એકાગ્રતા – સંત રાજિન્દરસિંહજી મહારાજ


કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે આપણું એકાગ્ર હોવું જરૂરી છે. એ પછી આપણે ડૉક્ટર બનવા ઈચ્છતા હોઈએ, સર્વોત્તમ એથલિટ, મહાન ગાયક કે કલાકાર બનવા ઈચ્છીએ કે પછી એક અમીર વેપારી બનવા ઈચ્છીએ. આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરી રીતે એકાગ્ર થવું પડશે. જે કોઈએ પણ પોતાના જીવનમાં એક પણ મોટી સિદ્ધિ મેળવી છે એના જીવનને જુઓ. એ જોતા આપણને જણાશે કે એનામાં એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની અનન્ય લગન હતી.

અધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં પણ કંઈ જુદું નથી. એ મહત્વપૂર્ણ છે કે જ્યારે આપણે અધ્યાત્મિકઆભ્યાસ કરીએ, પૂરી એકાગ્રતાથી કરીએ. પોતાની જાતને જાણવાના લક્ષ્ય ઉપર આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ.

મહાન સૂફી સંત બાયજીદ બુસ્તામીની જિંદગીનો એક કિસ્સો છે. એકવાર એ પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતાં. ગુરુએ તેમને બારી પાસે રાખેલું પુસ્તક લાવવા કહ્યું.

બુસ્તામીએ પૂછ્યું, “કયું પુસ્તક? બારી ક્યાં છે?”

ગુરુએ કહ્યું, “એવું કેમ બને કે વર્ષોથી તું મને મળવા આવી રહ્યો છે અને તને ખબર નથી કે બારી ક્યાં છે?”

શિષ્યએ જવાબ આપ્યો, “હું બારી ઉપર શું કામ ધ્યાન આપું? જ્યારે હું આપની સાથે હોઉં છું ત્યારે માત્ર આપને જ જોઉં છું. હું આપના સિવાય અન્ય કોઈ ચીજ પર નજર નાખી શક્તો નથી.”

ગુરૂજી મલકીને કહે, “તું હવે ઘરે જઈ શકે છે. મારી પાસે રૂહાની શિક્ષણનો તારો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો છે. તું તારૂ લક્ષ્ય મેળવી ચૂક્યો છે.”

જ્યારે આપણે પોતાના આત્મા અને પ્રભુની શોધમાં હોઈએ ત્યારે આપણે એમની શોધ ઉપર જ ધ્યાન આપવું જોઈએ. કોઈ અન્ય બાબત પર નહીં. જ્યારે આપણે પ્રભુના સંપર્કમાં હોઈએ ત્યારે આપણને અન્ય કોઈ ચીજનો આભાસ પણ ન થવો જોઈએ. આપણે પ્રભુના સોમરસને તન્મયતાથી પીવો જોઈએ. એનાથી આપણને પોતાને એનામાં મસ્ત અને રમમાણ થવા દેવા જોઈએ. જયારે આપણે ધ્યાન – અભ્યાસમાં બેઠા હોઈએ ત્યારે આપણી સામે દેખાઈ રહેલી જ્યોતિના મધ્યમાં ધ્યાન ટકાવવું જોઈએ અને મનમાં ઉભા થતાં વિચારો પર ધ્યાન ન ભટકવા દેવું જોઈએ. આ રીતે, બુસ્તામીની જેમ આપણે પણ આપણા અધ્યાત્મિક શિક્ષણનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકીશું અને પોતાની પસંદગીનું લક્ષ્ય પ્રાપ્ત કરી જઈશું.

ધ્યાન – અભ્યાસ કે પ્રાર્થનામાં એકાગ્રચિત્ત થઈને બેસવું જોઈએ. આપણે કોઈપણ ચીજને આપણી એકાગ્રતામાં અવરોધ ન બનવા દેવી જોઈએ. પોતાના વાતાવરણની અન્ય કોઈ પણ વસ્તુનું ધ્યાન ન હોવું જોઈએ. એ દરમ્યાન આપણે બહારની વાતો, વસ્તુઓ – સંસાર ઉપર કે પોતાના શરીર પર કોઈ ધ્યાન ન જવું જોઈએ. આપણા વિચારો પર પણ ધ્યાન ન જવું જોઈએ.

આપણે એના દરવાજે બેસીએ જાણે કે આપણે એક મોટી આંખ હોઈએ અને આપણે પ્રેમથી, ભક્તિપૂર્વક, જે કંઈ પણ મળે એની રાહ જોઈએ. રૂહાની રસ્તા પર સફળતા મેળવવાનો આ જ રસ્તો છે.

– સંત રાજિન્દરસિંહજી મહારાજ

(આજે બાબા સાવનસિંંહજી મહારાજનો જન્મદિવસ કિરપાલ આશ્રમ, કોયલી ફળિયા, વડોદરા ખાતે ઉજવાઈ રહ્યો છે. એ ઉપલક્ષમાં અહીં ધ્યાન શીખવવાની વ્યવસ્થા પણ તા. ૫ જુલાઈથી ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી છે. વધુ વિગતો માટે ૮૦૦૧૨૯૩૩૪ પર સંપર્ક કરી શક્શો. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી રાકેશ ચાવલાજીનો આભાર.)

આપનો પ્રતિભાવ આપો....