શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૦)


પ્રકરણ ૧૦

આર્થર રૂસનઝ્વાઇગના યહૂદી મંડળના સભ્યો હજુ પણ પોતાને વસાહતમાં રહેતા યહૂદીઓના ભરણપોષણ અને આરોગ્યના સંરક્ષક માનતા હતા, અને વસાહતની યહૂદી પોલીસ પાસે પોતે કોઈ સમાજસેવક હોય તેવી પાડતા હતા. યુવાન યહૂદીઓ પ્રત્યે દયા દાખવીને તેમને થોડું શિક્ષણ મળી જાય તેવો પ્રયત્ન પણ તેઓ કરતા હતા. જો કે એસએસ મુખ્યાલય માટે તો તેઓ એવા એક વધારાના પોલીસદળ જેવા જ હતા, જેમણે અન્ય પોલીસદળની માફક એસએસના હુકમનું માત્ર પાલન જ કરવાનું હોય! પરંતુ સન ૪૧ના ઉનાળા સુધી જીવતા રહેલા યહૂદી પોલીસદળના કોઈ સભ્યની સ્થિતિ એવી રહી ન હતી.

એક વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી, કે જેમ-જેમ વસાહત જૂની થતી ગઈ, તેમ-તેમ યહૂદી પોલીસ સામે, તેઓ જર્મનોના મળતિયા હોવાની શંકાભરી આંગળી વધારેને વધારે ચીંધાતી ગઈ. અમુક યહૂદી પોલીસોએ જર્મન તંત્રની અંદરની માહિતી ભૂગર્ભ બળવાખોરો સુધી પહોંચાડીને તંત્ર સામે એક પડકાર જરૂર ઊભો કર્યો હતો, પરંતુ યહૂદી મંડળના મોટા ભાગના સભ્યોને લાગતું હતું, કે તેમનું પોતાનું અને તેમના કુટુંબનું અસ્તિત્વ, તેઓ એસએસને કેટલો સહકાર આપે છે તેના પર જ નિર્ભર હતું. કોઈ ભલોભોળો માણસ પણ, યહૂદી પોલીસમાં રહીને ભ્રષ્ટાચારી થઈ જાય એમ હતું, જ્યારે કોઈ ભ્રષ્ટાચારી માટે તો આ એક મોટી તક હતી.

જો કે, શરૂઆતના મહિનાઓમાં તો ક્રેકોવમાં યહૂદી પોલીસની ગણના એક નિરુપદ્રવી દળ તરીકે જ થતી હતી. લિઓપોલ્દ ફેફરબર્ગને યહૂદી પોલીસના સભ્યોની સંદિગ્ધતાના દાખલારૂપ ગણી શકાય તેમ હતું. ડિસેમ્બર ૧૯૪૦માં યહૂદી સભા દ્વારા ચાલતી શાળાઓ સહિતનું સમગ્ર શિક્ષણ યહૂદીઓ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું, ત્યારે યહૂદીઓની હાઉસિંગ ઓફિસમાં મુલાકાતીઓનું સમયપત્રક અને તેમની વ્યવસ્થા જાળવવાનું કામ પોલદેકને સોંપવામાં આવ્યું હતું. આમ તો આ કામ દિવસના થોડા કલાકોનું જ હતું, પરંતુ તેને કારણે, પોતે કંઈક કામ કરતો હોવાનું બહાનું તેને મળી રહેતાં વસાહતમાંથી ક્રેકોવમાં તે મુક્ત રીતે આવ-જા કરી શકતો હતો. માર્ચ ૧૯૪૧માં, શહેરના અન્ય ભાગોમાંથી પોજોર્સમાં આવી રહેલા યહૂદીઓની સુરક્ષા જાળવવા માટે જ યહૂદી પોલીસની સ્થાપના થઈ હતી. યહૂદી પોલીસના સભ્ય બનવાના આમંત્રણને પોલદેકે સહર્ષ સ્વીકારી લીધું હતું. તેના માટે તો યહૂદી પોલીસમાં હોવાનો અર્થ એ, કે વસાહતની દિવાલોની અંદર યહૂદીઓ યોગ્ય રીતે રહે છે કે નહીં તેનું ધ્યાન રાખવું! તેની સાથોસાથ, અંદરખાને તેને એવું પણ લાગતું હતું, કે યહૂદીઓને ગમે તેમ કરીને અમુક હદે નિયંત્રણમાં પણ રાખવા પડશે. યુરોપનો ઇતિહાસ કહેતો હતો એ પ્રમાણે, સ્થાનિક લોકો નિયંત્રણમાં રહે તો બાહ્ય હુમલાખોરો બહુ જ જલદી પરત ફરી જતા હતા. વળી આગળ જતાં યહૂદીઓ પણ આ બધી કડવાશોને ભૂલી જાય, અને તેમનું આવનારું જીવન પણ સુગમ બની રહે એવું તેને લાગતું હતું!

