નરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) – તરૂણ મહેતા 10


narsinh mehta of talajaગુજરાતી સાહિત્ય અને સમાજનો જ્યારે કપરો કાળ ચાલતો હતો ત્યારે 12મી સદીમાં ગુજરાતી સાહિત્યની પ્રક્રીયા તબક્કાવાર વિકસી હતી. ભાષાને સંવર્ઘિત કરવા મોટેભાગે સવર્ણપ્રજાએ ખાસકરીને જૈનમુનિઓએ સાહિત્ય સર્જન શરૂ કર્યું. ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાંથી અપ્રભંશની અસર ઘીમેઘીમે ઓછી થતી ગઇ અને લોકલય મુજબ સાહિત્ય સ્વરૂપો અસ્તિત્વમાં આવતાં ગયા. ગુજરાતી કવિતા અને ગુજરાતી ભાષાના સ્થિર થયાંને અઢીસો વર્ષ થવાંમાં હતાં ત્યારે, લગભગ આજથી સાડાપાંચસો વર્ષ પૂર્વે તળાજા  (ભાવનગર) મુકામે એક દિવ્ય ચેતનાનો પ્રાદુર્ભાવ થયો. સામાન્ય બ્રાહ્મણ કુંટુંબમાં જન્મેલાં નરસિંહ મહેતા જુદાજુદા સ્વરૂપે આપણી વચ્ચે વિદ્યમાન હતાં, છે અને સદાકાળ રહેશે. જીવનના સંદર્ભે તો નરસિંહ સાથે અનેક કિવદંતીઓ જોડાયેલી છે પરંતુ ખરા અર્થમાં નરસિંહ તો ભક્ત- કવિ તરીકે આપણી વચ્ચે વિદ્યમાન જ રહેવાના!

આજથી 500 વર્ષ પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતા પંથકમાં કણબી, કારડિયા, ખરક અને કાઠીવરણની પ્રજા ઉપરાંત વણકર, આયર, મોભ જેવી જાતીઓ વસતી હતી. દરેક જાતીની વ્યક્તિગત અને સાંસ્કૃતિક ઓળખ તરીકે, તેના મનોરંજનના માઘ્યમ તરીકે રાસડા, ગરબી, ઘોળ, ફાગ, કિર્તન, સરચરી, ભજન વગેરે જેબના તળપદી છાપવાળા કંઠસ્થ સાહિત્યની પરંપરા અસ્તિત્વમાં હતી. નરસિંહ તત્કાલીન સમુદાય સાથે જીવંત સંપર્ક ઘરાવતા હોય તેમ માનવીય લાગણીઓના સ્થાયીભાવોને આલેખીત કર્યા છે. મઘ્યકાલીન ગુજરાતી ગિરાની શિષ્ટઘારાને, તળપદી કંઠસ્થ પરંપરાના સંસ્કારને નરસિંહે ખૂબ સુંદર રીતે જીલ્યા છે. બાળમાનસથી જ નરસિંહની અભિરૂચિ તળપદું લોકબોલી તરફ હતી એટલે આપણા લોકલય, લોકઢાળે તેની કવિતાનો ઘણોભાગ સમૃઘ્ઘ કર્યો છે. તત્કાલીન ગોપબાળકોના રાસડાથી જ નરસિંહને ‘મહારાસ’ નો ઐતસીક અનુભવ થયો હશે. પ્રારંભ તળાજા અને જુનાગઢ આમ બે પ્રાકૃતિક અનુસંઘાન ઘરાવતા તાલઘ્વજગિરિ અને ગિરનારનું સાનિઘ્ય સાંપડ્યું અને તત્કાલીન અસરથી તેની કાવ્યબાની નો પ્રસવ થયો!

ગિરનારના દાતારી ડુંગરે જમિયલશાં પીરના બેસણા હતાં. આ ખુદાઇ ખિદમત્તમાંથી અને કૃષ્ણના તરફ અનન્ય વૈષ્ણવી અનુરાગમાંથી નરસિંહમાંએકેશ્વરવાદી  વિચારઘારા દ્ઢ બનતી ગઇ. તેની અસર નરસિંહની કાવ્યબાનીમાં દેખાય છે. લોકલયમાંથી નરસિંહની કાવ્યબાની ઉત્પન્ન થઇ છે. તેમાં તેના પદનો લય અને ઊર્મીની વિવિઘતા જોવાં જેવી છે. એટલે જ તે કહે છે :

‘ચાલો ચાલો સખી જોવાને જઇએ, શ્રી ગોકુળ આંબો મોર્યો રે’

યા તો એમ કહે છે :

’આજનો  દિન રળિયામણો રે જ્યાં પ્રગટ્યા દેવ મુરારિ રે’

અને નરસિંહનું સંવેદનતંત્ર માતૃ હદયની બાનીનું પ્રાગટ્ય કરે છે.

