દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા 5


તેઓ તૈયાર થયા, પૂજા કરી, યોગ કર્યા, શસ્ત્રોની પૂજા કરી, દેવકી-વાસુદેવના આશીર્વાદ લેવા ગયા. જ્યારે તેઓ દ્રારકામાં હોય ત્યારે તેઓ તેમને મળવા અચૂક જતા. તેઓ હવે વૃધ્ધ થયા હતા પણ નિરોગી હતા. કૃષ્ણ તેમને મળીને પાછા આવ્યા. તેમણે આજે પોતાના કક્ષમાં જ ભોજન લેવાનું નક્કી કર્યુ અને તેમની નવાઇ વચ્ચે તેમનું ભોજન આજે લક્ષ્મણા લઇને આવી. મોટાભાગની રસોઇ  લક્ષ્મણાની સૂચનાથી જ બનતી. તે પાકશાસ્ત્રમાં નિષ્ણાત હતી. તેના હાથની રસોઇ જમનાર ખાયા જ કરે. કૃષ્ણને તેના હાથની રસોઇથી અનેરો લ્હાવો મળતો હતો. લક્ષ્મણાએ તેમને પ્રેમથી જમાડયા. જમાડીને જતાં જતાં કહેતી ગઈ, “તમે આરામ કરી લો, પછી હું આવીશ. મને રુક્ષ્મણી તરફથી સમાચાર મળ્યા છે.” કૃષ્ણ આડા પડી વામકુક્ષીમાં ગરક થઇ ગયા. જાગ્યા ત્યારે તાજગીમાં ઉઠયા, ઘણા દિવસે બપોરે સારી ઊંઘ આવી હતી. હવે તેઓ લક્ષ્મણા સાથે વાત કરવા તૈયાર હતા. તેમણે તેને બોલાવી, તેના આવતા પહેલાં તેમણે સુદામા, નારદ, રુક્ષ્મણી, ઉધ્ધવ અને સત્યભામાને બોલાવી રાખેલા, તેઓ શમ્બને આ બધાથી દૂર જ રાખતા.

થોડીવારમાં લક્ષ્મણા, રૃક્ષ્મણી અને સત્યભામા કક્ષમાં આવ્યા. અને કોઇ જ ઔપચારિકતા વગર લક્ષ્મણાએ સીધો જ સવાલ કર્યો, “શ્વસુરજી ખોટું ન લગાડતા પણ સવાલ પૂછવાનો મારો હક્ક છે. હું તમારી પુત્રવધૂ છું. તમારી પાસે હું મારી મુંઝવણ નહીં કહું તો હું કોને કહીશ?”

કૃષ્ણએ પણ તેને પ્રોત્સાહિત કરતા કહ્યું, “તારો હક્ક છે. હું તારા પિતાશ્રીની ગેરહાજરીમાં તારો પિતા અને શ્વસુર પણ છું. નિસંકોચ કહે આજે તું પણ નિર્ભય થઇને કહે.”

