મધ્યરાત્રીએ મેઘગર્જના – સ્વાતિ મેઢ 9


માલિનીબહેન ઘસઘસાટ ઉંઘતાં હતાં. અચાનક એમને એવું લાગ્યું કે મેઘગર્જના થાય છે. અડધી ઊંઘતી અડધી જાગતી અવસ્થામાં એમણે સાંભળ્યું હતું. ઘરરર ઘુઉમ્મ, ઘરરર ઘુઉમ્મ. આ શું? ઉતરતા શિયાળાની મધરાતે આવી મેઘગર્જના? માવઠું થવાનું છે કે શું? માલિનીબહેનના મનમાં સવાલ ઉઠ્યો અને મનમાંથી જ જવાબ આવ્યો, ‘ના પણ હવા તો એવી નથી લગતી. વરસાદના આગમન પહેલાં હોય એવી ઠંડી, ભીની.’ મનમાં ફરીથી સવાલ ઉઠ્યો, ‘તો પછી?’ ત્યાર સુધીમાં માલિનીબહેનનું ઊંઘવા-જાગવાનુ ફિફ્ટી-ફિફ્ટીમાંથી એઇટી-ટ્વેન્ટી થઈ ગયું હતું. એટલે કે એઇટી પર્સન્ટ જગવાનુ અને ટ્વેન્ટી પરસેન્ટ ઊંઘવાનું. હવે માલિનીબહેનને ખાતરી થઈ ગઈ કે આ જે અવાજ આવે છે તે મેઘગર્જના તો નથી જ. હજી ય મેઘગર્જના ચાલુ હતી. રહી રહીને થતી હતી. હવે એ મેઘગર્જનાએ માલિનીબહેને હન્ડ્રેડ પરસેન્ટ જગાડી દીધાં. એમને સમજાઈ ગયું કે આ જે ઘરરર ઘુમ્મ, ઘરરર ઘુમ્મ અવાજ સંભળાય છે તે વિશાળ આકાશમાં થતી મેઘગર્જના નથી પણ એમના જ શયનખંડમાં એમની જ પથારીમાં એમનાથી માત્ર ત્રણ જ ફૂટ દૂરથી થઈ રહેલી નસકોરાંની ગર્જના છે. નિખિલભાઈનાં નસકોરાં બોલે છે.

માલિનીબહેન પૂરાં જાગી તો ગયાં જ હતાં, હવે તો એમની ઊંઘ પણ ઊડી ગઈ. નિખિલભાઇનાં નસકોરાંનો અવાજ થોડો ધીમો પડે કે એમનાં નાસકોરાં બોલતા બંધ થાય એ આશામાં માલિનીબહેન જાગતાં રહ્યાં. થોડી મિનિટો વીતી પણ એમની આશા પૂરી ન થઈ. નસકોરાં ચાલતાં જ રહ્યાં. એકધારા તાલબદ્ધ વચ્ચે તાલમાં થોડો ફેરફાર થાય પણ અટકે તો નહીં જ.

હવે શું કરવું? ઊંઘ તો ઊડી જ ગઈ. ‘કેટલા વાગ્યા હશે?’ માલિનીબહેનના મનમાં સવાલ ઉઠ્યો. દોઢેક તો થયો જ હશે, હજી તો રાત બાકી છે. રાતનો સમય માનવજાત માટે ઊંઘવાનો સમય છે, માણસે રાતે ઊંઘી જવું જોઈએ અને ઊંઘતા રહેવું જોઈએ. રાતે ઊંઘ ઊડી જાય એ અનિદ્રાનું શરૂઆતનું લક્ષણ ગણાય. માલિનીબહેન છાપાં નિયમિત વાંચે ખાસ કરીને એની પૂર્તિઓનાં પાનાં. એમાં એમણે એક વાર એક લેખમાં વાંચેલું. એ એમને યાદ આવ્યું. અનિદ્રા તો બહુ ખોટી. એનાથી સમગ્ર સ્વાસ્થ્યને હાનિ પહોંચે. એ જ લેખમાં અનિદ્રાથી બચવાના ઉપાયો પણ સૂચવેલા. એ લેખમાં લખેલું કે ઊંઘ ન આવતી હોય તો સૂતાં પહેલા હળવી કસરત કરવી જોઈએ, ગરમ દૂધ પીવું જોઈએ, રાતનું ભોજન હળવું લેવું જોઈએ વગેરે વગેરે. પણ અડધી રાતે ઊંઘ ઊડી જાય તો એને પાછી કેવી રીતે લાવવી એ એમાં નહોતું લખ્યું. માલિનીબહેનને ચિંતા થવા માંડી. ઊંઘ નહીં જ આવે તો? આમ જ આંખો હી આંખોમેં સવાર પડી જશે તો? એક તરફ નિખિલભાઈનાં નસકોરાં બોલે અને બીજી તરફ માલિનીબહેનનું ટેન્શન વધતું જાય.