યહૂદી પોલીસદળમાં સ્થાન મળવાનો ફાયદો ઊઠાવીને, ચામડાની ચીજવસ્તુઓ, ઝવેરાત, રૂંવાટીદાર ચામડું, રોકડ રકમ, વગેરે જેવી ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી પણ એ વસાહતમાં કરતો રહેતો હતો. વસાહતના દરવાજે ઊભા રહેતા સારજન્ટ ઓસવાલ્ડ બોસ્કો સાથે તેને ઓળખાણ હતી. ઓસવાલ્ડ આમ તો એક પોલીસ જ હતો, પરંતુ જર્મન તંત્ર સામે નારાજગીને કારણે એ એટલો બંડખોર બની ગયો હતો, કે લોકોને વસાહતની અંદર કાચો માલ લાવવાની, અને તેમાંથી કાપડ, દારુ, લોખંડનો સામાન, વગેરે વસ્તુઓ બનાવીને ક્રેકોવમાં લઈ જઈને વેચવા માટે ફરીથી બહાર લઈ જવાની છૂટ પણ એ આપતો હતો, અને એ પણ કોઈ પ્રકારની લાંચ લીધા વિના!

વસાહતના દરવાજે ઊભેલા અધિકારીઓ અને અન્ય બાતમીદારોથી નજર બચાવીને બહાર નીકળ્યા પછી, કોઈ નિરવ ગલીમાં જઈને ફેફરબર્ગ પોતાના બાવડા પર પહેરેલી યહૂદી તરીકેની ઓળખપટ્ટી કાઢી નાખ્યા પછી જ કાઝીમર્ઝ કે સેન્ટ્રમમાં ધંધે વળગતો હતો.

ટ્રોલીમાં બેઠાં-બેઠાં, બાજુમાં બેઠેલા મુસાફરોનાં માથાં પરથી નજર દોડાવીને, બહાર પસાર થઈ જતી દિવાલો પર એ દિવસે ચોટાડાયેલાં નવાં પોસ્ટરો એ વાંચી લેતો. રેઝર બ્લેડની જાહેરાતો, પોલિશ બળવાખોરોને આશ્રય આપવા અંગેના વેવેલના નવા આદેશો, “યહૂદીઓ-જૂ-ટાઇફસ” જેવી જાહેરાતો, શેતાનના પડછાયા રૂપે ઊભેલા યહૂદીને ભોજન પીરસી રહેલી પોલિશ છોકરીઓને દર્શાવતાં મોટાં-મોટાં પાટિયાં… જેમાં લખેલું હોય “જે યહૂદીને મદદ કરે છે એ શેતાનને મદદ કરે છે”! ખાવાની વાનગીઓમાં ઉંદર નાખતાં યહૂદીઓ, દૂધમાં પાણી અને પેસ્ટ્રીમાં જૂ ભેળવતાં યહૂદીઓ, અને પગ વડે લોટ બાંધતાં યહૂદીઓનાં ચિત્રો કરિયાણાની દુકાનોની બહાર લટકાવવામાં આવતાં હતાં. વસાહતમાં જે વાસ્તવિક કરુણતા પ્રવર્તતી હતી, તેને જર્મન પ્રચાર મંત્રાલયના લહિયાઓએ બનાવેલા પોસ્ટરો દ્વારા યહૂદીઓની ખાસિયત તરીકે ક્રેકોવની શેરીઓમાં પ્રમાણિત કરવામાં આવી રહી હતી. અને એ જ જાહેરાતોની નીચેથી, જર્મન જેવો જ દેખાતો ફેફરબર્ગ, કપડાં, ઝવેરાત અને રોકડ રકમથી ભરેલી પોતાની સુટકેસ લઈને શાંતીથી આવ-જા કરતો રહેતો હતો!