અને લક્ષ્મણાએ નિર્ભય થઇને સીધો જ કૃષ્ણ ઉપર આક્ષેપ કર્યો, “હે શ્વસુરજી, મેં તો શ્રુતિ પાસે સાંભળ્યું છે અને તે સત્ય છે તેવું માની લઉં છું. તમને તો બધી ખબર જ હશે. તમારી હાજરીમાં જ આ બનાવ બનેલો હતો. પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ બાંધ્યું. તમારા કહેવાથી જ રાજસૂર્ય યજ્ઞ થયો, કૌરવોને મહેમાન તરીકે બોલાવ્યા હતા. તેઓ મહેમાન થઇને આવ્યા. યજ્ઞની સમાપ્તિ પછી બધા મહેલ જોવા નીકળ્યા અને મારા પિતાશ્રીનું અપમાન થયું. દ્રૌપદીએ મારા પિતાની હાંસી કરી કહ્યું, ‘આંધળાનો દીકરો આંધળો જ હોય ને!’ તમે ઇન્દ્રપ્રસ્થમાં હાજર હતા. ધૃતરાષ્ટ્ર તો જન્મથી જ અંધ હતા. તેમનો કોઇ વાંક ગુન્હો ખરો? તેમનું અંધત્વ તેમના માતૃશ્રીને આભારી હતું. હસ્તીનાપુરના રાજા ભારતવર્ષના સર્વશ્રેષ્ઠ રાજવંશના માલિક, અને મહેમાન બનીને આવેલા દુર્યોધનનું આટલું મોટું અપમાન? મને લાગે છે કે કુરુક્ષેત્રના યુધ્ધનો પાયો આ શબ્દથી જ નંંખાયો હતો. મારા પિતાશ્રી સમજુ હતા અણસમજુ નહીં. તે પારકા પ્રસંગની મર્યાદા સમજતા હતા. જ્યારે દ્રૌપદીએ તેમનું અપમાન કર્યું, ત્યારે તેઓ તે અપમાનનો જવાબ આપી શકત, તેઓ બળવાન હતા. સેના સાથે લઇને આવ્યા હતા. કાંઇ નહીં તો દ્રૌપદીને બે કડવા વેણ તો કહી જ શક્યા હોત કે તું તો મા-બાપ વગરની છે, તારા મા-બાપનું તો કોઇ નામ જ નથી, અમારું તો કુળ છે. તું તો યજ્ઞમાંથી પેદા કરવામાં આવી છે. તને કેળવણી, સંસ્કાર કે ખાનદાન શું છે તેની તને ખબર જ ન હોય. અને તે વખતે મારા પિતાશ્રી પણ શસ્ત્ર કાઢી શક્યા હોત પણ એક સ્ત્રી સામે તેઓ અપમાન ગળી ગયા. વાંક તમારા બધાનો હતો. ત્યાં તમે, ભીષ્મ પિતા, દ્રૌણ, કૃપાચાર્ય, વિદુર, ધૃતરાષ્ટ્ર, કુંતી, ગંધારી, કૃપાચાર્ય. તેના પાંચ પતિ અને તેમાં સૌથી મોટા તો પોતાની જાતને ધર્મરાજ કહેવડાવતા યુધિષ્ઠિર. તેમાંથી કોઇએ દ્રૌપદીને ઠપકો આપ્યો નહીં. તેને વઢયા પણ નહીં. તેને મારા પિતાશ્રીની માફી માંગવાનું કે ભૂલ સ્વીકારવાનું કહ્યું નહીં અને તમારા સહિત બધા જાણે દ્રૌપદીએ અપમાન કર્યું તેનું સમર્થન કરતા હોય તેમ કશું બોલ્યા નહીં. આમ કેમ ? શ્વસુરજી જવાબ આપો. તમે તો પાંડવોના પથદર્શક હતા. પાંડવોની ઢાલ હતા. દ્રૌપદીના સખા હતા. શું તમારી સોબતમાં તે આવું શીખી? પોતાનાથી મોટા, ઘર આંગણે આવેલા અતિથિનું પોતાના જ ઘરમાં તેમનું અને તેમના પિતાશ્રીનું હડહડતું અપમાન કર્યું. કોઇ કેમ કશું બોલ્યું નહીં? તમારામાંથી કોઇએ પણ તેને ઠપકો આપ્યો હોત તો વાત ત્યાં જ પતી ગઇ હોત. આગળ ના વધત અને સર્વનાશ ન થાત પણ તમે બધા તે ક્ષણ ચૂકી ગયા કે જાણી જોઇને ચૂકી જવા દીધી?”

“..અને શ્વસુરજી સૌથી મોટો વાંક તમારો છે. કારણ કે તમે પ્રસંગની મર્યાદા તોડી હતી. મારા પિતાશ્રીએ નહીં અને તમે બધા તેને ગુન્હેગાર ગણો છે. તેમણે તો પારકો પ્રસંગ સાચવી લીધો જ્યારે તમે તો આગલા દિવસે જ પારકા પ્રસંગના રંગમાં ભંગ કર્યો હતો. તમે શિશુપાલનો વધ કર્યો, તેણે તમને ગોવાળિયા કહ્યા. મામાના હત્યારા કહ્યા, પ્રપંચી, કપટી કહ્યા અને તમે તમારો ગુસ્સો કાબૂમાં રાખી ન શક્યા. તમે તરત જ અપમાનનો બદલો લઇ લીધો. તે તો તમારા ફોઇનો જ દીકરો હતો ને ? છતાં તમે તેને મારી નાખ્યો, તમે તે અપમાનનો બદલો બીજે દિવસે કે પછી પણ લઇ શક્યા હોત અથવા પ્રસંગથી બહાર જઇને લડી શક્યા હોત. પણ આ વધથી ત્યાં હાજર રહેલા રાજાઓને તમે તમારી બીક બતાવવાનો મોકો જવા દેવા માંગતા નહીં હો તે વખતે પણ કોઇએ તમને ઠપકો ન આપ્યો અને રોક્યા કે ટોક્યા નહીં.

