નરસિઁહ મહેતાનાં જીવન કવન વિષયક પદો – તરુણ મહેતા (Audiocast) 13


અગાઊ આપણે નરસિંહ મહેતા વિષયક કૃતિમાં તેમના સાહિત્ય વિશે જોયું છે, જેમાં તેમના જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો વિશે વાત કરી હતી. આજે આપણે તેમના જીવન કવન વિષયક પદો વિશે વાત કરીશું.

લગભગ સાડા પાંચસો વરસ પહેલા જન્મેલાં નરસિંહ આજે પણ જુદા જુદા સ્વરૂપે આપણી વચ્ચે દેખાતા રહ્યા છે. એવું તે શું તત્વ એના જીવન સાથે જોડાઈ ગયું? આટલા વર્ષો પછી પણ નરસિંહને આજે કવિ તરીકે પ્રબળ રૂપમાં તે આપણી સામે વિદ્યમાન છે.

નરસિંહનો જીવનકાળ તો ધૂંધળો છે અને એ અંધાધૂંધીના સમયમાં બાલ્યકાળથી પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા નરસિંહને ઉર્મિશીલ હ્રદયની ભેટ ભગવાન તરફથી મળેલી અને તેથી જ તેઓ ભક્તિના માર્ગે વળ્યા. પછી તો તેમનું ઊર્મિશીલ હ્રદય ભક્તિની જ્યોત વહાવતું રહ્યું. તેમના પદો, પ્રભાતીયાં, કવિતા-પંક્તિમાં મૂકાયેલ શબ્દો માત્ર નરસિંહના જીવનને જ અંકિત કરતા નથી, પરંતુ માનવજાતને સ્પર્શી શકે એટલાં પ્રબળ છે. નરસિંહના જીવનમાં ઘણી કસોટીઓ થઈ છે, આજ પર્યન્ત તેના પદો લોકભોગ્ય બન્યા છે, એની કાવ્યપ્રતિભાના બળે આજ સુધી નરસિંહ મહેતા ટકી રહ્યા છે. તેમની કાવ્યરચનાઓ અર્થસભર, ભાવસભર અને વૈવિધ્યસભર રહી છે. અને એક વાત નોંધવી જોઈએ કે નરસિંહના કાળમાં તળાજાનો વિસ્તાર જે કાંઠાળ વિસ્તાર હતો જ્યાં ગુજરાતી ભાષા તો હતી પરંતુ શુદ્ધ ગુજરાતી તો નહોતી જ. આજે પણ શહેરની ગુજરાતી અને ગામડાની ગુજરાતી ભાષા વચ્ચે ફેર જોઈ શકાય છે. નરસિંહની કવિતામાં સમયાંતરે સુધારાઓ થતાં ગયાં છે પણ તેની ભાવની સચ્ચાઈ એની એ જ રહી છે. એક પદમાં શ્રીકૃષ્ણને એની જિંદગીનું સમર્પણ કર્યું છે અને હારમાળાનો પ્રસંગ ૧૫૫૨ના અરસામાં બન્યો હશે. નરસિંહ નજર કેદ છે, પુત્રી કુંવરબાઈ મળવા આવે છે એને જોઈ નરસિંહને દુઃખ થાય છે ત્યારે તે બોલી ઉઠે છે –

“કુંવર લાડલી તમે સાસરે સિધાવો ને,
થતાં પ્રભાત મારશે તાત, નૃપ કરશે જરૂર ઘાત.”

બીજી બાજુ વ્યથિત નરસિંહ કૃષ્ણ તરફ થોડો ગુસ્સો પણ કરે છે અને ઠપકો પણ આપે છે,

“પ્રાણ જાશે તોય અવરને નહીં ભજું,
હઠીલાને કહું હાથ જોડી
તારે તો સેવક કોટી છે શામળા
મારે તો એક જ આશ તારી.”

