સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (ઇ-પુસ્તક ડાઊનલોડ) 3


“ભાઇ, દ્વારિકાની હૂંડી લખી આપે એવા કોઇ શરાફ, કોઇ નાણાવટી અહીં વસે છે ?”

તીર્થાટન કરવા નીકળેલા ચાર અજાણ્યા વટેમાર્ગુઓ જૂનાગઢમાં લોકોને પૂછતા હતા. ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરવા એમને દ્વારિકા જવું હતું. યાત્રા કરવા નીકળ્યા હતા. એટ્લે પાસે થોડું ધન એમણે રાખેલું. પરંતુ માર્ગમાં ભય પણ ઓછો નહોતો. એટલે જૂનાગઢ જેવા મોટા નગરમાં જાણીતા શરાફને પોતાના રૂપિયા સોંપીને એની પાસેથી દ્વારિકાના કોઇ શ્રીમંત શેઠ ઉપર હૂંડી લખાવી લેવાની એમની ધારણા હતી.

યાત્રાળુઓના પ્રશ્નનો કોઇએ ઉત્તર ન આપ્યો. જરા આગળ ચાલીને એમણે ફરીથી પૂછ્યું, ”અહીં હૂંડી કોણ લખે છે ?”

ત્યાં આગળ થોડા નાગરો બેઠા હતા. તેમાંથી એક જણે મોઢું ગંભીર રાખીને જવાબ આપ્યો, “હૂંડી લખે એવો અહીં એક જણ છે ખરો, ભાઇ ! રૂપિયાના તો એને ત્યાં ઢગના ઢગ છે !”

“હા, હા !” બીજો બોલી ઊઠ્યો, “સાચી વાત છે, ઘણો મોટો વેપારી છે એ તો !”

“દેશપરદેશ એની આડત ચાલે છે !” ત્રીજાએ કહ્યું, પછી મરમમાં હસીને એ બોલ્યો, “અને એ તો પાછો વૈષ્ણવ-જન છે. “

“ઓહો એમ ?” આનંદથી યાત્રાળુઓ બોલ્યા, અને પછી અધીરાઇથી એમણે પૂછ્યું, “પણ ….એનું નામ તો કહો, વિપ્રો ?“

“નરસૈંયો !” એક જણે મલકાઇને જવબ આપ્યો.

“નરસિંહ મહેતા !” બીજાએ એની સામે આંખ મીંચકરીને ઠાવકે મોઢે કહ્યું.

“અમને એમનો આવાસ તો બતાવો, ભાઇઓ !” યાત્રાળુઓએ વિનંતી કરતાં કહ્યું.

Advertisement

“હા, હા, ચાલો અમારી સાથે.” કહીને પછી એમણે દૂરથી નરસિંહ મહેતાનું ઘર બતાવ્યું. ટીખળી નાગરોએ કરેલી વાત ભોળા યાત્રાળુઓને સાચી લાગી. પણ પાસે જતાં, ભક્તનું ઘર જોઇને યાત્રાળુઓ આભા જ બની ગયા. કોઇ મોટો મહેલ જોવાની આશા એમણે રાખેલી, એને બદલે આ તો સાવ બેઠા ઘાટનું ઘર હતું ! જાણે કોઇ ધર્મશાળા હોય તેમ ભાતભાતના લોકો ત્યાં પડ્યા પાથર્યા રહેતા હતા. કોઇ લૂલાં-લંગડા, તો કોઇ આંધળાં-બહેરાં. હરિના ભક્ત નરસિંહ મહેતાનું ઘાર ભૂલ્યાં ભટક્યાંને માટે આશરાનું સ્થાન હતું. એમની સાથે બેસીને એ ભગવાનનાં ગુણગાન ગાતા. ચંદનનું તિલક કરતા. તુલસીની માળા પહેરતા.. એ ઘરમાં ભગવાનના અવતારોની કથા થતી, કીર્તન થતાં. અંદર આવીને યાત્રાળુઓએ જોયું તો ભગવાનના એક નાનકડા દહેરા આગળ નરસિંહ ભક્ત ભજનમાં લીન થઇને બેઠા છે. વાડામાં ચારે બજુ તુલસીનાં જાણે વન ઊગ્યાં છે.

“આ તો ભાઇ, વિચિત્ર વાત જણાય છે.” એક યાત્રાળુએ બીજાને કાનમાં કહ્યું.

“મને પણ એમ જ લાગે છે- – આ માણસ કંઇ કરોડપતિ વેપારી હોય એમ દેખાતું નથી.” બીજાએ પહેલાની શંકાને ટેકો આપતાં કહ્યું.

“અને આ ચોપડા તો ભજન-કીર્તનના હોય એમ જણાય છે,” ત્રીજાએ ધ્યાન દોર્યું. ”નામું લખવ માટે લેખણ – કલમને બદલે મહેતાએ હાથમાં તાલ – મંજીરાં રાખ્યાં છે, ભાઇ, અહીં વેપારમાં તો હરિનું નામ જ લેવાતું હશે !”

