શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૭)


પ્રકરણ ૭

વસાહતની સ્થાપનાને કારણે વૉરસો અને લોડ્ઝ જેવા મોટા શહેરમાંથી, અને ગવર્નર ફ્રેંકે આપેલા યહૂદી-મુક્ત શહેરના વાયદાને કારણે ક્રેકોવમાંથી કેટલાયે યહૂદીઓ, ગ્રામવાસીઓ સાથે ભળી જવાના ઈરાદે ગામડાઓમાં ચાલ્યા ગયા હતા. આગળ જતાં ઓસ્કર સાથે જેમનો પરિચય ગાઢ થવાનો હતો એ ક્રેકોવિઅન સંગીતકાર રોસનર બંધુઓ ટીનિએક નામના એક પ્રાચીન ગામડામાં જઈને વસ્યા હતા. વિસ્તુલા નદીના એક સુંદર વળાંક પર આવેલા ટીનિએકની ઉપરવાસે ઝળુંબતી ચૂનાના પત્થરોની એક કરાડ ઉપર સંત બેનિડિક્ટના સંપ્રદાયનો મઠ આવેલો હતો. તો પણ, રોસનર બંધુઓ છુપાઈ શકે એ માટે અહીં પૂરતો અવકાશ હતો. ગામમાં કેટલાક યહૂદી દુકાનદારો અને રૂઢિચુસ્ત કારીગરો રહેતા હતા. નાઈટક્લબમાં વગાડતા આ સંગીતકારો માટે તેમની સાથે વાતચીત કરવાનું આમ તો ખાસ કોઈ કારણ ન હતું. પરંતુ રોસનર બંધુઓની ધારણા મુજબ, ખેતીકામમાં વ્યસ્ત ખેડુતોને તો આ સંગીતકારો તેમના ગામમાં આવીને વસ્યા એ ખુબ જ ગમ્યું હતું.

ક્રેકોવની મોજિલ્સ્કા સ્ટ્રીટના બોટનિકલ ગાર્ડનની બહાર ભવ્ય રીતે સજાવેલા એક સ્થળે, યુવાન એસએસ અધિકારીઓ લોકોને નમ્ર અવાજે બોલાવી-બોલાવીને ટ્રકોમાં ચડાવી રહ્યા હતા. તેમનો સામાન પાછળથી વ્યવસ્થિત રીતે લેબલ સાથે મળી જશે એવા જુઠા વાયદા પણ તેઓ આપી રહ્યા હતા. બંને સંગીતકારો જો કે આવા નઠારા ક્રેકોવમાંથી આ ગામડામાં આવ્યા ન હતા. બેસિલિકની મહેફિલ માણતાં વૉરસોમાંથી તેઓ અહીં આવ્યા હતા! જર્મનોએ વૉરસોની વસાહતને બંધ કરી દીધાના એક દિવસ પહેલાં જ હેનરી અને લિઓપોલ્દ, હેનરીની પત્ની મેન્સી અને પાંચ વર્ષનો પુત્ર ઓલેક ગામની બહાર નીકળી ગયા હતા. પોતાના વતન ક્રેકોવની નજીકમાં જ, ટીનિએક જેવા ઉત્તરી પોલિશ ગામડામાં વસવાનો વિચાર બંને ભાઈઓને જચી ગયો હતો. પરિસ્થિતિ સુધરતી દેખાય, તો બસમાં બેસીને ક્રેકોવમાં આવીને કામની તલાશ પણ કરી શકાય એવો તેમનો વિચાર હતો. મેન્સી રોસનર એક ઓસ્ટ્રીઅન યુવતી હતી. ગામડામાં રહેવા જતી વેળાએ પોતાની સાથે એ સિલાઈ મશીન પણ લઈ ગઈ હતી. રોસનર બંધુઓએ એ મશીનના સહારે ટીનિએકમાં કપડાં સીવવાનો નાનકડો વ્યવસાય ચાલુ કરી દીધો હતો. સાંજે-સાંજે દારુના પીઠામાં જઈને બંને ભાઈઓ સંગીત પીરસતા હતા! સાવ નાનકડા એ ગામડામાં બંને ભાઈઓ પ્રખ્યાત થઈ ગયા હતા. બંને યહૂદી હોવા છતાં, ગામડાના રહેવાસીઓએ આકસ્મિક રીતે જ તેમને મળી ગયેલા આ સંગીતકારોને સ્વીકારી લીધા હતા, અને તેમને મદદ કરતા હતા. તે ઉપરાંત અન્ય વાજિંત્રોની સરખામણીએ, ફિડલ પ્રત્યે પોલેન્ડમાં બધાને આદર હતો.