ત્યાં હાજર રાજાઓ તો તમારી વિરુદ્ધમાં હતા. ત્યાં જ યુધ્ધ કરી શકત પણ તેઓે પણ યજ્ઞામાં હાડકાં નાખવા આવ્યા ન હતા. તેઓ તમારા કરતાં સમજુ હતા માટે ચૂપ રહ્યા. આ બધા પ્રસંગ પછી પણ ન તો દ્રૌપદીને કોઇએ ઠપકો આપ્યો કે ન કોઇએ તેને સમજાવી. પુરુષ આખરે પુરુષ છે. તમે પણ પુરુષ છો. તમે તો તમારા અપમાનનો બદલો લઇ લીધો, મારા પિતાશ્રીએ કોઇ બદલો ન લીધો તેનો તેમને વસવસો રહ્યો હશે, ક્ષત્રિયકુળમાં અપમાનનો બદલો અપમાનથી લેવાનો હોય?

અંબાલિકાએ પણ ભીષ્મ સામે બદલો લીધો, તમે લીધો, પરશુરામે કર્ણ સામે લીધો. અને મારા પિતાશ્રીએ લીધો તે અધર્મ? તમે બધાએ લીધો તે ધર્મ? અને મને ધર્મની વ્યાખ્યા તો સમજાવો. એક કુળની મિલકતનો પ્રશ્ન, વહેંચણીનો પ્રશ્ન. એકને થોડું વધારે મળે ત્યારે બીજાને થોડો અસંતોષ થાય જ. આ પૃથ્વીની પ્રણાલિકા છે. જે વૃક્ષ ફળ આપે છે તેને કોઇ દિવસ તેનો સ્વાદ કેવો હોય તે ખબર હોતી નથી, શું આ તેને અન્યાય થયો ગણાય? પોતે તડકો વેઠી બીજાને છાંયડો આપે તો તે અધર્મ કહેવાય? જેના નસીબમાં જે હોય તે મળે. દ્રૌપદીને પરણવું હતું તમારી સાથે અને પરણવું પડયું પાંચ પતિને, તેનું નસીબ. હું તો કહેવાતા અધર્મી પિતાની પુત્રી પણ આર્યાવર્તના સર્વશ્રેષ્ઠ કૃષ્ણ વાસુદેવના કુટુંબમાં પરણી, આ પણ નસીબના જ ખેલ ગણાય ને? તમારે ૮ – ૮ પત્ની, બીજી સેંકડો પ્રેમિકા છતાં તમે બ્રહ્મચારી ગણાઓ. શું આ જ ધર્મ? અને તમે કહો તે ધર્મ, બીજા કહે તે નહીં, તમારી ધર્મની વ્યાખ્યા શું? હવે તો તમે પાનખરના કિનારે આવ્યા છો. શ્વસુરજી આજે મને ધર્મનું દિવ્યજ્ઞાન આપો, મારી આંખ ઉઘાડો, હું ર્ધાર્મિક થવા માંગું છું. હું પણ ધર્મના માર્ગ પર ચાલવા માંગું છું. આજથી હું તમારી પુત્રવધૂ નહીં તમારી શિષ્યા, તમે મને જ્ઞાન આપો, મને બોધ આપો, હું પણ વૈકુંઠ જવા માંગું છું. હું પણ મારી ૭૧ પેઢી તારવા માંગું છું. પિતૃપક્ષ અને શ્વસુર પક્ષ બંને બાજુથી.”