યાત્રાળુઓ આમ તર્ક-વિતર્ક કરતા ઊભા છે, ત્યાં ભક્તની આંખો ઊઘડી. પોતાને આંગણે યાત્રાળુઓને આમ આવેલ જોઇને એ તો ખુશખુશ થઇ ગયા. “આવો, આવો, હરિભક્તો ! આ તમારું જ ધામ છે. પધારો ! તમ સરખા યાત્રાળુઓથી અમે પાવન થઇએ. કહો, મારા સરખું કાંઇ કામ હોય તો કહો.” નરસિંહ મહેતાએ બે હાથ જોડીને એમને આવકાર આપતાં કહ્યું.

“મહેતાજી, અમે ચારેય જાત્રાએ નીકળ્યા છીએ,” ભક્તને પ્રણામ કરતાં યાત્રાળુઓ બોલ્યા. “અહીંથી અમારે હવે દ્વારિકા તીર્થની યાત્રાએ જવું છે.”

“તમારું નામ સાંભળીને તમારી પાસે એક હૂંડી લખાવવા અમે આવ્યા છીએ,” એકે કહ્યું.

“અમને એક ભલા નાગરે તમારી ભાળ આપી કહ્યું કે, મહેતાજી તમારું કામ કરી આપશે.” બીજો બોલ્યો. નરસિંહ મહેતા એમની વાત સાંભળી રહ્યા.

“મહેતાજી !” મુખ્ય યાત્રાળુએ પોતાની ભેટમાંથી રૂપિયાની કોથળી કાઢીને વિનંતીપૂર્વક કહ્યું, “તમારે અમારી પર આટલી કૃપા કરવી પડશે.” પછી એ કોથળી મહેતા આગળ મૂક્તાં બોલ્યો,” આમાં સાતસો રૂપિયા છે. અમારું ચારેયનું આટલું ધન છે. દ્વારિકા જઇને ત્યાં તેને કોઇ પુણ્યકાર્યમાં અમારે વાપરવું છે. માટે આ રૂપિયા લઇને તમે એની હૂંડી અમને લખી આપો. તમારી સહાયથી, તમારા પુણ્યે, અમારી ઇચ્છા પૂર્ણ થશે.”

આ સાંભળીને નરસિંહ મહેતાને ખાતરી થઇ કે નાગરોએ પોતાની હાંસી કરી છે. મનમાં ને મનમાં પ્રભુનું સ્મરણ કરીને એ બોલ્યા : ”હરિભક્તો, તમને મળીને આજે હું કૃતાર્થ થયો છું. તમારા જેવા યાત્રાળુઓ મારે આંગણે ક્યાંથી ! જે નાગરે તમને મારું ઘર બતાવ્યું, તેણે મારા પર કેવો ઉપકાર કર્યો છે ! એને હું પ્રણામ કરું છું !”

Advertisement

યાત્રાળુઓને આસને બેસાડીને મહેતાજીએ ભાવપૂર્વક એમનું સ્વાગત કર્યું. એમની આગળ હરિનો પ્રસાદ ધર્યો, દરેકને કંઠે તુલસીમાળા પહેરાવી. યાત્રાળુઓ ઊંચા – નીચા થઇ રહ્યા હતા, તે જોઇને મહેતાજી બોલ્યા, “હું તમને હૂંડી લખી આપીશ. તમારે મારું કામ પડ્યું છે, તે પરમેશ્વર એને પૂરું કરશે. દ્વારિકના ચૌટામાં જઇને શામળશાહ શેઠનું નામ પૂછજો. મારી હૂંડી ત્યાંથી પાછી નહિ ફરે !”………………… વધુ વાંચવા ડાઊનલોડ કરો આખું ઇ-પુસ્તક

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
પ્રિય મિત્રો,

પ્રેમાનંદની અમર કૃતિઓ એવી સુદામાચરિત્ર અને નરસિંહ મહેતાની હૂંડી આપણા સાહિત્યના સરનામાં છે. સુદામાચરિત્ર મિત્રતાની એક અનોખી પરિભાષા સ્થાપે છે તો હૂંડી શ્રદ્ધાનો અને ધીરજનો વિજય બતાવે છે. આપ સૌને માટે આજે પ્રસ્તુત છે ઇ-પુસ્તક સુદામાચરિત્ર આખ્યાનકથા સાથે અને નરસૈયાની હૂંડી. આશા છે આપને આ ઇ-પુસ્તક ઉપયોગી નિવડશે.

આ ઈ-પુસ્તક મેળવવા જાઓ અક્ષરનાદ ઇ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ (ઇ-પુસ્તક ડાઊનલોડ)