ફેફરબર્ગને સૌથી મોટી સફળતા તો ત્યારે મળી હતી, જ્યારે ગવર્નર ફ્રેંક દ્વારા, સો અને પાંચસો ઝ્લોટીની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી! બજારમાં ફરતી નોટોને જર્મન ક્રેડિટ ફંડમાં જમા કરાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. યહૂદીઓને માત્ર બે હજાર ઝ્લોટીની નોટો જ બદલવાની છૂટ આપવામાં આવી હતી, એટલે યહૂદીઓએ છૂપાવીને રાખેલી બે હજાર કરતા વધારે રકમની નોટોની કોઈ જ કિંમત રહી ન હતી! સિવાય કે એ વ્યક્તિની બદલીમાં, બાવડા પર ઓળખપટ્ટી વગરનો જર્મન દેખાતો કોઈ માણસ પોલેન્ડવાસીઓ સાથે જર્મન ક્રેડિટ બેંક સામે લાગેલી લાંબી કતારમાં ઊભો રહેવા તૈયાર હોય!

ફેફરબર્ગ અને તેના એક યુવાન યહૂદી મિત્રે વસાહતના રહેવાસીઓ પાસેથી સેંકડો-હજારોની સંખ્યામાં પ્રતિબંધિત રોકડ નોટો એકઠી કરીને એક બેગમાં ભરીને તેને અધિકૃત ચલણ સામે બદલાવી લીધી હતી. બદલામાં વસાહતના દરવાજે ઊભેલી પોલેન્ડની બ્લ્યૂ પોલીસને એમણે માત્ર મામુલી લાંચ જ આપવાની હતી!

તો આમ, ફેફરબર્ગ આ પ્રકારનો પોલીસ હતો! યહૂદી મંડળના ચેરમેન આર્થર રોઝનવિગના ધારાધોરણો મુજબ એક ઉત્તમ પોલીસમેન, અને પોમોર્સ્કા શહેરના ધારાધોરણો મુજબ એકદમ નીંદનીય!