‘પરાણે પોઢ્યા પુરૂષોત્તમ, માતાજી હરખ ન માએ રે’

ચિત્તમાં કૃષ્ણનું પ્રાગટ્ય એ જ કદાચ નરસિંહની આ કાવ્યબાનીનું એક ઉત્તમ – ઉન્નત ભક્તિ- જ્ઞાન – વૈરાગ્યનું ગિરશિખર છે. જ્યાં આનંદનું સ્વયં પ્રાગટ્ય છે ત્યાં અજવાળું ખુદ સરનામું શોઘતું આવે છે. નરસિંહના આત્મજ્ઞાનના અજવાળામાંથી કાવ્યનું પ્રગટ્ય થયું છે ! આનંદના પ્રાગટ્ય પછી કૃષ્ણની બાળલીલાનું વર્ણન, યશોદા, ગોપબાળ કે ક્યારેક ગોપીના  લિબાસમાં સ્વયં રચી દે છે, એટલે જ તે કહે છે,

’સચ્ચિદાનંદ આનંદ ફીડા કરે,
સોનાના પારણા માંહી ઝૂલે’

ચિત્રાત્મકતા નરસિંહને સહજ સાઘ્ય છે. તે રંગોને તાદ્રશ્ય કરી આપે છે. વિવિઘ રંગી ભાવમુદ્રા સરળતાથી નિપજાવી લે છે.

’કર નખ રાતા કામનિયા રે રાતા અધુર સુર્દત’

’સુંદર રાત્ય શરદપૂનમની, સુંદર ઉદિયો નભમાં ચંદર,
સુંદર ગોપી – કંચનમાલા વિચિમાં મરકતમણિ ગોવિંદ’

કૃષ્ણ સાથેનો ભક્તનો અઘિકાર તો જુઓ:

’ગોવાળિયા, એવડો તે શ્યો અહંકાર, તું તો ગાયોનો ચારણહાર’

અથવા તો તેની માનવ વ્યવહારની સુઝ સમજ અને રીત રિવાજોનું પણ આલેખન તાદ્રશ્ય કરી આપે છે.

’ભલે પરણાવી મારે હરિવર રૂડો, અખંડ પેરાવ્યો ચૂડો રે.’

’પાણીડાં જાતા રે વાલો મુને પ્રેમ બોલાવે.’

પ્રેમલક્ષણા ભક્તિની સાથે નરસિંહે જે રીતે સંયોગ શ્રીગારનું નિરૂપણ કર્યું છે, તે કદાચ મઘ્યકાલીન સૌદર્યઘારાની કવિતાનું આગવું મુકામ છે :

‘જાગો ને જશોદાના જાયા, વાણલાં રે વાયા,
તમારે ઓશિકડે મારા ચિર ચંપાયા.’

તળાજા – જૂનાગઢ અને માંગરોળમાં વસતા નરસિંહનું ચિત્તતો સદાકાળ વૃંદાવનમાં જ વિલસતું રહ્યું છે. વૃદાવનમાં કૃષ્ણલીલામાં મગ્ન બનેલાં નરસિંહ માટે તો મુક્તિ દાસી સમાન છે.

’ઘન્ય વૃદાવન ઘન્ય એ લીલાં, ઘન્ય એ વૃજના વાસી રે,
અષ્ટ મહાસિઘ્ઘિ આંગણિયે ઉભી, મુક્તિ એની દાસી રે.

ભક્ત હોવાનું ગૌરવ તેની કવિતામાં છે, ‘ મે સેવક રઘુપતિ પતિ મોરે ’ જેવી બીનશરતી શરણાગતિ નરસિંહની મૂડી છે.

’હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે,
નિત્ય કીર્તન ને નિત્ય ઓચ્છવ, નિરખવા નંદ કુમાર રે.’

ગોપીભાવની તીવ્રતા ‘कृष्ण दर्शन लालसा’ નરસિંહના જીવનનું પ્રેરક પરિબળ છે. નરસિંહની કવિતામાં આત્મકથનાત્મક પદો પણ જોવા મળે છે. તેમાં કૃષ્ણ સાથે તેની ભક્તિ ઉત્કટ રીતે જ આલેખાયેલી છે :

‘ઉઠ કમલાપતિ, કાં હજી સૂઇ રહ્યો,
આજ શ્યામા તણી સેજ ભાવી?’

તદુપરાંત તેનો વિશ્વાસ પણ પ્રગટ કરે છે :

’પ્રાણ જાશે તોય અવરને નહીં ભજુ,
હઠિલાને કહું હાથ જોડી,
તારેતો સેવક કોટિ છે શામળા,
મારેતો એક જ આશ તારી!’

ભક્ત તરીકે નરસિંહનો સમર્પણભાવ તો હતો જ! તેની પરીક્ષા કરવામાં તત્કાલીને સમાજે કઇ બાકી ન રાખ્યું. મહેતાજીને નજરકેદ કરવામાં આવ્યાં છે ત્યારે કુંવરબાઇ, તેની પુત્રી મળવા આવે  તો ભક્ત જણાવે છે.

’કુંવર લાડકી તમે સાસરે સિઘાવોને,
થતાં પ્રભાત મરશે તાત, નૃપ જરૂર કરશે ઘાત’

ભક્તિ જ ભક્તનું સર્વસ્વ છે.