એક સાંજે, પોઝનન શહેરના એક જર્મનભાષી પોલિશ પ્રવાસીએ, બંને ભાઈઓને પીઠાની બહાર ફિડલ વગાડતા સાંભળ્યા. એ માણસ, ક્રેકોવનો એક પોલિશ-જર્મન મ્યુનિસિપલ અધિકારી હતો.  હિટલરે જેમના નામે પોલેન્ડ પર કબજો જમાવી દીધો હતો એવા કેટલાક પોલિશ અધિકારીઓમાંનો એ એક હતો. એણે હેનરીને જણાવ્યું, કે ક્રેકોવના મેયર લેફ્ટેનન્ટ કર્નલ પાવલુ તથા તેના નાયબ અધિકારી અને સ્કિઈંગના વિખ્યાત ખેલાડી સેપ રોહર, ખેતરોમાં કાપણીના સમયે ગામડાઓની મુલાકાતે આવવાના હતા, અને તે ઈચ્છા હતી, કે એ સમયે રોસનર બંધુ જેવી કુશળ જોડીના વાદનનો કાર્યક્રમ ગોઠવાય!

એક દિવસે બપોર પછીના સમયે, રજાના દિવસ જેવી નીરવ શાંતિ છવાયેલી હતી. અનાજના પૂળા બંધાઈને ખેતરોમાં પડ્યા હતા. લિમુઝિનોનો એક કાફલો ટીનિએકમાંથી પસાર થઈને, ઉપરવાસમાં એક પોલિશ ઉમરાવના ખાલી પડેલા નિવાસસ્થાનમાં પ્રવેશ્યો. મકાનની અગાસીમાં રોસનર બંધુઓ સુઘડ પોશાકમાં સજ્જ થઈને તેમની રાહ જોઈ રહ્યા હતા. નૃત્યસંમેલન માટે વપરાતા એક વિશાળ ખંડમાં આમંત્રિત સ્ત્રી-પુરૂષોએ પોતપોતાનું સ્થાન મેળવી લીધા પછી રોસનર બંધુઓને સંગીત પીરસવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. લેફ્ટેનન્ટ કર્નલ અને તેમના સાથીઓ જે ગંભીરતાપૂર્વક તેમને સાંભળી રહ્યા હતા, તે જોઈને હેનરી અને લિઓપોલ્દના મનમાં હર્ષાતિરેક અને ભય, બંનેનો અનુભવ એક સાથે થઈ રહ્યો હતો! સામે બેઠેલી સ્ત્રીઓએ સફેદ રંગનાં ડ્રેસ અને હાથમોજાં પહેર્યાં હતાં, મિલિટરી અધિકારીઓ પૂરા ગણવેશમાં સજ્જ હતા, જ્યારે અમલદારોએ મોટા કોલરવાળા કોટ પહેર્યા હતા. આટલી તૈયારી સાથે આવેલા શ્રોતાઓ બહુ સરળતાથી નિરાશ થઈ શકે એ શક્ય હતું, અને રાજ્યતંત્રનો સાંસ્કૃતિક અપેક્ષાભંગ કરવો, એ એક યહૂદી માટે બહુ ગંભીર ગુનો બની જાય એમ હતું!

પરંતુ શ્રોતાઓને એમનું વાદન ખુબ જ ગમ્યું. સવિશેષ રુચી ધરાવતા એ સમુદાયને સ્ટ્રોસ, ઓફનબેચ અને લેહરની જુગલબંદી, તથા એન્ડ્રે મેસેન્જર અને લિઓ ફોલ ગમતા હતા. ફરમાઇશ કરતી વેળાએ તો લોકો ગળગળા થઈ જતા હતા!