એપ્રિલમાં ઓસ્કારે વસાહતની મુલાકાત લીધી, તેનું એક એક કારણ હતું તેનું કુતુહલ; અને બીજું એ, કે તેણે એક ઝવેરીને બે વીંટીઓ બનાવવા આપી હતી. તેણે ધાર્યું હતું તે જ રીતે વસાહત ખીચોખીચ ભરાયેલી હતી. નસીબજોગે યહૂદી સભામાં કોઈ ઓળખાણ હોય તો ઠીક, બાકી એક કમરામાં બબ્બે કુટુંબો રહેતાં હતાં! ભરાઈ ગયેલી ગટરોની વાસ ચારે તરફ ફેલાયેલી હતી. તે છતાં વસાહતની સ્ત્રીઓ, ગરમ-ગરમ પાણીમાં વસ્ત્રોને ઊકાળીને, ફળિયામાં બેસીને મહેનતપૂર્વક ઘસી-ઘસીને ધોઈને ટાયફસની સામે સૌનું રક્ષણ કરી રહી હતી. “પરિસ્થિતિ બદલાઈ રહી છે,” ઝવેરીએ ઓસ્કરને ખાનગી વાત જણાવતાં કહ્યું. “યહૂદી પોલીસના હાથમાં હવે દંડા આપી દેવામાં આવ્યા છે.” પોલેન્ડની બધી જ વસાહતોની માફક અહીં પણ વસાહતનું નિયંત્રણ ગવર્નર ફ્રેંકના હાથમાંથી નીકળીને હવે અંતિમ સત્તાધિકારી ગણાતાં ગેસ્ટાપોના સેક્સન ૪બીના હાથમાં ચાલ્યું ગયું હતું. એસએસની ઓબરફ્યૂહરરની પદવી પર આરૂઢ જુલિઅન સ્કર્મર નામના પિસ્તાળીસ-પચાસની ઉંમરના એક ભરાવદાર માણસની નિયુક્તિ, ક્રેકોવના યહૂદીઓને સ્પર્શતી બધી જ બાબતો માટે કરવામાં આવી હતી. માથા પર ટાલ, બિનલશ્કરી પહેરવેશ અને જાડા ચશ્માંમાં સજ્જ જુલિઅન કોઈ સાધારણ અમલદાર જેવો દેખાતો હતો. ઓસ્કર તેને જર્મન કોકટેઇલ પાર્ટીઓમાં મળ્યો હતો. સ્કર્નર વાતો બહુ કરતો હતો, યુદ્ધ વિશેની નહીં, પરંતુ વ્યવસાય અને નાણાંના રોકાણ અંગેની વાતો! તેના જેવા શરાબ, સ્ત્રીઓ અને સરકારે જપ્ત કરેલી ચીજવસ્તુઓના શોખીન અધિકારીઓથી એસએસની મધ્ય રેંક ખદબદતી હતી. હોઠે જામ ચોંટી જાય ત્યારે બાળક જે રીતે ખુશ થાય, એ જ રીતે અણધારી મળી ગયેલી સત્તાનો આ નશો ઘણી વખત તેના મોં પર હાસ્યાસ્પદ રીતે છલકાતો જોવા મળી જતો હતો. હંમેશા ખુશખુશાલ દેખાતો જુલિઅન અંદરખાને એક નિર્દય માણસ હતો એ ચોક્કસ! પરંતુ ઓસ્કરને એટલી ખાતરી હતી, કે સ્કર્નર યહૂદીઓને મારી નાખવાને બદલે તેમની પાસે કામ કરાવવાના મતનો હતો, અને ફાયદો મેળવવા ખાતર એ કાયદાઓને આમ-તેમ મચડી જાણતો હતો, પરંતુ સાથે-સાથે એ એસએસના નિયમોનું પાલન અચૂક કરશે એમાં પણ બેમત ન હતો, પછી તેનું પરીણામ ભલે ગમે તે આવે!

ગયા વર્ષની ક્રિસમસમાં, પોલીસવડાને કોગ્નેકની અડધો ડઝન બોટલ મોકલીને ઓસ્કરે તેને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. હવે તો પોલીસવડા સ્કર્નરની સત્તાઓ ઘણી વિશાળ થઈ ગઈ હતી, એટલે આ વખતે તેની કિંમત પણ વધી જવાની હતી.

વસાહતની સત્તાનું હસ્તાંતરણ થવાને કારણે આમ થયું હતું. માત્ર નિયમપાલન માટેનો હાથો બની રહેવાને બદલે, એસએસ હવે પોતે જ નીતિ ઘડનારની ભૂમિકા અદા કરી રહ્યું હતું, અને જૂનની ધધખતી ગરમીમાં યહૂદી પોલીસ પણ હવે પોતાનો રંગ બદલી રહી હતી! વસાહત પાસેથી પસાર થતી વેળાએ ઓસ્કરને અગાઉ બારીઓમાં કાચ જડવાનું કામ કરતા સાયમક સ્પાઇરા નામના એક માણસની ઝલક જોવા મળી હતી. સાયમક હવે યહૂદી મંડળમાં એક શક્તિશાળી અધિકારી હતો. રૂઢિચુસ્ત વાતાવરણમાંથી આવતા સ્પાઇરાનો ભૂતકાળ અને તેના સ્વભાવને કારણે યહૂદી સભામાં હજુ સુધી ચીટકી રહેલા યહૂદી ઉદારમતવાદીઓ પ્રત્યે તે અણગમો ધરાવતો હતો. આર્થર રોઝનવિગને બદલે, છેક નદી પારથી અન્ટરસ્ટર્મફ્યૂહરર બ્રાન્ટ અને એસએસ મુખ્યાલય તરફથી તેને કામ સોંપવામાં આવતું હતું. બ્રાન્ટને મળ્યા પછી, વધારે જાણકારી અને વધારે સત્તા સાથે એ વસાહતમાં પાછો ફર્યો હતો. બ્રાન્ટે યહૂદી પોલીસની રાજકીય પાંખ ખોલીને તેના વડા તરીકેની જવાબદારી સ્પાઇરાને સોંપી હતી. પોતાના ઘણા મિત્રોને તેણે એ પાંખમાં નોકરી આપી હતી. લશ્કરી ટોપી અને ઓળખપટ્ટીથી આગળ વધીને તેમના ગણવેશમાં રાખોડી શર્ટ, લશ્કરી ચોરણી, બદામી પટ્ટો અને ચમકતા એસએસ બૂટને સ્થાન મળ્યું હતું.