ભરનિંદ્રામાં પોઢેલા કૃષ્ણ અજાણ છે ત્યારે નરસિંહ કંટાળીને તેને કહે છે,

“ઊઠ કમલાપતિ, કાં હજી સૂઈ રહ્યો?
આજ શ્યામા તણી સેજ ભાવી.”

અહીં નરસિંહનો કૃષ્ણ પ્રત્યેનો મિત્રભાવ પ્રગટ થાય છે. ઈશ્વરની સાથે મુખોમુખ થઈને વાત કરતા હોય તેમ ભરનિંદ્રામાં પોઢેલા શ્રીકૃષ્ણને હચમચાવી મૂકે છે. શ્રીકૃષ્ણ સ્વયં મહેતાનું સ્વરૂપ ધારણ કરી, મધરાતે વેપારીના દ્વાર ખખડાવે, કેદાર રાગ ગિરોએ મૂકેલો એ છોડાવે અને મહેતાને જાણ કરે છે. ટેકીલા અને વચનબદ્ધ મહેતાએ જાણ્યું કે વચનમુક્ત થયાં છે એથી પરોઢિયે કેદાર રાગ ગાય છે. એ સમયે હાજર રહેલા પરિક્ષકો મૂર્છિત થઈ જાય છે અને હાર મહેતાને હાથોહાથ મળે છે.

આવા તો નરસિંહના જીવનમાં અનેક પ્રસંગો બન્યા છે, એ સામાન્ય માનવીને ચમત્કાર લાગે એમાં કોઈ નવાઈ નથી. પરંતુ નરસિંહનું બિંદુ ભક્તનું બિંદુ છે, નરસિંહે દરેક પદમાં નિજ અનુભવને ખપમાં લીધો છે તે ઉડીને આંખે વળગે છે. કેટલીક પંક્તિઓ જોઈએ –

“જે ગમે જગદગુરૂ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે
અંતરે એક ઉદવેગ ધરવો.

નિપજે નીરથી તો કંઈ નવ રહે
શત્રુ મટીને સહુ મિત્ર રાખે

જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું
તેહને તે સમે તે જ પહોંચે”

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે, તેને પૂજે.

ભાગ્યમાં માનનાર નરસિંહ પ્રારબ્ધવાદી છે. ગ્રંથકારોની ગરબડથી પર જઈને જે સત્ય રજૂ કરી શક્યા નથી તે સત્ય નરસિંહ રજૂ કરે છે. મહેતાજીએ દક્ષિણમાં પૂર્વે રહેતા દ્રવિડોની પ્રથા, રીતરિવાજો વગેરેનો ખ્યાલ આપ્યો છે. અહીં લોકો વૃક્ષને, સર્પને વગેરેને પૂજતા હતાં આમ પ્રકૃતિ ઈશ્વરના સ્વરૂપમાં આવતી હતી અને અનુભૂતિમાં જે સચ્ચાઈ છે તે કવિતામાં આવતી હતી.

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી
જૂજવે રૂપે અનંત ભાસે..”

કહેનાર નરસિંહ એ જ રચનામાં કહે છે

“-દેહમાં દેહ તું, દેવમાં દેવ તું
જોઉં પટંતરો એજ પાસે.”

મહેતાજીનો એવો ભાવ છે કે તેઓ પોતે કોઈ તીર્થયાત્રામાં ગયા નથી કારણકે તેમને તીર્થની જરૂર નહોતી, તેમનો શબ્દ તીર્થસ્વરૂપી હતો. અને તીર્થ સ્વરૂપી શબ્દએજ તેમને તેમના જીવનના રહસ્યો સાથે રૂબરૂ કર્યા હતાં, તેથી તેઓ કહે છે,

“શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે,
પંડિતા પાર પાયો ન પોથે.”

પોથીના જ્ઞાનને તેમણે ભક્તિ કરતાં ચડિયાતાં ક્યારેય ગણ્યા નથી અને એ જ નરસિંહ પાછા એક કવિતામાં એમ કહે –

“જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી.”