હેનરી અને લિઓપોલ્ડના વાદનની સાથે-સાથે, ટ્રેમાં લાવવામાં આવતી લાંબી પાતળી પ્યાલીઓમાંથી સ્ત્રી-પુરુષો શેમ્પેઇન પી રહ્યાં હતાં. વાદનનો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી રોસનર બંધુઓને ટેકરીની તળેટીમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ગ્રામજનો અને મેયરના કાફલાની સાથે આવેલા સૈનિકો એકઠા થયા હતા. આ સ્થળે જર્મન સૈનિકો દ્વારા વંશીય અસભ્યતાનું પ્રદર્શન થવાની પૂરેપૂરી શક્યતા હતી! પરંતુ ફરી એક વખત, કાર્યક્રમ સમાપ્ત થયા પછી, વાહનમાં સવાર થઈને બંને ભાઈઓએ ભીડની આંખો સામે નજર માંડી, ત્યારે પોતે સુરક્ષિત હોવાની પૂરેપૂરી ખાતરી હેનરીને થઈ ગઈ! એ રાત્રે, રોસનર બંધુઓનું તેમની વચ્ચે હોવું, એ ગ્રામજનો માટે ગર્વ લેવાની અને થોડે-ઘણે અંશે, રાષ્ટ્રીય ગૌરવની બાબત બની ગઈ હતી; અને એ બાબતને કારણે રોસનર બંધુઓને પોતે સુરક્ષિત હોવાની બાંહેધરી મળી હતી! પહેલાની માફક આજે ફરી એક વખત હેનરી, ઓલેક અને મેનસીની સામે જોઈને હસી શકતો હતો, બધી પીડાઓને ભૂલી જઈને પત્નીની સાથે હળવાશ અનુભવી રહ્યો હતો. એટલી ક્ષણો પૂરતું જગત આખું જાણે સંગીતમય બનીને શાંત થઈ જતું તેણે અનુભવ્યું.

બધું પૂરું થઈ ગયા બાદ, મધ્યવયનો રોટનફ્યૂહરરનો હોદ્દો ધરાવતો એક જુનિઅર અધિકારી તેમની પાસે આવ્યો. એસએસની પદવીઓથી ખાસ વાકેફ ન હોવાને કારણે હેનરી તેનો હોદ્દો જાણી ન શક્યો, પરંતુ નજીક આવીને તેણે વેગનની નજીક ઊભેલા હેનરીને અભિનંદન આપ્યા. હેનરીએ માથું હલાવીને તેની સામે હળવેથી સ્મિત કર્યું. “કાપણીની રજાઓ માટે આપને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ,” કહીને એ અધિકારી તેમનું અભિવાદન કરીને ચાલ્યો ગયો.

બંને ભાઈઓ એકબીજા સામે તાકી રહ્યા. એસએસ અધિકારી થોડે દૂર પહોંચ્યો એ સાથે જ બંને આ મુલાકાત અંગે ચર્ચા કરવાનું પ્રલોભન ટાળી ન શક્યા. પરંતુ લિઓપોલ્દને ખાતરી થઈ ગઈ હતી. “આ છાની ધમકી જ છે,” તેણે કહ્યું. આ ઘટનાથી એ સમજી શકાય છે, કે જર્મન અધિકારીએ સૌથી પહેલી વખત તેમની સાથે વાત કરી તેનાથી તેઓ કેવો ડર અનુભવી રહ્યા હતા. આ દિવસોમાં, કોઈના ધ્યાનમાં આવી જવું એ કોઈ રીતે ફાયદાકારક લાગતું ન હતું.

૧૯૪૦ના દિવસોમાં ગામડાઓમાં આવી હાલત હતી. કારકિર્દી માટેની જુજ તકો, કંટાળાભર્યું રોજિંદુ જીવન, ઘસાઈ ગયેલા ધંધા-રોજગાર, અને ક્યારેક હુમલાનો આતંક… આ બધાની સામે ક્રેકોવ એક ઉગતા સુર્યના ઝળહળાટની માફક લોકોને આકર્ષતું હતું!

અને આ સંદર્ભ સાથે, રોસનર બંધુઓ જાણતા હતા, કે આજ નહીં તો કાલે, એ સૈનિકો જરૂર પાછા આવવાના!

