જાણીજોઈને કરાયેલી ભૂલોની માફી – લીના જોશી ચનિયારા 3


આજે ઘણા દિવસે પ્રાંજલ મને બજાર માં મળી. વાતોવાતોમાં સમય ક્યાં પસાર થઇ ગયો એ ખ્યાલ જ ન આવ્યો. આ બાજુ મારા પતિનો ઓફીસથી આવવાનો સમય થઈ ગયો હતો અને પ્રાંજલ સાથે મારી વાતો ખૂટતી જ ન હતી. એટલે મેં પ્રાંજલને રવિવારે મારા ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું. આ રવિવારે અમારા બંન્નેના પતિને બહાર જવાનું હોવાથી અમારી પાસે નિરાંતનો સમય હતો.

પ્રાંજલ એટલે મારી કોઈ ખાસ સહેલી નહિ પણ એવી સહેલી કે જેની સાથે હું કોઇ પણ વિષય ઉપર મુક્ત મને વાતો કરી શકું. અમારા સંવાદ કે વિવાદમાં એકબીજાને ખોટું લાગે કે એવી લાગણીઓને અવકાશ જ નહતો. એટલે જ પ્રાંજલ મારી પ્રિય સખી બની ગઇ હતી. એકદમ નિખાલસ છોકરી એટલે પ્રાંજલ.

પ્રાંજલ આમ તો મૂળ પૂનાની છે પણ પોતાની અને પોતાના પતિની જોબના કારણે અત્યારે હૈદરાબાદમાં છે. બ્યુટી વિથ બ્રેઇન પ્રાંજલ એક મોટી કંપનીમાં સોફ્ટવેર ડેવલપર છે.

આખરે એ રવિવાર આવી ગયો. પ્રાંજલ આવી તો ખરી પણ એના ચહેરા પર એક ઉદાસી જોવા મળી. ચા અને નાસ્તાને ન્યાય આપતા અમે અમારી વાતો શરુ કરી.

મેં પૂછ્યું, “કેમ પ્રાંજલ, તારી તબિયત તો સારી છે ને? તું કેમ આટલી ઉદાસ છે?

પ્રાંજલે એના જવાબમાં અનેક સવાલો પૂછ્યાં જેણે મને પણ વિચારતી કરી દીધી. પ્રાંજલ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઇ અને મને વાત કહેવાની શરુ કરી.

એક મહિના પહેલાં, એક સાંજે પ્રાંજલ અને એના પતિ સચિન બાલ્ક્નીમાં બેઠા હતા ત્યારે એના મામાના મોટા દિકરા પ્રશાંતનો ફોન આવ્યો. ફોનમાં જ્યોતિમામીની ખરાબ તબિયતના સમાચાર આપ્યા. જ્યોતિમામીને લીવરનું કેન્સર હતું જે હવે છેલ્લા તબક્કામાં હતું. મામી પ્રાંજલને ખૂબ યાદ કરતા હતા એટલે પ્રશાંતે જલ્દી નાગપુર આવવા કહ્યું. આ જાણી પ્રાંજલને ખૂબ દુઃખ થયુ. પ્રાંજલ નાગપુર જવા નીકળી અને ભૂતકાળમાં સરી ગઇ.

પ્રાંજલ તેના માતા-પિતા નું એકમાત્ર સંતાન. પ્રાંજલના પિતા પણ એકમાત્ર સંતાન અને મા ને એકજ ભાઈ છે. આમ પ્રાંજલનો પરિવાર નાનો અને સુખી છે. પ્રાંજલના પિતા અને મામા બંને ખૂબ જ પૈસાપાત્ર છે એટલે પ્રાંજલને ભૌતિક સુખ સગવડની કોઇ ખામી નહતી.

પ્રાંજલના મામાને ત્રણ દિકરા – પ્રશાંત, પ્રથમ અને પ્રણવ. પ્રાંજલના મામાને દિકરી ખૂબ જ ગમતી એટલે જ બે પુત્રો પછી ત્રીજી દિકરી આવે એવી આશા હતી પરંતુ ત્રીજો પણ દિકરો જ આવ્યો. એટલે આમ જોવા જઈએ તો પ્રાંજલ એકમાત્ર દિકરી હતી.