ત્યાં અચાનક એમને યાદ આવ્યું. પેલા અનિદ્રા નિવારવાવાળા લેખમાં નહીં પણ બીજા એક લેખમાં એમણે વાંચેલું કે ઊંઘ ન આવે તો ઘેટાં ગણવા. ઘેટાં ગણવાથી ઊંઘ કઈ રીતે આવે એ માલિનીબહેનને સમજાયું નહોતું. ખાસ તો એ કે ગણવા માટે ઘેટાં લાવવા ક્યાંથી? એમણે વિચાર કર્યો કે કદાચ એવી કલ્પના જ કરવાની હશે ઘેટાં ગણવાની. હવે બીજો સવાલ થયો, માત્ર ઘેટાં જ ગણવાનાં કે સાથે બકરીઓ હોય તો ચાલે? જો ઘેટાં અને બકરીઓના ભેગાં ટોળાને ગણીએ તો સાથે ગાયો કેમ ન ગણવી? ભેંસો, ઊંટો, ઘોડા કેમ ન ગણવા? બધા પશુઓ ભેગાં હોય તો દરેક પ્રકારના પશુઓનું વર્ગીકરણ કરીને દરેક પ્રકારના પશુઓ કેટલાં છે, એમાંથી નર પશુઓ કેટલા,માદા પશુઓ કેટલાં, બચ્ચાં કેટલાં, નર બચ્ચાં કેટલાં, માદા બચ્ચાં કેટલાં? એવી ગણતરીઓ કરીને મળતી માહિતીનો વિશ્લેષણપૂર્ણ અભ્યાસ કરી શકાય કે નહીં? માલિનીબહેનના મનમાં બહુ વિચારો આવવા માંડ્યા. ઘેટાં ગણવા વિષે જાતજાતના સવાલો મનમાં ઉઠવા માંડ્યા. છેવટે એમણે નક્કી કર્યું કે આ વખત પૂરતું માત્ર ઘેટાં ગણવાનું જ રાખવું. એક તો બાજુમાંથી સંભળાતું ઘરરર ઘુઉમ્મ, ઘરરર ઘુઉમ્મ ઊંઘવા દે નહીં ને એકધારા વિચારો કરવામાં વિક્ષેપ પાડે. આમ વિચારીને માલિનીબહેને નક્કી કર્યું કે આ વખતે તો માત્ર ઘેટાં ગણવાનું જ રાખીએ. બીજી કોઈ વાર જરૂર પડશે તો…’ કારણ શું કે નિખિલભાઈનાં નસકોરાં તો રોજ બોલવાનાં જ છે. આ તો આ વખતે  પહેલી વખત માલિનીબહેનની ઊંઘમાં ખલેલ થઈ. બાકી આટઆટલા વર્ષો નીકળી જ ગયાં ને બીજાં ય કાઢવાનાં છે સ્તો!