એક વખત “પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર” બીજી જગ્યાએ આત્મતત્વની વાત કહેનાર નરસિંહ જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરનાર છે. જીવનના એક સત્યને આપણી સામે તે પ્રગટ કરે છે. તે સત્ય હતું કર્તવ્યપરાયણતાનું. માણેકબાઈના અવસાન પછી છડેચોક વૈષ્ણવ ધર્મ અપનાવી અને માણેકબાઈના પ્રભુત્વને જીવનમાં સ્વીકારનાર નરસિંહને જ્ઞાતિપ્રથા તરફ તો એક સૂગ જ રહી છે. એના કાળમાં વર્ણભેદ અને કોમભેદની તેણે પરવા નથી કરી એટલે જ એ યોગ અને સાધનાને પ્રબળ ગણે છે. યોગ એટલે ઉંધા માથે તપ કરવું એવું નહીં, પણ સમજી વિચારીને કાર્ય કરવું એ યોગ છે – એકાગ્રતાથી કર્મ – ભક્તિ – જ્ઞાનનો સમન્વય કરી, સ્વાર્થપરાયણતા છોડી કૃષ્ણના દર્શન કરે એ જ એના મન યોગ હતો. આ યોગની પ્રબળતાને લઈને નરસિંહે રચનાઓ આપી છે.

એ જ નરસિંહ ઘરેથી નીકળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રહીને રાસલીલાના દર્શન કરે છે. ‘આપને પ્રિય હોય તે આપો’ એમ કહે ત્યારે એને રૂબરૂ રાસલીલા મળે છે એ જ સમયે સાચો વૈષ્ણવ આપણને પ્રસિદ્ધ પદ આપે છે,

‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’

આમ સુકુમાર લાગણીથી માંડીને ભવ્યભાવો સુધી નરસિંહની પદયાત્રા ઘડાય છે. એક તો એનો માંહ્યલો ઝંકૃત થઈ ગયો હતો અને અસ્તિત્વને અનુપ્રાણિત કરી રહેલ આ માણસ એક વખત જ્ઞાન, વૈરાગ્ય, વેદાંત વગેરેની નિસર્ગલીલાનું અદભુત દર્શન કરાવતા ગાઈ ઉઠે છે –

“હરીના જન તો મુક્તિ ન માંગે
માંગે જનમ જનમ અવતાર રે,
નિત સેવા નિત કીર્તન ઓચ્છવ
નિરખવા નંદ કુમારને..”

અથવા

“આપણે આપણા ધર્મ સંભાળવા
કર્મની ભાળ તો કર્મ લેશે”

એજ ભાવને સાંખ્ય પદોમાં રજૂ કરતા કહે છે –

“તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો?
વગર સમજ્યે કરે મારું મારું
એહ તારી નથી જોતું જુગતે કરી
રાખતા નવ રહે નિશ્ચે જાયે.”

પછી એને કશું મેળવવાનું બાકી નથી. પરમતત્વને મેળવ્યા પછી ખોબલે ખોબલે એ રસ પીવે છે અને ઘટક ઘટક અનુભૂતિ કરતો નરસિંહ એમ કહે છે –

“એ રસનો સ્વાદ જાણે શંકર
કે જાણે શુક જોગી
કૈંક જાણે વ્રજની ગોપી
જાણે નરસૈંયો ભોગી રે”

આમ શંકરથી લઈ પોતાના સુધીની ભક્તિની યાત્રા કૃષ્ણના રસમાં તરબોળ કરી છે એ જ નરસૈંયો એક જગ્યાએ એમ કહે છે

“વટલ્યો રે નાગર નરસૈંયો
એઠું આહિરનું ખાધું રે
વર સઘળા છોડીને
અમરત કસોળુ પીધું રે”

એ જ નરસિંહને નિરાકાર બ્રહ્મના દર્શન થાય ત્યારે અનુભૂતિની સચ્ચાઈ આવી રીતે પ્રગટ થાય –

“ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં, અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી.”

