શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૬) 1


પ્રકરણ ૬

ચોથી ડિસેમ્બરે લેવાયેલાં લશ્કરી પગલાં પછી સ્ટર્નને ખાતરી થઈ ગઈ હતી, કે ઓસ્કર શિન્ડલર એક વિરલ વ્યક્તિ હતો! બીનયહૂદીઓમાં એક યહૂદી! પ્રાચીન યહૂદી ધર્મગ્રંથ તાલમુદમાં વર્ણવેલી હસેદી ઊમ્મોટ હા-ઓલમની એક દંતકથા મુજબ સમગ્ર વિશ્વમાં, કોઈ પણ સમયે એક સાથે છત્રીસ પવિત્ર વ્યક્તિઓ વસતી હોય છે. સ્ટર્નને આ રહસ્યમયી આંકડામાં શબ્દશ: વિશ્વાસ તો ન હતો, પરંતુ આ દંતકથાને તો એ સંપૂર્ણ સત્ય માનતો હતો, અને શિન્ડલરમાં એ પવિત્ર જીવંત મુક્તિદાતાના દર્શન કરવાનો પ્રયત્ન કરવાને એ ઉચિત અને ડહાપણભર્યું માનતો હતો!

જર્મનોને પૈસાની જરૂર હતી. ‘રેકોર્ડ’ના પ્લાન્ટમાંથી, મેટલ પ્રેસ, એનેમલના ડબ્બા, લેથ અને ફરનેસ સિવાયની મોટાભાગની મશીનરી કાઢી લેવામાં આવી હતી. સ્ટર્ન ભલે વૈચારિક દૃષ્ટિએ ઓસ્કરને ઘણો જ ઉપયોગી સાબીત થયો હોય, પરંતુ તેને આર્થિક મદદ અપાવનાર તો હતો એબ્રાહમ બેંકર, જે ‘રેકોર્ડ’ કંપનીનો ઓફિસ મેનેજર હતો. ઓસ્કરે તેનો વિશ્વાસ જીતી લીધો હતો.

જાડો અને વિલાસી ઓસ્કર અને આ ઠીંગુજી બેંકર, બંને સાથે મળીને સંભવિત રોકાણકારોને મળતા રહ્યા. ૨૩ નવેમ્બરના રોજ બહાર પડેલા એક વટહુકમના બળ પર, યહૂદીઓએ બેંક અને સેફ ડિપોઝીટમાં મૂકેલી બધી જ રકમ જર્મન વહીવટીતંત્રે જપ્ત કરીને એક એવા સ્થગિત કરાયેલા ખાતામાં મૂકી દીધી હતી, જેમાંની મૂડી કે વ્યાજ પર મૂળ માલીકનો કોઈ જ હક્ક રહેતો ન હતો. ઇતિહાસનું જરા જેટલું પણ જ્ઞાન ધરાવતા સમૃદ્ધ યહૂદી વેપારીઓ તો પોતાની ખાનગી મૂડી રોકડમાં જ રાખતા હતા. પરંતુ તેઓ એટલું જાણતા હતા, કે ગવર્નર હેન્સ ફ્રેંકના શાસન હેઠળ થોડા વર્ષો સુધી તો રોકડનો વ્યવહાર બહુ જોખમી હતો. તેને બદલે હિરા, સોનું કે સરસામાનની લેવડદેવડ જ ઇચ્છનીય હતી.