માલિનીબહેને ઘેટાં ગણવાની પ્રક્રિયાનું આયોજન કરવા માંડ્યું. પોતે હાઇવે પર ઇનોવા કારમાં જઈ રહ્યાં છે. આમે ય તે હાઇવે પર મુસાફરી કરવા માટે ઇનોવા કાર જ જોઈએ, મારુતિ ફ્રન્ટીનું શું કામ? અને એ તો હવે બજારમાં ય રહી નથી એટલે માલિનીબહેને પોતે હાઇવે પર ઇનોવા કારમાં મુસાફરી કરી રહ્યાં છે એવી કલ્પના કરવાનું શરૂ કર્યું. ડ્રાઈવર મોટર ચલાવી રહ્યો છે, નિખિલભાઈ નહીં. આમે ય તે એ મૂરત ચોરીથી આ દિવસ સુધીમાં જાગતાં-સૂતાં, ખાતાં-પીતાં સાથે હોય જ છે તે કલ્પનામાં પણ સાથે? કંઈ જરૂર નથી. જાગતાં હોય ત્યારે તો નિખિલભાઈ ફ્રન્ટી ચલાવે અને પોતે સાથે બેઠાં જ હોય છે ને? પણ કલ્પનામાં તો ડ્રાઈવર ઇનોવા મોટરકાર ચલાવે છે અને પોતે પાછલી સીટ પર બેઠાં છે, બહાર પ્રકૃતિદર્શન થઈ શકે એટલા માટે બારીનો કાચ ખુલ્લો રાખ્યો છે. રસ્તા પર ઘેટાંનું મોટું ટોળું ચાલી રહ્યું છે. ઘેટાં આગળપાછળ થયા કરે છે. ઊંચા,પાતળા,કસાયેલા દેહવાળા,લાંબા પગવાળા,રંગીન કપડાં પહેરેલા બે-ત્રણ ભરવાડો,લાંબી ડાંગો લઇને ઘેટાંના ટોળાની સાથે ચાલી રહ્યા છે. ઘેટાં આગળપાછળ દોડતા જઈ રહ્યાં છે. એમાંથી એકાદ ઘેટું છૂટું પડી જાય છે. મોટરો, ખટારા, દ્વિચક્રી વાહનો, મોટી બસોથી હાઇવે ઊભરાઇ રહ્યો છે. ઘેટાં પોતાની ગતિથી નફકરા થઈને દોડી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં માલિનીબહેને ઘેટાં ગણવાનું શરૂ કર્યું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર.. એમણે ત્રીસ સુધી ગણ્યું. ત્યાં તો એક મોટરસાઇકલ ચાલક ઘેટાના ટોળા વચ્ચે ઘૂસ્યો. ઘેટાં આઘાંપાછાં થઈ ગયાં. માલિનીબહેનને ગણવામાં ભૂલ પડી. એમણે ફરીથી ગણવાનું શરૂ કર્યું. ફરીથી ચાળીસ સુધી ગણ્યું. ત્યાં તો સામેથી એક મોટરસાઇકલચાલક ટોળામાં ઘૂસ્યો. ફરી ગણતરીમાં ભૂલ થઈ. માલિનીબહેને ફરી ગણવાનું શરૂ કર્યું. દસ સુધી ગણ્યું ત્યાં તો એક મોટરસાઇકલચાલકની પાછળ બે-ત્રણ મોટરો, એક ખટારો, એક ટ્રેકટર ઘેટાના ટોળામાં ઘૂસી ગયાં. ઘેટાં વેરવિખેર થઈ ગયાં. ફરી ગણતરીમાં ભૂલ પડી. વળી પાછું શરૂ કર્યું માલિનીબહેને ઘેટાં ગણવાનું.

આમ ખલેલો, અડચણો, ભૂલો વચ્ચે પણ માલિની બહેને સાતસોસડસઠ ઘેટાં ગણી નાખ્યાં. વચ્ચે વચ્ચે ઘરસંસારની આધિ,વ્યાધિ,ઉપાધિઓના વિચારો આવે. આવતીકાલે સવારે શું શાક બનાવવું? કોથમીર તો ઘરમાં છે નહીં એટલે નિખિલભાઈને બહુ ભાવતું ભરેલાં રીંગણનું શાક તો  નહીં બનાવાય એનો વસવસો ય થયો. બાજુમાં ત્રણેક ફૂટ દૂરથી ઘરરર ઘુઉમ્મ, ઘરરર ઘુઉમ્મ તો ચાલુ જ હતું હજી ય. માલિનીબહેને સાતસોસિત્તેરમું ઘેટું ગણ્યું ત્યાં એમને વિચાર આવ્યો. અધધધ.. આટલા બધા ઘેટાંનો માલિક એક જ માણસ હશે? તો તો એ માણસ લખપતિ ગણાય કદાચ કરોડપતિ પણ હોઈ શકે. એક ઘેટું કેટલાનું થતું હશે?” કેવું છે નહીં? આપણે ગાય,ભેંસ,ઘેટાં,બકરાંના ભાવ તો જાણતા જ નથી! ટેલિવિઝનની સિરિયલ ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચને આવો સવાલ કદી પૂછ્યો જ નથી આપણાં જીવનમાં પશુઓની કેટલી મોટી ભૂમિકા હોય છે છતાં ય. એને સામાન્ય જ્ઞાનની ખામી ન ગણાય? માલિનીબહેને નક્કી કર્યું કે કાલે બપોરે આ વિષે માહિતી મેળવવી અને આગળ ગણવા માંડ્યું. સાતસો સત્યોતેર સાતસો અઠ્યોતેર,   … સાતસો સત્યાસી….