આમ કૃષ્ણની બાળ છબીને સોનાના પારણામાં ઝૂલાવનાર નરસિંહે ગીતાના ૧૫માં અધ્યાયમાં પૂર્ણ અનુભૂતિ કરી છે, એ જ નારાયણના નામનો મહિમા કરી ચરમસીમાએ ભક્તિને પહોંચાડી અંતમાં એવું કહે છે –

“જે ગમે જગદગુરૂ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે
ઉદરે એક ઉદ્વેગ ધરવો.”

એ જ નરસિંહ લોકલયમાં જે ગીતો લખે છે તેમાં ગુજરાતી ભાષાને લોકલય – ગુજરાતી ગીતોનો ભવ્ય વારસો મળે છે,

“નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડ્ડી ખોવાણી, કાના જડી હોય તો આપ….”

એ ગીતના મૂળ

– “મારા ભોળા મહાદેવ, હોંશિલાને કાજ મેં તો ભાંગ વાવી સઈ….” માંથી
તો ક્યારેક
– “વ્હાલા મારા વૃંદાવનને ચોક જો વહેલા પધારજો રે લોલ”
એમ કહી કૃષ્ણને સાદ પાડી બોલાવતો નરસિંહ આપણા લોકગીતોની પરંપરામાં
– “ગરબો કોણે કોરાવ્યો નાગર નંદજીના લાલ” એ ગીતમાં જોવા મળે છે

નરસિંહ જે વાત કરે છે એ એક ભક્તની છે, તે કહે છે

“સસોવર પાણીડા હું ગઈ, વાલો ભરે ન ભરવાદે રે માઈ
બિન પયોધર ગ્રહ રહ્યો, અધર રસ મધુરો લેવા રે મઈ”

નરસિંહે એક તો સગુણ સાકાર અને સમાંતરે નિર્ગુણ નિરાકારની ઉપાસનાની વાત કરી છે.

બત્તી વિણ તેલ વિણ સૂત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દીવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણજિવ્હાએ રસ સરસ પીવો

નરસિંહની કવિતાને આપણે પ્રેમ અને ભક્તિની ધારાથી જોવી રહી. જ્ઞાની નરસિંહ નથી, એ તો ભક્ત છે. એ ભગવાનની સામે અધિકારપૂર્વક જઈ તેમના સ્વરૂપનું વર્ણન કરે છે. નરસિંહને કૃષ્ણ તરફ અપાર ભક્તિ અને અનન્ય શ્રદ્ધા છે. તે સમગ્રભાવે કૃષ્ણને સમર્પિત છે અને આ સમર્પિતભાવ જ તેમને એવું કહેવાને પ્રેરે છે –

“ચાલો ચાલો સખી રે જોવાને જઈએ,
શ્રી ગોકુળમાં આંબો મોરીયો રે.”

આમ અશ્વત્થને બદલે આંબો શબ્દપ્રયોગ કરનાર નરસિંહ એક નવો શબ્દ લાવનાર પહેલો કવિ છે. અને એ વાતને સગુણ ભક્તિને પ્રેરિત કરતાં કહે છે –

“આજનો દિન રળીયામણો રે
ત્યાં પ્રગટ્યા દેવ મુરારિ રે.”

વધાઈ આપતા કહે છે –

“જશોદાના આંગણિયે રે સુંદર શોભા દિસે,
આજુ આનંદ નંદ આંગણે, મનાનીયા મંગળ ગાવે રે
પારણે પોઢ્યા પુરુષોત્તમ
માતાજીને હરખ ન માય.

ક્યારેક એ એમ પણ કહે,

નંદ આંગણે નિર્ઘોષ વાગે
પંચશબ્દનો ગુરુ નાદ સંભળાય.