ખૂબ જ લાડકોડમાં ઉછરેલી પ્રાંજલ કોણ જાણે કેમ જ્યોતિમામીને આંખમાં કણાની માફક ખૂંચતી હતી. વાતે વાતે તેઓ પ્રાંજલ અને એના મમ્મીનુ અપમાન કરી બેસતા. પ્રાંજલે કારણ જાણવાની ઘણી કોશિશ કરી પણ નફરતનું કારણ જાણવા ન મળ્યું. બસ પ્રાંજલને એટલી ખબર હતી કે મામી એ બંનેને ખૂબ જ નફરત કરતાં હતા. પ્રાંજલના નાની તો વર્ષો પહેલાં સિધાવી ગયેલા. નાનાજી જીવતા હતા પણ ઉંમરના કારણે એમની તબિયત પણ નરમ-ગરમ રહેતી. જ્યાં સુધી નાના પૂના આવી શકતા ત્યાં સુધી તો બંને મા-દિકરી નાગપુર જવાનું ટાળતા. પરંતુ હવે નાના આવી શકતા ન હોવાથી ફરજિયાતપણે મા-દિકરી વરસે એકાદ વાર એમને મળવા જતાં. આમ પણ મામાના ઘરે કોને જવું ન ગમે? પ્રાંજલને પણ ખૂબ જ મન થતું મામાના ઘરે જવાનું. પ્રાંજલ એના નાના અને મામાની ખૂબ લાડકી હતી અને એટલે જ મામીની નફરતને અવગણીને પણ એના મામા – નાનાને મળવા જતી.

એકવાર પ્રાંજલ મામાના ઘરે રોકાવા ગઇ અને ટી.વી. જોઇ રહી હતી. ઓચિંતા જ્યોતિમામી આવ્યા અને રિમોટ આંચકીને પ્રાંજલને કહે, “તારે અહીં કોઇ વસ્તુ અડવી નહિ. આ ઘરમાં તારો કે તારી માનો કોઇ હક નથી.” પ્રાંજલ એકદમ ડરી ગઇ અને ખૂબ રડી. જ્યોતિમામી પોતાના ત્રણે દિકરાઓને પણ પ્રાંજલ અને એના મમ્મી વિરુધ્ધ કાનભંભેરણી કરતાં અને બોલવાની મનાઇ ફરમાવતા. પણ પ્રાંજલ કે એના મમ્મી, મામા કે નાનાને ફરિયાદ ન કરતા. કેમકે એવું કરવાથી એમના ઘર-સંસારમાં આગ લાગે અને તકલીફ થાય જે આ મા-દિકરી નહોતા ઇચ્છતા એટલે ચૂપચાપ બધું જ સહન કરતાં અને એકલાં હોય ત્યારે રડી લેતાં.

પ્રાંજલ મોટી થઇ અને એના લગ્નનો દિવસ આવ્યો. મામા-મામી આવ્યા તો ખરાં પણ મામીનું વર્તન ખૂબ રુક્ષ હતું. જ્યોતિમામી જાણીજોઇને પોતાના ત્રણેય દિકરાઓને લગ્નમાં ન લઇ આવ્યા. ત્રણ-ત્રણ ભાઇઓની એકની એક બહેન હોવા છતાં પણ લગ્નમાં ભાઈને કરવાની વિધિ કોઇ બીજા સગાએ કરી. આનાથી દુઃખદ બીજુ શું હોઇ શકે? એ પછી બીજા વરસે પ્રશાંતના લગ્ન લીધા. પ્રાંજલ અને સચિન હોંશે હોંશે લગ્નમાં ગયા. પ્રાંજલ ખૂબ જ ખુશ હતી કે ભાઇને સારી જીવનસંગિની મળી. પણ લગ્ન માં જ્યોતિમામીએ પ્રાંજલ અને એના મમ્મીને બોલાવ્યા પણ નહિ અને બહેનને લગતી વિધિ પણ કોઇ સગાની દિકરી પાસે કરાવી. જાણે કે પ્રાંજલ હાજર છે જ નહિ. પ્રાંજલ બિચારી ખૂણામાં આસું સારતી ઉભી રહી. ક્યાંય કોઇ વિધિમાં પ્રાંજલ કે એના મમ્મીને બોલાવ્યા નહિ, કોઇ ફોટો કે વિડિયોમાં પણ નહિ. મામીના બધાં જ સગા ને બ્યુટીપાર્લર વાળા તૈયાર કરતા હતા પણ પ્રાંજલ કે એના મમ્મી ને જ્યોતિમામી એ તૈયાર થવાનું પણ ન કહ્યું.