ક્રેકોવની આજુબાજુના વિસ્તારોના એવા કેટલાયે યહૂદી વેપારીઓને બેંકર ઓળખતો હતો, જેઓ ચોક્કસ જથ્થામાં માલસામાન મળવાની ખાતરીની સામે નાણાંનું રોકાણ કરવા તૈયાર હતા. ૧૯૪૦ના જુલાઈથી શરૂ કરીને એક વર્ષ સુધી, દર મહિને પચાસ હજાર ઝ્લોટીની રકમના બદલામાં અમુક ચોક્કસ વજનના ઘડા અને તપેલાં પહોંચતા કરવાના સોદા તેમની સાથે થઈ શકે તેમ હતા. વેવેલમાં હેન્સની હાજરીને કારણે, ક્રેકોવના યહૂદીઓ માટે રસોડાનાં વાસણો, રોકડ રકમ કરતાં વધારે સુરક્ષિત અને સરળતાથી નિકાલ કરી શકાય તેવી જણસ ગણાતાં હતાં. આ આખાયે સોદામાં સામેલ ઓસ્કરે, પેલા રોકાણકારોએ, કે એક વચેટિયા તરીકે બેન્કરે, કોઈ જ પ્રકારનું લખાણ કર્યું ન હતું, એક સાદી નોંધ પણ નહીં! એટલે પૂર્ણ કક્ષાના કોન્ટ્રાક્ટ કરવાનો તો કોઈ અર્થ જ ન હતો અને એવા કોન્ટ્રાક્ટને લાગુ કરી શકાય તેમ પણ ન હતા! અહીં કોઈને કોઈ પ્રકારની ફરજ પાડી શકાય તેમ હતું નહીં. રોકાણકારોનો બધો જ મદાર બેન્કરના એ અભિપ્રાય પર જ હતો, કે “એનેમલના વાસણોનો આ જર્મન ઉત્પાદક એકદમ વિશ્વાસુ માણસ છે!”

ક્રેકોવ શહેરની મધ્યે જૂના વિસ્તારમાં છેક દૂર આવેલા રોકાણકારના એપાર્ટમેન્ટમાં આ સોદો કરવામાં આવ્યો હતો. એપાર્ટમેન્ટના માલિકની પત્નીને અત્યંત ગમતા એ એપાર્ટમેન્ટની રોનક અને તેની પુત્રીઓને ગમતી ફ્રેન્ચ નવલકથાઓની લિજ્જત તો જ જળવાઈ રહે તેમ હતું, જો આ સોદો સફળ થાય! સોદો કરવાની ના પાડે, તો રોકાણકારે પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર સડક પર ફેંકાઈ જઈને પોજોર્સના કોઈ ઝુંપડામાં રહેવા ચાલ્યા જવું પડે એવી પરિસ્થિતિ હતી! અને પડતા ઉપર પાટું પડે એ જુદું; એક તો પોતાનો એપાર્ટમેન્ટ છીનવાઈ જાય અને પોતાના જ વ્યવસાયમાં એણે નોકર બનીને કામ કરવું પડે! થોડા મહિનાઓમાં જ આ બધું બની જાય એવી શક્યતા હતી, એકાદ વર્ષ પણ લાગે તેમ ન હતું!

આ પ્રકારના અવિધિસરના સોદામાં છેતરપિંડી કરવાનો આક્ષેપ, ઓસ્કર સામે ક્યારેય થયો જ ન હતો એવું કહી શકાય તેમ નથી! એવું કહીએ, તો પણ એ હકીકતને મારી-મચેડીને રજુ કરી ગણાય. નવા વર્ષની શરૂઆતમાં જ, લિપોવા સ્ટ્રીટમાં આવેલી શિન્ડલરની વાસણો બનાવવાની ‘જર્મન એનેમલ ફેક્ટરી’ (ડેફ)માંથી, શિન્ડલરને ચૂકવવામાં આવેલી રકમ કરતાં ઓછા વાસણ મળ્યા બાબતે એક નાના યહૂદી વેપારી સાથે શિન્ડલરને ઝગડો થઈ ગયો હતો. જીવનના અંત સુધી એ વેપારી આ કારણે ઓસ્કરની ટીકા કરતો રહ્યો હતો! આ વાત ભલે જાહેર ન થઈ હોય, પરંતુ ઓસ્કરે સોદો પૂરો કર્યો ન હતો એ હકીકત હતી!

સ્વભાવે ઓસ્કર હંમેશા દિલદાર રહેતો હતો, એટલે તેના વિશે એક છાપ એવી હતી, કે પોતાની વિશાળ સંપત્તિમાંથી એ ગમે તેટલી રકમ પણ ચૂકવી શકે તેમ હતો! ગમે તેમ પણ, આવનારા ચાર વર્ષોમાં ઓસ્કર અને બીજા જર્મન તકવાદીઓ એટલી તગડી કમાણી કરી લેવાના હતા, કે ઓસ્કરના પિતા જેને વેપારીની નૈતિક જવાબદારી ગણાવે એવા દેણાને ચૂકવવામાં કોઈ પણ વેપારી નિષ્ફળ ન જાય! સિવાય કે એ ખરેખર અમર્યાદ નફાખોર માણસ હોય!