વળી પાછી એક મોટરસાઇકલ ટોળામાં ઘૂસી. માલિનીબહેન કંટાળી ગયાં. બહુ વિક્ષેપો પડે છે ગણવામાં. જવા દે નથી ગણવું. આટલાં બધાં ઘેટાં ગણ્યા તો ય ઊંઘ તો  આવતી નથી. હાઇવે પર ઇનોવા મોટરકારપ્રવાસમાંથી એ બહાર આવી ગયાં પથારીમાં તો હવે સહેજ નજીકથી, પોણાત્રણ ફૂટ દૂરથી સંભળાતું હતું, ઘરરર ઘુઉમ્મ,ઘરરર ઘુઉમ્મ…

હવે શું કરવું? ઊંઘ શી રીતે આણવી?  માલિનીબહેન ચિંતિત હતાં. ત્યાં તો એમને એક મોટી બૂમ સંભળાઈ, ‘જાગતે રહોઓઓઓ…’ સાથે લાકડી પછાડવાનો અવાજ. સોસાયટીનો ચોકીદાર પહેરો ભરતો હતો

માલિનીબહેનને થયું, ‘ભાઈ મારા, આમ બૂમો પાડીને બધાને શીદને જગાડે છે? અમારે જાગતા રહેવું હોત તો  તને પગાર આપીને શું કામ રાખ્યો હોત?  વધારામાં લાકડી પછાડે છે! તું આટલી ધમાલ કરે તો ચોર થાંભલા પાછળ સંતાઈ જાય. પકડાય જ નહીં. તારે ચોરને પકડવો હોય તો મૂંગો મૂંગો ફરને ભૈસા’બ.’ માલિનીબહેને વિચાર્યું કે કાલે સાંજે સોસાયટીના સેક્રેટરી સાથે આ વાતની ચર્ચા કરવી. હમણાં ઊંઘ લાવવાની છે. કેટલા વાગ્યા હશે?  પેલી લોલકવાળી ઘડિયાળ કાઢી નાખી તે સારું ન થયું. દર અડધા કલાકે ટકોરા વાગે અને ખબર પડે કે કેટલા વાગ્યા. કાઢી નાખી એ ઘડિયાળ, આમને લીધે. નવી ઘડિયાળનો શોખ થયો’તો. માલિનીબહેન ખીજાયાં. એક તો ઘરરર ઘુઉમ્મ, ઘરરર ઘુઉમ્મ અવાજો કરીને નિખિલભાઇએ એમની ઊંઘ બગાડેલી એનો ખીજવાટ હતો અને એમાં યાદ આવી ગઈ પેલી ટકોરાવાળી ઘડિયાળ. ત્યાં તો એમને યાદ આવ્યું ,ના,ના.એ ઘડિયાળ તો માળિયે પડી છે. એમ કંઇ એ નિખિલભાઈના કહેવાથી વસ્તુ કાઢી ન નાખે. સારું થયું યાદ આવી ગયું. કાલે જ ઉતરાવી લઇશ. યાદ આવી ગયું એટલે જીવને થોડી શાંતિ થઈ. હવે કદાચ ઊંઘ આવી જશે. આવતીકાલે સવારની રસોઈનું વિચારી રાખ્યું. સાંજે તો પ્રતિક્ષાબહેનને ઘેર જવાનું છે. પરમદિવસે સવારે તો રૂટિન રસોઈ પણ સાંજનું શું?  માલિનીબહેનનું વિચારમર્કટ બીજી ડાળીએ કૂદયું  અને પછી તો વિવિધ વિષયોના વિચારો, વિચારો વાવંટોળમાં ઊડતા પાંદડાની જેમ આમતેમ,આમતેમ માલિનીબહેન ઊડતાં રહ્યાં.