પાનખરમાં એમિલી પોતાને ઘેર પાછી ચાલી ગઈ હતી, અને સ્ટર્ન બીજી વખત શિન્ડલરના એપાર્ટમેન્ટ પર આવ્યો ત્યારે ઇન્ગ્રીડ તેના માટે કોફી લઈને આવી હતી. ઓસ્કાર પોતાની નબળાઈઓને ક્યારેય છુપાવી રાખતો ન હતો, અને સીધા-સાદા ઇત્ઝાક સ્ટર્ન સામે ઇન્ગ્રીડની હાજરી અંગે શરમાવાની તેને જરૂર પણ લાગી ન હતી! એ જ રીતે, કોફી પૂરી થયા બાદ ઊભો થઈને ઓસ્કર શરાબના કબાટ પાસે જઈને બ્રાન્ડીની નવી બોટલ પણ કાઢી લાવ્યો, અને વચ્ચે પડેલા ટેબલ પર ગોઠવી. જાણે શરાબ પીવામાં સ્ટર્ન તેને મદદ કરવાનો ન હોય!

સ્ટર્ન આજે ઓસ્કરને ખાસ એક કુટુંબ વિશે વાત કરવા આવ્યો હતો. આપણે તેને ‘સી’ નામે ઓળખીશું. શિન્ડલરના નામે એ કુટુંબ જાતજાતની વાતો ફેલાવી રહ્યું હતું. પિતા ડેવિડ અને પુત્ર લિઓન ‘સી’, અંગત મુલાકાતો દરમ્યાન તો ઠીક, કાઝીમર્ઝની શેરીઓમાં પણ એવું કહેતા ફરતા હતા, કે ઓસ્કર તો જર્મન ગુંડો છે, ઠગ છે! જોકે શિન્ડલર સાથે આ આરોપોની વાત કરતી વેળાએ સ્ટર્ને આટલા સ્પષ્ટ શબ્દોમાં દોષારોપણ કર્યું ન હતું!

અહીં, કોઈ કાલ્પનિક નામને બદલે મિતાક્ષર ‘સી’ વાપરવાનું કારણ એ છે, કે ક્રેકોવમાં પોલિશ યહૂદી નામોની એક મોટી શૃંખલા મળી આવે એમ છે, અને આ ‘સી’નું અસલી નામ વાપરવાથી કેટલાક ગૂમ થઈ ચૂકેલા કુટુંબોની સ્મૃતિઓને અન્યાય થઈ જાય, અથવા તો ઓસ્કરના કેટલાક હયાત મિત્રોને કદાચ માઠું લાગી જાય તેમ છે! ઓસ્કર જાણતો હતો, કે સ્ટર્નને કોઈ પ્રત્યુત્તરની અપેક્ષા ન હતી. એ તો બસ ઓસ્કરને જાણકારી પૂરી પાડી રહ્યો હતો.

પરંતુ તે છતાં તેને લાગ્યું કે કંઈક જવાબ તો આપવો જ રહ્યો! “હું પણ એ લોકો વિશે વાતો ફેલાવી શકું તેમ છું,” ઓસ્કારે કહ્યું. “એ લોકો કંઈ જાણ્યા વગર જ મારા પર આરોપ લગાવી રહ્યા છે. તું ઇચ્છે તો ઇન્ગ્રીડને પૂછી શકે છે.”

ઇન્ગ્રીડ ‘સી’ની નિરીક્ષક હતી. બહુ જ માયાળુ સ્વભાવની ઇન્ગ્રીડ ઉંમરના ત્રીજા દસકામાં જ હોવાથી વ્યાપારી દૃષ્ટિએ બિનઅનુભવી પણ હતી. એક અફવા તો એવી હતી, કે શિન્ડલરે પોતે જ ઇન્ગ્રીડની નિમણૂક કરાવી હતી, જેથી તેના વાસણોનું વેચાણ સારી રીતે થઈ શકે! જો કે, ‘સી’નો પોતાનો વ્યવસાય સારી રીતે ચાલતો હતો. પરંતુ સતાધારીઓએ તેમનો વ્યવસાય ટ્રસ્ટને સોંપી દીધો હતો, એટલે તેઓ જો નારાજ હોય, તો એમાં એમનો પણ દોષ કાઢી શકાય તેમ ન હતું.