ક્રેકોવમાં રહેતા પોતાના પતિને મળવા માટે એમિલી શિન્ડલર નવા વર્ષે પહેલી વખત ક્રેકોવમાં આવી હતી. ઉદ્યોગોના ધુમાડાથી ભર્યા બર્નો શહેરના પ્રમાણમાં ક્રેકોવ તેને અત્યંત આનંદદાયક, સુંદર અને પરંપરાગત ઢબનું લાગ્યું. અત્યાર સુધીમાં તેણે મુલાકાત લીધેલા સ્થળોમાં સૌથી આહ્લાદક સ્થળ તેને ક્રેકોવ લાગ્યું હતું!

પતિના નવા એપાર્ટમેન્ટથી એ ખુબ પ્રભાવિત થઈ હતી. ગોળાકારે ફેલાયેલા સુંદર અને લીલાછમ બગીચાઓની સામે જ તેના કમરાની બારીઓ ખૂલતી હતી. વર્ષો પહેલાં તોડી પાડવામાં આવેલી પૌરાણીક દિવાલોની અડોઅડ આખાયે શહેરની ફરતે આવા બગીચાઓ ઉછેરવામાં આવ્યા હતા. રસ્તાના છેડેથી વેવેલનો ભવ્ય કિલ્લો શરૂ થતો હતો, અને તેના પ્રાચીન અવશેષોની બરાબર મધ્યમાં ઓસ્કરનો આધુનિક એપાર્ટમેન્ટ આવેલો હતો! ચારેબાજુ ફરીને શ્રીમતી ફેફરબર્ગ દ્વારા કરવામાં આવેલી પડદા અને દિવાલોની સજાવટ એણે ધ્યાનપૂર્વક નિહાળી. ઓસ્કરને મળેલી નવી સફળતાને એમિલી પાર્થિવ સ્વરૂપે આ બધી સજાવટના સ્વરૂપમાં જોઈ શકતી હતી.

“પોલેન્ડમાં તેં સારી એવી જમાવટ કરી લીધી છે!” એણે ઓસ્કરને કહ્યું. ઓસ્કર જાણતો હતો, કે અંદરથી એમિલીના કહેવાનો સંદર્ભ દહેજની એ રકમ બાબતે હતો, જેને ચૂકવવાની એમિલીના પિતાએ બારેક વર્ષ પૂર્વે ના પાડી દીધી હતી. ક્રેકોવથી ઝ્વિતાઉ આવેલા મુલાકાતીઓએ અલ્ત-મોલ્સ્તેઇન પાછા જઈને એવા સમાચારો પહોંચાડ્યા હતા, કે એમનો જમાઈ તો કોઈ અપરિણીતની માફક રહેતો હતો, અને કોઈ બીજી જ સ્ત્રીને ચાહતો હતો! પુત્રીના લગ્ન અંગે એમિલીના પિતાએ કરેલી કલ્પનાઓ આખરે સાચી પડી રહી હતી. દહેજની રકમ ઓસ્કરને ન આપીને પોતે સારું જ કર્યું હતું એવું હવે તેમને લાગતું હતું.

જો કે, એ ચાર લાખ રોમન માર્ક ન મળવાને કારણે ઓસ્કરની સફળતા પર બહુ નજીવી અસર થઈ હતી! પરંતુ અલ્ત-મોલ્સ્તેઇનના એ સદ્‌ગૃહસ્ત ખેડુતને એ ખબર ન હતી, કે દહેજની રકમ ન ચૂકવવાને કારણે તેમની પુત્રીએ કેટલું દુઃખ સહન કરવું પડ્યું હતું, કેવી મુશ્કેલીમાં મૂકાઈ જવું પડ્યું હતું! બાર વર્ષ પછી ઓસ્કર માટે તો એ વાતનું કોઈ જ મહત્વ રહ્યું ન હતું, પરંતુ એમિલીના મનમાં તો એ બાબત આજે પણ એટલી જ મહત્ત્વની રહી હતી.

“માય ડિયર,” ઓસ્કર આ બાબતે હંમેશા પોતાની નારાજગી વ્યક્ત કરતો, “એ પૈસાની મારે ક્યારેય જરૂર ન હતી.”