તે હાંફતી હતી, હાંફતા હાંફતા તે ધ્રૂસ્કે ચઢી ગઇ, વાતાવરણમાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. કૃષ્ણ અવાચક થઇ ગયા. સુદામા આઘાતથી મૂઢ થઇ ગયા, નારદ કશું બોલી ના શક્યા. આ પ્રસંગ, રુક્ષ્મણી અને ઉધ્ધવની હાજરીમાં બન્યો હતો. તેઓ પણ ચૂપ રહ્યા, લક્ષ્મણાની વાત મહદ અંશે સાચી લાગતી હતી. જો દ્રૌપદીએ તે દિવસે લક્ષ્મણાના પિતા દુર્યોધનનું અપમાન ન કર્યું હોત તો આ સર્વનાશ થાત જ નહીં કોઇ મૂળ સુધી જવા તૈયાર નહોતું. લક્ષ્મણા મૂળ સુધી ગઇ, રૃક્ષ્મણીને તેની વાતમાં તથ્ય લાગ્યું. આજે લક્ષ્મણા જ્વાળામુખી બનીને પ્રગટી હતી. તેનો આક્રોશ સાચો હતો. તેની પાસે તેના સવાલોનો કોઇ જવાબ નહોતો. કૃષ્ણ પણ અવાચક થઇને સાંભળ્યા કરતા હતા. તે પણ ચક્કરમાં પડી ગયા. આજ સુધી લક્ષ્મણા પોતાને ત્યાં આવ્યા પછી કશું જ બોલી નહોતી અને આજે તેણે આખું પ્રકરણ ખોલી કાઢયું. શું તે એટલી બધી વિચક્ષણ હતી કે તેના તેનો તર્ક-વિતર્ક અને તેના સવાલોનો તેમની પાસે જવાબ નહોતો?

થોડી ક્ષણ બધા ચૂપ રહ્યા, લક્ષ્મણાએ આગળ ચલાવ્યું.

“શ્વસુરજી મને માફ કરશો, મારા માટે તમે શ્વસુર છો. તમારા સૂરમાં મારો સૂર, અને રુક્ષ્મણી તરફ જોતાં બોલી, તમે મારા સાસુ છો, એટલે તમે મારા પ્રાણવાયુ છો. તમારા વગર હું અધૂરી, તમારા પુત્ર સાથે જ હું પૂર્ણ થાઉં. મારે પણ તમારા પુત્ર થકી ૧૦ પુત્ર-પુત્રી છે, મારે તેમને સંસ્કાર આપવાના છે, ઠેકાણે પાડવાના છે. કુળવાન બનાવવાના છે. સમાજમાં સ્થાપિત કરવાના છે. તમારા કુળમાં આવી માટે મારી ઓળખ ઢંકાઇ ગઇ. નહીં તો હું દુષ્ટ, અધર્મી, મિલ્કત પચાવી પાડનારની દીકરી તરીકે ખપી ગઇ હોત, ના પણ હું આજે ખુમારીથી કહું છું કે હું દુર્યોધનની પુત્રી છું. મને મારા પિતાશ્રી ઉપર ગૌરવ છે. માન છે. હું અબળા નથી, સબળા છું. તમારો પુત્ર મારું અપહરણ કરી લઇ આવ્યો, મને પણ તેના તોફાન ગમ્યા, મેં તેમને સ્વીકારી લીધા. જો તે મને ન ગમતા હોત તો હું પાછી જતી રહેત. પણ આ વંશે મને સન્માન આપ્યું. હવે આ જ વંશનો આશરો લઇ હું મારા પિતાશ્રીને ન્યાય અપાવવા માગું છું.”

ફરીથી તે હાંફી ગઇ હતી. ચારેમાંથી કોઇ કશું બોલી શકે તેમ નહતું, તેમની પાસે કોઇ ઉત્તર જ  નહોતો.

– પ્રકાશ પંડ્યા

આદરણીય પ્રકાશભાઈ પંડ્યા ગયા અઠવાડીયે અક્ષર:સ્થ થયા, તેમના પુસ્તક ‘હવે તો ઉત્તર આપો કૃષ્ણ – દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો’ પુસ્તકનો આ ભાગ અક્ષરનાદ પર મૂકવાની ચર્ચા તેમના અવસાનના આગલા દિવસે જ થઈ હતી. આજે તેમના જ સર્જન થકી તેમને શ્રદ્ધાંંજલી આપી રહ્યા છીએ ત્યારે પુસ્તક વિશેની, કૃષ્ણ અને અન્ય પાત્રો વિશેની અનેક ચર્ચાઓ પણ હવે અધૂરી જ રહી જવાની. ઈશ્વર તેમના આત્માને શાંંતિ આપે એ જ પ્રાર્થના.. આ આખું પુસ્તક અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાંથી નિ:શુલ્ક ડાઊનલોડ કરી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા