦ શીખો એ ૧૦ લાખ જેટલી મુઘલ સેનાને હંફાવી.

તો આવી હતી એ શિખોની બહાદુરીની વાત. મુઘલોની લાખોની સેના ભેગી મળીને પણ ગુરુ ગોવિંદસિંહ અને એમની સેના ને હરાવી નહોતી શકી. ધન્ય છે એ ભારત ભૂમિ જેની પાસે આવા બહાદુર સિંહ છે… ભારતનો ઈતિહાસ આવા મજબૂત શૂરવીરોથી જીવંત છે – સમૃદ્ધ છે – ગર્વિત છે… શત શત નમન છે ભારતના આવા ખડકાળ શૂરવીરોને જેમના લીધે ભારતની આ મહાન સંસ્કૃતિ જીવંત છે – ગૌરવાન્વિત છે…

જય ભારત

– જલ્પા વ્યાસ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ચમકૌરનું યુદ્ધ – જલ્પા વ્યાસ

  • ગોપાલ ખેતાણી

    ધર્મ (સંપ્રદાય કે રિવાજ નહીં પણ પોતાના રોજબરોજના આચરણ, માન્ય્તાની આઝાદી) માટે દરેક જૂથે યુદ્ધ કરવું પડે છે. ઈતીહાસ ગવાહી પૂરે છે. તમે આવો રોચક ઇતીહાસ વર્ણવ્યો તે માટે આપને અભિનંદન.
    सूरा सो पहचानिए जो लड़े दीन के हेत ! पुर्जा पुर्जा कट मरे कभू न छाडे खेत||

  • હર્ષદ દવે

    અકલ્પનીય યુદ્ધ. અડગ ટેક…એકની નહિ, અનેકની. એટલે તો ભારત ભારત છે. સ્વામી સચ્ચિદાનંદ કહે છે માનવી યુદ્ધપ્રિય પ્રાણી છે, પણ મને લાગે છે કે માનવતા મરી પરવારેલી હોય તેવા લોકો જ શાંતિ પ્રિય લોકોને યુદ્ધ કરવા માટે મજબૂર કરે છે એ શૂરવીરોની સાહસિક લાચારી હોય છે અને પોણા અસ્તિત્વનો જંગ લડવો પડતો હોય છે. કરો યા મરો…એ જ તેમનું સૂત્ર હોય છે.