આ પાંચ શબ્દ કયા? નરસિંહને પૂછવાનું મન થાય, નંદરાય, યશોદા, ગોપ, સવત્સધેનુઓ, વૃક્ષવેલી, યમુનાજી, ગોકુળ સમેત સૌનો આનંદ નરસિંહની લીલામાં આવે જાણે આપણને એમ લાગે કે નરસિંહ સંજય દ્રષ્ટિથી કહે છે કે આ નિહાળો. એકતો ઝંખના અને બીજી લગન – આ બંનેને લઈને અવિભાજ્ય એવા કાનકુંવરની ગોપીઓની સાથે રાસલીલાની શૃંગાર ભક્તિના પદોમાં પણ નરસિંહે આપણને રસતરબોળ કર્યા છે એ રીતે કૃષ્ણના પદને આલેખતા લખ્યું છે –

ચાલો સખી વૃંદાવન જઈએ રે
ગોવિંદ ખેલે હોરી રે…

આમ હોળીના પદો પણ લખ્યા છે. જીવનના એક એક પ્રસંગને લઈ કૃષ્ણ સાથે ઘટનાને જોડી છે અને કૃષ્ણ હોય ત્યાં ભગવદગીતા ન હોય તેવું તો બને જ નહી. નરસિંહમાં એ વાત આવ્યા જ કરે છે –

કામ ક્રોધ મદ મોહ નસાવન જ્ઞાન વિવેક વિરાગ બઢાવન
સાદર સજ્જન પાન કિયે તે મિટહી તાપ પાપ હીય હીકે.

એ ચોપાઈને ભગવદગીતાના ભાવમાં લઈ પદમાં મૂકે છે –

મોહ માયા વ્યાપે નહીં જેને,
દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામ શું તાળી રે લાગી,
સકળ તીરથ તેના મનમાં રે.

તો ‘હરિ વ્યાપક સર્વત્ર સમાના’ ની ભાવનાને એ એમ લખે છે –

“આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું ત્રિકમા
એક તું, એક તું, એક પોતે.”

અને

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી
ઝૂઝવે રૂપે અનંત ભાસે.”

અને નરસિંહના ઘણાં પદોમાં વેદતત્વનો સાર રહ્યો છે. વેદની વાતને ન સમજી શકનાર ગ્રામીણ પ્રજાની સામે નરસિંહ સુંદર બાની દ્વારા પોતાની વાત મૂકે છે –

“અકળ અવિનાશી તે નવ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે માલ્યો,

જગતની અંદર રાત્રી સ્વરૂપી અંધકાર છે અજ્ઞાનનો એને જ્ઞાનના પ્રકાશથી દૂર કરતાં નરસિંહ કહે છે

“રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી,
સાધુ પુરુષને સૂઈ ન રહેવું.
નિંદ્રાને પરહરી, સમરવા શ્રીહરિ
એક તું, એક તું, એમ કહેવું.
જોગિયા હોય તેને જોગ સંભાળવા
ભોગિયા હોય તેને ભોગ ત્યજવા,
વર્ણના ધર્મને કર્મ કરવા રહ્યા
મર્મ જાણ્યો ત્યારે ખરો જાણ્યો.”

આમ ભ્રમને ભાંગી નરસિંહ આપણને દર્શન કરાવે છે કૃષ્ણનું –

નંદના નંદ શું નેહ જેણે નહીં
તે રે માનવ ખર શ્વાન તોલ

અંતમાં નરસિંહ ભક્ત પરાયણ ભાવથી કહે છે – જેની આંખોએ નંદકુંવરને જોયા નથી તેની આંખો કે તેનું જીવન પશુ સમાન છે, પ્રેમભક્તિના રસ દ્વારા જ્ઞાનમિશ્રિત પ્રેમને લઈ અવિરત પ્રેમની ધારા વહાવનાર આ અદ્ભુત કવિ વિશે વધુ તો શું કહીએ?