સ્પાઇરાનો આ રાજકીય વિભાગ, યહૂદીઓ પાસેથી જબરદસ્તીથી સહકાર મેળવવાની માંગણીથી પણ એક કદમ આગળ વધીને કામ કરવાનો હતો. તેના વિભાગમાં એવા પૂર્વગ્રહયુક્ત ભાડૂતી માણસોને ભરતી કરવામાં આવ્યા હતા, જેઓ ભૂતકાળમાં અલ્પસંખ્યક યહૂદીઓ તરફથી તેમને મળેલા સામાજિક અને બૌદ્ધિક જાકારાને કારણે તેમની સામે દ્વેષભાવનાથી પીડાતા હતા.

ઝાયમન સ્પિટ્ઝ, માર્સેલ ઝેલિંજર, ઇગ્નેસી ડાયમન્ડ, સેલ્સમેન ડેવિડ ગટર, ફોર્સ્ટર, ગ્રનર અને લેન્ડા પણ સ્પાઇરાની સાથે ભળી ગયા હતા. બળજબરીથી પૈસા કઢાવવાનું, અને વસાહતના રહીશોમાંથી બળવાખોર અને અસંતુષ્ટ યહૂદીઓના નામ એસએસની સૂચીમાં લખાવી દેવાનું કામ તેમણે શરૂ કર્યું હતું.

પોલદેક ફેફરબર્ગ હવે યહૂદી પોલીસદળમાંથી બહાર નીકળી જવા માગતો હતો. એક અફવા પ્રમાણે ગેસ્ટાપો દ્વારા બધા જ યહૂદી પોલીસો પાસે ફ્યૂહરરની તરફેણમાં શપથ લેવડાવવામાં આવવાના હતા, જેથી તેમની પાસે હુકમનો અનાદર કરવા માટે કોઈ બહાનુ ન બચે! રાખોડી ગણવેશવાળા સ્પાઇરા કે સ્પિટ્ઝ કે ઝેલિંજર સાથે હવે એ ધંધામાં ભાગીદારી કરવા માગતો ન હતો. સ્ટ્રીટના છેડે વેજર્સ્કાના ખૂણે આવેલી હોસ્પિટલમાં સેવા આપતા યહૂદી સભાના અધિકૃત ડૉક્ટર અને માયાળુ ગણાતા એલેકઝેન્ડર બાઇબરસ્ટેઇન સાથે તેણે આ બાબતે વાત કરી હતી. ડૉક્ટરના ભાઈ મેરેક યહૂદી સભાના પહેલા પ્રમુખ હતા અને હાલમાં, ચલણી રકમના નિયમનો ભંગ અને અધિકારીઓને લાંચ આપવાનો પ્રયત્ન કરવાના કારણો સબબ મોન્ટેલ્યૂપિકની જેલમાં તકલીફભર્યા દિવસો પસાર કરી રહ્યા હતા.

યહૂદી પોલીસદળ છોડી શકાય તેવું શારીરિક પ્રમાણપત્ર આપવા માટે ફેફરબર્ગે બાઇબરસ્ટેઇનને વિનંતી કરી હતી, પરંતુ એ મુશ્કેલ હોવાનું જણાવીને બાઇબરસ્ટેઇને તેને ના પાડી દીધી હતી.