બે વર્ષ પછી, પ્રશાંતની પત્ની ના શ્રીમંત પ્રસંગે પણ પ્રાંજલને નિમંત્રણ ન આપ્યું. પરંતુ પ્રાંજલ પોતાની ફરજ ભૂલી નહિ અને એના તરફથી શ્રીમંત વિધિમાં થતો વ્યવહાર એના મમ્મી સાથે મોકલાવી દીધો. પ્રશાંતને ત્યાં દિકરી નો જન્મ થયો. દિકરીનું મોં જોવા ફુયારિયું લઇને પ્રાંજલ નાગપુર આવી તો મામીએ આવકાર પણ ન આપ્યો.

સામાન્ય રીતે દિકરી ના વ્યવહાર કે પૈસા, દિકરી ને તેમાં થોડા ઉમેરી ને પાછા વાળી દેવાતા હોય. કેમ કે દિકરી તો કરોઇ કહેવાય અને એને તો દેવાય એટલુ ઓછુ. પણ જ્યોતિમામી આ બધી વસ્તુઓ જાણવા છતાં પણ અજાણ રહ્યા. વ્યવહાર પાછો વાળવાનો તો દૂર પણ પાછી આવજે એમ પણ ન કહ્યું. પ્રાંજલને કોઇ વાતની કમી ન હતી. પ્રાંજલનું સાસરુ પણ ખૂબ પૈસાપાત્ર છે. પ્રાંજલ અને સચિન પણ સારુ એવું કમાય છે. સચિન મોટી કંપનીમાં ઊંચી પોસ્ટ પર છે. પ્રાંજલને કશું જોઇતુ ન હતું. પણ વ્યવહાર તો વ્યવહાર છે. જ્યોતિમામી પ્રાંજલનુ સાસરામાં નીચુ દેખાડવા માંગતા હતા. સદ્ભાગ્યે પ્રાંજલના સાસુ અને સચિન ખૂબ જ સમજદાર છે એટલે કંઇ મુશ્કેલી ન થઇ. એ પછી તો પ્રથમના લગ્ન લેવાયા. પરંતુ એમાં પણ પ્રશાંતના લગ્ન જેવું જ વર્તન કર્યું.

પ્રાંજલ જ્યારે સચિનના મામી ને જોતી ત્યારે એને ખુબ જ દુઃખ થતું કેમ કે સચિનના મામી એને ખૂબ પ્રેમ કરતા અને એનુ ધ્યાન રાખતા, લાડ લડાવતા. પોતાના કોઇ મિત્ર પાસેથી વેકેશનમાં મામાના ઘરે કરેલા ધિંગામસ્તીની વાતો સાંભળીને પ્રાંજલ ઉદાસ થઇ જતી અને ભગવાનને પ્રશ્ન કરતી કે મારા જ મામી કેમ આવા છે? તમે કોઇ જાદુ કરો ને!

આજ વિચારોમાં નાગપુર આવી ગયુ. ઘરે પહોંચીને જ્યોતિમામીને જોઇને એની આંખમાં આંસુ આવી ગયા. જ્યોતિમામીની હાલત ખૂબ ખરાબ હતી. પલંગમા જાણે કે હાડપિંજર સુતુંં હોય એવુ લાગતુંં હતુ. આખા રુમમાંં વાસ આવતી હતી. જ્યોતિમામીએ આંખો ખોલી પ્રાંજલને જોઇ તો ગળગળા થઇ ગયા અને બે હાથ જોડી માફી માંગી. બસ ત્યાં જ પરલોક સિધાવી ગયા. જાણે કે પ્રાંજલની જ રાહ જોતા હોય!! આ વાત કરતાં કરતાં અત્યારે પણ પ્રાંજલના ગળે ડૂમો ભરાઇ ગયો અને મને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી. જ્યોતિમામીની આટલી નફરત પછી પણ પ્રાંજલ મામીને પ્રેમ કરતી હતી.