સ્ટર્ને ઓસ્કરના સૂચનને નકારી કાઢ્યું. ઇન્ગ્રીડને પૂછનાર પોતે કોણ? આમ પણ ઓસ્કરની વાત સાચી હોવાની ખરાઈ ઇન્ગ્રીડ પાસે કરવાનો કોઈ અર્થ ન હતો! “એ લોકો ઇન્ગ્રીડ કરતા વધારે હોશિયાર છે,” ઓસ્કરે કહ્યું. ઓર્ડરનો માલ લેવા માટે  લિપોવા સ્ટ્રીટ ગયેલો ‘સી’, બીલો સાથે ચેડા કરીને, પોતે ચૂકવેલી રકમ કરતાં વધારે માલ લઈ ગયો હતો. શિન્ડલરના કર્મચારીઓને તેણે એવું કહીને સમજાવી દીધા હતા, “ઇન્ગ્રીડે કહ્યું છે, કે બધું બરાબર છે. અમે તેની સાથે બધો હિસાબ કરી લીધો છે.”

લિઓન તો શેરીઓમાં સાચે જ ટોળાં ભેગાં કરીને, શિન્ડલરે પોતાને એસએસ પાસે માર મરાવ્યો હોવાની વાતો ફેલાવી હતો! પરંતુ તેની વાતો બદલાતી રહેતી હતી. ક્યારેક એ એવું કહેતો હતો, કે તેને શિન્ડલરની ફેક્ટરીમાં માર મારવામાં આવ્યો હતો, અને એ ફેક્ટરીમાંથી બહાર આવ્યો ત્યારે તેની આંખો કાળી થઈ ગઈ હતી, અને તેનાં દાંત પણ તૂટી ગયા હતા! તો ક્યારેક એ એમ પણ કહેતો હતો, કે લિમાનોવ્સ્કીગો શહેરમાં એક સાક્ષીની હાજરીમાં એ બનાવ બન્યો હતો. ‘એફ’ નામનો શિન્ડલરનો કર્મચારી ‘સી’નો મિત્ર હતો. તેના કહેવા મુજબ લિપોવા સ્ટ્રીટની ઓસ્કરની ઓફિસમાં ધબ-ધબ અવાજ સાથે ઓફિસમાં આંટા મારતા ઓસ્કરને તેણે ડેવીડ ‘સી’ને મારી નાખવાની ધમકી આપતા સાંભળ્યો હતો.

ડેવીડ પર શારીરિક હુમલો કરીને ઓસ્કર તેને પથારીવશ કરી મૂકે એ શું શક્ય હતું ખરું?

શું એવું બને, કે લિઓનને માર મારવા માટે ઓસ્કરે પોલિસમાંના પોતાના કોઈ મિત્રને કહ્યું હોય? એક રીતે તો, ઓસ્કર અને ‘સી’, બંને ચોર જ હતા! બંને, વેચાણના સાચા આંકડાની જાણ સરકારને કરતા ન હતા!. વેપાર કરવા માટેની બેઝગશાંય નામે ઓળખાતી કાયદેસરની કુપનોનો ઉપયોગ કર્યા વગર, રસોઈના ટનબંધ વાસણોને તેઓ કાળાબજારમાં વેચી રહ્યા હતા. કાળાબજારના વહીવટોમાં બોલાચાલી થવી, કે ગુસ્સામાં એકબીજાને કંઈ કહી દેવું સામાન્ય ગણાતું હતું. ઓસ્કરે એક વાત જરૂર કબૂલી હતી, કે ગુસ્સાનો માર્યો એ ‘સી’ની ઓફિસમાં ગયો હતો, અને પિતા-પુત્રને ચોર કહ્યા હતા, અને જેટલી રકમના વાસણો તેઓ અનધિકૃત લઈ ગયા હતા, તેટલી રકમ તેમની પેટીમાંથી વળતરરૂપે ઊઠાવીને તેણે વસુલ કરી લીધી હતી! લિઓનને લાફો માર્યાની વાત પણ ઓસ્કરે સ્વીકારી હતી. પરંતુ આથી વધારે કંઈ થયાનું એણે કબુલ્યું ન હતું!

સ્ટર્ન બાળપણથી જ ‘સી’ને ઓળખતો હતો, અને ‘સી’ની છાપ પહેલેથી આવી જ હતી. એ કોઈ રીઢો ગુનેગાર ન હતો, પરંતુ વ્યવહારમાં એ ઠગ હતો, અને ખાસ કરીને આવા કિસ્સામાં પકડાઈ જવાય, એટલે બૂમરાણ મચાવવી એ તેનો સ્વભાવ હતો!