ફેફરબર્ગ તો બીમાર જેવો દેખાતો પણ ન હતો. ઉચ્ચ રક્તચાપનો ઢોંગ કરવો તેના માટે અશક્ય હતું. પોલીસદળમાંથી નીકળી જવા માટે ડૉ. બાઇબરસ્ટેઇને તેને પીઠનો દુખાવો બતાવવાની સલાહ આપી. ફેફરબર્ગે હાથમાં લાકડી લઈને વાંકા વળીને નોકરી પર આવવાનું શરુ કર્યું.

સ્પાઇરાને આ બાબતની જાણ થતાં જ તેનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. ફેફરબર્ગે સૌથી પહેલી વખત તેની પાસે યહૂદી પોલીસદળને છોડવાની વાત કરી, ત્યારે આ પોલીસવડાએ પોતે કોઈ મહેલના સુરક્ષાદળનો વડો હોય એવી અદાથી જાહેર કરેલું, કે પોલીસદળ છોડવાનો એક માત્ર રસ્તો હતો, લડાઈમાં મૃત્યુ પામવું! વસાહતની અંદર, સ્પાઇરા અને તેના નાદાન મિત્રો પોલીસના ખાસ માણસો હોય એ રીતે વર્તતા હતા. પોતે બીજા રાજ્યમાંથી આવેલા કોઈ મહેમાન હોય, કે રાજ્યના ખાસ પોલીસદળના માણસો હોય એ રીતે તેઓ વસાહતમાં ફરતા હતા.

“તને તો હું ગેસ્ટાપોના ડૉક્ટર પાસે મોકલી આપીશ,” સ્પાઇરાએ બરાડીને કહ્યું. બાઇબરસ્ટેનને ખબર હતી કે યુવાન ફેફરબર્ગ એક શરમાળ માણસ હતો. ગેસ્ટાપોના ડૉક્ટરો દરદીઓ સાથે શું-શું કરે છે એ બાબતે તેણે ફેફરબર્ગને અગાઉથી બધું જ જણાવી દીધું હતું. ગેસ્ટાપોના ડૉક્ટરની ચકાસણીમાંથી તો પોલદેક હેમખેમ બહાર આવી ગયો, અને ટોળા પર નિયંત્રણ રાખવામાં તકલીફ પડે તેવા રોગથી પીડાતો હોવાના કારણસર તેને યહૂદી પોલીસદળમાંથી છૂટો પણ કરી દેવામાં આવ્યો. પોતાના જ એક અધિકારી ફેફરબર્ગને વિદાય આપતી વેળાએ સ્પાઇરા પોતાની નારાજગી વ્યક્ત કરવાનું ચૂક્યો નહીં. એ ઘટનાના બીજ જ દિવસે જર્મનીએ રશિયા પર હુમલો કરી દીધો હતો.

ઓસ્કરે બીબીસી દ્વારા છૂપી રીતે આ સમાચાર જાણ્યા. એ સાથે જ તેને એ પણ તેને સમજાઈ ગયું કે યહૂદીઓને મેડાગાસ્કર મોકલવાનું આયોજન હવે નહીં થઈ શકે. આવા કામ માટે જહાજોની જોગવાઈ કરવામાં જ વર્ષો વીતી જાય તેમ હતાં. આ ઘટનાને કારણે એસએસના આયોજનોમાં ધરમૂળથી ફેરફારો આવશે એવી ગંધ ઓસ્કરને અગાઉથી આવી ગઈ હતી, કારણ કે હવે અર્થશાસ્ત્રીઓ, ઈજનેરો, લોકોની હેરફેર સાથે સંકળાયેલા આયોજકો અને વિવિધ હોદ્દાના પોલીસો, આ બધાએ માત્ર યુદ્ધ લાંબુ ચાલવાની જ નહીં, પરંતુ શુદ્ધ વંશીય રાષ્ટ્રના નિર્માણ માટે એકદમ પદ્ધતિસરની કાર્યવાહી માટે પણ માનસિક તૈયારીઓ કરી લીધી હોય એવું લાગતું હતું.

આપનો પ્રતિભાવ આપો....