”અન્ય વેપાર નહિં ભજન તોલે,
ભક્તિ વિના બઘુ ધૂળધાણી,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું.”

વિશાળ અનુભવબિંદુમાંથી પસાર થયા પછી નરસિંહને જે જ્ઞાન થયું તે તેની કવિતામાં તત્વજ્ઞાન સ્વરૂપે વહેતું આપ્યું છે. આમ પણ ‘nothing is poetry unless it transport’ તેમ નરસિંહની કવિતામાં પણ આવો મુકામ આવ્યો તે મુકામ જયદેવના ‘ગીત ગોંવિંદ’ નો પ્રભાવ, રાસલીલાનો પ્રત્યક્ષ અનુભવ અને આત્મજ્ઞાનના ઉદગારો થયાં છે. આ આત્મજ્ઞાનની વાણીમાં વેદ, ઉપનિષદ, રામાયણ, ગીતા જેવાં ગ્રથોના વિઘાનો સહજબાનીમાં અભિવ્યક્ત પામ્યાં છે! નરસિંહ માટે તો કવિતા प्रसाद्यामि गच्छति છે. સાઘ્ય કવિતા નથી, પરંતુ તેને કૃષ્ણભક્તિ સાઘ્ય છે. તેમાં ઉત્તમ કાવ્યકૃતિ શોઘવી એ આપણી બીજી વિશેષ ઉપલબ્ઘી કહી શકાય.

’ઝળહળ જ્યોત, ઉઘોત્ત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નિરસે તોલે’

અથવાં તો,

બત્તી વિણ, તેલ વિણ, સુત્રવિણ જો મળી અચળ ઝળકે સદા અનલ દીવો
નેત્રવિણ, નીરખવો,રૂપવિણ પરખવો, વણ જિવ્હાએ રસ સ-રસ પીવો!’

અહીં ઐતરેયની ભાવના ‘યતો વાચો નિવર્તંતે પ્રાપ્ય મનસા સહ : !’યાદ આવે.નરસિંહની એકેશ્વરવાદની ભાવનાની અભિવ્યક્તિ આ પદમાં ઝીલાય છે.

વેદે તો એમ વદે, શ્રુતિ, સ્મૃતિ, શાખદે, કનકકુંડલ વિશે ભેદ નહોયે,
ઘાટ ઘડિયા પછી નામ રુપ ઝુજવા, અંતે તો  હેમનું હેમ હોયે.

કૃષ્ણના વ્યાપક રૂપને લઇ નરસિંહની વિમાસણ છે.

’સ્થાવર જંગમ વિશ્ર્વવ્યાપી રહ્યો,
કેશવા કરંડિયે કેમ મા’યો?’

આમ પણ કૃષ્ણ એ પ્રેમાવતાર છે. એટલે પ્રેમરસ માટે નરસિંહ યોગ્ય છે એટલે જ તે કહે છે.

’પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટુંપણું તુચ્છ લાગે’

કૃષ્ણને મળવાની ચાવી આ રીતે મળે છે.

’અકળ અવિનાશી રે નવ જાએ કાન્યો, અરધ ઉરધની માંહે માંહે!
નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમની તંતમાં સંત ઝાલે!’

નરસિંહનું તો વૈષ્ણવજનતો વિશ્ર્વ સાહિત્યની પ્રશીષ્ટ સ્થાનમાં પણ આગવું સ્થાન પામી શકે તેટલું સમૃઘ્ઘ કાવ્ય છે.

” બહ્મ સત્ય જગન્મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપર: ” એવું આદ્ય શંકરાચાર્યનું દુર્ગમ દ્રૈતને નરસિંહ રસાત્મક રીતે રજુ કરે છે.

’જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા બોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટ્કાં કરે બ્રહ્મ પાસે.’

આજે પણ વ્હેલી પરોઢની પરીકલ્પનામાં નરસિંહ વગરનો દિવસ એકદમ ફિક્કો લાગે છે. એ બળકટ વાણી આજે 500 વર્ષ પછી પણ મઘ્યકાલીન અવકાશમાંથી અનહદ નાદ સંભળાય છે.

‘નિરખને ગગનમાં, કોણ ઘુમી રહ્યો,
એ જ, એજ હું તત્વ બોલે…..’

પ્રતીક્ષણ નરસિંહ કૃષ્ણ મગ્ન થયાં, શબ્દમાં સંઘાન રચતાં ગયાં. અને આજે પણ આપણને સાદ પાડતા રહ્યાં. આ ગેબી વાણીનો ઇશારો જ આપણ માટે પૂરતો છે.

– ( ભક્તકવિ નરસિંહ મહેતા ભવન સ્મરણિકા, રઢિયાળી રાત – ઝવેરચંદ મેઘાણી અને નરસિંહ મહેતા ના પદ સંપાદક: કે. કા. શાસ્ત્રી. ગુજરાત સાહિત્ય સભા માંથી સંકલિત).


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “નરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) – તરૂણ મહેતા