‘સી’ના શરીર પર ઘાપડ્યા હતા એ સ્ટર્ન જાણતો હતો. બધાને દેખાય એ રીતે લિઓન એ ઘા બધાને બતાવતો શેરીઓમાં ફરતો રહેતો હતો. ક્યાંક કોઈક જગ્યાએ એસએસ દ્વારા તેને ઝૂડવામાં આવ્યો હશે એ ખરું, પણ એવા તો કેટલાયે બનાવો તેની સાથે બન્યા હશે! ઓસ્કારે આ પ્રકારે એસએસની મદદ લીધી હોય એવું સ્ટર્નના માનવામાં આવતું ન હતું; અને સાથે-સાથે, આ કિસ્સામાં જે બન્યું હશે, તેના વિશે કહેવાતી વાતોને માનવી કે ન માનવી, તેને સ્ટર્નના આગળના પ્રયોજન સાથે કોઈ લેવા-દેવા ન હતી, અને એટલું સમજવા જેટલો એ બુદ્ધિશાળી હતો જ! હા, હેર શિન્ડલર જો આવી ક્રૂરતા આચરવાના દાખલા વારંવાર પૂરા પાડે, તો આ વાતને મહત્ત્વની જરૂર ગણી શકાય! ઓસ્કર ક્યારેય પણ આવું કરે અને એ જો ખરેખર આવું કરે, તો! સ્ટર્નના પ્રયોજનમાં, આવા છૂટક કિસ્સાઓનું ખાસ કંઈ મહત્ત્વ હતું નહીં. ઓસ્કર જો સંપૂર્ણપણે નિર્દોષ માણસ હોત, તો-તો આ એપાર્ટમેન્ટ તેના વર્તમાન સ્વરૂપે અસ્તિત્વ જ ધરાવતો ન હોત, અને ઓસ્કરના બેડરૂમમાં ઇન્ગ્રીડ આ રીતે બેઠી પણ ન હોત!

અને છતાં પણ આ પરિસ્થિતિ બાબતે એટલું તો કહેવું જ પડે, કે ઓસ્કર આ બધાંને ચોક્કસ બચાવી લેવાનો હતો! ‘સી’ દંપતી, લિઓન ‘સી’, અને વૃદ્ધ ‘સી’ના સેક્રેટરી ‘એચ’ને પણ શિન્ડલરે જ બચાવ્યાં હોવાનો સ્વીકાર કરવાની સાથે-સાથે, પેલા ઘા વિશે પણ ‘સી’ કુટુંબ આડીઅવળી વાત ફેલાવતું જ રહ્યું હતું!