વખત વિતતો ગયો. ઊંઘ નહોતી જ આવતી. માલિનીબહેને ઊભા થઈને બારી બહાર નજર કરી. હજી રાત હતી. સહેજ અજવાળું થાય તો ઉઠી જવું. નરસિંહ મહેતાની સલાહ માનવી. ક્યાં સુધી આમ પથારીમાં પડ્યા રહેવું? ત્રણ સાડાત્રણ તો થયા જ હશે. શી ખબર સાડા ચાર પણ વાગ્યા હોય. પાંચ તો નહીં જ થયા હોય ચોક્કસ. એવામાં એમને ક્યાંક દૂરથી ક્વાર્ટ્ઝ ઘડિયાળનું એલાર્મ વાગતું સંભળાયું. ટું ટું ટું ટું અને તરત એક ઘાંટો. , ‘એલા એ ઊઠવું હોય તો ઉઠી જા નહીં તોં એલાર્મ બંધ કર . રોજ વહેલો ઉઠીશ કહીને  એલાર્મ મૂકે છે ને પછી ઊઠતો નથી. ગામ આખાની ઊંઘ બગાડે છે.’  એક ખીજાયેલો સ્વર બોલતો હતો. આ હુકમની જો કે કશી અસર થઈ નહીં. એલાર્મ વાગતું રહ્યું, ટું ટું ટું ટું ટું … અજાણપણે માલિનીબહેનનું ધ્યાન એ અવાજમાં કેન્દ્રિત થઈ ગયું. ધીરે ધીરે એમના શ્વાસોચ્છવાસ સ્થિર થયા, આંખ મળી ગઈ ઊંઘ આવી ગઈ. હાશ.

માલિનીબહેન જાગ્યાં.આંખો ખૂલી ને જોયું તો ઘરની પૂર્વ દિશાની બારીમાંથી તડકો છેક પથારી સુધી આવી ગયો હતો. સવારની સહજ પ્રવૃત્તિઓના અવાજો સંભળાતા હતા. એમણે બાજુમાં જોયું પથારી ખાલી હતી. નિખિલભાઈ ઉઠી ગયા હતા. માલિનીબહેન ઝડપથી બેઠાં થયાં અને એથી ય ઝડપથી પથારીમાંથી બહાર આવ્યાં ને લગભગ દોડતાં બેડરૂમની બહાર નીકળ્યાં. જોયું તો નિખિલભાઈ હાથમાં ચાનો પ્યાલો પકડીને છાપું વાંચતા બેઠા હતા. ‘અરે તમે ઉઠી ગયા?’ માલિનીબહેને નવાઇથી પૂછ્યું. રોજ તડકો મોં પર આવે તો ય માંડ ઉઠનારા નિખિલભાઈ આજે ઉઠી ગયા હતા. ચા પણ બનાવી દીધેલી! ‘અરે તમે ઉઠી ગયા?’ માલિનીબહેને પૂછ્યું.

‘હાસ્તો. ઊઠવું પડ્યું. તમારાં નસકોરાંથી જાગી ગયો. શું અવાજ કરો છો, શું અવાજ કરો છો? માણસ નછૂટકે જાગી જાય.’ નિખિલભાઈ અકળાઈને બોલ્યા. ‘આ તે કંઇ રીત છે?’ એમને છાપું જોરથી ટેબલ પર પછાડ્યું.

માલિનીબહેનની આંખો પહોળી, મોં ખુલ્લું ને ગળામાંથી એક જ અવાજ નીકળ્યો ‘હેં’.

સરનામું: સ્વાતિ મેઢ, ૧૦ / ૧૧૫, પરિશ્રમ એપાર્ટમેન્ટ્સ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫. email: swatejam@yahoo.co.in


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “મધ્યરાત્રીએ મેઘગર્જના – સ્વાતિ મેઢ

  • મનસુખલાલ ગાંધી

    કમાલ છે, આ તો જાણે મારા ઘરનીજ વાર્તા લાગે….

    લાગે છે કે આવા નસકોરા બોલાવવાવાળા અમે એક્લાજ નથી, અમારી ન્યાતની પંગતમાં આવે એવા બીજાઓ પણ છે, ખરુંને……!!!!

  • Ravi Dangar

    વાર્તાની ભાષાશૈલી યોગ્ય નથી અને કંટાળો ઉપજાવે એવી વાર્તા છે.

    બીજી રીતે કહીયે તો…

    આ વાર્તામાં વાર્તાના તત્ત્વો બરાબર જળવાયા નથી……..

  • ચિંતન આચાર્ય

    સરળ સામાન્ય અને હળવા હાસ્યા સભર વાર્તા.
    મારી પત્ની માલિનીબેન જેટલી સહનશીલ નથી.
    એણે મને એકલો મુકી બીજા રૂમ મા સૂવાનું નક્કી કર્યું છે.
    એટલે નિખિલભાઇ આમતો નસીબદાર કહેવાય.

  • રેના સુથાર

    વાહ સ્વતીબેન ..છેક સુધી પકડી રાખ્યા…હળવા હાસ્ય સાથે…મજા આવી