પ્રાંજલના સવાલોએ મને પણ વિચારતી કરી દીધી. શું લગ્ન થઇ જાય એટલે દિકરીનો પિતાના ઘર પર કોઇ અધિકાર નહિ? શુ ભાણેજનો મામાના ઘર પર કોઇ હક નહિ? શુ જ્યોતિમામીનુંં વર્તન યોગ્ય હતુંં? જ્યોતિમામીએ માફી તો માગી પણ એનાથી શુ પ્રાંજલનુ બાળપણ, લગ્નપ્રસંગ કે ભાઇઓના પ્રસંગો પાછા આવી જવાના? એના ભાઇઓના મનમાં રહેલી કટુતા કે નફરત નીકળી જવાની? નાનપણથી મામીના પ્રેમ માટે તરસતી રહી એ પ્રેમ મળી જવાનો હતો?

જ્યોતિમામી પ્રાંજલના મામાની સામે તો બંન્ને સાથે સારુ વર્તન કરતા. જ્યોતિમામીને પ્રાંજલ કે તેના મમ્મીથી કોઇ તકલીફ હતી તો એને સાથે બેસીને, વાત કરીને ઉકેલી શકાતી હતી. હું પોતે પણ પ્રાંજલના મમ્મી ને મળી છુ. એ એક્દમ ભોળી અને સરળ વ્યક્તિ છે. બાકી કઇ નણંદ પોતાની ભાભીનો આવો ત્રાસ સહન કરે?

જયોતિમામી પોતે એકદમ સામાન્ય ઘરમાંથી આવે, પોતાની બહેનો અને એમના દિકરા-દિકરીઓને તો ખૂબ પ્રેમ આપતા હતા. એમની સાથેના બધા જ વ્યવહાર સમજતા અને કરતા પણ હતા. અમુક વ્યવહાર તો પ્રાંજલના મામાને ખબર પણ ન રહેતા. તો શુ ત્યારે એમને પ્રાંજલ નહોતી દેખાતી? આટલો પક્ષપાત શા માટે? શુ પ્રાંજલ કે એના મમ્મી કરતા જ્યોતિમામીની બહેનો, સગાનો અધિકાર વધારે? શુ આ બધુંં યોગ્ય હતુંં? પ્રાંજલ કે એના મમ્મીને શુંં જોઇતુંં હતુંં જ્યોતિમામી પાસેથી? થોડો પ્રેમ અને થોડુ માન. બાકી તો બધી જ રીતે એ સુખી છે. પરંતુ જ્યોતિમામી એટલુ પણ ન આપી શક્યા!!!

મામાના ઘરે જવામાં આપણે કેટલા ખુશ હોય?

“મામા નુ ઘર કેટલે? દિવો બળે એટલે!”

આજે પ્રાંજલની વાત એટલે લખી કે આપણે પણ કોઇના ભાભી કે મામી છીએ. કયાંક આપણે તો આપણા પોતાના સાથે જાણે-અજાણે જ્યોતિમામી જેવુ તો નથી કરતા ને?

શુંં જાણીજોઇને કરાયેલી ભૂલોની માફી હોય?


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “જાણીજોઈને કરાયેલી ભૂલોની માફી – લીના જોશી ચનિયારા

 • Neekita

  માત્ર સ્ત્રી પાત્ર ને વિલન બનાવ્યું છે , તાળી બે હાથે પડે – મામી નો જ વાંક એના મામા ને પરણી અને ઊંચા જીવન ધોરણ ની અપેક્ષા રાખી .

 • મનસુખલાલ ગાંધી

  આવી જ્યોતિમામીઓ જેવીતો અનેક મામીઓ-માસીઓ-ફઈઓ-કાકીઓ આપણા કુટુંબમાં કે આજુબાજુ ઘણી જોવા મલશે.. ખરેખર તો આવા લોકોનો કુદરતી સ્વભાવજ એવો બની ગયો હોય છે કે એમને પોતાનેજ ખબર પડતી નથી અને આંખે-મને એવા કુંડળ થઈ ગયા હોય છે કે લાખ કોશીશ કરે તો પણ સ્વભાવ બદલાતો નથી. અહીં અંતમા તો મામીને પોતાની ભુલ જડી..

  સુંદર વાર્તા..

 • Suresh Jani

  કોઈની પાસેથી કશી જ અપેક્ષા ન રાખવાથી જીવનનો સાચો આનંદ માણવા આપણે ‘આઝાદ’ બની જતાં હોઈએ છીએ.