એ સાંજે ઇત્ઝાક સ્ટર્ન સમાચાર લઈને આવ્યો હતો, કે મેરેક બાઇબરસ્ટેઇન જેલમાં ધકેલાઈ ગયો હતો! મોન્ટેલ્યૂપિક સ્ટ્રીટ ખાતેની જેલમાં તેને બે વરસની સજા થઈ હતી. ધરપકડ થઈ એ ક્ષણ સુધી, મેરેક બાઇબરસ્ટેઇન યહૂદી મંડળના પ્રમુખપદ પર હતો. અન્ય શહેરોમાં સામાન્ય યહૂદી પ્રજા તો યહૂદી મંડળોને કેટલાયે સમયથી વખોડી રહી હતી, કારણ કે વેઠિયા મજુર તરીકે કામ કરી શકે તેવા, અને કેમ્પમાં મોકલી શકાય તેવા યહૂદીઓની યાદીઓ બનાવવાનું એક માત્ર કાર્ય આ મંડળ કરી રહ્યું હતુ! જર્મન વહીવટીતંત્ર તો યહૂદી મંડળને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટેનું સાધન માત્ર જ ગણતું હતું! પરંતુ બાઇબરસ્ટેઇન માટે એવું કહી શકાય તેમ ન હતું. ક્રેકોવની અંદર, તેઓ અને મંડળના અન્ય સભ્યો તો પોતાને, ક્રેકોવના મિલિટરી મેયર સ્મિડ કે પાછળથી આવેલા મેયર પાવલુ અને શહેરની યહૂદી પ્રજા વચ્ચેનો સેતુ માનતા હતા! માર્ચ ૧૩, ૧૯૪૦ના જર્મન વર્તમાનપત્રમાં ડૉ. ડેટ્રિક રીડેકરે કહ્યું હતું, કે તેમણે યહૂદી મંડળની કચેરીની મુલાકાત લીધી, એ સમયે, કચેરીમાં વપરાતાં ગાલીચા અને મખમલી ખુરસીઓની સામે કાઝીમર્ઝના યહૂદી રહેઠાણોની કંગાલિયત અને દરિદ્રતા જોઈને પોતે દિગ્મૂઢ થઈ ગયા હતા! પરંતુ યુદ્ધમાંથી ઊગરી શકેલા યહૂદીઓ તો ક્રેકોવના એ પ્રથમ યહૂદી મંડળને, પ્રજાથી વિમુખ થઈ ગયેલા પ્રતિનિધીઓ તરીકે યાદ નથી કરતા! આવક માટે ફાંફાં મારતા એ યહૂદી પ્રતિનિધિઓ, લોડ્ઝ અને વૉરસોમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ક્રેકોવમાં પણ કરી બેઠા હતા. પૈસાના જોરે કોઈ પણ યહૂદી પોતાનું નામ વેઠિયા મજુરોની યાદીમાંથી કઢાવી શકે એવી છૂટ એમણે સમૃદ્ધ યહૂદીઓને આપી દીધી હતી! આને કારણે ગરીબ યહૂદી લોકોને યહૂદીમંડળે બ્રેડ અને સૂપની લાલચ આપીને મજુરોની યાદીમાં મૂકી દીધા હતા! તે છતાં, ક્રેકોવના યહૂદીઓના મનમાં બાઇબરસ્ટેઇન અને તેના પ્રધાનમંડળ માટે એક ચોક્કસ માન જરૂર હતું.

યહૂદી મંડળમાં સૌથી પહેલાં ચોવીસ માણસો હતા, જેમાંના મોટાભાગના બુદ્ધિજીવીઓ હતા. ઝેબ્લોસી જતી વેળાએ ઓસ્કર દરરોજ પોજોર્સ ખાતેની યહૂદીમંડળની કચેરી પાસેથી પસાર થતો હતો. એ કચેરીમાં કેટલાયે પેટા વિભાગો હતા.

સંસ્થાના સભ્યો કોઈ પ્રધાનમંડળની માફક જર્મન સરકારના જુદા-જુદા વિભાગોની સંભાળ રાખતા હતા. હેર શેનકર કરવેરા ખાતું સંભાળતા હતા, તો સ્ટેઇનબર્ગ સમાજ માટે અગત્યનો એવો મકાનોનો વિભાગ સંભાળતા હતા. મકાનોમાં લોકોની હેરફેર સતત ચાલુ જ રહેતી હતી. એક  અઠવાડિયે લોકો કોઈક નાનકડા ગામડામાં આશ્રય લેવા માટે પ્રયાસ કરતા હોય, તો આવતા અઠવાડિયે એ જ લોકો માણસોથી ખદબદતા સાંકડા શહેરોમાં પાછા ફરતા હોય! લિઓન સેલપિટર નામના, એક ફાર્માસિસ્ટને સમાજ સુરક્ષાની કચેરીઓમાંની એક સોંપાઈ હતી.

ખાદ્યસામગ્રી, કબ્રસ્તાન, આરોગ્ય, પ્રવાસ દસ્તાવેજ, આર્થિક બાબતો, વહીવટી સેવાઓ, સંસ્કૃતિ, અને તે ઉપરાંત શાળાઓ પર પ્રતિબંધ હોવાને કારણે શિક્ષણ જેવાં અનેક ખાતાં તેમણે સંભાળવાનાં થતાં હતાં.