પતિને થોડા-થોડા સમયે મળતી રહેતી એમિલીના પતિ સાથેના સંબંધો કંઈક એવા હતા, જેમાં સ્ત્રી જાણતી તો હોય, કે પતિ પોતાની સાથે વફાદાર નથી અને રહેશે પણ નહીં, પરંતુ એ બાબતના પુરાવાને નજરે જોવાની ઇચ્છા પણ એ ધરાવતી ન હોય! ક્રેકોવમાં યોજાતી પાર્ટીઓમાં એ સંભાળપૂર્વક જતી. પાર્ટીઓમાં તેને મળી જતા ઓસ્કરના મિત્રો જરૂર સત્ય જાણતા હશે! બીજી સ્ત્રીઓના એ નામોની એમને પણ ખબર હશે, જે નામો ખરેખર તો એ સાંભળવા ઇચ્છતી પણ ન હતી!

એક દિવસ અચાનક એક યુવાન પોલેન્ડવાસી તેને મળી ગયો. એ હતો પોલદેક ફેફરબર્ગ, જે એક સમયે ઓસ્કરને ગોળી મારવા તૈયાર થઈ ગયો હતો. ખભા પર ગાલીચાનો વીંટો ઊંચકીને એ ઓસ્કરના એપાર્ટમેન્ટના દરવાજે આવીને ઊભો હતો. એ ગાલીચો ઈસ્તંબુલથી હંગેરી થઈને કાળાબજારના માર્ગે ક્રેકોવ આવેલો. ફેફરબર્ગને એ ગાલીચો લાવવાનું કામ હકીકતે ઈનગ્રીડે સોંપેલું, જે એમિલીની ક્રેકોવની મુલાકાતના સમય પૂરતી બીજા સ્થળે રહેવા ચાલી ગઈ હતી.

“ફ્રાઉ શિન્ડલર ઘેર છે કે?” ફેફરબર્ગે પૂછ્યું. એ હંમેશા ઈનગ્રીડને શ્રીમતી શિન્ડલર કહીને જ સંબોધતો હતો. તેને એમ લાગતું હતું, કે આમ કહેવાથી ઈન્ગ્રીડને થોડું સારું લાગશે.

“હું જ ફ્રાઉ શિન્ડલર છું,” ફેફરબર્ગના પ્રશ્નનો અર્થ જાણતી હોવા છતાં એમિલીએ જવાબ આપ્યો.

સમય વરતી લેતાં ફેફરબર્ગે વાત વાળી લીધી. હકીકતે એ અહીં સાચી શ્રીમતી શિન્ડલરને મળવા આવ્યો પણ ન હતો, કારણ કે ઓસ્કર પાસેથી એણે તેના વિષે ઘણી-બધી વાતો એ સાંભળી હતી! એ તો વ્યવસાયના કોઈ કામ બાબતે ઓસ્કર સાથે વાત કરવા માગતો હતો.

“હેર શિન્ડલર તો ઘેર નથી.” એમિલીએ તેને જણાવેલું.

એણે ફેફરબર્ગને એક ડ્રિંક લેવા માટે આગ્રહ કર્યો, પરંતુ ફેફરબર્ગે અચકાતાં તેનો ઇનકાર કર્યો. એમિલી એ ઇનકારનો અર્થ સમજતી હતી. આ યુવાન ઓસ્કરના અંગત જીવનને જાણીને થોડો આધાત પામ્યો હોય એવું એને લાગ્યું! અને એટલે જ, કોઈ નિઃસહાય સ્ત્રી સાથે બેસીને ડ્રિંક લેવામાં તેને અસભ્યતા લાગી હશે!

ઓસ્કરે ભાડા પેટે રાખેલી ફેક્ટરી, નદીને સામે પાર ઝેબ્લોસીમાં ૪, લિપોવા સ્ટ્રીટમાં આવેલી હતી. રસ્તા પર પડતી ફેક્ટરીની ઑફિસો આધુનિક બાંધકામવાળી હતી. આજુબાજુમાં ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે અહીં રહેવામાં ભલે સ્ટ્રેસ્ઝેવસ્કિગો સ્ટ્રીટ જેવી મજા ન આવે, તો પણ ઓફિસના ત્રીજા માળે એક એપાર્ટમેન્ટ બનાવવું ઓસ્કરને અનુકૂળ આવેલું, જેથી ક્યારેક રાતવાસો કરવા માટે સરળતા રહે!

