આદ્યકવિઓના પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૧) 7


૧. મેહુલો ગાજે ને માધવ નાચે.. – નરસિંહ મહેતા

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાએ ઘૂઘરડી રે;
તાલ પખાજ વજાડે રે ગોપી,
કૃષ્ણ વજાડે વેણ વાંસલડી રે. મેહુલો..

પેહેરણ ચરણાં ને ચીર ચુંદડી,
ઓઢણ આછી લોમલડી રે;
દાદુર મોર બપૈયા બોલે
મધુરીશી બોલે કોયલડી રે. મેહુલો..

ધન વંસીવટ ધન જમનાતટ,
ધન વૃન્દાવનમાં અવતાર રે;
ધન નરસૈંયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે. મેહુલો..

– નરસિંહ મહેતા

૨. બોલે ઝીણાં મોર.. – મીરાં

બોલે ઝીણા મોર
રાધે તારા ડુંગરિયા પર
બોલે ઝીણા મોર. રાધે.

મોર હી બોલે, બપૈયા હી બોલે,
કોયલ કરે કલશોર. રાધે.

કાલી બદરિયાંમેં બીજલી ચમકે
મેઘ હુવા ઘનઘોર. રાધે.

ઝરમર ઝરમર મેહુલો વરસે,
ભીંજે મારા સાલુડાની કોર. રાધે.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રભુજી મારા ચિતડાનો ચોર. રાધે.

– મીરાં

૩. હરિ સંગ છે હેત ઘણેરાં.. – લોકગીત

શ્રાવણ મહિને તે વહાલો સંદેશો મોકલે ને
ઝરમર વરસે છે ઝીણા મેઘ
હરિ સંગ, હરિ સંગ હેત છે ઘણેરા નંદલાલ.

આવો ને કાનજી, આવો કરસનજી,
વાટડિયું તમારી જોવાય… હરિ સંગ.

ગામ ન જાણું ને, નામ ન જાણું,
કેમ કરી આવું તારી પાસ.. હરિ સંગ.

ગામ ગોકુળિયું ને નામ છે રાધા
રોજ રોજ તું ને કાન.. હરિ સંગ.

વારે વારે વહાલાને સંદેશો મોકલે રે
ઝરમર વરસે છે ઝીણા મેઘ
હરિ સંગ હેત છે ઘણેરાં નંદલાલ.

– લોકગીત

૪. ઝીણા ઝીણા વરસે… – ન્હાનાલાલ કવિ

ઝીણા ઝીણા વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી;
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા
ભીંજે રસિક કોઈ બાલા રે;
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે;
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં;
હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગના પડછન્દા રે;
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હો! ભીંજે મારી ચૂંદલડી.

– ન્હાનાલાલ કવિ

૫. વર્ષામંગલ.. – કૃષ્ણલાલ મો. શ્રીધરાણી

અંધારી રાતમાં વાદળી ટબૂકે
માંહી માંહી વીજળી વાંકી વળે,
ટાઢા શરીરના એકલ આવાસમાં
ઉરની પારેવડી આજ કકળે.

ફાટ ફાટ થતાં સામાં સરોવર
નદીઓનાં નીરમાં ધોધવા દડે;
દિલના દરિયાવની માઝા મુકાણી
કોળ્યાં કદંબ બે હેલે ચડે!

આજ અભિસાર શો વર્ષાએ આદર્યો
વાદળે વાદળે પગ આથડે;
અંગ અંગમાંથી ઉઠે અવાજ શો
અંતરના બેટમાં પડઘા પડે.

પાંદડે પાંદડે વિજોગની વાતડી,
નેવલે નેવલે આંસુ ઢળે!
ઊંચેરા ગોખમાં વેણી સમારતી,
મનડાનું માનવી ક્યારે મળે?

– કૃષ્ણલાલ મો. શ્રીધરાણી

આપણા આદ્યકવિઓ જેવા કે નરસિંહ મહેતા, મીરાંબાઈ, ન્હાનાલાલ કવિ અને કૃષ્ણલાલ શ્રીધરાણીના વર્ષાકાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ વર્ષાકાવ્યોના વરસાદમાં સૌને રસતરબોળ કરવાનો પ્રયત્ન હજુ આગળ વધવાનો છે જે અંતર્ગત વધુ કાવ્યો મૂકાવાના છે. બે દિવસના વડોદરાના મુકામ દરમ્યાન વરસાદને મન ભરીને માણ્યો, શરીર પલળ્યું, મન પલળ્યું તો થયું વેબવિશ્વને પણ વર્ષાકાવ્યોના વરસાદમાં તરબોળીએ…


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 thoughts on “આદ્યકવિઓના પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૧)