બાઇબરસ્ટેઇન અને તેનું મંડળ એક બાબતને સ્પષ્ટપણે માનતું હતું, કે ક્રેકોવની બહાર હાંકી કઢાયેલા યહૂદીઓ જરૂર કોઈક ખરાબ જગ્યાએ ફસાઈને હેરાન થવાના હતા! એટલે તેમણે જર્મનોને લાંચ આપવાના પ્રાચીન દાવપેચનો ઉપયોગ કરવાનું નક્કી કરેલું. પૈસાની ખેંચ હોવા છતાં સંસ્થાની તિજોરીમાંથી બે લાખ ઝ્લોટીની રકમ આ કામ માટે ફાળવી દેવામાં આવી હતી. બાઇબરસ્ટેઇન અને હાઉસિંગ સેક્રેટરી ખામ ગોલ્ડફ્લસે, એસએસ અને શહેરી વહીવટીખાતામાં ઓળખાણ ધરાવતા રેકર્ટ નામના એક જર્મન માણસને શોધી કાઢ્યો હતો. યહૂદી મંડળ અને શહેરી સરકારની વચ્ચે સંપર્ક અધિકારી તરીકે નિમાયેલા એસએસના ઓબરસ્ટર્મફ્યૂહરર હેર સાઈબર્ટથી લઈને અધિકારીઓની એક આખી શ્રેણી સુધી લાંચની રકમ પહોંચાડવાનું કામ રેકર્ટે કરી આપવાનું હતું. એ રકમના બદલામાં, ફ્રેંકનો હુકમ હોવા છતાં ક્રેકોવના યહૂદી સમાજમાંથી વધુ દસ હજાર યહૂદીઓને પોતાના જ ઘરમાં રહેવા દેવાની મંજુરી એ લાંચિયા અધિકારીઓએ આપવાની હતી! બન્યું એવું, કે લાંચની એ રકમમાંથી એક મોટો હિસ્સો રેકર્ટે પોતાની પાસે જ રાખી લીધો, અને પેલા જર્મન અધિકારીઓને બહુ મામુલી રકમ પહોંચાડીને તેમનું અપમાન કર્યું! અથવા તો એવું પણ બન્યું હોય, કે શહેરને યહૂદી-મુક્ત કરી આપવાની ગવર્નર ફ્રેંકની મહત્વકાંક્ષાને કારણે, લાંચ લેવામાં જોખમ વધી ગયું હોય! કોર્ટના ચુકાદા પરથી એ કંઈ સ્પષ્ટ થતું ન હતું, પરંતુ બાઇબરસ્ટેઇનને મોન્ટેલ્યૂપિકની જેલમાં બે વર્ષની અને ગોલ્ડફ્લસને ઓસ્ટ્રિચમાં છ મહિનાની સજા થઈ હતી. રેકર્ટને પણ આઠ વર્ષની સજા થઈ હતી. જોકે બધા જ જાણતા હતા, કે રેકર્ટ બીજા લોકો કરતાં વહેલો છૂટી જવાનો હતો.

આવી કાચી આશાના આધારે બે લાખ ઝ્લોટીની રકમ દાવ પર લગાવી દેવા બાબતે શિન્ડલરે માથું ધૂણાવીને નારાજગી વ્યક્ત કરી હતી.

“રેકર્ટ તો લુચ્ચો છે,” એ ગણગણ્યો. હજુ દસ મિનિટ પહેલાં તો ઓસ્કર અને સ્ટર્ન, ઓસ્કર અને ‘સી’ કુટુંબ લુચ્ચું છે કે નહીં તેની ચર્ચા કરતા હતા! અને હવે એ પ્રશ્ન સાવ લટકતો જ રહી ગયો હતો. “મને પૂછ્યું હોત તો હું પણ એમને કહી શક્યો હોત, કે રેકર્ટ તો લુચ્ચો માણસ છે,” એ ભારપૂર્વક કહી રહ્યો હતો.

ફિલોસુફીનો કોઈ સિદ્ધાંત વર્ણવતો હોય એમ સ્ટર્ને પોતાનો અભિપ્રાય આપ્યો, કે એક સમય એવો આવશે, જ્યારે ધંધો કરવા માટે માત્ર લુચ્ચા લોકો જ બાકી રહેવાના!

શિન્ડલર એ સાંભળીને હસી પડ્યો, દાંત દેખાય એ રીતે, ખડખડાટ અને અસભ્ય લાગે એ રીતે! “તારો ખૂબ-ખૂબ આભાર, દોસ્ત!” એણે સ્ટર્નને સંબોધીને કહ્યું.

 

આપનો પ્રતિભાવ આપો....