ઓસ્કરે જ્યારે ‘ડેફ’ના નામ હેઠળ ‘રેકોર્ડ’નું કામકાજ પોતાના હાથમાં લીધું, ત્યારે તેમાં પિસ્તાળીસ કામદારો દ્વારા ઠીક-ઠીક ઉત્પાદન થતું હતું. નવા વર્ષની શરૂઆતમાં આર્મિનો પહેલો કોન્ટ્રાક્ટ તેને મળ્યો, તેમાં કોઈ નવાઈની વાત ન હતી. જનરલ શિન્ડલરના યુદ્ધ-સરંજામ વિભાગમાં કામ કરતા, હથિયારો માટેના મુખ્ય બોર્ડના સભ્ય એવા જર્મન ઇજનેરો સાથે તેણે સારા એવા સંબંધો કેળવી લીધા હતા. બધાને એ પોતાની પાર્ટીઓમાં બોલાવતો અને ક્રેકોવિઆ હોટેલમાં ડિનર પર લઈ જતો હતો. મોંઘી હોટેલોમાં સુંદર કપડા પહેરીને આ મહેમાનો ભોજન લેતી વેળાએ ઓસ્કરની સાથે ફોટા પડાવવા કેમેરા સામે જોઈને હળવું સ્મિત આપતા, અને ઓસ્કર પોતાના આ મહેમાનોને પેટ ભરીને જમાડવા તથા શરાબ પીવડાવવાની સગવડ કરી આપતો! એમાંના કેટલાક મહેમાનો, ઓસ્કરની દરખાસ્તો પર યોગ્ય સીક્કા મારી આપતા હતા, તો કોઈ માત્ર મૈત્રીદાવે જનરલ શિન્ડલર પર મહત્વના ભલામણપત્રો લખી આપતા હતા; અને મનોમન એવું માનતા, કે ઓસ્કર પાસે આ પ્લાન્ટ હોવાથી જર્મનોની જરૂરિયાત મુજબ એ ઉત્પાદન કરી આપશે! તો અન્ય કેટલાકને, કોગ્નેક અને કાલિન, ઝવેરાત અને ફરનિચર અને મોંઘીદાટ ખાવાની ચીજો જેવી ભેટ આપવામાં આવતી. આ ઉપરાંત, એક એવી વાત પણ ફરતી થઈ હતી, કે જનરલ શિન્ડલર ઓસ્કરને ઓળખતા હતા, અને પોતાના નામેરી એવા આ એનેમલ-વાસણોના ઉત્પાદક ઉપર તેમના ચાર હાથ હતા! હથિયારો બનાવવાના નફાકારક કોન્ટ્રાક્ટના સહારે મળેલા વિશેષાધિકારોને કારણે ઓસ્કરને હવે તો પોતાના પ્લાન્ટનો વધુ વિકાસ કરવાની પણ છૂટ મળી ગઈ હતી. જગ્યા તો તેની પાસે પહેલેથી હતી જ! ડેફની પરસાળ અને ઓફિસોની આગળ બે વિશાળ ઔદ્યોગિક શેડ હતા. પરસાળમાં થઈને અંદર પ્રવેશ કરીએ એટલે ડાબી બાજુએ એક નાનકડી જગ્યામાં હાલનું ઉત્પાદન થતું હતું. બાકીનું મકાન સાવ ખાલી જ હતું. થોડી સ્થાનિક મશીનરી ખરીદવાની સાથોસાથ ઓસ્કર કેટલાંક મશીનો પોતાના વતનમાંથી લઈ આવ્યો હતો! લશ્કરની જરૂરિયાત સિવાય માથે ઝળુંબી રહેલી  કાળાબજારની માંગણીને પણ એણે પૂરી કરવાની હતી! એ જાણી ગયો હતો, કે ધનાઢ્ય બની શકવાની તક આવી પહોંચી હતી!