– તરૂણ મહેતા

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ પૂર્વે એક લેખ પ્રસ્તુત થયેલો, આજની પ્રસ્તુતિ એ જ શૃંખલાની બીજી કડી છે. આ વિસ્તૃત લેખ એક સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટનો બીજો ભાગ…. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત નરસિંહ મહેતાના સર્જન વિશે.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “નરસિઁહ મહેતાનાં જીવન કવન વિષયક પદો – તરુણ મહેતા (Audiocast)

 • નિલય પરીખ

  સુંદર. નરસિંહ મહેતા એ માત્ર એક ભજન માં જ સંપૂર્ણ વેદો નો સાર આપ્યો હતો. અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરી,

  http://om-tat-sat.com/%E0%AA%85%E0%AA%96%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A4%E0%AB%81%E0%AA%82/

  મેં આ મારા બ્લોગ પોસ્ટ માં એની પર ટીપ્પણી કરવાનો પ્રયત્ન કર્યો છે.

 • shailesh

  ખુબ સુન્દર રહ્યુ ….તરુન્ભૈ ……નર્શિહ મહેતા અન્ત સમયે માગરોલ ગયા હતા……આ શન્શોધન નો વિશય ……

 • vimala

  જ્ઞાની ભક્ત નરસિંહ મહેતા ને કોટિ-કોટિ પ્રણામ . તરુણ ભાઈનું રસપ્રદ વિવેચન અને સ્પષ્ટ અવાજ… હ્રુદય સ્પર્શી…..આભર એમનો અને અક્ષરનાદનો….

 • અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી

  નરસિંહ મહેતા નું રસપ્રદ વિવેચન કરેલ છે અને નરસિંહ ને જ્ઞાની શા માટે ના લેખતા ફક્ત ભક્ત કહ્યા છે ?તે કદાચ સમજાય નહિ ? પરંતુ એ હકીકત છે કે ભક્ત ની પરિભાષા એવી છે કે જ્યાં શરણાગતિ સ્વીકારવામાં આવે છે ત્યારે શરણાગત માટે જ્ઞાનપદની કોઇજ આવશ્યકતા કે જરૂર નથી …

 • અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી

  નરસિંહ મહેતા નું રસપ્રદ વિવેચન કરેલ છે અને નરસિંહ ને જ્ઞાની શા માટે ના લેખતા ભક્ત કહ્યો છે તે સમજાયું નહિ ? પરંતુ એ હકીકત છે કે ભક્ત ની પરિભાષા એવી છે કે ત્યાં શરણાગતિ આવે છે અને જ્યારે શરણાગત બનીએ ત્યારે જ્ઞાની પદની કોઇજ જરૂર નથી …

 • PRAFUL SHAH

  BESTCOMPLIMENTS TARUNBHAI,
  WE HAD A BEST KAVI, BHAKTA AND PHILOSOPHER AND WHAT NOT, YET WE ARE WONDERING HERE AND THERE ..IN HIM WE CAN FIND EVERYTHINTALL KNOWLEDGE FROM VED, GEETA AND MODERN. HIS VAISNAVJAN
  IS ENOUGH IF PUT IN LIFE..GREAT JOB DONE.
  THANKS AND XONGRATILATIONS TO ALL ..

 • Jigar Shah

  NARSIH MEHTA BHAKTIMARG NA PARAM GNYANWAN CHHE PRATEYK KAVITA GNYAN NU UCCHATAM SHIKHAR ANE DIL SPARSHIJAY CHHE TARUNBHAI KHUBAJ SUNDAR PRAYAS KARYO CHHE DHANYAWAD

 • સુભાષ પટેલ

  તરુણભાઇએ એકદમ રસપ્રદ રીતે વિવેચન કર્યું છે અને લખતાં પહેલાં ઘણું વિચારમંથન કર્યુ હોય તેમ લાગે છે. પણ એક વાક્ય “જ્ઞાની નરસિંહ નથી, એ તો ભક્ત છે”. તે બરાબર સમજાયું નહિં. નરસિંહના પદો ભક્તિની સાથે સાથે જ્ઞાનનું ઘણું જ દર્શન કરાવે છે.

 • hardik

  નરસિંહ ભગત- અદ્દભુત અદ્વીતીય વ્યક્તિત્વ્.. શત શત પ્રણામ