૧૯૪૦ના ઉનાળાના મધ્ય સુધીમાં ૨૫૦ પોલિશ કામદારોને રોજી આપવાની સાથે-સાથે, રાતપાળી શરૂ કરવાની નોબત આવી પડવાની હતી! ઝ્વિતાઉ ખાતે આવેલી હેર હાન્સ શિન્ડલરની ખેત-મશીનોની ફેક્ટરીમાં તો ગમે તેવા ભરપૂર કામના સમયે પણ માત્ર પચાસ કામદારો જ રહેતા હતા! જે પિતાને આપણે માફ કર્યા ન હોય, તેમનાથી હરીફાઈમાં આગળ નીકળી જવામાં કેવી મજા આવે! વર્ષ દરમ્યાન એવા દિવસો પણ આવતા હતા, જ્યારે ઇત્ઝાક સ્ટર્ન શિન્ડલરનો સંપર્ક સાધીને, ખાસ કિસ્સા તરીકે કોઈને કોઈ યહૂદી યુવકને નોકરી આપવાની દરખાસ્ત ઓસ્કર પાસે મૂકી દેતો. ક્યારેક લોડ્ઝની કોઈ અનાથ વ્યક્તિને, તો ક્યારેક યહૂદી મંડળના સ્ટોરના કોઈક કારકુનની પુત્રીને! આમને આમ, થોડા મહિનાઓમાં ઓસ્કાર દોઢસો યહૂદી કામદારોને રોજગારી આપી ચૂક્યો હતો, અને તેની ફેક્ટરી ધીમે-ધીમે યહૂદીઓ માટેના આશ્રયસ્થાન તરીકેની પ્રતિષ્ઠા મેળવી રહી હતી!

એ વર્ષે, અને યુદ્ધ પુરું થતા સુધીના આવનારા વર્ષો દરમ્યાન, પોતાની ગણતરી યુદ્ધ માટે આવશ્યક વ્યક્તિ તરીકે થાય એ માટે, એકેએક યહૂદી નોકરીની શોધમાં ફરતો થઈ જવાનો હતો. એપ્રિલમાં ગવર્નર જનરલ ફ્રેંકે, પોતાના પાટનગર ક્રેકોવમાંથી યહૂદીઓને હાંકી કાઢવાનો હુકમ જારી કર્યો. આ નિર્ણય બહુ આશ્ચર્યજનક હતો, કારણ કે જર્મન અધિકારીઓ તો હજુ પણ રોજના દસેક હજાર યહૂદી અને પોલિશ લોકોને પોતે જીતેલા પ્રદેશોમાં ધકેલી રહ્યા હતા. પરંતુ ફ્રેંકે પોતાની કેબિનેટને જણાવ્યા પ્રમાણે, ક્રેકોવની પરિસ્થિતિ બહુ શરમજનક હતી! જર્મન ડિવિઝનલ કમાન્ડરોએ એવા એપાર્ટમેન્ટમાં રહેવું પડતું હતું જેમાં બીજા ભાડૂતો યહૂદી હતા. ફ્રેંકને આની જાણ હતી. ક્રેકોવના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ આ જ પ્રકારની અપમાનજનક પરિસ્થિતિમાં મૂકાવું પડતું હતું. આવતા છ મહિનામાં ક્રેકોવને યહૂદીમુક્ત કરી આપવાનું ફ્રેંકે વચન આપ્યું હતું. માત્ર પાંચ-છ હજાર કુશળ યહૂદી કારીગરોને રાખવાની મંજૂરી તેને મળવાની હતી.

બાકીના બધા યહૂદીઓને જર્મન કબજા હેઠળના, વૉરસો, રેડમ, લ્યૂબિન, કે ઝેસ્ટોઝોવા જેવા અન્ય શહેરોમાં ખસેડી દેવાના હતા. પંદર ઓગસ્ટ પહેલાં યહૂદીઓને સ્વૈચ્છિક રીતે પોતાની પસંદગીના શહેરમાં ચાલ્યા જવાની છૂટ આપવામાં આવી હતી. એ પછી બાકી રહેલા યહૂદીઓને, વહીવટીતંત્રને અનુકુળ એવી કોઈ પણ જગ્યાએ મર્યાદિત સામાન લઈને મોકલી આપવામાં આવવાના હતા. ગવર્નર હેન્સના વાયદા મુજબ, પહેલી નવેમ્બર પછી, ક્રેકોવના જર્મનો માટે ‘શુદ્ધ જર્મન હવા’માં શ્વાસ લેવાનું શક્ય બને તેમ હતું. એ પછી, યહૂદીઓથી ખદબદતા રસ્તા અને ગલીઓ વગરના ક્રેકોવમાં તેઓ મુક્ત રીતે હરી-ફરી શકવાના હતા!.

યહૂદીઓની વસ્તીમાં એકદમ આટલો બધો ઘટાડો કરી નાખવાનું એ વર્ષે તો શક્ય બનવાનું ન હતું; પરંતુ આ યોજના જાહેર થવાની સાથે જ ક્રેકોવના યહૂદીઓમાં, ખાસ કરીને યુવાનોમાં, પોતે કુશળ કારીગર હોવાની યોગ્યતા મેળવી લેવા માટે જોરદાર ધસારો થયો. યહૂદી મંડળના અધિકૃત કે બિનઅધિકૃત દલાલ એવા ઇત્ઝાક સ્ટર્ન જેવા માણસોએ તો, યહૂદીઓ પ્રત્યે જેમને સહાનુભૂતિ હોય, અને મદદ માટે જેમનો સંપર્ક સાધી શકાય તેમ હતું, એવા જર્મનોની એક યાદી પણ તૈયાર રાખી હતી. શિન્ડલરનું નામ એ યાદીમાં સામેલ હતું, એ જ રીતે વિયેનાવાસી જ્યૂલિયસ મેડ્રિટ્ઝનું નામ પણ એ યાદીમાં હતું. થોડા સમય પહેલાં જ જ્યૂલિયસ જર્મન લશ્કરની કેદમાંથી છૂટીને, મિલિટરી યૂનિફોર્મ બનાવતા એક પ્લાન્ટમાં વહીવટકર્તા તરીકે જોડાઈ ગયો હતો.

લશ્કરી કોન્ટ્રાક્ટ મળવાને કારણે થતા ફાયદા અંગે મેડ્રિટ્ઝ જાણતો હતો, અને હવે એ પણ પોજોર્સના પરા વિસ્તારમાં પોતાની યૂનિફૉર્મ ફેક્ટરી ખોલવાનો વિચાર કરી રહ્યો હતો. આગળ જતાં એ શિન્ડલર કરતાં પણ વધારે કમાણી કરવાનો હતો, પરંતુ ૧૯૪૦ના એ અદ્ભુત ઘટનાસભર વર્ષમાં તો એ હજુ પગારદાર નોકર જ હતો. હા, એક પરોપકારી વ્યક્તિ તરીકે એ જાણીતો હતો એટલું ખરું! પહેલી નવેમ્બર ૧૯૪૦ સુધીમાં ત્રેવીસ હજાર યહૂદીઓને સ્વૈચ્છિક રીતે ક્રેકોવની બહાર ખસેડવામાં ફ્રેંક સફળ રહ્યો હતો. એમાંના કેટલાક તો વૉરસો અને લોડ્ઝની નવી વસાહતમાં ચાલ્યા ગયા હતા. કચેરીઓમાં ટેબલો પર જે હદે તેમની ગેરહાજરી વરતાઈ આવતી હતી તેના પરથી, રેલવેસ્ટેશનો પર એમણે ભોગવેલી હાલાકીઓની કલ્પના થઈ શકે તેમ હતી! પરંતુ યહૂદીઓએ બધું જ આજ્ઞાંકિતપણે સ્વીકારી લીધું હતું! એવું માનીને, કે આપણે આટલું કરીશું તો જરૂર જર્મનોની માંગણીઓનો અંત આવી જશે! આ બધું બની રહ્યું છે એની ઓસ્કરને જાણ હતી, પરંતુ યહૂદીઓની માફક તેને પણ એવું લાગ્યું હતું, કે આ બધું થોડા સમય માટે જ આમ રહેશે!

એ વર્ષ ઓસ્કરના જીવનનું અત્યંત મહેનતભર્યું વર્ષ રહ્યું. એક નાદારી નોંધાવેલા કારખાનામાંથી, સરકારી એજન્સીઓ જેને ગંભીરતાપૂર્વક સ્વીકારવા લાગે એવા ઉદ્યોગગૃહનું નિર્માણ કરવામાં તેનું આખું વર્ષ ખર્ચાઈ ગયું હતું. એ વર્ષની મોસમની પહેલી બરફવર્ષા થઈ ત્યારે એક એવી વાત તેના ધ્યાનમાં આવી, જેનાથી એ વ્યથિત થઈ ગયો. આખું વર્ષ એવું બનતું, કે તેની ફેક્ટરીના કર્મચારીઓમાંથી સરેરાશ સાઇઠ કર્મચારીઓ દરરોજ ગેરહાજર રહેતા હતા! સવારે કામ પર આવતી વેળાએ એસએસની ટૂકડીઓ કેટલાક કર્મચારીઓને રસ્તામાં જ રોકી લઈને તેમને રસ્તા પર પડેલો બરફ સાફ કરવાના કામે લગાવી દેતી હતી. શિન્ડલરે પોમોર્સ્કા સ્ટ્રીટમાં આવેલા એસએસના વડામથકે પોતાના મિત્ર ટોફેલને મળીને આ બાબતે ફરીયાદ કરી હતી.

એક દિવસ તો એણે પોતાની ફેક્ટરીમાં એકસો પચીસ લોકો ગેરહાજર રહ્યા હોવાની વાત ટોફેલને જણાવી. ટોફેલે તેને વિશ્વાસમાં લેતાં કહ્યું, “તારે એક વાત સમજવી પડશે, કે અમુક લોકો અહીં તારા ઉત્પાદનને જરાય મહત્વ નથી આપતા! યહૂદીઓ પાસે બરફ સાફ કરાવવાના કામને એ લોકો રાષ્ટ્રીય પ્રાથમિકતા સમજે છે. હું પોતે પણ એ સમજી શકતો નથી, પરંતુ એમને માટે યહૂદીઓ પાસે બરફ સાફ કરાવવાનું મહત્ત્વ, એક ધાર્મિક વિધિ જેટલું વધારે છે! અને તું એકલો નથી, બધા સાથે આ જ થઈ રહ્યું છે!” ઓસ્કરે જ્યારે બીજા લોકો પણ ફરીયાદ કરે છે કે નહીં એ પૂછ્યું, ત્યારે જવાબમાં ટોફેલે હા તો પાડી, પરંતુ તેણે એ પણ જણાવ્યું, કે એસએસની બજેટ અને કન્સ્ટ્રક્શન ઓફિસમાંથી એક મોટો અધિકારી પોમોર્સ્કા ખાતે ભોજન લેવા આવ્યો, ત્યારે તેણે એમ કહ્યું હતું, કે જર્મન રાષ્ટ્રમાં યહૂદી કુશળ કારીગરને સ્થાન આપવાની વાતનો સ્વીકાર કરવો, એ પણ એક રાજદ્રોહ છે! “મને લાગે છે કે તને હજુ તો ઘણી વધારે તકલીફો પડવાની છે, ઓસ્કર…”

પોતે કોઈ જર્મન રાષ્ટ્રવાદી કે પછી નફાખોર વેપારી હોવાનો દેખાવ કરતો ઓસ્કર થોડી વાર માટે બેઠો રહ્યો. “એમણે જો યુદ્ધ જીતવું હશે,” ઓસ્કરે કહ્યું, “તો આવા એસએસ અધિકારીઓને હાંકી કાઢવા જ પડશે.”

“હાંકી કાઢવા પડશે?” ટોફેલે પૂછ્યું. “ઈશ્વરને ખાતર આમ ન બોલ! એ નાલાયક લોકો જ તો આજે ઉચ્ચ કક્ષાએ બેઠા છે!”

આ પ્રકારની વાતચીતોને કારણે, ઓસ્કર એવા વિચારોનો પ્રણેતા બની ગયો, કે ફેક્ટરી માલીકને પોતાના કામદારો પર અબાધિત અધિકાર હોવો જોઈએ, કામદારો પ્લાન્ટ પર પહોંચવા જ જોઈએ અને કામ પર આવતી વેળાએ રસ્તામાં તેમને કોઈ રોકટોક કે હેરાનગતી થવી ન જોઈએ! ઓસ્કરના માનવા મુજબ, ઔદ્યોગિક અને નૈતિક સિદ્ધાંત પ્રમાણે પણ આમ જ થવું જોઈએ. ભવિષ્યમાં પોતાના કારખાના ‘જર્મન એનેમલ ફેબ્રિક (ડેફ)’માં એ આ સિદ્ધાંતનું શબ્દશઃ પાલન કરવાનો હતો.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૬)